આ અંક (નિ. ૧૬/૧૦) ટપાલ થશે ત્યારે અમદાવાદને આંગણે એક મોટો અવસર ઊઘલી ગયો હશેઃ દરિયાપારના મિત્રોની ઉમંગી પહેલથી હાથ ધરાયેલ દર્શક વ્યાખ્યાનમાળાનું પ્રથમ વાર્ષિક વ્યાખ્યાન આપણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાજકીય ચિંતક પ્રો. ભીખુ પારેખ આપી ચૂક્યા હશે. એમણે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિ’ (‘ડિબેટિંગ ઇન્ડિયા’) એ વિષય ચહીને પસંદ કર્યો છે. જેમ અમર્ત્ય સેનનું ‘આર્ગ્યુમેન્ટેિટવ ઇન્ડિયન’ તેમ ભીખુભાઈનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તાજેતરનાં વર્ષોનું એક સમયસરનું, સમસામયિક એટલું જ દૂરવર્તી મહત્ત્વ ધરાવતું પ્રકાશન છે. અમર્ત્ય સેન અને ભીખુ પારેખના વિચારો આજના દિવસોમાં સવિશેષ મહત્ત્વના એટલા માટે પણ છે કે સ્વરાજનો સાતમો દાયકો પૂરો થવામાં છે એવે દેશમાં દિલ્હી સ્તરે વિરાજિત પરિબળો એક વૈકલ્પિક વિમર્શની આવડે એવી કોશિશમાં છે. આ કોશિશને, સ્વાતંત્ર્યસંગ્રામ અને પ્રજાસત્તાક સ્વરાજની હજુ હમણે લગીની કોશિશને પણ, જોવામૂલવવાની રીતે, સાતત્ય અને શોધન-રિપીટ, શોધન-ની રીતે જેમ નિકષ તેમ નીરક્ષીરવિવેક સારુ મહત્ત્વનું પાથેય સેન-પારેખ ઊહાપોહમાં પડેલું છે.
નિરીક્ષક ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ દર્શકના ૧૦૩મા જન્મદિવસ(ઑક્ટોબર ૧૫, ૨૦૧૬)નો જોગાનુજોગ આ ઊહ અને અપોહ વાસ્તે નિમિત્ત બને એનો આનંદ જ હોય. લોકભારતીના કૃષિ-સ્નાતકને વિશ્વના વિવિધ વિચારપ્રવાહોનીયે કંઈક ખબર હોય એની કાળજી અધ્યાપક દર્શક લેતા. ઉત્પાદક એ નાગરિક નથી અને નાગરિક એ ઉત્પાદક નથી, આ વિચારજુવારું ભાંગે એ એમની નિસબત હતી. દેશભરના કૃષિગ્રામવિદ્યાના અભ્યાસક્રમોમાં લોકભારતી સ્કૂલની આ પાયાની પહેલ હતી અને છે. દર્શકનાં, એ અંગેનાં વર્ગખંડનાં વ્યાખ્યાનો (કેટલાંક ધ્વનિમુદ્રિત, કેટલાંક કાચી હાથનોંધમાં) રામચંદ્ર પંચોળી અને રવીન્દ્ર પંચોળી દ્વારા સંપાદિત થઈ ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ શીર્ષકે ભીખુ પારેખનાં આવકારવચનો સાથે ગુજરાતવગાં થઈ રહ્યાં છે એનો અહીં વિશેષોલ્લેખ કરવો જોઈએ, ખાસ તો હમણાં જે વિમર્શકોશિશનો નિર્દેશ કર્યો તે સંદર્ભમાં.
આ વ્યાખ્યાનોમાંથી પસાર થતાં ભીખુ પારેખને શું લાગ્યું તે એમના જ શબ્દોમાં જોઈએ : “મનુભાઈનું આ પુસ્તક એ માત્ર પાશ્ચાત્ય વિચારોનું ક્રમબદ્ધ સરવૈયું નથી. તેઓ આ વિચારપરંપરાના મહત્ત્વના તબક્કાઓને પિછાણી શક્યા છે અને એનાં આગવાં પાસાં ઉજાગર કરી શક્યા છે. તદુપરાંત, તેઓ પાશ્ચાત્ય વિચારકોને ભારતીય અનુભવો સાથે જોડીને તેમના વિચારોને યોગ્ય ભારતીય દૃષ્ટાંતો આપી નિરૂપે છે. જરૂર પડ્યે ભારતીય વિચારકોને દાખલ કરી, તેમનો પાશ્ચાત્ય વિચારકો સાથે સંવાદ પણ ઊભો કરે છે, જે આ પુસ્તકનું એક અનન્ય પાસું છે. આ પુસ્તકમાં તેઓ પોતાના નાગરિકત્વના વિચારોને વિકસાવે છે અને જાહેર હિત માટે વ્યક્તિગત નાગરિક ધર્મને કેળવવાની ફરજને પણ નિરૂપે છે.” લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ઓપિનિયન પુરસ્કૃત દર્શક વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ સાથે ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ પુસ્તકનું દર્શક ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થવું, તે પણ અતીત-સામ્પ્રત-અનાગતના સંદર્ભમાં ગુજરાતછેડેથી ભારત સમસ્ત જોગ એક અચ્છું અર્પણ લેખાશે. કાશ, તે હિંદી-અંગ્રેજીમાં પણ ઉતરે!
આ અંકમાં ફાર્બસ ત્રૈમાસિકમાંથી ભીખુભાઈનું એક વિશેષ વ્યાખ્યાન ઉતાર્યું છે. એમાંથી પસાર થતાં વાચક જોશે કે ડેમોફિલિયા, પેટ્રિયટિઝમ, નેશનલિઝમ વિશે એક સુરેખ અભિગમનાં સંકેતો પડેલા છે. આપણે ત્યાં મે ૨૦૧૪ના પલટા સાથે જે.એન.યુ., કાશ્મીર, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને હવે ઉરી ઘટના નિમિત્તે ‘રાષ્ટ્રવાદ’ની વ્યાખ્યા અને સમજ અંગે જે મુદ્દા આગળ આવ્યા છે તે તપાસવા સારુ આ અભિગમ ઉપયોગી થઈ પડે એમ છે.
બંગભારતીય સાહિત્યમાં બંકિમથી રવીન્દ્રની અને ગુર્જરભારતીય સાહિત્યમાં મુનશીથી ઉમાશંકર-દર્શક ભણીની જે ગતિ છે એના મેળમાં ભીખુ પારેખનો ‘ડેમોફિલિયા’ પરનો, આ મારા માણસો છે કે પ્રજાપ્રેમનો, ઝોક ઠીક બેસતો આવે છે. નાગરિક ધર્મની (અને એને અનુષંગે રાજધર્મની) દર્શકની મીમાંસા એ રીતે જોવાસમજવા જેવી છે.
પેટ્રિયટિઝમ – નેશનલિઝમના સેળભેળ શોર વચાળે આજના લોકશાહી સંદર્ભમાં સોક્રેટિસનું બચાવનામું જોવા જેવું છે. ભીખુભાઈએ ચોક્કસ સંદર્ભમાં એનો ઉલ્લેખ પણ કર્યો જ છે. પણ અહીં ‘સોક્રેટિસ’ એ દર્શકકૃત નવલકથાનું સ્મરણ થઈ આવે છે. પોતે ગૃહમાં હતા અને ધારાસભ્યોની હરાજી જોઈ એના આંચકાથી દર્શકે લખેલી આ નવલકથા છે. એથેન્સની અન્યથા નમૂનેદાર લોકશાહીએ સોક્રેટિસનો ભોગ લીધો એની આખી દાસ્તાંમાં નહીં જતાં અહીં સારરૂપે બે વાનાંની જ જિકર કરીશું. લોકશાહીને ભયરૂપ જે બે તત્ત્વો કે પરિબળો એમાં જોવા મળે છે તે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’નાં છે. સ્વસ્થ, સમ્યક્, નિરામય મતઘડતરની પ્રક્રિયા બરાડાબહાદુરો અને ભળતીસળતી દલીલના ધંધાદારીઓ હસ્તક બલાત્કૃત ને અપહૃત શી બની રહે છે. આપણો જાહેર વિમર્શ આવા કોઈ કળણમાં ન ખૂંપે તે જોવાપણું છે.
તેથી સ્તો, દર્શક વ્યાખ્યાન સારુ, ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તરેહના ઊહ અને અપોહની પસંદગી, અને ‘નિરીક્ષક’ના તંત્રીસ્થાનેથી આ થોડીક નુક્તેચીની.
ઑક્ટોબર ૧૩, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 01-02