Opinion Magazine
Number of visits: 9483189
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાણવા અને ચાહવા માટે આજીવન ચાલતી રચનાયાત્રા એટલે કવિતા

વિનીત શુક્લ - મૂકેશ વૈદ્ય|Opinion - Literature|26 June 2013

જાણવા અને ચાહવા માટે આજીવન ચાલતી રચનાયાત્રા એટલે કવિતા

… ત્યારે આપણે આપમેળે ધનભાષાથી હટીને જીવનભાષા તરફ પાછા વળીશું : સિતાંશુ યશશ્ચન્દ્ર

ઈન્ટરવ્યુ ઓફ ધ વીક

 

 

સિતાંશુ યશશ્ર્ચન્દ્ર આપણી માતૃભાષા ગુજરાતીના સમર્થ-શીર્ષસ્થ સર્જક છે. ભાષાની સર્જનાત્મક તોડફોડ, સતત નવી ભોંયની શોધ, અખિલાઈની બાથ અને આગવું દર્શન – આ બધાં થકી ભાવકચિત્તમાં કમનીય વિસ્ફોટ એ સિતાંશુભાઈની કવિતા અને એમનાં નાટકોનો અલ્પ પરિચય છે. તેઓ ભારતીય સાહિત્યના જ્ઞાનકોશના પ્રધાન સંપાદક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિપદે રહી ચૂક્યા છે. જીવનનાં અનેકવિધ પાસામાં એમને જીવંત રસ છે અને એ સૌમાં સક્રિય સંવેદનશીલતા એમનો સ્વભાવ છે. પદ્મશ્રી અને ‘કવિ કબીર સન્માન’ પ્રાપ્ત આ મેધાવી સર્જકને ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર મળે એની સાહિત્યરસિકોથી માંડીને ગુજરાતી સહિત વિવિધ ભાષાના જાણકાર સમીક્ષકો – વિદ્વાનો પ્રતીક્ષા કરી રહ્યા છે. એમની સાથેના આ સુદીર્ઘ અને વ્યાપક સંવાદ દરમિયાન વચ્ચે વચ્ચે બારીબહાર વરસતાં રહેલાં જોરદાર ઝાપટાં એમના વિચારો-શબ્દોના પ્રાકૃતિક પરિવેશને હૃદયભીનો રંગ આપતાં હતાં.

કવિએ-સર્જકે સર્જન શા માટે કરવાનું છે? એમાં એણે મુખ્યત્વે અથવા ખરેખર શું કરવાનું છે?

જેને સમજણ પડી ગઈ છે, વાત આવડી ગઈ છે એ શાસક કે સોદાગર બની શકે, ધાર્મિક – આધ્યાત્મિક આશ્રયદાતા બની શકે, પણ કવિ ન બની શકે. જેને હજી સમજણ નથી પડી છતાં જાતે મથી મથીને જે સમજવા ચાહે છે એ કવિ છે. બીજી રીતે કહો તો જે નરસિંહ કે મીરાંને મહાદેવ માધવ મળ્યા નથી અને છતાં અપૂજ શિવલિંગને સાત સાત રાત-દિવસ ભૂખ્યો- તરસ્યો વળગી રહે છે અને પ્રગટ થવા વિનવે છે તથા બાલાજોગણ બની જે આજીવન કૃષ્ણને શોધતી રહે છે – કવિ એવો પ્રેમીજન છે. ટૂંકમાં જાણવા માટેની અને ચાહવા માટેની આજીવન ચાલતી રચનાયાત્રા એટલે કવિતા. કવિએ મુખ્યત્વે વાઙ્મય – કવિતા રચવાની છે અને આ વાત આધુનિક કવિ પૉલ વાલેરી એકલો કહે છે એવું નથી, રૂપરચનાનો મહિમા નરસિંહ તો અજોડ રીતે કરે છે. એ ઈશ્વર માટે કહે છે : ‘વિવિધ રચના કરી અનેક રસ લેવાને / શિવ થકી જીવ થયો એ જ આશે’ – નરસિંહે ઉલ્લેખેલી એ આશા સાથે આજીવન જીવતો જીવડો એટલે કવિજીવ.

સર્જકની મૂળભૂત ભૂમિકા તમે કઈ સ્વીકારો છો – સ્થાપિતહિત વિરોધી ? જીવનલક્ષી ? શુદ્ધ સાહિત્યલક્ષી ? ઉભયલક્ષી ?

ભૂમિકાનો સવાલ જેટલો રસ પડે તેવો છે તેટલો જ જોખમી છે. કવિ અથવા, મૂકેશ, કોઈપણ કલાકાર એક ઘેઘૂર લીલા ઝાડ જેવો તો છે જ, પણ એ જાણે કે ચાલી, દોડી કે ઊડી શકે એવા અદ્દભુત વૃક્ષ જેવો છે. કવિનાં મૂળિયાં કોઈ એક ભૂમિમાં ઊંડે સુધી જરૂર જાય છે. ત્યાં એ પોષણ શોધે છે અને ઝંઝાવાતમાં ઊખડી ન પડે એવી મજબૂતી પણ મેળવે છે, પણ માટીની ભોંયના ઝાડ અને મનની ભૂમિના કલાકાર વચ્ચે એક મોટો તફાવત છે. સાચો કલાકાર નિરંતર નવી નવી ભોંયમાં નવાં નવાં ઊંડાણોમાં કશું ને કશું નવું શોધતો રહે છે અને નવી મજબૂતી મેળવતો રહે છે. એ અર્થમાં પોતાની સર્જનાયાત્રા જુદા જુદા તબક્કાઓમાં કવિની ભૂમિકા બદલાતી રહે છે. મેઘાણીનો દાખલો લો. પહેલી નજરે એ જીવનલક્ષી લાગે છે અને મેઘાણી તો ગાંધીનો લડવૈયો, સ્થાપિત હિતોનો વિરોધી, પણ મેઘાણી તો પાછો કવિ, બલ્કે સમર્થ કવિ, એટલે સત્તા સામે વિદ્રોહ કરવા એ નારા ન લગાવે, પણ એક પ્રબળ કલ્પન લઈને આવે : ‘ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો.’ ઉત્તર દિશાના ઠંડાગાર ઝંઝાવાતોનું ચિત્ર દોરીને મેઘાણી કમિટમેન્ટ અને કવિતા બન્નેને એકસાથે સિદ્ધ કરી જાય છે. વિનીત, સાચો કવિ સ્થાપિત હિત વિરોધી, જીવનલક્ષી, શુદ્ધ સાહિત્યલક્ષી – એ ત્રણે એકસાથે બની શકે છે. એ ઉભયલક્ષી નહીં, સર્વલક્ષી છે. એ જ એની તાકાત, એ જ એની સર્જકતા.

સમગ્ર ભારતીય જ્ઞાનકોશના પ્રધાન સંપાદક રહી ચૂકયા હોવાના પરિણામે બધી જ ભારતીય ભાષાઓના સાહિત્યને તમે નજીકથી જાણ્યું-માણ્યું છે. એના આધારે ભારતીય સાહિત્યનાં થોડાં સામાન્ય લક્ષણો – સિદ્ધાંતો તારવી શકાય ? ‘હા’ તો કયાં અને ‘ના’ તો શા માટે નહીં ?

સિદ્ધાંતો કે લક્ષણો કહેવાને બદલે ભાત અને વહેણો (Patterns and flow) કહીએ તો વાત વધારે સમજાય. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ફારસી, અંગ્રેજી, અર્વાચીન ભારતીય ભાષાઓ અને અનેક બોલીઓ છે અને હજારો વર્ષોથી એ સૌમાં ભારતીય સાહિત્ય બોલાતું – લખાતું – છપાતું આવ્યું છે. તે છતાં આ બધી ભાષાઓ વચ્ચે, આ બધા યુગો વચ્ચે કેટલી બધી લેવડદેવડ સતત ચાલતી આવે છે. આજે જે બોલીમાં હોય તે કાલે સંસ્કૃતમાં હોય એનો દાખલો તો છેક ગુણાઢ્યની પૈશાચી બોલીમાં લખાયેલી બૃહદ્દકથા સંસ્કૃતમાં ફરી લખાઈ અને ‘કથાસરિતસાગર’ રૂપે જગતભરમાં ફેલાઈ એમાં મળે છે. આવા તો કેટલા ય currents and cross currents કેટલીય અરસપરસ લેવડદેવડ થઈ છે એનો ઇતિહાસ રોમાંચક છે. ખુલ્લું મન રાખી, આવડત કેળવી આ પ્રચંડ અને રમણીય ભારતીય સાહિત્યનો રોમાંચ માણવાનું ચૂકવા જેવું નથી.

વિનીત, સાહિત્ય અકાદમીમાં સાહિત્ય કોશમાં ગાળેલાં વર્ષોમાં તથા એ પછી દેશમાં અને વિદેશમાં આજના ભારતીય લેખકો સાથે ગાળેલા સમયમાં જેવો બિનઅંગત અભ્યાસ થયો તેવી અંગત પળો પણ બહુ માણવા મળી. ૧૯૭૬ની આસપાસ શક્તિ ચટ્ટોપાધ્યાય સાથે બંગાળ અને ઓરિસ્સામાં ૧૫ દિવસનો પ્રવાસ થયેલો. જયંત પારેખ અને વર્ષા દાસ સાથે હતાં. એક ગેસ્ટહાઉસમાં રાતવાસો હતો. મળસકા પહેલાં પોણા ત્રણે શક્તિ ચટ્ટોપાધ્યાય અમને ઉઠાડવા આવ્યા. બધા પૂછે કે શું છે, કંઈ થયું ? તેઓ કહે બહાર પાણીના કુંડમાં એક નાગ પાણી પીએ છે એનો જે અવાજ થાય છે એ સાંભળવા તમે બધાં ચાલો. ત્યારે થયું કે પ્રાચીન સમયમાં બાણભટ્ટ ‘કાદંબરી’ના લેખન વખતે ક્યાં ક્યાં ભટકતા હશે અને કોને કોને શું શું બતાડતા હશે ! ભારતીય સાહિત્યના છેડાઓ કેવી અજાયબ રીતે દૂર દૂરથી એકમેકને અડકે છે એ જોવાની મજા આવી.

કયાં વ્યક્તિત્વો અને સર્જક ચેતનાઓનો તમારી પર પ્રભાવ પડ્યો હોવાનું તમને લાગે છે ?

નદીના પટમાં ઘાટઘૂટવાળો કોઈ પથરો દેખાય ત્યારે ખ્યાલે ય ન આવે કે આનો ઘાટ નદીનાં પાણીનાં કેટકેટલા ય વહેણોએ, કેટલો લાંબો સમય એને રમાડી – ટપારીને ઘડ્યો હશે ? જાતને જોતા આજે કેટલા ય સર્જકો, શિક્ષકો, ભાવકો, પુસ્તકો યાદ આવે. રાજેન્દ્ર શાહ પાસે લયભરી રોમાન્ટિક કવિતા શીખવા મળે તથા રામભાઈ બક્ષી અને ગૌરીપ્રસાદ ઝાલાસાહેબ પાસે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો પરિચય થાય. ને વળી સુરેશ જોશી મુંબઈ આવે તો ફ્રેન્ચ, જર્મન, સ્પેિનશ અદ્યતન કવિતાના રંગ આંખોમાં ઊઘડે. અમેરિકા અભ્યાસ કરવા મળ્યો, ફુલબ્રાઈટ સ્કોલરશીપ સાથે અને પછી એક વર્ષ પેરિસમાં અભ્યાસ કર્યો ફોર્ડ ફેલોશિપ સાથે, ત્યારે પ્રતીતિ થઈ કે સાચું અને ટકાઉ સાહિત્ય સર્જન પ્રબળ લાગણીઓ અને વિષદ જ્ઞાનદર્શન, બન્નેના સુમેળ વિના સંભવે નહીં.

મારા ત્રણ વિદ્યાગુરુઓએ સંસ્કૃિત – વિચારના તળપાતાળ સુધી મુસાફરી કરાવી. પ્રો. ન્યુટન સ્ટૉલનેશ્ટ (મૂળ ફિલસૂફીના પ્રોફેસર અને મારા પીએચ.ડી.ના ગાઈડ) ઈમેન્યુઅલ કાન્ટના તત્ત્વવિચારના ઊંડા અભ્યાસી. આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃિતના infrastructuresનો અભ્યાસ એમની પાસે કર્યો. પ્રો. કેનેથ ગ્રોસ લુઈસના પિતા એક મહત્ત્વના રેડ ઈન્ડિયન વડા હતા. માતા યુરોપિયન – અમેરિકન. ઓર્ફિયસના ગ્રીક મિથના એ પરમ અભ્યાસી. પાશ્ચાત્ય મિથનો વિશેષ અભ્યાસ એમની પાસે કર્યો. પ્રો. આન્દ્રે રેઝલર મૂળ રૂમાનિયાના. સ્ટાલિનના કઠોર શાસન વખતે ત્યાંથી ભાગીને યુવાન વયે સ્વિટ્ઝર્લેન્ડ ગયેલા અને અમેરિકામાં અમારા એ પ્રોફેસર – માર્ક્સવાદ અને એના આદિ સ્રોતોનો અભ્યાસ એમની પાસે.

તમારી અગાઉની કવિતા કરતાં છેલ્લાં કાવ્યોમાં સામાજિક સંદર્ભ વધ્યો છે એવું કહી શકાય ? એની પાછળનું ચાલકબળ કયું ?

આધુનિક કવિતા સ્વલક્ષી અને અનુઆધુનિક કવિતા સમાજલક્ષી એવી સમજણ માત્ર ખોટી નથી, જોખમી પણ છે. મારો પહેલો કાવ્યસંગ્રહ ‘ઓડિસ્યુસનું હલેસું’ ૧૯૭૫માં છપાયો. એની ય પહેલાં લખેલી એમાં આવતી ૧૯૬૦ના ગાળામાં લખાયેલી એક કવિતા, મૂકેશે ને તેં તો વાંચી જ હોય. એ છે ‘દાખલ તરીકે મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ.’ કવિતા મારા વિષે નથી, મુંબઈ વિષે છે. મારી આસપાસના મુંબઈ વિષે અને મુંબઈની અંદરના મારા વિષે છે. આજે લખી હોત તો વિવેચકો એને સમાજલક્ષી કહેતે ! વ્યક્તિ અને સમાજ, સમાજ અને સમગ્ર વિશ્વ – ત્રણેના તાણાવાણા એવા તો વણાઈ ગયા છે કે વૈખરીથી એકની વાત કરો તો વ્યંજનાથી બીજા બેની વાત થયા વિના રહે નહીં.

પૂર્વે એરિયલ વ્યૂ હતો તે હવે ઝૂમ ઈન થઈ સામાજિક રૂપે સૂક્ષ્મતાથી પ્રગટ્યો એવું તમને નથી લાગતું ?

મૂકેશ, કવિતાના, મારી કવિતાના, તમે રસિયા છો અને જાતે કવિ છો એટલે તમે આ જોઈ શકો છો. તમારી વાત સાચી છે. ‘મોહેં જો દડો’ જેવી ૧૯૭૦ના દશકમાં લખાયેલી કૃતિમાં તમે કહો છો તેવો એરિયલ વ્યૂ છે. આખું મુંબઈ શહેર ને વળી એની નીચે હિન્દુ સંસ્કૃિતનું આખું મોહેં જો દડો – મરેલાઓનો ટેકરો – એનું બીજું શહેર. આમ જાણે ટેલ ઓફ ટુ સીટીઝની વાત એમાં વ્યાપકપણે લખી છે. તો તાજેતરની ‘વખાર’ નામની કૃતિમાં એક જ શહેરના, એક જ ભાગના, એક જ મહોલ્લામાં આવેલી એક જ વખારની વાત સાવ નજીકથી જોઈને કરી છે. ક્લોઝ અપ છે. પહેલા જાણે કે એ જ વર્તુળના વ્યાપક પરિઘથી એના સઘન કેન્દ્રબિન્દુને ચોતરફથી જોવાની મથામણ હતી તો હવે જાણે કે આ વખારના એક ખીચોખીચ કેન્દ્રબિન્દુથી ચોતરફ દક્ષિણ એશિયાની વ્યાપક સાંસ્કૃિતક કટોકટી તરફ નજર દોડાવી છે. આમ મૂકેશ, તમારી કવિનજરે આ બંને ગતિઓને બરોબર ઓળખી લીધી છે.

તમારા સમગ્ર કાવ્યસર્જનને આજે એક સાથે જોતાં તમારા મનમાં કેવો ભાવ જાગે છે ?

રિવર સ્પોર્ટ્સમાં રાફ્ટિંગ એટલે રબરના મજબૂત તરાપા પર સવાર થઈ ઝડપી પ્રવાહમાં ખડકો અને વમળો વચ્ચે થઈને ઘૂઘવતાં પાણીમાં સફર કરવાની રમત. ત્રણે કાવ્યસંગ્રહો અને એ પછીનાં કાવ્યો ક્યારેક થોડા દિવસો સુધી સળંગ ઊથલાવતો હોઉં ત્યારે રાફ્ટિંગની મજા આવે છે. તરાપો કેટકેટલી વાર કેટકેટલા ખડકો સાથે અફળાઈને તૂટી શક્યો હોત ને વાણીનાં ઘૂઘવતાં પાણીમાં ડૂબી જવાયું હોત. ક્યારેક ઉચ્ચારોની એક તરફ વળવું, ક્યારેક વિચારોની બીજી તરફ ફંટાવું, ક્યારેક કોઈ ખડક આડે તરાપો અટકીને ઊભો હોય તો એને વહેણમાં ફરી ઝુકાવવો – એ બધી આવડત લખતાં લખતાં કેળવાઈ અને કેળવતાં કેળવતાં લખાયું. એટલે જ તરાપા નીચેનાં પાણી હંમેશાં નવાં ને નવાં રહી શક્યાં.

૨૧મી સદીમાં રચાયેલી અને રચાઈ રહેલી ગુજરાતી કવિતાની દશા અને દિશા તમને કેવી લાગે છે ? એને આધારે ગુજરાતી કવિતાના ભવિષ્ય અંગે તમને કંઈ કહેવાનું ગમશે ?

કોઈ પણ પ્રજા પાસે હોય એટલા પ્રમાણમાં અને એવી ઊંચી સર્જકતાવાળી કવિતા ગુજરાતની આજની નવી પેઢી પાસે છે એવી મારી અનુભવસિદ્ધ સમજણ છે. ૨૦થી ૬૦ વર્ષ સુધીનાઓની પેઢીઓમાં, બલકે પ૦ વર્ષ સુધીનાઓની પેઢીઓમાં, ગુજરાતી કવિતાના નવા અને સાહસિક અવાજો નિરંતર સંભળાતા રહે છે. સમસ્યા સાવ અલગ છે. ઉમાશંકર (જોશી) નાટક અંગે કહેતા કે (એમના સમયમાં) જે નાટક છે તે ભજવાતાં નથી અને જે ભજવાય છે તે નાટક નથી. ર૦થી ૫૦ વર્ષ વચ્ચેના ગુજરાતી વાઙ્મયકારોનું કંઈક એવું જ છે. જેને માત્ર ફાવટ આવી ગઈ છે, હાથ બેસી ગયો છે, મંચ ઉપર ઊભા રહી સભાઓને ખુશ કરતા આવડી ગયું છે એવા નર્યા વાઙ્મયવેપારીઓને આપણા લિટરરી મેનેજર્સ કવિઓ તરીકે આગળ ધરે છે. પોતાની નિજી કલાસાધના, જીવનસાધના, સમજણ માટેની મથામણ કરનારા બળકટ છતાં શાંત સાચા સર્જકો છે. એમને હાંસિયામાં ધકેલી દેવાયા છે. એટલું જ કહેવાનું કે ‘આતમને ઓઝલમાં રાખ મા.’

ભારતીય અને જગતની ભાષાઓને લાગી રહેલા લૂણાથી ગુજરાતી પણ મુક્ત નથી એ સંદર્ભે એનું ભાવિ અને એ ભાષામાં રચાતા સાહિત્યનું ભાવિ તમને કેવું લાગે છે ?

થોડાં વર્ષો પહેલાં વડોદરામાં એક સજ્જન મોટી મોટરમાં બેસી મારે ઘેર આવ્યા હતા. એમણે એક નવી સ્કૂલ કાઢી હતી. મારે એનું ઉદ્દઘાટન કરવું એવી એમની લગભગ આજ્ઞા હતી. મેં પૂછ્યું સ્કૂલનું નામ શું ? એ કહે ‘સેન્ટ મીરાં સ્કૂલ.’ મેં પૂછ્યું સેન્ટ મેરી સ્કૂલ ? એ કહે ના, ના, આપણા પોતાનાં મીરાંબાઈ. મેં કહ્યું તો સંત મીરાં સ્કૂલ કેમ નહીં? તો એ કહે ના, અંગ્રેજી માધ્યમ છે એટલે ‘સેન્ટ મીરાં સ્કૂલ’ રાખ્યું છે. વિનીત, આ છે આપણી આજની ગુજરાતી સંસ્કૃિત, ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાની કટોકટી. એક high-breed culture લગભગ બની ચૂક્યું છે. આપણે ન ઘરના, ન ઘાટના. ન ગુજરાતી આવડે ન અંગ્રેજી. ઘણી વાર થાય છે કે નવી પેઢીને માત્ર ઉત્તમ અંગ્રેજી આવડી જાય – ઇતિહાસનાં ઊંડાણો સુધી અને પોતાના ભવિષ્યની ઊંચાઈઓ સુધી એમને લઈ જાય એવું કોક અંગ્રેજી – તો હું ગુજરાતી માટેનો આગ્રહ છોડી દઉં. સમસ્યા એ છે કે આપણા પોતાના ભૂતકાળનાં ઊંડાણોમાં જઈ આપણને પોષણ આપે અને આવતી કાલે આવનારા પડકારોનું આગોતરું જ્ઞાન આપે એવી ગુંજાઈશ માત્ર અને માત્ર આપણી અને આપણા પૂર્વજોની માતૃભાષામાં જ છે. આ વાત જેટલી જર્મન અને ફ્રેન્ચ, જાપાની અને ચીની, સ્વાહિલી અને ઈબો ભાષાઓ માટે સાચી છે એટલી જ ગુજરાતી અને મરાઠી માટે સાચી છે. કરોડો રૂપિયા કમાયા હોઈએ, પણ જીવલેણ બીમારી આવે તો એ કમાણી શા કામની એવું સમજાશે ત્યારે આપણે ધનભાષાથી હટીને જીવનભાષા તરફ પાછા વળીશું.

સમાજ અને સાહિત્યનો સંબંધ અટપટો છે. આવતી કાલનો ગુજરાતી સમાજ ગુજરાતી ભાષાનો ઉપયોગ લગભગ બંધ કરે તો અલબત્ત એમાં ગઈકાલનું ગુજરાતી સાહિત્ય વાંચનાર કોઈ ન રહે અને એમાં નવું લખનાર પણ કોઈ ન રહે. આવું વાસ્તવદર્શન કરતી વખતે એ ભૂલી જવાય છે કે આજે પણ આપણે ગુજરાતી સાહિત્ય શા માટે લખીએ છીએ અને વાંચીએ છીએ. તે એટલા માટે નહીં કે બે ઘડી મોજ પડે, જરા ટાઈમ પાસ થાય એવાં ‘લોકાભિમુખ’ લખાણો એમાં છપાય છે. એ બધાં માટે હિન્દી ફિલ્મો અને હિન્દી ટીવી સિરિયલો ક્યાં નથી ? આજે ગુજરાતીમાં આપણે લખીએ છીએ અને નરસિંહથી નર્મદ અને છેક આજ સુધીના ગુજરાતી સાહિત્યને વાંચીએ છીએ એનું કારણ એ છે કે એ આપણને આપણી પોતાની અખિલાઈ સાથે જોડે છે. એ આપણને અંદરથી પોષે છે. જ્યારે અંગ્રેજીમાંથી આવતું પોષણ પ્લાસ્ટિક ટ્યુબમાંથી આવતા ઈન્ટ્રાવિનસ એટલે કે આઈવી ફ્લુઈડ જેવું છે. જાડાપાડા ગુલામ થવાને બદલે મહેનતનો રોટલો ખાતા સ્વતંત્ર માણસ થવું કોને ન ગમે ?

તમે નાટકોનાં સમર્થ રૂપાંતરો આપ્યાં છે (ધ લેસન, તોખાર, લેડી લાલકુંવર, છબીલી રમતી છાનુમાનું, વૈશાખી કોયલ વગેરે) અને સુંદર મૌલિક નાટકોનું પણ સર્જન કર્યું છે (આ માણસ મદ્રાસી લાગે છે, કેમ મકનજી ક્યાં ચાલ્યા, ખગ્રાસ, જાગીને જોઉં તો, વગેરે) નાટ્યલેખન દરમિયાન તમારી સામે કયા અને કેવા પડકારો ઊભા થયા? એનો સામનો તમે કેવી રીતે કર્યો ?

વિનીત, નાટક મારે માટે વાણીની પ્રવૃત્તિ છે. નાટક લખવું એ જ મારે માટે નાટક ભજવવું પણ છે. એટલે હું એવી રીતે લખું કે નાટકની ભાષા પોતે એક પ્રકારનો રંગમંચ બની જાય. મારે માટે શબ્દો શબ્દો વચ્ચેનો, વાક્યો વાક્યો વચ્ચેનો, વાણીના આરોહ અને અવરોહ વચ્ચેનો જે સ્વાભાવિક અવકાશ હોય છે એ બહુ મહત્ત્વનો હોય છે. બોલતાં બોલતાં અટકવું, ભયથી કે હેતથી ચડીચૂપ થઈ જવું, થોથવાવું, વગેરે મારી નાટ્યભાષાનાં ઓજારો છે. ટૂંકમાં નાટક મારે માટે વાણીની સરજત છે.

એટલે ‘લેડી લાલકુંવર’ના પહેલા દૃશ્યમાં નરોત્તમ ભાટિયા પોતાના બંગલાની ભીંતો પર લટકતા પૂર્વજોના ફોટા સાથે ઉશ્કેરાટભરી વાતો કરે છે. એની વાણીનો વેગીલો પ્રવાહ અને ‘તોખાર’માં લાલજી તોતડાય છે એની વાણીનો અટકી અટકી ચાલતો પ્રવાહ – એ બંને નાટ્યાર્થના સર્જનમાં મહત્ત્વનાં છે.

બીજું, નાટકનાં પાત્રો અને પરિસ્થિતિ. મકનજી કોણ છે એ સવાલ મને પહેલા થયો, નાટક પછી લખાયું. મારી આસપાસના માણસને, એનાં સુખ-દુ:ખને સમજવા જતાં એના તાણાવાણા ક્યાં ક્યાં પહોંચે છે એ જોવું પડે. માનવ વ્યક્તિને કેન્દ્રમાં રાખી એની આસપાસની રાજ્યસત્તાને, અર્થવ્યવસ્થાને, ધાર્મિક-આધ્યાત્મિક અગડમ-બગડમને અને જીવન માટેના માણસના વિશ્વાસને સમજવા માટે ‘કેમ મકનજી…’ જેવું નાટક લખાયું. એ એક સામાજિક નાટક નથી. માણસ અંગેની સમજણ મેળવવા અને કેળવવા માટે રમતો મૂકેલો રંગમંચ છે. ‘જાગીને જોઉં તો’ એ નરસિંહ મહેતાનાં ભજનો રંગમંચ પરથી ગાવા માટે બિનાકા ગીતમાલા જેમ બનાવેલી sequence નથી અને પેલો સમર્થ સંવેદનશીલ અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર એ અમીન સયાની નથી. નરસિંહનું નાટક ૧૫મી સદીના ભક્તકવિનું નહીં, ૨૧ સદીના અણનમ માણસનું નાટક છે.

ત્રીજી અને છેલ્લી વાત નાટકમાં આવતી કથાની, પટકથાની વાત. ભાષા અને પાત્ર જેમ આ કથા પણ કથારસ માટે નહીં, પણ જીવનની સુસંકલિતતા અંગેના સવાલો ઊભા કરવા માટેની એક યોજના મારે માટે છે. નાટકની વાર્તામાં અને એની અંકોડાબદ્ધ ઘટનાઓમાં દર્શકને કેદ કરવા માટે નહીં, પણ થિયેટરમાં આવવા પહેલા એની જે કેટલીક ભોળી, નાસમજ અને આશ્વાસક માન્યતાઓ હોય એને દર્શક નાટક જોતાં જોતાં સવાલો કરતો જાય, ફંફોસતો અને તપાસતો જાય એ માટે મારાં નાટકોની વાર્તા રચાય છે.

નાટકમાં ગદ્યને આટલી બળકટતાથી સિદ્ધ કર્યા છતાં ગદ્યનાં અન્ય સર્જનાત્મક સ્વરૂપોમાં તમને કેમ રસ ન પડ્યો?

રાત થોડી ને વેશ ઝાઝા.

તમે એક સમર્થ વિવેચક પણ છો. ગુજરાતી વિવેચનને તમે કેવી રીતે જુઓ છો ? સર્જાતા સાહિત્ય વિષે લખવાનું ટાળવાનું શું પ્રયોજન ?

જૂના જમાનામાં નાતબહાર લગન થતાં નહીં અને લગન પછી નાતના મહોલ્લામાં નાતીલાઓ હારબંધ બેસીને ભોજન કરતા. આજે ગુજરાતી વિવેચનની દૃશ્યાત્મકતા એવી છે. એટલે એમાં જમવા જઈએ તો કોઈ આ ‘નગરહીન નાગર’ને પેસવા ન દે. છતાં હવેનાં વર્ષોમાં મારા ઉત્તર સમકાલીન સર્જકો વિષે લખવાનું ધાર્યું છે. ગુજરાતી નાટક વિષે નેશનલ બુક ટ્રસ્ટ માટે ‘રંગ છે’ નામનો સંચય તૈયાર કર્યો અને એની લાંબી પ્રસ્તાવના લખી તે ગુજરાત બહાર પણ વંચાઈ. ‘નટરંગ’ નામના હિન્દી સામયિકમાં એનો હિન્દી અનુવાદ છપાયો અને એ નિમિત્તે ગુજરાતી રંગભૂમિ વિષે એક વિશેષાંક પ્રગટ થયો.

•••••

સિતાંશુભાઈના જુહૂરોડ પરના ટૂંક સમયમાં રિડેવલપમેન્ટમાં જવાનું હોવાથી ‘લીના’ બિલ્ડિંગના લગભગ ખાલીખમ ફ્લેટમાંથી ચારેક કલાકના મેરેથોન ઈન્ટર્વ્યૂ પછી મહામૂલો ખજાનો હાથ લાગ્યાના ભારે હરખ અને સંતોષ સાથે વરસતા વરસાદમાં બંને મિત્રો નીકળ્યા. આ સંવાદ થકી પ્રાપ્ત અંતરની સભરતા અને એની સુગંધ બંને મિત્રોની સંવેદનશીલતાને સૂક્ષ્મ કરવા સાથે એમનાં અસ્તિત્વને સતત પુલકિત કરી રહી છે.

સૌજન્ય : ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 16 જૂન 2013

Loading

26 June 2013 admin
← A tale of two BJPs
બિગબેનના ડંકા … →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved