ભારતમાં ક્રિકેટ સિવાયના ખેલકૂદમાં વધુ આર્થિક રોકાણ થવું જરૂરી છે જેથી એક સમયના ઑલિમ્પિક વિનરને વર્ષો પછી શાક માર્કેટમાં રોટલી રળવા ન ઊભા રહેવું પડે
એક આખું વર્ષ ટોક્યો ઑલિમ્પિક્સ પાછી ઠેલાઇ. વાઇરસે ટાઇમ ટેબલના આઇડિયાને ફગાવી દીધો છે એટલે ભલે એક વર્ષ મોડેથી પણ ટોક્યોમાં ખેલાઇ રહેલી ઑલિમ્પિક્સને લીધે લોકોમાં ઉત્સાહ ચોક્કસ વર્તાઇ રહ્યો છે. વળી ભારતીય ખેલાડીઓનો દેખાવ પણ પ્રભાવી રહ્યો છે એટલે ‘આપણને’ પાશેર લોહી ચઢ્યું છે. ભારતીય ખેલાડી હારી જાય ત્યારે ‘એ લોકો’ અને જીતે ત્યારે ‘આપણે’-વાળું ગણિત બધાં જાણે જ છે. પણ આજે આપણે ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ અને તેમની પાછળ સરકારના આર્થિક ટેકા સહિત ભારતમાં ક્રિકેટર સિવાયના ખેલાડી હોવું એટલે શું તે અંગે વાત કરીશું. ઑલિમ્પિક્સ આ વર્ષે રમાશે એવી જાહેરાત થઇ તે પહેલાં આપણે કેન્દ્રિય ખેલકૂદ મંત્રી કિરેન રિજ્જુએ દેશવાસીઓને અપીલ કરી હતી કે ક્રિકેટને જેટલો આવકાર-ટેકો અને પ્રોસ્તાહન અપાય છે તેટલો જ ઉત્સાહ-બૅકિંગ ઑલિમ્પિકના એથલેટ્સને પણ આપજો.
૨૦૨૦-૨૧ના વાર્ષિક બજેટમાં ભારત સરકારે ૨,૮૨૬.૯૨ કરોડ ખેલકૂદ માટે ફાળવ્યા અને આ રકમમાં ગયા ફાઇનાન્શિયલ વર્ષ ૨૦૧૯-૨૦થી ૫૦ કરોડ રૂપિયા વધારે છે. મોદી સરકારના ખેલો ઇન્ડિયા પ્રોગ્રેમના ભંડોળમાં પણ રૂ.૩૨૧.૪૨ કરોડનો વધારો કરાયો એટલે તેનું પૂરું બજેટ રૂ.૮૯૦.૪૨ કરોડ જેટલું થયું. બીજી તરફ નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડના ટોટલ બજેટમાં ૫૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો, જે અત્યાર સુધીમાં કરાયેલો સૌથી મોટો ઘટાડો છે. મેરિટ ધરાવતા ખેલાડીઓ માટેનું બજેટ પણ ચાળીસ ટકા ઘટાડાયું. વળી જ્યારે આ બજેટ ૨૦૨૦માં જાહેર કરાયું ત્યારે માથે તોળાતા રોગચાળાથી બધાં અજાણ હતા. આ ભંડોળ ભારતના ખેલાડીઓ માટે હોય છે પણ ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ સ્કીમ હેઠળ ઑલિમ્પિકના મૅડલ વિજેતાઓને આર્થિક મદદ પૂરી પડાતી હોય છે. ટોપ્સ એ ભારતના ખેલ મંત્રાલયનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય એથલેટ્સના પરફોર્મન્સને ગણતરીમાં લીધા બાદ તેમને કોચ, અન્ય સ્ટાફની ફીઝ, સ્પર્ધામાં ભાગ લેવા જવાનું ભથ્થું, ખિસ્સા ખર્ચ અને ખેલ માટે જરૂરી સંસાધનો લેવાની આર્થિક સહાય કરાય છે.
૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ટોપ્સ હેઠળ ભારત સરકારે ૩૬.૮૫ કરોડનો ખર્ચ કર્યો જેમાં સૌથી વધુ ખર્ચ શૂટિંગના ખેલ પર થયો હતો કારણ કે છેલ્લી ત્રણ ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનો સૌથી વધુ સારો દેખાવ શૂટિંગના ખેલમાં હતો. શૂટિંગ આમ પણ એક ખર્ચાળ ખેલ છે પણ તેમાં આપણને કોઇ મૅડલ પ્રાપ્ત ન થયો. ગત ઑલિમ્પિકમાં ટૉપ્સ હેઠળ જે ખર્ચો કરાયો તેમાંથી ૧.૬૬ ટકા જે લેખે લાગ્યો – એટલે કે પી.વી. સિંધુએ બેડમિંટનમાં અને સાક્ષી મલિકે રેસલિંગમાં મૅડલ મેળવ્યા, બાકી બધો ખર્ચો એળે ગયો.
બીજા દેશો સાથે સરખામણી કરીએ તો યુ.કે.એ સ્પોર્ટ્સના માળખા, તાલીમ અને વાર્ષિક સ્પોર્ટ્સ બજેટ ૯,૦૦૦ કરોડ જેટલું હોય છે. ૨૦૧૬ પહેલાં ભારતમાં યુ.કે.ના કુલ બજેટના માત્ર એક તૃતિયાંશ જેટલો ખર્ચ એટલે કે ૩,૨૦૦ કરોડ જેટલી રકમ યૂથ અફેર્સ અને સ્પોર્ટ્સ માટે કરાતો. ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ભારતના બે મૅડલ હતા તો યુ.કે.ના નામે જીતના ૬૭ મેડલ્સ હતા. આ વખતે શૂટર અભિનવ બિંદ્રાએ સોશ્યલ મીડિયા પર કોમેન્ટ કરી હતી કે યુ.કે.ને એક મૅડલ ૫.૫ મિલિયન પાઉન્ડનો પડ્યો અને ભારતમાં પણ જો આ સ્તરનું રોકાણ ખેલમાં થાય તો આપણે કંઇ આશા રાખી શકીએ બાકી તેનો કોઇ અર્થ નથી સરતો.
વળી ભારતીય ખેલાડીઓ માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનને પ્રાઇવેટ ફંડિગ પણ ૨૦૧૬ પહેલાં મળ્યું હતું. રિલાયન્સ જિઓ, અમુલ, ટાટા સૉલ્ટ, એડલવેસ ફાઇન્શિયલ સર્વિસ, જિંદાલ ગ્રૂપ વગેરેએ સારું એવું ભંડોળ ખેલાડીઓ માટે આપ્યું હતું. ૨૦૧૮માં ખેલ મંત્રાલયે એથલેટ્સને ૨૦૨૦ ઑલિમ્પિક માટે તૈયાર કરવા ૧,૦૦૦ કરોડનું ફંડિંગ નક્કી કર્યું હતું. આ મૅડલ માટેનું રોકાણ નથી પણ ખેલાડીઓનાં કૌશલ્યની ધાર કાઢવા માટેની સવલત છે. મૅડલ ભલે ગમે તેટલા આવે તે સફળતાનો માપદંડ ન હોઇ શકે. ભારતે ખેલ કૂદ ક્ષેત્રે વધુ રોકાણ કરવાની અને તેનો વહીવટ બહેતર થાય તે દિશામાં કામ કરવાની તાતી જરૂર છે.
આ સમજવું જરૂરી છે કારણ કે ઑલિમ્પિક જીતીને આવ્યા પછી અમુક મહિનાઓ સુધી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, વાહવાહી, સન્માન, ઘર સુધી જવાના રસ્તામાં સમારકામ એવું બધું ખેલાડીઓને ઘેરેલું રહે છે. પણ આપણે અનેકવાર એવા સમાચાર પણ સાંભળ્યા છે કે એક સમયે ઑલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરીને આવેલા ખેલાડીને બેરોજગારીના બોજ તળે જે કામ હાથમાં આવે તે કરી લે છે. હૉકીમાં ૪૧ વર્ષ પછી ઑલિમ્પિકમાં મૅડલ મેળવનાર ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારનારા દેશમાં ઢગલો છે, પણ સોશ્યલ મીડિયાની શુભેચ્છાઓ અને પછી જે થોડા ઘણા મેળાવડાઓ થશે તે પછી આ ખેલાડીઓનું શું થશે? હૉકી માટે તો કોઇ આઇ.પી.એલ. નથી અને ક્રિકેટ ટીમને જોવા જે ધાડેધાડા ઊમટે છે એવા આ એથલેટ્સ માટે ઊમટશે ખરાં? (કોરોનાવાઇસ છે એટલે આમ તો ન જ ઊમટવા જોઇએ પણ આ પ્રશ્ન પાછળની ભાવના છે ક્રિકેટના ખેલમાં રહેલું ગ્લેમર બીજા ખેલોમાં નથી ઝળકી ઊઠતું.)
બાય ધી વેઃ
જગ્યાની મર્યાદા હોવાને કારણે એ યાદી અહીં નોંધી નથી જેમાં ઑલિમ્પિકમાં જીતીને આવેલા ખેલાડીઓ શાકભાજી વેચવાથી માંડીને, પાણીપૂરી વેચવાના કામે વળગી જાય છે કારણ કે પછી થોડા સમયની વાહવાહી પછી પેટ ભરવાના સાંસા પડે. થોડીઘણી જાગૃતિ આવી છે એટલે હવે સાવ પહેલાં ખેલાડીઓની જે હાલત થઇ જતી તેવું નથી થતું પણ જે તે સ્પોર્ટ્સનું પૉપ્યુલારિટી મીટર પણ લાંબો સમય ચાલવું જોઇએ. વેઇટ લિફ્ટિંગમાં મૅડલ જીતનારી મીરાબાઇ ચાનુને ડોમિનોઝે આખી જિંદગી મફત પિઝા આપવાની ઓફર કરી છે તે સમાચાર હવે નવા નથી. મુદ્દો એ છે કે આ બધી ઝાકઝમાળ મૅડલ જીત્યા પછીની હોય છે. આ પહેલાં જે રોકાણ થાય છે તે વધવું જોઇએ, ખેલાડીઓની આર્થિક સ્વતંત્રતા, રોજગારીની સલામતી કે પછી ખેલમાં જ કારકિર્દી ક્યાંક નવા મુકામ પહોંચે તેની જવાબદારી આખા દેશે સહિયારી રીતે લેવી જોઇએ. સામાન્ય લોકો બીજું કંઇ ન કરે તો કંઇ નહીં પણ ક્રિકેટનું ગ્લેમર જેમ ક્યારે ય નીચે નથી ગયું તે રીતે બીજા તમામ ખેલને પણ પ્રોત્સાહન મળે તેવો અભિગમ કેળવવો જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2021