Opinion Magazine
Number of visits: 9504794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ

સ્વાતિ જોશી|Opinion - Opinion|20 May 2015

આજે આપણે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના અનેક આવિર્ભાવો આપણી આસપાસ જોઈએ છીએ. આપણી ચારે બાજુ ‘હિન્દુ સંસ્કૃિત’ અને ‘હિન્દુ રાષ્ટ્ર’ વિશે અનેક અવાજો સંભળાય છે. છેલ્લા નવ મહિનામાં, ભારતીય જનતા પક્ષના ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી, આ અવાજો વધુ બુલંદ બન્યા છે અને તેમને ટોકનાર કે રોકનાર કોઈ નથી, બલકે તેમને છૂટો દોર મળ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા આપણને વારંવાર કહે છે કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુઓની એકતા એ એમનું ધ્યેય છે .. ભારતના ઇતિહાસને કોઈ પુરાવા કે હકીકત વગર ફરીથી લખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણને કહેવામાં આવે છે કે ભારતના ‘ભવ્ય ભૂતકાળ’માં પશ્ચિમની અર્વાચીન વૈજ્ઞાનિક શોધો પહેલેથી જ અસ્તિત્વમાં હતી. ‘ભગવદ્દગીતા’ને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની માંગણી થઈ રહી છે. શિક્ષણની પધ્ધતિમાં ધરમૂળ પરિવર્તન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમુક પક્ષ કે વિચારધારાને સુસંગત ન હોય તેવા વિચાર ધરાવનારાઓને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે અને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તે પછી ગ્રીન પીસનાં એક્ટિવિસ્ટ પ્રિયા પિલ્લઈ હોય કે તમિળ નવલકથાકાર પેરૂમલ મુરૂગનની નવલકથા હોય કે આમિરખાનની ફિલ્મ હોય.

વિચાર અને વાણીની સ્વતંત્રતા અને વિભિન્નતા પર આકરા પ્રહારો કરવામાં આવે છે. લોકોને લઘુમતી કોમો સામે ભડકાવવામાં આવે છે અને આ કોમો સામે હિંસાનો ઉપયોગ થાય છે. દિલ્હીમાં તેમ જ અન્ય સ્થળોએ ખ્રિસ્તી દેવળો પર હુમલા થાય છે. ‘લવ જિહાદ’, કે ‘ઘર વાપસી’ જેવા વિચારોનો પ્રચાર કરી ધાર્મિક સ્વતંત્રતા જે બંધારણે આપણને આપી છે, તેનું ખંડન કરવામાં આવે છે અને જબરદસ્તીથી અમુક કોમના લોકોને ધર્માન્તરણ કરવાની ફરજ પાડવામાં આવે છે. હિન્દુઓને વધુ બાળકો પેદા કરી સંખ્યામાં વધારો કરવાની ઉત્તેજના આપવામાં આવે છે. વેલેન્ટાઇન ડેની ગીતો ગાઈને ઉજવણી કરતાં યુવાનો અને યુવતીઓની ધરપકડ કરવામાં આવે છે. ફાસીવાદી સત્તાના આથી બીજાં કયાં ઉદાહરણો હોઈ શકે?  આ બધા વિધાનો અને પ્રવૃત્તિઓ પાછળ કયા બળો કામ કરે છે? ભારતની સંસ્કૃિતની આ વિકૃત છબી ઊભી કરવાનો અને તેને રાષ્ટ્ર સાથે જોડાવાનો મુખ્ય હેતુ અને તેનો ઐતિહાસિક સંદર્ભ શું છે? આ દેખીતા છૂટાછવાયા અને સ્વયંસ્ફુિરત બનાવોની પાછળ એક લાંબો ઇતિહાસ છે અને તેમનું એક સુનિશ્ચિત ધ્યેય છે.

સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની ભારતમાં એક સુગ્રથિત અને ચોક્કસ સ્વરૂપ અને વિચારધારા તરીકે શરૂઆત વીસમી સદીના ત્રીજા દશકમાં વી.ડી. સાવરકરના ૧૯૨૩માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘હિંદુત્વ : હુ ઇસ એ હિન્દુ?’ અને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાથી થાય છે.  એની વાત કરતાં પહેલા ઓગણીસમી સદીના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની થોડી વિગતો જોઈએ કેમ કે વીસમી સદીના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની વૈચારિક ભૂમિ કંઈક અંશે ઓગણીસમી સદીમાં તૈયાર થયેલી દેખાય છે. ઉપરાંત ભારતના ઇતિહાસ અને ભૂતકાળ વિશેની અમુક પ્રચલિત માન્યતાઓ પણ આ સમયે બંધાઈ હતી જે આજે સમાજમાં ખૂબ ઊંડે સુધી પ્રસરી છે.

રાષ્ટ્રના ઉદ્દભવ વિશે સૈદ્ધાંતિક ચર્ચા કરતાં અનેક વિચારકોએ કહ્યું છે કે રાષ્ટ્રનો જન્મ પ્રથમ એક સાંસ્કૃિતક ચેતના તરીકે થાય છે અને પછીથી રાજકીય ચેતના તરીકે વિકસે છે. રાજનીતિજ્ઞ બેનેડીક્ત એંડર્સને રાષ્ટ્રને ‘ઈમેજીન્ડ કૉમ્યુિનટી’, એક સરખા હિતો ધરાવતા લોકોના ‘કાલ્પનિક સમૂહ’ તરીકે ઓળખાવ્યું છે. ઇતિહાસકાર એરિક હોબ્સ્બોમે રાષ્ટ્રના જન્મમાં ‘ઇન્વેન્શન ઓફ ટ્રેડિશન’, ‘પરંપરાના સર્જન’ પર ભાર મૂક્યો છે. અમુક વર્ગસમૂહના લોકો પોતાની રાષ્ટ્ર તરીકેની ઓળખ ઊભી કરવા પોતાના દેશના ભૂતકાળના અમુક ‘ચૂંટેલા’ પ્રસંગો તેમ જ વિચારો વડે એક પરંપરાનું સર્જન કરે છે. આ પરંપરા સ્વાભાવિક રીતે સર્વગ્રાહી નથી હોતી અને સમાજના વગ ધરાવતા વર્ગસમૂહના હિતોને સામાન્ય રીતે રજૂ કરે છે. રાષ્ટ્રની આ બંને વ્યાખ્યાઓમાં મહત્ત્વના શબ્દો ‘ઈમેજિન્ડ’ અને ‘ઇન્વેન્શન’ એટલે કે ‘કાલ્પનિક’ અને ‘સર્જન’ છે. રાષ્ટ્રનો જન્મ તેની કાલ્પનિક સાંસ્કૃિતક ઓળખ તરીકે થાય છે.

ભારતમાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની પહેલી સમજ ઓગણીસમી સદીમાં ઊભી થઈ. સંસ્થાનવાદની ભારતમાં સ્થાપના થવાથી ભારતમાં સામાજિક, સાંસ્કૃિતક, આર્થિક અને રાજકીય ફેરફારો શરૂ થયા. સ્થાનિક પ્રજા પર વર્ચસ્વ જમાવવા તેમના વિશે માહિતી મેળવવાનું અંગ્રેજો માટે જરૂરી હતું. ઉપરાંત, ‘પછાત’ પ્રજાનો ઉધ્ધાર કરવો એ તેમનું ‘સિવિલિઝેશનલ મિશન’ – ‘સભ્ય સમાજ બનાવવાનું ધ્યેય’ – હતું. અઢારમી સદીથી યુરોપમાં ભારતના સાહિત્ય અને સંસ્કૃિત વિશે અભ્યાસ શરૂ થયો હતો, જે ‘ઓરિએંટલિસ્ટ’ સ્ટડીઝ તરીકે ઓળખાયો. વિલિયમ જોન્સ જેવા અંગ્રેજ વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્ય અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો અને તેને આધારે ભારતની પ્રાચીન શાસ્ત્રીય પરંપરાનો વિચાર ઊભો કર્યો જેને ‘સુવર્ણ યુગ’નું નામ આપ્યું. અંગ્રેજોએ ભારતના ઇતિહાસલેખનનું કામ પણ હાથ પર ધર્યું. પ્રાચીન હિન્દુ યુગ, મધ્યકાલીન મુસ્લિમ યુગ અને આધુનિક બ્રિટિશ યુગ એમ ભારતના ઇતિહાસને ત્રણ અલગ ભાગોમાં વહેંચ્યો, જેમાં પ્રથમ બે ભાગોને ધાર્મિક જાતિને નામે ઓળખાવ્યા. તેમણે ભારતની ભાષાઓને સુધારવાનું કામ કર્યું જેને પરિણામે આધુનિક ભાષાઓ શુદ્ધ, સંસ્કૃત સ્વરૂપમાં બહાર આવી. અંગ્રેજોએ ભારતમાં ધર્મને આધારે કાયદાઓનું સ્થાપન કર્યું [હિન્દુ સિવિલ કોડ, મુસ્લિમ સિવિલ કોડ વગેરે]. આ રીતે તેમણે ધર્મને આધારે સમુદાયોને જુદા પાડીને ઓળખાવ્યા. પોતાને સત્તા પર ટકી રહેવા આ તેમને માટે જરૂરી હતું. ખાસ તો અંગ્રેજોએ અંગ્રેજી અભ્યાસને દાખલ કર્યો જેને પરિણામે આખા દેશમાં એક અંગ્રેજી ભણેલા, એક સરખા [હોમોજીનસ] મધ્યમ વર્ગનો જન્મ થયો.

ભારતમાં ઓગણીસમી સદીમાં સંસ્થાનવાદની સામે પ્રતિભાવ રૂપે જે ‘કાલ્પનિક પ્રજા’ની છબી રજૂ થઈ તે મુખ્યત્વે આ અંગ્રેજી શિક્ષણ પામેલા, નવા ઊભરતા મધ્યમ વર્ગના શહેરી હિન્દુ બ્રાહ્મણ પુરુષોની બનેલી હતી. [આના પરિણામો સ્ત્રીઓ અને દલિતો માટે શું આવ્યાં એ અલગ ચર્ચાનો વિષય છે.] જે પરંપરાનું તેમણે સર્જન કર્યું તે સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાન અને ધાર્મિક ગ્રંથો પર રચાયેલી હતી. આ નવા ઊભરતા શિક્ષિત વર્ગે સંસ્થાનવાદી ઇતિહાસલેખનની પધ્ધતિ અપનાવી જેમાં ભારતનો ઇતિહાસ ત્રણ જુદા વિભાગોમાં વહેચાયેલો છે. રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન આજે પણ આ પધ્ધતિ અનુસરે છે. ખાસ તો, આજે જે અગત્યનો મુદ્દો છે અને હિંદુત્વનું જે હાર્દ છે તે, આ ઇતિહાસલેખને પરદેશી મુસ્લિમ હુમલાખોર સામે હિન્દુઓના હજાર વર્ષના સતત પ્રતિકારની દંતકથાને અનુમોદન આપ્યું અને વિકસાવી. આ દંતકથાએ સ્પષ્ટ કર્યું કે મુસ્લિમો આક્રમણખોર હતા અને હિન્દુઓ આ દેશના ખરા રહેવાસીઓ હતા અને સાચા દેશભક્ત હતા.

બંકીમચંદ્રની નવલકથાઓમાં આ સમજ ખૂબ અસરકારક રીતે રજૂ થઈ છે. મુસ્લિમો દુશ્મનો છે અને તેની સામે હિન્દુઓને સજ્જ થવાની એક નવી રાષ્ટ્રભાવના અને દેશભક્તિની અપીલ ‘આનંદમઠ’ જેવી નવલકથામાં જોવા મળે છે જેમાં ‘વન્દે માતરમ’નું ગીત છે જે બંગાળમાં વીસમી સદીની શરૂઆતમાં ઉગ્ર હિન્દુ રાષ્ટ્રવાદનો અને પછી રાષ્ટ્રીય ચળવળનો નારો બન્યો. આજે પણ આર.આર.એસ.ની દરેક શાખામાં તે દરરોજ નિયમિત ગવાય છે [મૂળ બંગાળી કડીઓ સમેત, સંપૂર્ણ ગીત]. આ સાથે ભારતની કલ્પના એક માતા, દૈવી શક્તિ તરીકે પણ થઈ.

કેવળ બંગાળમાં જ નહીં, પરંતુ બીજે બધે, નવા ઊભા થયેલા મધ્યમ વર્ગે ભારતની સંસ્કૃિત અને સમાજ વિશે એક વિચારધારા વિકસાવી જેનું સ્વરૂપ હિન્દુ હતું. જેમ કે ગુજરાતમાં ઉત્તર નર્મદમાં અને મણિલાલમાં રેશનલિઝમ વિરુદ્ધના અને હિન્દુ રાષ્ટ્ર તેમ જ હિંદુત્વ વિશેના ઉગ્ર વિચારો જોવા મળે છે. આ ઉપરાંત ઓગણીસમી સદીમાં જે સુધારાનો યુગ આવ્યો, તે મુખ્યત્વે ધર્મ અને સ્ત્રીઓના સુધારા વિશે હતો કેમ કે આ બંને ક્ષેત્રોમાં સૌથી વધુ અધઃપતન જોવામાં આવ્યું. અલબત્ત, આ સુધારાનો ઉદ્દેશ હિન્દુ ધર્મને તેની અંધશ્રદ્ધા અને કુરીતિઓમાથી ઉગારવાનો હતો. આર્યસમાજની સ્થાપના આ ઉદ્દેશથી કરવામાં આવી હતી જે  વેદો પર આધારિત હતો અને મુર્તિ-પૂજાનો વિરોધી હતો. આર્ય સમાજે હિન્દુ ધર્મનો વિસ્તાર કરવા ‘શુદ્ધિ’ની ક્રિયા શરૂ કરી જેથી બીજા ધર્મના લોકો ‘શુદ્ધ’ થઈને હિન્દુ ધર્મમાં પ્રવેશ કરી શકે. આર્ય સમાજે હિન્દુઓને સંગઠિત કરવાનું કામ પણ શરૂ કર્યું અને એક સમાન ધર્મ અને સંસ્કૃિતનો પ્રચાર અને પ્રસાર તેમ જ શુદ્ધિની ક્રિયા દ્વારા ભારતનો વિચાર એક હિન્દુ રાષ્ટ્ર તરીકે રજૂ કર્યો. ભારત એ હિન્દુઓનો દેશ છે અને બીજા ધર્મો [મુસ્લિમ અને ખ્રિસ્તી] જે એને દૂષિત કરવાનો પ્રયત્ન કરે છે તેની તેણે ટીકા કરી. આર્ય સમાજે ‘હિન્દ, હિન્દુ, હિન્દી’નું સૂત્ર પણ પ્રચલિત કર્યું. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ જેવા ધાર્મિક નેતાએ હિન્દુ ધર્મની આધ્યાત્મિક સર્વોપરિતા  પર ભાર મૂક્યો અને સારી દુનિયાને ‘જીતવાનું’ આહ્વાન કર્યું અને એક આક્રમક હિન્દુ સમાજની કલ્પના કરી.

પરંતુ ઓગણીસમી અને વીસમી સદીનો મુખ્ય-પ્રવાહનો [મેઇનસ્ટ્રીમ] રાષ્ટ્રવાદ મધ્યમમાર્ગીઓની નેતાગીરી નીચે સંસ્થાનવાદની શોષણ કરનારી આર્થિક નીતિઓ સામે પડકાર અને સંઘર્ષ રૂપે હતો. આ પડકારનો પાયો આધુનિક પશ્ચિમી વિજ્ઞાન અને રેશનલિઝમ અને ઉદારમતવાદ તેમ જ લોકશાહીના સિદ્ધાંતોમાં હતો અને તેનું ધ્યેય આ સિદ્ધાંતો દ્વારા એક સ્વતંત્ર ભારતની છેવટે સ્થાપના કરવી તે હતું. તેમણે ભારતના આધુનિકરણની હિમાયત કરી જે પશ્ચિમના ન્યાય, વ્યવસ્થા, રેશનલિઝમ અને સેક્યુલર રાજ્યના સિદ્ધાંતો પર શક્ય હતું. છેક ઓગણીસમી સદીની શરૂઆતમાં રાજા રામ મોહન રોયે પશ્ચિમી વિજ્ઞાન, અને કાનૂની તેમ જ સામાજિક વ્યવસ્થાઓની અને એ દ્વારા ભારતીય સંસ્કૃિતને એક આધુનિક સ્વરૂપમાં બદલવાની હિમાયત કરી હતી. વીસમી સદીની શરૂઆતમાં હિન્દુ રાષ્ટ્રવાદ સામે સશક્ત અવાજ ઉઠાવનારાઓમાં ટાગોર મુખ્ય હતા. ‘ઘરે બાહિરે’ નવલકથામાં તેમણે બંગાળના ઉગ્ર હિન્દુ રાષ્ટ્રવાદના આતંકવાદી સ્વરૂપની સખત ટીકા કરી છે.  ટાગોરે આપણને ‘જન ગણ મન’ ગીત આપ્યું જે ભારતનું અધિકૃત રાષ્ટ્રગીત છે. બંકિમચંદ્રના ‘વન્દે માતરમ’ સાથે એને સરખાવતા રાષ્ટ્ર અંગેની બે વિભિન્ન સમજ ઊભી થાય છે. બંકિમનું ગીત એક દૈવી માતાનું અમૂર્ત કલ્પનાઓથી ભરેલું સંસ્કૃતમાં સ્તવન છે. ઉપરાંત એ એક યુદ્ધની હાકલ કરતું સૂત્ર પણ છે. ટાગોરનું ભારત જનગણ એટલે કે જન સમુદાયનું, વિભિન્ન પ્રદેશોનું બનેલું છે. આ ભારત વૈવિધ્યપૂર્ણ છે. ટાગોરે કહ્યું છે : ‘એશો એ આર્ય, એશો અનાર્ય’ – કેવળ આર્યોં જ નહીં પરંતુ અનાર્યો પણ ભારતના અવિભિન્ન અંગ છે. ટાગોરના કાવ્ય ‘ચિત્ત જેથા ભય શૂન્ય’માં ભારતની કલ્પના એ દેશ તરીકે થઈ છે જ્યાં લોકોના મન ભયમુક્ત અને સ્વતંત્ર છે. ભારતના  ઇતિહાસની આજની ક્ષણે ભારતની સંસ્કૃિતની આ બીજી, બધાને સમાવી લેતી, પરંપરાને પણ યાદ કરવાની જરૂર છે.

આમ છતાં એ સાચું છે કે મુખ્ય-પ્રવાહના રાષ્ટ્રવાદ અને બહુસંખ્યક જાતિના કોમવાદ એકબીજા સાથે ઘણા સંકળાયેલા છે. નેહરુએ કહ્યું છે કે બહુસંખ્યકોનો કોમવાદ બહુ સહેલાઈથી રાષ્ટ્રવાદ તરીકે ઓળખાઈ શકે છે જ્યારે લઘુમતિનો કોમવાદ એ સામાન્ય રીતે અલગતાવાદ તરીકે જોવાય છે. રાષ્ટ્રીય ચળવળમાં ઘણા હિન્દુ નેતાઓએ રાષ્ટ્રવાદને હિન્દુ ધર્મ સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. આ ઉગ્રવાદી નેતાઓમાં લોકમાન્ય તિલક ઉપરાંત મદન મોહન માલવિયા અને લાલા લાજપત રાય વગેરે હતા. તિલકે ગણપતિ અને શિવાજીના ઉત્સવોનો મહારાષ્ટ્રમાં પ્રારંભ કર્યો અને એક આક્રમક, મુસ્લિમ વિરોધી હિંદુત્વની ભાવના ઊભી કરી.

કોંગ્રેસમાં હિન્દુ નેતાઓની બહુમતિને કારણે અને એમના મુસ્લિમ વિરોધી અને હિન્દુ કોમવાદી વિચારો સામે મુસ્લિમ નેતાઓમાં અસલામતીની લાગણી થઈ અને મુસ્લિમ રાષ્ટ્રવાદનો જન્મ થયો. છેવટે ૧૯૦૬માં પોતાની અલગ પહેચાન બતાવવા મુસ્લિમ નેતાઓએ પોતાના અલગ રાજકીય મંચ મુસ્લિમ લીગની સ્થાપના કરી. હિન્દુઓના પ્રશ્નો, જેવાકે ગૌ રક્ષા, જ્ઞાતિ સુધારા, વગેરે  ઉકેલવા અને તેમની દ્રઢ પહેચાન રજૂ કરવા ૧૯૧૫માં હિન્દુ મહાસભાની સ્થાપના થઈ જેમાં કોંગ્રેસ નેતાઓ મદન મોહન માલવિયા અને લાલા લાજપત રાય સક્રિય હતા.

૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ થયો તેના તરતનાં કારણોમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે વધતાં જતાં તણાવો અને ઘર્ષણો હતા. ઉપરાંત, ૧૯૨૦માં તિલકના અવસાન પછી ગાંધીજી રાષ્ટ્રીય ચળવળના નેતા બન્યા, ત્યારે તેમણે સત્ય અને અહિંસાની હિમાયત કરી અને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રયાસો કર્યા. ગાંધીજીની આ બંને વાતોનો હિન્દુ નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો. અહિંસા એ આર્યોનો નહીં પરંતુ ખ્રિસ્તીઓનો સિદ્ધાંત હતો. તે હિન્દુઓને કમજોર બનાવનાર હતો. હિન્દુઓને તિલક, વિવેકાનંદ અને અરવિંદ જેવા વધુ આક્રમક રાષ્ટ્રવાદની જરૂર હતી. ગાંધી સમાજના બધા વર્ગોને બ્રિટિશ વિરુદ્ધ એકઠા કરવાનો સેક્યુલર પ્રયાસ કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં બ્રાહ્મણોમાં આથી અસંતોષ જાગ્યો. આ જ સમયે મહારાષ્ટ્રમાં દલિતોનો પોતાના હક માટેનો બ્રાહ્મણ વિરોધી સંઘર્ષ આંબેડકરની નેતાગીરી નીચે ચાલુ હતો. આ બધા કારણોના જવાબ તરીકે મહારાષ્ટ્રના કેટલાક બ્રાહ્મણ નેતાઓએ હિન્દુ સંગઠનનો વિચાર કર્યો જેમાં હિન્દુઓના હિતોને ઉત્તેજન આપી શકાય તેમ જ રાષ્ટ્રની કલ્પના હિન્દુઓના સંદર્ભમાં થઈ શકે. અને ૧૯૨૫માં વિજયાદશમીને દિવસે – જે દિવસે રામે રાવણ પર વિજય હાંસિલ કર્યો હતો – ડો. કેશવ બલીરામ હેડગેવારે બીજા પાંચ મિત્રો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. રામ એ આર.આર.એસ.નું મુખ્ય પ્રતિક છે અને પોતાની વિચારધારા રજૂ કરવા રામ વિશેની કથાઓનો એ સતત ઉપયોગ કરે છે. અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંસ અને રામ મંદિરનુ નિર્માણ એ આ દેશમાં લઘુમતીઓનો નાશ અને હિન્દુઓની સર્વોપરિતા સાબિત કરવાનું આર.આર.એસ. માટે સૌથી મોટું ધ્યેય આજે પણ છે.

સંગઠનનું નામ ‘હિન્દુ’ નહીં પણ ‘રાષ્ટ્રીય’ સ્વયંસેવક સંઘ તેના પ્રણેતાઓએ રાખ્યું એ સૂચક છે કેમકે રાષ્ટ્ર એ કેવળ હિન્દુઓનું જ છે એ તેમની દ્રઢ માન્યતા હતી. ‘રાષ્ટ્રીય’ શબ્દનો પ્રયોગ સંઘની રાજકીય વિચારધારાને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. એ પણ મહત્ત્વનુ છે કે સંગઠિત હિંદુત્વ એ શરૂઆતથી જ વંચિત સમૂહોના સ્વાધિકારોના સંઘર્ષ સામે ઉચ્ચ જ્ઞાતિના પ્રતિભાવ રૂપે અસ્તિત્વમાં આવ્યું. તેનું દેખીતું ધ્યેય જુવાન હિન્દુ છોકરાઓને શારીરિક તાલીમ આપવાનું હતું, પરંતુ મૂળ હેતુ હિન્દુઓને માતૃભૂમિ પ્રત્યેના સંપૂર્ણ પ્રેમને આધારે એકઠા કરવાનું અને તેમને પોતાની જાતિના ભવ્ય વારસાની અને ભવિષ્યના ધ્યેયની – હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની – જાણ કરવાનું હતું. કેશવ બલીરામ હેડગેવાર, જે મેડિકલ ડોક્ટર હતા, તેમને તેમના માર્ગદર્શક બાલકૃષ્ણ શિવરામ મૂંજીએ ૧૯૧૦માં કલકત્તા તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરવા અને સાથે સાથે અનૌપચારિક રીતે બંગાળમાં ગુપ્ત મંડળોમાં આતંકવાદની ટેકનિકો શીખવા મોકલ્યા હતા. હેડગેવારનો આશય આર.આર.એસ.માં તાલીમ અને શિસ્તનું પ્રાધાન્ય આપીને એક ઉગ્ર આક્રમક સ્વયંસેવકોની સેના ઊભી કરવાનો અને તેના દ્વારા હિંદુત્વનો પ્રચાર કરવાનો હતો.

વીસમી સદીનો આ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ ઓગણીસમી સદીના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ કરતાં વધુ સુગ્રથિત અને કેન્દ્રિત [ફોકસ્ડ] છે. ઓગણીસમી સદીનો સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ સંસ્થાનવાદ વિરોધી હતો. જ્યારે આર.આર.એસ. રાજકીય તેમ જ બૌદ્ધિક અને આર્થિક ક્ષેત્રે સંસ્થાનવાદથી અલગ રહ્યું અને કોઈ ક્ષેત્રમાં એનો વિરોધ ન કર્યો. આર.આર.એસ.ના ઇતિહાસની આ ખૂબ જ મહત્ત્વની બીના છે કે આ સંગઠને રાષ્ટ્રીય ચળવળમાં કોઈ પણ ભાગ લીધો નથી. તેની  મુખ્ય સિદ્ધિ એ છે કે તેણે કોમવાદને એક વિચારધારાનું સ્વરૂપ આપ્યું. એનું ધ્યેય કેવળ કોમવાદ વિશે વિચારો રજૂ કરવાનું જ નથી રહ્યું, પરંતુ સંસ્થાકીય / સંઘીય  માળખાઓના / શાખાઓના વિસ્તારથી આ વિચારોનો અસરકારક રીતે પ્રચાર અને પ્રસાર કરવો તે છે. ૧૯૨૩માં સાવરકરના પુસ્તક ‘હિંદુત્વ : હુ ઇસ એ હિન્દુ?’ અને ૧૯૨૫માં આર.આર.એસ.ની સ્થાપના થઈ ત્યારથી આર.આર.એસ.નું સતત અને કોઈ પણ ઢંઢેરો પીટયા વગર ચૂપચાપ ચાલતું મુખ્ય અને અસરકારક ‘સાંસ્કૃિતક’ કાર્ય આ વિચારોને અને લાગણીઓને લોકો એમને આત્મસાત કરે અને સામાન્ય સમજણનો ભાગ બને ત્યાં સુધી સમાજના મોટા વર્ગમાં દેશના બધા ભાગોમાં ફેલાવવાનું રહ્યું છે, જેથી હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થઈ શકે. કોઈ પણ જાતની પબ્લિસિટીથી દૂર રહેવાની વૃત્તિ એ આર.આર.એસ.ની ખાસિયત જ નહીં પણ મુખ્ય બળ પણ રહ્યું છે. આને કારણે એક તરફ વિચારકોએ અને ટીકાકારોએ તેના પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપ્યું તો બીજી તરફ ખૂબ જ સરળતાથી કોઈ ઘર્ષણ વગર તેણે લોકોની માનસિકતા કેળવવાના ખૂબ જ સફળ પ્રયત્નો કર્યા છે.

આર.આર.એસ.ના બે મુખ્ય પાસા છે –  વિચારધારા અને સંગઠન. આ વિચારધારા સૌ પ્રથમ સાવરકરના પુસ્તક ‘હિંદુત્વ : હુ ઇસ એ હિન્દુ’માં રજૂ થઈ. આ પુસ્તક સાવરકરે આંદામાન જેલમાં ‘મરાઠા’ ઉપનામથી લખ્યું હતું. સાવરકરે આંદામાન જેલમાથી નીકળવા બ્રિટિશ સરકારને સંપૂર્ણ શરણાગતિ કરી હતી અને લેખિત બાંયધરી આપી હતી કે તેઓ બ્રિટિશ કાયદા અને બંધારણનું પાલન કરશે. આ મહત્ત્વનું છે કેમ કે જેલમાંથી નીકળ્યા પછી તેમની રાજકીય પ્રવૃત્તિઓ એકદમ બદલાઈ ગઈ. આ પછી તેમણે બ્રિટિશ વિરોધી કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો નહીં. એટલું જ નહીં તેમણે કાર્યકરોને ‘હિન્દ છોડો’ ચળવળથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેઓ પૂરી કટિબદ્ધતા સાથે હિંદુત્વના વૈચારિક સૂત્રધાર બન્યા. પુસ્તકમાં સાવરકરની મુખ્ય દલીલ આ છે : ‘ઇતિહાસના ઉદયકાળે જ્યારે આર્યો ભારતમાં આવીને વસ્યા ત્યારે તેમણે પહેલેથી જ રાષ્ટ્રની સ્થાપના કરી હતી, જે આજે હિન્દુઓમાં મૂર્તિમંત થયું છે,  …. હિન્દુઓ એક સાથે બંધાયેલા છે તે કેવળ સમાન પિતૃભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે જ નહીં …. પરંતુ આપણી મહાન હિન્દુ સંસ્કૃિત પ્રત્યેની આપણી વફાદારીનો આપણે જાહેર એકરાર કરીએ છીએ તેને કારણે છે.’

હિન્દુ કોણ છે? સાવરકરના મતે ‘જે કોઈ આ ભૂમિને પોતાની પિતૃભૂમિ અને પૂણ્યભૂમિ ગણે છે કેવળ તે લોકો જ હિન્દુ છે, અને તેથી આ ભૂમિના કેવળ તેઓ જ અધિકારી છે.’ આ વ્યાખ્યાથી સ્વાભાવિક રીતે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બહારના બન્યા કેમ કે તેમની પૂણ્યભૂમિ જેરૂસલેમમાં અને મક્કામાં હતી. સાવરકરે આ રીતે હિન્દુ ધર્મને રાજકીય રંગ આપ્યો. સાવરકરે એક નવો શબ્દ, વિચાર રજૂ કર્યો – ‘હિંદુત્વ’ જે સંઘ પરિવારની પૂરી વિચારધારાનું કેન્દ્ર છે. હિંદુત્વ એ શું છે? એ હિન્દુ ધર્મથી અલગ છે. સાવરકરે પોતે જ પુસ્તકમાં કહ્યું છે કે હિંદુત્વ એ હિંદુ ધર્મ સાથે એકરૂપ નથી. પુસ્તકના પ્રકાશક, એસ.એસ. સાવરકરે પ્રસ્તાવનામાં લખ્યું કે ‘હિંદુત્વ’ કે ‘હિંદુડમ’ શબ્દનો ઉપયાગ સાવરકરે ધર્મની સાથે સાથે, ખાસ તો સાંસ્કૃિતક, ઐતિહાસિક અને સૌથી વધુ રાષ્ટ્રીય પાસાઓને સમગ્રતામાં પ્રગટ કરે અને હિન્દુઓને એક સંપૂર્ણ પ્રજા તરીકે ઓળખાવી શકે, એ માટે કર્યો છે.’ હિંદુત્વ આમ હિન્દુ પ્રજાનું લક્ષણ છે, હિન્દુ પ્રજાની સમગ્રતામાં ઓળખ છે. જે કોઈ આ ઓળખમાં સમાતા નથી એ બહારના છે અને તેથી હિન્દુ રાષ્ટ્રના સભ્યો નથી. આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. હિંદુત્વ એ હિન્દુ ધર્મની વ્યાખ્યા નથી. એનો એક ચોક્કસ રાજકીય સંદર્ભ છે.

આર.આર.એસ.ની વિચારધારા રજૂ કરતું બીજું પુસ્તક સંઘના બીજા સરસંઘસચાલક માધવ સદાશિવ ગોલવલકરનું લખેલું ‘વી ઓર ધી નેશનહૂડ ડીફાઇન્ડ’ છે, જે ૧૯૩૮માં પ્રગટ થયું અને જે સંઘનું બાઇબલ ગણાય છે. આ પુસ્તક આર.આર.એસ.ની નાઝીવાદ સાથેની સરખામણી વિશે એટલી હદે સ્પષ્ટ છે કે આર.આર.એસે. પોતાને એનાથી અલગ કરવાના ઘણા પ્રયત્નો પછીથી કર્યા હતા. અને છતાં એની અગત્યતા હંમેશાં આર.એસ.એસ. માટે રહી છે.

ગોલવલકરે પુસ્તકમાં ગાંધીના સેક્યુલર રાષ્ટ્રવાદની ટીકા કરી છે, જેમના મત પ્રમાણે ‘રાષ્ટ્ર એ જે કોઈ આ ભૂમિમાં રહે તે બધાથી સ્વાભાવિક રીતે બનેલું છે અને આ બધા લોકો ‘રાષ્ટ્રીય’ મંચ પર એકઠા થઈને  ‘બંધારણીય’ રીતે ‘સ્વતંત્રતા’ મેળવશે.’ ગોલવલકરના મતે આ લોકશાહી વિશેના ખોટા વિચારો હતા જેને લીધે ‘આપણે આપણા જૂના હુમલાખોરોના વર્ગમાં આવી ગયા … આપણે આપણને આપણા દુશ્મનોને આપણા મિત્રો માનવા માટે છેતરવા દીધા છે, આપણે હાથે આમ સાચી રાષ્ટ્રીયતાને આપણે નુકસાન પહોચાડ્યું છે.’

ગોલવલકરના મતે જે પાંચ કારણોથી દેશ બને છે તેમાં ભૌગોલિકતા ઉપરાંત જાતિ, ધર્મ, સંસ્કૃિત અને ભાષાનો સમાવેશ થાય છે : ‘હિંદુસ્તાનમાં, ધર્મ એ સર્વ-વ્યાપક હસ્તી છે …. તે પ્રજાના જીવનમાં હંમેશાં વણાઈ ગયો છે.  … સ્વાભાવિક રીતે આપણે આપણા ધર્મે આપણને જે બનાવ્યા છે તે છીએ. આપણું જાતિ-તત્ત્વ [રેસ –સ્પિરિટ] એ આપણા ધર્મમાથી જન્મે છે. અને તેથી સંસ્કૃિત આપણે માટે બધાને આવરી લેતા ધર્મની ઉપજ છે.’ રાજકારણ આમ ‘ધર્મના એક આદેશ માફક ચલાવવાનું છે.’

ગોલવલકરે આમ ‘ટેરિટોરિયલ’ કે પ્રાદેશિક રાષ્ટ્રવાદ સામે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની વ્યાખ્યા બાંધી અને હિમાયત કરી : ‘જે કોઈ આ રાષ્ટ્રીયતા એટલે કે હિન્દુ પ્રજા, ધર્મ, સંસ્કૃિત અને ભાષાની સાથે જોડાયેલા નથી તે બધા ‘રાષ્ટ્રીય’ જીવનની સીમાથી બહાર છે. એ બધા રાષ્ટ્રદ્રોહી છે અને રાષ્ટ્રધ્યેયના દુશ્મન છે.’

ગોલવલકરે નાઝી વિચારધારાને આધારે પોતાના રાષ્ટ્ર વિશેના મંતવ્યો રજૂ કર્યા. તેમના માટે રાષ્ટ્રીયતા માટે જાતિ [રેસ] ખૂબ જ મહત્ત્વની છે : ‘જાતિ અને સંસ્કૃિતની શુદ્ધતા માટે જર્મનીએ જ્યુ લોકોથી દેશને સાફ અને શુદ્ધ કરીને દુનિયાને આંચકો આપ્યો. જાતિ માટેનો ગર્વ અહીં એની પરાકાષ્ટાએ પ્રગટ થાય છે. જર્મનીએ એ પણ બતાવ્યુ છે કે જે જાતિઓ અને સંસ્કૃિતઓ જુદી અને વિભિન્ન છે તેમનું એક સમગ્રતામાં સમાવું લગભગ અશક્ય છે. આપણે હિંદુસ્તાનમાં રહેનારાઓને શીખવા માટે અને ફાયદો ઉઠાવવા માટે આ સારો પાઠ છે.’ અને છેવટે તેઓ સ્પષ્ટ ભાષામાં લખે છે : ‘જે પરદેશી જાતિઓ હિંદુસ્તાનમાં રહે છે તેમણે કાં તો હિન્દુ સંસ્કૃિત અને ભાષા અપનાવવી જોઈએ, હિન્દુ ધર્મને માન આપવું જોઈએ … અથવા તો હિન્દુ રાષ્ટ્રને સંપૂર્ણ રીતે આધીન થવું જોઈએ, કોઈ વિશેષાધિકારો ન માગવા જોઈએ અને તેમને નાગરિક તરીકેના કોઈ હક ન હોવા જોઈએ.’ ભારતના બંધારણમાં ધર્મ અને જાતિથી પર બધા નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે તેનાથી બિલકુલ વિરુદ્ધ આ માન્યતાના પડઘા આપણે ચારે બાજુ આજે સાંભળીએ છીએ.

ગોલવલકરે પ્રાચીન ભારતની સર્વોપરિતા ઉપર પણ ભાર મૂક્યો છે. તેમના શબ્દોમાં  ‘પરદેશી મુસાફરોએ પણ તેમણે કરેલા તુલનાત્મક અભ્યાસમાં કહ્યું છે કે આ દેશનો સાધારણ નાગરિક અન્ય પ્રદેશોના સામાન્ય માણસ કરતાં ઘણો ચઢિયાતો છે. … પશ્ચિમ જ્યારે માંસને શેકીને ખાતાં શીખ્યું તેના ઘણા સમય પહેલા ભારત એક રાષ્ટ્ર હતું.’ અર્થાત્ પશ્ચિમમાં વિકાસ થયો તે પહેલાં ભારત એક વિકસિત દેશ હતો. આજે દીનાનાથ બત્રાના વિધાનો અને સંઘ પરિવારના વૈચારિક સૂત્રધારો આ જ વિચારોના પડઘા પાડે છે.

ગોલવલકરે બીજા ધર્મના લોકોને પોતાના પક્ષમાં ધર્માન્તરણ દ્વારા લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો : ‘બધાં જાણે છે કે કેવળ ગણ્યાગાંઠ્યા મુસ્લિમો જ દુશ્મન અને હુમલાખોર થઈને આવ્યા. એ જ પ્રમાણે ગણ્યાગાંઠ્યા ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા. આજે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. … તેથી આપણી ફરજ છે કે આપણા આ દુ:ખી ભાઈઓ, જે સદીઓ સુધી ધાર્મિક ગુલામીમાં રહ્યા તેમને પોતાના પૂર્વજોના ઘરમાં પાછા લાવીએ.’ લઘુમતી કોમની સંખ્યા વધતી જાય છે અને હિન્દુઓની ઘટતી જાય છે એવી કુશળ દલીલ દ્વારા બહુમતી કોમમાં ભયની લાગણી ફેલાવવી એ આજના પ્રચારના મૂળ આ વિધાનોમાં દેખાય છે. ગોલવલકર એમના મુસ્લિમ અને ખ્રિસ્તીઓને હિન્દુ ધર્મ અપનાવવાના સંદેશ સામે થયેલા ઊહાપોહથી આશ્ચર્ય પામ્યા હતા, અને એક ઇન્ટરવ્યૂમાં ૧૯૬૯માં એમણે કહ્યું કે આ તો કેવળ ‘ઘર પાછા આવવાની’ અપીલ હતી !

ગોલવલકરના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ અને નાઝીવાદ તેમ જ ફાસીવાદ વચ્ચે ઘણું સામ્ય છે : 

1. સર્વોપરી, સર્વસત્તાધીશ નેતાનો સિદ્ધાંત,

2. સંગઠનમાં ચૂસ્ત શિસ્ત અને આક્રમકતા પર ભાર,

3. રેશિયલ – જાતીય સંસ્કૃિતની સર્વોપરિતાની માન્યતા,

4. ધાર્મિક આદર્શવાદથી ભરેલો ઉગ્ર રાષ્ટ્રવાદ,

5. ભૂતકાળની મહાનતાના પ્રતિકોનો ઉપયોગ,

6. સાંસ્કૃિતક વિવિધતાની વિરુદ્ધ એકતા પર ભાર; અને

7. ધાર્મિક કે જાતિય લઘુમતીઓનો રાષ્ટ્રની કલ્પનામાથી નિકાલ.

સંઘની વિચારધારાનો બહુ જ મજબૂત પાયો સાવરકર અને ગોલવલકરે નાખ્યો હતો. સંઘની વિચારધારાની ખાસિયત એ છે કે તેમણે જે સાંસ્કૃિતક હિન્દુ રાષ્ટ્રવાદની વ્યાખ્યા બાંધીને સમજ ઊભી કરી હતી, તેમાં જરા પણ પરિવર્તન  કે વૃદ્ધિ થયાં નથી. હિન્દુ રાષ્ટ્રની કલ્પના, લઘુમતી કોમોને એમાથી બાકાત રાખવાનો આગ્રહ, હિન્દુઓની સંખ્યા વિશે ચિંતા, બીજા ધર્મના લોકોના હિન્દુ ધર્મમાં ધર્માન્તરણને ‘ઘર વાપસી’ તરીકે ઓળખાવવું, ભૂતકાળની ભવ્યતાના સતત બણગાં ફૂંકવા, આ બધુ જે આપણે આજે જોઈએ અને સાંભળીએ છીએ તે ખૂબ જ સ્પષ્ટ વિચારોમાં ગોલવલકરે રજૂ કર્યું હતું. આર.આર.એસ. આજે પણ સતત એ જ વિચારોનો સંગઠનનાં માધ્યમ દ્વારા પ્રસાર કરી રહ્યું છે. વિચારોના પ્રસાર માટે સંગઠન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શાખાઓમાં કુમળી ઉમ્મરના છોકરાઓના મનની કોરી સ્લેટ પર આ વિચારો ઘૂંટવામાં આવે છે. શિક્ષણની આ પદ્ધતિમાં પ્રશ્નો ઉઠાવવા કે ચર્ચા કરવાનો અવકાશ જ નથી. સ્વયંસેવકો સાંભળે છે, શીખે છે અને સ્વીકારે છે કોઈ પ્રશ્ન, ચર્ચા કે ટીકા વગર. વિચારશક્તિ ખોઈ બેઠેલા આ સૈનિકો સંપૂર્ણ વફાદારી અને અતિ ઉત્સાહ અને ઝનૂનથી આદેશોનું અને વિચારોનું પાલન કરે છે. આજે શિક્ષણની આ પદ્ધતિ દાખલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં બુદ્ધિવાદ, વૈચારિક સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે વિચારવાની વૃત્તિ, તેમ જ વૈજ્ઞાનિક અભિગમ, જે શિક્ષણનો મૂળ ઉદ્દેશ્ય છે, તેની જગ્યાએ વિદ્યાર્થીઓનાં મનને અમુક ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો આગ્રહ રાખવામા આવે છે. ઐતિહાસિક તથ્યો અને બુદ્ધિવાદી દલીલોની જગ્યાએ દંતકથાઓ પર આધારિત અને ભાવનાઓને ઉશ્કેરે એવા શિક્ષણની તાલીમ આપવાનો પ્રયત્ન થાય છે, જેથી એક ચોક્કસ રીતે વિચારવાની છેવટે ટેવ પડે અને એને આધારે અભિપ્રાયો બંધાય. દીનાનાથ બત્રાનાં પુસ્તકોનો આ આશય છે. શિક્ષણ વિશેની આ વિચારધારા એ શિક્ષણના મૂળભૂત ધ્યેય જે જ્ઞાનની સ્વતંત્ર ખોજ છે તેના પર પ્રહાર છે. 

આર.આર.એસ.ની સફળતા એ આ વિચારધારાનું સમાજમાં ઊંડે સુધી પ્રસાર એ છે. બે તાજા ઉદાહરણો જોઈએ. નૌકાદળના એક અધિકારીએ તાજેતરમાં ગર્વથી જાહેરમાં કહ્યું કે પાકિસ્તાનની નૌકાને જલાવવાનો આદેશ એમણે જ આપ્યો હતો કેમ કે ‘તેમને [પાકિસ્તાની નાવિકોને] બિરિયાની ખાવાનું આમંત્રણ થોડું અપાય?’ ગુજરાતના પોલીસ અધિકારી વણઝારાએ જેલમાથી નીકળીને કહ્યું કે જો તેમણે પોતાની ફરજ ન બજાવી હોત તો ગુજરાત બીજું કાશ્મીર બનત. આ બંને ઉદાહરણો બતાવે છે કે મુસ્લિમો એટલે દુશ્મનો અને આતંકવાદીઓ એ દંતકથા કેટકે ઊંડે સુધી સમાજના કેટલા બધા ક્ષેત્રોમાં ફેલાઈ છે, અને કેટલી હદે લોકોએ આત્મસાત કરી છે, અને તેમની સામાન્ય સમજણનો ભાગ બની છે. ઉપરાંત, વધુ ભયજનક વાત તો સંઘનો  વહીવટી તંત્રમાં પેસારો અને પોલિસ અને નાગરિક તંત્રના સભ્યોમાં કોમવાદી વલણ પેદા કરવાનો સફળ પ્રયાસ એ છે.

સ્વાતંત્ર્યોત્તર સમયમાં આર.આર.એસ.ના ‘પરિવાર’નો વિસ્તાર થયો. ૧૯૫૧માં ગોલવલકરને લાગ્યું કે સંઘની વિચારધારાને રાજકીય ક્ષેત્રમાં લઈ જવાની તાત્કાલિક જરૂર હતી, જેથી સામ્યવાદ અને કોંગ્રેસની વિરુદ્ધ લોકમત અસરકારક રીતે ઊભો કરી શકાય અને તેથી શ્યામા પ્રસાદ મુખરજીની મદદથી ભારતીય જનસંઘની સંઘની રાજકીય પાંખ તરીકે સ્થાપના થઈ. ૧૯૬૪માં વી.એચ.પી.ની એમણે સ્થાપના કરી અને સાધુ સંતોના બહોળા સમુદાયનો પરિવારમાં સમાવેશ થયો. વી.એચ.પી. એ મોટા પાયા પરના સાંપ્રદાયીકરણની અને સાંપ્રદાયિકતાના બજારીકરણની ઘટના છે. બજરંગદળની સ્થાપના ૧૯૮૪માં રામ જન્મભૂમિની વી.એચ.પી.ની ચળવળના સમયમાં વી.એચ.પી.ની યુવા શાખા તરીકે થઈ. સંઘ પરિવારમાં દરેક સદસ્યનું પ્રદાન હોય છે. દરેક વચ્ચે ખૂબ કુશળતાથી શ્રમનું વિભાજન થયેલું છે, ભા.જ.પ. એ પરિવારનો લોકશાહીનો ચહેરો છે અને લોકશાહીના માળખામાં રહીને બોલે છે. એક બાજુ દેવળો પર સતત પ્રહારો થાય છે અને ‘ઘર વાપસી’ની ઝુંબેશ જોરથી ચાલે છે અને બીજી બાજુ પ્રધાનમંત્રી ધર્મની સ્વતંત્રતા વિશે વિધાનો કરે છે. લઘુમતીઓ પર થતા પ્રહારોના આરોપીઓને સજા કરવાની ક્યારે ય વાત થતી નથી. આર.આર.એસ. પડદાની પાછળ દોરી સંચાર કરે છે. જો કે ૨૦૧૪ની ચૂંટણીઓમાં ભા.જ.પ.ના વિજય પછી આર.આર.એસ.ના વડાએ  જાહેરમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ વિશે અને હિન્દુ પ્રજાની એક્તા વિશે અનેકવાર વિધાનો કર્યા છે. ૨૦૧૪ની લોકસભાની અને તાજેતરની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં આર.આર.એસ.ના પ્રચારકોએ ઘેર ઘેર જઈ પ્રચાર કર્યો છે. આ ઉપરાંત સરકારના નિર્ણયો પાછળ આર.આર.એસ. સતત નજર રાખે છે. વી.એચ.પી. સાંસ્કૃિતક પ્રતિકોને કુશળતાથી વાપરીને લોકોનો ટેકો મેળવે છે જેથી ભા.જ.પ.ને ચૂંટણીમા ફાયદો થાય. બજરંગદળ હિંસક પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ આખું એક ગોઠવેલું સંયોજન છે જેમાં દરેકની ભૂમિકા છે. સાક્ષી મહારાજના વિધાનોને મીડિયા ‘લ્યુનેટીક ફ્રિન્જ’ [પાગલ, છેવાડા પરના, લોકો] તરીકે ઓળખાવે છે જે ભા.જ.પ.ને ફાવતું છે કેમ કે એને પોતાનો બચાવ કરવાની જરૂર રહેતી નથી.  વી.એચ.પી. ઉગ્ર ભાષાનો પ્રયોગ કરે છે, દોષનો ટોપલો એને માથે લાગે છે પરંતુ લાભ ભા.જ.પ.ને અને સંઘને થાય છે. સંઘ કેમ કે પાછળ રહીને બોલે છે બધી જવાબદારીથી મુક્ત છે અને એક અલગ, ‘સાંસ્કૃિતક મંચ’ તરીકે પોતાનું કામ સફળતાથી કરે છે. આ ઉપરાંત પણ સંઘનું નેટવર્ક ખૂબ જબરદસ્ત છે. શિક્ષણના ક્ષેત્રમાં બિનસરકારી ક્ષેત્રમાં વિદ્યાભરતી એ દેશમાં મોટી સંસ્થા છે. આદિવાસીઓ માટે ‘વનવાસી કલ્યાણ યોજના’ છે જેમાં ધર્માન્તરણની પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય છે. યુવાનો માટે ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ દરેક શિક્ષણ સંસ્થાઓમાં ફેલાએલી છે જ્યાં યુવાનોને સંઘમાં જોડાવા માટે પ્રોત્સાહન અપાય છે. આના જેવા દરેક ક્ષેત્રો માટે સંઘના મંડળો છે જેના દ્વારા દરેક ક્ષેત્રમાં સંઘની વિચારધારાનો પ્રચાર થાય છે.

૨૧મી સદીનો સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ વધુ સંકૂલ છે. ૧૯૯૦ના દશકમાં શરૂ થયેલી ઉદારીકરણની અને વૈશ્વિકીકરણની આર્થિક નીતિઓને પરિણામે એક નવો મૂડીવાદી વર્ગ દેશમાં ઊભો થયો છે. જૂના ઔદ્યોગિક મૂડીવાદમાં અમુક ઉચ્ચ જ્ઞાતિ જેવી કે જૈન અને વાણિયા સમાજના લોકો મૂડીવાદી વર્ગના સભ્યો હતા. નવા મૂડીવાદીઓ મધ્યમ જ્ઞાતિઓમાંથી આવ્યા છે. અંદર અંદરની હરીફાઈ, આગળ, ઉપર પહોંચવા માટે વધતી જતી ક્ષિતિજો, ઉપભોકતાવાદી જીવનશૈલીની આદતો તેમ જ વૈશ્વિક તકોની ઊઘડતી જતી નવી દુનિયા, આ બધાને કારણે તેમના જીવનમાં એક અનિશ્ચિતતા આવી છે અને કોઈ આધારની જરૂરિયાત ઊભી થઈ છે જે તેમને ટકાવી શકે. જમણેરી બળો અને આ વર્ગ વચ્ચે સંબંધ વધ્યો છે. આ નવા વર્ગને નવાં નૈતિક મૂલ્યો, નવી પહેચાનની જરૂર છે જે તેમના મૂડીવાદી હિતો અને મહેચ્છાઓને પડકારે નહીં કે તેની આડે આવી નહીં, બલકે તેને પોષવામાં મદદરૂપ થાય.. પરદેશમાં વસતા ભારતીયો [એન.આર.આઈ.]ને માટે આક્રમક હિન્દુ ઓળખ એ ભારતીયતાની પહેચાન છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આ સંબંધથી મૂડીવાદીઓ અને જમણેરી તત્ત્વોને બંનેને ફાયદો થાય છે. એ યાદ કરવા જેવી હકીકત છે કે આર.આર.એસ.નો ઉદ્દભવ જે સમૂહમાથી થયો તે ઉચ્ચ જ્ઞાતિ અને ઉચ્ચ અને મધ્યમ વર્ગનો બનેલો હતો અને આર્થિક ક્ષેત્રે કોઈ પરિવર્તન ચાહતો ન હતો. આજે પણ જમણેરી બળો અને મૂડીવાદીઓ સામાજિક કે આર્થિક પરિવર્તન ચાહતા નથી, જેથી તેમને નુકસાન થાય. બલકે તેઓ આવા પરિવર્તનની ખિલાફ છે. ભૂમિ અધિગ્રહણ કાયદામાં સુધારા અંગેનો વટહુકમ જે ખેડૂતોની ખિલાફ છે તે આનું ઉદાહરણ છે. સંઘ પરિવારના વિધાનો અને પ્રવૃત્તિઓ આજના સમાજના જે ખરેખર મહત્ત્વના પ્રશ્નો છે તેના તરફથી લોકોનું ધ્યાન હઠાવવાનો પ્રયત્ન કરે છે. આજે હિંદુત્વના અને ઉદારીકરણ તેમ જ વૈશ્વિકીકરણના સંદર્ભમાં વિકાસના ઘોંઘાટમાં સામાજિક અને આર્થિક અસમાનતાઓના પ્રતિકારની શક્યતાઓ વધુ મુશ્કેલ બની છે અને ફેરવિચારણા માંગી લે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે. હિંદુત્વ બળોએ પોતાના સામર્થ્ય અને પ્રભાવ હિન્દુ અને ‘બીજા’ઓ વચ્ચેના સંબંધની અસમાનતા પર મેળવ્યા છે. આ બંને સમૂહોને બીબાંઢાળ, પ્રતિકોની બનેલી, ઓળખમાં વહેંચીને તેણે સત્તાના સમીકરણોને એક અર્થમાં સીમિત કર્યા છે અને રોજ-બ-રોજના સંબધોમાં સત્તા અને સંપત્તિની જે અસમાનતાઓ છે તેની ઉપેક્ષા કરી છે. સેક્યુલરિઝમની લડત એક અલગ અને અમૂર્ત સૈદ્ધાંતિક લડત ન રહેતા રોજ-બ-રોજના ચોકકસ, નક્કર, પ્રશ્નોના સક્રિય લોક આંદોલનમા ભળે અને તેમાં ભાગ લેનારા પોતાની ઓળખ જુદીજુદી આર્થિક અને સામાજિક ભૂમિકાઓમાં જુએ તે જરૂરી છે. પ્રશ્ન એ નથી કે દીનાનાથ બત્રાનાં પુસ્તકોની હકીકત સાચી છે કે ખોટી. પુસ્તકોના વિષ્લેશણનો આ વિષય નથી. પ્રશ્ન એ છે કે દીનાનાથ બત્રાનાં પુસ્તકો, સાક્ષી મહારાજના વિધાનો, દિલ્હીમાં દેવળો પર થયેલા હુમલાઓ, એ બધા હિંદુત્વના એક મોટા એજેંડાના ભાગ છે જે આપણને હિન્દુ ઓળખ આપવાનો આગ્રહ રાખે છે. આ એજેંડાનો પ્રતિકાર આપણી બીજી, સામાજિક, આર્થિક ઓળખોને આગળ ધરીને થઈ શકે. આપણી પોતાની મલ્ટિપલ આઇડેન્ટીટી – અનેકવિધ ઓળખ – ની ઊંડી સમજ આપણને બીબાંઢાળ અને પ્રતીકો – જે સત્તા અને ઓળખ બંનેના પ્રશ્નોને એકદમ સરળ બનાવી દે છે – તેમાં વિચારવા માટે નિરુત્સાહ કરે છે અને નક્કર પ્રશ્નો તરફ વાળે છે. પરંતુ એ પણ વિચારવું જરૂરી છે કે કેવી રીતે આવી શરૂઆતો કેવળ સ્થાનિક ન રહેતા સંગઠિત લોક-આંદોલનો સાથે જોડાય અને ઘણા બીજા પ્રશ્નો સુધી વિસ્તરે, જેથી ખરા પરિવર્તનની અને આપણી વૈવિધ્યપૂર્ણ સંસ્કૃિત જે આપણા બંધારણમાં કંડારીત છે તેની શક્યતાઓ બંધાય.

[ડૉ. સ્વાતિ જોશી, 1973થી દિલ્હીની મિરાન્ડા હાઉસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરતાં હતાં. તાજેતરમાં અમદાવાદ ખાતે એક પરિસંવાદમાંનું સ્વાતિબહેનનું ઉદ્દબોધન]

સૌજન્ય : વૈચારિક ક્રાંતિ દ્વારા માનવીય ગૌરવને વરેલું “માનવવાદ”, મે / જૂન 2015

Loading

20 May 2015 admin
← ચાલો, કવિતા માણીએ
અમે બીજા કરતાં જુદા અને અમે બીજા કરતાં ઊંચા આ બે ટિપિકલ ભારતીય બીમારીઓ છે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved