રૂઢ અર્થમાં આ જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી.
ગયા અઠવાડિયે આ કૉલમમાં મેં લખ્યું હતું કે જે લોકો વંચિત છે એ વિકાસમાં ભાગીદારી માગી રહ્યા છે જેને પરિણામે વિકાસની દિશામાં આગળ વધવામાં મડાગાંઠ સર્જાઈ છે. આ એવી મડાગાંઠ છે જેવી સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગવાના પ્રશ્ને સર્જાઈ હતી. સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગનારાઓએ સંગઠિત થઈને કૉન્ગ્રેસના નેતાઓને સંભળાવી દીધું હતું કે જ્યાં સુધી અમને (બહુજન સમાજ અને દલિતોને) સત્તામાં ભાગીદારી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે રસ્તામાંથી હટવાના નથી.
સો વરસ પહેલાં બહુજન સમાજ જે રીતે સંગઠિત હતો એમ આજે વંચિતો સંગઠિત નથી. સો વરસ પહેલાં બહુજન સમાજે જે રીતે કૉન્ગ્રેસના નેતાઓનો રસ્તો આંતર્યો હતો એમ આજે વંચિતો શાસકોનો રસ્તો આંતરવાની સ્થિતિમાં નથી. સો વરસ પહેલાં બહુજન સમાજ વાચા મેળવવા લાગ્યો હતો, જ્યારે આજે એનાથી ઊલટું વંચિતો વાચા વિનાના છે. કોઈ ધરણાં, કોઈ દેખાવો, કોઈ સત્યાગ્રહ, કોઈ રસ્તા રોકો આંદોલન કે કોઈ ઘેરાવ ક્યાં ય જોવા મળતાં નથી. ચાર વર્ષ પહેલાં દિલ્હીમાં રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેના નેતૃત્વમાં જે આંદોલન થયું હતું એ વિકાસાભિમુખ મધ્યમ વર્ગનું આંદોલન હતું, વિકાસવંચિતોનું નહોતું. જો કોઈ વર્ગ બોલકો છે તો એ મધ્યમ વર્ગ છે અને જો કોઈ મૂંગો છે તો એ વંચિતો છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થશે કે મૂંગાની ઉપેક્ષા તો સહેજે થઈ શકે છે તો પછી સરકાર વિકાસના માર્ગે આગળ કેમ નથી વધતી? મડાગાંઠ તો ત્યારે સર્જાય જ્યારે સામેથી દબાણ આવતું હોય. શાસકો માટે ઢાળ જેવી સ્થિતિ છે તો મડાગાંઠ ક્યાં આવી?
આ પ્રશ્નોનો ઉત્તર કેન્દ્ર સરકારે બહાર પાડેલા જ્ઞાતિ આધારિત સામાજિક-રાજકીય વસ્તીગણતરી સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ(SECC)ના આંકડાઓમાંથી મળે છે. ભારતમાં વિકાસથી વંચિત રહી ગયેલો વર્ગ ધારવા કરતાં ખાસ્સો મોટો છે અને એની ઉપેક્ષા કરવામાં જોખમ છે એ ભારતના શાસકો જાણે છે. એ કેટલો મોટો છે એ SECCના આંકડાઓએ બતાવી આપ્યું છે એટલું જ નહીં, એ ધારણા કરતાં ઘણો મોટો છે. એ વર્ગ ભલે સંગઠિત નથી, પરંતુ એની પાસે વોટ નામનું હથિયાર છે અને એ ગમે ત્યારે લોહીલુહાણ કરી શકે છે એનો શાસકોને ડર છે.
ભારતમાં વસ્તીગણતરી કરવાની શરૂઆત ૧૩૦ વર્ષ પહેલાં ૧૮૮૧માં અંગ્રેજોએ કરી હતી. વસ્તીગણતરીના જે કેટલાક માપદંડો હતા એમાં એક માપદંડ જ્ઞાતિનો હતો. ભારતમાં જ્ઞાતિ એ પ્રમુખ સામાજિક એકમ અને પરિબળ છે એટલે એની ઉપેક્ષા કરીને જો વસ્તીગણતરી કરવામાં આવે તો એ અધૂરી ગણાય એ એની પાછળનું એક કારણ હતું તો બીજું કારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું. પછાત જ્ઞાતિઓને જાણ થવી જોઈએ કે એમની સંખ્યા કેવડી મોટી છે અને એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે એમને સેંકડો વર્ષથી દબાવી રહ્યા છે એ સવર્ણોની સંખ્યા કેટલી ઓછી છે. આ સિવાય એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે આર્થિક, શૈક્ષણિક અને સર્વાંગીણ વિકાસને સામાજિક પછાતપણા સાથે સીધો સંબંધ છે. સામાજિક રીતે વિકસિત ઉજળિયાત સવર્ણ જેટલી ઝડપથી વિકાસના લાભ ઝીલી લેશે, કહો કે આંચકી જશે એટલી ઝડપથી પછાત કોમનો માણસ વિકાસના લાભ નહીં મેળવી શકે.
ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની જે રાજકીય ગણતરી હતી એ સો વરસ પહેલાં સફળ થઈ હતી, પરંતુ જે બીજું પાસું હતું એ વધારે મહત્ત્વનું હતું. એક, ભારતમાં જ્ઞાતિ એ પ્રબળ સામાજિક-રાજકીય પરિબળ છે અને બે, સામાજિક પછાતપણાને અને વિકાસને સીધો સંબંધ છે. આનો અર્થ એ થયો કે ભારતના સામાજિક-આર્થિક વાસ્તવને સમજવું હોય તો જ્ઞાતિની ઉપેક્ષા ન થઈ શકે. ઘણાં વર્ષોથી સમાજશાસ્ત્રીઓ આનો અભ્યાસ કરતા હતા, પરંતુ આઝાદી પછીથી જ્ઞાતિના સત્તાવાર આંકડા મળતા બંધ થઈ ગયા હતા. સમાજશાસ્ત્રીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા સૅમ્પલ સર્વે દ્વારા કે આયોજન પંચ દ્વારા કરાવવામાં આવતાં રેન્ડમ સર્વે દ્વારા કામ ચલાવવું પડતું હતું. જે આંકડા મળતા હતા એ આખા દેશના નહોતા, સર્વાંગીણ નહોતા અને આધારભૂત તો જરા ય નહોતા.
બન્યું એવું કે આઝાદી પછી ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનું અને જ્ઞાતિકીય વિકાસના માપદંડોના આધારે સર્વેક્ષણ કરવાનું બંધ કરી દીધું હતું. વિવિધતામાં એકતા ખરી, પરંતુ જ્ઞાતિ નામની વિવિધતા ભારત સરકારને માન્ય નહોતી. જ્ઞાતિને જ્યારે ખતમ કરવાની છે ત્યારે એના સ્થાન વિશે આકલન કરવું એમાં સરકારને વિરોધાભાસ દેખાતો હતો. આમાં જ્ઞાતિ નામની પરંપરાગત દુક્ટ સંસ્થા અને જ્ઞાતિવાદ ખતમ થવાની જગ્યાએ મજબૂત થવાનો ડર લાગતો હતો. બીજું, જ્ઞાતિગત અસંતોષ અને જ્ઞાતિવાદ વકરે તો દેશમાં એકતાની પ્રક્રિયા અને જાહેર શાંતિ બન્ને ખોરવાય એવો ભય હતો. ત્રીજું, જ્ઞાતિગત પછાતપણાના આંકડા બહાર આવે તો અનામત માટે કે અનામતના વિરોધમાં આંદોલનો થવાનો ભય હતો. કોમી રમખાણોથી ગ્રસ્ત દેશ જ્ઞાતિરમખાણોથી પણ ગ્રસ્ત બને એ સ્થિતિ સરકાર ટાળવા માગતી હતી.
ભારતમાં જ્ઞાતિગત છેલ્લી વસ્તીગણતરી ૧૯૩૧માં થઈ હતી. એ પછીથી જ્ઞાતિના ધોરણે વસ્તીગણતરી ન કરવી એવી લગભગ બધા જ પક્ષોમાં સમજૂતી હતી. દેશહિતમાં સમજૂતી તો થઈ હતી, પરંતુ જ્ઞાતિ નામના વાસ્તવની ઉપેક્ષા શક્ય નહોતી. ખાસ કરીને વિકાસની નિસરણી પર દેશ ક્યાં ઊભો છે એના જો વાસ્તવિક આંકડા જોઈતા હોય, ભ્રમમાં ન જીવવું હોય અને આવતી કાલે થઈ શકનારા સંભવિત વિદ્રોહથી બચવું હોય તો કોણ ક્યાં છે એ સમજી લેવું જોઈએ. છેલ્લાં ઘણાં વર્ષોથી કેટલાક સમાજશાસ્ત્રીઓ માગણી કરતા હતા કે વસ્તીગણતરીમાં જ્ઞાતિનો પાછો સમાવેશ કરવો જોઈએ. બહાર પડનારા આંકડાઓને કારણે જે રાજકીય પ્રશ્નો સર્જાશે એને રાજકીય રીતે ઉકેલી શકાશે, પરંતુ સાવ અંધારામાં રહેવામાં જોખમ છે. જ્ઞાતિનું રાજકારણ કરનારા રાજકીય પક્ષોએ પણ જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાની માગણી કરવા માંડી હતી.
૧૯૯૦ના દાયકામાં ભારતના રાજકારણે, સમાજકારણે અને અર્થકારણે એમ ત્રણેએ એકસાથે નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આર્થિક સુધારાઓ કર્યા, સાડાત્રણ ટકાનો વિકાસદર સાડાસાત ટકાએ પહોંચ્યો, મધ્યમવર્ગ વિશાળ અને પ્રભાવી બનવા લાગ્યો, ગામડાં અને ગ્રામીણ અર્થતંત્ર વધારે ઝડપથી તૂટવા લાગ્યાં. ખેતીનો વિકાસદર ત્યાં ને ત્યાં જ રહ્યો; પરંતુ ખેતીની જમીન પર શહેરી રોકાણકારોની ભીંસ વધવા લાગી. આ અઢી દાયકા દરમ્યાન સરકારે બે મોટી ભૂલ કરી. એક તો એ કે આર્થિક સુધારાઓની સાથે-સાથે કરવા જોઈતા રાજકીય, ન્યાયતાંત્રિક અને અન્ય પ્રકારના સુધારાઓ કરવામાં ન આવ્યા જેને કારણે મૂડીવાદી અર્થતંત્રમાં નવી પેદા થયેલી સંપત્તિ થોડા હાથમાં જમા થઈ ગઈ અને બીજી ભૂલ એ કરી કે ગ્રામીણ રોજગાર માટે સરકારે ખાસ કોઈ પ્રયત્નો ન કર્યા. આ બે ભૂલને કારણે શ્રીમંત અને ગરીબ વચ્ચે તેમ જ શહેરી ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેની ખાઈ વધવા લાગી. એ ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એ સમજવું જરૂરી લાગવા માંડ્યું.
અજાણ્યા પાણીમાં કૂદવું નહીં એમ કહેવામાં આવે છે. ૧૯૩૧ પછીના સામાજિક આંકડાઓના અભાવમાં અને ૧૯૯૧ પછી કોણ કેટલું પામ્યા એના વાસ્તવિક આંકડાના અભાવમાં ભારતીય સમાજ અજાણ્યા પાણી જેવો થવા માંડ્યો હતો. ૨૧મી સદીમાં જ્યારે પ્રત્યાયનનાં આટલાં આધુનિક માધ્યમો વિકસ્યાં છે ત્યારે ભારતીય સમાજ અજાણ્યો ભાસવા લાગ્યો હતો. ૨૦૦૮ પછીથી ભારતનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું તે હજી આજ સુધી સ્થગિત છે. આ સ્થગિતતાનું મુખ્ય કારણ અજાણ્યા પાણી જેવા ભારતીય સમાજનો ભય છે. આ સ્થિતિમાં ૨૦૧૧માં ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય ગણતરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? જેમ કે ભારતમાં ૩૧ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે એ શોધી કાઢવું પૂરતું છે પછી એ કઈ જ્ઞાતિનો છે એ શોધવાની શી જરૂર છે? આવી જ રીતે ભારતમાં આટલા ટકા નિરક્ષરતા છે કે આટલા ટકા બાળમરણ થાય છે કે આટલા ટકા સ્ત્રીઓનાં સુવાવડ વખતે મરણ થાય છે એના આંકડા ઉપલબ્ધ હોય એ પૂરતું છે. એને જ્ઞાતિ સાથે શા માટે જોડવા જોઈએ? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી. હજી છેલ્લા એક દાયકામાં આપણે ત્યાં તેન્ડુલકર સમિતિ અને રંગરાજન સમિતિએ ગરીબી વિશે સર્વેક્ષણ અને અભ્યાસ કર્યા છે અને બન્નેના ગરીબીની રેખા નીચે જીવતા લોકોના આંકડામાં ખાસું મોટું અંતર છે. આ સિવાય બીજાં કળશીએક સર્વેક્ષણો થયાં છે. જ્યારે જ્ઞાતિનિરપેક્ષ સર્વેક્ષણો દ્વારા આંકડા મળતા રહે છે ત્યારે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરાવવાની શી જરૂર છે? જ્ઞાતિકીય વસ્તીગણતરી ફરી શરૂ કરવાની દરખાસ્ત આવી ત્યારે આ બધી જ દલીલો કરવામાં આવી હતી અને એ છતાં જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આનું કારણ એ છે કે ભારતની ૩૧ ટકા પ્રજા ગરીબીની રેખા નીચે જીવે છે એવા એક નિવેદન કરતાં ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં દલિતોનું પ્રમાણ રાષ્ટ્રીય પ્રમાણ કરતાં બમણું કે દોઢું છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એ નિવેદનના સૂચિતાર્થો બદલાઈ જતા હોય છે. વ્યક્તિની અંગત આપદા જ્યારે સામાજિક ઓળખ ધરાવનારા સમૂહની સાર્વત્રિક બની જાય ત્યારે એનાં મોટાં રાજકીય પરિણામો આવતાં હોય છે અને કેટલીક વાર અણધાર્યા પણ આવતાં હોય છે. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ રૂઢ અર્થમાં જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મૂળ ઉદ્દેશ વાસ્તવિકતા સમજવાનો છે અને વાસ્તવિકતા ધારવા કરતાં પણ વરવી છે. આ મારા શબ્દો નથી, દેશના નાણાપ્રધાન અરુણ જેટલીના છે.
ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એની જાણ તો થઈ ગઈ. હવે જોઈએ એને કઈ રીતે પૂરવામાં આવે છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 જુલાઈ 2015
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-05072015-16