અગિયારસોને ઉંબરે આવી ઊભી છે બારસો,
‘આવો, પધારો’, કહી ધરે છે આંખ સામે આરસો !
શી બોલબાલા ચોતરફ આ લોહખંડોની મચી,
કે સ્પર્શને ઝંખ્યા કરે ખૂણે પડેલા પારસો !
બે ચાર બગલાં આંખ મીંચીને ફકત બેસી રહે,
લગભગ સુકાયા સરવરે, ઊડી ગયાં છે સારસો.
વીતી ગયેલી વેળને વિશ્રંભથી વાગોળવી,
બચકી વિષે બાકી બચ્યો છે એજ વૈભવવારસો !
ઉગરાય આમાંથી હવે તો પાડ માનો એમનો,
કાળાં કળણ છે શબ્દનાં ને શબ્દનો છે કારસો !
23 માર્ચ 1977
સૌજન્ય: “ગઝલસંહિતા” , પ્રથમ મંડલ, પૃષ્ઠ 68