Opinion Magazine
Number of visits: 9482499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગ્રંથાગાર’ પર છેલ્લી સાંજ : અમારા એકના એક પુસ્તક-અડ્ડાનો વિલય

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 September 2013

'ગ્રંથાગાર'/ Granthagar છેલ્લો દિવસ : (ડાબેથી) સંજય ભાવે, નાનક મેઘાણી, હંસાબહેન પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ

અમદાવાદમાં નદીકિનારે આવેલા સાહિત્ય પરિષદના મકાનમાં, મોબાઇલના સિગ્નલ ન આવે એવો એક ખંડ પુસ્તકોની દુકાન માટે છે. ૨૦૦૬થી એ જગ્યાએ ‘ગ્રંથાગાર’ની શરૂઆત થઈ. તેના સંચાલક નાનકભાઇ મેઘાણી/ Nanak Meghani અને તેમનાં સદા સેવાતત્પર, સદા હસમુખાં મદદનીશ હંસાબહેન ‘ગ્રંથાગાર’ને એવી રીતે ચલાવતાં હતાં કે તેને ‘પુસ્તકની દુકાન’ કહેવાનો જીવ ન ચાલે.

ઉપરના વાક્યમાં વપરાયેલો ભૂતકાળનો પ્રયોગ ખટક્યો હોય, એ લોકો માટે માઠા સમાચાર એ છે કે ‘ગ્રંથાગાર’નો ગઈ કાલે (31 અૉગસ્ટ 2013) છેલ્લો દિવસ હતો. નાનકભાઈએ તબિયતના ચઢાવઉતાર વચ્ચે અત્યાર લગી તેને ટકાવ્યું, પણ એંસી વર્ષના નાનકભાઈને મુખ્યત્વે તબિયતના તકાદાએ નિવૃત્ત થવા ફરજ પાડી. ‘ગ્રંથાગાર’માં મુલાકાતીઓની સંખ્યા પણ એટલી સરખી ન હતી કે તબિયતથી ખેંચાઈને એને ચાલુ રાખવાનું મન થાય. એટલે નાનકભાઈએ હંસાબહેનની સાથે વાતવિચાર કરીને ‘ગ્રંથાગાર’ને વિરામ આપવાનું નક્કી કર્યું.

નાનક મેઘાણી, હંસાબહેન : ફોટો લેતા અિશ્વન ચૌહાણ 

અમારા જેવા ઘણા લોકો માટે ‘ગ્રંથાગાર’ પુસ્તકોની દુકાન નહીં, પણ ચોતરફ પુસ્તકો ગોઠવાયેલાં હોય એવો એક અડ્ડો હતો. દિવસ દરમિયાન કોઈ પણ સમયે ત્યાં જઈ શકાય, પુસ્તકો ખરીદવાની સીધી કે આડકતરી ફરજ વિના કે ‘ખરીદો અથવા નીકળો’ એવી નજરોનો સામનો કર્યા વિના, ત્યાં નિરાંતે પુસ્તકો ફેંદી શકાય. પુસ્તકો ખરીદવાં ન હોય તો પણ, હંસાબહેન ઉત્સાહથી પુસ્તકો બતાવે, માર્ગદર્શન આપે, મદદ કરે. બપોરે બે વાગ્યાની આસપાસ નાનકભાઈ ઘરેથી રિક્સામાં ‘ગ્રંથાગાર’ આવે. એમના આવ્યા પછી જઇએ, એટલે ગપ્પાંગોષ્ઠિની મહેફિલ જામે. ભલું હોય તો સંજય ભાવે જેવા પુસ્તકપ્રેમી મિત્ર પણ ત્યાં મળી આવે. ચાલુ દિવસ હોય, કામો મોં ફાડીને ઊભાં હોય ને વચ્ચે અડધો કલાક- કલાક ક્યાં ય નીકળી જાય. પછી નીકળવાનો વખત આવે, એટલે નાનકભાઈ અત્યંત મૃદુતાપૂર્વક અને આત્મીય વિવેકમાં ઝબોળાયેલી અભિવ્યક્તિ સાથે સમય ઓછો પડ્યાનો ધોખો કરે અને જેટલો સમય મળ્યો તેમાં બહુ મઝા આવ્યાનું કહે. ફરી મહિને-બે મહિને આવો મોકો આવે.

કદી નિરાંતનો સમય હોય તો દોઢ-બે કલાકની બેઠક થાય. અલકમલકની વાતો નીકળે. નવાં પુસ્તકો આવ્યાં હોય તે નાનકભાઈ બતાવે. તેમની સંમાર્જિત રૂચિમાંથી બહુ ઓછાં પુસ્તકો માટે નખશીખ સારો અભિપ્રાય નીકળે. બોલકી ટીકા એ ભાગ્યે જ કરે. બે-ચાર શબ્દોમાં સમજી જવાનું હોય. કદીક ત્યાં નિરંજન ભગત બેઠેલા દેખાય તો કદીક રતિલાલ બોરીસાગર. એક વાર એવો સુયોગ થયો હતો કે ‘ગ્રંથાગાર’ની નાનકડી જગ્યામાં નાનક મેઘાણી ઉપરાંત મહેન્દ્ર મેઘાણી, અમેરિકાનિવાસી ભાઈ અશોક મેઘાણી અને નિરંજન ભગતનો મેળાવડો મળ્યો હતો. સાથે હંસાબહેન તો ખરાં જ. ઉપરાંત સંજય ભાવે અને હું. એવી જ રીતે, એક વાર મંજરી મેઘાણી, અશોક મેઘાણી, નાનકભાઈના જોડિયા ભાઈ મસ્તાન મેઘાણી ‘ગ્રંથાગાર’ પર ભેગાં થયાં તેનો સાક્ષી બન્યો હતો. હવેના સમયમાં આવાં મિલન બહુ મીઠાં લાગે છે. કારણ કે એ ઓછાં થાય છે.

(ડાબેથી) અશોક મેઘાણી, નાનક મેઘાણી, હંસાબહેન, મહેન્દ્ર મેઘાણી અને નિરંજન ભગત (2010)

(ડાબેથી) નિરંજન ભગત, અશોક મેઘાણી,  નાનક મેઘાણી, મહેન્દ્ર મેઘાણી (2010) 

(ડાબેથી) મંજરી મેઘાણી, સંજય ભાવે, નાનક મેઘાણી,  હંસાબહેન, અશોક મેઘાણી, મસ્તાન મેઘાણી (2010) 

નાનકભાઈ મુંબઇમાંથી સાયન્સના ગ્રેજ્યુએટ થયા પછી મહેન્દ્રભાઈ સાથે ભાવનગર ‘લોકમિલાપ’માં જોડાયા. ત્યાં થોડાં વર્ષ કામ કર્યા પછી ૧૯૬૧થી તેમણે રાજકોટમાં ધર્મેન્દ્ર કોલેજની સામે  ‘સાહિત્યમિલાપ’ નામે પુસ્તક-સ્થાનક શરૂ કર્યું. મહેન્દ્ર મેઘાણી, જયંત મેઘાણી અને નાનક મેઘાણી – આ ત્રણેને લોહીનાં સગપણ કરતાં પણ વિશેષ (કે કદાચ એના જ સંસ્કારે) સાંકળતી મજબૂત કડી એટલે પુસ્તકો પ્રત્યેનો તેમનો અનુરાગ. એવું એ ત્રણેના ઓછાવત્તા પરિચયમાં આવ્યા પછી અચૂક લાગે. સારું પુસ્તક જોઇને એ અડધા અડધા થઈ જાય. ‘જે પુસ્તકનો મિત્ર, એ મારો મિત્ર’ એવું ‘વાંચે ગુજરાત’ની તકલાદી વાચનઝુંબેશનું સૂત્ર મેઘાણીબંઘુઓ દાયકાઓ પહેલાં આત્મસાત્‌ કરી ચૂક્યા હોય એવું લાગે. એટલે દુન્યવી રીતે તેમની પુસ્તકોની દુકાન હોય તો પણ એનો માહોલ ‘દુકાન’ જેવો ન હોય.

રાજકોટ ‘સાહિત્યમિલાપ’માં નાનકભાઇને સારો પ્રતિસાદ મળ્યો. એ અરસામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી શરૂ થઈ હતી. એ માટેનાં પુસ્તકો ખરીદવા માટે વાઇસ ચાન્સેલર ડોલરરાય માંકડ અને અધિકારી ડોલરરાય બૂચ ‘સાહિત્યમિલાપ’ પહોંચ્યા. નાનકભાઈએ તેમને રાબેતા મુજબનો હૂંફાળો આવકાર આપ્યો, પણ દિલગીરી સાથે કહ્યું કે પુસ્તકો કબાટોને બદલે જમીન પર થપ્પાબંધ ગોઠવાયેલાં છે. ડોલરરાય માંકડ જેવા વિદ્વાન કુલપતિના હોદ્દે હતા એટલે એમણે એકાદ કલાક સુધી થપ્પાબંધ પુસ્તકો જોયાં અને લીધાં પણ ખરાં.

રાજકોટથી અમદાવાદ આવવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં નાનકભાઈ એકલા આવ્યા. ૧૯૭૭નો એ સમય. કટોકટી પૂરી થઈ ચૂકી હતી. બહુમાળી ઇમારતોને બદલે બેઠા ઘાટનાં મકાનનો યુગ હતો. અમદાવાદમાં નવરંગપુરા મ્યુિનસિપલ માર્કેટ પાસે ચારેક રૂમનું એક મકાન નાનકભાઈએ ભાડે રાખ્યું અને ત્યાંથી ‘ગ્રંથાગાર’ની શરૂઆત થઈ. એ જમાનામાં રૂ.પચીસ હજારનું ફર્નિચર પુસ્તક ભંડાર માટે તેમણે કરાવ્યું. ‘ગ્રંથાગાર’ નામ નાનકભાઈએ જ પાડ્યું હતું. (‘વસ્ત્રાગાર જેવા શબ્દ પરથી મને થયું કે પુસ્તકો માટે ગ્રંથાગાર રાખીએ.’) આગળ જતાં તેના બિલમાં લોગોની સાથે, નાનકભાઈને પુસ્તકપ્રેમમાંથી સૂઝેલી એક પંક્તિ મુકાઈ. ‘અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું’.

ગ્રંથાગાર/ Granthagar : લોગો અને ધ્યેયમંત્ર  (છેલ્લા દિવસનું બિલ)અમદાવાદમાં ‘ગ્રંથાગાર’ની વિશેષતા એ હતી કે ત્યાં ફક્ત અંગ્રેજી પુસ્તકો જ મળતાં. બીજાં ગુજરાતી તો ઠીક, ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકો પણ ત્યાં વેચાતાં ન હતાં. નાનકભાઈનો એવો વિચાર હતો કે ‘બીજે મળતાં હોય એવાં પુસ્તક રાખવાનો કશો અર્થ નથી.’ થોડા વખત પછી ગુજરાતી પુસ્તકો ઉપલબ્ધ બન્યાં, ત્યારે પણ તેમની સંખ્યા એકાદ ઘોડા પૂરતી સીમિત રહી. દેશ-પરદેશનાં અંગ્રેજી પુસ્તકો નાનકભાઈ હોંશથી મંગાવતા અને અહીં સૌને બતાવતા. ‘ગ્રંથાગાર’ની બહાર તે બહારગામની યુનિવર્સિટીઓમાં અને આઇ.આઇ.એમ. જેવી સંસ્થાઓમાં પણ નવા પુસ્તકોના થેલા જાતે ઊંચકીને જતા. આઇ.આઇ.એમ. તરફથી મળેલા આવકારને ભીનાશપૂર્વક યાદ કરતાં નાનકભાઈ કહે છે, ‘હું પુસ્તકોના થેલા લઈને ત્યાં જઉં અને કોઇ પ્રોફેસર મને જુએ, એટલે એ મારા હાથમાંથી એકાદ થેલો ઉંચકી લે. તેમની કેબિનમાં જઉં એટલે એ બીજું કામ બાજુ પર મૂકીને પુસ્તકો જોવા બેસી જાય. મારી પાસેથી એ લોકો ઘણાં પુસ્તકો ખરીદતા હતા.’

નાનકભાઈની જીદ પણ એવી કે નવું પુસ્તક બહાર પડે એટલે મુંબઇ-દિલ્હીના બજારમાં આવે તેની સાથે જ એ ‘ગ્રંથાગાર’માં હોવું જોઇએ. તેની પાછળની ભાવના એ કે આપણા પુસ્તકપ્રેમીને અમદાવાદમાં હોવાને કારણે પોતે પાછળ રહી ગયો એવું ન લાગે. મુંબઇ-દિલ્હી એ ખરીદી કરવા જાય ત્યારે પણ પુસ્તકો તત્કાળ ડીસ્પેચ કરાવવાનો આગ્રહ રાખે. શક્ય હોય તો એકાદ પાર્સલ તો પોતાની સાથે ટ્રેનમાં જ બુક કરાવી દે.

‘રાઉટલેજ’ પ્રકાશન દર ત્રણ મહિને તેનાં આગામી પુસ્તકોનું દળદાર કેટલોગ બહાર પાડે. રાતે ઉજાગરો કરીને નાનકભાઈ એ વાંચે અને તેમાંથી પસંદગી કરે કે કયાં પુસ્તક મંગાવવાં. એક સમયે ‘રાઉટલેજ’માંથી દર મહિને પચાસેક હજાર રૂપિયાની કિંમતનાં પુસ્તકો ‘ગ્રંથાગાર’માં આવતાં હતાં. એ સિવાય મુંબઇ-દિલ્હીથી આવતાં પુસ્તકો અલગ. પરંતુ હિસાબકિતાબમાં નાનકભાઈનું ખાતું રજવાડી. (‘હું ચોપડીઓ વેચું કે હિસાબ લખું?’) ૧૯૮૬થી નાનકભાઈના મિત્ર અને ‘નવજીવન પ્રકાશન’ના બાલુભાઇ પારેખના પરિચયથી તેમના સાથીમિત્ર મણિભાઈ પટેલનાં પુત્રી હંસાબહેન ‘ગ્રંથાગાર’માં જોડાયાં.

હંસાબહેન અને નાનકભાઈ : 26 વર્ષનો  સાથ

હંસાબહેને નવજીવન’માં એક વર્ષની એપ્રેન્ટીસશીપ કરી હતી, પણ ‘ગ્રંથાગાર’માં તેમણે પૂર્ણસમય અને હિસાબની પૂરી જવાબદારી સાથે કામ સંભાળી લીઘું. ત્યારથી એ ‘ગ્રંથાગાર’નો એવો અભિન્ન હિસ્સો બની રહ્યાં કે તેમના વિના ‘ગ્રંથાગાર’ની કલ્પના થઈ શકે નહીં. ‘ગ્રંથાગાર’માં તેમની સતત હાજરી અને સક્રિયતા હોય, છતાં જાણે તે અદૃશ્યનાં અદૃશ્ય. ભગતસાહેબ અને નાનકભાઈ વચ્ચે ગોષ્ઠિ ચાલતી હોય તો હંસાબહેન તેનો પૂરેપૂરો લાભ લે, પણ પોતે એમાં પોતાની હાજરી બતાવવાનો લોભ ન રાખે. નવરંગપુરા ‘ગ્રંથાગાર’માં ભગતસાહેબ ઉપરાંત સાવ પાછલી અવસ્થાએ પહોંચેલા ઉમાશંકર જોશી પણ જતા હતા. નાનકભાઈ એમને ઉત્સાહથી પુસ્તકો બતાવે, પણ ઉમાશંકર કહે, ‘હવે અત્યારે પુસ્તકો જોવાનાં ન હોય, એને પ્રણામ કરવાનાં હોય.’

હિસાબની બાબતમાં નાનકભાઈ બેદરકારની હદે ઉદાર. ઘણી વાર એવું બને કે બાકીમાં પુસ્તકો ખરીદનારે રકમ નોંધી ન હોય અને નાનકભાઈ તો એવી કશી નોંધ રાખે જ નહીં. એટલે સ્થિતિ એવી ઊભી થાય કે લેનાર શરમવાળા હોય તો તેમને ફરી ‘ગ્રંથાગાર’માંથી ખરીદી કરતાં શરમ લાગે. હંસાબહેનના જોડાયા પછી ખાતું થોડું વ્યવસ્થિત થયું. છતાં, એ વ્યવસ્થિતતામાં કડકાઇનો જરાય ભાવ ન હતો. બાબુ સુથાર અને હર્ષવર્ધન ત્રિવેદી જેવા તેમની વિદ્યાર્થી અવસ્થામાં વડોદરાથી ખાસ પુસ્તકો જોવા-ખરીદવા ‘ગ્રંથાગાર’ આવે. વિદ્યાર્થીઓ માટે સરળ – એટલે કે પોસાય એવા હપ્તે પુસ્તકો ખરીદવાની સુવિધા હોય જ. ક્યારેક તો એવું પણ બને કે વિદ્યાર્થી એકસામટા રૂપિયા આપે ત્યારે નાનકભાઈ સામેથી બધા રૂપિયા લેવાની આનાકાની કરે અને ‘થોડા પછી આપજો’ એવું કહે.

શરૂઆતમાં નાનકભાઈ એકલા હતા ત્યારે એ ‘ગ્રંથાગાર’માં જ રહે. પાછળના એક રૂમમાં તેમનો અસબાબ હોય અને આગળ ‘ગ્રંથાગાર’ ચોવીસે કલાક ચાલુ રહે. પ્રકાશભાઈ (શાહ)નાં પત્ની નયનાબહેન કહે છે, ‘એનો તો મને પણ અનુભવ છે. અમે રાત્રે જમીને આંટો મારવા નીકળ્યાં હોઇએ ત્યાં પ્રકાશભાઇ કહે કે હું એક પુસ્તક લેતો આવું. હું એમને પૂછું કે અત્યારે વળી કઈ દુકાન ખુલ્લી હોય? પણ ગ્રંથાગાર ખુલ્લું હોય.’ નાનકભાઈ કહે, ‘મારે નાનુંમોટું કામ હોય તો હું ગ્રંથાગાર ખુલ્લું રાખીને જ જતો આવું.’ પુસ્તકોની દુકાન સાવ ઉઘાડીફટાક હોય, પણ નાનકભાઈને કશો ખચકાટ ન થાય અને પુસ્તકપ્રેમીઓ પણ આ વાત જાણતા હોય. એક વાર બધાને ખબર પડી કે રાત્રે પણ ‘ગ્રંથાગાર’ ખુલ્લું હોય છે, એટલે બધા જમીપરવારીને શાંતિથી ત્યાં આવતા હતા.

નવરંગપુરામાં ‘ગ્રંથાગાર’વાળું ભાડાનું મકાન મૂળ માલિકે વેચી દીઘું, એટલે નાનકભાઇને એ જગ્યા છોડવી પડી. ત્યાંથી એ સાહિત્ય પરિષદની પુસ્તકભંડારની જગ્યામાં આવ્યા. પરંતુ ત્યાં નવરંગપુરા જેવો કસ ન રહ્યો. નવરંગપુરા ‘ગ્રંથાગાર’માં આવનારા ઘણાખરા લોકોમાંથી ભાગ્યે જ કોઈ પરિષદમાં આવતા હતા. થવું એવું જોઇએ કે ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં હોવાને કારણે ‘ગ્રંથાગાર’ જાણીતું બને, પણ બન્યું એવું કે ઘણા લોકો ‘ગ્રંથાગાર’ને લીધે સાહિત્ય પરિષદ સુધી આવતા થયા. સાહિત્ય પરિષદમાં આવ્યા પછી ‘ગ્રંથાગાર’ની મુલાકાત લેનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય. એ સિવાય થોડાઘણા સ્નેહીજનો. પરંતુ નાનકભાઈને જેમાં મુખ્ય રસ હતો એ અંગ્રેજી પુસ્તકોનો વિભાગ પરિષદમાં આવ્યા પછી ખૂણે હડસેલાઈ ગયો અને ગુજરાતી પુસ્તકો મુખ્ય બની ગયાં. તેમ છતાં, વાચકોને લાડ લડાવવાનું નાનકભાઈએ ચાલુ રાખ્યું. યાદ આવે છે કે એક વાર મ્યુિઝકના એન્સાયક્લોપીડિયાનાં વોલ્યુમ આવ્યાં હતાં, ત્યારે હંસાબહેને ફોન કરીને પૂછ્‌યું હતું કે ‘આજકાલમાં આવવાના છો?’ અનુકૂળ હતું અને હું પહોંચ્યો એટલે નાનકભાઈએ એન્સાયક્લોપીડિયાનાં પેક વોલ્યુમ કાઢીને એમાંથી એક મારી સામે ધર્યું અને એ મતલબનું કહ્યું કે તમારી હાજરીમાં આ પેકિંગ ખોલવું એવી ઇચ્છા હતી.

પુસ્તકાચ્છાદિત માહોલમાં ગોષ્ઠિ : મહેન્દ્ર મેઘાણી, નિરંજન ભગત 

આવાં અંગત સ્મરણો ઉપરાંત અમદાવાદના વાચનપ્રેમી તરીકે ‘ગ્રંથાગાર’ની ખોટ સાલશે. પરંતુ દરેક સારી બાબતનો એક અંત હોય એ કુદરતી છે. જો અંત આવવાનો જ હોય તો તે આવી રીતે, આગોતરી જાણ સાથે, સૌ સ્નેહીમિત્રોના સંગાથમાં આનંદ કરતાં કરતાં આવવો જોઇએ એવું નથી લાગતું? શનિવારે સાંજે ચારથી સાડા છ વાગ્યા સુધી મિત્રો સંજય ભાવે, અિશ્વન ચૌહાણ, ઈશાન ભાવસાર, શ્રીરામ દેહાડે  સાથે મળીને અમે ગપ્પાંગોષ્ઠિનો જલસો કર્યો. સવારથી ચાલતું ભારેખમ વાતાવરણ અમારી સાથોસાથ નાનકભાઈ અને હંસાબહેનનાં હાસ્યથી ભરાઈ ગયું.

‘ગ્રંથાગાર’ની છેલ્લી સ્મૃિત આવી પ્રસન્નતાથી ભરપૂર જ હોઈ શકે.

નાનક મેઘાણી, હંસાબહેન, 31-8-2013ની સાંજ

courtesy : http://urvishkothari-gujarati.blogspot.in/2013/09/blog-post.html

Loading

4 September 2013 admin
← લાજવાબ લુંગી : પહેરવેશથી પ્રતીક સુધી
સાધુ તો સ્વામી આનંદ સરીખા હોય →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved