Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય અર્થતંત્ર ઃ દશા અને દિશા

આકાશ આચાર્ય|Samantar Gujarat - Samantar|13 October 2013

15 ઓગસ્ટ, 2013ના રોજ ભારતની આઝાદીના 66 વર્ષો પૂરાં થયાં. આટલો સમયગાળો કોઈ પણ દેશના અર્થતંત્રના મૂલ્યાંકન માટે પૂરતો કહેવાય અને તેથી આઝાદીના 67માં વર્ષે ભારતીય અર્થતંત્રે કેટલી મજલ કાપી છે, ક્યાં ઊભું છે અને કઈ દિશામાં કેટલી ગતિથી જઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે. ભારતીય અર્થતંત્ર વિશે ઘણાં પ્રકારના ખ્યાલો પ્રવર્તમાન છે. Shining India, Superpower Indiaથી માંડીને Shabby India સુધીના ખ્યાલોનો આમાં સમાવેશ થઈ જાય છે. કેટલાક અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર દોરે છે તો કેટલાકના મતે ભારતીય અર્થતંત્ર ખાડે ગયું છે. અર્થશાસ્ત્રીઓમાં પણ મતમતાંતરો છે. હાલમાં જ ટી.વી. તથા વર્તમાનપત્રોમાં બે દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ જેવા કે નોબેલ પારિતોષિક વિજેતા પ્રો. અમર્ત્ય સેન તથા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના પ્રો. જગદીશ ભગવતી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે. પ્રો. અમર્ત્ય સેનના મતે ભારતે શિક્ષણ તથા આરોગ્ય પાછળ વધુ જાહેર ખર્ચ કરવાની જરૂર છે જેથી માનવીય વિકાસ (Human Capacity Building) દ્વારા આર્થિક વૃદ્ધિનો દર ઊંચે લાવી શકાય. જ્યારે પ્રો. જગદીશ ભગવતીના મતે આર્થિક વૃદ્ધિ ઉપર પહેલાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેથી સરકારને કરવેરાઓ દ્વારા વધુ આવક પ્રાપ્ત થાય અને જે માનવવિકાસ પાછળ વાપરી શકાય.

અર્થતંત્ર એક વિશાળ વ્યવસ્થા છે જેના વિવિધ આયામો છે જેવા કે આર્થિક વૃદ્ધિ, વિકાસ, ગરીબી, બેકારી, ફુગાવો, આંતરરાષ્ટ્રીય વેપાર, નાણાંકીય નીતિ, શેરબજાર, કૃષિ, ઉદ્યોગો, સેવાઓ, વગેરે. પ્રસ્તુત લેખમાં બધા આયામોની ચર્ચા શક્ય નથી તેથી ખાસ કરીને માનવવિકાસને લગતા જે પાસાંઓ છે જેમાં મુખ્યત્વે માથાદીઠ આવક, શિક્ષણ તથા આરોગ્યનો સમાવેશ થાય છે તેની ચર્ચા છે. તદુપરાંત વસ્તી તથા ગરીબી આ બાબતો સાથે સીધી રીતે સંકળાયેલી હોવાથી તેની પણ ચર્ચા છે.

વસ્તી

ભારત જ્યારે 1947માં આઝાદ થયું ત્યારે ભારતની વસ્તી 36 કરોડની આસપાસ હતી જે વધીને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 121 કરોડની આસપાસ છે. 66 વર્ષમાં આ 336%નો વધારો સૂચવે છે જે અસામાન્ય કહી શકાય તેવો છે. વસ્તી વિષયક નિષ્ણાંતોની ગણતરીઓ મુજબ ભારત 2025 થી 2030ની સાલની વચ્ચે ચીનની વસ્તીને આંબી જશે અને વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. વસ્તીના આટલા મોટા આંકડાની અર્થતંત્ર ઉપર નકારાત્મક અસરો ઉપર તો ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે પરંતુ આજકાલ એક નવો પારિભાષિક શબ્દ ચલણમાં છે `demographic divided', જેનું ગુજરાતી કેટલાક `લાભદાયી વસ્તી' કરે છે. આ શબ્દ વસ્તીમાં ઉંમરના પ્રમાણ (Age structure) સાથે સંકળાયેલો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની અડધાથી વધુ વસ્તી  25 વર્ષથી નાની ઉંમરોના યુવાનોની બનેલી છે અને 65% થી વધુ વસ્તી 35 વર્ષની નાની વયના યુવા વર્ગની. કોઈ પણ રાષ્ટ્ર માટે આટલા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ યુવાવર્ગ આર્થિક વિકાસ માટેનું ચાલકબળ બની શકે છે જો આ યુવાધન શિક્ષિત, આરોગ્યપ્રદ અને બજારની જરૂરિયાત પ્રમાણે કેળવણી પામેલ હોય તો. જો આમ હોય તો આ યુવાધન ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવશે પણ જો આમ ન હોય તો demographic dividend, demographic disasterમાં પણ ફેરવાઈ શકે છે અને વ્યાપક બેકારી, સંઘર્ષો સર્જી શકે છે.

