~~~ મતદારોનું જાહેરનામું ~~~
ભારતની પંદરમી લોકસભાની ચૂંટણી 2009માં થયેલી. તેની પાંચ વરસની મુદત પૂરી થવા આવી છે. નવી લોકસભાની ચૂંટણી હવે થોડા સમયમાં થવાની છે.
હાલની લોકસભાના કાર્યકાળ દરમ્યાન સાંસદોએ ધાંધલધમાલ કરીને તેની કાર્યવાહી અનેક વખત ખોરવી નાખી છે. અધ્યક્ષોને તેની બેઠકો ફરીફરીને મુલતવી રાખવી પડી છે. કશું કામકાજ થઈ શકતું નથી. આ અરાજકતા તેની ચરમ સીમાએ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં પહોંચી, તેની યાદ આપણાં મનમાં તાજી છે. જેનું વર્ણન કરતાં કંપારી છૂટે એવા એ બનાવ વિશે અંગ્રેજી અઠવાડિક ‘આઉટલુક’ના તંત્રી વિનોદ મહેતાએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીઆ’માં એક લેખ લખ્યો છેઃ ‘સંસદ એ કુસ્તીનો અખાડો નથી’. તેમાં અગાઉની એક લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટરજી સાથેની પોતાની વાતચીત વિનોદભાઈએ ટાંકી છે.
સંસદના કામકાજમાં સુધારણા માટે તમારાં કાંઈ સૂચન છે? એવા અધ્યક્ષશ્રીના પુછાણના જવાબમાં વિનોદભાઈએ કહેલું કે ધાંધલ કરનાર કોઈ પણ સાંસદ જો સભાગૃહના મધ્ય ભાગમાં પ્રવેશ કરે તો તેની પાસેથી કશો ખુલાસો માગવાની વિધિમાં પડ્યા વિના તત્કાલ તેને આખા સત્ર માટે ‘સસ્પેંડ’ કરી દેવા જોઈએ.
અધ્યક્ષશ્રી હસીને બોલેલા કે સૂચન સારું છે, પણ તેમણે ઉમેર્યું કે લગભગ એવી જ દરખાસ્ત સર્વ પક્ષના સાંસદોની એક બેઠકમાં અગાઉ પોતે રજૂ કરેલી, અને તત્કાલ તે સર્વાનુમતે નામંજૂર કરવામાં આવેલી. વાત એટલેથી અટકેલી.
આ બાબતમાં યાદ કરવા જેવું ‘મતદારોનું જાહેરનામું’ લોકસભાની 1971ની ચૂંટણી વેળા ગુજરાતના કેટલાક આગેવાનોએ બહાર પાડેલું. તેની નીચે સહી કરનારાઓમાં ગુજરાત સર્વોદય મંડળ ઉપરાંત આટલાં નામ હતાં: દિલખુશ દીવાનજી, બબલભાઈ મહેતા, પંડિત સુખલાલજી, હરભાઈ ત્રિવેદી, યશવંત શુક્લ, નગીનદાસ પારેખ, ભોગીલાલ ગાંધી, વિનોદિની નીલકંઠ, ઈશ્વર પેટલીકર, પરમાનંદ કાપડીઆ, ચીમનલાલ ચ. શાહ, મનુભાઈ પંચોળી, મૂળશંકર મો. ભટ્ટ, વસંત પરીખ.
એ જાહેરનામામાં એક ફકરો આ મુજબ હતોઃ
“સંસદના કેટલાક સભ્યોમાં એટલી પણ પાયાની સમજણ નથી કે સભાગૃહની અંદર તેમણે અધ્યક્ષની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અધ્યક્ષની રજા મળે ત્યારે જ બોલવું, એ કહે કે તરત બોલતાં બંધ થઈ જવું, અને ક્યારેક એ સભાગૃહની બહાર કાઢી મૂકે તો પણ સવિનય જતા રહેવું – આટલી સાદી શિસ્ત પણ ન પાળી શકનાર માણસ સંસદમાં, કે કોઈ પણ નાની લોકશાહી સંસ્થામાં, બેસવા માટે લાયક ન ગણાય. આવા સભ્યોના અસભ્ય વર્તાવને કારણે જગતની સૌથી મોટી આ લોકશાહીની સંસદનું વાતાવરણ મચ્છીબજારથી યે બદતર બનતું નિહાળીને અમે ઊંડી વેદના અનુભવી છે. માટે અમારી માગણી છે કે ચૂંટણીના દરેક ઉમેદવાર અત્યારે જાહેરમાં એવો કોલ આપે કે સંસદમાં ગયા પછી તે અધ્યક્ષની આજ્ઞાનું પાલન કરશે. અલબત્ત, અધ્યક્ષ પણ કદીક ભૂલ કરી શકે છે. પણ તે ભૂલના નિવારણ માટે સંસદની કાર્યવાહીમાં દર્શાવેલાં પગલાં જ ભરી શકાય – ધાંધલ મચાવીને દેશની સર્વોચ્ચ પ્રજા-પ્રતિનિધિસભાનું કામકાજ થંભાવી દઈ શકાય નહિ જ.”
આ ઉપરાંત મતદારો જે બીજી કેટલીક ખાતરીઓની અપેક્ષા ચૂંટણીના ઉમેદવારો પાસેથી રાખી શકે, તેનું એક પત્રક બનાવીને ગુજરાતના બધા ઉમેદવારોને ગુજરાત સર્વોદય મંડળ, લોકશાહી સુરક્ષા સંઘ અને લોકમિલાપ ટ્રસ્ટ તરફથી મોકલવામાં આવેલું. પચીસેક ઉમેદવારોએ એમાં સહી કરેલી અને તેમનાં નામ પ્રસિધ્ધ કરવામાં આવેલાં.
આજે ચારેક દાયકા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં આ જાતનું જાહેરનામું ફરી બહાર પાડવું ઘણું વધારે જરૂરી બન્યું છે. દુર્ભાગ્યે, આગલું જાહેરનામું બહાર પાડનારા મહાનુભાવોમાંથી કોઈ આજે આપણી વચ્ચે હાજર નથી. પણ નમ્રભાવે એમને અનુસરીને અમે આ નાનું જાહેરનામું મતદારો વતી ચૂંટણીના ઉમેદવારો પાસે મૂકીએ છીએ. તેમાં એક જ મુદ્દા પર અમારે ભાર મૂકવો છે તે સંસદમાં શિસ્તપાલનનો.
લોકસભાની દરેક દિવસની બેઠક પાછળ લોકોના બે કરોડ રૂપિયા ખરચાય છે. હાલની લોકસભાનો 40 ટકા સમય સાંસદોના ત્રાસવાદને કારણે બરબાદ થયો છે. તેની સામે અધ્યક્ષો કડક પગલાં લેતા નથી તેથી ત્રાસવાદ વકરતો ચાલ્યો છે. હવે તેનો સામનો મતદારો જ કરી શકે. તે માટે ગુજરાતમાંથી જેટલા ચૂંટણી-ઉમેદવારો નીકળે તેમની પાસે મતદારો માગણી કરે કે તે નીચેના પ્રતિજ્ઞાપત્ર પર સહી કરીને આપણને મોકલે. એ રીતે સહી કરનારાનાં નામ છાપામાં જાહેર થાય. તેમાંથી મતદારો પોતાની પસંદગીના કોઈ પણ ઉમેદવારને મત આપે. પણ એવી સહી ન કરનાર ઉમેદવાર ચાહે તે પક્ષનો હોય તો પણ તેને મત ન જ આપવાનો પ્રચાર આપણે જોરશોરથી કરીએ.
અલબત્ત, આ રીતે જૂઠી સહી કરીને આપણો મત મેળવનારા ને લોકસભામાં પેસી જનારા કેટલાક સાંસદો નીકળી શકે. તેમને તો હવે પછીની કોઈ જ ચૂંટણીમાં મત ન આપવાની ભલામણ આપણે મતદારોને કરી શકીએ અને અહિંસક, શાંતિમય રીતે તેમની સામે બીજાં શાં પગલાં લઈ શકાય તે વિચારીએ. દરમ્યાન હાલની ચૂંટણીના ઉમેદવારો પાસે નીચેનું પ્રતિજ્ઞાપત્ર રજૂ કરીએઃ
~~~ પ્રતિજ્ઞાપત્ર ~~~
ભારતની સોળમી લોકસભા માટેની 2014ની ચૂંટણીમાં હું ઉમેદવારી નોંધાવવા માગું છું. વિસર્જન થનારી હાલની પંદરમી લોકસભાની અનેક બેઠકો સાંસદોની ધાંધલધમાલને કારણે મોકૂફ રાખવી પડી છે, ને તેને લીધે એવી એકએક બેઠક પાછળ ખરચાયેલા રોજના બે-બે કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. આવી અરાજકતા સામે કડક પગલાં લેવાની સત્તા બંધારણે અધ્યક્ષને આપેલી છે, છતાં એવાં પગલાં તેમણે ભાગ્યે જ ભરેલાં છે. સાંસદોના આવા ત્રાસવાદને રોકવા માટે કેટલાક વિચારકોએ બહાર પાડેલ ‘મતદારોનું જાહેરનામું’ની માગણી મુજબ હું આથી પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે હું ચૂંટાઈશ તો લોકસભાના અધ્યક્ષ મને જે સૂચના આપે તેનો તરત અમલ કરીશ. જો તેમ ન કરું તો સંસદના માર્શલો મને બહાર કાઢી મૂકે, અને લોકસભાના તે સત્ર દરમ્યાન તેમાં મારા પ્રવેશ પર અધ્યક્ષ પ્રતિબંધ મૂકે તે હું સ્વીકારીશ.
1. મારું નામઃ
2. મતવિસ્તારઃ
3. રહેણાકનું કાયમી સરનામું, ટેલિફોન નંબરઃ
_________________________________________________________
4. અભ્યાસઃ
5. આજ સુધી જે રાજકીય પક્ષોનો સભ્ય હું રહ્યો છું તેનાં નામઃ
___________________________________________
6. હાલની ચૂંટણીમાં હું નીચેના પક્ષના સભ્ય તરીકે / અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો છું.
________________________
—————————————-
(સહી)
* * *
ચુનીભાઈ વૈદ્ય
પ્રકાશ ન. શાહ
ઇન્દુકુમાર જાની
ગુણવંત શાહ
નગીનદાસ સંઘવી
ગોવિંદભાઈ રાવલ
સુખદેવ પટેલ
સંજય ભાવે
મહેંદ્ર મેઘાણી