કોઈ પણ સંસ્થા વિશે સાંભળીએ કે ત્યાં જવાનું થાય, એટલે મનમાં સવાલોનું એક ચેકલિસ્ટ બની જાય. ચાંદોદ(કે ચાણોદ)થી માંડ દોઢ કિલોમીટરના અંતરે આવેલી ’ઓએસિસ વૅલી / Oasis Valleyની મુલાકાત વખતે પણ એવા સવાલો મનમાં હતા.
• સંસ્થાના કેન્દ્રમાં વ્યક્તિ છે કે વિચાર? ઘણે ભાગે શરૂઆત વ્યક્તિના વિચારને કેન્દ્રસ્થાને રાખીને થતી હોય છે, પણ ધીમે-ધીમે વ્યક્તિ પોતે કેન્દ્રસ્થાને આવી જાય છે, તો સંસ્થા એક જ વ્યક્તિની આસપાસ ગરબે ઘૂમે છે?
• સંસ્થામાં મુખ્ય વિઝન એક જ વ્યક્તિનું હોય તે એક વાત છે, પણ તેની સાથે બીજા (બીજી હરોળના નહીં, બીજા) લોકો સરખા ભાવે સંકળાયેલા છે?
• મુખ્ય વિઝન ધરાવતી વ્યક્તિ બીજા લોકોનું સાંભળે છે? કે પછી પોતે જે નક્કી કરેલું હોય તે જાહેર કરીને, તેની પર બીજાના મત લેવાની ઔપચારિકતા પૂરી કરીને, લોકશાહી રાહે સરમુખત્યારશાહી ચલાવે છે?
• મુખ્ય વિઝન ધરાવતી વ્યક્તિની હાજરીને મહત્ત્વના કાર્યક્રમોમાં કેટલી અનિવાર્ય માનવામાં આવે છે? અને એ ગેરહાજર ન હોય, ત્યારે તેમનો ઉલ્લેખ કેવો અને કેટલો થાય છે? તેમની ગેરહાજરીમાં બીજાં બધાંની દશા ધણી વિનાનાં ઢોર જેવી થાય છે?
• સંસ્થા કોઈ એક મુદ્દો પકડીને સાતત્યપૂર્વક કામ કરે છે? કે દર વર્ષે – બે વર્ષે મળતા (ફૉરેન કે દેશી) ફંડિંગ પ્રમાણે, પોતાના હેતુઓ બદલતી રહે છે અને દસ ફૂટનો એક ખાડો ખોદવાને બદલે, એક-એક ફૂટના દસ ખાડા ખોદ્યા કરે છે?
• બીજાના-દુનિયાભરના લોકોના અધિકાર કે સમાનતા માટે કામ કરતી સંસ્થાના પહેલી હરોળના લોકો તેમના પછીની હરોળના લોકો સાથે કેવી રીતે વર્તે છે? તેમનું શોષણ કરે છે? તેમની સાથે ભેદભાવ રાખે છે? તેમને નકરા નોકરિયાત ગણે છે?
• સંસ્થાનો વિસ્તાર થાય, ત્યારે તેની સંપત્તિનો વિસ્તાર થાય છે? કે કામનો? કે બંનેનો? સંસ્થાનો પથારો ફેલાય ત્યારે તેના હાર્દમાં રહેલી હેતુ વિશેની સ્પષ્ટતા અને તીવ્રતા જળવાય છે? કે વિસ્તારની સાથે મોળી પડતી જાય છે અને કેવળ આંકડાબાજીમાં સીમિત બનીને રહી જાય છે? (આટલા જિલ્લા, આટલા તાલુકા, આટલાં ગામ, વાત પૂરી.)
• સંસ્થામાં આત્મચિંતન અને સ્વસ્થ ટીકા માટે જગ્યા છે? તેને પ્રોત્સાહન મળે છે?
• બીજાનું હિત આયોજનબદ્ધ રીતે થઈ શકે, એ હેતુથી રચાયેલી સંસ્થા પોતે ક્યારે સ્થાપિત હિત બની જાય છે, તેની શરત રહેતી નથી. આવું થાય ત્યાર પછી સંસ્થાનો પથારો ટકાવી રાખવા માટે કરવાં પડે એટલાં બધાં જ સમાધાન કરવાની તેના સંચાલકોની તૈયારી હોય છે. તો સંસ્થા સ્થાપિત હિત બની ગઈ છે?
• સંસ્થામાં ધર્મસંસ્થાની જેમ જડ આચારવિચારોની કેવી બોલબાલા છે? સંસ્થા દેશભક્તિનો દાવો કરતી હોય, તો તેની દેશભક્તિ બીજા માટેના ધિક્કારમાંથી પેદા થયેલી છે? કે પોતાના દેશ પ્રત્યેના પ્રેમમાંથી?
• સંસ્થાની સાદગીમાં દંભની અને તેના વિવેકમાં ચાપલૂસીની ગંધ આવે છે? તેની સાથે સંકળાયેલા લોકોની કથની અને કરણીમાં તફાવત હોય એવાં કેટલાં ઠેકાણાં જણાય છે?
• સંસ્થા હકારાત્મકતાના નામે અનિષ્ટો પ્રત્યે આંખ આડા કાન કરવામાં માને છે? પ્રેમના નામે, સંઘર્ષ ટાળવાના નામે ખોટું ચલાવી લેવામાં માને છે? અધ્યાત્મના નામે યુનિફૉર્મવાળી કે યુનિફૉર્મ વગરની બાવાબાજીને પ્રોત્સાહન આપે છે?
• સંસ્થાની મુખ્ય ગણાતી વ્યક્તિ ન હોય, ત્યારે સંસ્થા કેવી રીતે કામ કરશે અથવા કામ કરી શકશે કે નહીં, એવું કોઈ દર્શન સંસ્થા પાસે છે?
સાર્થક જલસો-૫ના અંકમાં મિત્ર ક્ષમા કટારિયાએ અતિઆગ્રહને વશ થઈને અને ઘણા વિલંબ પછી છેવટે ‘ઓએસિસ’ની તેમની સફર વિશે લખ્યું. ‘ઓએસિસ’ વડોદરામાં યુવાઓ વચ્ચે વિશિષ્ટ રીતે કામ કરતી સંસ્થા હતી. પહેલા તબક્કાની તેની સફર ખાસ્સી વિશિષ્ટ, વિલક્ષણ અને ઝંઝાવાતી રહી. અગિયારમા ધોરણથી ઓએસિસ સાથે સંકળાયેલાં ક્ષમા કટારિયાએ તેમની નજરે એ તબક્કાની અનેક બાબતોનું ઝીણવટભર્યું અને સંયત આલેખન કર્યું. પહેલા તબક્કાનો અંત ભારે કડવો અને ઓએસિસ સાથે સંકળાયેલા લોકો માટે આંચકાજનક હતો. છતાં, એ ઘટનાના બે-એક દાયકા પછી તેના વિશે લખતી વખતે ક્ષમાએ અસાધારણ સંયમ દાખવ્યો અને કડવાશ નિતારીને કેવી રીતે લખી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
તેમાં ઉપસંહાર તરીકે નાનકડી નોંધ એ પણ હતી કે એ સમયે ‘પતી ગયેલી’ મનાતી ઓએસિસ હજુ સક્રિય છે, બલકે વધુ સક્રિય છે અને પોતાની રીતે કામ કરી રહી છે. ચાંદોદ પાસે ઓએસિસ વૅલી તરીકે ઓળખાતી નવ એકરની ઊબડખાબડ જગ્યામાં સરસ કૅમ્પસ તો છે જ અને વડોદરામાં ઑફિસ પણ ખરી. પરંતુ મૂલ્યોના શિક્ષણની ધરી પકડીને ગુજરાતનાં બીજાં અનેક કેન્દ્રોમાં સક્રિય છે અને વિસ્તરી રહી છે, એટલો ખ્યાલ હતો. પણ એ કામગીરીને આરંભે મૂકેલા સવાલોની ગળણીમાંથી ગાળી ન હતી. એટલે, એ નકરી માહિતી હતી, જેના વિશે મારો હકારાત્મક કે નકારાત્મક કશો અભિપ્રાય ન હતો. પૉઝિટિવ થિંકિંગના કે મૂલ્યશિક્ષણના નામે ચાલતા ગોરખધંધાથી ઍલર્જી હોવાને કારણે અને ‘ઓએસિસ’નાં ઘણાં પ્રકાશન મથાળાથી ‘એવાં’ લાગવાને કારણે મનમાં થોડો દગદગો પણ ખરો.
* * *
ક્ષમા સાથે દોસ્તીનો એવો સંબંધ છે કે તે મારી શંકાઓને પણ દોસ્તીના ભાગ તરીકે સ્વીકારી અને પ્રમાણી શકે. સાથોસાથ એવું પણ ઇચ્છે કે હું એકાદ વાર અનુકૂળતાએ ઓએસિસ વૅલી જાઉં અને જાતે જોઉં. આખરે બે-ત્રણ વર્ષ પછી એવો મેળ પડ્યો અને પરમમિત્ર, સાર્થક પ્રકાશનના સાથીદાર કાર્તિકભાઈ (શાહ) સાથે ઓએસિસ વૅલી જવાનું થયું. ૧૪મી ઑગસ્ટે સવારે પહોંચ્યા અને ૧૫મીએ સવારે નીકળ્યા. આ ચોવીસ કલાકથી થોડા વધુ સમયમાં, ઓએસિસના સ્થાપક અને અત્યારે પણ તેના મુખ્ય ચાલકબળ જેવા સંજીવ શાહની ક્યાં ય હાજરી ન હતી. સ્થૂળ રૂપે તો નહીં જ, આખો દિવસ ચાલેલી બેઠકોમાં વારંવાર આવતા અને અહોભાવમંડિત ઉલ્લેખો રૂપે પણ નહીં. સંજોગ એવો થયો કે ક્ષમાથી પણ અવાય એમ ન હતું એટલે કાર્તિકભાઈ અને હું સાવ અજાણ્યા સિત્તેર-એંસી લોકો વચ્ચે જઈ પહોંચ્યા. તેમાંથી માયાબહેન કે જૉલી જેવાં નામ ક્ષમાને કારણે કાને પડેલાં. એ સિવાયનાં તો નામ પણ પહેલી વાર સાંભળ્યાં.
કાર્યક્રમ ઍન્યુઅલ રિટ્રીટનો હતો, એટલે એક રીતે આખા વર્ષની કામગીરીનું સરવૈયું નીકળે. તેમાં કોર ટીમના સભ્યો હોય, બીજા ફૅસિલિટેટર તરીકે ઓળખાતા સ્વયંસેવકો હોય, મોટેરાં માટેની શિબિરોમાં ભાગ લેનારા લોકો હોય અને વિવિધ કાર્યક્રમો-શિબિરોમાં ભાગ લેનારાં કિશોર-કિશોરીઓ. આ બધાંમાં સૌથી મોટી અસર શહેરી-ગ્રામ્ય-આદિવાસી એમ ભારે વૈવિધ્ય ધરાવતાં કિશોર-કિશોરીઓની વાતો સાંભળીને થઈ. એ લોકો પોતપોતાની બોલીમાં જે આત્મવિશ્વાસપૂર્વક અને વૈચારિક સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત મૂકતાં હતાં, તેમાં પોપટિયું રટણ ન હતું. વચ્ચેના બ્રેકમાં તેમની સાથેની વાતચીતમાં તેમનો આત્મવિશ્વાસ અને કિશોરાવસ્થાએ હોવા જોઈએ, એવા ઉત્સાહની સાથે વૈચારિક ઊંડાણનો પાયો રચાવાની પ્રક્રિયાની પણ ઝાંખી મળતી હતી.
ઓએસિસનું કૅમ્પસ ભારે રળિયામણું ને આયોજનપૂર્વક, કુદરતને વીંખ્યા વિના બનાવેલું છે, પણ તેની વિગતમાં અત્યારે જવું નથી. ઘણા આશ્રમોનાં કૅમ્પસ રળિયામણાં હોય છે. કોઈ પણ સંસ્થાનું અસલી સૌંદર્ય આંતરિક હોઈ શકે અને ચોવીસ કલાકમાં તો એનો કેટલો ખ્યાલ આવે? પણ જે કંઈ જોવા સાંભળવા મળ્યું તેમાં, ખાસ કરીને કિશોર-કિશોરીઓની વાતમાં રહેલી નૈસર્ગિકતા અને જુસ્સો સ્પર્શી ગયાં. તેના વિવિધ કૅમ્પ (લાઇફકૅમ્પ, ડ્રીમઇન્ડિયા કૅમ્પ, લિવ-લવ-લર્ન કૅમ્પ)માં કેન્દ્રસ્થાને બાળકોને જવાબદારી-પૂર્વકની સ્વતંત્રતા આપવાની વાત છે. એટલે તેમને જવાબદારી અને સ્વતંત્રતાના, એમ બંને પ્રકારના અનુભવો આપવામાં આવે છે. આવું જ લિવ-લવ-લર્ન કૅમ્પમાં મોટેરાં સાથે કરવામાં આવે છે. તેમને મનમાં પડેલી અનેક ગાંઠો સાથે કામ પાડવાનું અને બાળકો સાથે કેવી રીતે કામ પાડવું, તેનું વ્યાવહારિક માર્ગદર્શન આપવામાં આવે છે. ટૂંકમાં, બીજાને જજ કરવાને બદલે કે તેમને સુધારવાનો ઉત્સાહ રાખવાને બદલે, તેમને ખુલ્લાસથી સ્વીકારવાની અને એ રીતે તેમને તેમની સારપોથી રૂબરૂ કરી આપવાની વાત છે.
આ બધું સાંભળવામાં બહુ સારું લાગે, પણ એની કોઈ સ્વિચ નથી હોતી કે એક વાર ઓએસિસ સ્વિચ પાડી આપે, એટલે બધું ફૂલગુલાબી થઈ જાય. આ રોજેરોજ કરવાની પ્રક્રિયા છે. જેને જાતે આવું ફાવે તે જાતે પણ કરી શકે, પરંતુ ઘણા બધા પાસે એ માટે જરૂરી સમજ કે સમય કે બંને નથી. આ બંને હોય એવા લોકો માટે પણ ક્યારેક પોતાની માપપટ્ટી કે પોતાની પદ્ધતિ સિવાયની પદ્ધતિથી આ કામ કરી જોવાનું આનંદદાયક નીવડી શકે છે. આજકાલ મૂલ્યશિક્ષણ આઉટડેટેડ ગણાય છે અને તેનો બીજો અંતિમ ગુરુકુળ ટાઇપની સંસ્થાઓ છે, જેમાં જૂનું એટલું બધું સારું, એવી જડતા રાખીને જૂનાની હાસ્યાસ્પદ લાગે એવી નકલ કરવામાં આવે છે. ઓએસિસના કાર્યક્રમો વિશે એવી છાપ પડી કે તે જૂના-નવાના ભેદ પાડ્યા વિના, જેમાંથી જે સારું છે તે લેવામાં માને છે. એટલે, તે નવા વિચાર, નવા કાર્યક્રમો અને નવી દિશાઓમાં જવાની મોકળાશ ધરાવે છે એવું પણ લાગ્યું. થોડા વખતથી તે શિક્ષકોને આ પ્રકારની સંવેદનશીલતા તરફ દોરવાના પ્રયાસ કરે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાના તથા પરિણામોના માનસિક તનાવમાંથી દૂર કરવાના યથાશક્તિ પ્રયાસ કરે છે.
ઓએસિસ પાસે જાદુઈ છડી નથી. એવી છડી કોઈની પાસે ન હોય. છેતરાવા માટે તલપાપડ હોય એવા લોકો જ આવી જાદુઈ છડીની અપેક્ષા રાખી શકે. એક દિવસમાં થોડું જોઈસાંભળી-અનુભવીને હું એવું સમજ્યો કે અત્યારના જીવનમાંથી સાવ મૂરઝાઈ ગયેલાં મૂલ્યોને-સંવેદનશીલતાને-ફરજોને અને સરવાળે માનવતાને નવપલ્લવિત કરવાની કોશિશ ઓએસિસના મિત્રો કરે છે. એમ કરવા માટે તેમની પાસે એક સુગ્રથિત માળખું છે, એ કામનો ઠીકઠીક અનુભવ છે – અને તે પોતાના પૂરતો રાખીને તેની રોકડી કરી લેવાને બદલે, તે નવા-નવા મિત્રો સાથે તેને વહેંચવા તૈયાર છે. તેમનું કામ એકલદોકલ છોડને નવપલ્લવિત કરવાનું નથી. માનવતાનાં જંગલનાં જંગલ સુકાઈ ગયાં છે. નકરા ગ્રાહકવાદના-ધિક્કારના-ધ્રુવીકરણના માહોલમાં પ્રેમ અને સમાનુભૂતિ જેવી લાગણીઓ ખોવાઈ ગઈ છે. તેને જગાડવાની છે અને આ કામ ફક્ત તેમનું નથી. સારી જિંદગી અને સારી દુનિયા ઇચ્છનાર સૌનું છે. એ કામ છે કરવા જેવું. તેમની સાથે મળીને ફાવે તો એ રીતે ને કોઈ કારણસર તેમની સાથે ન ફાવે તો જુદા રસ્તે. પોતાનો જ રસ્તો સાચો કે તે જ એકમાત્ર રસ્તો છે એવો ઓએસિસનો દાવો નથી. મૂળ વાત બાળકોના ઘડતરની, તેમને જવાબદારીપૂર્વકની સ્વતંત્રતા આપવાની અને તમામ ઉંમરના લોકોમાં મૂલ્યોના પ્રસારની છે. એક દિવસની ટૂંકી મુલાકાતમાં ત્યાં આવેલાં સૌની અને ખાસ કરીને કિશોર-કિશોરીઓની વાત સાંભળીને મને અને કાર્તિકભાઈને એવું લાગ્યું કે ઓએસિસમાં આ કામ ખાસ્સી અસરકારકતાથી થઈ રહ્યું છે.
– અને હવે ચેકલિસ્ટ.
• ઓએસિસના કેન્દ્રમાં સંજીવ શાહનું દર્શન અને માર્ગદર્શન છે. સંજીવ શાહને અગાઉ એકાદ વાર વડોદરામાં મળવાનું થયું હતું. એ પછી મળ્યો નથી. પણ ઍન્યુઅલ રિટ્રીટમાં સંજીવ શાહ હાજર ન હતા. તેમની ગેરહાજરીનો ભાર પણ ન હતો. બાપજીએ કહ્યું છે કે …, બાપજી માને છે કે .., બાપજી હંમેશાં કહેતા કે … આવી કોઈ બાપજીગીરી સંજીવ શાહના નામે ત્યાં ચાલતી જોવા મળી નહીં. આનંદ થયો.
• સંસ્થાના નિર્ણયોમાં લોકશાહી વિશે એક દિવસની મુલાકાતમાં કહી શકાય નહીં. પણ ત્યાં જે શીખવવામાં આવે છે, તેમાં લોકશાહી મુખ્ય છે. ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં તો બાળકો જ પોતાની સંસદ ચલાવે ને પોતાના કાયદા બનાવે, ચર્ચાઓ કરે અને પોતે કોઈ બાબતે ફૅકલ્ટી સાથે અસંમત હોય, તો પોતાની તાર્કિક અસંમતિ પણ તે પકડી રાખે, એવું તેમને શીખવવામાં આવે છે.
• ઉપરના વર્ણનમાં કહ્યું તેમ, સંજીવ શાહની તો ઠીક, મિત્ર ક્ષમા કટારિયાની ગેરહાજરી પણ એક દિવસમાં અમને ક્યાં ય વરતાઈ નહીં અને એવું ન થયું કે એ હોત, તો વધારે સારું થાત.
• ઓએસિસનાં કામ અને ક્ષેત્રો વિસ્તરી રહ્યાં છે, પણ એ દરેકમાં સ્મિત સાથે કામ કરવાનું, બાળકો પર ત્રાસ નહીં ગુજારવાનું, બાળકોને જવાબદારીનું ભાન અને સ્વતંત્રતાનો સ્વાદ કરાવવાનું, મોટેરાંમાં રહેલી સંવેદનાઓને ઢંઢોળવાનું અને સારા નાગરિક બનવાનું કેન્દ્રસ્થાને હોય છે. એ કૉમન મિનિમમ પ્રોગ્રામ હોય એવું લાગે છે.
• ઍન્યુઅલ રિટ્રીટમાં જે રીતે સંસ્થામાં રસોઈ કરતાં ને સફાઈ કરતાં બહેનોને આગળ બોલાવીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું તે દેખાડાથી નહીં, પણ દિલથી થયેલું લાગતું હતું. બીજાને કૅમ્પમાં જે શીખવવામાં આવે છે, તે બાજુનાં ગામડાંમાંથી આવતી આ બહેનોને પણ ભૂતકાળમાં શિખવાયું હતું ને ભવિષ્યમાં પણ શિખવાતું રહેશે, એવી આશા રાખી શકાય.
• સંસ્થાની કામગીરી વિસ્તરે છે, પણ અમદાવાદ સહિતનાં બીજાં શહેરો સંસ્થાની મિલકતો ઊભી કરવાનો ખ્યાલ નથી અને એ બહુ ઇચ્છનીય છે. આવા ઠેકાણે કાર્યક્રમો હોય, ત્યારે એટલા દિવસ પૂરતી જગ્યા ભાડેથી લેવામાં આવે છે. હવે તો બે-બે કલાકના કેટલાક કોર્સ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી ઓછો સમય મળે કે કોઈ સ્કૂલ ખચકાતી હોય, તો તે બે કલાકનો કોર્સ આપીને ચકાસી શકે કે આ લોકો ખરેખર શું કરાવવા માગે છે.
• મિલકતો-સંપત્તિઓ ઓછાં, એમ સમાધાનો કરવાની મજબૂરી ઓછી. એટલે ઓએસિસ વૅલી અને વડોદરા ઑફિસ સિવાય ઓએસિસ બીજે મિલકતો ઊભી ન કરે એ જ શ્રેયસ્કર છે અને હું એવું સમજ્યો કે ઓએસિસના મિત્રો પણ એવું જ વિચારે છે.
• ઓએસિસમાં સ્વામી વિવેકાનંદને અને દેશસેવાને વારેવારે યાદ કરવામાં આવે છે, પણ તે ચાલુ અર્થમાં નહીં. દેશ એટલે દેશના લોકો અને દેશસેવા એટલે દેશના લોકોની સેવા — એ અર્થમાં. પહેલાં સ્વામી વિવેકાનંદ અને દેશભક્તિની વાતો સાંભળીને જરા શંકા પડે, પણ આ સંદર્ભ જાણ્યા પછી સારું લાગે છે.
• સંસ્થામાં દંભી સાદગી દેખાતી નથી. ભોજન ચટાકેદાર નથી હોતું, તેમ બેસ્વાદ પણ નહીં. અભિગમ આનંદવિરોધી નથી ને જલસા મારવાનો પણ નહીં.
ઓએસિસની કામગીરી જે દિશામાં કામગીરી ચાલી રહી છે, તેમાં માર્ગદર્શન, સતત આત્મમંથન અને નાનામોટા દિશાસુધારનો અવકાશ છે જ. તે કેટલી હદે થાય છે, એનો એક દિવસમાં ખ્યાલ ન આવે. પણ બધાની વાતો સાંભળતાં લાગ્યું કે એ પ્રક્રિયા કેવળ ઉપલા સ્તરે નહીં, દરેક સ્તરે થતી હશે. તેમાં મુશ્કેલીઓ પણ આવતી હશે અને ધીમે-ધીમે તેના ઉકેલ પણ નીકળતા હશે.
ઓએસિસની વેબસાઈટ : https://www.oasismovement.in/
સૌજન્ય : urvishkothari-gujarati.blogspot.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 10-11