Opinion Magazine
Number of visits: 9448736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાઈબલની બે શીખ ભારતની સરકારને ….

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|9 September 2013

દેશ-દુનિયાના સાંપ્રત પ્રવાહો જાણવાના એવા તો હેવા પડી ગયા છે કે સવાર પડ્યું નથી ને છાપામાં નજર દોડે અને રાતે સુવા ટાણે પણ ધરતી માના છૈયા છોરા બધા સલામત તો છે, એમ ટેલીવિઝન પરના સમાચાર સંવાદદાતા કહે પછી જ નીંદર આવે, એનું શું કરવું? કહેવત છે, ‘મિયા દુબલે કયું? સારે ગાંવકી ચિંતા’. ભાઈ, આ ટોળકીમાં હું એકલી નથી, માનવ જાત માટે નિસ્બત ધરાવનાર સહુ આંખ ખુલ્લી રાખીને અને કાન સરવા રાખીને ક્યાં શું ચાલે છે, એ જાણીને બીજાને ખબર કરે જ છે.

હમણાં હમણાં ભારતથી આવેલા બે-ચાર સમાચાર દિલનો કબજો જમાવી બેઠા છે. એક છે, પાકિસ્તાને ફરી પુંચ વિસ્તારમાં આક્રમણ કર્યું અને ભારતીય સૈન્યના પાંચ સૈનિકોએ જાન ગુમાવ્યા. એવું જ ચીન પણ ભારતની સરહદે લશ્કરી ઘુસણખોરી કરવા સક્રિય બન્યું છે. બીજા સમાચાર છે, ભારતે ‘વિક્રાંત’ નામનું અતિ આધુનિક યુદ્ધ જહાજ બનાવ્યું, જે ૨૦૧૮માં મેદાને પડશે. ત્રીજી ખબર કેન્દ્ર સરકારે અન્ન સુરક્ષા બીલ પસાર કરવા માટે ખરડો મુક્યો જે લોકસભામાં પસાર થઈ ગયો અને હવે રાજ્યસભાની મહોર લાગતાં જ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારતનું રાજકારણ, હિંદુ ધર્મની માન્યતાઓ અને નીતિમત્તાના માપદંડ ક્યાંક ઊંડી ગર્તામાં અદ્રશ્ય થઈ રહ્યાં છે એમ ભાસે છે. ભારતના બંને પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો ફરી વણસ્યા છે. તેવે ટાણે બાઈબલનું એક અવતરણ યાદ આવે છે : Love thy neighbor as yourself. આ ઉપદેશને અમલમાં મૂકતાં પહેલાં કેટલાંક પગલાં લેવાની જરૂર હતી. ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની સરહદો બરાબર અંકાયેલી છે કે નહીં તેની ખાતરી કરવાની જરૂર હતી. બ્રિટિશ સામ્રાજ્ય માટે કાશ્મીરની સરહદો વિશેનો કોયડો વણ ઉકલાયેલો રહે તો એમના બાપાનું કાંઇ નુકસાન નહોતું થવાનું, પણ ભારત-પાકિસ્તાને તો એ સમયે જ લવાદી દેશની મધ્યસ્થી દ્વારા એ પ્રશ્નોનો તે જ વખતે નિવેડો લાવવાની જરૂર હતી. તે પછી પાડોશી દેશો મ્યાનમાર, સિક્કિમ, ભૂતાન, નેપાળ, અફઘાનિસ્તાન, રશિયા, પાકિસ્તાન અને ચીનને પોતાના રાજકીય, આર્થિક, સાંસ્કૃિતક અને વિકાસ લક્ષી લક્ષ્યો સ્પષ્ટ કરીને નવા રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ આપી હોત, તો તેઓ આપણું પોત જાણતા થયા હોત. ત્યાર બાદ દરેક દેશોના રાજદૂતો, શિક્ષણ, આરોગ્ય અને અર્થકારણના નિષ્ણાતોને આમંત્રણ આપીને ભારતના જે તે ક્ષેત્રના હોદ્દેદારો સાથે પરિચય કરાવીને મૈત્રી કેળવાઈ હોત, તો ગઠબંધન જરૂર શક્ય બન્યું હોત. પાડોશી દેશો સાથે થયેલ મૈત્રીભર્યા સંબંધોની શરૂઆત પરસ્પરના ઉદ્યોગ અને વ્યાપાર, શિક્ષણ અને રમત-ગમત, આરોગ્ય અને સાંસ્કૃિતક ક્ષેત્રમાં સહયોગમાં પરિણમી હોત. પરિણામે આ બધા દેશોની પ્રજાની આંતરિક અને સરહદી સુરક્ષા જળવાઈ હોત અને દૂરના પાડોશી દેશોનો ભય ટાળી શકાયો હોત. દુનિયા સામે એક મોટી આર્થિક, રાજકીય અને સાંસ્કૃિતક શક્તિ તરીકે ઉભરી આવીને ભારત તેના પાડોશી દેશો સાથે એક દ્રષ્ટાંત રૂપ સંગઠન બની શક્યું હોત. એતો પોતાના પાડોશી દેશોને પ્રેમથી જીતી લીધા હોય તો જ શક્ય બને. ભારત એક નવા જન્મેલા રાષ્ટ્ર તરીકે આ લક્ષ્ય સાધવામાં નિષ્ફળ ગયું.

આપણે જરૂર કહી શકીશું કે પાકિસ્તાનની કાશ્મીરના કબજા માટેની માગણી સાવ ગેરવ્યાજબી છે, તો પછી એમની સાથે પ્રેમભર્યા સંબંધો કેવી રીતે સ્થાપી શકાય? તો અહીં પણ બાઈબલ આપણી વહારે આવે છે : Love your enemies and pray for those who persecute you. આમ જોવા જઇએ તો ભારત અને પાકિસ્તાન બેલડાના બાળકો જેવા છે. એક દેશના ધર્મને આધારે બે ભાગલા પાડવા માટે મજબૂર થવા પાછળ વકરેલું કોમી વૈમનસ્ય જવાબદાર હતું અને જે રીતે સીમાઓનું રેખાંકન થયું તેણે તો બળતામાં ઘી હોમવાનું કામ જ કર્યું. હવે જ્યારે કાશ્મીરના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ અને પેઢી દર પેઢી વારસામાં મળી જ છે તો બંને દેશોએ ઉપર ઉલ્લેખ કર્યો છે એ ઉપદેશને સમજવો રહ્યો. સદીઓથી માનવજાતને માર્ગદર્શન આપતા યુગ પુરુષોએ ખરેખર આ આદેશનું પાલન કરી બતાવેલું છે. ગાંધીજીએ એક વખત કહેલું, હું જીસસના બધા આદેશોનું પાલન કરી શકું સિવાય કે આ એક. ત્યારે એક ખ્રિસ્તી મહિલાએ પૂછ્યું, ‘એ શા કારણે, ભલા?’ ગાંધીજીનો શાંત સ્વસ્થ સ્વર સહજ ભાવે કહી રહ્યો, ‘I don’t have any enemy!’ ભારત જો પોતાના ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃિતક ભવ્ય વારસાનું ગૌરવભર્યું ગાન કરતું હોય તો તેણે પોતાની અહિંસક અને પ્રેમની તાકાત આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવામાં બતાવી આપવાનો સમય પાક્યો છે. ચીન સાથે BRICSને નામે ધંધાકીય જોડાણ કરવાથી તેની સાથેના સરહદી પ્રશ્નો દૂર નહીં થાય અને આ મુદ્દાને અવગણીને સૂપડામાંની ધૂળની માફક વાળીને ફેંકી દેવામાં તો નરી નામર્દગી જ પ્રદર્શિત થશે.

પાડોશી દેશો સાથે પ્રેમ અને મૈત્રીભર્યા સંબંધો કેળવવામાં નિષ્ફળ ગયેલ આપણા દેશના વડાઓએ આજે ચીનના સંરક્ષણ બળની સામે બાથ ભીડવા પાંચ બીલિયન ડોલરનું ‘વિક્રાંત’ નામનું યુદ્ધ જહાજ બનાવ્યું એમાં શું શાણપણ કર્યું કહો તો, ભલા? હવે ભારત પણ ફ્રાંસ, રશિયા, અમેરિકા અને યુ.કે.ની પંગતમાં બેસી શકશે તેનું ગૌરવ લેશે! શસ્ત્રો તો ડરપોક લોકોનું હથિયાર છે. ન્યાયી વિચારસરણી ધરાવતા બુદ્ધિશાળી રાજ્યકર્તાઓ તો હિંમતથી પાડોશી દેશને તેમની સરહદનું ભાન કરાવે અને એનું ઉલ્લંઘન બંને દેશની સાર્વભૌમિક સત્તા માટે પડકાર છે એ મક્કમપણે સમજાવે કે ૨૬૦ મિટર લાંબા ૬૦ મિટર પહોળા જહાજમાં અણુશક્તિથી સજ્જ એવી સબમરીનો ખડકીને પાડોશીને ડારો દે? ખરેખર આવું યુદ્ધ જહાજ જોઈને કોઈ તમને પ્રેમ કરે કે આદર આપે કે ડરના માર્યા ઘૃણા અને ધિક્કાર વરસાવે? જો ચીનને તે છતાં ભારતના ભૂ ભાગની લાલચ રહે તો તેની સાથેના આર્થિક કરારો તેની આક્રમક હિલચાલ કાયમ માટે બંધ ન થાય ત્યાં સુધી મુલતવી રાખવામાં જરા પણ નુકસાન નહીં થાય.

ચાલો, આપણે ચીનને બાઈબલની પેલી શીખની યાદ અપાવીએ : Do to others as you would have them do unto you. આગથી આગ ન શમે, વેરથી વેર ન ટળે એનો અહેસાસ થવાથી જ અનેક આતતાયીઓએ હથિયાર હેઠાં મુક્યાંનો ઇતિહાસ સાક્ષી છે તો આપણે હથિયાર બિલકુલ ન ઉપાડીને વધુ ડહાપણ કાં ન બતાવીએ? મહાસત્તાઓને અણુશાસ્ત્રોની નિરર્થકતા સમજાવાથી મોટા ભાગના શસ્ત્રોનો નાશ કરવો પડ્યો પણ એ બનાવવા પાછળ અને તેનો નાશ કરવા પાછળ થયેલ અબજો ડોલરના ધુમાડાને કારણે એ દેશોમાં બેકારી અને ભૂખમરો વકરી પડ્યાં તે આપણે એના પરથી ધડો કાં ન લઈએ? એની બદલે ‘વિક્રાંત’ બનાવ્યું એ માટે વડાપ્રધાનથી માંડીને વડા પાઉં વેચવાવાળા બધા અભિમાન કરે છે. સત્તા અને શક્તિનો પરચો શામાં વધુ છે, પાડોશીને પ્રેમથી જીતી લેવામાં કે દરિયાઈ રસ્તે ચાર કલાકની સફર જેટલે છેટે રહેતા દેશોને મ્હાત કરવા આવડા તોતિંગ વિનાશક સશસ્ત્ર લડાયક જહાજ બનાવવામાં?    

પાડોશી દેશો સાથેના સંબંધો અને સીમા સુરક્ષાના મુદ્દાથી જરા હઠીને ગરીબી નિવારણના સળગતા પ્રશ્ન પર નજર નાખીએ. તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘અન્ન સુરક્ષા બીલ’ પસાર કર્યું. હા….શ હવે ‘ભગવાન ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો સુવાડે નહીં’ એ કહેવત કોંગ્રેસની દયાથી સાચી પડશે. લગભગ ૮૦૦ મીલિયન સ્ત્રી-પુરુષ-બાળકોને (એટલે કે ભારતની કુલ ૨/૩ વસતીને) ચોખા ૧ રૂ. નાં એક કિલો, ઘઉં ૨ રૂ.ના એક કિલો અને બાજરી ૧ રૂ.ની એક કિલોના ભાવે અપાશે. ગામડામાં રહેતી કુલ વસતીમાંથી ૭૫% વસતી અને શહેરમાં રહેતી કુલ વસતીમાંથી ૫૦% વસતીને આ યોજનાનો ‘લાભ’ મળશે. સવાલ એ થાય કે લોકોની આ સહાય મેળવવાની યોગ્યતાની ખાતરી કેવી રીતે થશે? મને તો અત્યારથી ગેરવહીવટ, લાંચ-રુશ્વત અને કાળા બજારની બદબૂ આવે છે. ભારતમાં ૪૨% બાળકો કુપોષણથી પીડાય છે એ ખરું, પણ તે માત્ર ઘઉં-ચોખાના કાર્બોહાઈડ્રેટના અભાવનું પરિણામ છે કે અપૂરતા પ્રોટીન અને વિટામીન અને પીવાના પાણીના અભાવનો પણ પ્રભાવ છે? દર વર્ષે રૂ. ૧.૩ ટ્રીલિયન આ અન્ન સુરક્ષા બીલ પાછળ ખર્ચ થવાની વકી છે, તો કેન્દ્ર સરકાર એ નાણાં ક્યાંથી લાવશે? કેટલા વર્ષ આ બોજો ઉઠાવી શકાશે? જયારે સરકારની તિજોરીનું તળિયું દેખાશે ત્યારે ભૂખ્યા જનોના જઠરાગ્નિને કેમ શાંત કરશું?

લાગે છે, બીલ પસાર કરનારા રાજકારણીઓએ દૂરના ભવિષ્યનો વિચાર નથી કર્યો. અહીં પણ બાઈબલનો આશ્રય લઈએ : Give a man a fish, he eats for a day; give him a fishing net and teach a man to fish, he eats for a life time and the generations to come will be fed. કેટલું સાચું છે આ વિધાન? શું રાતોરાત લાખો અને કરોડોની સંખ્યામાં લોકો ઉદ્યોગ અને વ્યવસાય વિનાના થઈ ગયા કે આપણી જ મશીનો પાછળની ઘેલછા અને સંપત્તિની અસમાન વહેંચણીના અવિચારી અમલનું આ પરિણામ છે? સાચો ઉપાય તો એ છે કે બેકારી અને ભૂખમરાના કારણોની ઊંડી તપાસ કરીને કામ-ધંધા વિનાના લોકોને તેમની શક્તિને યોગ્ય તાલીમ આપી, કામની તકો ઉભી કરવી, યોગ્ય વળતર મળે તેવી જોગવાઈ કરવી અને શોષણ વિહીન સમાજ રચનાનું લક્ષ્ય રાખી તે તરફ આગળ વધવું. કિલો-બે કિલો ઘઉં-ચોખા લઈ જનાર લોકોને શું પેઢી દર પેઢી ભિખારી રાખવા છે? આ યોજનાના લાભાર્થીઓને પૂછશો તો કહેશે, ‘બાપુ, હાથમાં ઝાડુ આલો કે ચામડું કમાવાનું સાધન આપો તો ચપટીક જવાર લઈને અર્ધું બટકું રોટલાનું ખઈ લેશું, પણ કોમ વિના નો હોરવે, મારા બાપ’. આજે હજારો હાથ મોં ભણી નથી વળતા. એમને તૈયાર ભાણે કોળિયા ભરાવવાથી એમના વંશજોનું દળદર નહીં જ ફીટે. જમીનની સમાન વહેંચણી થાય, જંગલની પેદાશ પરનો અધિકાર અબાધિત રહે, નાના મોટા ઉદ્યોગો માટે તાલીમ મળે અને તે ઉભા કરવા ઓજારો મળી રહે તો સાત સાત પેઢી સુધી દિવસે દહાડે સખત મહેનત મજૂરી કરીને પ્રગતિ કરતી રહે એવી ખમીરવંતી પ્રજા છે ભારતની. એને રોજના ચાર દાણા અનાજની ખેરાત કરીને કદાચ મત મેળવી શકાશે પણ આ પ્રશ્નનો કાયમી ઉકેલ તો નહીં જ લાવી શકાય.

e.mail : 71abuch@gmail.com

Loading

9 September 2013 admin
← Swadeshi, Self-Reliance and Globalization
બેગમ હઝરત મહલ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved