આશટનમાં રહેતા મારા પરમ મિત્ર સાથે વાત કરતાં, એમના ભારત બહાર વસતા એક પરિચિત બહેન વિષે વાત નીકળી, જેનું નામ સાંભળતાં મારી માના કાન ચમક્યા.
મારી માએ તેની ચારેક દાયકાની શિક્ષણની મઝલ દરમ્યાન કાંઈ કેટલીય કન્યાઓને ભણાવી છે. આ યુવતીનું નામ સંભાળીને એ વિચારમાં પડી અને કહે, ‘એ નામ સાંભળતાં મને લાગે છે કે એ મારી પાસે ભણી ગયેલી એ જ હોવી જોઇએ.’ ઈ.મેઈલ એડ્રેસ મેળવીને પૂછાવ્યું તો અમારા આશ્ચર્ય વચ્ચે માની અટકળ સાચી નીકળી !
વધુ પરિચય થતાં આ બહેનની જીવન કથા કાંઈ અનોખી લાગી તેથી અહીં રજૂ કરું છું. આ દંપતી ઈશ્વરની સેવાનું કાર્ય કરે છે તેથી તેમના કાર્ય વિષે લખવાની અનુમતિ આપી, પરંતુ પોતે અનામી રહેવા માગે છે કેમ કે તેઓની માન્યતા છે કે નામ લખવાથી ખ્યાતિ મળે, ગૌરવ અનુભવાય અને તો પ્રભુ સેવાના તેમના વ્રતનો ભંગ થાય. તેમની આવી ઉદ્દાત્ત ભાવનાને હું માન આપીશ અને હવેથી એ પત્નીનો ‘ધરા’ અને પતિનો ‘એરિક’ તરીકે ઉલ્લેખ કરીશ કે જે બંને કાલ્પનિક નામ છે.
ધરા ગીર-સાસણમાં ઉછરી. ત્યાં તેના તેના પિતા સિવિલ જજ તરીકે કામ કરતા હતા. એકે ય નિશાળ ન મળે એટલે ઘેર રહીને ભણે અને વર્ષાન્તે પરીક્ષા આપવા જૂનાગઢ જાય. આમ આઠ ધોરણ સુધી ગાડું ચાલ્યું. નવમા ધોરણમાં હતી ત્યારે તેઓ રાજકોટ આવ્યાં અને શહેરની એક નામાંકિત શાળામાં દાખલ થઈ, જ્યાં એ મારી મા પાસે ભણતી. એસ.એસ.સી.નો અભ્યાસક્રમ શરૂ થયો અને બરાબર તે જ સમયે ધરાનો કસોટી કાળ પણ શરૂ થયો. તેની મમ્મીને કેન્સરનું નિદાન થયું. તેની કાળજી કરવા શાળામાંથી રજા લેવાનું ફરજિયાત બન્યું. માની વિદાયથી દુ:ખી બનેલ પુત્રી શાળાંત પરીક્ષામાં ધાર્યું પરિણામ ન મેળવી શકી. તે પછી અમદાવાદ જઈને ઝૂઓલોજી વિષય સાથે બી.એસ.સી.ની ઉપાધિ મેળવી અને પછી તો ફિશરી બાયોલોજી સાથે એમ.એસ.સી. પણ થઈ. અભ્યાસ પૂરો કર્યા પછી અમદાવાદની એક નામાંકિત શાળામાં ધોરણ ૧૧-૧૨માં બાયોલોજીની શિક્ષિકાની સફળ કામગીરી નિભાવી.
ધરાના માતા-પિતા રવીન્દ્રનાથ ટાગોર અને રામકૃષ્ણ મિશનના વિચારો, સાહિત્ય અને કામમાં ઘણો રસ ધરાવે. ધરા તેના મામાને ઘેર કલકત્તા અવારનવાર જતી. એક-બે મહિના રહેવાનું બનતું એટલે તેની પણ એ વિચારો અને સાહિત્ય પ્રત્યેની રૂચી પુષ્ટ થઈ, એટલું જ નહીં બંગાળી ભાષા પણ બોલવા લાગી. તેવામાં તેના મામાને પરમહંસ યોગાનંદ લિખિત ‘યોગી કથામૃત’ નામનું પુસ્તક હાથ લાગ્યું, જે તેમણે પોતાની બહેનને આપ્યું. ચારેક વર્ષની ધરાને તેના મામાના દીકરા સાથે એ પુસ્તકમાંની વાર્તાઓ સાંભળવાની લિજ્જત આવતી. તેની માને એ પુસ્તકમાંનાં લખાણ અને આશ્રમની પ્રવૃત્તિએ ઘણી આકર્ષી લીધી. તેઓ કહેતાં કે ‘માનવ શક્તિ મર્યાદિત છે, એ આપણને સલામતી ન આપી શકે, એક માત્ર ઈશ્વર જ પૂરેપૂરી સલામતી આપી શકે.’ આ વાત ધરાના દિલમાં નાની ઉમરે સચોટપણે ઠસી ગઈ. પોતાની માતાના મૃત્યુ પછી પણ એ નિયમિત રીતે કલકત્તા મામાને ઘેર જતી.
અહીં એક નવા પાત્રનો ધરાના જીવનમાં પ્રવેશ થયો. વિયેના-જર્મનીમાં રહેતા એરિકને કોઈ જીનેટિક બીમારી હતી, જેને માટે અનેક ઉપચારો તેના માતા-પિતા કરી ચૂક્યાં. તેવામાં એક પાદરીએ એરિકને પેલું ‘યોગી કથામૃત’ વાંચવા આપ્યું જે તેની માને ગમી ગયું. પુસ્તકમાંની કેટલીક વાતોથી આકર્ષાઈને તેઓ કલકત્તાના પેલા આશ્રમમાં ગયાં. ધરા ૧૭ વર્ષની તરુણી હતી અને ‘એરિક’ ૨૨ વર્ષના યુવાન હતા. તે પછી તો દર વર્ષે એ આશ્રમમાં સાથે રહેવાનું અને તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું બન્યું અને સરખા વિચારો અને રસને કારણે એરિક, તેની બહેન અને મા સાથે ઘનિષ્ઠ મૈત્રીનો સંબંધ બંધાયો.
ધરા ભણીને નોકરી કરવા લાગી એટલે તેના પિતાએ તેને માટે યોગ્ય સાથીદારની તપાસ આદરી, પણ તેને લગ્ન કરવાની, બાળકો પેદા કરીને સાંસારિક જીવનમાં ગૂંથાવાની જરા પણ ઇચ્છ નહોતી. તેને તો બસ ઈશ્વરને મેળવવા જુદું જ કામ કરવાની લગન લાગેલી. તે દરમ્યાનમાં એરિકના ૩૧ વર્ષની ઉમરે લગ્ન થઇ ગયેલા અને તેને એક પુત્રી અને એક પુત્રનું પિતૃત્વ મળ્યું. પરંતુ એરિક વધુને વધુ હિંદુ ધર્મ તરફ ઢાળવા લાગ્યો, વારંવાર ભારત જઈને રહે એ કારણોસર તેની પત્નીએ જુદા રહેવાનો માર્ગ પસંદ કર્યો. ૨૦૦૧માં ધરતીકંપ થયો ત્યારે અમદાવાદની શાળાઓ છ મહિના સુધી બંધ હતી, તેથી ધરા તેની માસીને ઘેર મિલાનો રહેવા ગઈ અને ત્યાંથી પાછા ફરતાં વિયેના એરિકને ઘેર ગઈ. તે વખતે તેના માએ આ બંને એકબીજા સાથે સાથે લગ્નગ્રંથિથી જોડાય તે તેમને ગમશે એવું કહ્યું. તેના પિતાએ પોતે જ એરિકની કામ પાછળની ઘેલછા અને પરિણામે પરિવારને સમય ન આપવાના સ્વભાવની વાત કરી. ધરા તેના ભાવિ પતિની પહેલી પત્નીને પણ મળી. આ બધું જાણ્યા પછી પણ ધરાએ જેની સાથે વર્ષો પહેલાં મૈત્રી સંબંધ બંધાયેલો તેની સાથે પોતાનું જીવન જોડવાનો નિર્ણય કર્યો.
ધરાએ જયારે એરિક સાથે લગ્નગ્રંથિથી જોડાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેના પિતા અને ફોઈનો યોગ્ય ઉમરે ભારતના કોઈ એક યુવાન સાથે લગ્ન ન કરીને આ વિદેશી સાથે લગ્ન કરવાની માંગણી સામે વિરોધ હતો, પરંતુ તેઓએ પરિસ્થિતિને સમજીને એ વાત સ્વીકારી. પછી તો ભાઈ એરિક જાન લઈને અમદાવાદ આવ્યા, ધરાનાં ભાઈ-ભાભીએ કન્યાદાન આપ્યું અને ૪૦૦ શુભેચ્છકોની હાજરીમાં હિંદુ વિધિથી લગ્ન સંપન્ન થયાં. આ દંપતી સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને ઉત્તમ માતા-પિતાની ફરજો બજાવે છે. પોતાના સંતાનો પેદા કરવાની ઇચ્છા ન ધરાવતી એવી ધરા તેના પતિના નવ અને સાત વર્ષના બાળકોની પ્રેમપૂર્વક સંભાળ પૂરી કાળજીથી લેવા લાગી. આ દંપતીના હૃદયમાં હજુ વધુ લોકોને સમાવવાની ક્ષમતા છે, તેથી જ તો ત્રણેક વર્ષ પહેલાં મધર ટેરેસા સંચાલિત સંસ્થામાંથી એક ૧૯ વર્ષીય યુવતીને દત્તક લીધી. એ અર્ધ પ્રજ્ઞાચક્ષુ હતી. તેને જર્મનીમાં કોર્નિયા ઈમ્પ્લાન્ટ કરાવ્યું અને હવે ૩૦થી ૪૦% દૃષ્ટિ પાછી મળી ગઈ છે.
આટલો પ્રેમભર્યો સંસાર રચીને સંતાનો અને અન્ય કુટુંબીજનોને પ્યારથી પોતાના કરી લીધા એ જાણે ઓછું હોય તેમ તેઓ બીજી પણ અનેક પ્રવૃત્તિઓ કરે છે જેમાંની એક છે ઓગસ્ટ મહિનામાં બે અઠવાડિયા માટે ‘ઇન્ડિયન સમર’ની ઉજવણી. એમના નિવાસી દેશમાં ભારતથી દત્તક લાવેલા બાળકો/યુવાનોને અને તેમના માતા-પિતાઓને ભારતની સંસ્કૃિત, ભાષા, ખોરાક, તહેવારો વગેરેની જાણકારી થાય તેવી જાતજાતની પ્રવૃત્તિઓ આ મંડળ કરે છે. એ મંડળીમાંથી જ કોઈ એક થીમની ઉજવણીની માગણી થાય અને સહુ ભાગ લેનારાઓ બે અઠવાડિયા સુધી ભારતીય પોશાક, વાનગીઓ, સંગીત અને તહેવારોની લ્હાણી માણે.
મારી આ નવી સખી વિયેનાની મેડિકલ યુનિવર્સિટીમાં Alzheimer’s disease વિષે સંશોધન માટે કામ કરે છે અને તેના પતિ એક સફળ પર્યાવરણવાદી તરીકે કામ કરે છે. આ દંપતી એક અનોખી જીવન રીતિથી જીવે છે. તેઓ કુદરતી સંસાધનોનો જ ઉપયોગ ઘર વપરાશની વસ્તુઓ માટે કરે છે. જેમ કે તેમના ઘરમાં ગરમ પાણી, હિટીંગ અને વીજળી સૂર્ય ઊર્જાથી પેદા થાય છે. કુદરતી રીતે પાણી શુદ્ધિકરણની વ્યવસ્થા પણ જાતે બનાવેલી છે. એ ઘરમાં રસોઈ માત્ર લાકડાનું બળતણ વાપરીને જ કરાય છે. અહીં એ નોંધવું યોગ્ય થશે કે મા, બાપ અને પુત્રી શુદ્ધ શાકાહારી છે, પુત્ર ક્યારેક સામીશ ભોજન લે છે. વળી સુપર માર્કેટની પકડમાંથી છૂટવા માટે તેઓ શાકભાજી ઘરના વાડામાં ઉગાડે છે, દહીં, માખણ અને ઘી ઘરની બનાવટનું જ હોય છે, લાકડાની રાખમાંથી પ્રવાહી સાબુ, અરીઠાથી સફાઈ માટેનો સાબુ અને ફર્શ સાફ કરવા માટે વિનેગરની બનાવટનો જ ઉપયોગ કરે છે. આવું સ્વાવલંબી જીવન એકવીસમી સદીમાં અને તે પણ પશ્ચિમના ધનાઢ્ય દેશમાં કોઈ જીવી શકે એ માન્યામાં નથી આવતું એમ મેં કહ્યું એટલે આ સહેલીએ મને જાતે એ જોવા જવાનું આમંત્રણ આપ્યું છે.
આમ જુઓ તો એક સાધારણ ગણાતા માતા-પિતાની પુત્રી, ધાર્યું હોત તો ભણીને નોકરી કરી, પરણીને બાળ-બચ્ચાં સાથે સુખે જીવન જીવતી હોત. પણ એક પુસ્તકમાંના ઉમદા વિચારોએ તેના વિચારોની દિશા બદલી નાખી. એટલું પૂરતું ન હોય તેમ એ જ વિચારધારાએ બે અનોખા વ્યક્તિત્વોને જોડી આપ્યાં, જેઓ કુટુંબ, સમાજ અને દેશને દૃષ્ટાંતરૂપ જીવન જીવે છે.
ધન્ય છે એક ગરવી ગુજરાતણને જેણે વિદેશ જઈને ભાષા, ધર્મ કે સંસ્કૃિતના ભેદભાવ જાણ્યા વિના એક ગોકુળિયું વસાવ્યું.
e.mail : 71abuch@gmail.com