આંધળું અનુકરણ; વિકસિત દેશો, જેની આપણે નકલ કરવા માગીએ છીએ, તેને માટે નેવાનાં પાણી મોભે ચડાવવા પડશે
જેમ જેમ ૨૦૧૪ની ચૂંટણી નજીક આવે છે એમ એમ ભારતના ભાગ્ય વિધાતા થનારાની સંખ્યા વધતી જાય છે. મીડિયામાં આવતાં સમાચારોનું તારતમ્ય કાઢીએ તો ચિત્ર કંઈક આવું નીકળે :
– કોંગ્રેસજન રાહુલ ગાંધીની તાજપોષી માટે તૈયાર છે, પણ રાહુલ ગાંધી પોતે તૈયાર નથી અને એમ જ બને તો મીડિયા શ્રી ચિદમ્બરમનું નામ સૂચવે છે.
– ભાજપમાં નરેન્દ્ર મોદી તાજપોષી માટે બેચેન બની ગયા છે, પણ હજુ ભાજપ એક અવાજે એમના પર સ્ટેમ્પ મારતો નથી. એમ કહીને કે ભાજપમાં આ કદના અનેક નેતા છે અને આથી ઘણાની મહેચ્છા છુપી રીતે સંતોષાય છે.
– મુલાયમસિંહ એમની ઇચ્છાને ઢાંકી શકતા નથી. માયાવતીને હરિજનની કન્યા તરીકે કાયમી હક્ક મળ્યો છે.
– નીતિશકુમાર દેશના વડાપ્રધાન બધાને સ્વીકાર્ય હોવા જોઈએ એમ કહી મોદીનો છેદ ઉડાડે છે.
– મમતા રેસમાં ખરા,ં પણ બંગાળમાં ધાર્યું થતું નથી.
પણ, સવાલ એ છે કે, સમગ્રપણે વિશ્વ અને ખાસ કરીને ભારતનો આર્થિક વિકાસ બહુ અટપટો છે. દેશની ૧૨૦ કરોડની વસતી અને એની પ્રાથમિક જરૂરિયાતો વર્તમાન વૈશ્વિક પશ્વાદ્દભૂમિમાં સંતોષી શકે એવો ઉપરની યાદીમાં કોણ છે? આ સવાલ જેટલો અઘરો છે એવો જ એનો ઉકેલ મુશ્કેલ નહીં પણ જટિલ છે; ૧૯૯૧માં મનમોહનસિંહે નવી આર્થિકનીતિના અમલનો અજમાવેલો કરિશ્મા હવે બે દાયકા પછી, કરિશ્મા જ માટે ધાર્યો ઉકેલ લાવવામાં નિષ્ફળ સાબિત થયો છે.
ભારતના વિકાસની વિશષ્ટિ આડખીલી જોઈએ. પ્રથમ ભારત ૧૨૦ કરોડની વસતીવાળો દેશ નહીં ખંડ છે.
જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વનો આવડો મોટો બીજો દેશ માત્ર ચીન છે. આ ૧૨૦ કરોડને બે ટંક ખાવાનું અન્ન તો કોઈ પણ પરિસ્થિતિમાં મળી રહેવું જોઈશે. એમાં કોઈ ર્શોટકટ નથી. બીજી તરફ વિકાસ માટેની માળખાકીય સુવિધા આસાન કરી શકે. એવી કુદરતી સંપત્તિ-ક્રૂડતેલ અને ગેસ છે. એમાં ભારત ક્યાં છે? જાણો છો? ન જાણતા હો તો જાણી લો કે, ભારતની વસતી વિશ્વની વસતીના સત્તર ટકા છે જ્યારે જાણમાં હોય એવા ક્રૂડ અને તેલના વિશ્વના જથ્થાનો પૂરો એક ટકા ભારત પાસે નથી, હકીકતમાં છે ૦.૮ ટકા. જીડીપીમાં ખેતીનો હિસ્સો ૧૯પ૦માં પ૬ ટકા હતો. અગિયાર પંચવર્ષીય યોજનાના અમલ પછી- અનેક ક્ષેત્રે ભારતે કરેલા વિકાસ પછી એ ઘટીને ૨૦૧૧-૧૨માં ૧૪ ટકા થઈ ગયો છે. ઘણા વિકસિત દેશોની જેમ આ હજુ ઘટી જાય એની રાહ ઘણા જોઈ રહ્યાં છે અને આ રાહ જોનારા બધા વિકાસવિદો છે.
પણ, જીડીપીમાંના ખેતીના આ ઘટેલા હિસ્સાનું બીજું ચિંતાજનક પાસું એ છે કે, જીડીપીનો હિસ્સો ચૌદ ટકા થયો છે પણ એની પ૦ ટકા કામ કરવા લાયક જનસંખ્યા ખેતીમાંથી રોજગારી મેળવે છે અને બીજી બહુ ઓછી જાણીતી હકીકત એ છે કે, ૨૦પ૧માં ભારતની પ૦ ટકાથી ઓછી વસતી શહેરોમાં જીવતી હશે. ટૂંકમાં, એક તરફ ભારત વૈશ્વિક મહાસત્તા બનશે ત્યારે પણ ભારતની બહુમતી વસતી ગામડાનાં વિસ્તારમાં રહેતી થશે.'રૂરબન’ જેવો મોહક શબ્દ વારંવાર વાપરી કરામત કરવા ઇચ્છતા રાજનેતાઓ પાસે આવતીકાલની આ વિષમતાનો કોઈ ઉકેલ છે ખરો? બીજી રીતે કહીએ તો હજુ આવતાં ચાર દાયકા સુધી તો અડધા ભારતને માત્રને માત્ર ખેતી પર જીવવું પડશે.
ખેતીની ઉપરની વિગતો તો માત્ર ઉપરછલ્લી છે. એનો એકસ રે તો આપણને બતાવશે કે ખેતી અંગેની હાલની આપણી વિકાસપ્રક્રિયા વાસ્તવિકતાથી કેટલી દૂર છે ભારતની ખેતીના વિકાસની મુખ્ય જરૂરિયાત અત્યારની ૧૨૦ કરોડ જે ૨૦૬૧માં ૧૭૦ કરોડ પહોંચશે એની અન્ન સુરક્ષાની છે. વિશ્વના અન્ન ઉત્પાદનમાં એવો કોઈ એક દેશ નથી જે જરૂર પડયે ભારતની જરૂરિયાતનો જરૂરી હિસ્સો પૂરો પાડી શકે. ચીન પણ વિશ્વમાં ડાંગર અને ઘઉંના ઉત્પાદનનો અનુક્રમે માત્ર ત્રીસ અને પંદર ટકા ઉત્પાદન કરે છે. બીજા કોઈ દેશનું ઉત્પાદન બે આંકડામાં નથી થતું. ભારતના અન્ન ઉત્પાદન કરતાં ખેડૂતોમાં છ કરોડ નાના અને સીમાંત ખેડૂતો છે જેના પર આધારિત જનસંખ્યા ૩૩ કરોડ છે. આ નાના અને સીમાંત ખેડૂતો ભારતની ૩૪ ટકા જમીન ખેડે છે. પણ, એ ભારતમાં કુલ ઉત્પાદન વધુ કરે છે. વધુમાં આ નાના અને સીમાંત ખેડૂતોની ઉત્પાદકતા ચોખામાં ૪૪ ટકા, ઘઉંમાં ૧૮ ટકા અને ફળશાકભાજીમાં ૪૭ ટકા વધુ છે.
ઉત્પાદનનું વૈશ્વિક ચિત્ર પણ બતાવે છે કે નાનાં ખેતરો જ ઉત્પાદનમાં મોટાં ખેતરો કરતાં વધુ કાર્યક્ષમ છે. એનો અર્થ એમ થયો કે ખેતીની આ પ્રથા હજુ વરસો સુધી આવી જ રહેશે. આ નાનો ખેડૂત ન તો યાંત્રિકરણ અપનાવવા સક્ષમ છે કે ને એની પાસે બીજો કોઈ સારો પર્યાય છે. એક અભ્યાસ એમ કહે છે કે ઘડીભર માનો કે નાના ખેડૂતની જગા મોટા ખેડૂતે લઈ લીધી તો પરિણામ શું આવશે? ચોખાના ઉત્પાદનમાં તત્કાળ પંદર ટકાનો, ઘઉંના ઉત્પાદનમાં છ ટકાનો અને ફળ શાકભાજીના ઉત્પાદનમાં સોળ ટકાનો ઘટાડો થઈ જશે
આમ થાય તો ભારતની અન્ન સુરક્ષાનું શું થશે? ટૂંકમાં નાના અને સીમાંત ખેડૂતો વગરની ખેતી; કે ખેતીનું યાંત્રિકરણ કે પછી કહેવાતા કોન્ટ્રક્ટ ફાિમ્ર્ાંગમાં ભારતના ખેતીના વિકાસનો ઉકેલ નથી. આની તુલનામાં વિકસિત દેશો જેની આપણે નકલ કરવા માગીએ છીએ એ દેશોમાં ૨૦૧૦માં અમેરિકામાં શહેરોમાં રહેતી વસતીનું પ્રમાણ ૮૨.૩ ટકા, ફ્રાન્સનું ૭૭.૮ ટકા, યુકેનું ૯૦.૧ ટકા, રશિયાનું ૭૨.૮ ટકા અને ઓસ્ટ્રેલિયાનું ૮૯.૧ ટકા છે. આ પ્રમાણે પહોંચવા નેવાનાં પાણી મોભે ચડાવવા પડે ટૂંકમાં, હકીકતો બતાવે છે કે, ભારતે કૃષિ આધારિત પણ સમૃદ્ઘ : ઉદ્યોગ આધારિત પણ બજારલક્ષીને બદલે રોજગારી આધારિત વિકાસ વ્યવસ્થા ઊભી કરવી પડશે. યુરોપ, અમેરિકાનો માર્ગ આપણી વાસ્તવિકતા જોડે બંધ બેસશે નહીં. વિકૃત પશ્ચિમી ઉપભોકતવાદ આપણો રસ્તો નથી. ૨૦૧૪ પછી આપણને નવા વિકાસમાર્ગ પર કોણ લઈ જવા સક્ષમ છે? એ ગંભીર સવાલ છે. માત્ર મતદાન કે સત્તા પરિવર્તનનો નથી.
સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2013