- વિકાસ મહત્ત્વનો કે શિક્ષણ; તૂટી ગયેલી કે ર્જીણ થયેલી કે વીંધાયેલી પાંખોથી, ભારત શિક્ષણ માટેની ઉડાન ભરી શકે ખરું
ગઈ પાંચમી સપ્ટેમ્બરે, ભારતે દેશભરમાં શિક્ષકદિન ઘણી ધામધૂમથી ઊજવ્યો. ભારતના બીજા રાષ્ટ્રપતિ પ્રખર વિદ્વાન ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન-પાંચ સપ્ટેમ્બર, શિક્ષકદિવસ તરીકે ઊજવાય છે. કેવું હશે એ સમયે ભારતનું રાષ્ટ્રીય અને રાજકીય વાતાવરણ કે આવા પ્રતિભા સંપન્ન વિદ્વાન દેશના સર્વોચ્ચપદ રાષ્ટ્રપતિની ગાદી પર પસંદ થયા હશે માત્ર કલ્પના કરવી રહી. વિશ્વભરમાં, ઘણાં દેશોમાં શિક્ષકદિન ઊજવાય છે, પણ તારીખ અલગ અલગ છે. તૂર્કીમાં, પ્રથમ રાષ્ટ્રપતિ મુસ્તફા કમાલ પાશાને ૨૪ નવેમ્બરે રાષ્ટ્રના મુખ્ય શિક્ષક તરીકે નવાજ્યા હતા.
એટલે તુર્કી ૨૪ નવેમ્બરે શિક્ષકદિન ઊજવે છે. આર્જેન્ટીનામાં એના રાષ્ટ્રપતિ ફોસ્ટીનો સરમિન્ટો જેણે આર્જેન્ટીનામાં શાળાઓ અને પુસ્તકાલયોનો પ્રારંભ કર્યો એટલે એની યાદમાં ૧૧ સપ્ટેમ્બર શિક્ષકદિન મનાવાય છે. બ્રાઝિલ, ૧પ ઓક્ટોબરને શિક્ષકદિન તરીકે ઊજવે છે. કારણ ૧૯૬૩માં શહેનશાહ પેડ્રોએ સમાજના નબળા વર્ગો માટે શાળાઓનો પ્રારંભ કર્યો. ઓસ્ટ્રેલિયા ઓક્ટોબરના છેલ્લા શુક્રવારને શિક્ષકદિન તરીકે મનાવે છે. શિક્ષણ અને વિકાસમાં શિક્ષકના યોગદાનને સ્વીકૃતિ આપવા ઓક્ટોબરની પાંચમીને યુનેસ્કોએ વિશ્વ શિક્ષકદિન તરીકે જાહેર કર્યો છે.
શિક્ષક વિશ્વભરમાં શિક્ષણની નાભી છે – આધાર છે. અનાદિકાળથી સમાજે એને નિરક્ષરતા, પૂર્વગ્રહ અને લોલુપતા સામે લડવા પસંદ કર્યો છે. જ્યારે સમાજ વિવિધ રીતે વિર્દીણ થઈ જાય છે ત્યારે શિક્ષક આદર્શ અને રોલમોડલ પૂરો પાડે છે. રાધાકૃષ્ણનના દિવસોની તુલનામાં આજે શિક્ષણનો વ્યાપ ઘણો વધ્યો છે, શિક્ષકોની સંખ્યા વધી છે. સગવડો અને સાધનો વધ્યા છે. પણ શાળા અને કોલેજોની સંખ્યા વધે એટલે શિક્ષણનો વિકાસ થયો છે. એમ કહી શકીએ ખરા ? શિક્ષક આવા અકલ્પ્ય વિકાસના માહોલમાં દીન તો નથી બન્યો ને શિક્ષણનો વ્યવસાય શું પહેલાં જેટલો ઉમદો રહી શક્યો છે? બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વભરમાં 'ગુડ બાય, મિ.ચીપ્સ’ નામની અંગ્રેજી ફિલ્મ વિશ્વવિખ્યાત બનેલી. જેમાં શ્રી ચીપ્સ નામના શિક્ષક નિવૃત્તિ પછી પણ રોજ શાળાના દરવાજે ઊભા રહી બાળકોને લાડથી બોલાવતા. બાળકો પ્રેમથી 'ગુડબાય’ કહેતાં. આજે આવો લગાવ જોવા મળે છે ખરો આજે શિક્ષકોની મોટી બહુમતી ઘંટ વાગે ત્યાં સુધી શાળામાં પહોંચી જાય છે. સાંજે ઘંટ વાગે એટલે ઘરભેગા થાય છે. અલબત્ત, બહુ ઓછા દેશોને શિક્ષણના પ્રસારમાં વિસ્તાર, ભાષા, પહેરવેશ, ધર્મ, રીતરિવાજના ભારત જેવા અને જેટલા વૈવિધ્યનો સામનો કરવો પડયો છે.
હવે આપણે સારા શિક્ષણની જરૂરિયાત અને પ્રસારના સવાલોનો સામનો કરવાનો આવ્યો છે. મર્યાદિત શિક્ષણના જમાનામાં શિક્ષણ અને શિક્ષકનું સ્તર જાળવવાનું કાર્ય એટલું આસાન હોય છે પણ વ્યાપ વધવા સાથે તે જાળવવું બહુ કપરું બની જાય છે. આટલા કઠિન સવાલો છતાં ભારતે, ચાર વરસ પહેલાં શિક્ષણના અધિકારના કાયદાને મંજૂર કર્યો. એની પાછળનો હેતુ ઉમદા અને અર્થપૂર્ણ હતો અને છે. એક સર્વેક્ષણ પ્રમાણે, ૨૦૦૭ પછી શિક્ષણ માટેની નાણાંની જોગવાઈ રૂ.૬૯,૦૦૦ કરોડ(ર૦૦૭)માંથી ૨૦૧૨-૧૩માં રૂ.૧.૪૭ લાખ કરોડ કરાઈ છે. એક સમાજ તરીકે આપણે, ભારતના ૬થી ૧૪ વરસનાં પ્રત્યેક બાળકના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો સ્વીકાર કર્યો છે. આ કેટલું ભગીરથ કાર્ય છે તે નીચેની વિગતો પરથી સ્પષ્ટ થશે.
પબ્લિક પ્રાઇવેટ ભાગીદારીની વાત ઘણી કરીએ છીએ પણ શિક્ષણક્ષેત્રે એ માત્ર બે ટકા જ છે. હજુ પચીસ ટકા શાળાઓ એવી છે જ્યાં કન્યાઓ માટે અલગ શૌચાલય નથી. ઝારખંડમાં આજે પણ ૮૨ ટકા શાળામાં પૂરતા શિક્ષક નથી. કેરળમાં ૭૯ ટકા શાળાઓ વરસમાં બસો દિવસ માંડ કામ કરે છે. બિહારમાં એકંદરે એક વર્ગમાં ૭૮ વિદ્યાર્થીઓ ભણે છે. એ જ બિહારમાં માત્ર ૨.૭૬ ટકા પ્રાથમિક શાળામાં વીજળી જોડાણ છે. મહારાષ્ટ્રમાં વર્ગ ત્રણ અને ચારના માત્ર ત્રેવીસ ટકા બાદબાકી કરી જાણે છે. ભારતના વર્ગ ૩ના પચાસ ટકા બાળકો ૧થી ૧૦૦ અંકને ઓળખી શકે છે. આ વિગતો, ભારતના વિવિધ વિસ્તારોની વિવિધ પ્રકારની ત્રુટિઓ બતાવે છે. આપણી સામે સમાન પ્રશ્રો નથી.
આ ત્રુટિઓની પૂર્તિ પ્રચાર, પોસ્ટર, શાળા પ્રવેશ ઉત્સવો કે બપોરના ભોજનની યોજનાથી થાય તેમ નથી. આ માટે પ્રતિબદ્ધતા જોઇએ : વાલી, સરકાર અને શિક્ષકની. નાણાંની જોગવાઈનો અને આવતીકાલે ઊભા થનારા સવાલો પણ આવા જ મુશ્કેલ છે. આપણા પ્રાથમિક શિક્ષણ માટેનાં નાણાંની જોગવાઈમાં ૧૧૩.૬ ટકાનો વધારો કરાયો છે. ૬૮,૮પ૩ કરોડમાંથી ૧.૪૭ લાખ કરોડ, આ શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળતું જતું હોવાથી ૨૦૧૮ સુધીમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં જતા થશે. બીજી તરફ, 'સર્વ શિક્ષા અભિયાન’ પાછળ ૨૦૧૦-૧૧માં ૭૦ ટકા નાણાં વપરાતાં હતાં તે ઘટીને ૨૦૧૧-૧૨માં ૬૨ ટકા થઈ ગયા છે. એટલે નાણાંનાં અભાવે આપણે નિરક્ષર રહીએ છીએ એ વાત જૂની થઈ ગઈ છે.
શિક્ષકદિને, આપણે ગામેગામ કે શહેરોમાં શિક્ષણના સવાલોનો ઉકેલના પ્રયાસો કર્યા હોત, તો એક ડગલું આગળ ભરાયું હોત. શિક્ષણનો આવો આટલો પ્રસાર નહોતો થયો ત્યારે આદિવાસી વિસ્તારમાં એક જુગતરામ દવે બસ થઇ પડયા, પણ હવે ઘણા જુગતરામ દવેની જરૂર છે, ત્યારે જ એ અપ્રાપ્ય બન્યાં છે. આપણે વરસો સુધી અભણ અને આંધળો સરખા એમ ગોખ્યું અને હવે આટલા મોટા ભગીરથ કાર્યમાં આપણે ખૂબ પાછળ રહ્યા ત્યારે વિદ્વાનો પહેલાં વિકાસ કે પહેલાં શિક્ષણ અને આરોગ્ય એની વિશદ્દ ચર્ચાઓ કરી રહ્યાં છે.
બરાબર શિક્ષણની જરૂર અનેકવિધ વધી છે ત્યારે જ આપણે વિકાસની જોડે જ શિક્ષણ અને આરોગ્ય વધારવાને બદલે એવો વિકાસ કરી રહ્યાં છીએ કે આર્થિક અસમાનતામાં દસગણું, વીસ ગણું નહીં પણ, આસમાન-જમીન જેટલું અંતર ઊભું થયું છે. હવે વાત કરાય છે વિકાસના ઝરણ-પરકોલેશનની રાહ જોવાની કેવી કરુણ પરિસ્થિતિ ઉપરનાં શિક્ષણનાં સમગ્ર ચિત્રનું પાઇવોટ તો શિક્ષક છે. પણ આપણી સ્થિતિ એવી છે કે, પ્રાથમિક શિક્ષણ માટે નથી પૂરતી ચર્ચા-વિચારણા થતી, ન તો આંતરખોજ કરાય છે, ન પ્રામાણિક પ્રતિબદ્ધતા દર્શાવાય છે.
તૂટી ગયેલી કે ર્જીણ થયેલી કે વીંધાયેલી પાંખોથી, ભારત શિક્ષણ માટેની ઉડાન ભરી શકે ખરું ?
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 12 સપ્ટેમ્બર 2013)