Opinion Magazine
Number of visits: 9482750
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો’

વિપુલ કલ્યાણી|Profile|1 November 2013

‘મરણ સ્મરણની દુનિયા ખોલે છે’, તેમ અાચાર્ય જયેન્દ્ર ત્રિવેદીએ એક દા લખેલું. વાત ખરી લાગે છે. રતિલાલ ચંદરિયાની એકાણુમે વરસે લીધી અા વિદાયને હવે અા કેડે જ મુલવવી રહી.

એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. અા મુલાકાતોના સિલસિલામાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં વિધવિધ કામો કેન્દ્રસ્થ રહેતાં. એક દિવસે, કપૂરભાઈની સાથે હતો અને રતિભાઈ અાવી ચડ્યા. કહે : તમારું કામ પતે, તે પછી, થોડોક વખત મને મળી શકશો ? અને અામ હું મળવા ગયો.

તે દિવસોમાં, ટાઇપરાઇટરના ઉપયોગમાંથી રતિભાઈ કમ્પ્યૂટર યુગમાં ફેરવાઈ રહ્યા હતા. એમણે ગુજરાતીનું એમનું કામ વિગતે દેખાડ્યું. પોતાના મનનો નકશો ચીતરી દેખાડ્યો. ક્યાં ક્યાં ધા નાખી છે અને કેવડું ગંજાવર કામ છે તે બતાડી દીધું. મારો અભિપ્રાય જાણ્યો અને પછી એમને બનતી સહાય કરવા એમણે મને વિનંતી કરી.

બસ, ત્યારથી એમના અા કામોને પોરસાવતો રહ્યો. મળવાહળવાનું થાય ત્યારે પ્રગતિ બાબત તરતપાસ કરતો રહું. અને અામ અમારું મળવાનું વધતું ચાલ્યું. તે દરિમયાન, 1995ના અરસામાં, “અોપિનિયન” સામયિક શરૂ કર્યું. તે તદ્દન સીધાં ચઢાણ જ હતાં તેની પાકી સમજણ. પણ સતત મંડ્યા રહેવાનું થયું. તેમાં રતિભાઈ ગ્રાહકરૂપે જોડાયા અને સાથેસાથે એમના સમગ્ર પરિવારને ય એમણે જોતરી અાણ્યાં. “અોપિનિયન”ના મુદ્રિત અંકના પંદર વરસ દરમિયાન એમણે સામૂકી હૂંફ જ અાપી. “અોપિનિયન”ના અંકોના દરેક લેખ વાંચે, અને પાછા મન મેલીને અાનંદ વ્યક્ત કરતા રહે. એમને મળવા જવાનું થાય, ત્યારે ત્યારે “અોપિનિયન”ની એમણે જાળવી ફાઇલ બતાવે અને રાજીપો વ્યક્ત કરતા રહે.

દરમિયાન, “અોપિનિયન”નો, 1998ના અૉક્ટોબર માસનો અંક, ‘જોડણી અને ભાષાશુદ્ધિ અંક’ તરીકે પ્રગટ કર્યો. અંકને છેલ્લે પાને, ‘કમ્પ્યૂટર પર ગુજરાતી ભાષા ને જોડણીનો શબ્દકોશ’ નામે રતિલાલ ચંદરિયાનો એક લેખ પણ પ્રગટ થાય છે. જાન્યુઅારી 1999 વેળા, ઊંઝા ખાતે જોડણી પરિષદ મળી રહી હતી, તેને ધ્યાનમાં રાખી અા ખાસ અંક પ્રકાશિત કરેલો. અા પરિષદના એક અાગેવાન એટલે ભારે નિષ્ઠાવાન તેમ જ વિદ્વાન રામજીભાઈ પટેલ. રામજીભાઈ તથા તેમના સાથીસહોદરોને અાને કારણે રતિભાઈનાં કામોમાં ય રસ પડ્યો. રામજીભાઈ પટેલના સાથીસહોદરોમાંથી ઉત્તમભાઈ ગજ્જર અને પાછળથી બળવંતભાઈ પટેલ પણ રતિભાઈની ત્રિજ્યામાં ગોઠવાઈ ગયા.  

