Opinion Magazine
Number of visits: 9446689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિમાલય પ્રવાસ : અપૂર્વ અનુભૂતિ

કનુ સૂચક|Opinion - Opinion|18 May 2013

ભારતની સંસ્કૃિત જે ભૂભાગ સાથે અવિચ્છિન્ન સંકળાયેલી છે, તે ઉત્તર વિભાગમાં, લગભગ ૨૫૦૦ કિલોમિટર લંબાઈ અને ૩૦૦ કિલોમિટર પહોળા વિસ્તારમાં, અર્ધચંદ્રાકારે પ્રસરેલાં, હિમાલય નામના નગાધિરાજને, કવિકુલગુરુ કાલિદાસે પૃથ્વીનો માનદંડ કહેલ છે. કવિ કાલિદાસ પહેલાં, અને પછી પણ અનેક સાહિત્યસર્જકો માટે, આ પ્રદેશ પ્રેરણાસ્રોત રહ્યો છે. સ્વામી વિવેકાનંદ અને તે પહેલાંના સંતસમાજ માટે, આ તપોભૂમિ વિચારોદાત્ત વિશેષના ઉદ્દભવની માતૃભૂમિ પણ છે. તેનું અદ્દભુત સૌન્દર્ય વિશ્વના સમગ્ર જનસમાજનું આકર્ષણ રહ્યું છે. આ આકર્ષણ અને તેના મહત્ત્વથી, લોકોની યાતાયાત વધી અને અનિવાર્યપણે, અહીંની અક્ષુણ્ણ પ્રકૃતિના છેદનનું કાર્ય પણ વધ્યું.  પ્રકૃતિ અને પુરુષ બન્ને સંસ્કૃિતના અભિન્ન અંગો છે. તેમાં સાહચર્યની અપેક્ષા રહે છે. અન્ય પર વિજય મેળવવવાની મનુષ્ય પ્રવૃત્તિથી અસંતુલન જ ઊભું થતું હોય છે.  આવાં અસંખ્ય અસંતુલનો સામે પાંચ કરોડ વર્ષથી, પૃથ્વીના માનદંડની ઉપમા સાર્થક કરતો હિમાલય અડીખમ ઊભો છે. હિમાલયને શબ્દસંકુલમાં વર્ણવવો મુશ્કેલ જ નહીં, અસંભવ છે. આજનો આ ઉપક્રમ હિમાલયના કુમાઉ વિભાગના, અમારાં ૧૬ દિવસના નાનકડા પ્રવાસનું વર્ણન કરવાનો છે.

અમારો આ પ્રવાસ એટલે મહેશ શાહ અને વિનોદ શાહના શ્રમનું અધ્યાત્મ અને આનંદના રસે રચ્યું  ‘પેકેજ ડીલ’.  તેમાં જે પડીકાઓ મળે, તેના સ્વાદ માટે મનરસના સતત રસળતી રહે. આ પડીકાઓ એટલે મધુના અર્ક સમા જીવંત પાત્રો. જયશ્રી-દીપિકા, શોભના-વિજય, રાજેન-ભારતી, છાયા-ચંદ્રકાંત, ભૂપત-પટેલ, વીણા-દિનેશ અને આ બધાનાં ગુણાનુરાગી અમે શીલુ-કનુ. બધાં પરસ્પર શુદ્ધ સ્નેહ અને પ્રકૃતિપ્રેમના સમાનભાવની શૃંખલાથી પળેપળ સંકળાયેલાં. સમગ્ર પ્રવાસમાં બધું જ ઉત્તમ. કેમેરા-વીડિયોની સતત ચંપાતી ચાંપોથી નિર્દેશ મળતો હતો કે હૈયાનાં સ્મૃિતસંગ્રહાલયમાં જમા થતી દરેક પળ સાથે અન્ય સ્નેહીસંબંધીઓને સહભાગી કરવાનો અને સ્વયં પણ ફરી વાગોળી શકે તે માટેનો પ્રયાસ થતો હતો. પ્રવાસ મુંબઈથી શરુ કર્યો. ક્યાંથી ક્યાં કેવી રીતે પહોંચ્યાં એ વિગતોમાં ઉતરવું નથી.

અમારો પ્રથમ પડાવ ઉત્તરાખંડમાં, અલમોરાથી ૨૦ કિલોમિટર પર આવેલાં કુમાઉ પર્વત પર, બિનસર ગામમાં સ્થાપિત ‘ખાલી માઉન્ટન રિસોર્ટ એસ્ટેટ’માં હતો. દરિયાની સપાટીથી લગભગ ૬૬૦૦ ફૂટ ઊંચે, ૧૮૭૫માં એક બ્રિટિશ વહીવટદાર પોતાના પાણીદાર ઘોડા પર સવાર થઈ, આ પર્વત પર ચઢી આવ્યો અને અહીંનો પ્રકૃતિવૈભવ જોઈ અવાચક થઈ ગયો. બ્રાહ્મમૂહૂર્તમાં ઊઠી સૂર્યોદયની રાહ જોઈએ, ત્યારે પંખીઓનો મધુર કલરવ આપણું સ્વાગત કરે. પર્વતોના પેટાળમાંથી શાહી દમામથી, પ્રાણીમાત્રના જીવનાધાર મહારાજાધિરાજ સૂર્યદેવની સવારીની છડી પોકારતાં કિરણો, સમગ્ર ગગનમંડળમાં અનુપમ રંગલીલા કરે. દૂરદૂર હિમાલયના હિમાચ્છાદિત શિખરોને આ કિરણો શ્વેતાંજલિ અર્પે. સાત અશ્વોના રથ પર બેસી આવતાં સૂરજદેવનું વર્ણન ચાક્ષુષ થતું લાગે. કિરણોની રાસ પકડી શીતળપ્રભાનો પૂંજ આપણાં સમગ્ર અસ્તિત્વમાં અમીસ્પંદનો ભરી રોમાંચિત કરી દે. વાચા શમમાં સરી જાય.  આ અપૂર્વ અનુભૂતિ જીવનનું ભાથું બની રહે. ચઢઉતર કરતાં પર્વતોની હારમાળા વચ્ચે લસરતી ખીણોમાં વિવિધ વૃક્ષોથી રચાયેલાં જંગલો. જૂઈના ફૂલ જેવાં અને ઘણાં તો તેનાથી પણ નાજુક, સુગંધિત અને સુગંધરહિત ફૂલો. અનેક પ્રકારની વનસ્પતિઓ આયુર્વેદિક દવામાં કામ લાગે તેવી અને રોજબરોજની જીવનોપયોગી. અડો તો વીંછીની જેમ ચટકો ભરી લે, તેવાં ભેખડોની તિરાડોમાં ઊગી નીકળેલાં છદ્મવેશી છોડો, આપણાં સ્પર્શથી લજવાઈ જતાં લજામણીના છોડો, સુંદર શિલ્પ હોય તેવાં બારીક આકારનું એક પર્ણ તોડી આપણાં હાથના પૃષ્ઠ ભાગ પર ચીપકાવીએ અને ક્ષણભરમાં તેની પ્રતિકૃતિ ઉપસી આવે તેવાં ચમત્કારી છોડો, થોડી માનવ વસ્તી હોય ત્યાં બટાટા, લસણ, કાંદા, કોબી અને સાથે નશો ચઢાવે તેવી દવાના છોડો વગેરે જોવાં-માણવાનો પ્રવાસ અમે પણ કર્યો. ક્યારેક ઘનઘોર જંગલ, ક્યારેક ઉપવન જેમ પથરાયેલી છુટીછવાઈ વૃક્ષાવલીઓ, પગ સરે તો દડબડતાં ખીણમાં સરકી જવાય તેવી માનવ રચિત પગદંડીઓ, અનેકાનેક પંખીઓના મધુર અવાજ કાને પડે, પણ નજરે ન ચડે. મહેશભાઈના શક્તિશાળી દૂરબીનમાં ક્યારેક તે પકડાઈ જાય ત્યારે ઉપસ્થિત સહુને અનેરું જોયાનો આનંદ મળે. ફૂલોનાં વૈવિધ્ય જેવું જ પક્ષીઓનું. તેમની પાંખોમાં રંગવૈવિધ્ય દેખાય. વિરાટ વિશ્વની રચના કેમ, કેવી રીતે અને કોણે કરી હશે, તે કુતૂહલને આશ્ચર્યના પરિવેશમાં જ રહેવાં દઈએ, અને મળેલી ક્ષણોને આનંદના દેશમાં અવતાર્યા કરીએ. જે સ્થળને 'ધરતી પરના સ્વર્ગ'ની ઉપમા મળી છે, તે ‘ખાલી માઉન્ટન રિસોર્ટ એસ્ટેટ’ના ઇતિહાસમાં ન જઈએ તો પણ આ આરામસ્થાનની રચનામાં મહત્ત્વનો ફાળો આપનાર હિમાલયપ્રેમી, જગપ્રવાસી અને આપણાં ગુજરાતી સ્વ. નવનીત પારેખનું સ્મરણ કરવું જ જોઈએ. તેમના સ્વહસ્તે લખેલી નોંધપોથી જોઈ, અને તેમના પ્રકૃતિપ્રેમની ઝાંખી મળી. મનોમન મહેશભાઈ શાહની રોજેરોજ લખાતી નોંધ સાથે સરખામણી થઈ ગઈ.

   

હિમાલયના પ્રવાસનો સંદર્ભ અત્યંત સાહજીકતાથી ત્યાંનાં દેવસ્થાનો સાથે સાંકળી લેવામાં આવે. હિમાલય ગયાં હતાં તેમ કહીએ કે તરત જ જવાબ આવે, 'અમે પણ ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા કરી છે’.  હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંચલ પ્રદેશના ઘણાં આવાં યાત્રાસ્થાનો સ્થાપત્યની દૃષ્ટિએ અતિ મહત્ત્વના છે. હજારો વર્ષને સ્વયંમાં સંકોરી બેઠેલાં, આ સ્થાપત્યો અદ્દભુત છે. ઇતિહાસની થોડી જાણકારી સાથે આ સ્થાપત્યો પાસે મનના કાન સરવા કરી, અને આંખોમાં કુતૂહલ ભરી, બેસીએ તો મંજુલ સ્વરો આવી, આપણી સ્મૃિતમંજૂષાને સમૃદ્ધ કરી દે. હિંદુ પુરાણોમાં એક મોટું અને મહત્ત્વનું સ્કંદપુરાણ છે. સ્કંદ એટલે શિવના જયેષ્ઠ પુત્ર કાર્તિકેય.  કાર્તિકેય મહાબળવાન અને કુશળ યોધ્ધા હતા. દેવોના સેનાપતિ હતા. તેમના જન્મથી માંડી, તેમના પરાક્રમ અને પ્રવાસની ગાથા સાથે સંકળાયેલાં સ્થળોના ઉલ્લેખ તેમાં આવે છે. આપણાં મહાકાવ્યો મહાભારત અને રામાયણના પાત્રોના પણ હિમાલયના સ્થળો સાથે સંદર્ભો છે. તે ઉપરાંત પ્રખર વિદ્વાન જગદગુરુ શંકરાચાર્ય સાથેના સંદર્ભો જોડાય છે. કવિકુલગુરુ કાલિદાસ તો હિમાલયનું વર્ણન કરે છે, ત્યારે ભાવ અને ભક્તિ ઉપરાંત, તેના પ્રાકૃતિક સૌંદર્યને પામવાની દૃષ્ટિ આપે છે. તે પછીના પરિવ્રાજક વિવેકાનંદ પણ હિમાલયમાં તેમની પાદચાપ મૂકે છે. તે પછીના આપણા પોતાના કાકાસાહેબ કાલેલકર, સ્વામી સચ્ચિદાનંદ, ભોળાભાઈ પટેલ અને ભાણદેવજી અને જાણ્યા અણજાણ્યા અનેકે હિમાલયને જાણ્યો-માણ્યો છે. 

અમે પણ બિનસરથી આવાં સંદર્ભો સાથે, જેની ભારતના બાર જ્યોતિર્લિંગ સાથે ગણના થાય છે, તેવા શ્રી જાગેશ્વર મહાદેવના દર્શન કરવા નીકળ્યાં.  ૪૦ પગથિયાં ચઢી, નાનકડા પર્વત પર સ્થિત સુંદર પર્યાવરણ ધરાવતાં કુમાઉ મંડળ વિકાસ નિગમના સરકારી મહેમાનગૃહમાં મહેમાન બન્યાં. સારી વસ્તુને દેખભાળનો અભાવ કેવી અણગમતી બનાવી શકે, તેનું આ મહેમાનગૃહ ઉત્તમ ઉદાહરણ છે. ખેર ! નીચે ઊતરી, નાની બજાર – અનિવાર્ય અનિષ્ટ – પાર કરી જૂનાગઢમાંના નરસિંહ મહેતાના દામોદર કુંડ જેવાં નાનકડાં જળકુંડ પાસેથી પસાર થઈ, આપણે જાગેશ્વર મહારાજને પગથિયે પહોંચીએ. દરિયાની સપાટીથી લગભગ ૬૧૦૦ ફૂટ ઊંચે આવેલ આ સ્થળે, ભર બપોરે એપ્રિલ મહિનો ચામડી જરૂર તપાવે. જટાગંગા નદીની ખીણમાં, દેવદાર વૃક્ષોના જંગલથી ઘેરાયેલ, ૧૨૪ મંદિરોનું સંકુલ જોવા ૧૫ પગથિયાં નીચે ઉતરો અને વાતાવરણમાં આશ્ચર્યકારક ફેરફાર અનુભવાય. શીતળ મંદ પવન થાક ભૂલાવી દે. સુરભી અને નંદિની નામનાં બે ઝરણાંઓ અહીં સાથે મળી સંકુલનો અભિષેક કરે છે.  ઘંટડીઓના મંજુલ સ્વરો, ધૂપદીપની સુવાસ અને માનવકંઠમાંથી વહેતાં ભક્તિગાનથી વાતાવરણ મનોહારી બની જાય.

૯મી થી ૧૩મી સદીની વચ્ચે બનેલાં આ મંદિરો સરકારના પુરાતત્વ વિભાગના સંરક્ષણમાં છે.  દરેક મંદિર કાળા પથ્થરથી બંધાયું છે. આ પથ્થરો વચ્ચે કોઈ પણ જાતનું – માટી, ચૂનો કે સિમેન્ટનું પુરાણ નથી. નાગરીસ્થાપત્ય રચના મુજબ શંકુ આકારના શિખરો છે. મુખ્ય શિવમંદિર પરનાં કોતરકામ પાછળથી ઉમેરાયાં હોય તેવું દેખાય છે. ગર્ભગૃહો અંધારિયા છે. વાતાયનની વ્યવસ્થા નથી. લોકોની શ્રદ્ધા અને પૂજારીઓની ધનપિપાસાએ ગર્ભગૃહોને અસ્વચ્છ  કરી દીધા છે. મંદિરોની બહારની પરસાળ વધુ સ્વચ્છ છે.  મંદિરોના એક છેવાડે દેવદારનું એક અદ્દભુત વૃક્ષ ઊભું છે.  તેના થડનો ઘેરાવો અને આકાશે અડતી તેની ઊંચાઈ જોઈ, પ્રકૃતિ પાસે આપણે કેટલાં વામન છીએ, તેનું ભાન થાય. આ વૃક્ષની આયુષ્ય ૧૦૦૦ વર્ષ ઉપર હોવાની માન્યતા છે. શંકરાચાર્ય આ પ્રતિષ્ઠાનની પૂજા કરી ગયા છે. અહીંથી થોડે દૂર, બુદ્ધ જાગેશ્વરનું મંદિર પણ જૂનું છે, પરંતુ પુન:નિર્માણમાં દાખવેલી અબૂધતાથી મન ક્ષુબ્ધ થઈ જાય. પરંતુ પરિસર અને તેની આજુબાજુનું પર્યાવરણીય સૌન્દર્ય, તેમ જ દૂર હિમાલયની હિમાચ્છાદિત પર્વતમાળાઓ અસ્તિત્વને આનંદમાં ઝબોળી દેતી હતી. હ્રોડોડેન્ડ્રન વૃક્ષો પર લૂમઝૂમ ફૂલોની શોભા, વિવિધ રંગના ગુલાબના છોડો, નાનાં નાનાં જંગલી ફૂલોની બિછાત, માર્ગ પર શીતલ છાયા પાથરતાં ચીડ અને દેવદારનાં વૃક્ષોની ઘેરી ઘટા રસિકોના મનમાં ઉલ્લાસનો દરિયો ઉછાળે. અહીં પહેલી વખત ખબર પડી કે ગુલાબની પાંખડી જેમ હ્રોડોડેન્ડ્રન ફૂલોની પાંખડી ખાઈ શકાય અને તેનું સ્વાદિષ્ટ શરબત પણ બને. 

કન્યાકુમારીમાં દરિયા કિનારેથી તરતાં જઈ, જે ખડક પર સ્વામી વિવેકાનંદ ધ્યાનસ્થ થયા હતા, ત્યાં હવે સુંદર સ્મારક બન્યું છે. અહીનાં ધ્યાનખંડમાં બેસતાં માત્રમાં પૂર્ણ અસ્તિત્વમાં રોમાંચિત સ્પંદનની જે અનુભૂતિ થઈ હતી, તે સ્મૃિત આજે પણ હૃદયમાં અક્ષુણ્ણ સચવાઈ છે. આથી લોહગઢથી થોડે દૂર આવેલાં માયાવતીમાં સ્વામીજીએ સ્થાપેલ અદ્વૈતાશ્રમમાં જવા મનમાં અત્યંત ઉત્કંઠા હતી. સ્વામીજીએ સ્વિત્ઝરલેન્ડના આલ્પ્સ પર્વતોને જોયા પછી, કહ્યું હતું કે ‘મનને ભૌતિક પરિમાણોની માયામાંથી દૂર લઈ જઈ, ઉર્ધ્વગામી બનાવી શકે, તેવી ક્ષમતા આ હિમાલયની નાનકડી પ્રતિકૃતિમાં છે.’ અને કદાચ એટલે જ સ્વામીજીના અનુયાયીઓએ દરિયાની સપાટીથી ૭૦૦૦ ફૂટની ઊંચાઈએ, એક આખા પર્વતના તેમના વિચાર અને ઇચ્છાને અનુરૂપ વિકાસ કર્યો છે. લોહગઢ શહેર છોડી આશ્રમ તરફ જતાં, રસ્તાની બન્ને બાજુએ ચીડ, દેવદારનાં વૃક્ષોની ઘટા છાયા પાથરે છે. કેટલીક વાર તો એવું લાગે કે તેઓ ખીણમાંથી ઉપર સુધી આવી, રસ્તા ઉપર ડોકિયાં કરી રહ્યાં હોય. પર્યાવરણમાં બાકોરાં પાડવા આવેલાં લોકો તેમને ન જ ગમે, પરંતુ તેઓના સ્વભાવની સાલસતા અમને શીતળતા જ અર્પતી હતી. જાણે કહેતાં હોય કે 'ભલે આવ્યાં. અમારી સાથે ભળીને રહેજો.'

અને આશ્રમના પવિત્ર વાતાવરણમાં અમે ખરેખર એમ જ રહ્યાં. અમાપ શાંતિના મહાસાગરમાં વાણીનો ઉપયોગ પણ જવલ્લેજ અને અનિવાર્યપણે જ થતો. ભૌતિક ઇચ્છાઓના શમનથી અને પૂર્ણતાના આછેરા સ્પર્શે તનમનને અનુપમ આનંદાભૂતિથી ભરી દેવાનું કાર્ય કર્યું. પર્વતીય પ્રદેશમાં વસવાટ કરતાં લોકો અહીં સ્થાપિત રુગ્ણાલયનો લાભ લે છે. આશ્રમમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક વિધિવિધાન થતાં નથી. દૂધ માટે સુંદર ગૌશાળા છે અને જરૂરી, ધાન, શાકભાજી, ફલફળાદિ અહીં જ ઉગાડવામાં આવે છે. તે માટે જરૂરી જળ મેળવવાનું, સાચવવાનું અને ઉપયોગ કરવાની વ્યવસ્થાનું વૈજ્ઞાનિક ઢબે આયોજન કર્યું છે. થોડી ઊંચાઈ પર પ્રાકૃતિક અને શાંત વાતાવરણમાં સ્વ. સ્વરૂપાનંદજીની ધ્યાનકુટિર છે. બે કિલોમિટરના અંતર પર ધરમગઢના રસ્તે, પૂર્ણ શાંત અને એકાંત સ્થળ છે, જે સ્વામી વિવેકાનંદજીને ખૂબ ગમી ગયેલ, ત્યાં પહોંચવાનો શ્રમ કર્યા પછી વાણીને વિરામ આપી, પ્રકૃતિમાં સતત ગૂંજતા રવને સાંભળવાનો આનંદ અલૌકિક જ લાગે. હિમાલયના દરેક પ્રદેશમાં ઝાડ, પાન, ફૂલ, પશુ, પંખી, પ્રાણીઓ, વાતાવરણમાં બધે  વૈવિધ્ય હોવાં છતાં, તેને હિમાલય એક બનાવે છે. દરેક સૌન્દર્યના પર્યાય બની જાય છે. અહીં આશ્રમમાં એ વૈવિધ્ય અધિક સ્વરૂપે પ્રગટ થાય છે. અહીં સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત- અપૂર્વ લાગે. રાત,દિવસ અનન્ય લાગે. દૂરથી દર્શન આપતાં હિમાલયના શિખરો અહીં જાણે અનેરી આભાથી પ્રગટે છે. પ્રકૃતિનું પ્રાધાન્ય અન્ય સર્વને પોતાનામાં સમાવી દે છે. અંશને પૂર્ણત્વ અર્પે. અમે એ જ વિશ્વાસ લઈ આગળ વધ્યાં.

પિથોરાગઢ અને દીડીહતના રસ્તે, લગભગ ૨૦૦ કિલોમિટરની મુસાફરી પછી, મુન્સીયારી પહોંચ્યાં. ૭૨૦૦ ફૂટની ઊંચાઈ પર પણ હિમાલયના ખોળામાં બેઠેલાં, આ ગામથી શિખરોની હારમાળા સ્પષ્ટ અને સતત દેખાય છે. વાદળોની ગોદડીઓ તેને ઢાંકવા પ્રયાસ તો કરે છે, પરંતુ વધુ સમય તેને ઢાંકવાનું એપ્રિલ મહિનાની મોસમમાં ઓછું બને છે. વાહનો પહોંચે ત્યાં સુધી જઈ, વધુ ઊંચાઈના સ્થળે જવા – ટ્રેકિંગ માટે, અહીં ઘણી ખાસ કેડીઓ બનાવી છે. આમાંની એક, કદાચ સુવિધાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. નંદાદેવી તરફ જતાં સુંદર પગથિયાંની હારમાળા. ઉપર પહોંચતાં જ ક્ષણભર દંગ કરી દે તેવું સપાટ મેદાન. મેદાનની દરેક દિશાએથી હિમાલયના હિમાચ્છાદિત પર્વતોની સ્પષ્ટ દેખાતી હારમાળા. નેપાળ, તિબેટ માટે જૂના માર્ગોનાં ચિહ્નો. સહેલાણીઓ માટે ગોરીગંગાનો તટપ્રદેશ અને પર્વતારોહણના રસિયાઓ માટે જુદી જુદી અને નાનીમોટી અનેક પગદંડીઓ અહીં આકર્ષણનાં સ્થળો છે. મુન્સીયારીથી જ્લતોલા અને ત્યાંથી જ્યાં પ્રમાણમાં ખૂબ જ ઓછું જનપદ છે અને તેનો રસ્તો પણ ખૂબ ઉબડખાબડ છે તે મીસ્ટી માઉન્ટન હોટેલ પહોંચ્યાં.  અદ્દભુત જગ્યા છે. પર્વતોના ઢાળ પરથી લીલોછમ ધોધ પડતો હોય તેવી વૃક્ષરાજી ઘડીભર અસ્તિત્વને લીલાશથી ભરી દે. હોટેલના માનવસર્જિત ઉપવનમાં ગુલાબથી માંડી અનેક ફૂલોની બિછાત. પક્ષીઓનો કલરવ અને બુલબુલોએ માંડેલા વાર્તાલાપને સમજવાની શક્તિ તો નથી, પરંતુ આપણી રીતે તે ગોઠવી લઈ આનંદ લીધો.

પ્રભાતે સૂર્ય સહિત પૂર્ણ ગગનમંડળ અને અધૂરામાં પૂરું સંપૂર્ણ વાતાવરણ ઘેરાં ધુમ્મસમાં અલોપ થયેલું. આપણે આપણો હાથ જોઈ ન શકીએ તેવું પ્રગાઢ ધુમ્મસ. મિત્રો સાથે ન હોય તો અહીનાં દિવસ માત્ર પોતાની સાથે જ વિતાવવાની મળતી તક જેવાં બની જાય. અહીં આજુબાજુમાં ચૌકોરીથી હિમાલય દર્શન કર્યાં. સુંદર ફૂલોનો વૈભવ માણ્યો. પાતાળ ભુવનેશ્વર સાંકડી ગુફા છે. તેમાં અવતરણ અને આરોહણ બન્ને તકલીફ આપે. સ્કંદપુરાણમાં આ ગુફાનો ઉલ્લેખ છે. શ્રદ્ધાળુઓ માટે તીર્થસ્થાન છે. પ્રકૃતિપ્રેમીઓ માટે સુંદર અનુભવ છે. પત્થરમાં પ્રતિષ્ઠાનનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં કેટલાંયે અનુભવની શૃંખલા જીવનભર આ સ્થાન સાથે અનુસંધાન સાંકળતી રહેશે.

સુંદર માણ્યા પછીનું ગંતવ્ય સ્થાન કેવું હશે તે કુતૂહલ જરૂર થાય, પરંતુ વૈવિધ્યમાં ઐક્યના પાઠ અત્યાર સુધીમાં હિમાલયે અમને પોતાના હસ્તસંપુટમાં સમાવી શીખડાવ્યા છે. લગભગ ૭૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ મુક્તેશ્વરની માઉન્ટ ટ્રેઈલ હોટેલ પર પહોંચ્યાં, ત્યારે ફરી એક પાઠ મળ્યો કે આ હિમાલય તેની શરણમાં પહોંચેલા દરેક પ્રવાસીને થાકને શરીરમાં ન બેસવા દેવાનું વરદાન આપે છે. અમારી ઉપર તો તે વિશેષ પ્રસન્ન હતો. અમારા વાહનપ્રવાસ હોય કે પગદંડીની સફર સદાયે અનુકૂળ રહ્યાં. હિમાલયના અનેક સ્વરૂપોના દર્શન કર્યાં. પવન જોયો, પાણી જોયું, નદીનાં ખળખળતાં નીર જોયાં, ઠંડી જોઈ, ઠંડીમાં ઉકળતાં પાણીનાં ઝરા જોયાં, ધોધ જોયાં, રંગબેરંગી પંખીઓ જોયાં, વાઘ જેવાં છતાં આપણાં હાથનો સ્પર્શ ઇચ્છતાં શ્વાન જોયાં, વિવિધ વૃક્ષો જોયાં, ફૂલોના અનેકવિધ રૂપ જોયાં, ડંખ મારતી, ક્યારેક લજાતી, ક્યારેક રીજવતી – અનેક પ્રકારની વનસ્પતિઓ જોઈ, ડરામણા જંગલો જોયાં તો પણ પેલાં હિમમાં લદાયેલાં હિમાલયને હાથમાં લેવાનું ન બન્યું. લાલચુ માનવના મનનો કુતૂહલ અગ્નિ સદા પ્રજવલતો જ રહે છે, અને એટલે જ મળેલાંથી સંતોષાતો નથી.

અમારી મનાલી સફરમાં હિમ અમારાં ટેન્ટનો મહેમાન બની ત્રાટક્યો હતો તે યાદ હજુ પણ મનમાં સંઘરાયેલી છે.  અને .. અહીં સવારે ધોધમાર વરસાદે અમને જગાડ્યાં. અને પછી જૂઈનાં ફૂલ જેવાં નાનકડાં હિમકણોએ અમારી મુઠ્ઠીમાં, છોડ પર, વૃક્ષો પર, ધરવનો શ્વાસ લેતી ધરતીના કણકણ પર અને અપાર સમાવી બેઠેલા ગગનની ધાર પરથી અમારી પર સંતોષના અભિષેક કરી અમને પલાળી દીધાં.  

આથી અધિક શું માગે માનવ !!

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

18 May 2013 admin
← ચાલો મળીએ
સ્મૃિતનાં ઝરણ પાસે ઊભેલો એક ગઝલકાર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved