Opinion Magazine
Number of visits: 9504392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈકલ્પિક કુંભ મેળો

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|24 August 2013

બી.બી.સી.ની કૃપાથી થોડા દિવસ પહેલાં, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૩ દરમ્યાન, અલ્હાબાદમાં ભરાયેલ કુંભ મેળામાં હાજરી આપવા ગયેલ બ્રિટિશ શ્રદ્ધાળુઓની આંગળી પકડીને, દર્શકોને પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું. આ કાર્યક્રમ જોનારા બે મિત્રો વચ્ચે થયેલ વાર્તાલાપ અહીં  ટપકાવવા માગું છું.

પથિક વૈજ્ઞાનિક છે અને ટૂંક સમયમાં એને ઘેર પારણું બંધાવાનું છે. તેની મિત્ર અનન્યા (બંને નામ કાલ્પનિક છે) સમાજશાસ્ત્રમાં નિષ્ણાત છે અને તેને બે વર્ષની પુત્રી છે. ઉપરોક્ત કાર્યક્રમ જોયા પછી, આ મિત્રો વિચારોની આપ-લે કરતા કહેતાં સંભળાયાં, ‘આપણને આપણા ધર્મ માટે અતિ આદર છે, અને આપણા સંતાનોને પણ તેનો પરિચય કરાવીને તેના ઉત્તમ પાસાઓ પર શ્રદ્ધા ધરાવે તેમ ઇચ્છીએ છીએ. આપણે એમને આ કુંભમેળા વિષે શું કહીશું?’ દુનિયાના સહુથી વધુ સંખ્યામાં ભાગ લેતા શ્રદ્ધાળુઓના લોકમેળા તરીકે ખ્યાતિ પામેલ આ ઘટના વિષે વધુ માહિતી મેળવવા તેઓ સહેજે અમ જેવા મૂળ ભારતીય વડીલો તરફ ફર્યાં.

નાનપણમાં સાંભળેલી અને વાંચેલી તથા ‘સમુદ્ર મંથન’ (જેને ક્ષીર સાગર મંથન તરીકે પણ ઓળખવામાં આવે છે) નૃત્યનાટિકા ભજવતી વખતે જાણેલી કથાની લ્હાણી અમે આ બંને મિત્રોને કરી. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે વાર્તા પ્રમાણે એક વખત દેવાધિદેવ ઇન્દ્ર હાથી પર સવાર થઈને દુર્વાસા મુનિ પાસેથી પસાર થયા. દુર્વાસાએ તેમને હાર પહેરાવ્યો. પોતે નિરાભિમાની છે એ પુરવાર કરવા ઇન્દ્રે તે પોતાના હાથીની સૂંઢ પર ભરાવ્યો. હાથીને ઇન્દ્રની પોતાના ગર્વ પર કાબૂ રાખવાની અશક્તિનું ભાન હતું, તેથી તેણે એ હારને જમીન પર નાખી દીધો, જેનાથી ક્રોધે ભરાઈને દુર્વાસાએ બધા દેવોની શક્તિ, બાહુબળ અને સંપત્તિ ઝુંટવાઈ જશે એવો શાપ આપ્યો. બલિ રાજાની આગેવાની નીચે અસુરોએ દેવોને હરાવીને તેમની બધી સંપત્તિ લઈ લીધી. વિષ્ણુ ભગવાને દેવોને અસુરો સાથે સહકાર સાધી કુનેહથી કામ કરવા સલાહ આપી. આથી દેવ-દાનવોએ મંદરાચલ-મેરુ પર્વતની રવાઈ લીધી અને વાસુકી નાગનું દોરડું બનાવી બાર દિવસ સુધી સમુદ્રનું મંથન કર્યું અને વિષ્ણુ, ઇન્દ્ર, ઋષિમુનીઓ, શિવ તથા દેવોને ભાગે અનુક્રમે લક્ષ્મી, કૌસ્તુભ મણિ, શંખ, ઐરાવત, પારિજાત વૃક્ષ, કામધેનુ, ચન્દ્ર, અપ્સરા અને ધન્વન્તરી વૈદ્ય મળ્યાં; જયારે અસુરોને સુરા-મદિરા, સાત માથાવાળો ઉચ્ચેઇશ્રવા અશ્વ અને ધનુષ મળ્યા. લોભને થોભ ન હોય એ ન્યાયે આટલાં બધાં રત્નો હાથ લાધ્યા છતાં વધુ રત્નોની લાલસામાં મંથન ચાલુ રાખ્યું, પરિણામે હલાહલ (ઝેર) નીકળ્યું. ભલા એ કોણ લે? સહુ દેવ-દાનવો, અરે ખુદ ઇન્દ્ર અને વિષ્ણુ પણ આઘા પાછા થઇ ગયા અને ભોળા શંભુએ વિશ્વને ઝેરીલું બનતું અટકાવવા ઝેર ગટગટાવી લીધું. થયું એવું કે સમુદ્રમાંથી અમૃતનો કુંભ નીકળ્યો કે તરત દેવો અને અસુરો તેને માટે પડાપડી કરવા લાગ્યા, એ જોઇને ગરુડરાજ કુંભ લઈને ભાગ્યા. કહે છે કે રસ્તામાં પ્રયાગ (અલ્હાબાદ), હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન એ ચાર સ્થળોએ અમૃતના ટીપાં પડ્યાં. આથી દર બાર વર્ષે આ ચારે ય યાત્રાધામોમાં અનુક્રમે ગંગા-યમુના-સરસ્વતી સંગમ, ગંગા, ગોદાવરી અને શિપ્રા નદીમાં કુંભ મેળો યોજાય છે. અમૃતના ટીપાં પડેલાં એ નદીઓમાં નહાવાથી પવિત્ર થવાય, પાપ ધોવાય અને મોક્ષ મળે એવી માન્યતા છે.

પથિક અને અનન્યાને આ વાર્તા સાંભળતા પોતાનું બાળપણ યાદ આવ્યું અને નિદ્રાથી પોપચા ભારે થયાં. હજુ થોડી વધુ માહિતીઓના પ્રવાહમાં ડૂબકી મારવાનું બાકી હતું. વાત એમ છે કે ૧૪ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતથી શરૂ થતો આ મેળો શિવરાત્રીના પૂરો થાય એટલે કે પૂરા દોઢ મહિના સુધી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલે. કોઈ એક દિવસે એ નદીઓમાં ૩૫થી ૮૦ લાખ લોકો સ્નાન કરે અને દીપ-પુષ્પાંજલિ ધરે. અર્ધ કુંભ દર છ વર્ષે હરિદ્વાર અને અલ્હાબાદમાં, પૂર્ણ કુંભ બાર વર્ષે પ્રયાગ-અલ્હાબાદમાં અને મહાકુંભ ૧૪૪ વર્ષે પ્રયાગ-અલ્હાબાદમાં યોજાય છે. વળી શિવપંથી અખાડાના સાધુઓ વચ્ચે ક્યા અખાડાના સાધુઓને પ્રથમ સ્નાનનું પુણ્ય મળે તે માટે વિવાદ થતો હોય છે. એક વાત નોંધવા લાયક ખરી કે ઇ.સ. ૧૮૯૨માં હરિદ્વારમાં કોલેરા ફાટી નીકળ્યો અને ૧૯૫૪માં પ્રયાગ ખાતે લોકોના ધસારાને કારણે ૫૦૦ યાત્રાળુઓ માર્યા ગયા તે સિવાય સેંકડો-હજારો વર્ષથી ચાલી આવતી આ પ્રથાને કારણે કોઈ દુર્ઘટના બનવા નથી પામી. મુખ્ય સ્નાન ઉપરાંત અનેક સંત-મહાત્માઓના પ્રવચનો, ચર્ચા, ભજનો અને સામૂહિક ભોજનનો લાભ પણ સહુને મળે છે.

કુંભ મેળાની ઉત્પત્તિ પાછળની કથા અને કેટલીક હકીકતો જાણ્યા પછી, પથિક અને અનન્યા વચ્ચેની તાર્કિક ચર્ચા સાંભળવાનું રસપ્રદ થઇ પડ્યું. એ મેળામાં બહુ મોટી સંખ્યામાં સાધુઓ આવે છે. તેઓ કહે છે, ‘અમે સમાજની સેવા કરીએ છીએ અને બદલામાં લોકો અમારું ભરણ-પોષણ કરે છે.’ સવાલ એ થાય કે તેઓ શું સેવા કરે છે? એવા સાધુઓને ક્યારેક નાના-મોટા ગામોમાં ચોરે-ચૌટે જઈને પૌરાણિક કથા કરતા અને તત્ત્વજ્ઞાનની વાત કરતા ભાળીએ, ખરા. જેને પહેલાં કોઈ દિવસ ન મળ્યા હોય કે તેમનું કથામૃત ન પીધું હોય તેવા સંત-મહંતને લોકોને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા જોઇએ, ત્યારે વિચાર આવે કે આંગ-સાન-સુકી કે નેલ્સન મંડેલા અથવા રક્તપિત્તથી પીડાતા દર્દીઓ માટે સારવાર અને પુનર્વસવાટનું કામ કરતા કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ધૂણી ધખાવીને બેઠેલા કોઈ કર્મયોગીને નમન કરે તો સમજાય. તેમાં વળી નાગા બાવાઓનું એક મોટું જૂથ ત્યાં બે રોકટોક ફરતું હોય છે અને લોકો એમને પણ એવી જ શ્રદ્ધાથી નમન કરતા જોવા મળે. ભગવાન શંકર અજન્મા એટલે એમના વિષે એવી કલ્પના કરવામાં આવી છે કે તેઓ માત્ર વ્યાઘચર્મ પહેરતા, શરીરે ભભૂતિ ચોળતા, સ્મશાનમાં રહેતા, અને આભૂષણ તરીકે રુદ્રાક્ષની માળા તથા સર્પ પહેરતા. આથી એ પંથના બાવાઓ સાવ નિવસ્ત્ર રહેવામાં પોતાની ભક્તિનું પ્રદર્શન કરે છે. વળી ગુપ્તાંગો પર કષ્ટદાયી પ્રયોગો પણ જાહેરમાં કરી બતાવે છે. એમનો એવો દાવો છે કે તેઓ ઇન્દ્રિય દમન કરીને મોક્ષ મેળવવાનો માર્ગ ગ્રહણ કરે છે. દુન્યવી મિલકતમાંથી માત્ર વસ્ત્ર અને ઘરનો જ તેમણે ત્યાગ કર્યો છે, બાકી લોકો પાસેથી મેળવેલું સ્વાદિષ્ટ ભોજન અને અન્ય વસ્તુઓ આનંદે ભોગવે છે. વળી એ બાવાઓ સ્ત્રી સંગ વર્જ્ય ગણતા હશે, એમને સંતાનો નહીં પેદા થતાં હોય તેની કોઈ ખાતરીબંધ માહિતી નથી. સભ્ય સમાજમાં કોઈ વસ્ત્રો કાઢીને ફરવા લાગે તો અસભ્ય વર્તન કરવા બદલ એની ધરપકડ કરવામાં આવે, તો પછી નાગા બાવાઓની જમાતને એ કાયદો કેમ લાગુ ન પડે? જે સમાજમાં આવડી મોટી સંખ્યાના રુષ્ટ-પુષ્ટ સ્ત્રી-પુરુષો કૈં પણ ઉત્પાદક શ્રમ કર્યા વિના જીવી શકે એ સમાજની ધાર્મિક અંધશ્રદ્ધા અને સમાજ વ્યવસ્થા માટે પડકાર કરવાનું જરૂર મન થાય.

કુંભ મેળામાં દેશ-વિદેશથી લોકો આવે છે. અખબારી આલમ અને ટેલીવિઝનના સંવાદદાતાઓ આ અનોખા મેળાનો ચિતાર આપવા તત્પર હોય છે. હિંદુ લોકો ગર્વથી કહે છે કે, ‘આ મેળામાં સહુ સમાન ગણાય છે, અહીં કોઈ ભેદ નથી હોતા.’ એ સાંભળીને તરત સવાલ થાય કે તો પછી તમારા ગામ કે શેરીમાં, કામના સ્થળે કે મંદિરોમાં ઊંચ-નીચના ભેદ શા સારુ હોય છે? જે માણસ કુંભમેળામાં સ્પૃશ્ય હોય તે ત્યાંથી દૂર થતાં અસ્પૃશ્ય કેવી રીતે થઇ જાય? તો તો ગામે ગામ, ઠેક ઠેકાણે સતત કુંભ મેળો ભરતા રહેવું જોઈએ, જેથી માનવ માત્રની ગરિમા જળવાય. આ ઉપરાંત આવડા મોટા માનવ સમુદાયના એક જગ્યાએ એકઠા થવાથી સ્વાસ્થ્ય અને આરોગ્યના નિયમોનું પાલન ન થવાથી અતિશય ગંદકી પેદા થાય તે નફામાં.

પથિક અને અનન્યા કુંભ મેળા પાછળ રહેલ નદીઓનું મહાત્મ્ય જાળવવાનો અને લોકોમાં ભાવાત્મક એકતા ઊભી કરવાનો હેતુ બરકરાર રહે છતાં તેની કેટલીક આધુનિક સમયમાં અયોગ્ય ગણાતી પ્રણાલીઓને તિલાંજલી આપવા એક વૈકલ્પિક કુંભ મેળાનું આયોજન કરી રહ્યાં છે, જેની રૂપરેખા કાંઇક આ પ્રમાણે છે :-

૧. જેમ પ્રથમ ઓલિમ્પિક ગેઈમ્સ ઇ.સ. પૂર્વે ૭૭૬માં શરૂ થઇ જે ઇ.સ. ૩૯૪ સુધી ચાલી, અને આધુનિક ઓલિમ્પિક ગેઈમ્સ ઇ.સ.૧૮૯૪માં ફરી શરૂ થઇ તેમ મહાભારતના સમયમાં કદાચ જેના શ્રીગણેશ થયા હોય અને રાજા હર્ષવર્ધનના રાજ્યમાં (૬૨૯-૬૪૫ સી.ઈ.) જે પ્રચલિત હતી તે કુંભ મેળાની પ્રથાને થોડો વખત વિરામ આપવો. આધુનિક કુંભ મેળો ઇ.સ. ૨૦૨૦થી શરૂ કરવો.

૨. જો આપણે આપણા સંતાનોને ગંગા, યમુના, ગોદાવરી અને શીપ્રા નદી પવિત્ર છે એમ કહેવું હોય તો એ ચારે ય નદીઓના ઉદ્દગમ સ્થાનથી માંડીને સમુદ્રને મળે ત્યાં સુધીના માર્ગમાં આવતાં તમામ ગામ, શહેરો અને વન્ય વિસ્તારોમાંથી માનવ સર્જિત કચરા-ઉકરડાઓ દૂર કરવા જોઇશે. એ માટે સ્થાનિક પંચાયતો, નગરપાલિકાઓ અને રાજ્ય-કેન્દ્ર સરકારોએ સાથે મળીને કચરાનો નિકાલ તથા પાણી પૂરવઠાની વ્યવસ્થા ઊભી કરવી પડશે.

૩. ગામે ગામે અને નાના-મોટા શહેરોમાં ઘેરે ઘેર જાજરૂ-બાથરૂમ બંધાવવાને પ્રાયોગિકતા આપીને મળ-મૂત્રનો નિકાલ નદી-દરિયામાં કરવાને બદલે પશ્ચિમના દેશોમાં બને છે તેમ ગામથી દૂર અવાવરુ પડેલ જમીનમાં લઇ જઈ તેને શુદ્ધ કરીને ફરી વાપરવાની યોજનાઓ અમલી બનાવવી રહી. કુંભમેળામાં થતો ખર્ચ આ કામ માટે ફાળવી શકાય. હિંદુ શ્રદ્ધાળુઓને એ પવિત્ર નદીઓમાં મૃતદેહો તરતા મુકવાથી સ્વર્ગે જવાય એ ભૂલભરેલી માન્યતામાંથી છોડાવવાનું કામ પેલા કુંભ મેળામાં આવતા સંત-મહાત્માઓ કરી શકશે. એ પ્રથા તત્કાલ સદંતર બંધ થવી જોઇશે.

૪. પ્રજાજનોને પાણીનો પૂરતો પૂરવઠો મળી રહે પછી જ હળવા કે ભારે ઉદ્યોગોને નદી-નહેરોમાંથી પાણી મળે અને ફેક્ટરી-કારખાનાઓ ગંદા પાણીનો નિકાલ ફરી પાણીના મૂળ સ્રોતમાં ન જ કરે તે માટે પાક્કો બંદોબસ્ત કરવો અનિવાર્ય છે. આટલાં પગલાં લેવાશે ત્યારે નદીઓ ચોખ્ખી થવાનું શરૂ થશે. આથી જ સાત વર્ષનો ગાળો નવીન કુંભ મેળાના આયોજન માટે જરૂરી છે. (જો કે જે કામ તેર તેર પંચવર્ષીય યોજનાઓ પછી પણ નથી થયું, તે સાત વર્ષમાં કરવાનું પ્રણ લેવું, એ ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારવા કરતાં ય વધુ વિષમ ભગીરથ કાર્ય છે.)

૫.  નવીન કુંભ મેળાના આયોજન અને સંચાલન માટે ત્યાં જતા શ્રદ્ધાળુઓમાંના નાગા બાવાઓને એક એક કૌપીન અને અંગરખું પહેરવા આપી, હાથમાં ઝાડુ આપીને સફાઈ સૈન્યના સેનાપતિ બનાવવાથી ગામે ગામેનો કૂડો-કચરો દૂર જલદી થશે. જે ગ્રામ અને નગર પંચાયતના સભ્યો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સ્નાન કરવા આવ્યા હોય, તેમણે નદીના માર્ગમાં આવતાં તમામે તમામ ગામ, નગર અને શહેરમાં પાણી પૂરવઠાની યોજના કરીને કચરો એકત્રિત કરી તેના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી ઉઠાવવાની રહેશે. આ માટે આ બંને જૂથના પ્રતિનિધિઓ દર વર્ષે આ ચારેય પવિત્ર ધામમાં મળીને પોત પોતાના કાર્યનો પ્રગતિ અહેવાલ આપશે, અને ચોખ્ખી  થયેલી નદીઓને કિનારે પાણીની અંજલી ભરી અર્ઘ્ય આપશે.

૬. દર ત્રણ વર્ષે હજારો અને લાખો લોકો એક સાથે એકઠાં મળે તે વહીવટી તંત્ર, સ્વાસ્થ્ય અને આરોગ્યને માટે એક પડકાર સમાન છે. મક્કામાં લાખો લોકો હજ કરવા જાય છે. અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકની સ્થાનીય સરકારના અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાઉદી અરેબિયાના હજના આયોજકો પાસેથી યાત્રાળુઓ માટે મુસાફરી, રહેઠાણ, પાણી, ભોજન, સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી સગવડો અને ખુદ યાત્રા સ્થળની મુલાકાતની વ્યવસ્થા વિષે માર્ગદર્શન મેળવશે, તો જરૂર ફાયદો થશે. આ ચારે ય પવિત્ર યાત્રાધામ દર ત્રણ વર્ષે આવનાર શ્રદ્ધાળુઓના નિવાસ, ન્હાવા-ધોવાની, જાજરૂ-બાથરૂમની અને ભોજનની વ્યવસ્થાનું આયોજન એવી રીતે કરે, જેથી ગંદકી અને અવ્યવસ્થા ન ફેલાય. પવિત્ર ગણાતી નદીઓમાંથી મળ અને કચરાના ઢગલા દૂર કરતા સ્વયંસેવકોની ફૌજને યાત્રાળુઓ તેમને માટે બાંધેલા શૌચાલયો અને કચરાના ડબ્બાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરે, એનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી શકાય.

૭. હવે રહી વાત નવીન કુંભ મેળામાં નદીઓનું મહાત્મ્ય કેવી રીતે કરવું તે વિષે નિર્ણય કરવાની. હજારો-લાખો લોકો એક સાથે સ્નાન કરે તો નદી ફરી પ્રદૂષિત થાય. નદી કિનારે નદીનું ગુણગાન કરતા સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે અંજલી ભરી અર્ઘ્ય આપીને જીવનદાયી જળરાશી આપવા બદલ કુદરતનો આભાર માની શકાય. નદીની અંદર, બહાર કે તેની આસપાસ ગંદકી ન કરવાની/ઠાલવવાની પ્રતિજ્ઞા સહુ યાત્રાળુઓ પાસે લેવડાવવી હિતાવહ છે.

૮. દેશ-વિદેશની તમામ કોમના લોકોને પ્રવેશ મળી શકશે. સમુદ્ર મંથન અને અમૃતનાં ટીપાંથી પવિત્ર બનેલ નદીઓ વિશેની કથાઓ જરૂર સંગીત અને નૃત્ય દ્વારા રજૂ કરી શકાશે, પરંતુ એ વાર્તાઓના વાચ્યાર્થ ઉપરાંત તેની પાછળના ગૂઢાર્થ સમજાવીને લોકશિક્ષણના પાઠો ભણાવીએ તો જ નવીન કુંભ મેળો સાર્થક થશે. એ વાર્તાઓમાંથી આ પ્રકારનો બોધ મળી શકે : ઇન્દ્ર રાજા જેવું ગુમાન રાખવાથી માત્ર એ વ્યક્તિએ જ નહીં, તેમના સમાજના ઘણા ભાગના લોકોએ પોતાની સંપત્તિ, બાહુબળ અને શક્તિ ગુમાવવાની તૈયારી રાખવી પડે. જ્યારે પણ સમાજના એક સમૂહની શક્તિ કે સંપત્તિ હણાય, ત્યારે વિરોધી પક્ષના સભ્યોની સાથે કુનેહથી કામ લઈને સહિયારો પ્રયત્ન કરવાથી જ એની પુન:પ્રાપ્તિ થાય. દેશ અને દુનિયાની સંપત્તિની સમાન વહેંચણી કરવાથી લડાઈ ન થાય અને જો સંઘર્ષ થાય તો તેનો તોડ વિષ્ણુ જેવા મધ્યસ્થીની મદદથી સુલેહ કરીને લાવવાથી જ સહુનું કલ્યાણ થાય. લોભ વૃત્તિને વશ થઈને કુદરતી સ્રોતનો અમર્યાદિત ઉપયોગ કરવાથી છેવટ ઝેરીલા પદાર્થો હાથમાં આવે અને જો શંભુ હાજરાહજૂર ન થાય તો એ વિશ્વ આખામાં પ્રસરી જાય એવી શક્યતા છે. આકાશમાંથી વરસતું કે પર્વતોમાંથી ઝરતું પાણી માત્ર અમૃત સમાન છે. એને વહન કરતી નદીઓ અત્યંત પૂજનીય, પવિત્ર છે એથી જ તો એને કાંઠે મળ -મૂત્ર વિસર્જન હરગીઝ ન કરાય, કૂડો-કચરો લગીરે ન નખાય, પ્રદૂષિત પાણી અને ઔદ્યોગિક નકામો માલ ન જ ઠલવાય એ જ આ વાર્તાઓનો સંદેશ છે, એમ સમજવું અને અન્યને સમજાવવું અનિવાર્ય છે. જે સંત-મહાત્માઓ સમાજની સેવા કરવાનો દાવો કરે છે તેઓ જો આનાથી વેગળી વાતો ધર્મને નામે લોકોને કહેતા સંભળાય તો તેમનો એ કથા કહેવાનો પરવાનો લઇ લેવાથી ધર્મને હાનિ નહીં પહોંચે, ઉલટાની તેની સેવા થશે.

નવીન કુંભ મેળા વિષે આટલી ચર્ચા-વિચારણા અને આયોજનની રૂપરેખા દોર્યા બાદ પથિક અને અનન્યા એના અમલ માટે ભારત સ્થિત લાગતા વળગતા લોકોનો સંપર્ક કરવાનું એકબીજાને વચન આપીને છુટ્ટા પડ્યા. હ્યુસ્ટન યુ.એસ.એ.માં રહેતી એક ગરવી ગુજરાતણ કુસુમબહેન વ્યાસે Green Yatra Action Network નામના સંગઠનના નેજા હેઠળ, ઓક્ટોબર ૨૦૧૨માં ‘ગ્રીન કુંભ યાત્રા’નું અભિયાન આદર્યું છે. ધર્મ આધારિત પર્યાવરણવાદને પ્રોત્સાહન આપનાર આ ચળવળને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો સધિયારો મળ્યો, જેને પરિણામે આ યાત્રા ભારતના ચારે ય ખૂણે ફરી વળી, તે ઉપરાંત કેનિયા, ઇઝરાયેલ, સાઉથ કોરિયા અને યુ.કે જેવા દેશોમાં પણ આ નવીન ખ્યાલ પહોંચાડવામાં સફળ થયા. તેમનો હેતુ છે ભારત મધ્યે તથા વિદેશોમાં બંધાયેલ ભારતીય ધર્મસ્થાનોને સ્વચ્છ બનાવવા અને એ સ્વચ્છતા જાળવવા તથા પર્યાવરણની સુરક્ષા અખંડ રાખવા પ્રજાજનો, રાજકારણીઓ તથા ધાર્મિક-સામાજિક સંસ્થાઓના અધિકારીગણને જાગૃત કરવાનો છે. નવીન કુંભ મેળાના આયોજકો GYAN સાથે હાથ મેળવશે તો પોતાની સફળતાની ગાથા આધુનિક પ્રચાર-પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને ઓન લાઈન સમાચાર પત્રો અને વેબ સાઈટ પર મૂકીને ભારતના ૧.૨૫ કરોડ લોકોને તથા વિશ્વભરમાં વસેલા મૂળ ભારતીય લોકોને પુણ્યનાં આ કાર્યમાં સાથે જોડી શકશે.

નવીન કુંભ મેળાના વિચારને અમલમાં મુકવાથી ભારતના હવા, જળ, જમીન, જંગલ, નદી અને દરિયાનાં પાણી, વન્યસૃષ્ટિ, વનસ્પતિ, વર્તમાન અને ભાવિ મનુષ્ય પેઢી તમામનો ઉધ્ધાર થશે. હિંદુ ધર્મમાંના આધ્યાત્મિક પાસાને ઉજાગર કરવાનો, ક્રિયાકાંડ ગંદકી અને પ્રદૂષણ ન વધારે તે જોવાનો, ॐ द्यौ शान्ति अन्तरिक्ष મંત્રનો ખરો અર્થ સમજાવી તેનો રોજબરોજના વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં કેવી રીતે અમલ કરવો એનું પધ્ધતિસર શિક્ષણ આપવાનો સમય પાકી ગયો છે. ચાલો આપણે સહુ પથિક અને અનન્યા જેવા યુવક-યુવતીઓને સાથ આપીને કુંભમેળા જેવા અદ્દભુત માનવ મિલનને આધુનિક આયામ આપીએ જેથી એકવીસમી સદીના નાગરિકો ગૌરવથી કહી શકે, ‘ભારતમાં યોજાતા કુંભ મેળામાં જઈ પવિત્ર નદીઓનાં નીરથી અંજલી આપી, સાંસ્કૃિતક કાર્યક્રમોનો લ્હાવો લઈને આધ્યાત્મિક સમૃદ્ધિ વધારવી એ એક ખરું પુણ્યનું કામ છે.’

e.mail :  71abuch@gmail.com

 

 

Loading

2 September 2021 admin
← શાંતિ ગીત
દાભોળકર … અબ તો હમ અમર ભયે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved