Opinion Magazine
Number of visits: 9556788
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અકાદમી-પ્રકરણ પર એક નજર

રમણ સોની|Opinion - Opinion|3 August 2015

‘અકાદમી-પ્રકરણ’ પર એક નજર

૧

૧.૧ ગુજરાત સરકારે,  નવો ઠરાવ કરીને, નિયમોમાં અનુકૂળ ફેરફાર લાવીને, નિવૃત્ત સાંસ્કૃિતક સચિવ ભાગ્યેશ જ્હાને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સીધા જ નિયુક્ત કરી દીધા, એમાં લોકશાહી પ્રણાલીનું તેમ જ સાહિત્યસમાજનું ગૌરવ સચવાયું નથી – એવા વાંધા સાથે આ નિયુક્તિ સામે ઊહાપોહ થયો. ઊહાપોહ અને વિવાદ ‘નિરીક્ષક’ના પાને શરૂ થયા (ને હજુ ચાલે છે). ‘નવગુજરાત સમય’માં (ને અન્યત્ર) પણ ઉભયપક્ષી મંતવ્યોવાળા કેટલાક લેખો પ્રગટ થયા. વળી, ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ આ અ-સ્વાયત્તતાના વિરોધમાં, ‘સ્વાયત્તતાના મૂળ (૭-૪-૨૦૧૫ પહેલાંના) માળખાને પુનઃસ્થપિત’ કરવાનો આગ્રહ રાખતો ઠરાવ કર્યો. બીજી બાજુ, સરકાર-નિયુક્ત અધ્યક્ષે નિમંત્રણપત્રો મોકલીને કેટલાક સાહિત્યકારોના એક માર્ગદર્શક મંડળની રચના કરી. એમાં સાહિત્ય પરિષદના કેટલાક ભૂતપૂર્વ અને સામ્પ્રત હોદ્દેદારો (પ્રમુખો, ઉપપ્રમુખ, મંત્રી, સભ્ય) પણ છે. નિમંત્રિતોમાંથી એક નરોત્તમ પલાણે એ નિમંત્રણ ન સ્વીકાર્યું.

૧.૨ સ્વાયત્તતાનો પક્ષ કરનાર લેખક-વિચારકોમાં એક-બે વિશેષ મત પણ ઊપસ્યા. રમેશ બી. શાહે એક મૂળભૂત વાત કરી કે, સાહિત્ય પરિષદ સમેતની સંસ્થાઓ સરખું ને પૂરતું કામ કરતી જ હતી, તો સરકારને વળી આવી અકાદમી જ શા માટે ઊભી કરવી પડી. સિતાંશુ યશશ્ચંદ્રે એવું કહ્યું કે વિરોધ-આંદોલન-સાફસૂફી સ્વાયત્ત સંસ્થાઓ પણ માગે જ છે, આપણે બંને મોરચે લડીશું, તો જ લડત યોગ્ય ગણાશે.

૧.૩ કેટલાક લેખકોએ બીજો મત પણ પ્રગટ કર્યો. આમાં શું ખોટું થઈ ગયું છે? – ત્યાંથી માંડીને, ત્યાં જુઓને, સ્વાયત્ત સંસ્થાઓમાં ય કેવો સત્તાવાદ ચાલે છે? એમાં લોકશાહી-પ્રણાલી બચી છે કે માત્ર એનું ખોખું જ છે? – ત્યાં સુધી કહેવાયું. વળી, એવાં મંતવ્યો-આરોપણો પણ ઊપસ્યાં કે, પહેલાં પણ અકાદમી અંગે, બિનલોકશાહી ગણાય એવી ચેષ્ટાઓ થઈ છે. ત્યારે ચૂપ રહેલાઓ હવે કેમ હોબાળો કરે છે. એક તર્ક એવો પણ રજૂ થયો કે, શું સરકાર લોકશાહી પદ્ધતિએ રચાઈ નથી? એ લોકનિયુક્ત સરકારે જ જો આ અકાદમી-અધ્યક્ષની નિયુક્તિ કરી હોય તો એ બિનલોકશાહી રીત કેવી રીતે ગણાય?

૨

૨.૧ સ્વાયત્ત ગુજરાત સાહિત્ય અકાદમીએ કેટલીક ઉપયોગી સાહિત્યપ્રવૃત્તિઓ કરી છે : સૌથી વધારે તો, બીજી કોઈ સાહિત્યસંસ્થા (આર્થિક વ્યવસ્થાને અભાવે) ન કરી શકે એવાં ને એટલાં પ્રકાશનો એણે કર્યાં. મહત્ત્વના લેખકોના સર્વ-કૃતિ-સંગ્રહોની શ્રેણીઓ; પ્રકલ્પો રૂપે બૃહદ સૂચિગ્રંથો ને સંદર્ભગ્રંથો; વિવિધ સંપાદનો-સંચયો અને વિશેષાંક-ગ્રંથો; ‘શબ્દસૃષ્ટિ’ માસિક-સામયિકનું સાતત્યભર્યું સંપાદન-પ્રકાશન; શિષ્ટ ગ્રંથોને આર્થિક પ્રકાશન-સહાય અને સાહિત્ય-શિક્ષણની સંસ્થાઓને પરિસંવાદો માટે મોટો આર્થિક સહયોગ; વગેરે. આમાં ઘણું મોટું સરકારી ભંડોળ વપરાયું હશે પણ કોઈ સરકારી હસ્તક્ષેપ ન લાગ્યાથી, આ બધામાં, સર્વ ગુજરાતી લેખકોનો સહયોગ મળતો રહ્યો. વાતાવરણ ખુલ્લું હતું – નવી સ્વાયત્ત કાર્યવાહક સમિતિ આવે એ પૂર્વેની કામચલાઉ વ્યવસ્થાના કાળમાં પણ (પૂરી સ્વાયત્ત સ્થિતિ નથી-એવો ખટકો છતાં) એ મહદંશે ખુલ્લું જણાયેલું.

૨.૨  આવી કંઈક નરવી સ્થિતિમાં એક દખલગીરી જેવી ઘટના બની – ૨૦૧૪ની શરૂઆતથી ‘શબ્દસૃષ્ટિ’માં પરામર્શકમંડળ દાખલ થયું. એની ભાત પણ જોવાસરખી છે : શરૂઆતના અંકોમાં સંપાદકનામની નીચે પરામર્શક મંડળનાં નામ મુકાયેલાં, થોડા અંકો પછી પરામર્શકોનાં નામ સંપાદકનામની ઉપર લખાવાં લાગ્યાં. હર્ષદ ત્રિવેદીએ અકાદમી અને સંપાદન છોડ્યાં એ પછી પરામર્શકમંડળનાં જ નામ રહ્યાં – (નવા) સંપાદક વિનાનું માત્ર પરામર્શકમંડળ. પછી વળી એ જ નામો સામે ‘સંપાદકમંડળ’ એમ લખાવા માંડ્યું. ફરી પાછું એ જ નામો સામે ‘પરામર્શક મંડળ’! ન સમજી શકાય એવી અવઢવ અને અરાજકતા.

પરામર્શક મંડળ આવ્યું ત્યારે એક-બે વિરોધી સૂર ઊઠેલા. ‘નિરીક્ષક’માં ચંદ્રકાન્ત ટોપીવાળાએ વિરોધ વ્યક્ત કર્યો. (ને ‘શબ્દસૃષ્ટિ’માં ન લખવાનો નિર્ણય લીધો.) એ જ અંકમાં મેં પણ લખ્યું કે – સંપાદક માટે આવશ્યક એવી મોકળાશ પર કોઈ દાબ આવી જવાનો હોય તોપણ પરામર્શક મંડળ હોય એ ખોટું, અને ધારો કે એમ ન થવાનું હોય તો – માત્ર શોભાનું હોય તો – એ વધારાનું (રિડન્ડન્ટ) ગણાય. કેટલાકે પરામર્શક મંડળની તરફેણ પણ કરેલી. ખેર.

અત્યારની ઘટના સાથે એનો સંબંધ એ રીતે કે,  ભાગ્યેશ જ્હા સાંસ્કૃિતક ખાતા/વિભાગના સચિવ તરીકે  અકાદમીની સાહિત્યિક પ્રવૃત્તિઓ અંગે નિર્ણયો લેનારી, તે સમયપૂરતી, કાર્યવાહક સમિતિના વડા પણ હતા જ. ત્યારે પરામર્શક પણ થવાનું એમણે પસંદ ન કર્યું હોત તો, સાહિત્યના લેખક તરીકે એમને માટે એ શોભારૂપ હોત, સાહિત્યનું એમને હાથે ગૌરવ જળવાયું હોત. એ જ તર્કસરણી આગળ ચલાવીએ તો, નિવૃત્ત થયા પછી, એમના અકાદમી અંગેના બહોળા અનુભવને અને એમની વહીવટી દક્ષતાને પ્રયોજીને ભાગ્યેશભાઈ કોઈ સ્વતંત્ર અને ઉપયોગી સાહિત્યપ્રવૃત્તિના પ્રેરક બનવાનું વિચારી શક્યા હોત – અને સરકારે, આ રીતે, અર્પેલા અધ્યક્ષપદનો, એવા પ્રસ્તાવનો નમ્ર અસ્વીકાર કરી શક્યા હોત. સત્તા અને સ્વાયત્તતાનાં બે પસંદગીસ્થાનોમાંથી સ્વાયત્તતાના પક્ષે તે રહી શક્યા હોત …  સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનું રક્ષણ, એ ક્ષણે, એમના હાથમાં હતું.

૩

૩.૧ પરંતુ, ભાગ્યેશ જ્હા સામે ચીંધેલી આંગળી ક્ષોભથી પાછી વળી જાય એવું થયું. ભાગ્યેશભાઈને તો શું કહીએ, જ્યારે વયવરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ – શતાયુ સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂકેલાં સાહિત્યજનોએ – અ-સ્વાયત્ત અકાદમીના ‘માર્ગદર્શક’ સભ્યો થવાનું સ્વીકાર્યું?! સ્વાયત્ત અકાદમીમાં આ બધાં નામ નિઃશંક શોભી ઊઠ્યાં હોત – પણ અહીં?  એમને કોઈ જ સવાલ ન થયો? કે વિચારવાનો સમય પણ ન માગ્યો એમણે? સ્વીકારમાં જ લાભ જોયો? વરિષ્ઠોએ તરત સ્વીકારમાં લાભની સંભાવના ન જોઈ હોત, તો એ ઇષ્ટ સ્થિતિ હોત! પણ, કમસે કમ, ભાગ્યેશભાઈને તો ખાતરી હશે જ કે આ વરિષ્ઠ માર્ગદર્શકો અસ્વીકારની ધૃષ્ટતા નહીં જ કરે! એક નરોત્તમ પલાણે એવી આવશ્યક ધૃષ્ટતા કરી. પણ, ‘અકાદમીના માર્ગદર્શક મંડળમાં મારી નિમણૂક કરી એ મારે માટે ગૌરવની ઘટના છે’ એવું એમને શા માટે કહેવું પડ્યું? (અધોરેખા મેં કરી છે. – લે.) ખરેખર તો પ્રત્યુત્તરનું એમનું છેલ્લું વાક્ય : ‘ક્ષમાયાચના સાથે નિમણૂકનો અસ્વીકાર કરું છું.’ એ જ મહત્ત્વનું ન હતું? એમ છતાં, એમનો આ નિર્ણય દાખલારૂપ અને ખૂબ અભિનંદનીય છે.  
આમ, અકાદમીની સ્વાયત્તતા-રક્ષા, આ બીજી ક્ષણે, આ સર્વ (નિમંત્રિત) સાહિત્યકારોના હાથમાં હતી.

૩.૨ એટલે કડવી વાસ્તવિકતા તો એ છે કે આપણા પગ નીચેની ધરતી જ નક્કર નથી. સ્વાયત્તતાને ને લોકશાહીને જીરવી શકે એવી આપણી – લેખકોની – મજબૂત પીઠિકા છે ખરી, એ પ્રશ્ન વારેવારે સામે આવી જાય છે! સાહિત્યલેખન સ્વાન્તઃસુખાય હોય, આંતરિક જરૂરિયાતરૂપ હોય કે ભાવકસુખાય હોય, સમાનધર્માની ખોજરૂપ હોય, એ એક સ્થિતિ. પણ બીજી સ્થિતિ એ કે લેખક માણસ પણ છે – ધન-કીર્તિ-સત્તા-પુરસ્કાર-સ્વીકૃતિ એ બધું એને જોઈએ. બરાબર છે. પણ એને ગૌરવની હદ સુધી રાખી ન જ શકાય? કળાકારગૌરવ ખરું, તો મનુષ્યગૌરવ નહીં?

એ જ કારણે સ્વાયત્ત સાહિત્યસંસ્થાઓમાં પણ સત્તાકેન્દ્રો રચાય છે. સત્તાશીલો અને ભાવિ સત્તાની પેરવીવાળાઓ; સદ્ય લાભાર્થીઓ અને ભાવિ લાભની સંભાવનાથી ખેંચાઈ જનારાઓ; ઓછી સાહિત્ય-લેખન-શક્તિએ વધુ પ્રાપ્તિઓ ઇચ્છનાર મહત્ત્વાકાંક્ષીઓ અને સાચી લાગેલી વાતને પણ વિવાદભયે (કજિયાનું મોં કાળું, એમ ગણીને) વ્યક્ત ન કરનારાઓ – એ બધા  જ આવાં સત્તાકેન્દ્રો જન્મે એ માટે જવાબદાર હોય છે. સત્તાશીલોને લેખકોની આ નબળાઈની ખબર હોય છે. એથી જ સ્વાયત્ત સંસ્થાઓમાં ય સાહિત્ય કે કળા નામના મૂળભૂત મૂલ્યનું રક્ષણ પણ થતું નથી, એવી કશી જ ખેવના કે દરકાર કરાતી નથી. રમેશ પારેખની એક કાવ્યપંક્તિમાં છે એવો – ‘કોઈ નથી કરતું પડપૂછ, મને ખમ્મા’-પ્રકારનો છાક વ્યાપતો જાય છે. અને સ્વાયત્તતા, લોકશાહી-મિજાજ મીણની જેમ પીગળી જાય છે. (મરીને ઢગલો થઈ ગયેલું મીણ પણ પાછું મીણ તો કહેવાવાનું જ!)
એટલે પરિસ્થિતિ કપરી તો છે જ! ભય અને નાનોસરખો લોભ પણ ઘણાખરાં સાહિત્યજનોને આમ કે તેમ ફંગોળી શકે એવું છે. સ્વાયત્તતાના આપણા આગ્રહની ધરતી પૂરેપૂરી નક્કર છે? મુઠ્ઠી જાણે જોરથી ભીડી શકાતી નથી. અશક્ય કદાચ નથી, પણ ઘણું મુશ્કેલ છે.

૪

૪.૧ પરંતુ સ્વાયત્તતા એક દૃઢ માનસિકતા છે – એક સ્પિરિટ છે, એક મિજાજ છે. લોકશાહીનાં દૂષણો અનેક છે; હતાં. જોવા-શોધવા જવું પડે એમ નથી. પણ એથી લોકશાહીની ખેવના જ ન રાખવાની? સ્વાયત્ત સંસ્થાઓમાં પણ ઘણાં દૂષણો છે; હતાં. પણ એથી સ્વાયત્તતા વગર પણ ચાલે એમ કહી દેવાનું? અ-સ્વાયત્તતા એક વાર આપણને કોઠે પડી ગઈ તો પછી દિલ્લી પણ દૂર નથી. એટલે અધ્યક્ષપદે આવેલ સાહિત્યજન ઓછી સાહિત્ય-સજ્જતાવાળા છે કે સંસ્કૃતના વિદ્વાન અને ગુજરાતીના કવિ છે – એવાં મતાંતરો પણ અસ્થાને છે. પ્રકાશ ન. શાહે લખેલું એમ રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત ટોપીવાળા કે સિતાંશુ યશશ્ચંદ્રની પણ આ જ ઢબે નિયુક્તિ થઈ હોત, તો એ પણ અસ્વીકાર્ય જ હોત.

૪.૨ સ્વાયત્તતા અંગેનું આંદોલન જરાક ધીમું ગણાય? એવા પ્રશ્નો પણ કોઈને થાય : શરૂઆતના ઉદ્રેકને ને રોષને ત્વરિત સક્રિય કરી શકાયો હોત? તરત વાટાઘાટો ને પછી ઝડપી પગલાં એમ થઈ શક્યું હોત? આંદોલનને બિનજરૂરી ગણનારા પણ સાહિત્યકાર મિત્રો જ હતા – એમની સાથે એક ચર્ચા-વિમર્શ-સભા યોજી શકાઈ ન હોત? અલબત્ત, એથી વાત જરા પણ અપ્રસ્તુત થઈ જતી નથી.

૪.૩ રમેશ બી. શાહને ગુજરાત સાહિત્ય અકાદમીનો ઉદ્દભવ જ બિનજરૂરી, વધારાની સંસ્થારૂપ લાગ્યો. એક આત્યંતિક વિચાર એ આવી જાય કે, સાહિત્ય‘સંસ્થા’ જ શા માટે? સાહિત્યસંસ્થાઓએ સંઘબળે ને આર્થિક વ્યવસ્થાઓ વડે કેટલાંક ઉપયોગી કામ કર્યાં પણ એ જ સંઘબળે અને આર્થિક વ્યવસ્થાઓએ ઘણે અંશે તો, સત્તાજૂથ રચીને નકારાત્મક મૂલ્યો પણ ઉપજાવ્યાં : નબળાં પ્રકાશનો, મધ્યમ બરની કૃતિઓને અને લેખકોને પારિતોષિકો, જૂથબંધીમાં ન જોડાનાર શાન્ત લેખકોની અને જૂથબંધીનો વિરોધ કરનાર લેખકોની (એ ઉત્તમ હોવા છતાં) ઉપેક્ષા – એમ અનેક રીતે સાહિત્ય-મૂલ્યની વિડંબના કરી છે ને સાહિત્યનું ગૌરવ જાળવ્યું નથી. એવી સાહિત્ય સંસ્થાઓ વગર ન ચાલે? સુરેશ જોષી જેવાને ચાલ્યું જ હતુંને! વિજયરાય વૈદ્યે ૧૯૨૪માં ‘કૌમુદી’ સામયિક શરૂ કરેલું એની ઉત્તમતા પરખીને બલવંતરાય ઠાકોરે એમને કહેલું – ‘આ સાહિત્યપરિષદવાળા સાહિત્યનું ત્રૈમાસિક કાઢવાના વિચારો ને વાતો કરે છે ઘણા વખતથી, પણ એ કરી બતાવ્યું તમે. ઑલ ગ્રેટ વર્ક ઇઝ ડન બાય ઇન્ડિવિઝ્યુઅલ્સ, બાય કૅપેબલ સિંગલ-માઇંડેડ મેન.’ (વિનાયકની આત્મકથા), અને એમની પ્રવૃત્તિને ‘નિર્વિરોધ સ્વાયત્તતા’ લેખેલી!

લેખકને સંસ્થાશૂન્યતાનો વિચાર પણ આવી શકે. પરંતુ હમણાં તો, વાતાવરણને સ્વાયત્તતાએ આંદોલિત કર્યું છે, એના તરફ કાન માંડીએ …

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 04-05

Loading

3 August 2015 admin
← તિરંગાના સર્જકનું સ્મરણ અને સલામ
હિરોશિમાનાં ૭૦ વર્ષ : વિવેકની કોઈ શાશ્વતી ન હોય ત્યારે જોખમો પેદા કરવામાં જોખમ છે →

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved