માનવહકના પુરસ્કર્તા ધારાશાસ્ત્રી
મેં સ્વીકાર્યું હતું કે હું ચૂંટણી પરિણામો બાદના પડકારો વિશે વાત કરીશ. પરંતુ ત્રણ-ચાર દિવસમાં મૂંઝવણ વધી ગઈ કે શું વાત કરવી. પણ, ત્રણ-ચાર દિવસથી જે લેખો અને વિશ્લેષણ વાંચીએ છીએ એમાંના એકપણ પરિણામ પહેલાં કદી આવ્યા નહોતાં. તો, જે પરિણામો આવ્યાં એમાં એક વાત કહી દઉં કે જે બન્યું તે રૂડું થયું છે, અને આપણે એનો આનંદ મનાવવો જોઈએ. કોણ જીત્યું અને કોણ હાર્યું તે મહત્ત્વનું નથી. પણ, જે પરિબળો હાર્યાં છે તેને કારણે આવનારાં પાંચ વર્ષોમાં આપણને મોકળાશ મળશે તે ચોક્કસ છે. કારણ કે જે બળો હાર્યાં છે તે બળો જો જીત્યા હોત તો બમણી તાકાતથી એવું વાતાવરણ ઊભું કરત અને પુરવાર કરત કે 2004ની અમારી હાર એક અકસ્માત હતી અને અમારો વધુ પડતો વિશ્વાસ એમાં જવાબદાર હતો. એ બળો, આમ કરીને પોતાને કન્ફર્મ અગર તો અંકે કરત. જેમ અમારા સર્વિસ લૉ મુજબ શરૂઆતની નિયુક્તિ તદર્થ પ્રોબેશનલ અને એડહોક હોય છે, અને એક-બે વરસ પછી તે પાકી કહેતાં કન્ફર્મ થઈ જાય છે. એમ અહીંયા પણ તેમની છ સાત વર્ષની જે શરૂઆત હતી તે ભલે એક અકસ્માત હતો પણ તેને કન્ફર્મ જાહેર કરીને આગળ ચાલત જે આપણે માટે ભયાવહ પુરવાર થાત. એટલું તો ખરું કે આપણા જેવા લોકો માટે બીજાં પાંચ વર્ષ કામ કરવાની તક આ પરિસ્થિતિમાં રહેલી છે. એવું નથી કે આ પરિબળો જીત્યા હોત તો આપણે કામ નહોતાં કરવાનાં, પણ એ ખાસું કાઠું બની રહેત.
વળી, લેફ્ટના અમારા મિત્રોની ચર્ચામાં જે મને હંમેશા ભૂલ લાગે છે તે એ કે કૉંગ્રેસનાં બળો અને ભાજપનાં બળોમાં કોઈ ફરક (ડિફરન્સ) નથી એવું તેઓ માને છે જે મને ઠીક નથી લાગતું. બેઉ વચ્ચે કશોક ફરક ચોક્કસ છે. કદાચ, રોજબરોજના કૉંગ્રેસ અને ભાજપના વ્યવહારમાં કોઈ ફરક ના લાગતો હોય. પણ ખુલ્લંખુલ્લા કૉમ્યુનલ કાર્ડ રમતી પાર્ટી હોય અને ના રમતી પાર્ટી હોય તે બે વચ્ચે ફરક તો રહેવાનો.
આ પરિણામોની વાત કરીએ-અને આપણો વિષય તો પડકારોનો છે – આપણા જેવા લોકો માટે તો દરેક ચૂંટણીનાં પરિણામો પડકારરૂપ જ રહેવાનાં. આ પડકારો, કંઈ નવા નથી. એટલે સુધી કે આપણી પોતાની સરકાર પણ આવે-ચોખ્ખી સરકાર આવે તોપણ પડકારો તો રહેવાના જ. ક્રાંતિ (રિવોલ્યુશન) પછી પણ, તે પ્રતિક્રાંતિ (કાઉન્ટર રિવોલ્યુશન)માં ફેરવાઈ ન જાય તે જોવાનો પણ પડકાર છે. એ રીતે આપણે માટે પડકારોની નવાઈ નથી.
આજના વિષયને બહોળી રીતે ત્રણ ભાગમાં વહેંચવા માંગુ છું. હું આ જે કહું છું તે કોઈ જબરદસ્ત વિશ્લેષણ નથી. એક રીતે તે એ જ છે જે બધાં જાણે છે. એક તો આ પરિણામો શું બતાવે છે ? જો આપણે છાપાંમાં વિગતે વાંચીએ તો આ ચૂંટણીમાં આવું પરિણામ કેમ આવ્યું, એમાં કયાં બળોએ ભાગ ભજવ્યો તેનું બરોબર ઊંડું વિશ્લેષણ થયું નથી. દરેક રાજ્યમાં જુદાં જુદાં પરિબળોએ કામ કર્યું છે. પહેલી વાર એવું લાગ્યું કે ચાર મોરચા કામ કરતા થયા – એનડીએ, યુપીએ, ત્રીજો મોરચો અને ચોથો મોરચો. સ્થાનિક સ્તરે જોઈએ છીએ ત્યારે લોકોએ શા માટે અને કોને મત આપ્યા તે સમજાતું નથી. પરંતુ વ્યાપક સ્તર પર આખાય દેશમાં એક તરાહ (પૅટર્ન) દેખાતી હોય છે આખા દેશમાં યુપીએ તરફનું વલણ હતું. આ તરાહ એક રાજ્યમાં અટકી જતી નથી, એ રાષ્ટ્રવ્યાપી હતી.
બીજું, આ ચૂંટણીનું સહુથી મોટું જમા પાસું હોય તો એ હતું કે આ ચૂંટણી સમધારણ કહેતાં નૉર્મલ હતી – એટલે કે કોઈ મોજું નહોતું. છેલ્લી ચાર-પાંચ ચૂંટણીઓમાં કોઈ ને કોઈ મોજાં હતાં. પરંતુ મહદંશે આ ચૂંટણી સમધારણ થઈ. 100 કરોડની વસ્તીમાં, 40-50 કરોડ લોકો મત આપે તેની વ્યવસ્થા કરવી તે સહેલું નથી. એટલે એમાં કોઈ ગરબડો નથી થઈ એવું મારે નથી કહેવું. પરંતુ એની સઘળી મર્યાદાઓમાં પણ આ એક લોકશાહી ચૂંટણી હતી.
ત્રીજું કે, આ ચૂંટણીમાં ખરેખર કોની હાર થઈ છે ? એનડીએ અને યુપીએના એકંદરે મતોમાં 4થી5 % નો ફરક છે. તો, એનડીએ પહેલાં જેવું નથી રહ્યું. પરંતુ ભાજપ – શિવસેનાએ પોતાની ર્સ્ટ્રેંગ્થ જાળવી રાખી છે. એટલે કે એનડીએ હાર્યું છે. પરંતુ, હિંદુત્વનાં બળોની હાર થઈ નથી. ભાજપે પાંચથી છ રાજ્યોમાં પોતાનો પગદંડો જમાવ્યો છે. ઝારખંડ-છત્તીસગઢ જેવાં આદિવાસી રાજ્યોમાં ભાજપનો ખાસ્સો પગપેસારો છે. તો જે ભયાવહ વલણ છે તે એ કે કર્ણાટક (દક્ષિઁણ ભારત)માં ભાજપે જગ્યા પાકી કરી છે. કર્ણાટકની બંને મુખ્ય કોમોનું કોમવાદીકરણ કરવામાં ભાજપ ને સફળતા મળી છે.
તો સીપીઆઈ, સીપીએમ, તેલુગુ દેશમ, એઆઈડીએમકેના ત્રીજા મોરચાની બેઠકો ઓછી થઈ છે જે ચિંતાજનક છે. અમર્ત્ય સેને એમ કહ્યું કે ભારતે પોતાનો ડાબેરી અવાજ ગુમાવ્યો છે. 110 કરોડની વસ્તીમાં, ગરીબ લોકો માટે બોલી શકે તેવા આ બે ડાબેરી પક્ષો – જોકે પોતાને રાષ્ટ્રીય પક્ષ તરીકે ગણાવે છે – પરંતુ પશ્ચિમ બંગાળ અને કેરલમાં જ શાસનમાં આવી શક્યા છે. તેમની ઓછી બેઠકો મુશ્કેલી સર્જશે. તો, યુપીએમાં મુખ્ય કૉંગ્રેસ છે તેમ કોઈ આઇડિયોલૉજી – વિચારધારા – તેમાં નથી. કોઈ યંગ ટર્ક, સોશલિસ્ટ કે લેફ્ટિસ્ટ. લોકલક્ષી વિચારણાવાળું એમાં કોઈ નથી. મનમોહનસિંહ, મોન્ટેકસિંહ અને ચિદમ્બરમ એ તો એલપીજી (લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન)ના ચેમ્પિયન છે.
તે સાથે, રાહુલ પાસે પણ કોઈ વિચારધારા નથી. એની ‘યંગ ટીમ’ કેવી છે ? બધા દેખાય છે મસ્ત, પણ છેવટે તો એ બધા એલિટ છે. એમાં નાનો માણસ કયાં કોઈ દેખાય છે ? એટલે ચિત્ર એવું છે કે સેન્ટરિસ્ટ – રાઇટિસ્ટ બળો જીત્યા છે અને હિંદુત્વની હાર નથી થઈ.
વળી ચોથો મોરચો કે જેમાં રાજદ અને સપા હતાં, તે આજે ભલે કહે કે અમારે તો મોરચા જેવું કંઈ નહોતું. પરંતુ, હું ચોથા મોરચાને એટલું તો મહત્ત્વ આપવા માગું જ છું કે હિન્દીભાષી મોટાં બે રાજ્યો ઉત્તરપ્રદેશ અને બિહારમાં અડવાણીનો જે યુગ 90માં શરૂ થયો તેને અટકાવવામાં લાલુપ્રસાદ અને મુલાયમસિંહની ભૂમિકા રહેલી.
મૂળ મુદ્દો એ છે કે સેન્ટરિસ્ટ બળો ભાજપમાં પણ છે અને યુપીએમાં પણ છે. જેવાં છે તેવાં ડાબેરી બળો નબળાં બહાર આવ્યાં છે અને હિંદુત્વના બળો હાર્યાં નથી. આ સંજોગોમાં મોદીનું જ વિકાસ મોડલ ભાજપ અખિલ ભારતને ધોરણે સ્વીકારે એમ બને. આ મોડલ હિંદુઆઇઝ્ડ ગ્લોબલાઇઝેશનનું મોડલ છે. મોદી કદી હિંદુત્વના પ્લેટફોર્મને છોડી શકે તેમ નથી. તેમના માટે હિંદુત્વ એ એક આસાન ઓજાર છે. એટલે એક યા બીજા સ્વરૂપે કે પછી આતંકવાદના નામે આ મોદીનું જે મોડલ છે તે વાસ્તવમાં લઘુમતીવિરોધી છે. એ સર્વસમાવેશી તો નથી જ, અને ગરીબવિરોધી પણ છે જ. તો, આશ્ચર્યજનક રીતે જે ‘ખામ’ ની થિયરીએ માધવસિંહ સોલંકીને જીત અપાવી હતી તે ખામમાંથી ‘એમ’ને બાદ કરીને, પટેલોને પણ બાકાત રાખીને ‘કાસ્ટ ફૅકાર’ નો જબરદસ્ત ઉપયોગ કર્યો. ગુજરાતમાં પછાત વર્ગોમાં ઉદ્દામ ચળવળના અભાવને કારણે ભાજપને એમને કોમવાદી બનાવવામાં સફળતા મળી. આ મોડલનો મને ડર લાગે છે. આ ભયાવહ મોડલને જો દેશમાં સ્વીકારવામાં આવે તો એની સામે કેમ લડવું એનો વિચાર કરવો પડે.
વિકલ્પે, બીજું એક મોડલ ભાજપ- એનડીએ લાવી શકે. તે છે ઉગ્ર રાષ્ટ્રવાદનું કે અલ્ટ્રાનેશનલિસ્ટ. રાજ્યને મજબૂત બનાવો, લશ્કરીકરણને બઢાવો, સવાઈ સત્તાની થિયરી ચલાવો, ન્યૂક્લિયર બોમ્બની થિયરી ચલાવો. આ આખીય ઉગ્રરાષ્ટ્રવાદી થિયરી એ છે જે નાઝી ફિલૉસૉફીનો એક મુખ્ય ભાગ હતો. ઘણા પૂછે છે કે ભાજપ શા માટે મજબૂત સેન્ટરિસ્ટ રાષ્ટ્રવાદી પક્ષ બની ન શકે ? અને, એ કારણસર એણે હિંદુત્વને દબાવવા માટે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ની પણ વાત કરી. એમાં તરત ઍન્ટિ-મુસ્લિમ જેવું ના દેખાય, પણ હિંદુત્વની જે વ્યાખ્યા હોય એમાં ‘બધુંય’ આવી જાય ! અને કર્ણાટકમાં એની સુવાંગ ફતેહને કારણે ભાજપ એક સો ટકા રાષ્ટ્રવાદી પક્ષ તરીકે ઊપસવાની જબરદસ્ત કોશિશ કરશે. આમેય જે વૈશ્વિકીકરણ ચાલ્યું છે તેમાં દરેક દેશની અંદર પોત-પોતાના પ્રશ્નો ઊભા થયા છે એટલે દરેકે પ્રત્યાઘાતી વિચારધારાને ‘રાષ્ટ્રવાદ’નું રૂપ આપવા માંડ્યું છે. અમેરિકા પણ આમાંથી બાકાત નથી.
પડકારના સંદર્ભમાં ખાસ તો એ કહેવાનું કે 75 વર્ષે મને જે મોટી નિષ્ફળતા દેખાય છે તે એ કે આપણે શક્તિશાળી લોક આંદોલન (પીપલ્સ મૂવમેન્ટ)નો માહોલ ઊભો ન કરી શક્યા. લોકોની સત્તાને મજબૂત કરવાનું, તેનું સંસ્થાગત રૂપ આપવાનું કામ આપણે માટે પડકાર છે. આપણી પાસે પડકાર છે વૈકલ્પિક રાજકીય મોડલ આપવાનો – હાલના મૂડીવાદી મોડલથી જુદું મોડલ આપવાનો. થોડાંક વર્ષો પહેલાં હું એવું માનતો હતો કે ગાંધીજી અને કાર્લ માર્ક્સને દુનિયાએ ભૂલાવી દીધા છે. પરંતુ, 21મી સદીમાં હવે વધુને વધુ એમને યાદ કરાઈ રહ્યા છે. આપણે બંનેને એકત્ર આણવાના છે. આપણે આપણી લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવાની છે. આપણે સૌ શા માટે એકત્ર ન આવી શકીએ ? ગુજરાતમાં સહેજે એક લાખ જેટલા લોકો એવા હશે જે આવું આપણા જેવું વિચારતા હોય. ભલે આપણી વિચારસરણી જુદી હોય પરંતુ હિંદુત્વવિરોધી અને ગરીબો તરફી વલણ એ આપણને જોડતી કડી છે. એક બાજુ એલપીજી બળો અને બીજી બાજુ હિંદુત્વવાદીબળો, બંધારણનાં મૂલ્યો અને જુસ્સાને વિકૃત કરવાની કોશિશમાં છે. તેમાં આપણે બંધારણીય જોગવાઈઓ દ્વારા નાના માણસોને કેવી રીતે બચાવી શકાય તે વિચારવાનું છે.
આપણે બે રીતે કામ કરવાનું છે. એક, વ્યવસ્થાની અંદર કામ કરતા શીખવાનું છે ; અને બીજું, વ્યવસ્થાની બહાર જઈને. તેને સુધારવાની પણ છે. જાત-જાતના માણસો ભેગા થઈને એક વ્યાપક મોરચો (બ્રોડ ફન્ટ) કેમ ન થઈ શકે ? ગુજરાતનું ભ્રમણ કરીને લોકોના પ્રશ્નોને સમજીએ અને થિયરીની ચિંતા કર્યા વગર આજના ગુજરાત માટે કામ કરીએ તે જ મોટો પડકાર છે.
નર્મદ મેઘાણી લાઇબ્રેરી (મીઠાખળી, અમદાવાદ) ખાતે સેક્યુલર લોકશાહી આંદોલનના ઉપક્રમે આપેલું વક્તવ્ય, 21-5-09, નોંધ : મીનાક્ષી જોશી