૨૧-૬-૨૦૧૫ની સવારે હું ‘યોગ’ નહીં, નહીં, નહીં જ કરું
એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી હજી ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા બન્યા. બાબા રામદેવનું નામ ત્યારે ક્યારેક ટીવીની ક્ષિતિજ પર ચમકતું રહેતું હતું. હું ત્યારે શ્રીલંકામાં કોલંબોની એક બૅંકમાં કામ કરતી હતી. બૅંકના એક સહકાર્યકર બૅંગલોરના હતા. એમની તાજગી, ચુસ્તીના અને સ્ફૂિર્તથી હું આશ્ચર્યચક્તિ થતી, એક દિવસ એમની આ તાજગીનું રહસ્ય મેં પૂછી નાખ્યું. જવાબમાં એમણે મને સૂર્યનમસ્કાર અને યોગ શીખવાડ્યા. તેમના પત્ની તો વળી યોગનિષ્ણાત અને યોગ શિક્ષક પણ હતાં. યોગની ખાસ મૅટ (ચટાઈ), તેની પર ચોખ્ખી સફેદ ચાદર અને મારે તેના પર કરવાનો આયામ ને આયાસ પંદર દિવસોમાં શ્વાચ્છોશ્વાસ, આસનો, પાયાના ક્રિયા-કૌશલો વગેરે હું શીખી ગઈ. મને બહુ મજા પડી. એકથી બીજી ક્રિયામાં સરવામાં મને નૃત્યના લાસ્ય જેવો લય લાગ્યો. ત્યારથી હું નિયમિત યોગ કરતી આવી છું.
બીજા વર્ષે મારે અમેરિકા રહેવાનું થયું. પહેલી જ વાર મેં સુપરમાર્કેટમાં યોગની મૅટ વેચાતી જોઈ. મેં તરત જ પંદર ડૉલર ખર્ચી મેટ ખરીદી લીધી. અમેરિકામાં આઈવી કેમ્પસમાં એક કૅનેડિયન શિક્ષક પાસે મેં યોગના વિશેષ પાઠો અભ્યાસ કર્યો. પછી ભારત આવવાનું થયું. સામાનમાં સૌથી પહેલા મેં મારી લીલા રંગની યોગમૅટ મૂકી. ભારતમાં એવી મૅટ મળે કે કેમ તેની શંકા હતી. ચાર વર્ષ પછી એવી મેટ ચેન્નાઈમાં મળી. તેના પર જેવા અંગુઠા કે બીજા ડાઘ પડે કે હું નવી મેટ ખરીદી લેતી એવી કેટલી ય મેટ ખરીદી છે. પાકિસ્તાનમાં જવાનું થયું ત્યાં એક સ્વીસબાનુ યોગશિક્ષક તરીકે મળ્યાં. એમની પોલીશ અને ફિનાશ અસલ સ્વીસ હતાં.
હું શીખતી રહી, શીખવાડતી રહી. વિખ્યાત યોગશિક્ષક કૃષ્ણમાચાર્ય અને તેમના પુત્ર દેશીકારની પાસે તાલીમનો લાભ પણ લીધો. મારે માટે અને દેશ-વિદેશના કેટલાક નાગરિકો માટે યોગ નવીનતા નથી. આજથી અડધી સદી પહેલાં, ૧૯૬૦થી ય પહેલાં યોગ લોકપ્રિય છે અને એની ‘પ્રેક્ટિસ’ કરનારા વિશ્વભરમાં આજે કરોડો લોકો છે. વિશ્વવિખ્યાત વાયોલિનવાદક યહુદી મેન્યુિહને યોગગુરુ બી.કે. આયંગરનો વિશ્વને પરિચય કરાવ્યો તે પછી યોગની સિદ્ધિ-પ્રસિદ્ધિ કૂદકે ને ભૂસકે વધી. રખે નરેન્દ્ર મોદી કે બાબા રામદેવ માનતા કે યોગની પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધ અપાવનારા તેઓ પહેલા કે પ્રારંભના મહાનુભાવો છે. યુનોમાં યોગ-ડેની જાહેરાત કરાવવાની કોઈ જરૂર નહોતી અને એનાથી કોઈ પ્રયોજન સરતું લાગતું નથી.
આમ છતાં ૨૧-૬-૨૦૧૫ની સવારે હું મારી પ્રિય યોગમૅટની નજીક પણ જવાની નથી. તે દિવસે હું યોગ કરવાની નથી. વડાપ્રધાન, ભારત સરકાર કે કોઈ રાજકારણી મારા શરીરની ચુસ્તતા કે સ્વાસ્થ્યની દુરસ્તતા વિશે તેમની પસંદગી મુજબ ફરમાન કરે તે મને રૂચતી વાત નથી. ખાસ કરીને ઉઘાડે છોગ કે કપૂટી પ્રપંચ હેઠળ તે ફરમાન ધર્મ, રાષ્ટ્રવાદ, દેશદાઝ કે નીતિમત્તા સાથે જોડવાનો આશય તેમાં દેખાતો હોય, ત્યારે તો તે ફરમાન મુજબ યોગ નહીં જ નહીં. આવું ફરમાન યોગ અને યોગ કરનાર બંને માટે અપમાનજનક છે. જે સ્વૈચ્છિક રીતે વર્ષોથી ચાલે છે તેને ફરમાનથી શાને ઠોકી બેસાડવું? જેઓ યોગ કરવા માગતા નથી કે જેમને તેમાં રસ નથી તેવા લોકો માટે તો આ ફરમાન અધમોધમ છે કારણ કે એ યોગ અને યોગ કરનાર બંનેની વગોવણી કરે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ વગોવણી આપણે જોઈ રહ્યા છે. જે ઉપકારક અને જોડનાર તત્ત્વ છે તેની વિધ્વંસક અને ભાગલા પાડનાર તત્ત્વ તરીકે ઓળખ ઊભી થઈ રહી છે. ભારતને ‘સોફ્ટ પાવર’ (સમાધાનકારી સત્તા) તરીકે રજૂ કરવાની મુત્સુદીગીરી ‘બુમરેન્ગ’ થઈ અવળી છાપ ઊભી કરે તે સર્વથા અનુચિત છે.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત લેખનો સંક્ષેપ
અનુવાદ : મહેશ દવે
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 18