રતિભાઈ અામ તપેશરી. દેવચંદભાઈ પાછા થયા પછી એ જ ચંદરિયા ફાઉન્ડેશનના મુખી. તેની જબ્બર જવાબદારીઅો, પરંતુ દેશદેશાવરમાં પથરાઈ પેઢીને ભાઈઅો, નાનેરાંઅો વિકસાવતા રહેતાં. તેથી હળવાશે ધંધાધાપા પર નજરઅંદાજ થયા વિના, એમણે કમ્પ્યૂટર ક્ષેત્રે ગુજરાતી લિપિને ઢાળવાનું કામ જારી રાખ્યું. તેના વિવિધ શબ્દકોશોને ડિજિટલ રૂપ અાપવામાં પરોવાયેલા રહ્યા. અાને સારુ એમણે અનેકોની સહાય લીધી છે.

કહે છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માંધાતાઅોએ એક દા અા કામની જવાબદારી લેવાની તૈયારીઅો દર્શાવેલી, પણ તેની સફળતા સાંપડી નહોતી; એથી એમણે નજર અન્યત્ર કરી લીધી. તેવાકમાં અશોક કરણિયા અને તેમના સાથીદારો કાંદિવલીમાં ગુજરાતી લિપિ સાથે કામ પાડતાં પાડતાં ભાષાશિક્ષણના અોજારો બનાવવામાં મચેલા હોય તેમ જણાતા, રતિભાઈએ, 2005ના અરસામાં, તેમનો સંપર્ક કર્યો. ‘અૅ બ્લૉગ લેસ અૉર્ડિનરી’ નામે પોતીકા બ્લૉગમાં અશોક કરણિયા, ‘માઈ લાઈફ વીથ રતિકાકા’ને નામે લેખમાં, લખે છે તેમ, જુલાઈ 2005માં રતિભાઈ અા યુવાનોને મળ્યા, અને પછી, ઈન્ટરનેટની દુનિયામાં ગુજરાતીનું સ્થાન અદકેરું બનવા બાબતનું સોનેરી પૃષ્ઠ કંડારવાનું અારંભાયું.

તત્કાલીન ‘મેગનેટ ટેકનૉલોજીસ પ્રાઇવેટ લિ.’ના અા યુવાનોએ, પોતાની મસે અા કામ જોયું, તપાસ્યું. અશોકભાઈ તેમ જ સાથીમિત્રોને તેના વ્યાપનું સુખદ અાશ્ચર્ય થયું. અા યુવાનોએ તે દિવસોમાં, ‘ઉત્કર્ષ’ નામે એક ‘સરળ-સુરક્ષિત-સ્વતંત્ર’ પ્રૉગ્રામ વિન્ડોસ કમ્પ્યૂટર માટે ગુજરાતીમાં જાહેર કરેલો. તેમને રતિભાઈના ગંજાવર કામથી પુષ્ટિ જ નહોતી મળતી, તેમને જબ્બર ચાલક બળ પણ પ્રાપ્ત થતું હતું. એક બાજુ અનુભવ તો બીજી તરફ યુવાનીનું અા સાયુજ્ય હતું.

તે સાલ ડિસેમ્બરમાં, ભારત જવાનો અવસર થયો. અા યુવાન મિત્રોને ય મળવાનું બન્યું. તેમની નિષ્ઠા, દૂરંદેશી જોઈ તપાસી અને રતિભાઈને અા સમૂળો પ્રકલ્પ જાહેર જનતાને સારુ અર્પણ કરવાને તૈયાર કર્યા. લંબાણભરી બેઠકો કરી. વરિષ્ટ સાહિત્યકાર ધીરુબહેન પટેલને જોડવાનો નિર્ધાર કર્યો. અને 13 જાન્યુઅારી 2006ના રોજ ગુજરાતી ભાષા સાહિત્યને ક્ષેત્રે એક ભગીરથ કામ મુકાયું. મુંબઈના ‘ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર’ના સભાખંડમાં ઠેરઠેરથી માનવમેદની હાજર રહી હતી. ચંદરિયા પરિવારના અગ્રેસરો હતા, વાણિજ્ય-ઉદ્યોગના અાગેવાનો ય હતા. ભાષા સાહિત્ય ક્ષેત્રનાં ધુરીણો ય હતાં. અતિથિ વિશેષ ધીરુબહેન પટેલે અા ઉદ્દાત કામને જાહેર મુક્યું. ધીરુબહેનને જે સમજાતું હતું, જે દેખાતું હતું તો જો, તે વેળા, સાબરમતીના કાંઠાળ વિસ્તારનાં ભાષા-સાહિત્યનાં અગ્રેસરોને વર્તાતું હોત તો ! … ખેર.  અા અવસરનું સંચાલન કરવાનો સુભગ સંયોગ મારે શિરે હતો, તેનું મને ભારે ગૌરવ છે.

મુંબઈના અા ઐતિહાસિક અવસરની પૂંઠેપૂંઠે, લંડનમાં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 09 જુલાઈ 2006ના ‘ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ’નું જાહેર સ્વાગત થયું. ગુજરાતી ડિજિટલ ડિક્શનરીના સર્જક અાધુનિક એકલવ્ય રતિલાલ ચંદરિયાનું જાહેર સન્માન કરવાનો ય યોગ અમને થયો હતો. એ ભાતીગળ અવસરે પ્યારઅલી રતનશી અને ભીખુભાઈ પારેખ સરીખા વિદ્વાનોએ પોરસાવતાં વક્તવ્યો અાપ્યા હતા. જ્યારે ધીરુભાઈ ઠાકર સરીખા વરિષ્ટ કર્મઠ સાહિત્યકારની પોરસાવતી ઉપસ્થિતિ ય હતી. તત્કાલીન ‘મેગનેટ ટેક્નોલોજીસ’ના તે વેળાના અાગેવાન અશોક કરણિયા ખાસ હાજર હતા. અા અવસરને ધ્યાનમાં રાખી, “અોપિનિયન”નો એક ખાસ અંક પ્રગટ થયો હતો, જેમાં અા સઘળાં પ્રવચનો અામેજ કરાયા હતાં. બીજી પાસ, ‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઇટ પરે અા અવસરની વિગતે વીડિયો જોવા ય પામીએ છીએ.

‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને અા ડિજિટલ શબ્દકોશમાં અધિકૃતપણે સામેલ કરી શકાય તે સારુ વરસોથી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના કુલસચિવ તેમ જ કુલનાયક જોડે ચર્ચાવિચારણા કરતો રહેતો. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને ડિજિટલ કરવાનો અા અવસર છે અને અા તક ઝડપવા સારુ એમને સમજાવી શકાયા તેનો મને ભારે સંતોષ છે. ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં દફતર ખડું કરી, ગુજરાતીલેક્સિકૉને‘ યજ્ઞ માંડેલો અને અા કોશને ડિજિટલસ્વરૂપ અાપવાનો ઉપક્રમ અાટોપી શકાયો. અશોક કરણિયા સાથે રહીને, અનેકવિધ પ્રવાહોને ખાળતા રહી, રતિભાઈની અાશાનિરાશાને સમજી સાંચવી લઈ, મહા મહેનતે, અા ભાતીગળ પ્રકલ્પ અાટોપાયો જ અાટોપાયો. અા કામને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના ગાંધીનગર અધિવેશન ટાંકણે, વિધિવત્ લોકઅર્પિત કરાયો તેનું સ્મરણ પણ એવું ને એવુ તાજું છે.

સને 1940માં, પહેલી વાર, પ્રકાશિત થયેલા ભગવદ્ગોમંડળના કુલ નવ ગ્રંથોમાં 2.82લાખ શબ્દોની, કુલ 8.22લાખ શબ્દોમાં, અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે. હિમાંશુ કીકાણીએ ‘સાયબરસફર – અરાઉન્ડ ધ વેબ’માં, તાજેતરમાં, લખ્યું છે તે મુજબ, ‘ગોંડલના મહારાજાને ગ્રંથ તૈયાર કરતાં 26 વર્ષ લાગ્યાં હતાં. રતિકાકાને ગુજરાતી લેક્સિકૉનની પહેલી આવૃત્તિ તૈયાર કરવામાં 20 વર્ષ લાગ્યાં હતાં અને એ અનુભવ પછી, ભગવદ્ગોમંડલનું કામ 11મહિનામાં પૂર્ણ કરી શકાયું! તેમના પ્રયાસોએ હવે ગુજરાતી ભાષાને ડિજિટલ દુનિયામાં વિશ્વની પ્રમુખ ભાષાઓની હરોળમાં મૂકી દીધી છે.’

‘અક્ષરની અારાધના’ નામે “ગુજરાતમિત્ર” માંહેની પોતાની સાપ્તાહિકી કટારમાં અાપણા વરિષ્ટ સાહિત્યિક પત્રકાર  દીપક મહેતાએ લખ્યું છે, ‘નહોતા એ સર્જક, નહોતા વિવેચક, નહોતા અધ્યાપક, અરે ! એ પત્રકાર પણ નહોતા. અને છતાં ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં લઈ જવા માટે તેમણે એ સૌ કરતાં વધુ પુરુષાર્થ કર્યો.’ બીજી પાસ, િહમાંશુભાઈએ ‘સાયબરસફર – અરાઉન્ડ ધ વેબ’માં લખ્યું છે તે મુજબ,‘જ્યારે ગુજરાતીમાં કમ્પ્યુિટંગ માટે યુનિકોડ શબ્દ તો હજી જન્મ્યો જ નહોતો, અને ગુજરાતી ઇલેક્ટ્રોનિક ટાઇપરાઇટરનું પણ અસ્તિત્વ નહોતું, છેક ત્યારે, એક વ્યક્તિએ આવનારી પેઢી માટે, જમાનાને અનુરૂપ એવી કોઈક રીતે, અત્યંત સમૃદ્ધ ગુજરાતી ભાષાના અગણિત શબ્દોને સુલભ કરી આપવાનું સ્વપ્ન જોયું. જે એણે વીસ વર્ષની મહેનત પછી પાર પાડ્યું.’ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કમ્પ્યૂટર સાથ, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતીલેક્સિકૉન’ શા સૂત્ર સાથે શબ્દકોશ, સ્પેલચેકર, ભગવદ્ગોમંડળવાળી કૉમ્પેટ્ક્ટ ડિસ્ક બહાર પડાઈ. હજારોની સંખ્યામાં તેની જગતભરમાં વહેંચણી કરવામાં અાવી છે. અાટલું કમ હોય તેમ, યુનિકૉડ ફોન્ટ પોતાના કમ્પ્યૂટરમાં ઊતારી લેવાની પણ સગવડ અાપવામાં અાવી. મધુ રાય “દિવ્ય ભાસ્કર” માંહેની ‘કળશ’ પૂર્તિમાં લખે છે તેમ, ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ, અને તે પછી ક્રમશ: સ્પેલચેકર, ભગવદ્દગોમંડળ કોશ, લોકકોશ જેવાં ભાષાકીય ઉપકરણોએ અાકાર લીધો, તેની પાછળ પ્રેરકબળ હતા શ્રેષ્ઠી રતિલાલ ચંદરિયા.

‘ભગવદ્ગોમંડળ’નું કામ હાથ ધરાય ત્યાં સુધીમાં તો તાનસા, સાબરમતી અને ટૅમ્સમાં પારાવાર પાણી વહી ચૂક્યાં હતાં. વિપરીત સંજોગોમાં, ‘ગુજરાતીલેક્સિકૉન’ જૂથને અમદાવાદ જવાનું અને સ્થાયી થવાનું અાવ્યું. અા ડામાડોળ દિવસોમાં રતિભાઈની ટાઢક, દૂરંદેશી તેમ જ સમજણ સરાણે હતાં. તે દરેકનો જયવારો થયો અને ધીમેધીમે ફરી એક વાર ગાડું રાંગમાં અાવ્યું. અારંભથી જ અા જૂથમાં મારી સક્રિયતા રહી હતી. હજારો જોજનો દૂર હોવાને કારણે રોજ-બ-રોજની સક્રિયતા નિભાવી શકાઈ નથી. પરંતુ રતિલાલ ચંદરિયા, અશોક કરણિયા, ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ તથા મનસુખભાઈ શાહના બનેલા વડીલ સલાહકાર મંડળમાં સક્રિયપણે સામેલ રહ્યો છું.

રતિભાઈના દૂરંદેશ પરિઘમાં યૂનિકૉડ ફૉન્ટની વાત હંમેશ રહેવા પામી છે. ગુજરાતી ફૉન્ટના સર્વત્ર થતા રહેતા ઉપયોગમાં મોટે ભાગે અાજે અરાજકતા જોવા પામીએ છીએ. મોટા ભાગના વપરાતા ફૉન્ટ ‘નૉન-યૂનિકૉડ’ ઘરાણાના છે. તેમાં એકરૂપતા અાણવા માટે ‘ગુજરાતીલેક્સિકૉન’ હેઠળ મથવાનું થયું છે. તેને સારુ કાર્યક્રમ ઘડાયો છે, અમલબજાવણી ય થઈ છે. અને છતાં, તે કામ ત્યાંનું ત્યાં ઊભું છે ! ગુજરાતીના અાપણા પ્રકાશનગૃહો, અાપણા સમસામયિકોના માલિકો – સંચાલકો તેમ જ ભાષા-સાહિત્યના રખેવાળો અા યૂનિકૉડને અારેઅોવારે પોતાનું કામ પાર પાડે તે જોવાનું ય એમનું સ્વપ્ન હતું. તેને પાર પાડવું જ રહ્યું. અાપણે સૌ કોઈ અા ક્ષેત્રે હાથ બટાવી શકીશું ખરા કે ?!

વરસો પહેલાં, સન 2008 દરમિયાન, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ નામે એક ઇતિહાસમૂલક ગ્રંથ તૈયાર કરવાને સારુ સંશોધનકામ કરવા શિરીનબહેન તથા મકરન્દભાઈ મહેતા શી ઇતિહાસકારબેલડી વિલાયત અાવેલી. અા કામ “અોપિનિયન” વિચારપત્ર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ ‘ચંદરિયા ફાઉન્ડેશન’ના સંયુક્ત નેજા હેઠળ થઈ રહ્યું હતું. અારંભથી જ રતિભાઈએ અા કામમાં સક્રિયતા જાળવેલી અને ડગલે ને પગલે કામનો અંદાજ જાણતા અને ઉચિત સલાહસૂચન પણ કરતા રહેતા. અા પુસ્તકની અંગ્રેજી અાવૃત્તિ થાય તેવા તેમને ભારે અોરતા હતા. અા ઇતિહાસકાર દંપતીએ તેનો વાયદો રતિભાઈને અાપ્યો છે તે હવે એમણે પરિપૂર્ણ કરવો જોઇએ, એમ લાગી રહ્યું છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ તેના ત્રીસ વરસના અસ્તિત્વ ટાંકણે, દશા અને દિશા બાબત ઝીણવટે તપાસ અાદરવા, તળ ગુજરાતે, અમદાવાદમાં, જાન્યુઅારી 2009માં બે દિવસની બેઠક યોજી હતી. તેનો સઘળો ભાર રતિલાલ ચંદરિયાની નિગાહબાની હેઠળ, ‘ગુજરાતીલૅક્સિકૉન’ હેઠળ પાર પાડવામાં અાવેલો. તે દ્વિ-દિવસીય બેઠક ફળીભૂત બને તેને સારુ રતિભાઈ સતત કાર્યપ્રવૃત્ત રહ્યા હતા. તે સઘળી બેઠકમાં ખુદ હાજર ને હાજર હતા.

રતિલાલ ચંદરિયા સતત પ્રગતિને પંથે રહ્યા. એમનો વિકાસ ઊર્ધ્વગામી જ રહ્યો. એમનું નામ સાંભળતો થયો તે દિવસોમાં એ વીસા અોસવાળ સમાજમાં સેવારત હતા. સર્વોપરી સ્થાને પણ ગયા અને પારાવાર સુવાસ પાથરતા ગયા. એમણે ‘ઇન્સ્ટિટ્યૂટ અૉવ્ જૈનોલોજી’ની રચના જ ન કરી, તેમાં છેવટ લગી ખૂંપી ગયા અને માતબર કામ અંકે કરતા ગયા. લંડનના ‘ભારતીય વિદ્યા ભવન‘ માંહેનું એમનું યોગદાન અાજે ય ચમકારા મારે છે. ગુજરાતી અાલમનું સંગઠન કરવામાં ય અગ્રગામી રહ્યા. ‘નેશનલ કૉન્ગ્રેસ અૉવ્ ગુજરાતી અૉર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં પણ અગ્રેસર હતા. કેટલાકોની ‘અાત્મમુગ્ધતા’ સામે ટકવું સહેલું નહીં લાગ્યું હોય, અને કદાચ, ત્યાંથી રતિભાઈ ફંટાઈ ગયા હોય તેમ પણ બને. અને પછી ગુજરાતી લેક્સિકૉન ક્ષેત્રે એ તનમનધન સાથે પૂરેપૂરા છવાઈ ગયા. ગુજરાત અને ગુજરાતીઅો કલ્પી ન શકે એવું અા વામને વિરાટ કામ અાપણને અને અાપણી વિરાસતને અાપ્યું છે. અને તેથી જ એ સર્વત્ર અાદરભેર પોંખાતા રહ્યા અને રહેવાના.   

અંગત જીવનમાં, રતિકાકા, અમારે મન પિતાતૂલ્ય વડીલ રહ્યા. લંડન અાવ્યા હોય ત્યારે વખત કાઢીને ઘેર અાવે અને ખબરઅંતર પૂછે. કુન્તલના લગ્નપ્રસંગે મુંબઈથી ખાસ હાજર રહેવા અાવી પહોંચેલા ! અાવા અાવા અનેક નિજી પ્રસંગોને અંગત અંગત રહેવા દઈ, મિત્ર દીપક મહેતાએ “ગુજરાતમિત્ર” માંહેની, 21 અૉક્ટોબર 2013ની ‘અક્ષરની અારાધના’ નામે સાપ્તાહિકીમાં યોગ્યપણે લખ્યું છે, તેને વાગોળતાં વાગોળતાં કલમને વિરામ અાપીએ :

‘આપણી સાહિત્યની સંસ્થાઓ, તેનાં સત્તાસ્થાનો પર બેઠેલાઓ, હજી ગઈ કાલ સુધી કમ્પ્યૂટર માટે સૂગ ધરાવતા હતા, આજે ય ખુલ્લા દિલે ને હાથે તેને આવકારનારા બહુ ઓછા. એટલે તેમનો સાથ-સહકાર ધારેલો તેટલો મળ્યો નહીં. ઘણા તો ભોળા ભાવે પૂછતા : પણ કમ્પ્યૂટરના સ્ક્રીન પર કાંઈ પુસ્તકો ઓછાં જ વાંચવા બેસવાનું છે કોઈ ? આવડું મોટું પી.સી. સાથે કોઈ રાખવાનું છે ? ચોપડી તો બગલ થેલામાં લઈ જવાય. આજે એ જ બગલથેલામાં એક ડિવાઈસમાં લોડ કરીને ૨૦૦ પુસ્તકો સાથે ફેરવી શકાય છે ! આ બધી શક્યતાઓ રતિભાઈએ વર્ષો પહેલાં પારખી લીધેલી. એ વખતે હજી ઇન્ટરનેટ તવંગરોની મોજશોખની વસ્તુ હતી. પણ આવતી કાલે નાનું છોકરું પણ નેટ સેવી હશે એ તેમણે જોઈ લીધું હતું. અને ૨૧મી સદીના નાગરિકો સાથે જો વાત કરવી હોય તો જમાનાઓ જૂનાં સાધનોથી નહીં, તેમનાં સાધનોથી જ કરવી જોઇએ એ વાત રતિભાઈ સમજી શક્યા હતા. તેમના જવાથી આપણને એક નિત્ય યુવાન ભાષાના ભેખધારીની ખોટ પડી છે. તેમના કામને આગળ ને આગળ ધપાવતા રહીએ એ જ તેમને સાચી અંજલી હોઈ શકે.’

પાનબીડું :

મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો
,

તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,


રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો,


શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો −


દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
,

એક મંજિલની લગન આંખે ઊતરવા દઈને
,

ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,


‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.


જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,


જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,


દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,


દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.


શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,


ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,


દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
,

કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.


                                                      — હરીન્દ્ર દવે

(હૅરો, 24 અૉક્ટોબર 2013)

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

ગુજરાતી લેક્સિકોન ડોટ કોમ વેબસાઈના સર્જક અને એના દ્વારા ગુજરાતી ભાષા માટે ખૂબ દૂરંદેશીભર્યું અને ભગીરથ કરનાર રતિલાલ ચંદરિયાનું ઓક્ટોબર ૨૦૧૩ના રોજ નિધન થયું. "ઓપિનનિયન" ગુજરાતી સામયિકના તંત્રી અને લંડનની 'ગુજરાતી સાહિત્ય અકાદમી'નાં પ્રમુખ વિપુલ કલ્યાણીએ, અૉસ્ટૃલિયાસ્થિત ગુજરાતી રેડિયો "સૂર સંવાદ"માં આપેલી શબ્દાંજલિ …

http://www.sursamvaad.net.au/gujarati/

Loading

1 November 2013 admin
← અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો — પર્યાલોચન અને પ્રતિભાવ
ગાંધીનેહરુસરદાર : સ્વરાજત્રિપુટીનો ઉજાસ →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved