ક્રાંતિ જેનું નામ એનું અર્થગૌરવ તે સમતા અને સ્વતંત્રતાલક્ષી આર્થિક-સામાજિક કાર્યક્રમમાં રહેલું છે.
વડાપ્રધાને નવમી ઑગસ્ટે મધ્ય પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ ખાતે એક વિશેષ સમારોહ વાટે સન બયાલીસનાં પંચોતેરમા વરસની તો સન સુડતાળીસના સિત્તેરમા વરસની શરૂઆતનો બુંગિયો ઠીક બજાવ્યો! ભાજપ શ્રેષ્ઠીઓ એક પખવાડિયાના ગાળામાં આવાં એકસો પચાસ જેટલાં વડેરાં સ્થાનકોએ ખાબકી સ્વતંત્રતાસંગ્રામનાં સ્મરણો તાજાં કરવા ઈચ્છે છે, અને એકવાર જંગે ચઢ્યા એટલે પછી કાર્પેટ બૉમ્બિંગથી ઓછું તો કશું ખપે જ શાનું.
બૉમ્બિંગ તો ખેર છોડો, જ્યાં સુધી કાર્પેટનો સવાલ છે, એક મુદ્દો કદાચ એ છે કે સંઘ પરિવારે કશુંક કાર્પેટ તળે દબાવવા જેવું તો નથી ને. સ્વરાજસંગ્રામમાં તમે ક્યાં હતા, એ સવાલ બાબતે સ્વાભાવિક જ સંઘ પરિવાર પાસે ખરો ને પૂરો ઉત્તર નથી. ક્રાંતિકારી પૂર્વરંગ ધરાવતા સાવરકર, વીસમી સદીનો ત્રીજો દાયકે બેસતે ‘હિંદુત્વ’(હિંદુ ધર્મ નહીં પણ એક રાજકીય વિચારધારા)નો થીસિસ લઈને આવ્યા. પ્રાંતિક સ્વરાજ પછી મુંબઈ રાજ્યની કૉંગ્રેસ સરકારના નિર્ણયથી રત્નાગિરી જિલ્લાની નજરબંધ કેદમાંથી બહાર આવ્યા, પણ 1947 સુધી ક્યાં ય સ્વતંત્રતાની લડતમાં દેખાયા જ નહીં.
સંઘના સ્થાપક હેડગેવારે 1930માં વ્યક્તિગત ધોરણે સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસમાં થોડાક કૉંગ્રેસમેનોને કદાચ સંઘમાં રંગરૂટ પણ કીધા, પણ સ્વતંત્રતાની લડતમાં સંઘની સામેલગીરી સંસ્થાગત તો શું કોઈ નોંધપાત્ર સમૂહગત પણ નહોતી. 1942માં ‘ક્વિટ ઇન્ડિયા’ના માહોલમાં ‘લડું લડું’ની શિબિરચર્ચાઓ પછી એકદમ કેમ સોપો પડી ગયો એ વિશે સંઘના સિધ્ધાંતકોવિદ દેવેન્દ્ર સ્વરૂપ પણ ચોક્કસ જવાબ શોધી શક્યા નથી. અહીં અપેક્ષિત અવલોકનમુદ્દો માત્ર અને માત્ર એટલો જ છે કે સંઘ પરિવાર પાસે બ્રિટિશ હકુમત સામેની સ્વરાજલડતનો સીધો વારસો નથી. એટલે એ જેમ વિશાળ પ્રજાવર્ગને સ્વરાજલડતની યાદ આપવા માગે છે તેમ એને ખુદને પણ એની જરૂર છે. અલબત્ત, આથી જે મંડળો ને વર્તુળો આ વારસો ધરાવે છે એમની જવાબદારી ઓછી નથી થતી, કેમ કે ઝુઝારુ પૂર્વજો એ નિષ્ક્રિય નવપેઢીનો અવેજ નથી તે નથી.
અહીં જો કે બીજું એક વાનું પણ ચર્ચામાં પ્રસ્તુત બની રહે છે. જેમાં વ્યાપક પ્રજાવર્ગની સીધી હિસ્સેદારી હતી એવી કૉંગ્રેસ ઉર્ફે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રેરિત લડતોથી ઉફરાટે જે સશસ્ત્ર ક્રાંતિકારીઓ હતા એમને અંગે સવિશેષસંધાન અને અધિકાવિધ અનુસંધાનપૂર્વક પેશ આવવું, એ આ પરિવારની એક વિશેષતા રહી છે. જે પણ બલિદાની જીવનો આપણી સામે આવ્યાં, એનો તો અલબત્ત આદર જ આદર હોય. સન બયાલીસમાં, અહિંસાના રંગે રંગાયેલ તરુણ સમાજવાદી વિનોદ કિનારીવાલાએ સામી છાતીએ ગોળી વહોરી હતી.
એનું એક સોજ્જું ચરિત્રચિત્ર બિપિન સાંગણકરની દિલી જહેમત અને વિશ્વકોશની સક્રિય અનુમોદનાથી સુલભ છે. એ વાંચતાં આ અહિંસક લડતના યાત્રીને ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાની જીવનની કેવીક તો ઉત્કટ અપીલ હતી એ સમજાઈ રહે છે. ગાંધીના અને ક્રાંતિકારીઓના અભિગમ વચ્ચેનો ભેદ ઉઘાડો છે, પણ યુવા પેઢીને ગાંધીનેહરુપટેલ સાથે રહેતે છતે ક્રાંતિકારીઓના બલિદાની આતશની અતોનાત અપીલ હતી.
સ્વરાજલડત બાબતે લોકને જગવતે જગવતે અને ગજવતે ગજવતે પોતે પણ જાગી શકે તો નવા રાજકીય-શાસકીય અગ્રવર્ગની સેવામાં આજના સંદર્ભમાં એક વિશેષ અવલોકન પણ લાજિમ છે. તે એ છે કે દેશની ક્રાંતિકારી ચળવળે જે યુવા પ્રતિભામાં (ભગતસિંહમાં) પોતાની શીર્ષ અનુભૂતિની ધન્યતા અનુભવી – એની વિશેષતા ન તો કોઈ સાંકડો કે કોમી રાષ્ટ્રવાદ હતો, ન તો કોઈ કેવળ સત્તાપલટો હતો. વીસમી સદીના પહેલા ત્રણ દાયકામાં ‘વંદે માતરમ’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ સુધીની જે વિચારયાત્રા સધાઈ એનો સારસંદેશ એ હતો કે ભાવનાની ભભક અને ભીનાશનું ગૌરવ જરૂર છે, પણ ક્રાંતિ જેનું નામ એનું અર્થગૌરવ તે સમતા અને સ્વતંત્રતાલક્ષી આર્થિક-સામાજિક કાર્યક્રમમાં રહેલું છે.
કાર્પેટ બૉમ્બિંગ કાર્યક્રમની જાહેરાત પછી ચર્ચા સરકારી માધ્યમોમાં જોવાસાંભળવા મળે છે એમાં એ એક મુદ્દો ખાસ ઊપસી રહે છે કે સ્વરાજ્યને સુરાજ્યમાં તબદિલ કરવું રહે છે. એન.ડી.એ.-1 વખતે વન્સ અપોન અ ટાઇમ અડવાણીએ એક વાત પક્ષપરિવારને ભારપૂર્વક કહેવા કોશિશ કરી હતી કે હવે ગવર્નન્સ (સુશાસન) અગ્રતા માગી લે છે, અને એમાં આપણી આઇડિયોલોજી બાધક બનવી જોઈએ નહીં. મનકી બાત અને મૌનકી બાત વચ્ચે તંગ દોર પરની નટચાલમાં માહેર નમોએ છેક છેવટે કથિત ગોરક્ષકોને આડે હાથ લેવાની નોબત આવી તે એન.ડી.એ.-1 વખતનાં એન.ડી.એ.-2 જોગ હિચવચનોના પડઘારૂપે જરૂર ઘટવી શકાય.
પણ સુશાસન એ કોઈ રૂટિની વહીવટી મામલો માત્ર હોઈ શકતો નથી. અંકુશ અને સમતુલાના દોરણે રચાયેલાં સત્તામંડળો અને શાસકીય ચુસ્તી પોતપોતાને સ્થાને જરૂર મહત્ત્વનાં છે. પણ લોકપરક આંચકા અને ધક્કાના સાતત્ય વિના એમાં સપ્રાણતા હોઈ શકતી નથી. શાસકીય છેડેથી આવા લોકપરક આંચકા બાબતે જેટલે અંશે સમુદાર સંવેદનશીલતા દાખવાય એટલે અંશે સાર્થક સપ્રાણતા શક્ય બને તો બને. આ સંદર્ભમાં ઘરઆંગણે ગુજરાતના એકબે મુદ્દા આગળ કરું તે પહેલાં રાષ્ટ્રીય સ્તરના એકબે પેરેલલ તરફ ધ્યાન દોરવા ઈચ્છું છું.
વડાપ્રધાન જ્યારે ચંદ્રશેખર આઝાદના ગૌરવગાનમાં હતા ત્યારે સુદૂર ઈશાનમાં ઈરોમ શર્મિલા એનાં વર્ષોનાં અનશન સમેટી લડાઈનો જુદો મોરચો ખોલવાની ગણતરીએ પારણાં કરી રહી હતી. એન.ડી.એ.-1, યુ.પી.એ.1-2 અને એન.ડી.એ.-2 એમ ચાર ચાર સરકાર વ્યાપી આ અનશન આપણી શાસન પ્રથામાં સમુદાર સંવેદનશીલતા કેટલી ઓછી હશે એની એક મિસાલ છે. વસ્તુત: કૉંગ્રેસ અને ભા.જ.પ. બેઉના વડપણવાળી સરકારો હેઠળ સન બયાલીસ અને સન સુડતાળીસનાં પચાસ વરસ કે પ્રજાસત્તાકનાં પચાસ વરસનાં ઉજવણાં થયેલાં છે.
રથી અડવાણીએ સ્વરાજનાં પચાસ વરસે સુરાજ્ય યાત્રા યોજવાપણું જોયું હતું. ભા.જ.પ. તો (સંઘ પરિવારગત સંદિગ્ધ સંકેતો છતાં) કટોકટીરાજ સામે લડ્યાનું ગૌરવ લઈને ચાલે છે. છતાં, આ કોઈને ઈરોમ શર્મિલા નિમિત્તે બાકી સ્વરાજલડાઈનો સંસ્પર્શ કેમ નહીં થતો હોય? ન જાને. (આવો જ સવાલ સોની શોરીની છત્તીસગઢ યાત્રા સંદર્ભે પણ સત્તાકીય પ્રતિષ્ઠાનોને પૂછવો રહે છે.)
આ રીતે જોઈએ તો અમદાવાદથી આરંભાઈ ઉના ભણી જઈ રહેલી દલિત અસ્મિતા યાત્રા એ સન સુડતાલીસના સિત્તેરમા વરસની સાર્થક ઉજવણીની મિસાલરૂપે ઉભરી રહી છે. સમાજનો દલિત તબકો પૂરા કદના નાગરિક તરીકે આત્મ પ્રતિષ્ઠાની લડત વાસ્તે બહાર આવે એમાં જો આજની રુગ્ણ સામાજિક દશાનો એક સંકેત છે તો આવતીકાલે હોઈ શકતા નરવા સ્વાસ્થ્યની એક આશા પણ છે. યાત્રાના છઠ્ઠા દિવસે બોટાદમાં, એનું અભિવાદન કરવામાં પાટીદારો, બ્રહ્મસમાજ અને સથવારા સમૂહ પણ જોડાયાના હેવાલો સમાજશરીરમાં ચયઅપચય તેમ જ રુધિરાભિસરણની પ્રક્રિયા ક્યારેક ધોરણસર થઈ શકવા અંગે ધરપત બંધાવે છે.
નમોકાળના આખરી તબકક્કામાં ગુજરાતે બીજી પણ એક કૂચ જોઈ હતી – મહુવાથી ગાંધીનગરની. આ બે કૂચોના સંધિસ્થાને ન્યાયી નવસમાજનો એજન્ડા પડેલો છે. એમના સંગમતીર્થને જેટલા વધુ યાત્રીઓ મળી રહેશે, સ્વરાજસિત્તેરી એટલી સાર્થક – સપ્રાણ બની રહેશે.
સૌજન્ય : ‘સાર્થક સ્વરાજ’, “દિવ્ય ભાસ્કર”, 13 અૉગસ્ટ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-justice-new-community-agenda-article-by-prakash-n-shah-gujarati-news-5394913-NOR.html