ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત શાયર મરીઝ સાહેબનો એક સરસ શેર છે ઃ મોત વખતની આ અય્યાશી નથી ગમતી મને મરીઝ, કે હું પથારી પર રહું ને ઘર આખું જાગ્યા કરે …'
ખૂબ યોગ્ય સમયે આ શેર યાદ આવી ગયો. દેશની સુપ્રીમ કોર્ટે યુથેનેસિયા (શાબ્દિક અર્થ દયા કે અનુકંપાથી અપાતું મોત, ભાવાર્થ સ્વેચ્છા-મૃત્યુ) વિશે વિચારવાનું કહીને ચર્ચા છેડી. યોગાનુયોગે બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઑફ લોર્ડઝ્ – ઉમરાવ સભામાં પણ આ જ મુદ્દે લોર્ડ ફાલ્કનર નામના સભ્યે ચર્ચા શરૂ કરી હતી. આપણા દેશમાં દોઢસો વરસ બ્રિટિશ રાજ હતું અને આપણા મોટા ભાગના કાયદા બ્રિટિશરોએ ઘડેલા છે એ પણ યાદ રાખવા જેવી વાત છે. યુથેનેસિયા વિશે આગળ વાત કરીએ એ પહેલાં વિશ્વવિખ્યાત ભૌતિકવિદ્ સ્ટીફન હૉકિંગને યાદ કરી લઈએ. સ્ટીફને પોતે એકરાર કર્યો છે કે જીવનના એક તબક્કે મેં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. સ્ટીફને યુથેનેસિયાનેા સ્વીકાર કરવાની હાકલ પણ કરી હતી. એ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ હિટ નીવડી. દુનિયાના ઘણા દેશોએ એનો બાકાયદા સ્વીકાર કર્યો છે. સૌથી પહેલો સ્વીકાર ૨૦૦૨ના એપ્રિલમાં નેધરલેન્ડે કરેલો. રૉયલ ડચ મેડિકલ એસોસિયેશનના જણાવવા મુજબ આ દેશમાં વરસે પંદર હજાર લોકો સ્વેચ્છા-મૃત્યુ દ્વારા જીવન સંકેલી લે છે. નેધરલેન્ડના પગલે બેલ્જિયમે પણ ૨૦૦૨માં જ યુથેનેસિયાને બહાલી આપી.
જર્મની અને સ્વીત્ઝર્લેન્ડમાં એને 'એક્ટિવ આસિસ્ટેડ સૂસાઇડ' જેવું રૂપાળું નામ આપ્યું છે. આ નામ જો કે વાજબી એટલા માટે છે કે જે વ્યક્તિ સાજી થવાની નથી અને તમામ તબીબી સહાય નિરર્થક બની રહી છે એ નિષ્ણાત ડૉક્ટરની સહાયથી જીવનનો અંત આણે છે. સવાલ એ છે કે આપઘાત અને યુથેનેસિયા વચ્ચેનો ફરક શી રીતે સ્પષ્ટ કરવો ? એક સત્યઘટના જણાવું. ગયા સપ્તાહે અમારા એક પાડોશી 'કાન્તિભાઈ'ને ઑફિસમાં જ લકવાનો એટેક આવ્યો. અડધું અંગ અચેતન થઈ ગયું. એમનાં પત્ની હયાત નથી. બે દીકરી પરણેલી છે, પોતપોતાને ઘેર છે. એક દીકરી અને એક દીકરો આઠમા-નવમા ધોરણમાં ભણે છે. માતા હયાત નથી અને પિતા બિછાનાવશ થઇ ગયા. હવે આ પરિવાર શું કરે ? બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ આ ચર્ચા કલાકો સુધી ચાલી. અમેરિકા અને યૂરોપના દેશોમાં યુથેનેસિયાનો પ્રબળ વિરોધ કેથોલિક ચર્ચ કરે છે. ચર્ચની દલીલ એવી છે કે જીવન મરણ માણસના હાથની વાત નથી. માટે યુથેનેસિયાને કાયદાનું પીઠબળ ન આપી શકાય. આ લખાતું હતું ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટના આખરી નિર્ણય વિશે જાણી શકાયું નહોતું.
પરંતુ એક વાત વિચારવાની છે. દુઃસાધ્ય બીમારીનો ભોગ બનેલી અને પોતાની સાથે આખા કુટુંબને સતત પીડાનો અહેસાસ કરાવતી વ્યક્તિ ઇચ્છે તો મોત કેમ ન માગી શકે ? પોતે ઊગરવાની શક્યતા નિષ્ણાત તબીબોની દ્રષ્ટિએ ઝીરો હોય તો આખા ય પરિવારને ઊજાગરા કરાવવાની અને ડૉક્ટરોનાં બિલ ચડાવ્યે રાખવાની કોઈ જરૂર ખરી કે ? જીવનથી કંટાળીને કે વેપાર-ધંધામાં ખમી ન શકાય એવું નુકસાન થવાથી નાસીપાસ થઇને આપઘાત કરવા જનાર વ્યક્તિની મનોદશા અલગ બાબત છે અને અસાધ્ય બીમારીનો ભોગ બનેલી વ્યક્તિની હતાશા (ડિપ્રેસન) અલગ બાબત છે. ખોટા લાગણીવેડા કે વેવલાવેડામાં સરકી ગયા વિના આ વાત વિચારવાની છે. ઘણા દેશોએ યુથેનેસિયા સાથે અમુક શરતો જોડી છે કે ઓછામાં ઓછા બે નિષ્ણાત ડૉક્ટરોએ સંબંધિત દર્દી વિશે અભિપ્રાય લેખિત આપવો જોઈએ. એ પછી જ યુથેનેસિયાનો અમલ કરી શકાય. આ જોગવાઈ હાસ્યાસ્પદ છે કારણ કે સુખી પરિવારો ડૉક્ટરના હાથ (ગજવાં એમ વાંચો) ભરી દઈને સર્ટિફિકેટ સહેલાઈથી મેળવી શકે. બીજા કેટલાક દેશોમાં એવી જોગવાઈ છે કે સંબંધિત દર્દી સભાન અને સમજદાર હોય તો પોતાની સંમતિ લેખિત આપી શકે. આ જોગવાઈ અતિ વૃદ્ધ અને બીમાર વ્યક્તિને શી રીતે લાગુ પાડવી ? અથવા સમજો કે પેશન્ટ કોમામાં છે તો એની સંમતિ શી રીતે મેળવવી ?
એક દાખલો યાદ આવે છે. મુંબઇની કે.ઈ.એમ. હૉસ્પિટલના એક વોર્ડ બોયે અરુણા શાનબાગ નામની નર્સ પર બળાત્કારનો પ્રયાસ કરેલો. એના પરથી જડ ચેતન નામે સુપરહિટ નવલકથા પણ લખાઈ. પેલી નર્સ પહેલાં બેભાન થઈ અને પછી કોમામાં સરકી પડી. હૉસ્પિટલના સ્ટાફે એના પ્રત્યેના માન-આદરના કારણે બે અઢી દાયકા એને પોતાના ખર્ચે જાળવી. પરંતુ ધારેા કે એના માટે યુથેનેસિયાનો નિર્ણય કરાય તો એની સંમતિ શી રીતે મેળવવી ? કાયદામાં પેશન્ટની સંમતિની જોગવાઈનો આ રીતે છેદ ઊડી જાય છે.
આપણી સુપ્રીમ કોર્ટે આ મુદ્દો હાથમાં લઈને બહુ સમજપૂર્વકનું પગલું ભર્યું છે. સમજદાર લોકોએ યુથેનેસિયાને ટેકો આપવો જોઈએ એવું આ લખનાર માને છે. આમાં ધર્મને કે પરંપરાને વચ્ચે લાવવાની કશી ય જરૂર નથી.
‘ટુ ધ પોઇન્ટ’, મંગળવાર, ૨૨ જુલાઈ ૨૦૧૪
સૌજન્ય : https://www.facebook.com/profile.php?id=100004646687887&fref=nf