Opinion Magazine
Number of visits: 9449033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી બાગનો ડોસો

પાર્થ નાણાવટી|Opinion - Short Stories|28 February 2013


શહેરમાં આવે મહિનો માસ થઈ ગયો હતો, ને શહેર થોડું થોડું સમજાવા લાગ્યું હતું. નંદિતાની જીદ હતી કે એની ઇન્ટર્નશિપ એ મોટી હોસ્પિટલમાં જ કરશે. નવા નવા લગ્ન થયા હતા; અને એક સારા ડોક્ટર બનવા માટેની એને તાલાવેલી હતી. વળી, મોટા શહેરમાં જાત ભાતના કેસ આવે એટલે શીખવા પણ ઘણું મળે. આ બધા ફેક્ટર ધ્યાનમાં લઈને શહેર શિફ્ટ થવાનો નિર્ણય લેવાયો. મારી બેન્કની દરેક શહેરમાં શાખા હતી જ અને પિતાજીની ઓળખાણને કારણે તાત્કાલિક બદલી પણ થઈ ગઈ. બેંકનું વાતાવરણ ઠીકઠાક હતું. જે ભાઈની જગ્યાએ હું આવ્યો હતો એ યુનિયનમાં સક્રિય હતા. એટલે સ્ટાફમાં ઘણાને એમની રાતોરાત બદલી થઈ એ પણ ખૂંચ્યું હતું. મેનેજર ભલા હતા. બે એક વર્ષ બાકી હશે, એટલે એ પણ સમય કાપતા હતા. મારી સહાયક શાખા પ્રબંધકની જગ્યા અને કામગીરી વ્યસ્ત રહેતી. 
શહેરની બહાર બહુ મોટી ઔદ્યોગિક વસાહત હતી, જેના મોટા ભાગના ખાતા મારી પાસે હતા. લોનો આપવી, ચકાસણી કરવી, વસૂલી અને આ બધામાં મારો દિવસ ક્યાં જતો એ ખબર જ ન રહેતી. નંદિતા પણ એના કામમાં રત હતી. સાંજે ભેગા થઈને એક શાંતિવાળું રાતનું ભોજન પછી થોડું ચાલવા જવું અને રેડિયો પર જૂનાં ગીતો સાંભળતાં સાંભળતાં આંખ ક્યારે મળી જતી એ ખબર જ ન રહેતી …
પપ્પાજીના દોસ્તનો ફ્લેટ હતો, શહેરની બહારના એક પરામાં. નાની જગ્યા હતી પણ નંદિતાનું ભણવાનું પતે એટલે પાછા ગામ જતાં રહેવું એવું મનોમન નક્કી કરી લીધું હતું … કોણ જાણે કેમ મને શહેર કોઈ દિવસ પોતાનું લાગ્યું જ ન હતું … હોસ્ટેલમાં રહીને એમ.બી.એ. કરતો, ત્યારે પણ અને અત્યારે પણ …. શહેર મને રેલવેના મોટા પ્લેટફોર્મ જેવું લાગતું …. લોકો આવે અને સમય થયે પોતાની ગાડી આવે એટલે નીકળી જાય ને પાછા થોડા નવા લોકો ઉમેરાય … અહીં કંઈ જ સ્થાયી ન હતું .. સતત બદલાવ અને બદલાવ સાથે જાતને બદલવાનો પ્રયાસ .. અને આ બન્નેની વચ્ચેની હરીફાઈ … ખેર, વરસ-દહાડાનો પ્રશ્ન હતો .. ગામની હોસ્પિટલમાં નંદિતા માટે જગ્યા ખાલી જ હતી ને જેમ હું અહીં આવ્યો હતો તેમ જ પાછી પિતાજીની ઓળખાણથી ગામ ભેગા …
શરૂ શરૂમાં નંદિતા વહેલી ઊઠી, ભાખરી શાક ને એવું બનાવી લેતી લંચ માટે, પણ સમય જતાં થયું કે માત્ર લંચ માટે એને કલાક વહેલા ઊઠવું પડે છે, અને મોટા ભાગના દિવસોએ રાતે મોડે સુધી વાંચતી હોય છે. એટલે એની ઇચ્છા વિરુદ્ધ આ લંચ બનાવવાનો સિલસિલો મેં  બંધ કરાવ્યો .. એણે મને સમ લેવરાવ્યા  કે આ વાત અમારી બન્નેની વચ્ચે જ રહેશે … પિયર કે સાસરીમાં કોઈ જાણે તો કેવું લાગે! એમ.ડી.નું ભણતી સ્ત્રીને પણ આ સમાજની દોર પર સન્તુલન રાખી, ચાલવું પડતું એ વાતનો મને ગુસ્સો પણ હતો ને કૌતુક પણ …
મને આમ પણ લંચમાં ભારે ખાવાની ટેવ ન હતી … બપોર આખી ઝોકાં ચડે, ને મોટા ભાગના વેપારી બપોર પછી જ આવી ચડતા હોય. એટલે ઝોકાં ખાતો મેનેજર શાખાની પ્રતિષ્ઠા માટે સારો ન લાગે, અને એ પણ જયારે ખાસ ઓળખાણથી બદલી કરાવીને આવ્યો હોય ત્યારે. અમારી ઓફિસની પાછળ સ્ટાફ રૂમ હતો, જ્યાં હું શરૂઆતમાં લંચ ટાઈમમાં જતો. ફટાફટ જમી ને કેટલાક ઉત્સાહી સ્ટાફ મેમ્બર કેરમ કે ટેબલ ટેનિસ રમતા. અમુક છાપાં ઉથલાવે ને પાને પાને, સમાચારે સમાચારે કોઈ સાંભળે કે ન સાંભળે પણ તેઓ પોતાની એક્સપર્ટ કોમેન્ટ આપે, દેશની અર્થવ્યવસ્થાથી શરૂ કરીને, એરંડાનું વાયદા બજાર, ટ્રેક્ટરનાં ઉત્પાદનમાં થયેલો ઉછાળો અને કબજિયાતમાં લીમડાનો ઉપયોગ … જાતભાતના વિષયો પર એમની ટિપ્પણી હોય હોય ને હોય જ …. અમુક દાઝેલા જીવો મારા પર પણ થોડાક કટાક્ષ ભર્યા છણકા કરી લેતા … થોડા સમયમાં જ મને એ વાતાવરણની ઊબ આવવા મંડી …
હવે લંચનો પ્રશ્ન હતો નહીં. બેન્કની સામે એક ઉદ્યાન હતું … ગાંધી બાગ તરીકે .. સરસ વૃક્ષોથી આચ્છાદિત અને લીલુંછમ શાંત વાતાવરણ … કોઈ કહે નહીં કે આટલી શાંત જગ્યાની આસપાસ એક રઘવાટિયું શહેર વીંટળાઈને પડ્યું છે … બગીચાની બહાર ખાણીપીણીની લારીઓ હતી, પાણીપૂરી, રગડા પેટિસ ને એવું જાત જાતનું ખાવાનું મળે. કોલેજ પણ ક્યાંક નજીકમાં જ હશે કારણ કે ઘણા યુવાનિયા અહીં જોવા મળતા. હું એક ફ્રૂટ ડીશની લારી પર જાઉં ને પેલો મને કાગળના બોક્સમાં ફ્રૂટના ટુકડા ઉપર કોઈ ગેબી મસાલો ભભરાવીને આપી દે જે અમુક દિવસોએ મારો લંચ બની જાય ..
હું બોકસ લઈને બગીચામાં જતો રહું. ગાંધીબાગ નામ હતું કારણ કે બગીચાની વચોવચ ગાંધીજીનું પૂતળું હતું. નાનકડું ગોળ જુદા જુદા લેવલવાળું ઇંટોનું પ્લેટફોર્મ ને સૌથી ઉપરના લેવલ પર બિરાજમાન મોહનદાસ ગાંધી. એમના હાલહવાલ જોતાં લાગતું કે શહેર એમને આ જગ્યાએ સ્થાપ્યા પછી વિસરી ગયું હતું … ઈવન બગીચાની હાલત પણ બહુ સારી ન હતી, અનેકવિધ પ્રકારની વનસ્પતિઓ ઠેર ઠેર મનફાવે એમ ઊગી નીકળી હતી અને કોઈ રેસિડન્ટ માળી હોય એવું લાગતું ન હતું … હું થોડું ખાઈ ને નંદિતા સાથે ફોન પર વાત કરું ને પાછી ફોનમાં જ નાખેલાં ગીતો સાંભળું ને ત્યાં તો પાછા જવાનો સમય થઈ ગયો હોય …
બે એક દિવસ પહેલાં, એની આગવી અદાથી, ગાજવીજ સાથે ચોમાસું શહેરમાં આવી પહોચ્યું છે. પહેલી જ રાતે ધોધમાર વરસાદ ને બત્તી ગુલ. ચાલવા જવાનો પ્રશ્ન તો હતો નહીં. કેન્ડલ લાઈટ ડીનર પછી અંધારામાં બોર થતા હતાં. એટલે અમે બન્ને અંતાક્ષરી રમ્યાં. મને પહેલીવાર જાણ થઈ કે નંદિતા કેટલું સરસ ગાય છે … એક સ્ત્રીનાં પણ કેટલાં બધાં લેયર્સ ને પરિમાણો હોય છે, મોડી રાતે સૂતાં ને ત્યાં જ લાઈટ પણ આવી …
સવારમાં સુસ્તી હતી. કામ પર જવાનું સહેજ પણ મન હતું નહીં. પણ મારે તો છૂટકો ન હતો, ને કમને ઓફિસ જવા નીકળ્યો. નંદિતાને ડ્રોપ કરી, ને હું ઓફિસમાં પહોચ્યો. ત્યારે ત્યાં મોટો તમાશો ચાલુ હતો. રાતના વરસાદમાં અમારી બેન્કના જૂના મકાનમાં છતમાંથી પાણી ટપક્યું હશે … એટલે ઓફિસની વચોવચ નાનું એવું તળાવ ભરાયું હતું. કોકના કાગળિયાં પલળી ગયા હતાં. કોકની પાવતી બુક. ને હો હા થતી હતી. મેનેજર સાહેબ બીમાર હતા એટલે આવ્યા ન હતા. ને આ તોફાનની વચ્ચે સ્થિતપ્રજ્ઞતાથી અમારો સ્વીપર નગીન પોતાથી થાય તેમ પાણી કાઢવામાં લાગ્યો હતો … વરસાદના કારણે બહુ લોકો પણ આવ્યા ન હતા … કંટાળો આવે એવું વાતાવરણ હતું. હેડ ક્લાર્ક સંઘવીને મેં કહ્યું, મારી તબિયત જરા નરમ છે, એટલે હું ચા પીને આવું .. એણે નોટો ગણતાં ગણતાં ખાલી માથું હલાવ્યું …
ચાની કીટલી પરથી હું થર્મોકોલના કપમાં આદુ નાખેલી કડક અને મીઠી લઈને ગાંધી બાગમાં પહોચ્યો … વરસાદ અને વાવાઝોડાએ બાગની જે હાલત કરી હતી! કાદવ, ઝુકી ગયેલાં ઝાડવા ને આ તારાજીની પાર મારું ધ્યાન ગાંધી બાપુ પર ગયું અને … ગેસ વ્હોટ?
બાપુ એકલા ન હતા, એમની સાથે કોઈ હતું … એક ઘરડો માણસ કંઈક બબડતો બબડતો પૂતળાની આસપાસ ફરતો હતો … પોતાના ખભે નાખેલાં લાલ રંગનાં મસોતાં જેવાં કપડાંથી બાપુને લૂછતો હતો. પાણીના ખાબોચિયાને ઉલેચવાના પ્રયત્નો કરતો હતો. પછી એકદમ પાછો બાપુની પાસે જાય અને પૂતળા સાથે વાતો કરે … મને ગમ્મત પડી. મેં થોડે નજીક, એને ન દેખાય એવી જગ્યાએ જઈ, ને એક સારા પ્રેક્ષકની જેમ આખો શો જોવાનું નક્કી કર્યું ..
પણ વાત આગળ વધે એ પહેલાં સુધરાઈ ખાતાના માણસો આવ્યા. કાલના વાવાઝોડામાં ઇલેક્ટ્રિકનો તાર તૂટી ગયો હતો. એટલે બગીચો ખાલી કરાવવા આવ્યા હતા … સાથેસાથે થોડી સાફસૂફી પણ ચાલુ કરી. મને એમાંના એક જણાએ બાગ છોડી જવાની સૂચના આપી. એટલે હું ચા પૂરી કર્યા વિના બહાર નીકળ્યો. ને પછી મારી પાછળ, મેં હોંકારા પડકારા સાંભળ્યા. પેલા વૃદ્ધ માણસને સુધરાઈ ખાતા વચ્ચે જંગ છેડાયો હોય એવું લાગ્યું … હું રસ્તો ક્રોસ કરીને બેંકમાં પહોચ્યો, પણ ચાની લારી પરથી એક છોકરો બગીચામાં ગયો ને થોડી વારમાં આખું સરઘસ બહાર આવ્યું, જે મેં બેન્કના દરવાજેથી જોયું …
આ બનાવના ચાર પાંચ દિવસ પછી, એ સવારે એ જ ડોસાને મેં બેંકના કેશિયરના કાઉન્ટર પર જોયો ..!! ભૂરું ખાદીનું ખમીશ ને નીચે ઘૂંટણ સુધી ચડાવેલો લેંઘો … હાથમાં કાળી જરી ગયેલી છત્રી ને બીજા હાથમાં થેલી … હજુ વધુ વિચારું એ પહેલાં, ડોસાએ યુદ્ધનું રણશિંગું ફૂંક્યું … કેશિયરે દરવાજે ઊભેલા સિક્યુરિટી તરફ ઈશારો કર્યો. ઘરડો સિક્યુરિટી ગાર્ડ આવીને ડોસાને ધીમેથી સમજાવા લાગ્યો. હું ઝડપથી અંદરની તરફથી કેશિયર પાસે ગયો. એનું પાંજરું નિયમ પ્રમાણે લોક હતું, એટલે એણે કાચની આરપાર ડાગળી ચસકેલનો ઈશારો કર્યો ..
મેં ગાર્ડ ને પૂછ્યું, ‘શું થયું ?’
ગાર્ડ ડોસાના ખેલથી વાકેફ હોય એમ, ‘કંઈ નહીં, સાહેબ, આપણા જૂના કસ્ટમર છે.’
નવાઈની વાત એ હતી કે ડોસો ન મને જોતો હતો, ન ગાર્ડને સાંભળતો હતો. એ તો માત્ર કેશિયરની સામું ઘૂરકીને કંઈક અષ્ટમપષ્ટમ બોલે રાખતો હતો …
મેં એનું ધ્યાન દોરવા કહ્યું, ‘કાકા … ઓ કાકા … શું થયું … મારી સાથે વાત કરો …’
ગાર્ડે ડોસાને કહ્યું, ‘જાઓ, મોટા સાહેબને કહો.’
પણ ડોસો કંઈ બોલ્યા વિના, સડસડાટ નીકળી ગયો. કેશિયર હસતો હસતો બહાર આવ્યો …
‘સાહેબ, છટકેલ છે. રેલવેમાં હતો. અહીં પેન્શન લેવા આવે છે, દર દશમીએ. એનો કકળાટ હોય … મારે ગાંધીજીવાળી નોટ જોઈએ …. હવે પાંચસોની નોટ કેટલી હોય .. સોસોની આપું તો ના લે.’
‘તમારી પાસે પાંચસોની નોટ નથી?’ મારા આવા સત્તાવાહી પ્રશ્નથી એ છંછેડાયો, ‘ના નથી. વિશ્વાસ ના હોય તો આપ જાતે જોઈ લો ..’
‘અને હવેથી આ ગાંડિયું આવશે ત્યારે આપની પાસે જ મોકલી આપીશ.’
સ્ટાફમાં ગણગણાટ શરૂ થઈ ગયો … હું સમયનો તકાજો સમજી, પાછો મારો ઓફિસમાં જતો રહ્યો …
બપોરે લંચ સમયે મારી નિયત કરેલી જગ્યાએ બેઠો બેઠો હું સેન્ડવીચ ખાતો હતો, ને ડોસો આવ્યો … મારી એકદમ પાસેથી પસાર થયો, પણ જાણે મારી હાજરીનું એને ધ્યાન જ ન હોય એમ! સીધો એ પૂતળા પાસે ગયો … ત્યાં બેઠો. પછી બાપુ સાથે એની મહેફિલ શરૂ કરી … મેં સાંભળવા કાન સરવા કર્યા … એ સાવ અસ્પષ્ટ બોલતો હતો … હું બેંચ પરથી ઊભો થઈને થોડો નજીક ગયો .. એ એની વાતોમાં મસ્ત હતો. જાણે કોઈ જૂના સ્વજન સાથે નિરાંતે ગપ્પાગોષ્ઠી ન ચાલતી હોય? મીઠાંની ચળવળ અને નેહરુ, ને એવા છૂટાછવાયા શબ્દો સંભળાય .. મને અંદરોઅંદર લાગ્યું, કે ન કરે નારાયણ, ને જો ડોસો મને જોઈ જશે, તો પાછો તમાશો કરશે … એ બીકે હું ત્યાંથી સરકી ને બહાર નીકળ્યો પણ મારું કુતૂહલ મને પેલી ચાની લારી પર ખેંચી ગયું .. બપોરનો સમય હતો ને ઘરાકી પાતળી હતી. મેં લારી પરના છોકરાને પૂછપરછ કરી … ડોસા  વિષે.
‘કંઈ નહીં, જવા દો ને, સાહેબ … સારો માણસ છે … આ લોકો એને છંછેડે છે.’
‘પબ્લિકને કોઈ કામ ધંધો નથી.’
‘એના બાપા સાબરમતી આશ્રમમાં હતા. એ ત્યાં જ મોટો થયો. બાપ તો જેલમાં મરી ગયો. આઝાદી પછી, આને રેલવેમાં નોકરી મળી … પાંચ વરસ પહેલાં ગેંગમેન તરીકે રિટાયર થયો. અહીં રેલવે કોલોનીમાં રહે છે, એના છોકરા-વહુ સાથે .. છોકરો પણ રેલવેમાં છે. છોકરો બીમાર હતો, ડોસાએ પોતાની એક કિડની આપી. ગાંધીજીનો આશિક છે. એની વહુ મરી ગઈ, એ વખતે છોકરા સાથે મોટો ઝગડો થયો. ડોસાને કાશી જવું ‘તું હાડકાં પધરાવવાં, પણ છોકરો ન માન્યો. તે દિવસથી કોઈની સાથે બહુ બોલતો નથી. ગાંધીના પૂતળા પાસે બધી જ વાતો કરે … ગાંધી જયંતીને દિવસે પાંચસોની નોટ વાપરે. મીઠાઈ ખવરાવે, જે કોઈ બગીચામાં આવે એને, પૂતળાને હારતોરા કરે .. હમણાં સાંજ થશે, એટલે ઘર ભેગો .. કાલે પાછો આવી જશે … પણ માણસ સીધો છે … લોકો સળી કરે એટલે અકળાય છે.’
વરસાદ ફરી શરૂ થયો હતો … હું ચાના પૈસા ચૂકવી બેંક ભેગો થયો ….
********
આજે મારે અને નંદિતાને રજા હતી. બીજી ઓક્ટોબર  … વરસ ક્યાં જતું રહ્યું, એ ખબર પણ ન પડી. બેંકનું રાજકારણ, નંદિતાનું ભણવાનું, વચમાં પિતાજીની લથડેલી તબિયત … મહિના માસમાં નંદિતાનું પરિણામ આવશે. એ આ ગૂંગળામણથી છુટકારો. વિચાર છે ગામ જઈએ એ પહેલાં ક્યાંક ફરવા જવું છે … લેઇટ હનીમુન …. હું છાપું ઉથલાવતો બેઠો હતો, ને મારી નજર એક જાહેરાત પર પડી … કોઈ બિલ્ડરની જાહેરાત હતી … નવો પ્રોજેક્ટ … ગાંધી બાગની જગ્યા પર!!! આજે ગાંધી જયંતીનાં દિવસે ભૂમિ પૂજન હતું ને મને વિસરાઈ ગયેલો પેલો ડોસો યાદ આવ્યો … કોણ જાણે કેમ, પણ એ ડોસો પણ આ શહેરની ઘણી બિનમહત્ત્વની બાબતોની જેમ મારા રૂટિનમાં ગોઠવાઈ ગયો હતો … મારું એના વિશેનું કુતૂહલ ક્યારનું કમોતે મરી પરવાર્યું હતું. ને આ શહેરમાં રહેતા ને એ બાગમાં આવતા બીજા બધા લોકોની જેમ હું પણ સાવ અનાયાસે એ ડોસાને ભૂલી ગયો હતો … ઘણી વાર એ બેઠો હોય ને પૂતળા સાથે વાતો કરતો હોય તો ધ્યાન પણ નહીં જતું … હું મારા વિચારોમાં હોઉં … ટાઈમ ક્યાં છે, બોસ … પણ અંદરથી બહાર ને બહારથી અંદર વિકસી રહેલું શહેર પ્રગતિના નામે એક ડોસાની જીવાદોરી સમો એ બાગ ને એ પૂતળું આટલી જલદી ભરખી જશે, એની ખબર ન હતી …
મેં નંદિતાને કહ્યું ચાલ તૈયાર થઇ જા .. આંટો મારીને આવીએ … એ જરા મુંઝાણી, પણ પછી અમે બન્ને ફટાફટ તૈયાર થઈ ગાંધી બાગ પહોચ્યાં … ભૂમિપૂજનની તૈયારી જોરશોરથી થઈ હતી. મંડપને હાર તોરા … પાછળ એક બુલડોઝર પણ હતું, કોઈ નેતા મંત્રી આવવાના હશે … પિતાજીના જાણીતા! અમે બન્ને એક ખૂણામાં કાર પાર્ક કરી ઈભા રહ્યા, મારી નજર ભીડમાં એ ડોસાને શોધવા લાગી … સારી એવી ચહલપહલ હતી, લાઉડ સ્પીકર પર દેશ ભક્તિના ગીતો રેલાતાં હતાં … એક મોટા બીલબોર્ડ પર અહીં, આ જગ્યા પર જે બહુમાળી ઈમારત બનવાની હતી, એના મોડેલનો  ફોટો હતો … ખબર નહીં પણ મને કોઈ ગડબડ હોય એવું લાગ્યું … પોલિસવાળા આમતેમ યુઝલેસ આંટા ફેરા ને આશીર્વાદ કરતા હતા … ચાની કીટલી ધમધમતી હતી … નંદિતા સાવ કન્ફયુઝ હતી … હું એને રાહ જોવાનું કહી, કારમાંથી ઉતર્યો ને સીધો ચાની કીટલી પર ગયો … પેલો છોકરો ત્યાં જ હતો … આસપાસમાં ઘણા માણસો હતા, એટલે મેં એને ઇશારાથી ગાડી પર બે કપ ચા લાવવા કહ્યું … ને હું પાછો ગાડીમાં જઈને બેઠો. થોડી વારમાં એ આવ્યો ….
ચાના કપ લઈને મેં એને પેલા બીલબોર્ડ તરફ ચીંધી પૂછ્યું … ‘પેલા કાકાનું શું થયું? હવે તો અહીં બિલ્ડીંગ બનશે .. કાકો ક્યાં જશે??’
જવાબમાં છોકરો મરક મરક હસ્યો, પછી આજુબાજુ જોઈ, મારી ગાડીના કાચ પર ઝુકી બોલ્યો, ‘કાકો ચાલુ આઇટેમ નીકળ્યો. એને ખબર પડી કે અહીં બિલ્ડીંગ બાંધવાના છે … બે દિવસ પે’લાં મોડી રાતે બે મજૂર ને એક રીક્ષા લઈને આવ્યો .. ને … ‘
પછી એક્દમ સાવચેતીથી બોલ્યો, ‘પૂતળું ખોદીને લઈ ગયો … રીક્ષામાં નાખીને … હું લારી પર સૂતો હતો. એટલે મારું ધ્યાન પડ્યું … જતાં જતાં મારી પાસે આવ્યો, મારા માથે હાથ ફેરવ્યો, ને એક ગાંધીવાળી નોટ મને પણ આપતો ગયો.’
બોલતા બોલતા છોકરાની આંખોના ખૂણે ભીનાશ ઉભરી આવી. ત્યાં એના શેઠની બૂમ પડી એટલે એ ચાલવા માંડ્યો.
*********
જાણવા મળ્યું છે કે ડોસાનો એક દોસ્તાર હતો. મહારાષ્ટ્રમાં સતારા પાસે. ડોસો પૂતળું લઈને ત્યાં પહોચ્યો હતો … ને એના ભાઈ બંધના ખેતરમાં મોહનદાસને બિરાજમાન કર્યા હતા ….
********
ઘણાં વર્ષો પછી, જયારે નંદિતાને એક કોન્ફરન્સ માટે શહેરમાં આવવાનું થયું, ત્યારે હું ગાંધીબાગ પાસે બનેલી ઊંચી ઈમારત પાસેથી પસાર થયો. ત્યારે ગાડી ઊભી રાખી, ડોસા વિષે પૂછવાની ઇચ્છા મેં ત્યાંની ત્યાં જ મારી નાખી … મારે માટે સતારાના એ ખેતરમાં ગાંધી સાથે ગમ્મત કરતો ડોસાની કલ્પના પૂરતી હતી … મને મારા સ્વભાવ મુજબ, આગળ જાણવામાં રસ ન હતો … કારણ કે કદાચ મારે એનાથી વધુ જાણવું ન હતું …
(સિડની, લખ્યા તારીખ : ૯ જુલાઈ ૨૦૧૨)
e.mail : parthbn@gmail.com

("અોપિનિયન", 26 ડિસેમ્બર 2012)

Loading

28 February 2013 admin
← ગધના − ગધનીનાં ગીત …
FARMERS’ DISTRESS AND HEALTH IN INDIA →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved