Opinion Magazine
Number of visits: 9447756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બળવંત નાયકનો સ્મૃિત – ઓચ્છવ

વલ્લભ નાંઢા|Profile|3 October 2013

આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું.

આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં મારો માપદંડ ટૂંકો જ પડવાનો, એ જાણું છું. પરંતુ એક તરફ બળવંતભાઈના પ્રસંગને રૂડો બનાવવાની ધખના! તો બીજી તરફ વિપુલભાઈનું આમંત્રણ; એટલે છટકબારી શોધવાનું પણ મુશ્કેલ. આમંત્રણ સ્વીકાર્યું. એટલે મારી સમજણ મુજબ બળવંતભાઈની જીવની-કવની અને સાહિત્યિ ક્ષેત્રે એમણે કરેલા પ્રદાનને સમીક્ષવા પ્રયાસ કરીશ.

બળવંતભાઈ સાથે મારો સૌ પ્રથમ પરોક્ષ પરિચય 1960ના ગળામાં થયેલો. એ સમયે બળવંતભાઈ કંપાલાથી બહાર પડતા “જાગૃતિ’’ વાર્તા માસિક્ના સંપાદક હતા, અને વાર્તાઓ લખવાની હું શરૂઆત કરી રહ્યો હતો. એ વખતે અમારી વચ્ચે પત્રવ્યવહારનો સેતુ રચાયેલો અને પરિચયમાં મુકાવાનું બનેલું. પણ પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું બન્યું છેક 1984ની સાલમાં – અકાદમીમાં જોડાયા પછી. એ પછી બળવંતભાઈના નિવાસસ્થાન 48, શેકલટન રોડ, સાઉથહૉલ પર અનેકવાર જવા-આવવાનું બન્યું છે અને ફોન પર બળવંતભાઈનો પ્રસન્નતાભર્યો અવાજ સાંભળવા પણ મળ્યો છે. બળવંતભાઈના એ રણકતા અવાજ સાથે કેટલી ય વખત યુગાન્ડાનાં સંસ્મરણો સાથે બેસીને વાગોળ્યાં છે. એ જ રીતે કમળાબહેન સાથે પણ ક્યારેક ફોન પર હાઉહોંકારો કર્યો છે તો ક્યારેક નાયક દમ્પતીની મહેમાનનવાજી પણ માણી છે.

દરમિયાન, અા અવસરે, બળવંત નાયકના બે પુત્રો શિરીષભાઈ અને અભયભાઈનો વિદેશવાસ હોવાથી પરિસ્થિતિ અનુસાર ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ નાના પુત્ર શૈલેષભાઈ, એમનાં પત્ની અને બાળકો સહિત ઉપસ્થિત છે, તેનો અાનંદ છે. એમની બન્ને પુત્રીઓ, યામિનીબહેન તથા રીટાબહેનની સક્રિય હાજરી પણ પ્રસંગની ગરિમા વધારનારી છે. વળી, કમળાબહેન ખુદ હાજર રહી શક્યાં છે તેનો સવિશેષ અાનંદ છે. 

આટલી પ્રાસ્તાવિક ભૂમિકા બાંધ્યા પછી મારા વિષય પર આવું છું.

બળવંત નાયકનો જન્મ દક્ષિણ ગુજરાતના વાપી ગામે, પોસ્થ્યુમસ ચાઈલ્ડ તરીકે, 15 નવેમ્બર 1920ના થયો હતો. પિતાનું અવસાન એમના જન્મ પહેલાં થયું હોવાથી કિશોર અવસ્થા મોસાળમાં પસાર થયેલી. એમના મામાઓ અધ્યાપનકાર્ય સાથે જોડાયેલા હોવાથી અધ્યાપન કામગીરી બજાવવા જુદા જુદા શહેરો અને ગામોમાં બદલીઓ થતી અને કિશોર બળવંતનો ઉછેર વલસાડ અને ઉંમરગામના ચીયણ તારાપુરના વિસ્તારોમાં પાંચ મામા અને ચાર માસીઓનાં સાન્નિધ્યમાં થયો હતો. મેટ્રિક થયા પછી નજીકનાં બહેન-બનેવીની પ્રેરણાથી એમને સુરત એમ.ટી.બી. કૉલેજમાં અભ્યાસાર્થે જોડાવાનું થયેલું. સુરતનો માહોલ એમને બે પ્રકારે ફળેલો – અનાવિલ આશ્રમ જેવા આદર્શ વિદ્યાર્થી ભવનમાં રહી અભ્યાસમાં રચ્યાપચ્યા રહેવાનું અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને વિજયરાજ વૈદ્ય જેવા અંગ્રેજીના પ્રાધ્યાપકોના હાથ નીચે દિક્ષિત થઈ કેળવાવાનું! સુરતમાં જીવનોપયોગી સંસ્કારોનું ભાથું ગુંજામાં ભરી એમણે મોહમયી મુંબઈ નગરીની પંથે પગલી માંડી. અહીં શરૂઆતમાં પારલાની ગોકળીબાઈ હાઇ સ્કૂલમાં અધ્યાપક તરીકે જોડાયા અને એક નાનકડી ખોલીમાં રહી સવારની કૉલેજમાં પ્રવેશ મેળવી અભ્યાસ ચાલુ રાખ્યો.

1949માં બી.એ.(ઓનર્સ)માં વિલ્સન કૉલેજમાં પ્રથમ આવતાં એ કૉલેજના ફેલો નિમાયા. 1951માં ગુજરાતી અને અંગ્રેજી બેવડા વિષય સાથે એમ. એ. થયા. વિલ્સન કૉલેજમાં એમને બળવંતરાય ઠાકોરની છત્રછાયા મળી અને આગળ જતાં એમના કૃપાપાત્ર શિષ્ય બન્યા. એમ.એ.નો અભ્યાસ ચાલુ હતો એ વખતે જ “હિંદુસ્તાન” દૈનિક્પત્રના તંત્રીમંડળમાં જોડાવાની તક મળતાં પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આ દૈનિક્પત્ર સાથે તેમનો અનુબંધ તેમણે 1953માં આફ્રિકાની સફર બાંધી ત્યાં સુધી જોડાયેલો રહ્યો. આ સમયગાળામાં “જ્ન્મભૂમિ પ્રવાસી”ના તંત્રી મોહનલાલ મહેતા 'સોપાન' અને ચુનિલાલ મડિયા અને “મુંબઈ સમાચાર”ના તંત્રી શાંતિકુમાર ભટ્ટ જેવા પત્રકારો સાથે ગાઢ પરિચય બંધાયેલો. એ સાથે ઉષા મહેતા, ચંદ્ર્કાન્ત મહેતા, વાડીલાલ ડગલી અને વિનોદ અધ્વર્યુ શાં કલાક્ષેત્રનાં મુઠ્ઠી ઊંચેરા બૌદ્ધિકોની વિશિષ્ટ કૃપા પણ વર્ષી રહી.

“હિંદુસ્તાન” દૈનિકપત્ર બંધ પડતાં, સંચિત સર્ગશક્તિ અને શૈક્ષણિક અનુભવનું ભાથું ગુંજે ભરી, 1953માં બળવંત નાયકે ભારતમાંથી સ્થળાંતર કર્યું અને આફ્રિકાની રાહ પકડી. યુગાન્ડા દેશના પાટનગર કંપાલામાં સ્થાયી થયા, નવજીવન શરૂ કર્યું. અહીં પ્રારંભમાં શિક્ષક તરીકે અને બાદમાં કંપાલાની સિમોની હાઇ સ્કૂલમાં આચાર્યપદનો હોદ્દો સંભાળી શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા. અધ્યાપનકાર્યની સાથે સાહિત્યપ્રીતિને પણા અણિશુદ્ધ જાળવી રાખી. એમાં પાછું યુગાન્ડાનું નૈસર્ગિક સૌંદર્ય, અભિનવ ગ્રામ્ય-સંસ્કૃિત અને અશ્વેત વતનીઓની નિર્દોષતા અને ભોળપણ બળવંત નાયકની સિસૃક્ષાને ઢંઢોળતું રહ્યું. એવામાં સૌ પ્રથમ સ્વજનસમા મિત્ર ને કવિ–સાહિત્યકાર ભાનુશંકર ઓધવજી વ્યાસ અને ત્યાર પછી આફ્રિકામાં મસ્તકવિ તરીકે જાણીતા બનેલા ડાહ્યાભાઈ પટેલની પણ નિકટ આવવાનો યોગ સધાતાં ડાહ્યાભાઈ પટેલે બળવંતભાઈને "જાગૃતિ" વાર્તામાસિકના સંપાદનકાર્યમાં જોડી દીધા. આફ્રિકી જીવનનાં સ્પંદનોને ઝીલતી વાર્તાઓ લખાતી રહી અને આફ્રિકાના ગણમાન્ય સમસામયિકોમાં પ્રસિદ્ધ થઈ લોકચાહના મેળવવા લાગી હતી.

એવામાં એકાદ વર્ષ પછી, એક વેળા, ડાહ્યાભાઈ પટેલે એમની સામે નવલકથાની માગણી મૂકી : 'ઘણી વાર્તાઓ લખી, હવે નવલકથા ક્યારે આપો છો?' એક તરફ ડાહ્યાભાઈનો આવો પ્રસ્તાવ તો બીજી તરફ મિત્ર ભાનુભાઈએ પણ મિત્રદાવે નવલકથા લખવા એમને ચાનક ચડવતાં કહેલું : 'આપણા સાહિત્યમાં અનોખી ભાત પાડે અને તળભૂમિનાં માનવબળને પ્રગટ કરે તેવી કોઈ નવલકથા લખો.' આમ નિજી સાહિત્યમિત્રોના પ્રેમભર્યા આગ્રહથી પ્રેરિત બળવંત નાયકે ગુલામીની પ્રથાને નાબૂદ કરવા એક આરબ નરબંકાએ ઉઠાવેલી ઝુંબેશ અને તેની વીરતા અને શૌર્યનું આલેખન 'મૂંગા પડછાયા' નવલકથારૂપે અવતરણ પામ્યું.

1972માં આફ્રિકાથી લેખકનું સ્થળાંતર થયું અને વિસ્થાપિત તરીકે બ્રિટનમાં વસવાટ આરંભાયો. લંડનમાં સ્થાયી થયા અને વ્યવસાયિક ધોરણે અધ્યાપન કાર્ય પણ ચાલુ રાખ્યું અને લંડનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખપદનો હોદ્દો સંભાળી એ સંસ્થાની ભાષા સાહિત્યલકક્ષી પ્રવૃત્તિઓમાં મૂલ્યનિષ્ઠ યોગદાન આપતા રહ્યા. અનેક પ્રવૃત્તિઓ વચ્ચે ઘેરાયેલા હોવા છતાં સાહિત્યસર્જનની સિસૃક્ષાને પોષતા રહ્યા. આમે ય નવલિકાસર્જન, પત્રકારત્વ અને વિવેચનકર્મની હથોટી તો આ પહેલાં ગુજરાત-આફ્રિકામાં હસ્તગત કરેલી હતી જ – પરંતુ તેનાં ઉત્તમ ફળ મળ્યાં બ્રિટનની ધરતી પર! ત્રણ ભોમકાના આ વસવાટી લેખકે અઢળક વાંચ્યું છે, મબલખ લખ્યું પણ છે. એમણે રચેલા સાહિત્યફાલ માટે ટૂંકમાં કહેવું હોય તો સહેજે કહી શકાય : ચાર નવલકથાઓ, પાંચેક વાર્તાસંગ્રહો, બે કાવ્યસંગ્રહ, એક અનુવાદ, બે સંપાદનો, અને એમના સમગ્ર સાહિત્યસર્જનું એક – એમ ચૌદેક ગ્રંથો આ સર્જકના નામે બોલે છે; અને હજી બે ત્રણ પુસ્તકો હજુ અપ્રગટ છે, જે નજીક્ના ભવિષ્યમાં પ્રકાશિત થાય તેની સાહિત્યરસિકડાં રાહ જોઈને બેઠાં છે. એમનાં સર્જનાત્મક લખાણો "જ્ન્મભૂમિ પ્રવાસી”, "મુંબઈ સમાચાર”, "કુમાર”, "પરબ”, “શબ્દસૃષ્ટિ”, "નવનીત સમર્પણ” અને '”સમકાલીન” જેવાં ગુજરાતના શિષ્ટમાન્ય સામયિકોમાં સ્થાન પામ્યાં છે.

બ્રિટનમાં “ગુજરાત સમાચાર”, “નવજીવન”, “નવ બ્રિટન”, “ઓપિનિયન”, “અસ્મિતા” અને “સંગના” માટે પણ એમણે ઘણું લખ્યું છે. પૂર્વ આફ્રિકામાં “આફ્રિકા સમાચાર”, “જાગૃતિ”, “શોભા”, “દંપતી” અને “મધપૂડો” જેવા અખબારો અને વાર્તામાસિકોમાં પણ એમની કલમ સોળે કળાએ કોળાયેલી.

અમેરિકાના “ગુર્જરી”, “ગુજરાત ટાઇમ્સ” શા સમસામયિકોમાં પ્રગટ થયેલાં એમનાં નર્મ-મર્મ લખાણો પણ વાંચનરસિયાઓએ આસ્વાદવા-મમળાવવા જેવાં છે. આમ આ ડાયસ્પોરિક સર્જક માત્ર બ્રિટનમાં જ નહિ, ગુજરાત અને આફ્રિકાના લોકહૈયે પ્રસિદ્ધિની સાથે ઉચિત માન-સ્થાન પામ્યા છે.

ગુજરાતી સાહિત્યના મોટા ભાગના વિષયો પર કલમ ચલાવી છે. ઘણું બધું વાંચ્યું છે, સંવેદ્યું છે. નવલકથા-સર્જન ક્ષેત્રે સર્જકે કરેલાં ખેડાણની વાત કરીએ તો ‘વેડફાતાં જીવતર’, (1962), ‘મૂંગા પડછાયા’ (1960), ‘- ને ધરતીને ખોળે નરક વેરાયું’ (1997) અને ‘કાંચન કાયા અને કામિની’ ચાર નવલકથા ગુજરાતીમાં, અને એક ‘પેસેજ ફ્રોમ યુગાન્ડા’ (ગુજરાતી નવલકથા પરથી અંગ્રેજીમાં અનુવાદ) મળીને કુલ પાંચ નવલકથાઓ બળવંત નાયકના નામે બોલે છે.

બળવંત નાયકના સમગ્ર સાહિત્ય સર્જનને મૂલવવા સમય ટૂંકો પડે એટલે એમની ડાયસ્પોરિક કીર્તિદા નવલકથા ‘- ને ધરતીને ખોળે નરક વેરાયું’ કે જે ગુજરાત, તળ ગુજરાત, આફ્રિકા તેમજ બ્રિટનમાં ખૂબ આદર પામી છે  તે વિશે થોડી આસ્વાદમૂલક રજૂઆત કર્યા બાદ બીજા વિષયસ્વરૂપ વિશે વાત કરીશ.

આ નવલક્થાની ગુણવત્તા તપાસતાં પહેલાં યુગાન્ડાની તત્કાલીન પરિસ્થિતિ પર વિહંગાવલોકન કરવું આવશ્યક બને છે. આજથી એકાદ સદી પહેલાં એશિયન વસાહતે પગપેસારો કર્યો ત્યારે યુગાન્ડાના મૂળ વતનીઓ અબૂધ ને અશિક્ષિત અવસ્થામાં જીવન જીવી રહ્યા હતા. આવા પછાત લોકોને કેળવી દેશને ખીલવવામાં આ એશિયન વસવાટી કોમનો ફાળો સવિશેષ હતો. મૂળ વતનીઓ શિક્ષિત થઈ રાજ્ય કારભાર સંભાળી શકે એટલી લાયકાત સુધી પહોંચતા, 1962ના ઓકટોબરની નવમીએ બ્રિટિશ સરકારે યુગાન્ડાને આઝાદ કરી દીધું. અને દેશવાસીઓ એ હર્ષોલ્લાસ સાથે તેનું સ્વાગત કરી આઝાદી મનાવી. એ પછી વીસમી સદીના સાતમા દશકાનો આરંભ થાય તે પહેલાં રાજ્યશાસકોની દૂરંદેશ રાજ્યનીતિના પ્રતાપે યુગાન્ડા દેશ કૂદકે ને ભૂસકે પ્રગતિનાં એક પછી એક સોપાન ચઢવા લાગ્યો હતો.

આ પ્રગતિ એક વ્યક્તિને આંખના કણાની જેમ ખૂંચી રહી હતી. એ વ્યક્તિ બીજી કોઈ નહિ પણ યુગાન્ડાના લશ્કરનો સરસેનાપતિ ઇદી અમીન ! સત્તા લોલૂપ આ ડિટેકટર ક્યારે તક મળે ને ક્યારે આ દેશની સત્તાની દોર મારા હાથમાં આવી પડે, એ તકની રાહ જ જોઈ રહ્યો હતો. અને એક વેળા, એ તક તેની સામે આવી ઊભી.

1971માં યુગાન્ડાના વડાપ્રધાના મિલ્ટન અબોટેને સિંગાપોર ખાતે કોમનવેલ્થના વડાઓની બેઠકમાં જવાનું થયું. પરિષદમાં હાજરી આપી દેશના એ મુખિયા સ્વદેશ પાછા ફરી રહ્યા હતા, એ વખતે એમના જ રસાલાના એક અધિકારીએ યુગાન્ડામાં સત્તાપલટો થયો હોવાના માઠા સમાચાર આપ્યા : સરસેનાપતિ ઈદી અમીને તમને પદભ્રષ્ટ કર્યા કર્યા છે અને એમણે સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. આ કારણે સમયસૂચકતા વાપરી વિમાન એન્ટેબે હવાઇઅડ્ડા પર ઊતારવાને બદલે કેન્યાના નાઇરોબી એરપોર્ટ તરફ વાળી લીધેલું.

અમીન સત્તાધીશ થયા પછી યુગાન્ડામાં કાયદો અને વ્યવસ્થા લથડ્યા. અમીનના કુશાસને લાખો વિરોધીઓને મોતને ઘાટ ઊતાર્યા. વિરોધ કરનારાઓને જીવતા ચણી દીધા કે જાહેરમાં કત્લેઆમ કરી. દેશના લોકો આ શેતાની શાસનથી ત્રસ્તા હતા એવામાં એશિયન વિરોધી એક ફતવો બહાર પાડ્યો : એશિયનો 90 દિવસમાં આ દેશ છોડીને ચાલ્યા જાવ.

આ ફતવાએ દેશભરમાં અને પાડોશી રાજ્યોમાં હાહાકાર મચાવે દીધો. એશિયન કોમ ફફડી ઊઠી. અમીનાના ફોજીઓ ધોળે દિવસે એશિયનોનાં ઘરોમાં ઘૂસી જઈ લૂંટફાટ કરવા લાગ્યા. ભારત અને બ્રિટિશ દૂતાલયોમાં વીસા મેળવવા માટે લાંબી કતારો બંધાતી રહી. એશિયનોની આ કફોડી દશાનું હૃદયદ્રાવક ચિત્ર રજૂ કરવા વનુ જીવરાજ જેવા સાહિત્યકાર પોતાની કલમ ઉઠાવે છે અને એમની કલમની ધારેથી સર્જાય છે – ‘યુગાન્ડાનો હાહાકાર’ નવલકથા; અને આપણા પીઢ સાહિત્ય સર્જક બળવંત નાયક પણ આપણા બાંધવોની વેદનાને ‘- ને ધરતીને ખોળે નરક વેરાયું’. નવલકથાનું સર્જન કરીને વ્યક્ત કરે છે. અને તેની સાથે એ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ ‘પૅસેજ ફ્રોમ યુગાન્ડા’ પણ પ્રગટ કરે છે.

બળવંત નાયકે પોતે જ એક નિવેદનમાં સ્વીકાર કર્યો છે : ‘હું કોઇ ઇતિહાસકાર નથી, સર્જક છું. એટલે યુગાન્ડામાં જે કંઈ બન્યું તેના વિચાર-વલોણામાંથી એક કથાનું માળખું રચાવા માંડ્યું. નામ ઊગ્યું, ‘અમીન એન્ડ નાઇન્ટી ડૈઝ’. એમાં એક રાત્રે યુગાન્ડાની લોકપ્રિય એવી કીન્ટુ, નામ્બી, અને નામ્બીના ભાઈ વાલુમ્બેની લોકકથાનો આધાર લીધો. પરિણામે આ લોકક્થાની પ્રેમકહાણી અને ઇદી અમીનનો ફતવો મારી નવલકથામાં બીજરૂપ ધરીને આવ્યાં. આરંભનો ખરડો બદલીને નવલકથાનું નવું માળખું રચ્યું. નવા માળખામાં, પૂર્વ આફ્રિકામાં વર્ષોથી શરૂ થયેલી એશિયન વસાહતની ઇતિહાસકથા છે. કથા જાણીતા ઉદ્યોગપતિ શેઠ ધનીલાલના પાત્ર દ્વારા ઉઘડે છે. જ્યારે ઉત્તરાર્ધમાં છે યુગાન્ડા છોડીને બ્રિટનમાં આવેલા એશિયન સમાજની વેદના.’

કથાના ઉત્તરાર્ધમાં, પોતાના નાના પુત્ર નીતિનને લઈને લંડનમાં આવેલી શેઠ ધનીલાલની પુત્રવધૂ અસ્મિતાને યુગાન્ડાનો ઓથાર ભુલાવવામાં અંગ્રેજ યુવક માર્ટિનની ઉષ્માસભર લાગણી મદદરૂપ થાય છે. એમાંથી પ્રેમભાવ વિકસે છે. પરંતુ ધર્મભીરુ અને પરંપરાગત સંસ્કારોથી રંગાયેલી અસ્મિતા પૂર્વલગ્નની લક્ષ્મણરેખા ઓળંગી જતી નથી. બાળકોને તેમ જ નણંદોને સંભાળે છે અને પોતાની નવી અસ્મિતા સિદ્ધ કરીને નવું જીવન જીવે છે. પોતે મનસુખની ધર્મપત્ની છે એ ભાવ અસ્મિતા ભૂલી શકતી નથી. એની કુટંબનિષ્ઠાને પ્રમાણપત્ર મળે છે તેના દીકરા નીતિન તરફથી. નીતિને તેનું બીજું નામ રાખ્યું છે –  ન્યૂટન. એ દીકરો નીતિન ઉર્ફે ન્યૂટન માને કહે છે : ‘મમ્મી, યુ આર રીઅલી અ જેમ ઑફ અ મધર.’

યુગાન્ડાનો ઇતિહાસ કે આફ્રિકાની ધરતી કે તેના માનવબાળના ભાવવિશ્વને પ્રગટાવતું આલેખન હજી સુધી દરિયાપારના કોઈ લેખકે કર્યું નથી. એવું મેણું ગુજરાતથી આવેલા એક સાહિત્યકારે વર્ષો પહેલાં માર્યું હતું. મારા સ્મરણમાં આવે છે કે એ સાહિત્યકારે આ ટકોર કરી, તે અગાઉ વર્ષો પહેલાં, ‘મૂગા પડછાયા’ અને ‘વેડફાતા જીવતર’ જેવી આફ્રિકાની છબિ ઉપસાવનારી ઉત્કૃષ્ટ નવલકથાઓનું આલેખન બળવંત નાયકે કર્યું છે. અને બ્રિટનવાસી બન્યા પછી આ સર્જકે ‘- ને ધરતીને ખોળે નરક વેરાયું’ જેવી આફ્રિકી જીવનની  સંવેદાનાઓને ઝીલતી શિષ્ટ નવલકથાનું સર્જન પણ કર્યું છે. વળી ડાહ્યાભાઈ પટેલ અને સૂચક સાહેબ જેવા પીઢ નવલકથાકારોએ પણ આફ્રિકાના પરિવેશને પોતાની એકાધિક નવલકથાઓમાં ઉપસાવ્યો છે જ ને?

એકસો ને એકોત્તેર પૃષ્ઠો રોકતી આ નવલકથા આફ્રિકા, બ્રિટન અને ભારત એમ ત્રણ દેશો સુધી વિસ્તરે છે. 1972માં ઉઠેલો ઝંઝાવાત કિંટુ અને નામ્બીની લોકકથાની જેમ અસ્મિતા અને મનસુખના જીવનમાં પણ ઊઠી શકે એવી સંભાવનાને કથાબીજરૂપે ફણગાવી કથાવિસ્તારના ફલક પર ન્યુટન, ઉલ્કા, અસ્મિતા, માર્ટિન, નીના, નાલિન્યા, શિરીન, અલ્પા, શેઠ ધનીલાલ, ધનલક્ષ્મી જેવાં આદર્શને વરેલાં પાત્રોને રમતાં મૂકી નવલકથાનો નકશીદાર વણાટ કર્યો છે. કથાકર્મ સાથે સંકળાયેલા અન્ય પાત્રોનાં મનોરથો, મંથનો, વિષાદ, વિસ્મય અને વિમાસણોનું આકલન પણ કુશળતાપૂર્વક કર્યું છે. પાત્રોના મનોગતને વ્યંજિત કરવાની લેખકની શક્તિ નવલકથાને આસ્વાદ્ય બનાવી એક નવું પરિમાણ આપે છે. બધું વેઠ્યા પછી પણ યુગાન્ડા પ્રતિની માયા લગીરે ના વિસરી શકેલા પાત્રો, વર્ષો પછી, એ દેશમાં પુન:સ્થાયી થવાનું સાહસ ખેડે એ ઘટના જ શુભ અને તર્કસંગત શક્યતાશક્યતાનું નિર્દર્શન કરાવી જાય છે. જીવનમાં ઊઠી રહેલી સમસ્યાઓનો અડગપણે સામનો કરતી અસ્મિતનું પાત્ર આ નવલકથાના કેન્દ્રમાં રહે છે. પૌર્વાત્ય સંસ્કારો પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ટકી રહેવાનું બળ પૂરું પાડે છે એ સૂત્રની તર્કશુદ્ધિ સાચવીને નિ:સહાય નારી-હૃદયના સ્વયં સ્ફુિરત સંવેદનોનું અસ્મિતાના પાત્ર દ્વારા સર્જક વિશિષ્ટભાવે નિર્વહણ કરે છે. નિતાંત કલાતત્ત્વને પામતા નિરૂપણમાં બળવંત નાયકે જાળવેલી વૈવિધ્યતા ઇત્યાદિનો સમતાપૂર્વકનો સુમેળ યુગાન્ડા અને લંડન શહેરને સાદૃશ કરે છે. પ્રકૃતિ દૃશ્યના નિરૂપણમાં કે દૃષ્યોર્મિના આવિષ્યકારના આલેખનમાં લેખક્ની દૃષ્ટિ તટસ્થ રહી છે.

બળવંત નાયક વિશ્વસાહિત્યના પ્રવાહોથી અવગત છે. એથી એમના સર્જનમાં આ અભિજ્ઞતાનો પડઘો એમના અન્ય સાહિત્યસ્વરૂપોમાં પણ સંભળાય છે. એમની ચારે ય નવલકથાઓ ડાયસ્પોરિક અને વતા ઓછા અંશે વિશ્વસાહિત્યની છાંટવાળી ને સર્જક્ના સંવેદનવિશ્વનો કલાત્મક પરિચય કરાવનારી નીવડી છે. એમની નવલક્થાઓમાં વિષયવૈવિધ્ય અને સામ્પ્રત સમસ્યાઓની પ્રસ્તુિત સાથે એ સ્મસ્યાઓનો સંતર્પક ઉકેલ પણ એમાંથી જ મળે છે. એટલે વાચકબોધ કરાવનારી આ નવલકથાઓ સ્વતંત્ર રીતે સંદર્ભગ્રંથની ગરજ સારે એ કક્ષાની રહી છે.

બળવંત નાયકનો વાર્તાવૈભવ તપાસતાં અને વિશેષત : પૂર્વ આફ્રિકાના વિવિધ વાર્તામાસિકો માટે લખેલી એમની શરૂઆતની વાર્તાઓના વાંચનમાંથી પસાર થતાં તેઓ યુગાન્ડામાં અધ્યાપનકાર્ય કરી રહ્યા હતા તે સમયગાળામાં ઉત્તમ માત્રામાં વાર્તાસર્જન થયેલું જોઈ શકાય છે. આ વાર્તાઓ તેઓ યુગાન્ડામાં હતા ત્યારે ‘સફરના સાથી’ નામક વાર્તાસંગ્રહરૂપે પ્રકાશિત થઈ હતી. એ પછીનો વાર્તાફાલ બ્રિટનના ભિન્ન ભિન્ન સમાચાર્પત્રો અને વાર્તામાસિકોમાં જોવા મળે છે. આ વાર્તાઓ મુખ્યત્વે “ગુજરાત સમાચાર”, “ઓપિનિયન”, “સંગના”, “અસ્મિતા”, “નયા પડકાર” અને અન્ય સમસામયિકોમાં પ્રગટ થયેલ પણ હજુ ગ્રંથસ્ત થયેલ નથી. એટલે અહીં વાર્તાઓનો પ્રતિનિધિત્વ ધરાવતો લેખકનો વાર્તાસંગ્રહ ‘સફરના સાથી’ને ધ્યાનમાં રાખીને તેમાંથી થોડીક વાર્તાઓનો સમીક્ષાત્મક વિવરણ કરવા મારો પ્રયાસ છે.

આ સંગ્રહમાં મોટા ભાગની વાર્તાઓ આફ્રિકાના માહોલ ને તેના વતનીઓ સાથે એશિયન પ્રજાના વહેવાર -દુર્વહેવારને વેધક શૈલીમાં પ્રગટ કરે છે. આ સંગ્રહની વાર્તા ‘નીપા મટોટો’ વિષયવસ્તુ, કથાકથન કલા, પાત્રઘડતર, શૈલીસૂઝ, ગદ્યરચના અને વર્ણનરીતિની દૃષ્ટિએ ઉત્તમ કલાસ્વરૂપ પામી હોવાથી મને સ્પર્શી ગઈ. બળવંત નાયકે નવા ખૂણેથી વાર્તાને યોજી છે. ‘નીપા મટોટો’ શીર્ષક પ્રયોજવા લેખકે સ્વાહિલી શબ્દોનો પ્રયોગ કર્યો છે. ‘નીપા’ એટલે ‘આપો’ અને ‘મટોટો’ શબ્દનો અર્થ સ્વાહિલી ભાષામાં ‘બાળક’ થાય છે. એટલે વાર્તાના શીર્ષકનો અર્થ થાય છે : ‘બાળક આપો’. આ વાર્તામાં લેખકે યુગાન્ડામાં જન્મેલી અશ્વેત બાળા નાલિન્યાના આંતરભાવોને વ્યકત કરી તેની ભીતર પડેલી માતૃત્વ ઝંખનાને સ્ફૂટ કરી કથાના આછા પાતળા તંતુઓ દ્વારા વાર્તાને આકારી છે. આફ્રિકન સમાજ સાથે તાલમેલ સાધતા એશિયન સમાજનું ભાવવાહી શબ્દચિત્ર ખડું કરી લેખકે પુરવાર કરી બતાવ્યું છે કે ટૂંકી વાર્તાના ઘડતરમાં ટેકનિક નહિ, લેખક જે સંવેદે એ જ મહત્ત્વનું પાસું હોય છે. ‘આપઘાત’ અને ‘અશ્રુશે’ જેવી રહસ્યમંદ્રિત વાર્તાઓમાં વાર્તાકલાનો કસબ સહેજે આંખો સામે નજરાઈ આવે છે. ‘જુવાન હૈયુ’માં સતબીરના ઊઘડતા યૌવનભાવોની ભાવનિર્મિતિ શૃંગારરસની મર્યાદા ન બની રહેતાં પ્રસંગના વર્ણ્યઘટક તરીકે કળામયતાને પામે છે.

બળવંત નાયકે ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં કાવ્યસર્જન કર્યું જેમાં એમનો વતનપ્રેમ આંખ સામે સહેજ રીતે તરી આવે છે. ‘પેટલ્સ ઓફ રોઝિઝ’(1982) અને ‘નિર્ઝરા’(1984) નામે રચાયેલા આ બે કાવ્યસંગ્રહો એમની સવ્યસાચી કાવ્યપ્રીતિનો નિર્દેશ કરે છે. ‘અહીં બધું જ છે … પણ’ કાવ્યના શીર્ષક અંતર્ગત બધું જ હોવું પણ … બે શબ્દનિર્દેશો વિરોધમૂલક માનવીય માનવીય સંચાલનોનો પરિચય કરાવે છે. ‘દ્વિધા’ કાવ્યમાં કદી ન પરિવર્તન થતો સમય અને સતત બદલાતા રહેતા માનવીની સહોપસ્થિ ચિંતનની ભૂમિકા રચી આપે છે. એમની કાવ્ય સંપદાની યથેચ્છ આલોચના થવી જોઇએ એવી ક્ષમતા અને શક્યતાસભર આ કવિતાઓની રચના થયેલ છે. એની પ્રતીતિ બળવંત નાયકના ‘નિર્ઝરા’ કાવ્યસંગ્રહમાંથી મળે છે. 1977માં “સન્ડે ટેિલગ્રાફે” યોજેલી એક કાવ્યસ્પર્ધામાં બળવંત નાયકની એક કવિતા વિજેતા થતાં તેમને ઈન્ટરનેશનલ પોએટ્રી સોસાયટીનો એવોર્ડ એનાયત થયેલ છે.

વાર્તા, કવિતા, નવલકથા, વિવેચન અને પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય રહેનારા આ મુઠ્ઠી ઊંચેરા સારસ્વતે અનુવાદ, સંપાદન અને પ્રવાસલેખનના ક્ષેત્રમાં પણ ચંચુપાત કર્યો છે. અમેરિકન હબસી સાહિત્યની 1993ની નોબેલ પારિતોષિક પ્રાપ્ત કૃત્તિ ‘બિલવ્ડ’નો ગુજરાતી અનુવાદ ‘લાડલી’નું નવલકથાસ્વરૂપમાં અવતરણ ચિતસ્પર્શી આકાર બાંધી આપે છે. આ નવલક્થામાં સર્જકે એક નારીની સંવેદનશીલતાને કલમની ધારે ચડાવી નારી સમસ્યાને તાગી છે.

બળવંત નાયકનાં પ્રવાસવૃત્તાંતો “ઓપિનિયન”માં અવારનવાર જોવા મળતાં. આ પ્રવાસવૃત્તાંતો અને નિબંધોને ‘ગરુડ આંખે, વિહંગ આંખે’ શીર્ષક હેઠળ લેખક પુસ્તક છપાવવા માગતા હતા. આ પ્રવાસવૃત્તાંતો અને નિબંધરચનાઓમાં સર્જક્નો બૌધિક પ્રતિભાવ પ્રગટતો જોઈ શકાય છે. પ્રવાસલેખનમાં લેખકના સ્વાનુભવો, નિરીક્ષણો અને તારણો વિલક્ષણ સ્વરૂપ પામતા હોવાથી વાચક માટે પ્રવાસી બનવાની ક્ષમતા ધરાવનારાં બની રહે છે. ‘ભેદની ભીંત્યુ આજ મારે ભાંગવી’, ‘વેઈટિંગ ફોર ગોદો’, “હાઈડપાર્ક કોર્નરનો સંત’ અને ‘ગુજરાતી ભાષા ગૌરવ’ જેવા લેખો તેના ઉદાહરણ છે. આ લેખોમાં વૈશ્વિકદૃષ્ટિબિંદુનું વ્યાપક પરિમાણ તો કળાય છે, સાથે વાચકને ડાયસ્પોરિક સ્પર્શનો અનુભવ પણ કરાવે છે. આ સર્જકે આફ્રિકાવાસ દરમિયાન મુંબઈથી પ્રગટ થતા “સવિતા” વાર્તામાસિક માટે આફ્રિકાના માહોલને કેન્દ્રમાં રાખી ‘આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ’નું સંપાદન કર્યું હતું અને લંડનવાસ દરમિયાન વિશ્વસાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા અને સર્જકો’ જેવા ગ્રંથો સંપાદિત કર્યા હતા. “ઓપિનિયન”માંના લેખોનું સંપાદનકાર્ય, સર્જકની સંપાદકીય સૂઝબૂઝને કારણે ભાવકને જે તે સંપાદનના ઊંડા રસ-મર્મ સુધી ખેંચી જાય છે. બળવંત નાયકના સંપાદનો ગુજરાતના શિરમોર સંપાદનોમાં અગ્રિમ સ્થાન પામ્યાં છે અને મુખ્ય પ્રવાહમાં આ સંપાદનોની નોંધ પણ લેવાઈ છે.

બળવંત નાયકે સાહિત્યક્ષેત્રે ટકોરાબંધ પ્રદાન કરી આપણી માતૃભાષા ને ગુજરાતી સહિત્યની સુંદર સેવા કરી છે. એમણે વિવિધ સાહિત્યસ્વરૂપોના માધ્યમ દ્વારા જે ફાળો આપ્યો છે તે ઘણો અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી છે.

શબ્દ અને વાણીના આ સારસ્વત બળવંત નાયક સાથે વિતાવેલી કેટલીક યાદગાર ક્ષણો, એમના નિખાલસપણાની ભીનાશ અને મીઠાશ મારી સ્મૃિતમંજૂષામાં સદાય જળવાયેલાં રહેશે. આ સાહિત્યસ્વામીને આ પ્રસંગે મારા કોટિ કોટિ વંદન હજો.

***

e.mail : vallabh324@aol.com

Loading

3 October 2013 admin
← Why Gandhi resonates in Rome
શટ અપ માનવતા ! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved