કોઈ ‘હાથ’ લાંબા કરીકરીને
આપણને બેઠા કરવાનું નાટક કરે
ને આપણે માંડ-માંડ બેઠા થઈએ, ના થઈએ
ત્યાં તો હાથ પાછો ખેંચી લે!
હા … હા … કરતાં કિકિયારે ચડે
ને આપણા હાથ હેઠા પડે!
માંડ કળ વળી ના વળી ત્યાં તો
બીજો ટપક્યો!
ભવાયાનો વેશ લઈ, ઢોલત્રાંસાનગારા સમેત ખાબકે
લઈ લો ભાઈઓબહેનો લઈ લો.
કમળસરખા સરસ દિવસે લઈ લોની બુમરાણ મચાવતા
કેસરિયા કરતાં હોય એમ નીકળી પડ્યાં છે ટોળેટોળાં,
ખભે ખેસ ને નવો વેશ!
પણ કમળફમળ તો ચ્યાંથી હોય ભૈ?
હોય તાજોમાજો, લિસ્સેલિસ્સો કાદવકીચડ ભરચક્ક ભરચક્ક
બહુ બધાએ બચાડાઓએ દોટ દીધી કમળ લેવા!
પણ એમની તો જે ભલી થાય, જે વલે થાય,
જે પટકાય, જે લપસાય, ને ભૈ જોવા જેવી થાય!
શંખણીઓ જ નહીં, રાતી ચાંચ લપટાણી,
લખમી જ નહીં, સરસ્વતી ય લપટાણી,
વિષ્ણુ જ નહીં, વિઠ્ઠલે ય લપટાણા,
પથરા જ નહીં, જવાહરે ય લપટાણાં,
બાળકો જ નહીં, વૃક્ષો ય લપટાણાં,
અવસરિયા જ નહીં, કલસરિયા ય લપટાણા
શેતાનો જ નહીં, સાધુઓ ય લપટાણા,
શિષ્યો જ નહીં, ગુરુઓયે લપટાણા.
ચારેકોર કાદવકીચડ કાદવકીચડ ભરચક્ક-ભરચક
પંચાયતોમાં ને પાલિકામાં ય,
નિશાળોમાં ને કૉલેજુમાં ય,
કોર્ટોમાં ને સભાઓમાં ય,
ધારાસભા ને લોકસભામાં ય
ચારેકોર કાદવકીચડ-કાદવકીચડ ભરચક ભરચક
ટટ્ટાર ચાલવાની વાત તો જવા જ દ્યો
આજકાલ તો બહુ મુશ્કેલ છે,
લપસ્યા વિના
કેવળ
ઊભા રહેવું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 20