Opinion Magazine
Number of visits: 9507108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાદા હો દીકરી, દાદા હો દીકરી, સાત સાત મોતની સોડે એ સૂઈ !

દાઉદભાઈ એ. ઘાંચી|Samantar Gujarat - Samantar|28 February 2013

અમદાવાદમાં આવેલી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની એક વખતની સુપ્રસિદ્ધ સંસ્થા એટલે 'ગુજરાત કૉલેજ'. તેણે ગુજરાતનાં સાંસ્કૃિતક ઘડતરમાં અમૂલ્ય ફાળો આપેલો છે. વર્ષ 1946-47ની વાત છે. અમે બીજા વર્ષમાં, એટલે કે, ઇન્ટરમીડિયેટ આર્ટ્સના વર્ગમાં અભ્યાસ કરતા હતા. અમારી વૈકલ્પિક પ્રશિષ્ટ [classical] ભાષા હતી સંસ્કૃત. મહાકવિ કાળિદાસની અમર કૃતિ अभिज्ञान शाकुन्तलम् અમને શીખવતા અધ્યાપક પ્રૉ. જી. કે. ભટ્ટ. માધ્યમની ભાષા હતી અંગ્રેજી. ભટ્ટ સાહેબનો અભિગમ શુષ્ક ભાષાંતરનો ન હતો. એ કરતા જીવનલક્ષી અર્થઘટન. શકુન્તલાને કેન્દ્રમાં રાખી પ્રાચીન ભારતની સંસ્કૃિતમાં જેનો મહિમા અપરંપાર હતો તેવી સ્ત્રીસન્માનની ભાવનાનું ભટ્ટ સાહેબ જે ખૂબીપૂર્વક પ્રતિપાદન કરતા તે અમે કદી પણ વીસરી શકીએ એમ નથી. સ્ત્રીદાક્ષિણ્યના એક પ્રખર પુરસ્કર્તા એવા અમારા એ અધ્યાપક यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।-ના અવતરણનાં સમર્થન સાથે, આર્યનારીનાં વ્યક્તિત્વને દિવ્યતાની કક્ષાએ મૂકતા. અમારા માટે એમના વર્ગો ભરવાં તે ફક્ત જ્ઞાનયાત્રા જ નહીં, પણ એક રોમાંચક સંસ્કારયાત્રા બની રહેતી.
એ વખતે અમદાવાદ શહેરમાં ફક્ત બે જ આર્ટ્સ કૉલેજો હતી; આજે સાઠ જેટલી છે ! એ વખતે ગુજરાત પ્રદેશમાં બધી મળીને પચીસ કૉલેજો હતી; આજે એક હજાર જેટલી છે. આ ગાળામાં સાબરમતી નદીમાં તો અનેક પાણી વહી ગયાં છે, અરે, સૂકાઈ પણ ગયાં છે ! એ સૂકારો ફક્ત પાણીને જ નથી લાગ્યો, સંસ્કૃિતને પણ લાગ્યો છે. એની ગવાહી પૂરે છે ભારતની અને ગુજરાતની 2001ની વસતી ગણતરીના આંકડા, સ્થૂળ આંકડા, સંતાપે એવા આંકડા.
એ આંકડા મુજબ ગુજરાતમાં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 921 જોવા મળી હતી. વર્ષ 1991માં, એટલે કે એક દશકા પૂર્વે, એ સંખ્યા 934ની હતી. પુરુષોના મુકાબલે સ્ત્રીઓની સંખ્યાનું ઘટતું જતું પ્રમાણ તો સમગ્ર ભારત દેશમાં છેક 1901થી જોવા મળેલ છે. 1901માં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 972 હતી, જે 2001માં 923 જેટલી ઘટી જવા પામી છે. આ ઘટના [trend] હવે સૌને અકળાવવા લાગી છે. કણ્વપુત્રી શકુન્તલાનું અસ્તિત્વ ખતરામાં છે. દીકરી જાણે કે એ એક endangered species બની જવા પામી છે !
કોઈ પણ સમાજની સ્ત્રી સંખ્યા ઘટતી જવાનું વલણ અટકાવાય નહીં, તો તે એક ઘણી ભયંકર વસતી વિષયક [demographic] આપત્તિ સર્જી શકે છે. તે સામાજિક શાંતિ અને સંવાદિતાને પણ હણી શકે છે. વળી તેનાથી રાજકીય અસ્થિરતા પણ ઊભી થઈ શકે છે. તે આર્થિક વિટંબણાઓ પણ ખડી કરી શકે છે. તેનાં પરિણામે સમાજમાં અપરાધશીલતા [crime], હિંસાખોરી [violence], કેફીદ્રવ્યસેવન [drug addiction] વગેરે જેવા ખતરનાક અપવર્તનો પણ પ્રસરી શકે છે. વળી તેનાથી ભારત જેવા સમાજના સાંસ્કૃિતક મૂલ્યો, જેવાં કે સ્થિર કુટુંબવ્યવસ્થા, સ્થિર લગ્ન વ્યવસ્થા, સ્ત્રી-સન્માન-ભાવના, વગેરેના હ્રાસ થવાનો ભય પણ રહેલો છે. આ કુપ્રભાવોથી સર્જાનારી કાયદા-કાનૂનની અનેક વિપરીત પરિસ્થિતિઓનો ખ્યાલ માત્ર કંપાવી નાખે એવો છે. એક નાગરિક સમાજ [civil society]નું વિઘટન [disintegration] કરી નાખે એવી નકારાત્મક શક્તિ [negative capability] આ ઘટનામાં રહેલી છે તે તરફ હવે દેશનું ધ્યાન જવા માંડ્યું છે એ એક આશાપ્રેરક સંકેત છે.
આ ઘટના ગંભીર છે કારણે કે તે વ્યાપક છે અને વસતીના તમામ વર્ગોમાં એ પ્રસરી ચૂકી છે. નીચેના આંકડા પરથી એ સ્પષ્ટ થાય છે :
સમાજનો વર્ગ  1000 પુરુષ દીઠ સ્ત્રી સંખ્યા
                   શહેરી વિસ્તારમાં  ગ્રામપ્રદેશમાં
હિન્દુ              894                  944
મુસ્લિમ           907                  953
ખ્રિસ્તી          1001                1026
શીખ               886                  895
બૌદ્ધ               944                  958
જૈન                941                  937
અન્ય               966                  995
આમ, ફક્ત ખ્રિસ્તી સમાજમાં જ સ્ત્રીપ્રમાણ ઊંચું જોવા મળે છે; બાકીના તમામ વર્ગોમાં એ પ્રમાણ નીચું છે. એમાં ય, શીખ સમાજમાં તો તે સૌથી નીચું છે. અમારા અધ્યાપક ભટ્ટસાહેબે ગાયેલા નારી મહિમાના ખ્યાલના મૂળમાં જ આ તે કેવો ક્રૂર ઘા ! શકુન્તલાઓની ઘટી રહેલી સંખ્યાના એકવીસમી સદીમાં જોવા મળનારા ગર્ભિતાર્થોની આગોતરી સમજ કેળવવાની ઘડી આજ અને અત્યારે છે, એમ કોણ નહીં માને ?
ઉપરના આંકડાઓની એક રસપ્રદ બાજુ રખે નજરઅંદાજ થાય. તે એ છે કે જૈન સિવાયના અન્ય તમામ વર્ગોમાં, શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામ વિસ્તારમાં, પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ ઊંચું છે. શું ભારતની ગ્રામસંસ્કૃિતમાં સ્ત્રી-સન્માનની ભાવના, શહેરી વિસ્તારની આધુનિક નગરસંસ્કૃિતમાં જોવા મળતાં વલણના મુકાબલે, વધુ વ્યાપક છે? વધુ પ્રબળ છે? વધુ ટકાઉ [sustained] છે? અને જો એમ હોય, તો દેશમાં વધી રહેલા શહેરીકરણ [urbanisation]ના પરિણામે, આવતાં વર્ષોમાં દેશમાં સ્ત્રીઓની સંખ્યામાં શું હજી વધુ ઘટાડો થવા પામી શકે નહીં? અને આવી સંભાવના, શું ડિસેમ્બર 2004ની સુનામી હોનારત કરતાં પણ એક વધુ મોટી, વધુ ભયાનક સામાજિક–સાંસ્કૃિતક–આર્થિક હોનારતનો સંકેત નથી કરતી?
ભારતના શહેરી વિસ્તારમાં જોવા મળતાં સ્ત્રીઓનાં ઘટી રહેલાં સંખ્યા પ્રમાણ સંબંધી “Times of India' ગ'ના કટારલેખક શંકર રઘુરામનનો એક લેખ 14 સપ્ટેબ્મર 2004ની આવૃત્તિમાં પ્રસિદ્ધ થયો છે. તેમાં તેઓ કહે છે કે કોઈ હવે એમ માને કે ગ્રામપ્રદેશનો યુવા પુરુષવર્ગનો રોજગારીની તલાશમાં શહેરોમાં જાય છે તેથી ગ્રામપ્રદેશમાં સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ ઊંચું દેખાય છે. વાસ્તવમાં તો શહેરી વિસ્તારમાં ગર્ભની જાતિ પરીક્ષણની ટૅક્નોલોજી [sex determining technology]ખૂબ સુબભ બની ગઈ હોય, તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. પરિણામે, શહેરી વિસ્તારમાં સ્ત્રીભૃણ હત્યા [female feticide]નું પ્રમાણ ખાસ્સું વધી રહ્યું જોવા મળે છે. તેઓ અન્ય એક પરિબળનો ઉલ્લેખ કરતાં કહે છે કે ગ્રામપ્રદેશમાં તો નાની વયથી જ બાળકીને કામમાં જોતરી દેવામાં આવતી હોય છે. આમ, ગ્રામપ્રદેશમાં સ્ત્રી તો સમાજના કાર્યજૂથ [work force]નો એક ભાગ બની ગયેલ છે. વળી એ ઉત્પાદક બળ પ્રમાણમાં સસ્તું પણ હોય છે. એટલે, ગ્રામપ્રદેશની કન્યાને આર્થિક કારણોસર પણ મરવા દેવાય નહીં જે એક અર્થશાસ્ત્રીય સત્ય છે.
ઑક્ટોબર 2004માં ગુજરાતમાં 'વિશ્વ વસતી દિન' કાર્યક્રમ નિમિત્તે, રાજ્યમાં ઉપલબ્ધ ગર્ભપરીક્ષણની લેબોરેટરીઓને લગતી એક માહિતી રાજ્ય સરકાર તરફથી પ્રગટ કરવામાં આવી હતી, જે 16 ઑક્ટોબર 2004ના ''ગુજરાત સમાચાર''માં પ્રસિદ્ધ થઈ હતી. એ જોવા અને સમજવા જેવી છે :

સંસ્થા પ્રકાર    સંખ્યા

જીનેટીક ક્લિનીક                                      837
જોઈન્ટ રજિસ્ટ્રેશન સેન્ટર                        846
અલ્ટ્રા સોનોગ્રાફી સેન્ટર                            190
જીનેટીક કાઉન્સેલીંગ સેન્ટર                       101
જીનેટીક લૅબોરેટરી                                     19
મોબાઈલ ક્લિનીક                                        6
અન્ય સંસ્થાઓ                                        25
કુલ                                                   2025
આ સંબંધી એ નોંધવું રહ્યું કે આટલી બધી સંસ્થાઓ પૈકીની સરકારી દફતરે નોંધાયેલી સંસ્થાઓની સંખ્યા તો ફક્ત 400 જેટલી જ છે ! અને તે નોંધણી પણ વર્ષ 2003માં ભારતની સર્વોચ્ચ અદાલતે કડક બનીને આપેલા તાકીદના આદેશના કારણે જ થવા પામી હતી ! અને ત્યાર બાદ, તો બધું ય ભૂલાઈ જવા પામ્યું છે. આ તે કેવો સામૂહિક, સગવડિયો સ્મૃિતનાશ [amnesia] આમ તો છેક વર્ષ 1994માં ગુજરાત સરકારે 'પૂર્વ પ્રસૂતિ નિદાન પરીક્ષણ અધિનિયમ' નામનો એક કાયદો પસાર કરેલો, અને તેનો અમલ બે વર્ષ બાદ, એટલે કે 1 જાન્યુઆરી 1996થી કરવાનું સરકારી જાહેરનામું [notification] બહાર પાડેલું ! એ વાતને આજે 17 વર્ષ વીતી ગયાં, પણ આજ દિન સુધી, એ કાયદાના આધારે, રાજ્યમાં કોઈના પર પણ કોઈ પણ મુકદ્દમો દાખલ થયો નથી ! તેથી કોઈને શિક્ષા કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. પરિણામે બે-રોકટોક રીતે સ્ત્રીભૃણની હત્યા ચાલુ રહેવા પામી છે. પછી પેલી દીકરી શકુન્તલા એના દાદાને સાદ દેતી જ રહે એમાં શી નવાઈ?
દાદા હો દીકરી, દાદા હો દીકરી,
સાત સાત મોતની સોડે એ સૂઈ !
એ દીકરી દુઃખિયારી છે. એના પર એક નહીં પણ સાત સાત મોતના ઓછાયા પથરાયેલા રહે છે. એ કેવી રીતે ઘટે છે તે હવે જોઈએ.
એનું પહેલું મોત, એ માતાના ગર્ભરૂપે સ્થાન ન પામે એવું, આગોતરું મોત


છે. એ માટે પ્રયોજાય છે ગર્ભ પૂર્વે અજમાવાની ટૅક્નોલોજી


. આ ટૅક્નોલોજી શહેરી વિસ્તારમાં વ્યાપક રીતે વપરાઈ રહી છે. આમ, દીકરી રૂપી ગર્ભ[embryo]નું બીજ જ નંખાય નહીં એવી શૈતાની ચાલાકી કરવામાં આ ટૅક્નોલોજી કામમાં લેવામાં આવે છે.
દીકરીનું બીજું મોત માતાના ઉદરમાં તે ભૃણ રૂપે આકાર પામી હોય ત્યારે ભૃણ હત્યા [feticide] દ્વારા કરવામાં આવે છે. આ માટેનો માર્ગ છે. ગર્ભપાત[abortion]નો. વર્ષ 2002માં એકલા ગુજરાતમાં જ ગર્ભપાતના દોઢ કરોડ જેટલા કિસ્સાઓ થયા હતા! હમણાં હમણાં ભારતીય ટેલિવિઝન પર કેન્દ્ર સરકારના 'મહિલા અને બાળ કલ્યાણ વિભાગ' તરફથી સ્ત્રીભૃણ હત્યાને રોકવા એક જાહેરાત આવે છે. તેમાં માતાના ઉદરમાં ભૃણ રૂપે રહેલી બાલિકા એની માતાને કાકલૂદી કરતી સંભળાય છે, તે કહે છે : 'ઓ મા! મને જન્મવા દે. મારે જન્મ લેવો છે. હું તારા પર બોજારૂપ નહીં બનું. મને જન્મવા દે, મા !' આ વણજન્મેલા આત્માનો અવાજ વહેલો સંભળાય એવી હાલ તો પ્રાર્થના જ કરવી રહી.
દાદાની દીકરીનું ત્રીજું મોત તેના જન્મ વખતે જ થઈ જાય એવો સામાજિક પરિવેશ દેશના ઘણા ભાગોમાં પ્રવર્તતો જોવા મળે છે. તરતની જન્મલી બાળકીને ત્યજી દેવી એ એના મોતનો એક તરીકો છે. દીકરીના જન્મ વખતે કુટુંબમાં થતી રોકકળ અને ગવાતાં મરશિયાં એના વહેલા નિકાલની પૂર્વ-આગાહી જ હોય છે. જન્મતી વેંત જ બાળકીને દૂધ પીતી કરવાની કુપ્રથા તેના અનેકવિધ સ્વરૂપે હજી પણ કેટલા ય સમાજોમાં મોજુદ છે. ભારતમાં પ્રસૂતાઓ અને નવજાત શિશુઓનાં મોતની નવાઈ જ કયાં છે? દર 1000 જન્મ દીઠ 71 જેટલાં શિશુ જન્મતાં જ મરણશરણ થાય છે. પ્રસૂતાઓની મોત કહાણી પણ એવી જ કરુણ છે. દર 1000 પ્રસૂતાએ પાંચ પ્રસવ વખતે જ મૃત્યુ પામે છે. વર્ષ 2004માં નવી દિલ્હીમાં મળેલી National Conference on Child Survival and developmentના હેવાલ મુજબ દેશમાં દર વર્ષે જન્મતાં 26 મિલિયન (બે કરોડ 60 લાખ) બાળકો પૈકી 1.2 મિલિયન (12 લાખ) જેટલાં બાળકો તેમના જન્મનાં પહેલાં ચાર અઠવાડિયામાં જ મૃત્યુ પામે છે. એ પૈકીની ત્રીજા ભાગની સંખ્યાનું મરણ તો જન્મના પહેલા જ દિવસે થતું હોય છે ! દુનિયા સમસ્તમાં થતાં આ વયનાં બાળમરણમાં ભારતનો હિસ્સો 30% જેટલો ઊંચો છે ! માનવજિંદગીનો કેટલો બધો દુર્વ્યય !!
દીકરીના આ ત્રીજા પ્રકારના મોતના પરિણામ સ્વરૂપ વયજૂથ 0–6 વર્ષના નાજૂક તબક્કામાં 1000 પુરુષ દીઠ જોવા મળતી સ્ત્રી સંખ્યા કેટલી આઘાતજનક રીતની નાની હોય છે, તે નીચેના આંકડા બતાવે છે :

પ્રદેશ 1000 પુરુષ દીઠ સ્ત્રી-સંખ્યા (વય જૂથ : 0-6)

હરિયાણા                                820
પંજાબ                                   793
ચંદીગઢ                                  845
દિલ્હી                                    865
કેરળ                                   1058

ગુજરાત રાજ્ય                         876
અમદાવાદ જિલ્લો                      814
મહેસાણા જિલ્લો                      798
સુરત જિલ્લો                            835
આણંદ જિલ્લો                          873
ગાંધીનગર જિલ્લો                      813
ઉપરના આંડાઓની સામાજિક બાજુ જોવા જેવી છે. જ્યાં આર્થિક આબાદી છે. ત્યાં દીકરી ખતરામાં છે ! પંજાબ અને હરિયાણા જેવાં આબાદ રાજ્યોમાં અને ગુજરાત રાજ્યના સુરત, આણંદ અને મહેસાણા જેવા આર્થિક રીતે સુખી જિલ્લાઓમાં, સ્ત્રી-વસતીનું પ્રમાણ ઘણું નીચું જોવા મળે છે. બીજી બાજુ, જ્યાં સાક્ષરતા અને શિક્ષણનું પ્રમાણ ઊંચું છે એવા કેરળ રાજ્યમાં, તેમ જ ખ્રિસ્તી અને જૈન જેવા વધુ શિક્ષિત સમાજોમાં, સ્ત્રીઓની સંખ્યા પ્રમાણ જોવા મળે છે. આ વલણ સમાજશાસ્ત્રીય સંશોધનનો વિષય બનવું જોઈએ.
દીકરીનું ચોથું મોત, લાંબો સમય ચાલનારું [lingering], એક પ્રક્રિયા [process] સ્વરૂપનું મોત છે. તે તેનો તત્કાલ ફેંસલો કરનારી એક પળની ઘટના [event] નથી. એના એ સ્વરૂપમાં જ કરુણતા સમાયેલી છે. એની શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા, કિશોર અવસ્થા અને તરુણ અવસ્થાના તબક્કાઓમાં પોષણ, સંવર્ધન, માવજત, શિક્ષણ, દાકતરી સારવાર, દેખભાળ, સારસંભાળ અને દીકરાની તુલનામાં તેનું લાલનપાલન, માન, સન્માન વગેરે ક્ષેત્રોએ એના નસીબમાં ક્રમશઃ વિસ્તરતું જતું અને પ્રચ્છન્ન રીતે એને કોરી ખાતું, ધીમું મોત જ લખાયેલું જોવા મળે છે. એની એક મિસાલ શિક્ષણ ક્ષેત્રે જ જોઈએ. છોકરીઓની વસતીના 43% પ્રાથમિક શાળાઓમાં, 40% મીડલ સ્કૂલમાં, અને 38% જ હાઈસ્કૂલમાં ભરતી થાય છે. પરંતુ ભરતી થયેલી સંખ્યા પૈકીની 40% ધોરણ 1 થી 5 દરમિયાન, 56% ધોરણ 1 થી 8 દરમિયાન, અને 75% ધોરણ 1 થી 10 દરમિયાન અભ્યાસ છોડી દેતી હોય છે ! ઑક્ટોબર 2004માં અમદાવાદ શહેરની મ્યુિનસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓનાં બાળકોની દાક્તરી તપાસ કરવામાં આવેલી. એમાં 60% જેટલી છોકરીઓ કુપોષણ, 50% જેટલી ઓછું વજન, 40% જેટલી આંખોના રોગો, અને 40% જેટલી રોગપ્રતિકાર શક્તિના અભાવ જેવી ખામીઓ અને બીમારીઓથી પીડાતી જોવા મળી હતી ! ભવિષ્યમાં થનારા અનેક રોગ અને મોતનો પાયો નાખવાની કેવી આ અવસ્થા!
દીકરીના પાંચમા મૃત્યુનો ગાળો તે તેનું સામાજિક જીવન. એનો આરંભ થાય 'લગ્ન' નામની ઘટનાથી! સરકારના કાનૂન પ્રમાણે તો 18 વર્ષથી ઓછી વયની છોકરીનું લગ્ન થઈ શકે નહીં, પરંતુ બાળલગ્નોનો ચાલ હજી હયાત છે. ઉત્તર ભારતના BIMARU રાજ્યોમાં અક્ષય તૃતિયા એટલે જથ્થાબંધ [wholesale] લગ્નોની તિથિ! લગ્ન જેવી જીવનની એક અતિ મહત્ત્વની ઘટનાને લગતો નિર્ણય લેવામાં છોકરીની હિસ્સેદારી નહીંવત્ હોય છે. તન, મન, વય, સંસ્કારો, વિચારો, પસંદગીઓ, વગેરેનાં કજોડાં પાર વિનાનાં રચાતાં રહેતાં હોય છે. આવું લગ્ન જીવન એટલે જીવતી દોજખ ! દીકરીએ એમાં સબડવું રહ્યું !
લગ્નની સાથે સંકળાયેલી દહેજની કુપ્રથા તો દીકરી માટે જીવનભર ચાલતો મહાઅભિશાપ છે. દહેજ પ્રતિબંધક ધારો છેક 1984થી ધારાપોથી પર સ્થાન પામ્યો છે, પરંતુ એનો અમલ નહીંવત્ થયો છે. દરમિયાનમાં દેશની અનેક શકુન્તલાઓ, મહાકવિ કાલિદાસે ‘અભિજ્ઞાન શાકુન્તલમ’ના ચોથા પ્રવેશના, ચોથા શ્લોકમાં પ્રબોધેલા નારીધર્મને બજાવવા સંકલ્પબદ્ધ થઈ હોય, તો પણ તેની આખરી નિયતિ તો દહેજના મામલે થતું એનું કમોત. એમ કહેવાય છે કે એકલા દિલ્હી શહેરમાં જ દહેજના કારણે સરાસરી પાંચ જેટલી કમનસીબ પરિણિતાઓનાં અપમૃત્યુ થતાં હોય છે.
દીકરીના મોતનો છઠ્ઠો કોઠો તે તેનું સાંસારિક જીવન છે. લગ્ન થાય એટલે પુત્રી એના પિતાની મિલકતમાંનો અધિકાર ગુમાવી દે એવા કાયદા કાનૂન અને એવી પરંપરાઓ અસ્તિત્વમાં છે. અન્યાય થાય, ત્રાસ ગુજારાય, અને જીવવું લગભગ અશક્ય બનાવી દેવાય તો ય લગ્નમાંથી છૂટા પડવું અતિ દુષ્કર અને છૂટાછેડા મળે તો ભરણપોષણની કોઈ ખાતરી નહીં. વળી એકાકી સ્ત્રી [single woman] કે એકાકી માતા [single mother] તરીકે જીવવું એટલે આર્થિક અને સામાજિક હીનતાભર્યું જીવન !
નોકરી, ધંધા, વ્યવસાય કે આર્થિક ઉપાર્જનનાં ક્ષેત્રોએ સ્ત્રીનું શોષણ, અન્યાય. જે જાતીય સતામણીની કથનીઓ તો પાર વિનાની હોય છે. આ કથનીમાં ભળે છે મોત ! વર્ષ 2004માં ગુજરાતમાં જ નોંધાયેલી આત્મહત્યાઓની ઘટનાઓમાં અડધા ઉપરની ઘટનાઓ સ્ત્રીઓની હતી. આ ઘટનાની એક દર્દનાક બાજુ એ જોવા મળી છે કે પોતાનાં વહાલસોયાં બાળકોની સાથે જ કમનસીબ સ્ત્રીઓ મોતને ભેટતી હોય છે!
રામાયણના રચયિતા કવિ તુલસીદાસે મધ્યયુગીન ભારતમાં પ્રવર્તતી સ્ત્રીઓ પ્રત્યેના ઘોર અન્યાયની નિર્ઘૃણ સામાજિક પરંપરાને જે શબ્દોમાં વર્ણવી છે, તે શબ્દો હજી ય ભારતીય સમાજના કેટલા ય વર્ગો માટે અપ્રસ્તુત બન્યા લાગતા નથી, એવું ઉપર વર્ણવેલી હકીકતો પરથી શું ફલિત નથી થતું?
ઢોર, ગંવાર, શુદ્ર, પશુ, નારી,
                તે સબ તાડન કે અધિકારી.
કુટુંબમાં સ્ત્રી સાથેનો વ્યવહાર અવગણના, અનાદાર, અપમાન, પીડન, તાડન અને છેલ્લે મારણ જેવી ચઢઊતરની અનેક ગતિવિધિઓ વડે કલંકિત થયેલો જોવા મળે છે. સ્ત્રીની આ રીતની અનેકવિધ સતામણી જાણે કે સામાજિક પરંપરાની એક અંતર્ગત [in-built] ગૃહિત [given] તરીકે સર્વસ્વીકૃત બની ગઈ ન હોય. રામાયણના એક પ્રસંગમાં તુલસીદાસે કૈકેયી માટે વાપરેલા નીચેના શબ્દો પુરુષપ્રધાન સમાજે, તેના અન્યાયી વલણના એક અંગ તરીકે, સમગ્ર નારી જાતિને લાગુ પાડીને દઈને, સદીઓથી એમના કૌટુંબિક જીવનને જીવતા નર્કમાં ફેરવી નાખ્યાનું કોણ નથી જાણતું?
                વિધિહુ ન નારી હૃદય ગતિ જાની
સકલ કપટ અધ અવગુન ખાની
સ્ત્રીની અવમાનના જ આવા કોઈ અર્થમાં આંગ્લ કવિ શૅક્સપિયરે પણ 'Frailty thy name is woman' નહોતું કહ્યું? 'સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી' એ ગુજરાતી કહેવત પણ સ્ત્રીને જીવન કારોબારમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાનતાના ધોરણે હિસ્સો લેતાં અવરોધવાની પુરુષપ્રધાન સમાજની શું મેલી દાનત સૂચવતી નથી ? પાકિસ્તાનના એક વખતના પ્રમુખ ઝિયા-ઉલ-હકે પ્રસ્થાપિત કરેલા, એમની માન્યતા મુજબના, ઈસ્લામી શાસનમાં, એક પુરુષની જુબાની બરાબર બે સ્ત્રીઓની જુબાની જ અદાલતમાં સ્વીકાર્ય બને એવું સ્થાપિત કરેલું સમીકરણ પણ પુરુષનાં સ્ત્રી પ્રત્યેનાં અન્યાયી વલણની નિશાની છે ને? અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસકોને પણ અફઘાન નારીને, ધર્મના નામે, કેટકેટલા અન્યાયોની ભોગ બનાવી મૂકી હતી? એ ઇતિહાસ તો હજી તાજો જ છે ને? સ્ત્રીને માનસિક રીતે નગણ્ય [non-entity] હસ્તિ બનાવી દો, એટલે એને દીર્ઘકાલ ચાલે તેવા મૃત્યુની શિક્ષા કરી સમજો.
આધુનિક લોકશાહીની વિચારધારા ધરાવતા હોવાનો દાવો કરતા પશ્ચિમી જગતમાં પણ સ્ત્રીઓ તરફના પ્રગટ અને પ્રચ્છન્ન અન્યાયો કયાં નિમૂર્ળ થયાં છે? તાજેતરમાં જ અમેરિકાની જગવિખ્યાત હાવર્ડ યુનિવર્સિટીના  કુલપતિ લૉરેન્સ સમર્સે 14 જાન્યુઆરી 2005ના દિવસે યુનિવર્સિટીમાં યોજાયેલી એક પરિષદમાં 'women are genetically less able to cope with maths and science' એવું જાહેર વિધાન કરીને એ દેશમાં વિજ્ઞાન, ટૅક્નોલોજી, મેનેજમેન્ટ, સંશોધન વગેરે પુરુષોના પરંપરાગત ઈજારાનાં ક્ષેત્રોમાં સ્ત્રીઓની સામેલગીરી બાબતે પ્રવર્તતા ભેદભાવ[discrimination]ને જાણે કે વાજબી ઠેરવવાની ચેષ્ટા કરી લાગતી નથી? આડકતરી રીતે એ વિધાન પુરુષપ્રધાન સમાજના અંતરમાં ઊંડે ઊંડે ધરબાયેલા પડેલા અપરાધભાવ [guilt]ની ચાડી ખાતું નથી લાગતું શું?
વસવાટી ભારતીયોનો વહાલેરો એક દેશ તે બ્રિટન. એ દેશ આધુનિક લોકશાહી વિચારધારા અને વ્યવસ્થાની માતૃભૂમિ. ત્યાં પણ સ્ત્રીઓને આજે પણ લિંગ આધારિત અન્યાય [GENDER INJUSTICE] ને ભેદભાવના ભોગ બનતા રહેવું પડે છે, તેનો એક સંકેત મળે છે તાજેતરમાં જ તા. 3 ફેબ્રુઆરી 2005ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા The equal Opportunities Commissionના હેવાલમાં. એ અહેવાલ કહે છે કે : Around 30,000 working women in Britain are fired, made redundant or leave their jobs every year, because of pregnancy discrimination. 4,41,000 women per year worked while pregnant. Around half said they had suffered some form of discrimination because of their pregnancy.' આ કમિશનના અધ્યક્ષા જૂલી મેલર બ્રિટનમાં કામ/વ્યવસાય કરતી સગર્ભા નારીઓને કરવામાં આવતી ઇરાદાપૂર્વકની પજવણીથી નીપજનારાં દુષ્પરિણામો તરફ બ્રિટનની સરકાર અને પ્રજાનું ધ્યાન દોરતાં કહે છે કે : ‘Women should not be penalised simply for being pregnant. The impact on women, their partners and families, and on the health of their babies can be disastrous.'
શું બ્રિટન જેવા સ્ત્રી-પુરુષ સમાનતાનો દાવો કરતા સમાજો પણ સંત તુલસીદાસની પેલી અન્યાયમૂલક વિચારધારાનો જ પડઘો 21મી સદીના પહેલા દશકામાં પાડી રહ્યા છે?
નારી સુઝાવ સત્ય કવિ કહદિ
અવગુન આઠ સદા રહહિ
સ્ત્રીને તેના સંસારીજીવન, કાર્યજીવન અને નાગરિકજીવન, એ ત્રણેયમાં સમાન અધિકારો મળે એવી માંગ જૂલી મેલરનાં વિધાનમાં સંભળાય છે. એ જ રીતે અમેરિકાની અશ્વેત કવયિત્રી માયા એન્જેલૉના [Maya Angelou] કાવ્ય A Phenomenal Womanમાં એ માટેનો ગૌરવટંકાર સંભળાય છે આ રહ્યું એ કાવ્ય :

A Phenomenal Woman

She is warm and passionate

A lethal combination

Black, and a woman;

Now you understand

Just why my head's not bowed;

I don't shout or jump about

or have to talk real loud.

When you see me passing

It ought to make you proud;

I am a woman, phenomenally,

A phenomenal woman,

That's ME !

                                                – Maya Angelou

એક મહિલા દ્વારા થયેલા આવા જોસ્સાભર્યા ટંકાર છતાં ય ભારતની નારીને તો મોતની સાતમી સોડ તાણવી પડે, એ પેલા આક્રોશની વિડંબના નથી શું? એ મોત તે વૈધવ્યનું જીવન. ઉત્તર ભારતમાં કેટલા ય સમાજોમાં વિધવાઓને ત્યજી દઈને કાશી, મથુરા, વૃંદાવન વગેરે જેવાં તીર્થધામોમાં નભાવાતાં આશ્રયસ્થાનોમાં લાચાર જીવન જીવવા, અને હીબકા લેતાં લેતાં ત્યાં જ ધીમું મોત પામવા મોકલી આપવામાં આવતી હોય છે. બે વર્ષ પહેલાં જ, આવી કમનસીબ વિધવાઓના કણસારને કચકડે મઢવા માટેની ફિલ્મ 'ફાયર'નું જ્યારે વારાણસીમાં શૂટીંગ થવાનું હતું. ત્યારે કેટલાંક રૂઢિવાદી તત્ત્વોએ એના મંચમાં તોડફોડ કરી આતંક મચાવેલો એ હજી સાંભરે છે. રખે ને બહારની દુનિયા અમારા સમાજની એક વ્યાપક વરવી બાજુ જાણી જાય એવો ભય અને ભીરૂતા પેલા આંતકી વર્તનમાં મૂળમાં રહેલી હતી. પરંતુ એ સાંસ્કૃિતક આંતકવાદીઓને હાથે સાતમા મોતની સોડમાં સબડતી એકાદ કમભાગી વિધવાને બચાવવામાં આવી હોય એવું હજી જાણવા મળ્યું નથી. સાંસ્કૃિતક દંભના રોગથી પીડાતા સમાજમાં જ સ્ત્રીએ તો કોણ જાણે કેટકેટલા જનમોજનમ સુધી આ અરણ્યરુદન કરતાં જ રહેવું પડશે એવું લાગ્યા વિના રહેતું નથી :
દાદા હો દીકરી, દાદા હો દીકરી,
સાત સાત મોતની સોડે એ સૂઈ !
તારીખ 8 માર્ચ 2005ના રોજ દુનિયામાં ઘણે ઠેકાણે 'વિશ્વ મહિલા દિન' ઉજવાયો. એ નિમિત્તે અમદાવાદના ખાનપુરમાં આવેલા જે. પી. ચોકમાં 5000 જેટલી મહિલાઓ, જે પૈકી મોટા ભાગની વિધવાઓ, એકાકી સ્ત્રીઓ, તરછોડાયેલી વૃદ્ધાઓ અને શોષિત નારીઓ હતી, તે સહુ એમની વેદનાઓને વાચા આપવા એક સભા રૂપે મળી હતી. એ સભાનું આયોજન કર્યું હતું સ્ત્રી અધિકારો માટે લડતી સંસ્થા 'આવાઝે’ Ahmedabad Women's Action Group નામક એ સંસ્થાના પ્રમુખ છે અગ્રણી કર્મશીલ ઈલાબહેન પાઠક. એમણે મહિલાઓને પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે લડત આપવા હાકલ કરી. શેરી નાટકો દ્વારા મહિલાઓના પ્રશ્નો અંગે લોકજાગૃતિ કેળવતી સંસ્થા 'એકલનારી સંગઠન'ના અધ્યક્ષા વર્ષા ગાંગૂલીએ પણ ગુજરાત સરકાર સામે આંદોલન જગાવવા તેમ જ જાહેર હિતની અરજી કરીને હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવા બહેનોને હાકલ કરી. સાત સાત મોતના કોઠાની કપરી કસોટીઓની હારમાળામાંથી પસાર થતી ભારતની અને ગુજરાતની દીકરીને બચાવવા એને એનું સન્માન [dignity] પાછું આપવાની જેહાદ એકાદ મહિલા દિન ઉજવવાથી પૂરી થાય એ સંભવિત નથી. એવી ઉજવણી તો એક પ્રતીક [token] માત્ર છે. એ માટે કેટકેટલાં વાનાં કરવાં પડશે – શિક્ષણનાં વાનાં, સામાજિક સુધારણાનાં વાનાં, આર્થિક સ્વાવલંબનના વાનાં, કાયદા-કાનૂનનાં પરિવર્તનનાં વાનાં, લોકમત ઘડતરનાં વાનાં, રાજકીય ઇચ્છાશક્તિ પ્રબળ કરવાનાં વાનાં, અને માનસ પરિવર્તનનાં વાનાં ! એવાં અને એટલાં વાનાં જેના પરિણામે સાત મોતની શિક્ષામાંથી ઉગરીને એક સ્વમાની, આત્મગૌરવથી છલકાતી, સ્વાયત, સાહસિક, ખુમારી ભરી નારી એક વાસ્તવિક હકીકત બની રહે, અને કવયિત્રી હેલન રીડીનું આ અમર કાવ્ય એનું ગૌરવગાન બની રહે :

Woman

I am woman, watch me grow

See me standing, toe to toe,

As I spread my loving arms across the land.

But, I am still in embryo,

With a long long way to go,

Until I make my brother understand.

If I have to, I can do anything,

I am strong, I am invincible,

I am WOMAN !!
                                        – HELEN REDY

 

[Paanch Haatdi Bazaar, KALOL-382 721, Mehsana District,North Gujarat, India]

(“અોપિનિયન”ના 26 એપ્રિલ 2005ના અંકમાંથી પુન:પ્રકાશન)

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)

Loading

28 February 2013 admin
← ગધના − ગધનીનાં ગીત …
FARMERS’ DISTRESS AND HEALTH IN INDIA →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved