(ઉચ્ચાસને મહાજન, નીચ્ચાસને સમુદાય, શંખનાદ સાથે પડદો ખૂલે. તાળીઓના ગડગડાટ અને જયકાર, પણ કોના નામનો તે જાણી ન શકાય.)
મહાજન ઃ છોકરાં રે !
સમુદાય ઃ ઓ રે !
મહાજન ઃ હું બોલાઉં તેમ જ બોલશોને ?
હું વંચાઉં એ જ વાંચશોને ?
હું દેખાડું તે જ જોશોને ?
સમુદાય ઃ હાં રે ! હાજી, હાજી, હાં રે !
એક અત્યંત ક્ષીણ અવાજ : ના રે, નાજી, નાજી, ના રે !
મહાજન ઃ એ કોણ ‘ના’ બોલ્યું ? આગળ આવો જોઉં !
(કોઈ આગળ નથી આવતું. અંદર-અંદર ગણગણાટ)
મહાજન ઃ મેં ‘ના’ સાંભળી છે. અવાજ ભલે ધીમો હતો પણ અમે કાનના તેજ, બદ્ધું સાંભળીએ. ચલો, ઝટપટ આગળ આવો. નહીં તો પુનરાવર્તન વખતે પકડાઈ જશો. છોકરાં રે ! બોલો બોલો, છોકરાં રે !
સમુદાય ઃ ઓ રે !
મહાજન ઃ હું બોલાઉં તેમ બોલશો કે ?
સમુદાય ઃ હાં રે ! હાજી, હાજી, હાં રે !
(આ વખતે ત્રણ-ચાર ક્ષીણ અવાજ એકસાથે) ના રે ! ના રે !
(મહાજન ચીલઝડપે ‘ના’ કહેનારને પકડે.) ઃ તું ? ને તારી સાથે બીજા કોણ-કોણ હતાં ? ક્યાં છે એ વિનિપાત આવાહકો ? ક્યાં છે એ ભ્રષ્ટ અને વિધ્વંસક પરિબળો ? તમામને શિક્ષા થાય તે કરતાં જે નાફરમાની આદરે છે તે જાતે કબૂલે અપરાધ.
(સહુ આમતેમ આંગળી ચીંધે પણ કોઈ ચોક્કસ દિશાને અભાવે મહાજન મૂંઝવણમાં)
મહાજન ઃ (મુક્કી પછાડી, ઘાંટો પાડી) બંધ કરાવી દઈશ તમારા ખેલ, સમજો છો શું તમે ? ફટવી મૂક્યા છે તમને, આજથી બધું બંધ. ને તમે, પેલા લેખક મહાશયને કહું છું, તમે કોની પરવાનગી લઈને મંદિર સાથે સંકળાયેલી પ્રથાને જાહેરમાં ઉછાળી ? ને ઓ પેલાં બહેન, તમે પાછળ જાવ. તમારે ક્યાંયે નથી જવાનું. વિદેશ જઈને દેશ માટે ભચડી આવો છો જે ફાવે તે !
એક મંદ અવાજ : પણ હે મહાનલ ! આપણે તો મૌલિક વિચારોના સ્ફુિલ્લંગો ! વૈચારિક ક્રાંતિનાં બીજ, નિરામય વિરોધ તો સમાજના આરોગ્ય માટે અનિવાર્ય, એવું નહીં ? તે વિના આપણી સમૃદ્ધિ શી રીતે સચવાશે ?
મહાજન ઃ તમે તમારું માથું સાચવો. સંસ્કૃિતની રક્ષા માટે તત્પર એવાં સૈન્યો વાઢી નાખશે તો શું કરશો ? પેલા લેખક હૉસ્પિટલમાં છે, તે બીજા એક તો હવે કલમ પકડવાના નથી ક્યારે ય, એટલે જે બોલો તે જરા વિચારીને બોલજો ! સંસ્કૃિત તમારી ચિંતાનો વિષય નથી. ગંદીગોબરી ફિલ્મો જોવી છે અને વાત કરવા નીકળ્યા છો સંસ્કૃિતની ! દેશની આબરૂના ધજાગરા કરવા છે ?
એક સ્પષ્ટ અવાજ : પણ સર, ગોબરી તો પેલી ઘટના હતી, ફિલ્મ તો પછી બની, મૂળ ઘટના અંગે …
મહાજન ઃ ચૂપ ! એકદમ ચૂપ ! છે ને કોરટકચેરી ? મળશે ન્યાય બધાંને, તમે તમારું સંભાળો, ને કહીએ એમ કરો, સહુ સારાં વાનાં થશે. ચાલો, પોતપોતાની જગ્યાએ જતાં રહો. મૌનથી સંસ્કૃિતની રક્ષા જેટલી થાય, એટલી બીજી કોઈ રીતે નથી થતી, એ સુવર્ણ અક્ષરે લખેલું સૂત્ર વીસ વાર લખી લાવો, ચાલો, બેસી જાવ સહુ.
સમુદાયમાં પાંચ-છ જણ : નો સર, અમે આ નથી માનવાનાં. આવી અનુદાર અને સહિષ્ણુવૃિત્તને અમારું સમર્થન નથી, અમે જીવને જોખમે પણ …
મહાજન ઃ ભલે, સૂત્રધાર, આ સજ્જનો-સન્નારીઓને પેલાં ટોળાંઓની તસવીરો દેખાડો …
સૂત્રધાર ઃ કયાં ટોળાં, મહાનુભાવ ? લેખકને તાણી ગયા તે, કે ચૅનલ પર બૉમ્બ ફેંક્યો તે, કે પછી પેલાં …
(પડદો)
સૌજન્ય : ‘તિર્યકી’, “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 20