એમનું ખરું નામ શું હતું એ તો ખબર્ય નથી; પણ અમે બધાં એમને ‘વીજલમા’ કહેતાં. હું સમજણી થઈ ત્યારથી અમારા ઘર્યે આવતાં જોતી. મધ્યમ કાઠી, એકવડિયો; પણ ખડતલ બાંધો. પરસેવાથી ઝગારા મારતું, છૂંદણાંવાળું મોં. મોઢા પર અને આખ્યુંમાં એવું તેજ જે એમને બાકીનાં બધાંથી નોખાં તારવે … ભૂખરી જીમી, કાળો પછેડો ને ભૂખરું કાપડું પહેર્યું હોય … કાનમાં ઢગલોએક રૂપાની વાળિયું પહેરેલાં વીજલમા એમના વાસની બાકીની બાયુંની જેમ કાનમાં ઠોળિયાં ને હાથમાં બલોયાં કેમ નો’તાં પેરતાં એ તો મોટાં થયાં ત્યારે સમજાયેલું. આપણે ત્યાં સ્ત્રી પરણેલી છે કે વિધવા છે તે વગર કીધે સમજાઈ જાય એવાં ધારાધોરણો સમાજે ઊભાં કરી આપેલાં છે અને ડાહીડમરી સ્ત્રીઓ હોંશે હોંશે એ પાળતી આવી છે. ધણીના લાંબા ગામતરા પછી વીજલમાએ ત્રણેય દીકરિયુંને એકલા હાથે સારે ઠેકાણે વરાવી–પરણાવી … વાર–તે’વારે અમારા ઘરમાં પાલી–બે પાલી બાજરી–જાર ઠાલવી જતાં, અમારા હાથમાં રૂપિયો–રડો પકડાવી જતાં વીજલમા અમારાં શું સગાં થતાં’તાં ? બા એને માશી કે’તાં. દાડી–દપાડી કરીને પેટનો ખાડો ભરતી આ ડોશી મારી બાને દેવામાં કોઈ દા’ડો ચૂક્યાં હોય એવું હૈયે નથી ચડતું … એક દી પૂછી નાખ્યું કે, ‘વીજલમા, તમે મારી બાનાં શું સગાં થાવ ? તો જવાબ મળ્યો, ‘બટા, તારી માનીને મારી પિયરની એક દશ … બે જ ગાઉનો ગાળો … હું એની ‘દશ–માશી’ થાઉં … તારી માને મા નઈં અટલે પશી મારે જ ટાણું હાસવવાનું હોય ને ?’
અઠવાડિયે પંદર દા’ડે વીજલમા એકાદ આંટો જરૂર મારે … જઈં આવે તઈં એના પશેડાના છેડે કાંક્ય ને કાંક્ય બાંધ્યું જ હોય … ફળિયામાં પાર વગરના ખાટલા ઢાળેલા હોય; પણ ઈ ધરાર હેઠાં જ બેહે … અમે રાડ્યું નાખીએ … ‘વીજલમા આંયા મારી પાંહે આવતાં રયો, ઘણો માગ સે …’ પણ ઈ ધરાર બેઠાં હોય ન્યાંથી નો હલે … ‘ના બુન, હું મારે આંયા કણે ઠીક સું …’ અમે જેમ જેમ મોટાં થતાં ગયાં, સમજણાં થતાં ગયાં. એમ એમ અમારો વિરોધ સજ્જડ થતો ગયો. આવું કેમ ? એ પ્રશ્ન ધાર પકડતો ગયો. વીજલમા આવે એટલે અચૂક ચા મેલાય. અમારા ઘરને ફરતી આરપાર કાંય નો દેખાય એવી મોટી ડીંડલિયા થોરની વાડ્ય હતી. વાડ્ય માલીપા કંઈક જીવજંતું પડ્યાં રયે, જાતભાતનાં પંખી માળા બાંધે … ઈ વાડ્યની એક બખોલમાં એક ડાંડલા વગર્યનો કૉપ પડ્યો રયે, કાયમ … જેવી ચા કીટલીમાં ગળાય કે તરત જ વીજલમા ઊભાં થાય. ફળિયામાં માંડેલી કોઠીએ જઈને પેલો કૉપ વીછળે, પછી એમાં ચા ગળાય ને મારું મગજ ફાટી જાય … હું ધરાર રકેબીમાં ચા ગાળું; પણ વીજલમા નો લ્યે … ‘ના બુન, અમે ઢેઢ કેવાઈં, તમારો ધરમ અભડાય તો મું નરકમાં પડું …’ ને હું મનોમન એવા ધરમને મણ મણની જોખીને દેતી. આમે ય અભડાવાની વાતે હું કાળઝાળ થઈ જતી પેલેથી જ .. અમારા કેટલા ય ગોઠિયા અમારા ગોળાનું પાણી નો પીતાં … ને કેટલાયને ઘર્યે ‘ખોબો ધર્ય, પાણી રેડું’ કે’વાતું … નાની હતી ત્યારે તો ખોબો ધરતી; પણ સમજણી થઈ ત્યારથી નક્કી કરેલું કે જે આપણાથી અભડાય એનાથી આપણેયે અભડાવું … એના ઘરનું પાણી અગરાજ ગણવું … હવે એમાં મારા જ ઘરમાં વીજલમા રકેબીમાં ચા નો પીવે ઈ કેમનું ખમાય ? પણ મરતાં લગી એમણે એમનો એ ડાંડલા વગર્યનો કૉપ ન મેલ્યો તે ન જ મેલ્યો .. મારા ઘર્યે મેમાન આવે એટલે વીજલમા ‘લે બુન, સા–મોરસના પૈસા … હંધાય હાટું અસલની રગડા જેવી ચા મેલ્ય જોઈં …’ કહીને બેસે … એના ઘરની ચાથી અભડાવાય એટલે આવો રસ્તો નીકળે … અમારી અકળામણથી મારી બા કે વીજલમા કોઈનું રુંવાડુંયે નો ફરકે … વીજલમાને પેટમાં દુખે ત્યારે હાથ–પગ–પેટ બધું ચોળી દેતી મારી મા કે ખાવા–પીવાની નાનીથી મોટી ચીજ અમારી ઓસરીમાં ઠલવી જતાં વીજલમા .. આ બેઉનું અભડાવું મને કોઈ દી ગળે ન ઉતર્યું.
અમારા ઘરમાં એ કાઠાં વર્ષોમાં ગમે તેટલા ટાંટિયા સંકોરીએ તો ય ચાદર ટૂંકી જ થાતી’તી. ઘરમાં ચૂલાનો દેવતા ટાઢો પડવાની તૈયારીમાં હોય, નાખી નજરે કોઈ નો દેખાતું હોય, તંઈ છેલ્લે બા વીજલમા પાંહે હાથ લાંબો કરે … ને ઈ ડોશી ગમે ન્યાંથી સો–બસોની સગવડ કરી દ્યે … પોતે વ્યાજે લાવે ને મારી બાને ઉછીના દ્યે … દર ખીહર્યે પોટલું લઈને આવે : ‘લે બુન, આ ખીહર્યનો ખીસડો …’ પોટલામાં બે–અઢી પાલી ઘઉં, બાજરી કાં તો જાર્ય હોય. ઓસરીમાં ઠાલવતાંક બે–ત્રણ રૂપિયા અમારા હાથમાં પકડાવીને વાજોવાજ નીકળી જાય ફળિયા બા’રાં … મારી બાના નિમાણા મોઢા સામે જોવાની એમનામાં હામ નો’તી. બધા વાર–તેવાર ભૂલ્યા વગર સાચવે. તલ, ડોડા, ચીભડાં, શીંગ, બોર, શેરડી … મોસમે–મોસમની ચીજુંનો ફળિયામાં ઘા કરતાં જાય .. એમના ઘર્યે કાંય વાડી–વજીફાં નો’તાં .. ઈ પોતે દાડિયું કરતાં .. ને ન્યાંથી જે મળે એમાં અમારો ભાગ અચૂક પાડે … દાડિયું હાલે ન્યાં લગી દાડી કરે ને ઉનાળાના માથું ફાડી નાખતા તડકામાં ડુંગરે–ડુંગરે રખડી–રવડીને પાણકંદા ખોદે અને વેચે … ને તોયે ઈ કાઠા કાળમાં એણ્યે મારી બાને કેટલી વાર મદદ કરી હશે ઈ તો ઈ બે જાણે … ને ત્રીજો ઉપરવાળો જાણે, જો હોય તો … કારેક ખીહર્યનો ખીસડો તો કંઈક નવા વરસની બોણી … સાતમ્ય–આઠમ્ય ને ભીમ અગિયારસ … તેવારના આપણે ક્યાં દુકાળ સે ? વીજલમાને દેવા માટે બહાનાં નો’તાં કાઢવાં પડતાં ને મારી માને એમની પાંહેથી લેવામાં નાનમ નો’તી લાગતી … પણ જાતી જિન્દગીએ જંઈ કર હાલતા બંધ થ્યા તંઈ આ ડોશીની લાચારી કોરી ખાતી … જેના ધણીએ જિન્દગી આખી દીધું જ હોય ને સપનામાં ય હાથ લાંબો નો કર્યો હોય … એની જીભ માગતાં ઉપડે કેમની? ને અમારા ઘરમાં તો ઉઘાડો ઉઘાડાને શું ઢાંકેના ખેલ હતા … પણ મોટીબેન કમાતી થઈ પછી થોડા–ઘણા દેતી થઈ … પૈસા લ્યે; પણ રાતાં પાણીએ રોતાં જાય … ‘અરે બુન, આ દીકરીની કમાણી ખાઈને મું કયે ભવ સુટવાની?’ એવું બોલતાં જાય … ફાર્મસી પૂરું કરીને હું ઍલેમ્બીકમાં ટ્રેઈની તરીકે જોડાઈ. મહિને ૪૫૦ રૂપિયા મળતા. મારા પેલ્લા પગારમાંથી મેં ૫૦ રૂપિયાની નોટ વીજલમા માટે સાચવી રાખેલી. ઘરની બા’રાં નીકળ્યાં ત્યારે રસ્તા વચાળ જઈને મેં ઈ નોટ એમને દીધી ત્યારે નીતરતી આંખે એમણે જેટલા આશીર્વાદ આપેલા એટલા તો કદાચ મારી માએ પણ કોઈ દી નહીં દીધા હોય …
(નવેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત થયેલા લેખિકાના પુસ્તક ‘સમ્બન્ધોનું આકાશ’ (કુલ પાન : 71+8; કિમ્મત રૂપિયા 80; પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – ‘સ્વમાન પ્રકાશન’, આલ્ફા ભવન, 12– સુહાસનગર, સેલ્સ ઇન્ડિયાની પાછળ, ઑફ આશ્રમ રોડ, દિનેશ હૉલ રોડના છેડે, સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં, અમદાવાદ – 380)
સર્જક–સમ્પર્ક : eMail : skvijaliwala@yahoo.com
સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 302 – August 10, 2014
અક્ષરાંકન ઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com