ગરવી ગુજરાતી ભાષાનાં ગુણગાન ગાતાં આપણે થાકતાં નથી. આપણી ભાષા, આપણા સાહિત્યના જમા પાસા વિષે તો આપણે ઉત્સાહથી વાત કરીએ છીએ, પણ ક્યારેક ઉધાર પાસા તરફ પણ નજર નાખવી જોઈએ. એમ કરવામાં નાનમ અનુભવવાની જરૂર નથી. પણ આપણે ત્યાં શું હોય તો વધુ સારું એનો આપણને ખ્યાલ આવે, અને ખ્યાલ આવે તો ક્યારેક, કોઈક, એ ખોટ પૂરવાનો પ્રયત્ન કરે એવું પણ બને. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી ભાષામાં પ્રગટ થતાં પુસ્તકોનું વિષયવૈવિધ્ય ચોક્કસ વધ્યું છે અને હમણાં હમણાં તો અંગ્રેજીનાં બેસ્ટ સેલર પુસ્તકોના અનુવાદ પ્રગટ કરવા પ્રકાશકો પડાપડી કરી રહ્યા છે. પણ અંગ્રેજીની વાત જવા દઈએ. મરાઠી, હિંદી કે બંગાળી જેવી ભાષાઓની સરખામણીમાં પણ આપણી ભાષામાં આત્મકથા અને જીવનકથાનાં પુસ્તકો બહુ ઓછાં પ્રગટ થાય છે. ગુજરાતીને ‘ગાંધીગિરા’ તરીકે આપણે ઓળખાવીએ, પણ નારાયણ દેસાઈએ ચાર ભાગમાં ગાંધીજીનું વિસ્તૃત જીવનચરિત્ર આપ્યું તે પહેલાં આપણી પાસે ગાંધીજીનું કોઈ પ્રમાણભૂત જીવનચરિત્ર નહોતું. એવું જ પ્રમાણભૂત, અભ્યાસમૂલક જીવનચરિત્ર સરદાર પટેલનું યશવંત દોશીએ આપ્યું, પણ તે તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. છેલ્લા થોડા વખતમાં આપણા ઘણા લેખકોની જન્મશતાબ્દી આવી ગઈ – સુન્દરમ, ઉમાશંકર, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહ્લાદ પારેખ, પન્નાલાલ પટેલ અને બીજા પણ. શતાબ્દી નિમિત્તેય તેમાંના કોઈનું પ્રમાણભૂત જીવનચરિત્ર આપણને ન મળ્યું. સ્મરણો, લેખો, આસ્વાદોનાં પુસ્તકોથી આપણે સંતોષ માન્યો. મરાઠીમાં તો હિટલર કે સ્ટેિલન કે ચર્ચિલ જેવાની આત્મકથા – જીવનકથાના અનુવાદની પણ ચાર – પાંચ આવૃત્તિ તો જોતજોતામાં થઈ જાય છે. મરાઠીમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથા પણ ઘણી જોવા મળે. જ્યારે આપણે ત્યાં?
ગુજરાતીમાં બોલવા – લખવાનું કામ જેમણે સતત કરવાનું હોય તેમને એક ખોટ ઘણીવાર સાલતી હોય છેઃ આપણી પાસે સમૃદ્ધ, વિસ્તૃત, પ્રમાણભૂત કોટેશન બુકનો અભાવ. જે થોડાક પ્રયત્નો થયા છે તે અંગ્રેજી કોટેશન બુકોને આધારે થયા છે એટલે એમાં પરદેશી લેખકોનાં જ અવતરણો મળે. પણ નર્મદ – દલપતથી આજ સુધીના આપણા લેખકોનાં અવતરણો જેમાં લેખકવાર કે વિષયવાર ગોઠવ્યાં હોય એવું એક પણ પુસ્તક આપણી પાસે નથી. એક જમાનામાં કનૈયાલાલ મુનશીનાં કે રમણલાલ દેસાઈનાં લખાણોમાંથી એકઠાં કરેલાં અવતરણોના સંગ્રહો આ લખનારે જોયા – વાપર્યા છે. પણ હવે તો એય મળતા નથી કે બીજા લેખકોના એવા અવતરણસંગ્રહો પણ પ્રગટ થતા નથી.
કવિતાનાં સંપાદનો તો ઢગલાબંધ પ્રગટ થાય છે, પણ એક – એક વિષય કે ભાવને લગતાં કાવ્યો સાથે ગોઠવ્યાં હોય – જેમ કે વર્ષાગીતો, વ્યક્તિવિષયક કાવ્યો, પાણીનાં જુદાં જુદાં રૂપો વિષેનાં કાવ્યો, વૃક્ષો, પુષ્પો, પક્ષીઓ વિશેના કાવ્યોના સંપાદનો. ક્યા છે એવાં સંપાદનો? વર્ષો પહેલાં કીકુભાઈ રતનજી દેસાઈએ ‘નિજાનંદ’ નામના સંચયમાં આ દિશામાં પહેલો પ્રયત્ન કરલો, પણ પછી તેમને અનુસરનારા ખાસ નીકળ્યા નહીં. ગુજરાતી અવતરણો અને કાવ્યોના આવા સંચયો હાથવગા ન હોવાથી બોલનાર – લખનાર કેવળ સ્મૃિતને આધારે બીજાને ટાંકે છે અને તેમાં ઘણીવાર શબ્દો આઘાપાછા થઈ જાય કે બદલાઈ જાય એવું બને છે. પછી ઘણીવાર તો એ ખોટું કોટેશન જ ચલણી બની જાય છે!
ઘણાંને જરા ન ગમે એવી વાત છે, પણ જીવનકથાનું પુસ્તક લખવું કે કોટેશન બુક તૈયાર કરવી એ મહેનતનું કામ છે, ખાખાંખોળા કરવાનું કામ છે, પરસેવો પાડવાનું કામ છે. એમાં માત્ર ‘પ્રેરણા’થી ગાડું ગબડે એમ નથી અને કદાચ આપણા સરેરાશ લેખકમાં મહેનત કરવાની, પરસેવો પાડવાની તત્પરતા ઓછી છે. પણ પુસ્તકો માત્ર પ્રેરણાથી જ ન લખાય. પરસેવો પાડીને પણ લખાય, લખાવાં જ જોઈએ.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત સ્થંભ − ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2014