Opinion Magazine
Number of visits: 9508047
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૂપુર શર્માનું સસ્પેન્સન વહેતા જખ્મ પર બેન્ડેડ સમાન છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2022

કોઈ પણ દેશના રાજદૂતોને સાગમટે કામ કરવાનું ત્યારે જ આવે, જ્યારે તેમનો દેશ બીજા કોઈ દેશ સાથે યુદ્ધમાં સામેલ થયો હોય. જેમ કે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે એ બંને દેશોની દુનિયાભરની રાજધાનીઓમાં પથરાયેલી એલચી કચેરીઓમાં કામ વધી ગયું હતું. એક સાથે તમામ રાજદૂતોઓએ યુદ્ધમાં તેમના યજમાન દેશોનું સમર્થન મેળવવા માટે અધરાત-મધરાતે દીવા બાળવા પડ્યા હતા.

કંઇક એવી જ હાલત, ખાડી દેશોમાં ભારતની એલચી કચેરીઓની 5મી અને 6ઠ્ઠી જૂને થઇ હતી. એ કોઈ યુદ્ધનો માહોલ તો નહોતો, પરંતુ કતાર, ઓમાન, કુવેત, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાન, યુ.એ.ઈ., બહેરીન, ઈરાન, લીબિયા, તુર્કી અને આ તરફ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, માલદીવ તેમ જ ઇન્ડોનેશિયાના વિદેશ વિભાગોએ, ભારતીય એલચીઓને બોલાવીને કે તેમના કાર્યાલયોમાં બયાનો જારી કરીને, જે રીતે ભારતીય અધિકારીઓને જવાબો કે સ્પષ્ટતાઓ આપવા ફરજ પાડી, તે એક નાનકડી લડાઈથી ઓછું નહોતું.

નજીકના ભવિષ્યમાં આવું પહેલીવાર બન્યું હતું. છેલ્લે કદાચ 1999માં, કારગીલ યુદ્ધ વેળા ભારતીય એલચીઓને સાગમટે વિદેશી રાષ્ટ્રો સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવાનું બન્યું હતું. એ પછી આ અઠવાડિયે એક સાથે આટલા બધા ભારતીય એલચીઓ મુસ્લિમ દેશોમાં લાગેલી ડિપ્લોમેટિક આગને ઠંડી પાડવાનું ભગીરથ કામ કરવાનું આવ્યું હતું. કેમ?

ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની (હવે ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભા.જ.પ.ના પ્રવક્તા નવીન કુમાર જિન્દલે મહોમ્મદ પૈગંબરને લઈને કરેલી એક અભદ્ર ટીપ્પણીનાં પગલે મુસ્લિમ દેશોમાં ભડકો થયો હતો. નૂપુર શર્માએ, 27 મેના રોજ, “ટાઈમ્સ નાઉ” ચેનલ પર જ્ઞાનવ્યાપી મસ્જિદ વિષય પરની એક ડિબેટ દરમિયાન, પૈગંબરના અંગત જીવનને લઈને બેજવાબદાર ટીપ્પણી કરી હતી. એ ડિબેટની એક વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ હતી.

ફેક ન્યૂઝ પર ફેક્ટ-ચેકિંગ કરતી “ઓલ્ટન્યૂઝ” નામની વેબસાઈટના પત્રકાર મોહમ્મદ ઝુબેરે, ટ્વીટર પર સૌ પહેલાં નૂપુર શર્માની આ ભડકાઉ ટીપ્પણી પર લોકોનું અને ખાસ તો દિલ્હી પોલીસમાં ધ્યાન ખેંચ્યું હતું. પાછળથી, નવીન કુમાર જિન્દલે પણ પૈગંબરનું અપમાન થાય તેવી ટ્વીટ કરીને બળતામાં ઘી હોમ્યું હતું. એમાં નૂપુર શર્માએ “મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે” તેવું કહીને મોહમ્મદ ઝુબેર સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરીને ટ્વીટમાં એવો દાવો કર્યો હતો કે તેના ઇન્ટરવ્યૂને એડિટ કરીને મુકવામાં આવ્યો છે. વધારામાં, નૂપુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ ટેગ કર્યા હતા.

દેખીતી રીતે જ, ઝુબેર પરનો એ આરોપ ખોટો હતો, કારણ કે ત્યાં સુધીમાં તો ચેનલ પરની આખી ડિબેટનો વીડિયો વાઈરલ થઇ ગયો હતો, જેમાં સ્પષ્ટ રીતે જ નૂપુર જે બોલી હતી એ જ સંભળાતું હતું. બીજી બાજુ, નૂપુર સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી, તેને મદદ કરવા માટે ગોઠવાયેલા એક ઇન્ટરવ્યૂમાં નૂપુરે કહ્યું હતું કે, “વડા પ્રધાનની ઓફિસ, ગૃહ પ્રધાનની ઓફિસ અને પાર્ટી અધ્યક્ષની ઓફિસનો તેને ટેકો છે.”

મુસીબત શરૂ થઇ 3જી જૂને. એ દિવસે વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિદ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ત્રણે એ દિવસે કાનપુર ગ્રામ્યમાં રાષ્ટ્રપતિના વતનના એક કાર્યક્રમમાં ઉપસ્થિત  હતા. એ જ વખતે, શુક્રવારની નમાજ પછી કાનપુર શહેરમાં નૂપુર શર્માની ટિપ્પણીને લઈને તોફાનો ફાટી નીકળ્યાં. ટ્વીટર પર તેને લઈને માહોલ ગરમ હતો, ત્યારે જ દેશના અને રાજ્યના ત્રણ સર્વોચ્ચ વડાની હાજરીમાં તોફાનો થાય તે હકીકતની ઉપેક્ષા થાય તેવું નહોતું.

વિશ્વનું ધ્યાન ખેંચાયું

નૂપુર શર્મા અને ભા.જ.પ. આ વિવાદથી પીછો છોડાવા મથી રહ્યા હતા, પણ મેળ ન પડ્યો. જે નુકશાન થવાનું હતું તે થઇ ચુક્યું હતું. ભા.જ.પ. કે સરકારને કંઈ સમજાય તે પહેલાં, આંતરરાષ્ટ્રીય સ્તરે તાબડતોબ નૂપુરના બયાનના પડઘા પડ્યા. સૌથી પહેલાં ઓમાન સલ્તનતના વરિષ્ઠ મુફ્તી અહેમદ બિન હમાદ અલ ખલીલીએ આકારો પ્રત્યાઘાત આપીને કહ્યું કે ભા.જ.પ.ની પ્રવક્તાની ટીપ્પણી “પ્રત્યેક મુસ્લિમ સામે યુદ્ધ” છે. તેનાં પગલે ખાડીને દેશો પણ જાગ્યા અને એક પછી એક તેમણે નૂપુરના બયાનને વખોડતાં નિવેદનો બહાર પાડ્યાં અને ભારતના એલચીઓને બોલાવીને ઠપકો આપ્યો. કુવેતે તો માંગણી કરી કે ભારત સરકાર આ ટીપ્પણી બદલ માફી માંગે.

ભારતને એ ખબર ન પડી કે મધ્ય પૂર્વ અને વેસ્ટ એશિયાનાં વિવિધ ઇસ્લામિક રાષ્ટ્રોમાં, પૈગંબરને લઈને થયેલી અભદ્ર ટીપ્પણીને લઈને જબરદસ્ત ગુસ્સો ભરાઈ રહ્યો હતો. અમુક રાષ્ટ્રોમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર પણ શરૂ થયો હતો. વારાફરતી કુલ ૧૬ દેશો અને ૫૭ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને ભારતની નિંદા કરી અને નૂપુર તેમ જ જિંદલ સામે કડક પગલાંની માંગણી કરી. અધૂરામાં પૂરું, આતંકના વૈશ્વિક સંગઠન અલ-કાયદાએ “પૈગંબરની માન-મર્યાદાની રક્ષા કરવા માટે” ગુજરાત, મુંબઈ, ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી જારી કરી.

ભારત માટે એક જબ્બર ડિપ્લોમેટિક સંકટ સર્જાયું હતું. મોટા ભાગના મુસ્લિમ દેશો ભારતના અત્યંત મધુર સંબંધો છે. જે કુવેતે ભારત પાસે માફીની માંગણી કરી હતી, ત્યાં મહેમાન બનેલા મોદીએ તો એવું કહ્યું હતું કે “કુવેત મારું બીજું ઘર છે.” ખાડીના દેશોમાં કુલ 89 લાખ ભારતીયો નોકરી-ધંધો કરે છે. આ દેશોના સૌથી મોટા રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ ભારતીયોની માલિકીની છે. એકલા સંયુક્ત આરબ અમિરાતની કુલ આયાતમાં ભારતની હિસ્સો ૯૨ ટકા છે. ભારતનું અડધો અડધ રેમિટેન્સ યુ.એ.ઈ., સાઉદી અરેબિયા, કતાર, કુવેત અને ઓમાનમાંથી આવે છે. ભારતનું ૬૦ ટકા ક્રુડ ઓઈલ ખાડી દેશોમાંથી આવે છે.

ભારતમાં છેલ્લા ઘણા વખતથી ટેલિવિઝનની ડિબેટોમાં કે જાહેર રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં મુસલમાનો વિરુધ બેરોકટોક ગમે તેમ બોલવામાં આવતું હતું. ખાસ કરીને, જ્યારે પણ કોઈ ચૂંટણી હોય ત્યારે ધાર્મિક ઉન્માદ જગાવવામાં આવતો હતો. ત્યાં સુધી કે કોણ વધુ કટ્ટર છે તેની જાણે હરીફાઈ થતી હોય તેવાં બયાનો કરવામાં આવતાં હતાં. એમાં ન્યૂઝ ચેનલોને ટી.આર.પી. દેખાતી હતી એટલે ડિબેટો જ એવી રીતે ગોઠવવામાં આવતી કે અભિવ્યક્તિની આઝાદીના નામે હિંદુ-મુસ્લિમ ધર્મના કથિત “રખેવાળો” ગમે તે હદ સુધી જતા હતા. નૂપુર શર્મા અને જિંદલે “વહાલા” થવાની હરીફાઈમાં એવું નિવેદન કર્યું હતું જે બદનસીબે ભારતમાં મુસ્લિમો પૂરતું સીમિત રહે તેવું ન હતું. શિવલિંગના વિવાદમાં પૈગંબરને ઢસડવા જતાં મુસ્લિમ દેશો ઊભા થઇ જશે એવું બંનેએ વિચાર્યું નહીં હોય અને વિચાર્યું હોય તો પણ “ઉપરથી ટેકો છે” એવો આત્મવિશ્વાસ પણ હશે.

સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે આ વણ જોઈતી મુસીબત હતી. એક અઠવાડિયા પહેલાં જ, ભા.જ.પ.ની સરકારનાં 8 વર્ષ થયાં તેનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન મોદીએ રાજકોટમાં ગૌરવ સાથે કહ્યું હતું કે આઠ વર્ષમાં તેમણે એક પણ કામ એવું નથી કર્યું કે ભારતનું માથું શરમથી ઝૂકી જાય. અને અહીં, એક સાથે ૧૬ દેશો ભારતની નિંદા કરી રહ્યાં હતાં અને માફી માગી રહ્યાં હતાં. સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, પણ નૂપુર શર્માના એક બયાને શરમજનક સ્થિતિ ઊભી કરી હતી.

દસ દિવસ સુધી નૂપુર શર્માના નિવેદન સામે આંખ આડા કાન કર્યા પછી, મુસ્લિમ દેશોના દબાવમાં આવીને આખરે ભા.જ.પ. અને સરકારે નિર્ણાયક કદમ ઉપાડવું પડ્યું, પહેલાં તો પાર્ટીએ બયાન જારી કરીને નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલની ટીપ્પણીથી ખુદને અલગ કરી. એ પછી એક બીજું બયાન જારી કરીને નૂપુર શર્માને છ વર્ષ માટે અને જિંદલને કાયમ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પાર્ટીએ કોઈ નામ લીધા વિના કહ્યું કે, “ભા.જ.પ. કોઈ પણ ધર્મના વડાના અપમાનને સખ્ત શબ્દોમાં વખોડે છે. ભા.જ.પ. કોઈ પણ ધર્મ કે સમુદાયનું અપમાન કરે તેવી વિચારધારાની વિરુદ્ધમાં છે. ભા.જ.પ. આવા વિચારો કે વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી નથી. અમુક “ફ્રિન્જ તત્ત્વો”ની ટિપ્પણીઓ ભારત સરકારનો મત નથી,” વળતાંમાં, નૂપુર અને નવીનને પણ તેમની બયાનબાજીની ગંભીરતા સમજાતાં માફી માગી અને પાર્ટીના નિર્ણયને માથે ચઢાવ્યો.

હવે શું?

રાજકીય વિચારકો માને છે કે ભારત અને મુસ્લિમ દેશોના સંબંધો પરસ્પર સ્વાર્થ આધારિત છે, એટલે આ બંને પ્રવક્તાઓ સામે લેવાયેલાં પગલાંથી વિવાદ શાંત થઇ જવો જોઈએ. ભારત માટે ખાડી દેશોમાં મોટી સંખ્યામાં રહેતાં ભારતીયોની સલામતી અગત્યની છે. એ દેશોને પણ ભારતીયોની અને ભારતમાંથી ચીજવસ્તુઓની આયાતની જરૂર છે. ખુદ મોદી અનેક દેશોમાં જઈને આ આર્થિક સંબંધો મજબૂત કરી આવ્યા છે. બંને પ્રવક્તાઓ પર તલવાર વિંઝાઈ તેનાથી દેશોને સંતોષ થશે અને ભા.જ.પે. પણ સરકારની સાખ બચાવવા માટે બંનેનો ભોગ લેવામાં મોડું ના કર્યું.

સરકાર સ્તરે આ દેશો હવે કોઈ ફરિયાદ નહીં કરે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભારત કેટલો વિભાજીત દેશ છે તેની ખબર વિશ્વને ખબર પડી ગઈ છે. મોદી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે ગાંધી અને બુદ્ધની, અહિંસા અને સર્વધર્મ સમભાવની, શાંતિ અને સહિષ્ણુતાની વાતો કરતા હોય છે. ભારતમાં હિંદુ-મુસ્લિમના ધ્રુવીકરણના સમાચારો દેશ-દરાજ જતા તો હતા, પણ તેને આંતરિક મામલો ગણીને વિશ્વ ધ્યાન આપતું નહોતું.

પરંતુ પૈગંબરને નિશાન બનાવીને ભારતે તેની જાંઘને ખુલ્લી કરી નાખી છે. મંચ પરથી થતાં ભાષણો અને જમીન પરની હકીકતમાં કેટલો વિરોધાભાસ છે તે વાત હવે દુનિયાની નજર બહાર નહીં જાય. અત્યાર સુધી હેટ સ્પીચ ભારતના શ્રોતાઓના કાન પૂરતી સીમિત હતી. પહેલીવાર તેના શબ્દો દુનિયાના શ્રોતાઓના કાને વાગ્યાં.

વિડંબના એ છે કે, ભારતને આ વખતે અમેરિકા જેવા પશ્ચિમી રાષ્ટ્રોએ માનવાધિકારનું લેકચર આપ્યું નહોતું (હજી આ અઠવાડિયે જ, અમેરિકાએ જારી કરેલા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્યના રિપોર્ટમાં, ભારતમાં ધાર્મિક સ્થળો અને માણસો પર વધતા જતા હુમલાઓથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી). આ વખતે ભારતને તેની ઉદારતા અને સર્વધર્મ સમભાવની ભવ્ય પરંપરાની યાદ અપાવનારાં એ રાષ્ટ્રો હતાં જે ખુદ અનુદાર અને ધાર્મિક છે.

ભારતના રાજકીય પક્ષો અને પ્રબુદ્ધ નાગરિકો સમય-સમય પર નફરતી ભાષણોથી દેશને, સરકારને ચેતવતા હતા, પરંતુ તેમને સાંભળવાને બદલે તેમને જ દેશદ્રોહીનાં લેબલ ચીટકાડીને કલંકીત કરવામાં આવ્યા હતા. આજે વિશ્વના દેશોએ એ જ નફરત સામે અવાજ ઉઠાવ્યો તો ભા.જ.પે તેના અધિકૃત પ્રવકતાઓ વિરુદ્ધ તાબડતોબ કાર્યવાહી કરી, એટલુ જ નહીં, તેણે તેના પ્રવકતાઓ અને નેતાઓએ હવે પછી શું બોલવું અને ના બોલવું તેની ગાઈડલાઈન્સ જારી કરી છે.

સસ્પેન્સન અને ગાઈડલાઈન્સ બંને આવકારદાયક કદમ છે, પણ એ પૂરતાં છે? દુનિયામાં ભારતની નિંદા થઇ તેના બીજા દિવસના સંપાદકીય લેખમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે સંક્ષેપ્તમાં પણ માર્મિક રીતે તેનો જવાબ આપ્યો હતો. તે લખે છે, “દુનિયાને બતાવવા માટે થઈને નફરતી બયાનની ટીકા કરવી એ વહેતા જખ્મ પર બેન્ડેડ ચોંટાડવા જેવું છે. સરકાર જો એમ માનતી હોય કે (ટી.વી. પર) બે સાઉન્ડ-બાઇટ્સ એ સમસ્યા છે અને બે સસ્પેન્સન તેનું સમાધાન છે તો તે ભૂલે છે. લઘુમતીઓને નિશાન બનાવતાં શાસક પક્ષના સભ્યોના મોઢામાંથી આવતાં નફરતી ભાષણો જ અસ્વીકાર્ય છે.

એનાથી ખતરનાક વિભાજન ઊભું થાય છે અને એમાં દેશનું અહિત છે. આવો સંદેશો (પાર્ટીમાં) છેક ઉપરથી આવવો જોઈએ. એના માટે ખાડીના કોઈ દેશની જરૂર નથી.”

પ્રગટ : ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 June 2022 admin
← કે.કે. નાની ઉંમરમાં કેવી રીતે યુવા દિલોની ધડકન બની ગયો
મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલની 150મી જયંતી … →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved