ત્રણ ત્રણ વખત મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિનું જ્યારે અવસાન થાય ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના નામદાર શહેનશાહ પાંચમા જ્યોર્જ અને રાણી ભારત ખાતેના વાઈસરોયને દિલસોજીનો તાર મોકલે અને તે તારમાં પેલી વ્યક્તિને ‘અમારા જૂના મિત્ર’ તરીકે ઓળખાવે અને તેમના મૃત્યુથી આખા હિન્દુસ્તાનને ખોટ પડી છે એમ જણાવે એવું બને ખરું? બને નહીં, હકીકતમાં બન્યું હતું.
એ વ્યક્તિ તે બેહેરામજી મેહેરવાનજી મલબારી, ૧૯મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ. ૧૮૫૩માં મે મહિનાની ૧૮મી તારીખે એમનો જન્મ. પિતાનું નામ ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં સાધારણ કલાર્ક તરીકે નોકરી કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં તો પિતા બેહસ્તનશીન થયા. માતા ભીખીબાઈ અને બેહેરામજી અનાથ થઈ ગયાં. હવે વડોદરામાં રહેવું અશક્ય હતું. અનેક વિટંબણાઓ વેઠીને વડોદરાથી ચાલતાં ચાલતાં વીસ દિવસે દીકરાને લઈને ભીખીબાઈ સુરત પહોંચ્યાં, પિતાને ઘરે. કોઈ વાહનમાં મુસાફરી કરી શકાય એટલા પૈસાય ગાંઠે નહીં એટલે પગપાળા પ્રવાસ. પિતાએ વિધવા દીકરીને અને તેના પોરિયાને પ્રેમથી આવકાર્યાં.
આશરો મળતાં મા-દીકરાને ‘હાશ’ થઈ. પણ એ હાશકારો પૂરા ચોવીસ કલાક પણ ન ટક્યો. તેઓ સુરત પહોંચ્યાં તે રાતે જ પિતાનું ઘર, તેમની બધી મિલકત, આગમાં બળીને ખાખ થઈ ગયાં. છતાં પિતાએ આશરો તો આપ્યો જ. પણ ભીખીબાઈને થયું કે પિતાને માથે હવે ભારરૂપ ન થવાય. બાળક બેહેરામજીનો ઉછેર સારી રીતે કરવાનો હેતુ પણ ખરો. એટલે થોડા વખત પછી ભીખીબાઈએ મેહેરવાનજી નાનાભાઈ મલબારી સાથે બીજાં લગ્ન કરી લીધાં અને એટલે બેહેરામજી ધનજીભાઈ મહેતા મટી બેહેરામજી મેહેરવાનજી મલબારી બન્યા.
પણ ઓરમાન પિતાને આંગળિયાત બેહેરામજી માટે કશી મમતા નહીં. દુકાનમાં નોકરની જેમ કામ કરાવે. સુરતમાં મલબારીના ઘર પાછળ જ નરભેરામ મહેતાજીની ધૂડી નિશાળ હતી તેમાં બેહેરામજીએ ભણતર શરૂ કર્યું. પછી પારસી પંચાયતની સ્કૂલમાં દાખલ થયાં. પછી સર જમશેદજી એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ. ભણવાનું તો ઠીક પણ બેહેરામજીને સંગીતનો જબરો શોખ. જાણીતા ઉસ્તાદ બહાદુરસિંહના એક ચેલા પાસેથી બે હજાર જેટલાં ખ્યાલ, ગઝલ, ટપ્પા, ઠુમરી વગેરે શીખ્યા. પણ અણધારી રીતે કોલેરામાં માતાનું અવસાન થતાં બેહેરામજીના જીવનમાંનું સંગીત સુકાઈ ગયું. ખાનગી ટ્યૂશનો આપી થોડી કમાણી કરવા લાગ્યા, ભણવાની સાથોસાથ. પછી રાતે મોડે સુધી જાગી અંગ્રેજી કે ગુજરાતી કવિઓની કવિતા વાંચતા. પછી જાતે ગુજરાતીમાં કવિતા લખવા લાગ્યા.
એ વખતે મેટ્રિકની પરીક્ષા માત્ર મુંબઈમાં જ લેવાતી. પારસી જિવાજી કસાઈ પાસેથી વીસ રૂપિયા ઊછીના લઈને બેહેરામજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીનું ભાડું દસ રૂપિયા ને પરીક્ષાની ફી દસ રૂપિયા. પરીક્ષામાં નાપાસ. સુરત પાછા જવાના ફદિયાં મલે ની. માતાની બહેનપણીના દીકરા ડોક્ટર રુસ્તમજી બહાદુરજીની ભલામણથી પારસી પ્રોપ્રાયટરી સ્કૂલમાં વીસ રૂપિયાના પગારે નોકરી મળી. બીજી બે વાર મેટ્રિકની પરીક્ષા આપી, પણ પરિણામ એનું એ, નાપાસ! પણ હાર્યા નહીં. ચોથી ટ્રાયલે પાસ થયા, ૧૮૭૧માં. એ વખતે લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. બેહેરામજીની મૌખિક પરીક્ષાના એક પરીક્ષક હતા રેવરંડ જોસેફ વાનસામરન ટેલર, ગુજરાતી વ્યાકરણના લેખક. સુરતમાં લખેલાં કાવ્યો બીતાંબીતાં બેહેરામજીએ રેવરંડ ટેલરને બતાવ્યાં. પ્રભાવિત થઈને તેમણે રેવરંડ ડોક્ટર જ્હોન વિલ્સન સાથે ઓળખાણ કરાવી. વિલ્સને કાવ્યો વાંચી તે પુસ્તક રૂપે પ્રગટ કરવા જણાવ્યું અને કાવ્ય સંગ્રહનું નામ પણ પાડી આપ્યું, ‘નીતિવિનોદ.’ ૧૮૭૫માં એ સંગ્રહ પ્રગટ થયો. એ વખતે બેહેરામજીની ઉમ્મર ફકત બાવીસ વર્ષ. કાવ્યો પારસી ગુજરાતમાં નહીં, ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાયેલાં અને તેના વિષયો હતા હિન્દુઓના જીવનને લગતા.
‘નીતિવિનોદ’થી મલબારી ગુજરાતમાં જાણીતા થયા તો ૧૮૭૬માં પ્રગટ થયેલ અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ધ ઈન્ડિયન મ્યૂઝ ઈન ઇંગ્લિશ ગાર્બ’ને કારણે ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં જાણીતા થયા. રાણી વિકટોરિયા, કવિ ટેનિસન અને પંડિત મેક્સમૂલરે પ્રશંસાના પત્રો લખ્યા. પછી મલબારી મુંબઈના “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”માં સામાજિક, રાજકીય, શૈક્ષણિક સ્થિતિ વિષે લેખો લખતા થયા. આ ઉપરાંત ‘ધ ઈન્ડિયન સ્પેક્ટેટર’ અને ‘ધ બોમ્બે રિવ્યૂ’માં પણ લખતા. ‘ગુજરાત એન્ડ ગુજરાતીઝ’ પુસ્તક પણ પરદેશોમાં જાણીતું થયું. ૧૮૮૦માં મલબારીએ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ખરીદી લીધું. લગભગ દરેક અંક આખો જાતે જ લખતા.
મલબારીનું વલણ સમાજ સુધારાવાદી હતું. જો કે હિન્દુઓનો વિરોધ તેમને સહન કરવો પડ્યો કારણ એક પારસીને અમારા ધરમકરમમાં દખલ કરવાનો શો હક્ક, એમ રૂઢિવાદીઓ માનતા. મલબારીના અથાક પ્રયત્નોને પરિણામે સરકારે ‘સંમતિવયનો કાયદો’ છેવટે પસાર કર્યો. મલબારીએ ઇંગ્લેન્ડના પ્રવાસો કર્યાં. ખુદ શહેનશાહ સાથે સંબંધ બંધાયો. પણ ૧૮૯૮માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર રાજદ્રોહનો આરોપ મૂકાયો પણ છેવટે સરકારે તેમને નિર્દોષ જાહેર કર્યો.
૧૯૧૨ના જુલાઈમાં મિત્રોના આગ્રહથી મલબારી આરામ કરવા શીમલા ગયા. ૧૧મી જુલાઈએ વાઈસ રોય લોર્ડ હાર્ડિજ અને બીજાઓની મુલાકાત લીધી. રાતે સાડા નવે મિત્ર જોગિન્દરસિંહ સાથે ટેલિફોન પર વાતો કરતાં મલબારી એકાએક બેભાન થઈ ગયા અને થોડીવારમાં જ આ ફાની દુનિયાને છોડી ચાલતા થયા. સીમલામાં આવેલી પારસી આરામગાહમાં મલબારીના નશ્વર દેહને દફનાવવામાં આવ્યો.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, પ્રોફાઇલ : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014