Opinion Magazine
Number of visits: 9564429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણીના ફલિતાર્થો

રોહિત શુક્લ|Samantar Gujarat - Samantar|1 December 2012

પંદરમી લોકસભાની ચૂંટણી કોઈ ખાસ મુદ્દા વગર લડાઈ. ‘નબળા વડા પ્રધાન’, ‘નિકમ્મા વડા પ્રધાન’, ‘બુઢિયા-ગુડિયા’, ‘એસ.આર.પી.’, ‘એક્વેરિયમ ફિશ’, જેવાં અરુચિકર વિધાનો બહુ ચાલ્યાં. શ્રી અડવાણીનું નેતૃત્વ ‘નિર્ણાયક-મજબૂત’ છે તેવો પ્રચાર એક મુખ્ય મુદ્દા તરીકે વિકસાવ્યો. થોડોક પ્રયાસ આતંકવાદના મુદ્દાને ઉછાળવાનો પણ થયો. પરંતુ કૉંગ્રેસ પક્ષ પાસે આવા તમામ દાવ સામે પેચ તૈયાર હતા. આખરે આ દાવપેચમાંથી શું નીપજ્યું ?

ભાજપ હાર્યું છે કે ભાજપ જીત્યું નથી. ઘણાને એમ લાગ્યું કે ભાજપ હાર્યું. પણ તથ્યો કાંઈક જુદું જ બતાવે છે . 2004માં ભાજપ પાસે 138 બેઠકો હતી, તે 2009માં 121 થઈ. સામે પક્ષે કૉંગ્રેસની બેઠકો પંચાવન જેટલી વધી. ભાજપે ગુમાવેલી તમામ બેઠકો કાંઈ કૉંગ્રેસ પાસે જમા થઈ નથી. કૉંગ્રેસનો ફાયદો મુખ્યત્વે લાલુ-પાસવાન સામ્યવાદીઓના સંયુક્ત નુકસાનને ભાજપના નુકસાન સાથે ઉમેરીને જ જોઈ શકાય.

એનડીએ સત્તા ઉપર આવે તો શું, તે બાબતે સેક્યુલર વિચારમાં શ્રદ્ધા રાખનારા સૌને મોટો ઉચાટ હતો. ગુજરાતમાં 2002માં જે બન્યું તેને ભૂલી જવાની ઘણી મથામણો થતી હોવા છતાં એ વિભીષિકા એટલી સરળતાથી ભૂલી શકાય તેમ નથી. પ્રચારના દિવસો દરમિયાન જ સર્વોચ્ચ ન્યાયાલયે એસઆઈટીની તપાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ઉમેર્યું. વળી, દંગાપીડિતોને બનતી ત્વરાએ બાકીના વળતરના બસો બાણું કરોડ રૂપિયા ચૂકવી આપવા જણાવ્યું. લગભગ અગિયારસો નિર્દોષોની હત્યા, અપૂરતી અથવા અસંતોષકારક તપાસ, આટલા વર્ષે પણ વળતરની બાબતમાં હોળી-દિવાળીના વાયદા, આ સંજોગોમાં ભૂલી જવાની બાબત કઈ હશે? તેથી કેટલાકને સંતોષ થયો, લગભગ ‘કર્મવાદ’ ની ગવાહી જેવો.
આ આખી બાબતને ખરેખર તો માનવલક્ષી અને ગરીબલક્ષી દૃષ્ટિકોણથી મૂલવવા જેવી છે. 2004ની ચૂંટણ્રી પછી જે યુપીએ સરકાર રચાઈ તેમાં સામ્યવાદીઓએ સરકારને બહારથી ટેકો આપ્યો હતો. સરકાર રચાઈ તે જ વખતે, ટેકાની શરતરૂપે જ, સમાન લઘુતમ કાર્યક્રમ (કૉમન મિનિમમ પ્રોગ્રામ) નક્કી થયો હતો. તે પછી, પણ, સરકારે જાહેરક્ષેત્રના કેટલાક એકમો ખાનગી ક્ષેત્રને વેચી મારવાનું નક્કી કર્યું ત્યારે પણ આ જ સામ્યવાદીઓએ સરકારને વારી. છેલ્લે 100 દિવસની રોજગારી માટેની ‘રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયેધરી યોજના’ શરૂ કરાવવામાં પણ તેમનો ફાળો હતો.  કૉંગ્રેસે આ મુદ્દાનો ગરીબોના મત પોતાના તરફ વાળવા માટે સફળતાપૂર્વક ઉપયોગ પણ કર્યો.

મતદાન પૂરું થયું અને ગણતરી શરૂ થાય તે પૂર્વે બે અમેરિકન રાજપુરુષો ભારતના કેટલાક રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા પણ હતા. સીતારામ યેચુરીનું કહેવું હતું કે નવી રચાતી સરકારમાં સામ્યવાદીઓ ફરી પેસી ન જાય તે ચિંતાથી (!) પ્રેરાઈને આ રાજપુરુષોએ આવું સાહસ કર્યું હતું. આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે.

ત્રીજી બાબત 1991થી શરૂ થયેલી ‘નવી આર્થિક નીતિ’ અને ‘આર્થિક સુધારા’ બાબતની છે આ ક્ષેત્રે હવે વડાપ્રધાન બનેલા શ્રી મનમોહનસિંહ અને શ્રી મોન્ટેક સિંહ આહલુવાલિયાની ફિલસૂફી તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. અગાઉ જોયું તેમ, 2004-09 દરમિયાન પોતાની પાસે પૂરતી બહુમતી ન હોવા છતાં જાહેર સાહસોના ખાનગીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો જ હતો. 1999-2004ની શ્રી બાજપાઈની સરકારે પણ આ કામ કર્યું જ હતું. અહીં વિચારવાનો મુદ્દો કયો ? ઘણી વાર દલીલ થાય છે કે સરકારે તો આર્થિક ક્ષેત્રમાંથી હટવું જ જોઈએને ! પણ વાત આટલી સરળ નથી. 1991થી શરૂ થયેલા આ સુધારાની તરફેણમાં એક હવા ઊભી થઈ જ ચૂકી છે. એવું સમજાવવા અને સાબિત કરવા પ્રયાસો થતા રહે છે કે આ સુધારાને કારણે ગરીબી વધુ ઝડપથી ઘટી છે . વાસ્તવમાં આ મુદ્દો માત્ર વિવાદાસ્પદ જ નથી રહ્યો, તેને ગણતરીની પદ્ધતિઓ અને વિવિધ અંદાજો આપીને પુષ્કળ ગૂંચવી મારવામાં આવ્યાં છે. ભારતમાં ખરેખર ગરીબો કેટલા હશે-કદાચ બ્રહ્માજી જાણે ! અલબત્ત, અહીંથી આપઘાત કરીને ઉપર જનારાનો હિસાબ રાખનારા ચિત્રગુપ્ત સાથે બ્રહ્માજીનું નેટવર્કિંગ બરાબર હોય તો જ બ્રહ્માજી જાણે !

બીજી તરફ યુએનડીપીના મહેબૂબ ઉલ-હક અને અમર્ત્ય સેનના માનવીય વિકાસ, ક્ષમતાઓ અને સશક્તિકરણના ખયાલો વધુ ઉપયોગી જણાયા છે. હવે પરિસ્થિતિ એ થઈ કે દા.ત. કેરળ જેવા રાજ્યમાં માનવ વિકાસનો સૂચકાંક ઊંચો છે, પરંતુ દેશની સૌથી વધુ બેકારી પણ ત્યાં છે. આ બાબતનો વ્યાપક સંદર્ભ એ થાય છે કે ઓછા વેતને વધુ કામ કરી (પોતાનું શોષણ થવા દઈ) રોજગારી મેળવો, આ માર્ગ ગુજરાત જેવા રાજ્યે અપનાવ્યો છે. વેતન ઓછું હોય અને સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય, પેયજળ વગેરે જેવી સામાજિક સેવાઓમાંથી પણ હટી જાય તો માનવીય વિકાસનો આંક નીચો જાય. એટલે વાત કાર્ય-કારણ સંબંધની અને ગૂચવાયેલ બંને છે એક તરફ સરકાર હટે, ખાનગી ક્ષેત્રને મોકળું મેદાન જડે, કામદારોનું શોષણ થાય, આ પ્રક્રિયામાં ખાનગી ક્ષેત્રને વધુ નફો અને વધુ મૂડીરોકણની તકો મળે છે. આથી આર્થિક વૃદ્ધિનો દર ઊંચકાતો જણાય છે. પણ તે જ નિમિત્તે શોષિતોની માત્ર વિટંબણાઓ જ નથી વધતી, સરકારે મૂક સાક્ષી બનીને માત્ર જોતા જ રહેવાનું હોય છે. શિક્ષણનું ખાનગીકરણ, પાણીનું બજાર બનાવી મોઘું વેચાણ, શ્રી સનત મહેતા લખે છે, ‘છેલ્લાં પચાસ વર્ષોમાં વિશ્વની વસતી બમણી થઈ અને વપરાશ ત્રણગણો થયો. 2050 સુધીમાં પાણીની જરૂરતને પહોચવું અશક્ય બની જશે.’ (જુઓ હિતરક્ષક મે, 2009) વળી, ગુજરાતની નર્મદા યોજનાની સમસ્યાઓ માટે (જુઓ રજની દવે, સરદાર સરોવર યોજના) ‘ભૂમિપુત્ર’ તા. 16-5-2009. સ્વાસ્થ્યની ખાનગી ક્ષેત્રને સોંપણી વગેરે એવી બાબતો છે કે જેમાં માત્ર ઓછી આવકો અને શોષણના જ મુદ્દા નથી. જે લોકો સારું શિક્ષણ ન લઈ શકે તે આર્થિક વૃદ્ધિનાં ફળ સુધી પહોંચી જ ન શકે. આર્થિક વૃદ્ધિના આ સંદર્ભે ‘જૈસે પેડ ખયૂર-ફલ લાગે અતિ દૂર’, જેવા હાલ થાય છે. સ્વાસ્થ્યની સેવાઓની બાબતે, આવાસ મેળવવાની બાબતે, પેયજળ અંગે – બધી જ રીતે પૈસા આપો તો જ આ બધું મળે, પણ આ સેવાઓ એવીઓ મોંઘી હોય કે બધાને પરવડે નહીં, પણ  સરકારે તો આ બધાંનું ખાનગીકરણ કરી જ નાંખવાનું છે.

આ મુદ્દાનો એક બીજો ભાગ પણ વિચાર માંગી લે છે. હાલમાં દુનિયામાં મંદીની કટોકટી પ્રવર્તે છે. મંદી ખાસ કરીને યુરોપ અને અમેરિકાના બૅંકિંગ અને ફાઈનાન્સિયલ ક્ષેત્રના ખોટા નિર્ણયો, ગોટાળાભર્યા વ્યવહારો અને નિરંકુશ કાર્યપદ્ધતિનું પરિણામ છે. ખાનગી ક્ષેત્રની આવી પ્રવૃત્તિઓ ઉપર પણ રાજ્યે અંકુશ મૂક્યા નહીં, કદાચ રાજ્ય અને ખાનગી ક્ષેત્રના મેળાપીપણામાં જ આ બધું વિસ્તર્યું. 2007-08માં અમેરિકામાં જ તેત્રીસ બૅંકો નિષ્ફળ ગઈ. 2008-09માં વળી પંચાવન બૅંંકો નિષ્ફળ ગઈ. ખૂબીની વાત એ છે કે આવી સંસ્થાઓ અને ઉદ્યોગ એકમોને પાછા ‘બેઈલ આઉટ’ કરવા માટે તો રાજ્યના હસ્તક્ષેપની જરૂર પડી જ. કરવેરા ભરનારે આ નફો કરનારા, ગોટાળા અને છેતરપિંડી કરનારાને, બચાવવાના ! મતલબ કે ગરીબોએ ધનવાનો માટે ન્યોછાવર થઈ જવાનું. આ ‘બચાવવા’ માટે જરૂરી તર્ક પાછો બિચારા ગરીબ કામદારોની રોજી બચાવવાનો હોય ! ભારતમાં આટલી મોટી અને માઠી અસર ન પડી તે માટે બૅંંકો પહેલેથી જ સરકારી હતી તે કારણ પણ ખરું. હવે કૉંગ્રેસના નિરકુંશ આધિપત્યવાળી સરકારમાં શ્રી સિંહ અને આહલુવાલિયા વળી પાછા બૅંંકોના ખાનગીકરણ તરફ વળે નહીં એવું માનવું અઘરું છે. ધ્યાનમાં રહે કે મંદી સામે લડવાના પેકેજો તૈયાર કરવામાં ખાધપુરવણી વડે પુષ્કળ નાણાં મેળવાયાં છે. આ નાણાં મેળવવા બૅંંકોનું ખાનગીકરણ લગભગ નિશ્ચિત છે, મંદીને લીધે કરવેરાની આવકો તો વધે તેમ નથી. ખાધપુરવણી ઘટે નહીં તો ફુગાવાનો ભય પણ ખરો જ ને .

એક અન્ય વાત : 2001માં શ્રી વાજપેયીની સરકારે આ જ શ્રી આહલુવાલિયાના વડપણ હેઠળ એક કાર્યજૂથની રચના કરી હતી. કાર્યજૂથે દેશમાં રોજગારીમાં વધારો કરવાના ઉપાયરૂપે ખેતી ક્ષેત્રનું કોર્પોરેટાઈઝેશન કરવાની સલાહ પણ આપી હતી !

બીજી તરફ સેઝ, સીટ, રીઅલ એસ્ટેટ તથા અન્ય ઉદ્યોગોની પણ જમીન માટેની ભૂખ પ્રચંડ બનતી ચાલી છે. સિંગુર અને નંદીગ્રામના દાખલા જાણીતા છે. અહીં આર્થિક-રાજકીય ક્ષેત્રે વિચારવાનો એક નોંધપાત્ર મુદ્દો ઊપસી આવે છે. પ. બંગાળમાં ડાબેરીઓના પતન માટે બુદ્ધદેવ સામે મમતાની લડાઈ જાણીતી બની છે. હવે એ જ મમતા કૉંગ્રેસ સાથે જોડાય છે. પણ કૉંગ્રેસની નીતિ કાંઈ ખેડૂતોની જમીનો બચાવવા માટેની નથી. આ સંજોગોમાં થોડાક વખતમાં ક્યાં તો મમતા-કૉગ્રેસનું ઘર્ષણ શરૂ થશે, નહીં તો મમતાને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવશે.

રાજકારણ અને અર્થકારણની આ સોગઠાબાજીમાં આખરે આજે નહીં તો 2014 સુધીમાં કૉંગ્રેસી મૂડીવાદનો જ વિજય થશે. એવું જણાય છે કે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે આર્થિક વિચારોની બાબતે ખાસ ફરક નથી. બે વચ્ચેનો મુખ્ય ફરક હિંદુવાદની અંતિમતાનો જ રહી ગયો છે. આથી એવું પણ બને કે ભાજપના પ્રખર હિંદુવાદીઓનું એક જૂથ ભાજપમાં રહી જાય અને બાકીના ભાજપવાળા કૉંગ્રેસમાં પ્રવેશી જાય. ગમે તેમ, 2009ની ભાજપની 121 બેઠકો આવનારા લાંબા સમય માટે ઉચ્ચતમ સંખ્યા બની રહે તેમ છે.

આથી જ, આ ચૂંટણી પરિણામોને કૉંગ્રેસના વિજય કે ભાજપ અથવા સામ્યવાદીઓની હારની રીતે જોવાને બદલે દેશના સામાન્ય માણસનું શું થશે તે વિશે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતારૂપે મૂલવવા જોઈએ. ભારતીય રાજકારણ એકવીસમી સદીમાં કરવટ બદલી રહ્યું છે. એક તરફ લોકોને લોકશાહીના અનુભવો યાદ રખાવનાર મીડિયા છે. બીજી તરફ ધીમે પણ મક્કમ ગતિએ વિસ્તરતી નાગરિક સમજ છે. અને આ બંનેને બળવત્તર બનાવતી જનાર માહિતી અધિકારની જોગવાઈ છે. નાગરિક જીવનનાં આ પાસાં વડે ભ્રષ્ટાચારી, બોદી, લોકવિરોધી અને નઘરોળ લોકશાહી નેતાગીરીની સામે થોડીક આછીપાતળી આશાની શરૂઆત થઈ શકી છે.

આ ચૂંટણીમાં થોડુંક સંતર્પક યુવાવર્ગનું પ્રદાન પણ છે. લોકસભાની ઉમર સાવ ગુડિયા જેવી નથી, તો સાવ બુઢિયા જેવી પણ નથી. પેલી પી. એમ. ઈન વેઇટિંગે વિપક્ષના નેતા બની રહેવાનો ઉપકાર કર્યો તેને કારણે પણ લોકસભાની સરાસરી ઉંમર વધી ! પણ ખરી અસર હવે યુવાઓ દ્વારા જોવા મળી શકે. શ્રી રાહુલ ગાંધી ગરીબની ઝૂંપડીમાં રહી આવ્યા છે, તેનો રોટલો પણ ખાધો છે, તેના જીવનમાં ઉપયોગી આર્થિક નીતિઓ ઘડાય અને રંજાડ-શોષણ વગરનું રાજ ચાલે તે જોશે ?

શ્રી મનમોહન સિંહની સરકાર મૂડીવાદનો ગઠ્ઠો બંધાવી ચૂકી છે. આ મૂડીવાદ આર્થિક વૃદ્ધિના જીડીપીના મોરચે ઊછળકૂદ કરે તેથી આમ આદમીના શિક્ષણ, સ્વાસ્થ્ય, આવાસ, પોષણ, વસ્ત્ર, પાણી, સ્વચ્છતા વગેરે મુદ્દા કદી ઊકલ્યા નથી. મહેબૂબ-ઉલ-હક તો જગતના અનેક દેશોના અર્થતંત્રોના અભ્યાસ ઉપરથી તારવે છે : ‘ગરીબી નિવારણ કાંઈ આર્થિક વૃદ્ધિની આડપેદાશ નથી.’ ભય બરાબર આ જ છે.

શેરબજારના ઉછાળાથી ધારાવીની ઝૂંપડીવાળાને સાદાં પણ સોઈવાળાં મકાનો સાંપડશે ? વાઇબ્રન્ટ ગુજરાત કે મહાસત્તા ભારત થકી વટવાનું પ્રદૂષણ ઘટશે ? પ્રચારતંત્રોનો ઉપયોગ કરીને રાજકર્તા વર્ગ લોકોને માથે સપનાંના સોદા ખતવતાં જાય છે, પેલો યુવાવર્ગ આ બધાની સામે જાગશે ? કોને ખબર ?

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved