જો જો કે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને પણ ખેડૂતોના ખેતરે પાણી પહોંચ્યાં ન હોય નર્મદા, ભારતની બારેમાસ વહેતી પાંચ મોટી નદીઓમાંની એક છે. ગુજરાતમાં એને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાવાય છે. ખુદ ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર હશે કે બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધોત્તર વિકાસ યોજનાઓ ઘડાઈ એમાં એનું નામ હતું, પણ બહુલક્ષી અને એકથી વધારે રાજ્યોમાંથી પસાર થતી હતી એટલે અટવાયા કરી. સરદાર પટેલ ૧૯૪૬થી સદાય એના પુરસ્કર્તા રહેલા. ગુજરાતનું અલગ રાજ્ય રચાયું ત્યારે યોજનાને સાકાર કરવા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે ૧૯૬૧ના ગોરાગામ પાસે ખાતમુહૂર્ત કરાવ્યું.
પડોશી રાજ્યો પાણીની વહેંચણી બાબતમાં સંમતિ ન સાધી શકયા એટલે આંતરરાજ્ય જળવિવાદ કાનૂન નીચે ભારત સરકારે એને ૧૯પ૬માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિના અધ્યક્ષપદે નર્મદા જળવિવાદપંચને ઉકેલ માટે સોંપી. પંચે ૧૯૭૯માં ચુકાદો આપ્યો. એટલે કે ૧૯૪૭થી ૭૯ સુધી આવી બહુલક્ષી યોજના દલીલોમાં જ અટવાતી રહી. એને સરદાર પટેલની યાદમાં ૧૯૬૧થી જ સરદાર સરોવર યોજના નામ આપ્યું છે, પણ એક વાતની નોંધ લેવી રહી કે આ પહેલું જળવિવાદપંચ હતું જેમાં પર્યાવરણ અને યોજનાના કારણે વિસ્થાપિત થનારા માટે પુન: વસવાટ માટે પણ ભલામણો કરાઈ હતી.
યોજના તુમારશાહીમાં ન અટવાય એટલે એના અમલ માટે અલગ નિગમ રચાયું અને નિગમે ૧૯૮૮માં શૂન્ય સગવડથી કામ શરૂ કર્યું. ભારતની આજ સુધીના સિંચાઈ યોજનાનાં પાણી પૂરાં વપરાતાં નહોતાં કારણ બંધ બંધાય પણ નહેરો પૂરી કરવા તરફ લક્ષ્ય આપે નહીં એટલે નિગમે બંધ અને નહેરોનાં કામ સાથે જ શરૂ કર્યાં. ૧૯૯પ સુધીમાં મુખ્ય નહેરના રસ્તે આવતી બધી નદીઓના સંબંધિત કામ સાથે ગાંધીનગર પહોંચાડાઈ. બંધની સાથોસાથ કડીથી ફંટાતી સૌરાષ્ટ્રનહેર જે સૌથી મોટી શાખા છે. એનું કામ ૧૯૯૧માં શરૂ કરી વિરમગામ સુધી પહોંચાડાયું. યોજનાના પ્રથમ તબક્કાની શાખાઓનાં કામ પણ શરૂ કરી દેવાયાં. આ નહેરો ઉપરાંત મુખ્ય નહેર અને ભૂગર્ભ પાવર હાઉસનાં કામો શરૂ કરી દેવાયાં હતાં. દરમિયાન પર્યાવરણની લોબી સુપ્રીમ ર્કોટ સુધી પહોંચી. પાંચ માર્ચ ૧૯૯૭ના રોજ, સર્વોચ્ચ અદાલતને બંધની ઊંચાઈ વધારવાની અનુમતી આપવા ઈન્કાર કર્યો. લાંબી કાનૂની લડાઈમાં પહેલાં ૧૨૧ મિટર અને છેવટે ૨૦૦૦ની સાલમાં ૧૩૮ મિટર ઊંચાઈએ લઈ જવા શરતી પરવાનગી મળી.
નહેરોના બાંધકામમાં પર્યાવરણવાદી કે સર્વોચ્ચ અદાલત બેમાંથી કોઈની કોઈ રોકટોક ન હોતી. આજે હવે બંધ ૧૨૧.૯૨ મિટર પર પહોંચ્યો છે. માત્ર ૧૭ મિટર – પપ ફીટના દરવાજા મૂકવાના બાકી છે. આમ તો બંધ ૧૧૦.૬૪ મિટરે પહોંચે તો પણ જળસંગ્રહ ૪.૭૨ મિલિયન એકર ફીટ થાય અને ત્યારે પાણી કચ્છ સુધી પહોંચે અને ૧૭.૯૩ લાખ હેકટરમાં જો નહેરોની ગૂંથણી તૈયાર હોય તો સિંચાઈ પણ થઈ શકે છે. કારણ કે ૩ મિલિયન એકર ફીટ તો ડેડ સ્ટોરેજ છે. ૧૯૯પ પછી યોજનાનો બંધ, વિવાદ અને રાજનીતિનો ભોગ બની ગયો અને નહેરોના કામમાં આવેલી ઝડપ તૂટી ગઈ. ૧૯૯પથી ૨૦૧૩ એટલે ૧૮ વરસના ગાળામાં ધાર્યુ હોત તો નહેરોનાં કામ પૂરાં થઈ ગયાં હોત, પરંતુ બંધને રાજકીય યોજના બનાવી દેવાઈ. હવે આજે દરવાજા સિવાય બધું તૈયાર છે.
માહિતીના અધિકાર નીચે અપાયેલ માહિતી પ્રમાણે ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં આજે બ્રાંચ નહેરોના ૪૨૬ કિલોમિટરના; ડિસ્ટ્રિબ્યુટરીના ૪પ૭પ કિ.મિ. પચાસ ટકાથી વધુ કામ બાકી છે. જ્યારે ૨૬૭પ૦ કિ.મિ.ની માઈનોર નહેરોમાં દસ હજાર કિલોમિટરના કામ પૂરાં થયાં છે. આમાંથી બે લાખ કિ.મિ. માઈનોરના તો ટેન્ડર બહાર પડવા બાકી છે. ૨૦૦૭-૦૮ના અંદાજપત્ર સમયે જાહેર કરાયું હતું કે, '૨૦૧૦માં યોજના પૂરી થશે અને ૨૦૧૦નું વરસ 'સુવર્ણ ગોલ’ પ્રાપ્ત કરવાનું વરસ હશે.’ ૨૦૧૩ના જાન્યુઆરીમાં ઉપર બતાવ્યા પ્રમાણેનાં કામ બાકી છે. હવે ૨૦૧પનો વાયદો કરાયો છે. દરવાજા મૂકવાનું કામ ત્રણ વરસમાં ચાલવાનું થવાનું હોય અને નહેરના ઉપરનાં કામ બાકી હોય તો ૨૦૧પનો વાયદો પૂરો થવો અશક્ય છે.
કામના વેગની વાત કરીએ તો આયોજના પંચની પરવાનગી અને નિગમની કામગીરી ૧૯૮૮માં શરૂ થઈ. પહેલાં સાત વરસ જ્યારે યોજનામાં બંધ અને મતની જુગલબંધી નહોતી રચાઈ ત્યારનાં કામ અને પછીના સત્તર વરસનાં કામની વૈજ્ઞાનિક તુલના થાય તો સત્ય બહાર આવે. હવે તો, સાંઠ માળની ઈમારત જેટલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાનું ગઈ ૩૧ ઓક્ટોબર ખાત મુહૂર્ત થયું છે. હવે નિગમ રૂ. ૨પ૦૦ કરોડના ખર્ચે આ પ્રતિમા ઊભી કરવાનું છે ત્યારે જોવાનું એ રહે કે, એવું તો નહીં બને ને કે પ્રતિમાની અટારીમાંથી જોનાર ગુજરાતના નાગરિકને ઓવરફલો થતાં બંધનું પાણી જોવા મળશે. મુખ્ય નહેર પાણીથી ઊભરાતી જોવા મળશે પણ સરદારનું, ખેતરે પાણી પહોંચાડવાનું સપનું પૂરું થયું નહીં હોય.
સરદાર સરોવર પાણીથી છલકાતું હોય. વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી સમી સરદાર પ્રતિમા વચ્ચે ઊભી હોય પણ પાણી દરિયામાં જ વહી જઈ ખારા થઈ જતાં હોય ત્યારે ગુજરાતની ભાવિ પ્રજા આપણા વિષે શું વિચારશે? માહિતી અધિકાર નીચે મળેલી હકીકતો આજે ય આપણો ઉપહાસ કરે છે, ૨૦૧૦માં યોજના પૂરી થવાનું વચન અપાયું ત્યારથી પાંચ વરસમાં, નર્મદાના વિશાળ રાશિ ચાર વરસ ઓવરફલો થયા અને ૨.પ૯ કરોડ એકર ફીટ દરિયામાં ગયા ટ્રિબ્યુનલે ગુજરાતને નેવું લાખ એકર ફીટ પાણી ફાળવ્યું છે. એનાથી ત્રણગણું પાણી ગયું. છોડાયેલા પાણીનો ક્યાં કેવો વપરાશ થયો, એની અધિકૃતિ વિગત બોલે છે કે, આમાંથી ૨૦૧૧-૧૨ના વરસમાં સિંચાઈ અને પીવા માટે વપરાયેલ ૩૬પ૨ મિલિયન ઘનમિટર પાણીની સામે ૩૮૬૦ ઘનમિટર ઉદ્યોગ અને અન્ય ઉપયોગમાં ગયું. કોના માટે બની યોજના?
હજુ જાગીએ સરદાર સરોવર યોજનાને રાજનીતિમાંથી બહાર લાવી સમગ્ર ગુજરાત એક થઈ સરદાર સાહેબની ઇચ્છા પ્રમાણે પીવા માટે જરૂર હોય એ સિવાયનું પાણી ખેતીને પૂરું પાડવા કટિબદ્ધ થઈએ એ જ સરદારનું સાચું સ્મારક બનશે.
સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Nov 21, 2013