વસ્તીને લગતો બીજો મહત્ત્વનો મુદ્દો Sex ratio કે લિંગ ગુણોત્તર છે જે 1000 પુરુષની સામે સ્ત્રીૃઓની સંખ્યા દર્શાવે છે. આ ગુણોત્તર 940ની આસપાસ ફર્યા કરે છે જે સમાજના પ્રવર્તમાન દીકરા-દીકરીના ભેદભાવનો સૂચક છે. કોઈ પણ વિકસિત, પ્રગતિશીલ, સભ્ય સમાજમાં આ પ્રકારના ભેદભાવ સ્વીકાર્ય ન હોઈ શકે કે જેમાં સ્ત્રીઓને જન્મથી લઈને કારકીર્દિ વિકસાવવા સુધી અને ત્યારબાદ ડગલે ને પગલે gender discrimination(લિંગ ભેદભાવ)નો સામનો કરવો પડે.

આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવક

આઝાદી બાદ લગભગ સાત પંચવર્ષીય યોજનાઓ સુધી ભારતનો આર્થિક વૃદ્ધિદર 2-3%ની આસપાસ રહેતો આવ્યો હતો જેને પ્રો. રાજક્રિશ્નાએ Hindu rate of growth તરીકે ઓળખાવ્યો હતો. 1990-91માં આવેલ આર્થિક કટોકટી કે જેમાં વિદેશી હૂંડિયામણ માત્ર એક-બે અઠવાડિયા ચાલે તેટલું જ હતું ત્યારે આ પ્રકારના વિકટ સંજોગો ઊભા થતા અર્થતંત્રના પ્રવાહો પલટાયા અને ભારતમાં ઉદારીકરણ-ખાનગીકરણ-વૈશ્વિકીકરણ (LPG)નો યુગ શરૂ થયો. જાહેરક્ષેત્રોનું પ્રભુત્વ (commanding heights) ઘટવા માંડયું અને બજારનું મહત્ત્વ વધવા માંડયું અને તેની અસર આર્થિક વૃદ્ધિના દર ઉપર દેખાવા માંડી અને 7-8% સુધી પહોંચ્યો. જો કે નવી આર્થિક નીતિના બે દાયકા ઉપરના સમય બાદ આર્થિક વૃદ્ધિ દર ફરી 5% પર આવી ગયો છે, જેને કેટલાક Neo Hindu rate of growth તરીકે ઓળખાવે છે. આઝાદી સમયે ભારતની માથાદીઠ આવક જે (ભાવવૃદ્ધિની અસરો ગણતરીમાં લેતા) 7000 હતી તે વધીને 40,000 જેટલી થઈ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય તુલનામાં ભારતનો નંબર 126મો છે. જે દેશો ભારતની આઝાદીની આસપાસ આઝાદ થયા હતા અને જેઓએ ભારતની જેમ જ નવી શરૂઆત કરી હતી તેવા દેશો જેવા કે સાઉથ કોરીઆ, જાપાન, સિંગાપોર અને ચીનનો ક્રમાંક અનુક્રમે 26, 23, 4 અને 92મો છે. આમ, આ બધા દેશોની માથાદીઠ આવક ભારતથી વધુ છે.

ગરીબી

ભારતમાં ગરીબીને લગતા આંકડાઓ તથા ગરીબી રેખાની વ્યાખ્યા ઉપર જેટલા વિવાદો થયા છે તેટલા વિવાદો બીજા કોઈ આંકડાઓ માટે નથી થયા. 1973-74માં આયોજન પંચ દ્વારા કેલેરીને આધાર બનાવી ગ્રામ્ય પ્રદેશમાં માથાદીઠ 2400 કેલેરી અને શહેરમાં માથાદીઠ 2100 કેલેરીની ન્યુનતમ જરૂરિયાતને ધ્યાનમાં લઈ તેટલી કેલેરી સંતોષવા કરવા પડતા ખર્ચને આધારે ગરીબીની રેખા નક્કી કરવામાં આવી. પ્રો. તેંડુલકર દ્વારા ઘડવામાં આવેલ formula પ્રમાણે ભારતમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું પ્રમાણ 55%થી ઘટીને 22%ની આસપાસ આવી ગયું છે. ટીકાકારોના મતે ગરીબી રેખાની વ્યાખ્યા ખૂબ નીચી રાખવામાં આવી છે, (પદ્ધતિ)methodologyમાં એ પ્રકારના ફેરફારો થયા છે જે આંકડાઓની તુલના મુશ્કેલ બનાવે છે. હાલમાં પણ આયોજનપંચ દ્વારા પ્રો. રંજરાજન સમિતિની નિમણૂંક કરવામાં આવી છે જે નવી ગરીબી રેખા થોડા સમયમાં જાહેર કરશે. આ વિવાદો બાજુ પર મુકતા પણ બે બાબતો સ્પષ્ટ છે. એક કે ગરીબીમાં ઘટાડો થયો છે અને બે કે સાથોસાથ કરોડો લોકો ગરીબીની રેખાને અડકીને જીવી રહ્યાં છે જેમના જીવનધોરણમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોના જીવન ધોરણ કરતાં કોઈ મોટો તફાવત નથી. સંખ્યા પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ ગરીબો ભારતમાં વસે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા જે વિશ્વ બેંન્ક દ્વારા માથાદીઠ સરેરાશ 2 ડોલર રાખવામાં આવી છે તે પ્રમાણે ભારતાં 69% લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે જે આંકડો ચીન માટે 30% છે. આમ, ચીન કરતાં ભારતમાં ગરીબીનો દર બમણાથી પણ વધુ છે. એક બાજુ ગરીબીની આ દારૂણ સ્થિતિ પ્રવર્તે છે તો બીજી બાજુ સૌથી વધુ ધનિકો(ડોલર અબજોપતિ)ની યાદીમાં ભારતનો ક્રમ બીજો છે!

શિક્ષણ

ભારતના સાક્ષરતા દરમાં આઝાદી બાદ સારો એવો વધારો નોંધાયો છે. 1951માં સાક્ષરતા દર 18% હતો જે 2011માં 74% થયો. સ્ત્રી સાક્ષરતા દર 9% થી વધીને 66% થયો છે પરંતુ સાક્ષરતા દરમાં સ્ત્રી-પુરુષનો તફાવત (gender gap) યથાવત રહેવા પામ્યો છે. ચીનનો સાક્ષરતા દર 92% તથા સ્ત્રી સાક્ષરતા દર 89% છે. યુરોપના દેશો કે અમેરિકાને બાદ કરતા પણ સાઉથ કોરીઆ, જાપાન, તાઈવાન જેવા દેશો લગભગ સંપૂર્ણ સાક્ષરતા સુધી પહોંચી ગયા છે. ભારતમાં સર્વ શિક્ષા આભિયાન દ્વારા ગામે ગામ શાળાઓ ખૂલી ચૂકી છે, enrollment તથા dropout rateમાં સુધારો નોંધાયો છે પણ વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ તથા શિક્ષણની ગુણવત્તા સામે ઘણા પ્રશ્નાર્થો છે. પ્રથમ સંસ્થા દ્વારા કરવામાં આવતી મોજણી દર વર્ષે ASER (Annual Status of Education Report) તરીકે પ્રસિદ્ધ થાય છે તે પ્રમાણે ધોરણ પાંચમા ભણતા 50% બાળકો ધોરણ 2ના પુસ્તકો પણ બરાબર વાંચી શકતા નથી. ગણિતને લગતી સામાન્ય ગણતરીઓમાં પણ આ જ સ્થિતિ છે અને સરકારી કે ખાનગી શાળાઓનો દેખાવ ગુણવત્તા બાબતે લગભગ સરખો જ છે. 63% શાળાઓમાં છોકરીઓ માટે અલાયદા જાજરૂની વ્યવસ્થા કાર્યરત નથી. ભારત સરકાર રાષ્ટ્રીય આવકના 3.3% શિક્ષણ પાછળ ખર્ચે છે જેમાં ભારતનો નંબર 131મો છે.

શિક્ષણમાં ખાનગીકરણ ખૂબ ઝડપી પ્રસરી રહ્યું છે. નવી સરકારી શાળાઓ ભાગ્યે જ ખૂલે છે અને કેટલીક બંધ થઈ રહી છે. તો તેની સામે ખાનગી શાળાઓ તથા તેમાં ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ ચિત્ર ઉપસી રહ્યું છે. પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન ખાનગી યુનિવર્સિટીની સંખ્યા 16થી વધીને 140 ઉપર પહોંચી ગઈ છે. આ તમામ યુનિવર્સિટીઓ સ્વનિર્ભર અભ્યાસક્રમો ચલાવે છે અને ફીના ધોરણો ઊંચા રાખે છે. સાહિત્ય અને સમાજવિજ્ઞાનને લગતી વિદ્યાશાખાઓ ક્ષીણ થતી જાય છે. વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીઓની તાજેતરની યાદીમાં ભારતમાંથી એક પણ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી. ચીન, સિંગાપોર, જાપાન તથા હોંગકોંગ જેવા દેશોની યુનિવર્સિટીઓ આ યાદીમાં છે. તો બીજી બાજુ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં ભણાવતા પ્રોફેસરોમાં ભારતીયોનું પ્રમાણ ઘણું છે. અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓ જેવી કે Harvard, MIT, Yale, Columbia, Cornell, UCLA વગેરેના અર્થશાસ્ત્ર વિભાગોમાં ઘણાં ભારતીય પ્રોફેસરો છે અને તેઓ પોતાના વિષયમાં આંતરરાષ્ટ્રીય શાખ ધરાવે છે. આમ કેમ થઈ રહ્યું છે તે વિચારવા લાયક છે.

આરોગ્ય

આઝાદી સમયે ભારતીયનું સરેરાશ આયુષ્ય જે 32 વર્ષ હતું તે વધીને 64 વર્ષ થયું છે. બાળમૃત્યુ દર 122 પરથી ઘટીને 47 થયો છે. પરંતુ રાજ્ય આરોગ્ય પાછળ રાષ્ટ્રીય આવકના ફક્ત 1%ની આસપાસ ખર્ચ કરે છે. આટલો ઓછો ખર્ચ જાહેર આરોગ્ય પાછળ ભાગ્યે જ કોઈ બીજા દેશો કરે છે અને ભારતનો ક્રમ આ બાબતે 164મો છે. ભારતમાં આરોગ્ય સેવાઓ જેવી મહત્ત્વની બાબત લગભગ ખાનગીક્ષેત્ર હસ્તક છે. ગરીબોને પણ એક યા બીજા કારણોસર તેના શરણે જવા સિવાય છૂટકો નથી કારણ કે જાહેર આરોગ્યના કેદ્રો પાસે પૂરતો દવાઓનો જથ્થો, તબીબો, પરિચારિકાઓ વગેરે નથી. હોસ્પિટલમાં દાખલ થતાં 40% લોકોને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા દેવું કરવું પડે છે કે ઘરવખરીનો સામાન વેચવા કાઢવો પડે છે. લગભગ 25% લોકો તો આરોગ્ય ખર્ચના બોજાને કારણે ગરીબી રેખાની નીચે ધકેલાઈ જાય છે. અડધો અડધ બાળકો કુપોષણથી પીડાય છે.

સમાપન

સમગ્રપણે એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે ભારતીય અર્થતંત્રે પ્રગતિ તો કરી છે પરંતુ કેટલાક મહત્ત્વના માનવીય વિકાસ(Human Development)ને લગતા પાસાઓ પરત્વે દુર્લક્ષ સેવાયુ છે અને આ મુદ્દાઓ પર વધુ ધ્યાન કેદ્રિત કરવાની જરૂર છે. છેલ્લા પ્રસિદ્ધ થયેલ (માર્ચ 2013) માનવીય સૂચક આંક(Human Development Index)માં ભારતનો ક્રમ છેક 136મો છે. આપણા પાડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, નેપાળ તથા શ્રીલંકા જેઓની માથાદીઠ આવક ભારત કરતા ઘણી ઓછી છે તેઓ પણ સરેરાશ આયુષ્ય, બાળમૃત્યુ દર, સ્ત્રી સાક્ષરતા દર, બાળ કુપોષણ, રસીકરણ જેવા મુદ્દાઓ ઉપર ભારતથી સારો દેખાવ કરી રહ્યા છે જે ભારત માટે ચિંતાજનક છે. માનવીમાં મૂડીરોકાણ એ સૌથી મહત્ત્વનું મૂડીરોકાણ છે જેનું વળતર વર્ષો પછી દેશની પ્રગતિમાં દેખાય છે. તેથી ભારતે શિક્ષણ, આરોગ્ય અને તેના દ્વારા માનવીય ક્ષમતા નિર્માણ (Human Capacity Building) પર ખાસ ભાર આપવાની જરૂર છે.

એસોસિયેટ પ્રોફેસર, સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, સુરત

e.mail : akash.acharya@gmail.com

Loading

13 October 2013 admin
← ગોડાઉન
‘દર્શક’ની જન્મશતાબ્દી વર્ષના આરંભે સાંભળીએ સુચરિતાની વાત →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved