સદીઓથી દરેક હિંદુ પરિવારમાં, સ્નાન સમયે, વેદિક શ્લોક, ‘હર હર ગંગેય, યમુનેય ચ ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી જલે અસ્મીન થલે થલે’ના ઉચ્ચારણો સાંભળવા મળે છે.
થયું એવું કે કાળક્રમે સરસ્વતી નદીનાં નીર સુકાઈ ગયાં, પણ તેનું આપણા શ્લોકમાં સ્થાન કાયમ રહ્યું. સારું જ થયું, કેમ કે હવે હરિયાણાના મુખ્ય મંત્રી ભૂપિંદર સિંહ હૂડાના જાહેરનામા મુજબ, સરસ્વતી નદીમાં આ વર્ષથી ફરી પાણી વહેતું થશે. વાહ! કેવું અદ્દભુત ? આ તો રાજા ભગીરથના તપથી પણ ચડી જાય, એવું સદ્દકાર્ય ગણાશે. તેમણે વધુમાં જણાવ્યું કે ‘કુરુક્ષેત્ર નજીક પેહોવા ગામની સરહદે, સરસ્વતી નદીને પુનર્જીવિત કરવામાં આવશે, અને તેમાં પાણી વહેતું કરવામાં આવશે. જેથી તેમાં શ્રધ્ધાળુઓ સ્નાન કરીને પવિત્ર થઈ શકશે, જેમ તેઓ અત્યારે કુરુક્ષેત્રમાં પવિત્ર ટાંકીઓમાં સ્નાન કરે છે.’ આહા ! જોયું, સરકાર તેની પ્રજાનું કેટલું જતન કરે છે? પવિત્ર ગ્રંથ ગણાતા ચારે ય વેદોની રચના આ સરસ્વતી નદીના કિનારે થઈ હોવાનું મનાય છે (જો કે એ વિવાદાસ્પદ વિષય છે), એટલે તેમાં સ્નાન કરીને લોકો પવિત્ર થાય, એ ખૂબ મહત્ત્વનું ગણાય. આથી જ તો હરિયાણાની સરકારે દાદુપુર-નાલવી નહેરમાંથી પાણી વાળીને, જ્યાં સરસ્વતી નદી હતી તેમ મનાય છે, ત્યાં વહેવડાવવામાં આવશે એવો નિર્ણય જાહેર કર્યો છે. અને એ નદીનો માર્ગ જયારે ૨૦૦૯માં શોધી કઢાયો, ત્યારે જે ખેડૂતોની જમીન એ માર્ગમાં આવતી હતી, તેમણે સ્વેચ્છાએ પોતાની ખેડાઉ જમીન વહીવટદારોને આપી દીધી. લોકોના ત્યાગ અને બલિદાનને કોઈ સીમા નથી. ધર્મ માટે કાંઈ પણ કરવા તૈયાર છે. ધન્ય છે તેમને. ખનીજ તેલ અને કુદરતી ગેસની કંપનીએ આ માર્ગની ભાળ કાઢી, પણ તેને ખનીજ તેલના ઉત્પાદન માટે હડપ ન કરી, તેથી તેમની ઉદારતાની પણ નોંધ લેવી ઘટે.
હવે વિચારવાનું એ રહેશે કે આ નદીમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય, પાપ ધોવાય એ માન્યતાને એકવીસમી સદીમાં પોષવા જેવી ખરી ? ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને પંજાબની સાત મોટી નદીઓ – (જેમાંની બે સમય જતાં નિષ્પ્રાણ થઈ ગઈ)ની ભાળ એ ભૂમિમાં રહેવા આવનારને મળી, ત્યારે માનવ જાતે કૃષિની શોધ તાજેતરમાં કરેલી, તેથી એ નદીઓના અખૂટ જળરાશી માટે તેઓ કુદરતનો આભાર માનતા હતા. તે વખતે પ્રમાણમાં જનસંખ્યા ઓછી હતી. નદીના પાણીનો ઉપયોગ પીવા માટે, રસોઈ કરવા, કપડાં ધોવાં, ખેતરમાં પાકને પોષણ આપવા અને સ્નાન કરવા માટે કરવામાં આવતો. એમાંથી નહેરો કાઢીને વધુ પ્રમાણમાં ખેતી લાયક જમીનને પહોંચાડવાનું વિજ્ઞાન તે પછી વિકસ્યું. ઉપર કહ્યું તેમ જીવનદાયિની નદીનાં વારીનો છુટ્ટે હાથે ઉપયોગ કર્યા પછી, લોકો વર્ષે એકાદ વખત એનું ઋણ ચુકવવા એમાં સ્નાન કરી, તેને ખોળે પુષ્પ અને દીપ દાન કરે એવો રીવાજ ઊભો થયો હશે.
વાત ત્યાં ન અટકી. એ મહા નદીઓને કિનારે વસતી પ્રજાની સંખ્યામાં અનેક ગણો વધારો થયો, પાણીનો ઉપયોગ અમર્યાદિત પ્રમાણમાં થવા લાગ્યો. ધાર્મિક ભાવનામાં રુઢિનો પગ પેસારો થયો એટલે હજારોની સંખ્યામાં લોકો માત્ર સ્નાન કરે એટલું જ નહીં, અંતિમ ક્રિયા કરે, અને મૃતદેહો તરતા મૂકે. લોકોની અજ્ઞાનતા અને ભક્તિભાવનો ગેરલાભ લઈને એમને ગેરમાર્ગે દોરવામાં પુરોહિતો અને પૌરાણિક ક્થાકારોનો ઘણો ફાળો છે. કૃષિ માટે પાણીની અનિવાર્ય આવશ્યકતા છે અને એટલે જ તો પૃથ્વીના પડ ઉપર બધી સંસ્કૃિતઓ મોટી મોટી નદીઓને કિનારે જ વસેલી અને વિકસેલી એ સમજાય તેવું છે. આ બધું ઓછું હતું તેમ મોટા ઉદ્યોગોને પણ પાણીની જરૂર પાડવા લાગી. કૃષિ ઉદ્યોગ પ્રકૃતિ પાસેથી લઈને તેને એટલું જ ઋણ ચૂકવી આપે, જ્યારે આધુનિક ઉદ્યોગો તો લેવામાં સમજે, દેવામાં નહીં. પાણી લઈને બદલામાં કચરો, ખનીજ તેલ અને ગંધાતા રસાયણોવાળું પાણી નદીઓને ખોળે ધરે છે. આમ થવાથી નદીઓનું પાણી પીવા લાયક ન રહ્યું, પાકને નુકસાન થવા લાગ્યું અને જળચર પ્રાણીઓના જાન જોખમમાં મુકાયા, જેની અસર માનવીના ખોરાક પર પણ પાડવા માંડી, પણ તેની દરકાર કરે તો મોટા ઉદ્યોગો કેમ ટકે ? નદીઓ એક ઉત્તમ વાહન વ્યવહારનું સાધન પણ હતી. હોડી અને વહાણો દ્વારા પુષ્કળ માલની હેરાફેરી થતી. પરંતુ સ્ટીમ બોટ અને હવે ડીઝલથી ચાલતી બોટ-સ્ટીમર દ્વારા માલ, મુસાફરો અને પર્યટકોની હેરાફેરી કરીને તો નદીઓનાં જળને સાવ દુષિત કરી નાખ્યું છે.
હરિદ્વાર અને ઋષિકેશ પવિત્ર યાત્રાધામ મનાય છે. ગંગા પર્વત પરથી ઉતરીને સમથળ જમીન પર વહેતી જોવા મળે છે. તેનું નજીકથી દર્શન શક્ય બને છે. જે લોકો સાહસિક પહાડખેડુ ન હોય તેઓ આ જગ્યાએ હિમાલય પુત્રીને ભારતના બહુ મોટા ભૂ ભાગને ફળદ્રુપ બનાવવા બદલ નમન કરી શકે છે. આપણા દેશની બેજવાબદાર પ્રજા ધર્મ અને ભક્તિને નામે ગંગા અને બીજી ઘણી નદીઓને કિનારે પ્લાસ્ટીકનો કચરો, ધાતુના તૂટેલા કટકાઓ નાખીને ઢોરને રખડતા રઝળતા મૂકીને, નદીઓમાં ઉદ્યોગોનો કચરો અને ગંદુ પાણી ઠાલવીને ઘોર અપરાધ કરે છે. વારાણસીમાં તમને મૃતદેહો પણ તરતા જોવા મળશે. આ જોઇને ‘હર હર ગંગેય’ની બદલે ‘અરરર ગંગેય’ એવો ઉદ્દગાર નિ:શ્વાસ સાથે નીકળી જાય.
જો બીજી પવિત્ર નદીઓની આ દશા હોય, તો અદ્રશ્ય થઈ ગયેલી સરસ્વતીને નહેરના પાણીથી શણગારીને એમાં પ્રદૂષણ કરવા માટે લોકોને અર્પિત કરવાથી શો ફાયદો? જે ખેડૂતોએ પોતાની જમીન દાનમાં આપી દીધી છે તેમને પરત કરી, નહેરો દ્વારા સિંચાઈ કરી મબલખ પાક ઉતરે એવી વ્યવસ્થા કરીશું તો સરસ્વતીનો આત્મા સુખી થશે. જો પ્રાર્થનાના શ્લોકમાં સરસ્વતીનું નામ રાખવું હોય, તો એ નહેરમાં નહાવાની પરવાનગી આપી ન શકાય, અને બીજી નદીઓને પણ શુદ્ધ કરવાનું અભિયાન હાથ ધરવું રહ્યું, નહીં તો એ શ્લોક ખરેખર ‘અરરર ગંગેય, યમુનેય ચ ગોદાવરી, સરસ્વતી’ બની જશે.
e.mail : 71abuch@gmail.com