Opinion Magazine
Number of visits: 9448686
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક હતા વિન્સ્ટન ચર્ચિલ એક છે મિ. નરેન્દ્ર મોદી !

Samantar Gujarat - Samantar|15 May 2013

સર વિન્સ્ટન ચર્ચિલ ઈંગ્લેન્ડના શક્તિશાળી વડાપ્રધાન હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ પ્રજાએ ચર્ચિલને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું. એ વખતે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ ઈંગ્લેન્ડ, અમેરિકા, રશિયા અને બીજાં સાથી રાષ્ટ્રો હતાં. જ્યારે સામે પક્ષે જર્મની અને તેને જીતી લીધેલાં થોડાં રાષ્ટ્રો હતાં. જર્મનીનો નેતા સરમુખત્યાર એડોલ્ફ હિટલર હતો. આખી દુનિયા એનાથી કાંપતી હતી. ઈંગ્લેન્ડને એણે બોમ્બમારાથી ખોખરું કરી નાંખ્યું હતું. પણ બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલની કૂટનીતિ અને ગજબનાક વ્યૂહરચનાથી જર્મનીનું પતન થયું અને હિટલરે આપઘાત કરવો પડયો હતો. પરંતુ યુદ્ધ સમાપ્ત થયા બાદ તરત જ ઈંગ્લેન્ડમાં પાર્લામેન્ટની ચૂંટણીઓ આવી અને ઈંગ્લેન્ડને યુદ્ધમાં વિજયી બનાવનાર સર વિન્સ્ટન ચર્ચિલ અને તેમના પક્ષને લોકોએ હરાવી દીધા હતા. બ્રિટિશ પ્રજા શાણી હતી. તેઓ ચર્ચિલને યુદ્ધ જીતાડવા માટેના જ નેતા માનતા હતા, પણ શાંતિના નેતા નહીં. ચર્ચિલ હવે બ્રિટિશ પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા હતા. એ પછી થોડાક જ સમયમાં ચર્ચિલને અમેરિકાની મુલાકાતે જવાનું થયું. એરપોર્ટ પર જ પત્રકારોએ તેમને પૂછયું: ''યુદ્ધમાં તમે ઈંગ્લેન્ડને જીતાડયું પણ હવે તે જ દેશે તમને હરાવ્યા. વિપક્ષના નેતા તરીકે તમે તમારા દેશની હાલની સરકાર વિશે શું કહેવા માંગો છો ?''

સર વિન્સ્ટન ચર્ચિલે ત્વરીત જ જવાબ આપ્યો :

‘‘Look here, gentleman ! I am in opposition in my country, but here I am the representative of my country’s government ’’જુઓ સજ્જનો ! હું મારા દેશમાં વિરોધપક્ષમાં છું, પણ અહીં હું મારા દેશથી સરકારનો પ્રતિનિધિ છું !

રાજકારણી કે ડિપ્લોમેટ ?

વિદેશની ભૂમિ પર પોતે વિપક્ષમાં હોવા છતાં પોતાના દેશની સરકાર વિરુદ્ધ એક હરફ પણ સર વિન્સ્ટન ચર્ચિલે ઉચ્ચાર્યો નહીં. ચર્ચિલ એક રાજકારણી માત્ર નહોતા પરંતુ સ્ટેટસમેન હતા. ડિપ્લોમેટ હતા. પોતાના દેશના ગૌરવ અને ગરિમાને નીચી લાવવા તેમણે વિદેશની ભૂમિને કોઈ તક નહીં આપીને પોતાનું અને પોતાના દેશનું ગૌરવ જાળવી રાખ્યું. પરંતુ એ ચર્ચિલ હતા. પરિપક્વ રાજનીતિજ્ઞા હતા. ક્યારે, ક્યાં અને શું બોલવું તે વાત તેઓ બરાબર જાણતા હતા. બ્રિટિશ પાર્લામેન્ટમાં સત્તાધારી પક્ષને સકંજામાં લેવાનું બરાબર જાણતા હતા, દેશની બહાર નહીં. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ભાજપાની કારમી હાર બાદ, થોડા દિવસ મૌન સેવી, ગઈકાલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અમેરિકાનાં ૧૮ શહેરોમાં સંબોધન કરી ૧૨૦ કરોડના દેશની સરકાર કેટલી નબળી અને ભ્રષ્ટાચારથી લતપત છે તેનું વર્ણન કર્યુઃ તેમણે અમેરિકન શહેરોમાં વસતા ગુજરાતી – ભારતીય પરંતુ અમેરિકન નાગરિકોને સંબોધતાં ભારતની વિદેશનીતિની પણ ટીકા કરી. કેન્દ્રના શાસકો સાવ નબળા છે તેમ જણાવ્યું. ચીન સામે ભારતની વિદેશ નીતિ નબળી છે તેવું સર્ટિફિકેટ પણ આપ્યું. ભારતનાં સૈનિકોનાં માથાં વાઢી લેનારને ભારતના વડાપ્રધાન બિરીયાની પીરસે છે તેમ કહ્યું. દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી તેમ અમેરિકામાં વસતા ભારતીયોને જણાવ્યું. ભ્રષ્ટાચારથી ભારતની આબરૂનું ધોવાણ થઈ ગયું છે અને કેન્દ્રની નબળી સરકારના કારણે ભારતવાસીઓનાં સપનાં ચકનાચુર થઈ ગયા છે તેમ પણ જણાવ્યું.

વિદેશોને શું સંદેશો ?

નરેન્દ્ર મોદીના યુપીએ સરકાર સામેના આક્ષેપો સાચા પરંતુ તેઓએ એ વાત ભૂલી ગયા કે તેઓ કઈ ભૂમિ પર બેઠેલા લોકોને સંબોધી રહ્યા હતા? આજ સુધી અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ, સ્પેન, ઈટાલી, જાપાન, ચીન, કોરિયા કે બાંગલાદેશ જેવા નાના દેશના વિપક્ષમાં બેઠેલા રાજકારણીએ પોતાના દેશની સરકારની બીજા દેશની ભૂમિ પર બેઠેલા લોકોને સંભળાવવા આવી હરક્ત કરી નથી. તાજેતરમાં જ પ્રેસિડેન્ટ ઓબામાની સરકારમાં વિપક્ષમાં રહેલા બે રિપબ્લિકન સેનેટરો નરેન્દ્ર મોદીને મળવા આવ્યા હતા પરંતુ તેમણે ભારતની ભૂમિ પર ઓબામા સરકારની કોઈ ટીકા કરી નહોતી. જવાહરલાલ નહેરુના સમયમાં રાજાજી, આચાર્ય કૃપલાણી, મધુ લિમયેથી માંડીને રામ મનોહર લોહિયા જેવા નહેરુના કટ્ટર વિરોધીઓ દેશની પાર્લામેન્ટમાં બેસતા હતા. લોકસભામાં નહેરુ પર આક્ષેપોની ઝડીઓ વરસાવતા હતા પરંતુ વિદેશની ભૂમિ પર નહેરુની સરકારની કદીયે ટીકા કરી નહોતી. ખુદ અટલ બિહારી વાજપેયી પણ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકાર વખતે વિપક્ષના નેતા હતા. ચૂંટણી સમયે વાજપેયીજી ઈન્દિરા ગાંધીની નીતિઓની તેમની મંત્રમુગ્ધ કરી દેનારી વાણીમાં તાર્કિક ટીકા કરતા હતા પરંતુ તેમણે કદીયે ભારતની કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે વિદેશની ભૂમિ પસંદ કરી નહોતી. દેશની બહાર તેમણે હંમેશા ભારતનું ગૌરવ જાળવી રાખ્યું હતું. વાજપેયીજી એક સ્ટેટસમેન હતા. માત્ર સત્તાકાંક્ષી રાજકારણી નહીં.

ભાષાની ગરિમા

નરેન્દ્ર મોદી એક શક્તિશાળી રાજકારણી છે. તેમની પાસે ઊર્જાનો ભંડાર છે. વકતૃત્વ કળા છે. કેટલાંક મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગપતિઓનું સમર્થન છે. મોદીને દેશનું સર્વોચ્ચ સ્થાન સંભાળવાની મહત્તવાકાંક્ષા રાખવાનો અધિકાર છે. તેઓ દેશના વડાપ્રધાન બનશે તો તેથી દેશને ફાયદો પણ થશે પરંતુ વડાપ્રધાન બનવાની લ્હાયમાં તેઓ વાણીનો જે દુરુપયોગ કરી રહ્યા છે તે ભાવિ વડાપ્રધાન પદના ઉમેદવારની ગરિમાને યોગ્ય નથી. અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન બનવા માટે રાજીવ ગાંધીને કદીયે ''ગોલ્ડન સ્પૂન'' કહ્યા નહોતા. મોદીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે ફૂટપાથની ભાષામાં ઉચ્ચારણો કર્યા છે. પરંતુ આજ સુધી સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ મોદી માટે એક પણ હલકો શબ્દ પ્રયોગ કર્યો નથી. વાણી એ બે ધારી તલવાર છે. વાણી એ ચાકુ જેવું શસ્ત્ર છે. એનાથી શાકભાજી પણ કાપી શકાય છે અને એનાથી કોઈની હત્યા પણ કરી શકાય છે. તમે જ્યારે ભાષણ કરો છો ત્યારે સામે તાળીઓ પણ પાડે છે અને લોકો ખડખડાટ હસે પણ છે. પરંતુ એક રાજનેતા તરીકે તમારે એ ભૂલવું ના જોઈએ કે તમે હાસ્ય કલાકાર જ્હોની લિવર નથી. દરેક સ્થળે તાળીઓને વોટસમાં તબદીલ કરી શકાતી નથી અને એ પરિણામ તમે કર્ણાટકમાં જોયું છે. દેશના વડાપ્રધાન પદની ખુરશીમાં બેસવા માંગતી વ્યક્તિની ભાષા ગરિમાપૂર્ણ હોવી જોઈએ અને પોતાના દેશનું ગૌરવ પણ હંમેશાં હોવું જોઈએ.

રાજીવ અને વાજપેયીજી

અત્રે એ નોંધવું જરૂરી છે કે, જેને તમે ગોલ્ડન સ્પૂન કહો છો તે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે વાજપેયીજી વિપક્ષના નેતા હતા. વાજપેયી બીમાર હતા. તેમનો અમેરિકામાં ઈલાજ કરાવવો જરૂરી હતો. રાજીવ ગાંધીએ પોતે જ વાજપેયીજીને તેમની ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું : ''વાજપેયીજી ? આપ બીમાર હો. મેં આપ કો યુનો મેં હોને વાલી એક કોન્ફરન્સ મેં હમારી સરકાર કે પ્રતિનિધિ કી તોર પર અમેરિકા ભેજતા હું. આપ ભારત સરકાર કી ઓર સે અમેરિકા જાઈએ ઔર ઈલાજ કરવાઈ યે.'' અને રાજીવ ગાંધીએ વાજપેયીજીને ઘનિષ્ઠ સારવાર માટે અમેરિકા મોકલ્યા હતા. વર્ષો બાદ રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ અને એક પત્રકાર રાજીવ ગાંધીની કહેવાતી ભૂલો પર ટીકા કરાવવા વાજપેયી પાસે ગયા ત્યારે વાજપાયેજીએ કહ્યું : ''મેં રાજીવ ગાંધી કે ખિલાફ એક શબ્દ ભી નહીં બોલુંગા. આજ મેં રાજીવ ગાંધી કી વજહ સે જિન્દા હું.''

આવા હતા એક વડાપ્રધાન અને વિપક્ષના એક નેતા વચ્ચેના સંબંધ !

કોઈને છોડતા નથી

પરંતુ અહીં તો ૨૦૧૪ પહેલાં જ નરેન્દ્ર મોદી જે ભાષણો કરી રહ્યા છે તેનાં તેમનો એક જ મુદ્દાનો એજન્ડા છે : પી.એમ.ની ખુરશી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થશે તો ગુજરાતને ઘણી ખુશી થશે પરંતુ ૨૦૧૪ પહેલાં તેઓ તેમની વડાપ્રધાન બનવાની અસાધારણ ઉતાવળમાં રોજબરોજ મિત્રો ગુમાવી રહ્યા છે. અડવાણી તેમના પિતામહ રહ્યા નથી. સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોશી, અરુણ જેટલી પણ હવે તેમની સાથે નથી. પક્ષના પ્રમુખ રાજનાથસિંહ અંદરથી સમસમી ગયેલા છે. નીતિન ગડકરીનો તો તેમણે જ સફાયો કરી નાંખ્યો હોઈ ગડકરી પણ તેમની સાથે નથી. સંજય જોશીની પણ તેમણે જ હકાલપટ્ટી કરાવેલી છે. કેશુબાપાને પણ તેમના જ કારણે પક્ષ છોડવો પડયો છે. સંઘમાં એક વર્ગ પણ તેમનાથી નારાજ છે. શિવસેના પણ મોદી સાથે નથી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ મોદી અંગે મૌન છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની ટીકા કરવાની એક તક પણ મોદી છોડતા નથી. અમેરિકાના શહેરોને સંબોધતી વખતે પણ મોદીએ નીતિશકુમારની ચૂંટીયો ખણી ? આટલું બધું શા માટે, નરેન્દ્ર ભાઈ !

એ ચૂંટણી સભા નહોતી

જે દેશ તમને વીઝા નથી આપતો એ દેશના લોકો ને “હું તો સંબોધીશ જ'' એવું તમારું જક્કી વલણ વિચાર માંગી લે છે. અમેરિકામાં વસતા લોકો તમારા વોટર્સ નથી. એ લોકો તમને વીઝા અપાવી શકે તેવી કોઈ તાકાત ધરાવતા નથી. અમેરિકા વિશ્વનો ત્રણસો વાર નાશ કરી શકે તેટલા અણુ બોમ્બ લઈને બેઠેલો સુપરપાવર દેશ છે જ્યારે તમને તો એક વિકસતા દેશના અનેક રાજ્યો પૈકીના એક રાજ્યના હજુ મુખ્યમંત્રી જ છો. તમારાં પ્રવચનોથી પ્રેસિડેન્ટ ઓબામાની સરકાર ધ્રુજી જશે અને તમને વીઝા આપી દેશે તેવી કોઈ ગેરસમજ રાખવાની જરૂર નથી. તમે વિદેશની ધરતી પર લોકો સાંભળી શકે તે રીતે ચીનની ટીકા કરો છો પરંતુ ચીન પાસે વિશ્વનું સહુથી મોટું લશ્કર છે. આ દેશની વિદેશનીતિ પર દેશના એક પણ મુખ્યમંત્રીએ આ રીતે દેશની બહારની ભૂમિ પર દેશની વિદેશ નીતિને નબળી કહીને દેશને નબળો પાડયો નથી. વિદેશ નીતિ એ સંવેદનશીલ બાબત છે. દેશની ભીતર તમારે જે બોલવું હોય તે બોલો પણ સરહદ પાર એક સંવેદનશીલ બાબતો પર તમે કોઈ સંદેશો મોકલો તે દેશની સલામતીના પણ હિતમાં નથી. વળી તમે અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધન કરતાં કહ્યું કે, દિલ્હી મહિલાઓ માટે સલામત નથી. આ કેવું સ્ટેટમેન્ટ ? આવું નિવેદન વિદેશમાં વસતા ગુજરાતીઓ કે ભારતીયો સમક્ષ કરવાથી હવે ભારતના પ્રવાસે કોણ આવશે ? શું ન્યુયોર્કના ગવર્નરે ભારતીયોને સંબોધતાં એવું કદી કહ્યું છે કે અમારી રાજધાની વોશિંગ્ટનમાં કે ન્યુયોર્કમાં કોઈની યે સલામતી નથી? એથી યે આગળ વધીને પૂછવાનું મન એ થાય છે કે ગુજરાત પણ નાગરિકો માટે સલામત છે શું ? અમદાવાદ જેવાં શહેરમાં રોજ એક બંગલો લુંટાય છે. રોજ ચાર સ્ત્રીઓની ચેનો ખેંચાય છે. દર અઠવાડિયે એક આંગડિયો લુંટાય છે. અઢી વર્ષની બાળકી પર બળાત્કાર થાય છે. શિક્ષકો જ વિદ્યાર્થિનીઓ ઉપર બળાત્કાર કરે છે. ઉદ્યોગપતિઓના બંગલામાં પણ ચોરો ઘુસી જાય છે. રાજ્યના કેબિનેટ મંત્રી આનંદીબહેન પટેલનો બંગલો પણ સલામત નથી. એ બંગલામાં લૂંટ કોણે ચલાવી તે હજુ પોલિસ શોધી શકી નથી.

નરેન્દ્રભાઈ, તમારી પાસે બીજા કોઈ પણ રાજકારણી કરતાં અખૂટ શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ દેશના અને ગુજરાતના વિકાસ માટે કરો. નિષેધાત્મક વલણ હલકો શબ્દપ્રયોગ અને પક્ષની અંદર અને બહાર રહેલા પ્રતિસ્પર્ધીઓને ખતમ કરી દેવાની વૃત્તિ છોડી દેશો તો આ દેશની પ્રજા તમને વડાપ્રધાનની ખુરશીમાં જરૂર બેસાડશે.

ઈન્ટરનેશનલ ફોરમ પર વાત કરતી વખતે નરેન્દ્ર મોદીએ ખરેખર તો વિશ્વના રાજકારણ પર વાત કરવી જોઈએ અને ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉપસી રહ્યો છે અને દુનિયાનો કોઈ દેશ તેની અવગણના કરી શકે તેમ નથી, તે રીતે દુનિયા સમક્ષ ભારતની તાકાતને પેશ કરવી જોઈએ. એ રીતે ભારતની ઉભરતા સુપરપાવર તરીકેની પ્રતિષ્ઠા સ્થાપિત કરવી જોઈએ. એમ કરવાને બદલે ભારતની સરકારો નબળી છે એવી દુનિયા સમક્ષ નિંદા કરી તેમણે ભારતની સેવા કરી છે કે કુસેવા કરી છે તે તેમણે જ નક્કી કરી લેવું જોઈએ.

ઓલ ધ બેસ્ટ !

(ચીની કમ) May 14, 2013; "સંદેશ" 

Loading

15 May 2013 admin
← Reflections of a Crusader
Striving for Peace and Amity →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved