Opinion Magazine
Number of visits: 9449080
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે

વિપુલ કલ્યાણી|Opinion - Opinion|23 January 2013

‘તેર અને સોળ વર્ષની વય વચ્ચેનાં કિશોર-કિશોરીઅો રોજ-બ-રોજ વિવસ્ત્ર [naked] તેમ જ અસંદિગ્ધ [explicit] છબિઅોની અાપ-લે કરતાં હોય તે હવે વિલાયતભરમાં સામાન્ય બનવા લાગેલું છે.’ ગઈ 11 ડિસેમ્બરે, અહીંની સુખ્યાત ટીવી ચેનલ – ‘ચેનલ ફૉર’ પર, અાવો વિષદ સમાચાર-હેવાલ રજૂ કરવામાં અાવેલો. વળતે દિવસે ય તે અંગેના કાનૂન સમેતના બીજાં પાસાંઅોની એક ચર્ચાબેઠક પણ ‘ચેનલ ફૉરે’ યોજેલી. National Society for the Prevention of Cruelty to Children (NSPCC) તેમ જ ‘ચેનલ ફૉર’ના સંશોધકોએ સતત છ મહિના અા તરતપાસને સારુ અાપેલા.

અાવું માત્ર વિલાયતમાં જ બનતું હોય અને અન્યત્ર નહીં થતું હોય, તેમ, કોણ, ભલા, કહી શકશે ? મોબાઇલનો હવે રાફડો જ જ્યારે ફાટ્યો છે, અને નજીવા દરે જગતભરમાં ચોમેર, અત્રતત્રસર્વત્ર, તે પ્રસરી ગયા છે, ત્યારે અાપણી જમાતમાં ય તેનો રેલો ન જ પૂગ્યો હોય, તો જ નવાઈ ! અા હેબક કે હેરતની દેખીતી બાબત લાગતી હોવા છતાં, અા હેવાલ મુજબ, ભઈલા, અા ‘પેઢીધર યૌનભાવ’ [generation sex] છે. મોબાઇલ ફોન વાટે અાવા વિવસ્ત્ર ફોટાઅોની અાપ-લેને જમાત ‘સેક્સ્ટીંગ’[sexting]ને નામે અોળખે છે. પરિણામે, લગરીક અાંતરપ્રવેશ કરી, ખુદને તપાસીએ કે અાપણી દેખીતી સમજ, ફક્ત, નરી શાહમૃગવૃત્તિ તો નથી ને ?

અાપણને થાય : અા વર્તણૂક અંિતમ છેડાની છે; પણ ધીરા ખમીએ, અા પેઢીઅો માંહે તે રોજેરોજની સામાન્ય ઘટના છે, તેમ હેવાલ જણાવે છે. એક કિશોરે કહેલું : ‘દર અઠવાડિયે અોછામાં અોછી બેત્રણ છબિ મોકલવાનું મને કહેવામાં અાવે છે.’ બીજો કહે : ‘કોઈ પણ કિશોરીનું મોં જોવા પામીએ તે પહેલાં, તેનાં સ્તન ચક્ષુગોચર થાય છે.’ − અા પંદર વરસનાંઅોનો અનુભવ હતો ! અામાં સંકળાયેલાં કિશોર-કિશોરીઅો અા ‘રોફદાર’ ડિજિટલ વિશ્વને ભયજનક જોતા નથી. એક કિશોર કહેતો હતો : ‘અાથી વાલીઅો અને માબાપને અાઘાત પહોંચતો હશે, પરંતુ અમારે માટે તો અા રોજિંદો જીવનવ્યવહાર છે. અા સ્વાભાવિક છે, – અા વૃદ્ધિ વિકાસનો જ ભાગ છે.’

અાપણો સમાજ ધૂંવાંપૂવાં થતો, બંને હાથ ઊંચા કરી, કમકમાટીભર્યો અણગમો વ્યક્ત કરે, તો કદાચ અસ્થાને નહીં હોય. અશ્લીલ સાહિત્યસામગ્રી પર પ્રતિબંધ મૂકીને તેમણે હાશકારો અનુભવેલો જ હશે, પરંતુ ટેકનોલૉજીએ તો હરણફાળ જ ભરી છે. હજુ ‘ફૉરજી’[4G]ને તો અાવવા દો, ત્યારે તો વીડિયોનું પ્રસારણ પણ સુલભ થવાનું છે. અને અાની અાપ-લેને કોઈથી રોકી રોકાવાની નથી. પડખે બેઠા અા પૂર્વજ વાનર, ઈશારે જણાવે છે તેમ, કોઈ જોતું નથી, કોઈ સાંભળતું નથી, કોઈ બોલતું ય સુધ્ધાં નથી !

ખેર ! … અખબારી હેવાલ અનુસાર, ‘દારુલ ઊલૂમ દેવબંદે’ પોતાના વિદ્યાર્થીઅો કેમેરાવાળા મોબાઈલ વાપરે તે પર પ્રતિબંધ મૂક્યો છે. અા અને અાવા પ્રતિબંધોથી કોઈ ઊકેલ અાવે તેમ અનુભવ કહેતો નથી. તેને સારુ તો અારંભિક સ્તરેથી, મજબૂત ને તર્કબદ્ધ કેળવણી અાપવી જરૂરી હોય.  

અામ, અા મામલો, ભલા, ક્યાં જઈને ઊભશે ?

વિશ્વ સ્તરે કામ કરતી ટેલિકૉમ સંસ્થા ‘જીએસએમ એસોસિયેશન’ની એક માહિતી અનુસાર, ભારતમાં જ સમૂળી જનસંખ્યા સામે 26 ટકા લોકો પાસે મોબાઈલ ફોન છે. એટલે કે મુલકમાં અાશરે 38 કરોડ મોબાઈલધારકો છે. શાસન અા વિગતને પડકારે છે અને કહે છે કે તે અાંક 70 કરોડ ઉપરાંતનો છે !

અા ‘ગ્લૉબલઅાઇઝેશન’નો જમાનો છે. બજારની રૂખ પર શાસકો ચકનાચૂર નાચેકૂદે છે અને વળી ચોમેર ‘ગ્રાહકવાદ’ ઝાલ્યો ઝલાય તેમ રહ્યો નથી, ફાલ્યોફૂલ્યો જાય છે ! તે રાતે ન વધે એટલો દિવસે વધે છે; દિવસે ન વિસ્તરે તેટલો રાતે પથરાતો રહે છે.

અાપણી જમાતે, અાપણી સંસ્થાઅોએ, બહુ મોડું થઈ જાય તે પહેલાં, અા વિશે, વખત કાઢી, દૂરંદેશ ચંિતન કરી, માર્ગદર્શી તોડ કાઢવાનો અા વખત છે.

•

‘દિલ્હી સામૂહિક બળાત્કાર’ને કારણે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં હોહા મચી છે. જાનીમાની હસ્તિઅો પણ ચિત્રવિચિત્ર નિવેદનો કરતા રહ્યા છે, અને તેથી વિવાદોનો વાવંટોળ ફૂંકાયા કર્યો છે.

સંચાર વ્યવસ્થાના માર્ગદર્શક તેમ જ ડિઝાઇનર કિરણ ત્રવેદી કહેતા હતા તેમ, સમાજની પિતૃસત્તાક માનસિકતા છેલ્લા થોડા દિવસોમાં બરાબર સામે આવી ગઈ છે. નેતાઓ, ધાર્મિક-સામાજિક સંગઠનોના વડાઓ અને બાબા/બાપુઓ/ગુરુઓ જે રીતે સ્ત્રીઓ પ્રતિની ઘૃણા, તિરસ્કારથી ભરેલી (mysogynistic) અને જાતીય અપમાનજનક (sexist) વાતો કરી રહ્યા છે; કેટલાક કટારચીઅો ઊર્ધ્વગામી ઉદારમતી (પ્રોગ્રેસિવ લિબરલ) નવ્ય-વિચારથી સામા છેડાના, માનવીય મૂલ્યોને નુકસાનકારક અને સામાજિક રીતે સંકુચિત અને વિકૃત લખાણો કાયમની જેમ પીરસતા રહ્યા; જાણે કે બળાત્કાર માટે સ્ત્રીઓ પોતે જવાબદાર હોય !! જો કે આ વખતે પહેલી વાર મીડિયામાં અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં, પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થા (patriarchy) સામે વિરોધનો સૂર મોટા પાયે ઊઠ્યો છે.  ‘जनतंत्र का जन्म’  નામક કાવ્યમાં કવિ રામધારીસિંહ ‘દિનકર’ લખે છે, તેમ : 

जनता जब कोपाकुल हो भृकुटि चढाती है;
दो राह, समय के रथ का घर्घर-नाद सुनो,
सिंहासन खाली करो कि जनता आती है।

અા ઘર્ઘરનાદનો રથ દિલ્હી સમેતાના નગરો અને શહેરોમાં ફરી વળ્યો છે. અને તરુણાઈએ લોકનાદ જગવવાનો રાખ્યો છે. … પણ પછી શું ?? 

અા માનસિકતાને પોષનારા બળોમાં અખબારો ઉપરાંત અાપણા વિધવિધ ધાર્મિક સ્થાનકો, સંતો-મહંતો, પુરોહિતો, બાવાઅો, સાધુઅો, મુલ્લા, મૌલવીઅો, પાદરીઅો, પૌરાણિક વારસાના છડીદાર અાગેવાનો તેમ જ અા સૌના પોઠિયાઅો પણ પૂરેવચ્ચ છે. જાણ્યેઅજાણ્યે મનુવાદી માનસિકતામાં રાચતા લોકો ‘यत्र नार्येषु पूज्यते रमंते तत्र देवता’નો પોપટપાઠ જપતા જોવા મળે છે. હકીકતે અા સરિયામ સામન્તવાદી વિચારધારામાં, સ્ત્રીઅો દ્વિતીય સ્તરની નાગરિક હોય તેવો જ વર્તનવ્યવહાર જોવા મળે છે.

ખેર! … અને અાવું ફક્ત ભારતમાં જ બને છે તેવું તો નથી. કોઈ મુલક કોરો હોય તેમ જણાતું નથી. અહીં વિલાયતમાં, એક વેળાના ખ્યાતિપ્રાપ્ત  નાઇટહુડ મેળવનાર જિમી સૅવિલના ‘ઉપાડા’ ને ‘ગોરખધંધા’ના ઢગલાબંધ દાખલાઅો બહાર પડવા લાગ્યા છે ને !

16 જાન્યુઅારી 2013ના “નિરીક્ષક”માં, જાણીતાં સમાજશાસ્ત્રી કલ્પના શાહ લખે છે, ‘અાપણી સમાજવ્યવસ્થા પુરુષપ્રધાન છે, અર્થાત્ પુરુષના અાધિપત્યવાળી વ્યવસ્થા, જેમાં સ્ત્રીનું સ્થાન અને દરજ્જો ગૌણ ગણાય છે. પુરુષપ્રધાન વ્યવસ્થાના નિયમ પ્રમાણે સ્ત્રીની શ્રમ શક્તિ, પ્રજનન શક્તિ અને જાતીયતા પર પુરુષનો અંકુશ. સ્ત્રીઅોની સમસ્યાઅોનું મૂળ અહીં છે. વળી, પુરુષપ્રધાન વ્વસ્થાને ધર્મનો સંપૂર્ણ ટેકો છે. મૂડીવાદી બજાર વ્યવસ્થા તેનો લાભ ઉઠાવે છે.’

કલ્પનાબહેનની કલમ સબળ મુદ્દે અાગળ ધપે છે : ‘સ્ત્રી અને પુરુષ માટે જાતીયતાના બેવડા ધોરણો પ્રવર્તે છે. સ્ત્રીની જાતીયતા સાથે ઇજ્જત, શીલ, શરમ અને પવિત્રતાનાં નૈતિક મૂલ્યો જોડવામાં અાવે છે. પરિણામે સ્ત્રીની જાતીય પવિત્રતા સાચવવાની જવાબદારી જે તે સ્ત્રીની પોતાની તેમ જ સાથે તેના કુટુંબ, ગોત્ર, પેટાજ્ઞાતિ અને જ્ઞાતિની બની રહે છે. સ્ત્રીઅો પર અામ અાધિપત્યનાં સ્તર ચઢેલાં હોય છે. જો કોઈ કુટુંબ, સમુદાય કે દેશના પુરુષોને નીચા પાડવા હોય કે શરમજનક સ્થિતિમાં મૂકવા હોય તો તેમનાં કુટુંબ, સમુદાય કે

દેશની સ્ત્રીઅો પર બળાત્કાર તેમને માટે હાથવગું હથિયાર બની રહે છે. મોરલ પોલિસીંગ તેનું અાડ પરિણામ છે.’

અાવું અાવું છતાં, બધિર અાગેવાની ચલાયમાન થાય તેમ લાગતી નથી. કેમ કે તેના પાયામાં હજારો વર્ષની માનસિકતા જળોની જેમ ચોંટી બેઠી છે. તેને સારુ કાયદાકાનૂનમાં બદલાવ માત્રથી ઊકેલ અાવે તેમ નથી. ફાંસીનો ગાળિયો અારોપીને પહેરાવીને ય પરિસ્થિતિને ઝબ્બે કરી શકવી મુશ્કેલ બનવાની છે. તેને માટે ધડમૂળથી સમૂળું કાર્ય હાથ ધરવું પડે. સમાજને સ્વસ્થ બનાવવા, રાજકારણ, ધર્મકારણ, શાસનના એકેએક અંગને કેળવવા પડે. તે જંગી કામ છે. બુદ્ધ, મહાવીર, મહમ્મદ, જિસસ, જરથુષ્ટૃ, શંકર, નાનક, કબીર, ગાંધી સરીખા સરીખા વિરાટ લોકકેળવણીકારોને સારુ વાયુશૂન્યતા પૂરવાને અાહ્વાન કર્યા વગર કોઈ જ ચારો નથી. અાને સારુ જાતભાતની અાપણી નાનીમોટી ને કેન્દ્રવર્તી સંસ્થાઅો સાબદી થઈ શકશે કે ? … કોણ કહી શકશે ?!?

•

વિલાયતને કેન્દ્રમાં રાખીને બે અગત્યની વાત છેડવા મન છે. એક, કહે છે કે કેન્દ્રીય સરકાર સજાતીય લગ્નને સારુ ટૂંકમાં એક ધારો ઘડવા માગે છે. ધર્મના થાનકોમાં અાવાં અાવાં લગ્ન કરવાની બે પાત્રોને જો ઇચ્છા હોય, તો તેને સારુ જરૂરી સગવડ કરવાની જોગવાઈ તે ધારામાં હશે. ઈસાઈ દેવળોમાં છૂટછાટ અાપવાની શાસકોને તાલાવેલી છે. પણ અન્ય ધર્મમથકોને અા છૂટછાટ હશે કે ? અને જો ન હોય, તો ઈસ્લામ, હિન્દુ, યહૂદી સરીખા સરીખા ધર્મસંપ્રદાયો અને ફિરકાઅોના કર્ણધારો અાને સારુ તૈયાર છે કે ?

ધર્મથાનકો, લઘુવાંશિક સમૂહ માધ્યમોમાં અા બાબત અંગે નરી ચુપકીદી જોવા મળે છે. અા અાગેવાની બેશરમની હદે મૂરઝાયેલી લાગે છે.

બે, બ્રિટિશ સમૂહ માધ્યમોને ક્ષેત્રે જે રીતરસમ ચાલતી રહી છે અને તેને કારણે જે નીતિમત્તા પેદા થઈ છે, તેની ઊંડી તરતપાસ કરતો લેવિસન અહેવાલ નવેમ્બર 2012 દરમિયાન બહાર પડી ગયો છે. અા હેવાલ અનુસાર, સાંપ્રત ‘પ્રેસ કમ્પ્લેન્ટ્સ કમિશન’ની જગ્યાએ નવી સ્વતંત્ર જોગવાઈ કરવાનું સૂચન થયું છે. એ ખરું; પણ લઘુવાંશિક સમૂહ માધ્યમોને અામાં અાવરી લેવાય તે અત્યન્ત અગત્યનું છે. ગુજરાતી ઈતર ક્ષેત્રે ય પ્રશ્નો હશે; પણ ગુજરાતીમાં તો બોડી બામણીનું ખેતર જાણીને જેનીતેની પછાડી પડી જઈ, યેનકેનપ્રકારેન પોતાનું અાધિપત્ય ઠોકી બેસાડવાના અનેક વરવા દાખલાઅો અાપણે અનુભવેલા છે. અાથી અા લઘુવાંશિક સમૂહમાધ્યમોનો સૂચિત કાયદાકાનૂનમાં સમાવેશ થાય, તે ભારે મહત્ત્વનું બને છે.     

પાનબીડું :

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,


કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,


કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે

ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,


આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !


આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,


આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,


એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
                                                 − ‘મરીઝ’

Loading

23 January 2013 admin
← ૨૦.૧.૧૯૪૮: ગાંધીજીની હત્યાનો નિષ્ફળ પ્રયાસ
Next Post →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved