Opinion Magazine
Number of visits: 9447969
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યોગદિનમાં હું જોડાયો, પણ … …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|14 July 2015

શ્રી એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદ :

યોગદિનમાં સહુ અધ્યાપકોએ જોડાવાનું છે એ મતલબની નોટિસ મારી કૉલેજમાં કાઢવામાં આવી. એ કાર્યક્રમમાં જોડાવાનું મને આચાર્યએ વ્યક્તિગત રીતે પણ કહ્યું. મેં સાફ કીધું, ‘હું તો નહીં આવું, મારે તો વૈચારિક વાંધા છે.’ એટલે એમણે વિનંતીના સૂરે મને આવવાનું કહ્યું. અમારી વાતચીતમાંથી મને એ સમજાયું કે સરકારનું દબાણ છે. સરકાર કૉલેજો પાસે અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની હાજરીની માહિતી મગાવે છે. બપોરે યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો સંદેશ પણ આચાર્યએ મને ફૉરવર્ડ કર્યો જેમાં એમ લખ્યું હતું કે કાર્યક્રમ અંગેની માહિતી રાજય સરકારના ઇ-જ્ઞાન પોર્ટલ પર યોગદિને બપોર બાર સુધીમાં મૂકવાની છે.

સરકારના કહેવાથી આવા કોઈ કાર્યક્રમમાં જોડાવાની ફરજ ન પડે તેટલી લોકશાહી મારી કૉલેજમાં અત્યાર સુધીના પંદરેક વર્ષમાં જોઈ હતી. સરકારની જોહુકમી અનુભવવાનો આ પહેલો પ્રસંગ હતો. કોઈ મોટું ખોટું કામ કરવાનું ન હતું, વ્યક્તિગત અપમાન કે જીવનમરણનો સવાલ ન હતો. વાતનું વતેસર કરવાની જરૂર ન હતી. એટલે સંસ્થાના હિતની દૃષ્ટિએ અને પ્રમાણ બહારની પ્રતિક્રિયા (ઇમ્પ્રપોર્શનેટ રિઍક્શન) ન આપવી જોઈએ એટલા માટે હું કાર્યક્રમમાં ગયો.

જો કે હું અંદરથી ભારે અજંપો અનુભવતો હતો. મારી પોતાની યત્કિંચિત રીતે નાગરિક સ્વાતંત્ર્યમાં માનનાર લોકશાહી દેશના નાગરિક, એક અધ્યાપક તરીકેની ગુંગળામણ હતી. મારા જેવું અનેક અધ્યાપકો અને નાગરિકોને લાગ્યું હશે એવી મને ખાતરી છે. બધી જગ્યાએ મરજિયાતપણાના દેખાડા હેઠળ, મારી પર અને આખા દેશ પર આડકતરી રીતે લાદવામાં આવેલી આ સામેલગીરી મને કઠતી હતી. મતાધિકાર ધરાવતા એક નાગરિક તરીકે મને યોગ દિન એ નરેન્દ્ર મોદી અને તેમની સરકારે આખા દેશ પર લાદેલો તાયફો લાગતો હતો. આવું વિચારવાનો મને પૂરેપૂરો અધિકાર છે એમ હું માનું છું. આટલા બધા ખર્ચ સાથે આ દિવસ ઉજવવો એ કોઈ પણ પક્ષની સરકારનો અગ્રતાક્રમ ન હોઈ શકે. તેણે અર્થતંત્ર અને વ્યવસ્થાતંત્રનો સાચો ઉપયોગ કરવા માટે સેંકડો મુદ્દા છે. એ વાતને હું જ શું, આ દેશનો કોઈ પણ સભાન નાગરિક કે અધ્યાપક સ્વતંત્ર લેખ તરીકે સમજાવી શકે.

પ્રથમ વ્યક્તિ એક વચનથી થઈ રહેલી આ વાત માટે સંકોચ પણ અનુભવું છું. છતાં નમ્રપણે કહું છું કે હું વર્ષોથી સૂર્યનમસ્કાર કરતો માણસ છું. એ વ્યાયામ મને ગમે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મેઘાણીનગરની શાખામાં 1972 થી 1978ના કોઈક વર્ષમાં, સાતથી તેર વર્ષની ઉંમરના ગાળામાં, એક સ્પર્ધામાં કંઈક ત્રણસોથી વધુ સૂર્યનમસ્કાર કર્યા હોવાનું સંભારણું આજે ય ખુદને ગમે છે. સૂર્યનમસ્કાર મને કોઈ સરકારી ફતવાએ, કે જેને ખુદને શુગર કન્ટ્રોલમાં રાખવાની જરૂર પડે તેવા સુંવાળા યોગા-ગુરુ, કે વેશપલટો કરીને ભાગી જનારા તેમ જ આશ્રમ નામે મિલકતમાં શસ્ત્રો રાખનારા રામદેવબાબા પાસેથી મળ્યા નથી. તે મને મારા યોગ: કર્મસુ કૌશલમ આચરનારા, ટાઢ-તડકો-વરસાદને શરીર પર ચાહીને ઝીલનાર, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પિતા પાસેથી મળ્યા છે. મોસાળ પક્ષે સિત્તેરની સાલમાં સાયકલ પર જઈને બૅન્કમાં નોકરી કરનાર મારાં માસી પાસેથી હિન્દુ સંસ્કાર તરીકે નહીં, પણ સ્વાસ્થ્ય સંસ્કાર તરીકે મળેલા છે. અમારા કુટુંબના એક દાદા એંશી વર્ષની ઉંમર સુધી સૂર્યનમસ્કાર કરતા. દંડબેઠક કરતા, મગદળ ફેરવતા મારા કાકાઓને અને પૂણેમાં આછા અજવાસવાળા લાલમાટીના અખાડાઓને નાનપણથી જોયા છે. એટલે જાણું છું કે વાચનથી થતી મન-દુરસ્તીની જેમ સ્વાસ્થ્ય-સંસ્કારથી થતી તન-દુરસ્તી એ સરકારી તાયફા અને ફતવાનો મામલો નથી. એ એક દિવસના ખેલથી ‘આપણી સંસ્કૃિત’ ‘પ્રિઝર્વ’ કરવાનો ઠાલો સંતોષ મેળવવાનો કાર્યક્રમ પણ નથી.

યોગદિન અંગે મારા મનમાં જે અજંપો અને અસંમતિ હતાં તે જેમાં અસરકારક રીતે મૂકાયાં હોય તેવાં કેટલાંક લખાણો મેં વાંચ્યા. તેમાંથી ચૂટેલા અંશો અહીં મૂક્યા છે. તે મારાં પોતાનાં મંતવ્યો પણ છે.

* * *

નિરુપમા સુબ્રમન્યન વીસ જૂનના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ માં લખે છે : ‘હું એકવીસમી જૂને યોગ કરવાની નથી. એનું કારણ એ છે કે ભારતના વડા પ્રધાન કે દેશની સરકાર કે પછી કોઈ રાજકારણી મને યોગ દિવસ કે બીજા કોઈ દિવસને નામે મારી તંદુરસ્તી  – તમે વેલનેસ કહેતા હો તો તે – વિશેના આદેશો કરે તે મને હરગિઝ પસંદ નથી. આવા આદેશોને જ્યારે ધર્મ, રાષ્ટ્રીયતા, દેશભક્તિ અને નૈતિકતા સાથે જોડવામાં આવે ત્યારે તો હું એમને ખાસ અવગણું છું. યોગને આવા આદેશોથી ઠોકી બેસાડવામાં યોગ અને તે કરનાર એમ બંનેનું અપમાન થાય છે. જેને યોગ કરવો નથી અથવા એમાં રસ નથી એવા લોકો પર એ લાદવો એ તો વધુ ખરાબ છે . એને કારણે ગયા કેટલાંક અઠવાડિયાંથી યોગની બેઇજ્જતી થતી રહી છે. એટલું જ નહીં પણ યોગ એક ફાયદો લાભદાયક પ્રવૃત્તિને બદલે એક ભાગલાકારક પરિબળમાં ફેરવાઈ ગયો છે.

મોદીએ યોગને લોકપ્રિય બનાવવાનો નિર્ણય કર્યો તેના પહેલાં કેટલાં ય વર્ષથી એ ફૂલ્યોફાલ્યો હતો. યોગના કેટલાક બહુ નિષ્ઠાવાન શિક્ષકો અમેરિકામાં છે, કે જ્યાં યોગશિક્ષણની માંગ ગઈ સદીના છઠ્ઠા દાયકાથી છે. તેના કરતાં ય પહેલા મહાન વાયોલિન વાદક યહૂદી મેનુહિન મહાન યોગશિક્ષક બી.કે.એસ.આયંગરનો તેમના મિત્રોને પરિચય કરાવ્યો હતો. ભારતનો શહેરી મધ્યમ વર્ગને યોગ રામદેવ પાસેથી ટેલિવિઝન પરથી જડ્યો તેના કેટલાં ય વર્ષ પહેલાંની આ વાત છે. ચીનમાં લોકો ઓછામાં ઓછા ગયા બે દાયકાથી યોગ કરતા રહ્યા છે. આયંગર જ્યારે બે વર્ષ પૂર્વે ચીન ગયા ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા જોઈને તેમને અચંબો થયો હતો. યોગ એવી બાબત નથી કે જેને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિશેષ દિવસ જાહેર કરવાની જરૂર પડે. ભારતને  વિશ્વમાં સૉફ્ટ પાવર બનાવવા માટે યોગને પચાવી પાડવાનો વડા પ્રધાન મોદીનો ડિપ્લોમૅટિક દાવપેચ ભ્રામક છે.’

* * *

જાણીતા કર્મશીલ અને ડૉક્યુમેન્ટરી ફિલ્મ મેકર આનંદ પટવર્ધને ફેઇસ બુકમાં દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સેસના શાહ આલમ ખાનની પોસ્ટ શેઅર કરી છે: ‘આ રવિવારે હું યોગ કરવાનો નથી. મુસ્લિમ વિદ્વાનો અને સંગઠનોની યોગ વિશેને નુકતેચીની હું રસથી વાંચતો રહ્યો છું. મને એમ લાગે છે કે આખી ચર્ચા સૂર્યનમસ્કાર ઇસ્લામ વિરુદ્ધ છે કે યોગ હિન્દુ કર્મકાંડ છે જેવા મુદ્દાની આસપાસ ઘૂમી રહી છે. કમનસીબે ઓણનું ચોણ વેતરાઈ રહ્યું છે.

ધાર્મિકતાના ઘોંઘાટમાં યોગ વિશેની ચર્ચા ધૂંધળી થઈ ગઈ છે. અને એમાં જ લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારના નામે દેશ પર રાજ કરી રહેલી સાંપ્રદાયિક શક્તિઓની જીત રહેલી છે. મોદી સરકારે દાખલ કરેલા આવા એજન્ડામાં આપણે મુખ્ય મુદ્દો ચૂકી જઈએ એ માત્ર કમનસીબ જ નહીં, જોખમકારક બાબત છે. યોગ કરવો એ હિન્દુ પરંપરાનો ભાગ છે કે મુસ્લિમ પરંપરાનો એની અહીં વાત જ નથી. વાત સૂર્યનમસ્કાર કરવા અંગેની પણ નથી. આપણામાંથી ઘણા સૂર્યનમસ્કાર સાથે કે તેના વિના યોગ કરે છે.

ચર્ચાનો મુદ્દો એ હોવો જોઈએ કે રાજ્યની યંત્રણાનો ગણતરીપૂર્વક ઉપયોગ કરીને લોકો પર યોગ લાદવામાં આવ્યો છે. સંસ્કૃિત સાથે જોડાયેલી એક પ્રવૃત્તિની (કે જે પ્રામાણિકતાથી જોતા એક આરોગ્યપ્રદ પ્રવૃત્તિ છે) બળજબરી એ આખી યોજનાને દુષ્ટતાભરી અને વિવાદાસ્પદ બનાવે છે.

ખુલ્લેઆમ રીત કરવામાં આવી રહેલા સાંસ્કૃિતક રિવાઇવલિઝમ એટલે કે પુનરુજ્જિવનવાદના આ કાર્યક્રમમાં સામેલ થવાનો હું ઇન્કાર કરું છું. એટલા માટે નહીં કે યોગ એ હિન્દુ પરંપરા છે. હું ઇન્કાર એટલા માટે કરું કે ભારતના બંધારણે મને અને બીજા લાખો ભારતીયોને આપેલા, સાંસ્કૃિતક ઓળખનું સ્વાતંત્ર્ય મારા હૈયે વસેલું છે.

હું એવું પણ નથી કહેતો કે યોગ સાંસ્કૃિતક ઓળખ પર અંકુશ લાવે છે કે તેને અવરોધે છે. પણ અત્યારની સરકાર આવી જાતનું જે રિવાવલિઝમ લાવવા માટે કમર કસી રહી છે તેનાથી મારા જેવા આમ આદમીના મનમાં ભય અને ડર ચોક્કસ પેદા થયા છે. એક લોક, એક સામ્રાજ્ય, એક નેતાનો જે એજન્ડા છે તેની પર ચર્ચા થવી જોઈએ અને તેનો ઇન્કાર થવો જોઈએ.

આ પોસ્ટ પછી કમેન્ટમાં આનંદે લખ્યું છે : ‘શાહ આલમ કે હું યોગના વિરોધી નથી. હું પોતે યોગ કરું છું. પણ યોગને બથાવી પાડવાની વાતનો વિરોધી છું. એ જ રીતે હું અત્યારની સરકાર જે રીતે ગાંધી અને આંબેડકરને પચાવી પાડી રહી છે તેનો પણ વિરોધી છું. ખરેખર તો આ સરકાર અને ગાંધી-આંબેડકરની વિચારધારા એકબીજાના સીધા વિરોધમાં છે.’ 

દેશના કલ્યાણને નામે સરકારી તંત્રનો ઉપયોગ કરીને લોકો પર નીતિનિર્ણયો લાદવાની અને વિરોધને સામ-દામ-દંડ-ભેદથી દૂર કરવાની એક વ્યક્તિ કે નાના જૂથની આપખુદશાહી એ રાજકીય કટોકટીનાં ચિહ્નો છે. રાજ્ય અને દેશમાં ગયા છ મહિનામાં બનેલી કેટલી ય ઘટનાઓ અને નરેન્દ્ર મોદીની વધી રહેલી વ્યક્તિપૂજા પણ એનો નિર્દેશ કરે છે. અલબત્ત ઇન્દિરા ગાંધીને હાથે જે રીતે કટોકટી લાદવામાં આવી તે રીતે તે અત્યારે આવી શકે કે કેમ તે અંગે તાજેતરમાં ચર્ચાઓ થઈ છે. પણ એકંદર મત એવો છે કે પૂરેપૂરી કટોકટી નહીં પણ તેને મળતી આવતી પરિસ્થિતિ કે એનાં એંધાણ છે. તેવામાં યોગદિનના વિરોધમાં આ લખવા મળી રહ્યું છે એ ય ક્યાં ઓછું છે ?

++++++

દિલ્હીના પ્રોફેસર પર સરકારી સિતમ

નેવું ટકા અપંગતાને કારણે પૈડાંવાળી ગાડી પર બેસીને જીવતા દિલ્હી યુનિવર્સિટીની કૉલેજના અંગ્રેજીના અધ્યાપક ડૉ.જી.એન. સાઈબાબાની, સરકારનો વિરોધ કરવાના કારણે જે હાલત થઈ રહી છે તે હચમચાવી નાખે તેવી છે. સુડતાલીસ વર્ષના સાઈબાબા ગયા વર્ષના મે મહિનાથી કથળતી તબિયત સાથે નાગપુરની જેલમાં સબડી રહ્યા હતા. નાગપુરની અદાલતે તેમની જામીન અરજી ત્રણ વખત નામંજૂર કર્યા પછી હમણાં ત્રીસ જુલાઈએ મુંબઈને વડી અદાલતે તેમને જામીન આપ્યા. અદાલતે જામીન આપતાં જણાવ્યું કે સાઈબાબાની તબીબી પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે એમને જામીન નહીં આપવામાં અદાલત એમના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલી ગણાશે.

મહારાષ્ટ્ર પોલીસે સાઈબાબાની નક્ષલવાદના આરોપસર દિલ્હીમાં તેઓ યુનિવર્સિટીથી ઘરે જતા હતા ત્યારે અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ જેવા ભયંકર કાનૂન હેઠળ ધરપકડ કરી હતી. તેમની ઉપર પૂર્વ મહારાષ્ટ્રના અંતરિયાળ ગડચિરોલી જિલ્લાના માઓવાદીઓની સાથે ષડયંત્ર રચવાનો આરોપ છે. વ્હીલચેરમાં જીવતા અને સતત વ્યસ્ત રહેતા આ વિદ્વાન અધ્યાપક પર મૂકાયેલ આરોપ પોતે જ કેટલી ક્રૂર રીતે હાસ્યાસ્પદ છે !

નાગપુરની જેલમાં પણ તેમને ખતરનાક ગુનેગારો માટેની અંડા સેલ તરીકે ઓળખાતી હવાઉજાસ વિનાની કોટડીમાં પૂરવામાં આવ્યા હતા. તેમની મદદ માટે કોઈ ન હતું. તેમને ચોપગા થઈને ઘસડાતા ઘસડાતા ટૉઇલેટ માટે જવું પડતું. તેમની સ્પાઇનલ કૉર્ડ પર દબાણ આવીને તે ખલાસ થવા લાગી હતી, જમણો હાથ તો ક્યારનો ય નકામો થઈ ચૂક્યો છે. હૃદયની તકલીફ ધરાવતા અપંગ કેદીઓ માટે જે ખાસ દેખભાળની જોગવાઈનો જે લાભ તેમને આપવાનો નાગપુર જેલના સત્તાવાળાએ ઇન્કાર કર્યો હતો. જેલ ડૉક્ટરે ઍન્જિઓપ્લાસ્ટીનો આદેશ આપ્યો છે. સર્જરી કરવામાં ન આવે તો સાઈબાબાને હાર્ટ ઍટેક આવવાની સંભાવના છે. તેમનાં મૂત્રાશય અને પિત્તાશયમાં પથરીઓ થઈ છે. ગરમી તેમ જ દવાઓને કારણે તેમનાં નાક-કાનમાંથી લોહી આવે છે અને તે વારંવાર બેભાન પણ થાય છે. તેમના પત્ની એ.એસ. વસંથા કહે છે : ‘એ જેલમાંથી જીવતા બહાર આવશે એવી મને ખાતરી નથી.’ વસંથાને તેમના પતિને મળવાની મંજૂરી ગયા ચૌદ મહિનામાં ચાર જ વખત મળી છે. તેમને માત્ર પત્ર લખવાની જ છૂટ હતી. એક પત્રમાં સાઈબાબાએ લખ્યું છે : ‘મને એમ લાગે છે કે પ્રેશર કૂકરમાં બાફવા માટે મૂકવામાં આવેલા માંસ જેવો થઈ ગયો છું.’

સાઈબાબાની યાતનાઓ વિશે ટેકેદારો અને હિતચિંતકોએ રજૂઆતો કરી, કર્મશીલો અને સંગઠનોએ તેમને છોડવા માટેની ઝુંબેશો આદરી. માધ્યમોમાં સાઇબાબા પરના જુલમના સમાચાર આવ્યા. આ બધાને ધ્યાનમાં લઈને મુંબઈની વડી અદાલતે મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને એમની તબિયતના અંગે અહેવાલ રજૂ કરવા જણાવ્યું. આખરે સત્તરમી જૂને તેણે સાઈબાબાને તાકીદની સારવાર માટે ખાનગી દવાખાનામાં જેલના સુરક્ષાકર્મીના જાપ્તા હેઠળ દાખલ કરવા માટે હંગામી ધોરણે મંજૂરી આપી. તેમાં ન્યાયાધીશે સત્તાવાળાઓને સાઈબાબા સાથે એ ‘પ્રાણી હોય તેવી રીતે’ વર્તવા માટે ઠપકો આપ્યો. 

સાઈબાબા પરના સિતમનું મૂળ યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) સરકારે ‘ઑપરેશન ગ્રીન હન્ટ’ના નામે માઓવાદીઓની સામે 2009 જે લશ્કરી જંગ આદર્યો છે તેના સાઈબાબાએ કરેલા વિરોધમાં છે. બીજા ઘણા કર્મશીલોની જેમ સાઈબાબા પણ માને છે ઑપરેશન ગ્રીન હન્ટ મોટી કૉર્પોરેટ કંપનીઓને જમીન આપવાનો ઇન્કાર કરનાર આદિવાસીઓને મારી નાખવાનો પેંતરો છે. એટલે આ પ્રોફેસરે અનેક શહેરોમાં ઑપરેશન ગ્રીન હન્ટના વિરોધ માટેના કાર્યક્રમો યોજવામાં મદદ કરી અને સરકારની નીતિ વિરુદ્ધ  આંતરરાષ્ટ્રીય પ્રેસમાં લખ્યું. તેના થોડા જ સમય પછી સાઈબાબાની તાવણી શરૂ થઈ.

બારમી સપ્ટેમ્બર 2013 પચાસ હથિયારધારી પોલીસોએ તેમના ઘર પર છાપો માર્યો. ગડચિરોલી જિલ્લાના અહેરી ગામમાં થયેલી ચોરીની તપાસ માટેનું આ વોરન્ટ હતું. પોલીસે લૅપ ટૉપ, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવ્ઝ લઈ લીધાં. પાસ વર્ડ લઈને બધું વાંચ્યું. નવ જાન્યુઆરીએ 2014ના રોજ પોલીસે તેમના ઘરે જ તેમની કલાકો સુધી પૂછપરછ કરી. અંતે નવમી મેએ રસ્તામાંથી અપહરણ કરવામાં આવે તે રીતે, અથવા કોઈ આતંકવાદીને ચીલઝડપે ઝભે કરવામાં આવે તેમ, સાઈબાબાની ધરપકડ કરી. એ જ રાત્રે તેમને વિમાનમાં નાગપુર અને ત્યાંથી પછી સેંકડો પોલીસોની ફોજ સાથે રોડ માર્ગે આહેરી લઈને પાછા નાગપુરની જેલના ભયંકર અંડા સેલમાં નાખવામાં આવ્યા. આ બધા ગાળામાં નેવું ટકા અપંગત્વ ધરાવતા સાઈબાબાની વ્હીલચેરને પુષ્કળ નુકસાન થયું. વ્હીલચેર વિના તેમને લઈ જવામાં આવતા અને આધાર વિના હલચલન કરવામાં તેમની કરોડરજ્જુને ભારે ઇજા પહોંચી  છે.

સાઈબાબા આંધ્રના અમલપુર જિલ્લાના નાના ગામના ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મેલા અને સફાઈકામદારોના વિસ્તારમાં ઉછરેલા છે. ચોખાનો પાક આપતી નાનકડી જમીન પણ તેમના પિતાએ દેવા હેઠળ વેચી દેવી પડી હતી. તેમના ઘરે વીજળી ન હતી. અત્યારે સુડતાળીસ વર્ષની ઉંમરના સાઈબાબાના પગ એ પાંચ વર્ષના હતા ત્યારથી પોલિયોને કારણે નેવું ટકા નકામા થઈ ગયા છે. વ્હીલચેર તો તે પચીસ વર્ષની ઉંમરની આસપાસ દિલ્હી પહોંચ્યા પછી વસાવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તે ગામની શાળામાં શિષ્યવૃત્તિઓ પર ભણ્યા. પૂર્વ ગોદાવરી જિલ્લાની એસ.કે.બી.આર. કૉલેજમાં અભ્યાસની સાથે તે વિદ્યાર્થી સંગઠનમાં પણ જોડાયા. હૈદરાબાદમાં એમ.એ.ના અભ્યાસ માટેની ફી તેમનાં પત્નીએ ચૂકવી. વસંથા છેક દસમા ધોરણથી તેમનાં પ્રેમીકા હતાં.

કૉલેજનાં બધાં વર્ષોમાં તેમણે  ગદ્દર, જન નાટ્યમંડળી અને સામાજિક નિસબત ધરાવતા લેખકો-બૌદ્ધિકોના પ્રભાવ હેઠળ ચાલતા ઑલ ઇન્ડિયા પિપલ્સ રેઝિસ્ટન્સ ફોરમની કામગીરી પણ હાથ ધરી. કેટલાક સમય પછી તેના મહામંત્રી તરીકેની જવાબદારી સ્વીકારીને પત્ની વસંથા અને દીકરી મંજીરાને હૈદરાબાદમાં મૂકીને દિલ્હી ગયા. પાટનગરમાં તેમની પ્રવૃત્તિ ઘણી વિસ્તરી. વૈશ્વિકરણ, ઉદારીકરણ, નવસામ્રાજ્યવાદ, જાતિવાદ  જેવાં શોષણ અને અસમાનતાના અનેક રૂપોની સામેની લડતોમાં તે જોડાતા રહ્યા. ઝારખંડ, આસામ, મણિપુર અને કાશ્મિરમાં  માનવધિકારોના પ્રશ્ને રચાતી નાગરિક તપાસ સમિતિઓ સાથે પણ તે સંકળાતા રહ્યા છે. અભ્યાસ તરફ પણ ધ્યાન આપીને તે 2003માં રામ લાલ આનંદ કૉલેજમાં અધ્યાપક બન્યા. એમનો ડ્રાઇવર એમની પૈડાંવાળી ખુરશીને અપંગો માટે દુષ્કર એવા યુનિવર્સિટી સંકુલમાં ફેરવતો. સાઈબાબા ક્યારે ય વર્ગ પડતો ન મૂકતા, તે ક્યારે ય મોડા ન પડતા.

સાઈબાબા સાહિત્યને રાજકીય દૃષ્ટિબિંદુથી જુએ છે. તેમનો ડૉક્ટરેટ માટેનો વિષય ભારતીય અંગ્રેજી સાહિત્ય એ હતો. એમનો મહાનિબંધ એક મોટા પ્રકાશકે પુસ્તક તરીકે બહાર પાડવા માટે પસંદ કર્યો છે. સાઈબાબાના સંશોધનમાં તેમણે અંગ્રેજીમાં લખતા મોટાભાગના ભારતીય લેખકોની ઝાટકણી કાઢી છે. તેમણે લેખકોના  ઉજળિયાત ઉન્નતભ્રૂ સામાજિક પરિવેશ પર પ્રકાશ ફેંકીને પછી તેમના લેખનમાં વંચિતો અને તેમાં ય આદિવાસીઓ તેમ જ નીચલા વર્ગના લોકો તરફની વિમુખતાની તપાસ કરી છે. તદુપરાંત તે અનેક સંશોધનપત્રોમાં દલિત અને આદિવાસી સમૂહોના સંદર્ભમાં સાહિત્યને તપાસે છે. કબીર અને જનવાદી તામિલ કવિઓ પર તેમણે કામ કર્યું છે.

દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક તરીકે તે હંમેશાં સત્તાવિરોધી સંગઠનાત્મક કામ સાથે સંકળાયેલા રહ્યા છે.  લોકોના રોજબરોજના જીવનમાં તેમ જ યુનિવર્સિટી પરિસરમાં પોલીસની વધતી જતી દખલગીરી સામે તેમણે બાથ ભીડી છે. યુનિવર્સિટીમાં લોકવિરોધી શૈક્ષણિક સુધારા તેમ જ નિરંકુશ સત્તાવાદ સામે પણ તે લડતો આપતા રહ્યા છે. તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટીએ શરૂ કરેલા ચાર વર્ષના ગ્રૅજ્યુએટ અભ્યાસક્રમનો પણ તેમણે વિરોધ કર્યો હતો. તેમની પ્રતિરોધપ્રવૃત્તિઓ માટે તેમણે વેઠવું પણ પડે છે. અપંગ અધ્યાપક માટેની જોગવાઈના નિયમ હેઠળ હેઠળ યુનિવર્સિટી પરિસરમાં મળેલું ઘર છોડવા માટે દબાણ પણ આવતું રહે છે

સાઈબાબા અને મુંબઈના કર્મશીલ તેમ જ કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયાના કેસેસ વચ્ચે ભયંકર સામ્ય છે. માઓવાદી આગેવાન હોવાને લગતા અગિયાર આરોપ જેમની પર હતા તે ફરેરિયાને ગયાં વર્ષે ફેબ્રુઆરીમાં સંપૂર્ણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. ફરેરિયાની ધરપકડ પણ સાઈબાબાની જેમ નક્ષલવિરોધી કાર્યવાહી  માટેની પોલીસ ટુકડીએ જ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ જે રીતે કરી તેને ખરેખર તો અપહરણ ગણવી જોઈએ. પોલીસ સાદાં કપડાંમાં આવે અને વૉરન્ટ-બૉરન્ટ બતાવવાની કોઈ તસદી લીધા વિના આરોપીને જબરદસ્તી પકડી લે. ફરેરિયાએ પણ નાગપુરની અંડા સેલમાં પાંચ વર્ષ વીતાવ્યાં હતાં. નિર્દોષ મુક્ત થયા પછી ફરેરિયાએ મહારાષ્ટ્ર સરકાર પર પચીસ લાખ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો છે.

આ બધું કરવા માટે ફરેરિયા જીવતા બહાર આવ્યા. શું સાઈબાબા ટકી શકશે ? સાઈબાબાએ ત્રણ વર્ષ પહેલાં 2012માં સ્વીડનના એક પ્રકાશનને આપેલી મુલાકાતમાં એમની ઝુંબેશ વિશે વાત કરી : ‘ભારતની રાજ્ય સત્તાએ ભારતના ગરીબમાં ગરીબ લોકો સામેનું માનવસંહારક યુદ્ધ 2009માં ઑપરેશન ગ્રીન હન્ટ સાથે શરૂ થયું. યુરોપ અને અમેરિકાના મોટામાં મોટા કૉર્પોરેટ ઉદ્યોગ ગૃહોને આ વિસ્તારમાં ખૂબ લાભ દેખાય છે. પણ તેઓ જાણે છે કે જ્યાં સુધી આ વિસ્તારના લાખો લોકોને તેમના પૂર્વજો પાસેથી મળેલી તેમની ભૂમિ પરથી હઠાવી દેવામાં ન આવે ત્યાં સુધી આ લાભ ખાટી શકાશે નહીં.’    

અહીં મુદ્દો સાઈબાબાના રાજકીય દૃષ્ટિબિંદુ સાથે સંમત થવાનો કે ન થવાનો નથી. સાઈબાબા સાથે જે થઈ રહ્યું છે તે ઠંડા કલેજે કરેલા ખુનથી લેશમાત્ર ઓછું નથી.

01 જુલાઈ 2015

++++++++

વિદ્યાર્થી શક્તિની પ્રતીતિ

ચેન્નાઇની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી(આઇ.આઇ.ટી.)માં વિદ્યાર્થીઓએ સત્તાવાળાઓ સામે બાવીસ મેથી સાત જૂન સુધી એક સફળ ચળવળ ચલાવી. આ સંસ્થામાં આંબેડકર-પેરિયાર સ્ટડી સર્કલ નામનું અભ્યાસવર્તુળ ચાલે છે. તેનો ઉદ્દેશ આ બંને સમાજસુધારકોના વિચારનો પ્રચાર કરવા ઉપરાંત એકંદરે સમાનતાવાદી અને પ્રગતિશીલ વિચારસરણીના ઘડતરનો પણ છે. આ વર્તુળ પર સંસ્થાના સત્તાવાળાઓએ પ્રતિબંધ મૂકી દીધો. એનું કારણ એ હતું કે આ જૂથ વિરુદ્ધ કેટલાક વિદ્યાર્થીઓએ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને એક અનામી ફરિયાદ કરી.

ફરિયાદમાં એમ જણાવવામાં આવ્યું હતું કે આંબેડકર-પેરિયાર વર્તુળ વિવાદાસ્પદ પોસ્ટર્સ અને પૅમ્ફ્લેટો  દ્વારા સંસ્થામાં તિરસ્કાર અને ભેદભાવ ફેલાવી રહ્યું છે. પત્રમાં એક પૅમ્ફ્લેટને ટાંકવામાં આવ્યું હતું. તેમાં વર્તુળના ઉપક્રમે વિવેકાનંદ ગોપાલ નામના પ્રોફેસરના વ્યાખાનના અંશો મૂકવામાં આવ્યા હતા. ‘આંબેડકરની સમકાલીન પ્રસ્તુતતા’ વિષય પર બોલતાં આ નિમંત્રિત વક્તાએ મોદી સરકારની જમીન અધિગ્રહણ, વીમો અને મજૂર કાયદામાં હાનિકારક સુધારા જેવી કૉર્પોરેટ તરફી નીતિની ટીકા કરી હતી. મોદી સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ અને ઘરવાપસી થકી લોકોમાં ભાગલા પાડ્યા હોવાનો આરોપ પણ આ વ્યાખ્યાનમાં હતો. મંત્રાલયે  સંસ્થાને ઉપર્યુક્ત ફરિયાદ અંગે મંતવ્ય પૂછ્યું, અને સંસ્થાએ વર્તુળને ડિરેકગ્નાઇઝ કર્યું, એટલે કે તેની મંજૂરી રદ કરી અથવા તેની પર પ્રતિબંધ મૂકી દીધો.

સંસ્થાનાં આ પગલાં સામે વિદ્યાર્થીઓએ સખત આંદોલન ચલાવ્યું. તેને બીજાં વિદ્યાર્થી સંગઠનો અને કેટલાંક રાજકીય પક્ષોનો ટેકો સાંપડ્યો. આંદોલનનો મુખ્ય મુદ્દો એ હતો કે આંબેડકર-પેરિયાર સ્ટુડન્ટસ્ સર્કલ પર પ્રતિબંધ મૂકવા પાછળ સંસ્થામાં પ્રવર્તતું દલિત-વંચિત વિરોધી ઉચ્ચવર્ગીય હિંદુ માનસ – જે સત્તાધારી પક્ષનું પણ માનસ છે – તે કામ કરે છે. એ વલણો વિરોધ અને દલિત તરફી સમાનતાવાદી પ્રગત્તિશીલ માનવતાવાદી વિચારધારાને દબાવવા પ્રયત્ન કરે છે જેનો સામનો કરવો પડે. આંદોલનના પરિણામ તરીકે સંસ્થાને આંબેડકર-પેરિયાર સ્ટુડન્ટસ્  સર્કલ પરનો પ્રતિબંધ હઠાવી દેવો પડ્યો.

પૂણેમાં આવેલી ભારતની વિશ્વવિખ્યાત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ(એફ.ટી.આઇ.આઇ.)ના વિદ્યાર્થીઓ બારમી જૂનથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આ હડતાળ ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે ભારતીય જનતા પક્ષના એક કાર્યકર્તા અને બહુ સાધરણ કક્ષાના કલાકાર ગજેન્દ્ર ચૌહાણની સરકારે અધ્યક્ષ તરીકે કરેલી નિમણૂકની વિરોધમાં છે. ગજેન્દ્ર બી.આર. ચોપ્રાની ‘મહાભારત’ શ્રેણીના યુધિષ્ઠિરના પાત્ર માટે જાણીતા છે. વધારામાં તેમણે સાવ મધ્યમ કક્ષાની ટેલિવિઝન શ્રેણીઓ અને બી-ગ્રેડ  હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. સંસ્થાના વડા તરીકે અત્યાર સુધીમાં અદૂર ગોપાલકૃષ્ણન, ગિરીશ કર્નાડ, યુ.આર. અનંતમૂર્તિ, શ્યામ બેનેગલ અને મોહન અગાશે જેવી પ્રતિભાશાળી વ્યક્તિઓએ કામ કર્યું છે. 

ભારતીય જનતા પક્ષ સાથે વીસેક વર્ષથી જોડાયેલા ગજેન્દ્ર ચૌહાણે ગઈ ચૂંટણીમાં હરિયાણામાં પક્ષના પ્રચાર માટે ઘણું કામ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ચૌહાણની સર્જનાત્મક હસ્તીની સામે સવાલ ઊઠાવ્યો છે. તેમના માનવા મુજબ ફિલ્મ ક્ષેત્રના અનેક બાહોશ માણસોને બાજુ પર રાખીને મોદી સરકારે ગજેન્દ્રની નિમણૂક કરી છે.

ચૌહાણની નિમણૂક હિન્દુત્વની વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવી રહી છે એવું મંતવ્ય પણ મોટા પાયે પ્રવર્તે છે. ચૌહાણ ઉપરાંત પણ સંસ્થાની પૅનલમાં જમણેરી વિચારધારાના માણસોની નિમણૂંક કરવામાં આવી છે. તેમાં નરેન્દ્ર મોદી પર ઘણી ફિલ્મો બનાવનાર અનઘા ઘૈસાસ, મહારાષ્ટ્રની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પાઠક, સંઘ સાથે સંકળાયેલ સંસ્કાર ભારતીના વડા પ્રાંજલ સાઇકિયા અને ભા.જ.પ.ના કાર્યકર્તા રાહુલ સોપારકરનો સમાવેશ થાય છે.

સંસ્થાના પરિસરમાં પોસ્ટરો, ધરણાં, શેરીનાટકો, ગીતો, કાર્ટૂન્સ, ગ્રાફિટીઝ સાથે આ આંદોલન ચાલી રહ્યું છે. તેને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, કોલકાતાની સત્યજીત રાય ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઉપરાંત અનેક વિદ્યાર્થી સંગઠનો અને સંસ્થાના ચાળીસેક પૂર્વ વિદ્યાર્થીઓએ પણ ટેકો આપ્યો છે. યોગેન્દ્ર યાદવ, આનંદ પટવર્ધન, કલ્કી કોચલીન, સંતોષ સિવાન, ગોવિંદ નિહાલાની, રાકેશ શર્મા, સુભાષ ઘાઈ, મહેશ ભટ્ટ પણ ચળવળની સાથે છે. હમણાં પહેલી જુલાઈએ સંસ્થાના દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ પૂણેમાં વિરોધ સરઘસ પણ કાઢ્યું. વાટાઘાટો સફળ થતી નથી કારણ કે ગજેન્દ્ર ચૌહાણ નહીં જોઈએ એવી માગણીમાં વિદ્યાર્થીઓ અફર છે.

(2 જુલાઈ 2015)

નોંધ : ઉપર્યુક્ત બધાં લખાણો માટે અખબારો અને ઇ ન્ટરનેટની સામગ્રીનો સાભાર ઉપયોગ કર્યો છે.

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 92, વર્ષ – 09, જુલાઈ 2015; પૃ. 09-14

Loading

14 July 2015 admin
← પોસ્ટ ઓફીસ
આ જનમમાં હું લેખક તરીકે સંન્યાસ નહીં લઈ શકું : કાન્તિ ભટ્ટ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved