Opinion Magazine
Number of visits: 9448030
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિગ્રી મેળવવી હોય તો કોલેજમાં જાવ, જ્ઞાન મેળવવું હોય તો રવીન્દ્રનાથને વાંચો

તેજસ વૈદ્ય|Opinion - Literature|6 May 2015

કાવ્ય, નાટક, વાર્તા, નવલકથા, પ્રવાસવર્ણન, નિબંધો, સંગીત, ચિત્રો આ દરેક ક્ષેત્રમાં રવીન્દ્રનાથ ઠાકુરે ખેડાણ કર્યું છે. ખેડાણ પણ એવું કર્યું છે કે એમાં તેમની મૌલિક મુદ્રા વિકસાવી છે. તેમની પછીની દરેક પેઢી માટે એ ખેડાણ દીવાદાંડીરૂપ છે. એટલું જ નહીં, સમાજના દરેક પ્રશ્ન વિશે ઠાકુર પાસે ચિંતન હતું. તેઓ વિશ્વયુદ્ધનાં માઠાં પરિણામો વિશે બોલી શકતા હતા. કોસ્મોપોલિટનિઝમ વિશે તેમણે યુરોપિયન દેશો તેમ જ જપાન વગેરેમાં આપેલાં વ્યાખ્યાનો આજે પણ દેશની વિદેશનીતિ નક્કી કરવામાં કારગર નીવડે એવાં છે. આવતી કાલે [07મી મે] તેમની જન્મજયંતી છે એ નિમિત્તે તેમને યાદ કરીએ.

રવીન્દ્રનાથ ઠાકુર એવી મેધાવી પ્રતિભા હતા કે રોજ રામાયણ, ભાગવત કે અન્ય ધર્મગ્રંથોનું પઠન કરતા હોઈએ એમ તેમને વાંચવા જોઈએ. તેમનાં પ્રવચનો, પ્રવાસવર્ણનો, નવલકથા, નાટકો, વાર્તા, કાવ્યો વાંચવાં જોઈએ. તેમના વિશે અન્ય લોકોએ જે લખ્યું છે એ પણ વાંચવું જોઈએ. સંગીતમાં તેમણે રવીન્દ્ર સંગીતની નવી મૌલિક શાખા ઊભી કરી છે. હિન્દી સિનેમામાં કામ કરતા કેટલાંક બંગાળી સંગીતકારો પર રવીન્દ્ર સંગીતની ભારોભાર અસર રહી છે. પછી એ એસ.ડી. બર્મન હોય કે શાંતનુ મોઇત્રા. ચિત્રકારીથી માંડીને સંગીત અને સાહિત્યની તમામ વિધાઓમાં રવીન્દ્રનાથે ખેડાણ કર્યું છે. ખેડાણ પણ એવું છે કે આવનારા દરેક સમયને દિશા આપવાનું કામ કરે છે.

સવાલ એ થાય કે રવીન્દ્રનાથે તો આટઆટલું લખ્યું છે અને છોગામાં ચિત્રો ય દોર્યાં છે. આટલું બધું તો કેમ વાંચવું? તો જવાબ એ છે કે એક માણસ આટલું સર્જન કરવા માટે સમય કાઢી શકતો હોય તો એ સર્જનનું આચમન કરવા માટે તો સમય કાઢવો જોઈએ ને!? બીજી વાત એ કે હું રવીન્દ્રનાથ ઠાકુર ન વાંચું તો એમાં ગુમાવવાનું તો મારે જ છે. રવીન્દ્રનાથ ઠાકુરે તો પોતાને જે કરવું હતું એ કરીને ચાલ્યા ગયા છે અને આપણી સામે ધરી દીધું છે. રવીન્દ્રનાથ ઠાકુર એવી પ્રતિભાના ધણી હતા કે એક આખી જિંદગી તેમના સર્જન પાછળ આપી શકાય. તેમને સતત વાંચતા રહીએ ત્યારે સમજાય છે કે દૃષ્ટિ કેવી ફેલાય છે, કેટલી વિકાસ કરે છે. જીવનને જોવા, જાણવા અને માણવાનો વિશિષ્ટ નજરિયો મળે છે. રવીન્દ્રનાથ ઠાકુરને વાંચતા જઈએ એમ એમ એજ્યુકેટ થતા રહીએ છીએ. સાહિત્ય, સંગીત, કલા, શિક્ષણ અને જીવન એમ વિવિધ ક્ષેત્રમાં ઠાકુરે પોતાની મૌલિકતાની મુદ્રા કંડારી છે.

દેશના દરેક પ્રાંતમાં ઘણા કુશળ કવિઓ થયા છે. આ કવિઓ કોઈ એક પ્રાંતના હોવા છતાં ય તેમના કાવ્યમાં જગતકલ્યાણનો સૂર હતો. છતાં ય તેમનો દાયરો તેમના પ્રાંત પૂરતો સીમિત જ રહ્યો છે. રવીન્દ્રનાથ ઠાકુર પહેલા એવા કવિ છે જેમની અસર સમસ્ત હિંદ પર પડી હતી. કવિ કાલિદાસ પછી રવીન્દ્રનાથ ઠાકુર એવા કવિ હતા જેમણે રાષ્ટ્રીય કવિ તરીકે કીર્તિ મેળવી છે. એવો કૃષ્ણલાલ શ્રીધરાણીનો મત છે. આપણા જાણીતા કવિ – પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી શાંતિનિકેતનમાં બે વર્ષ સુધી રવીન્દ્રનાથ ઠાકુરના શાગિર્દ હતા. તેમણે કેટલાંક પ્રસંગો નોંધ્યા છે. તેઓ એક ઠેકાણે લખે છે કે, "શાંતિનિકેતન માટે ફાળો ઉઘરાવવાની ગુરુદેવની તરકીબ ન્યારી હતી. આશ્રમના વિદ્યાર્થીઓ પાસે નાટકો તૈયાર કરાવી તેઓ કલકત્તા-મુંબઈની સફરે ઉપડતા અને એમ પૈસા એકઠા કરતા. આ અંગે તેઓ એક વખત તેમના રહેઠાણ ઉત્તરાયનમાં 'નટીની પૂજા' નામના પોતાના નાટકની તૈયારી કરાવતા હતા. એક બાળાની નૃત્ય કરવામાં કંઈક ભૂલ જણાઈ એટલે બોંતેર વર્ષના ડોસા કૂદી પડયા અને નૃત્ય કેમ સાચું કરવું તે બતાવવા નાચવા લાગ્યા! તેમની પુત્રી મીરાંએ તેમને જો ન પટાવ્યા હોત તો હાર્ટએટેક થાત અને તેઓ માંદગીમાં પટકાઈ પડત."

બંગાળ એ દેશની બૌદ્ધિક રાજધાની ગણાય છે. એવું કહેવાય છે કે બંગાળ જે આજે વિચારે છે તે દેશ કાલે વિચારે છે. છતાં ય નોબેલ પ્રાઇઝ ન મળ્યું ત્યાં સુધી ખુદ બંગાળના સાક્ષરોએ પણ ઠાકુરના સામર્થ્યને પિછાણ્યું નહોતું. બંગાળ સિવાયના દેશની તો વાત જ શું કરવી? જ્યાં સુધી પશ્ચિમે ન પોંખ્યા ત્યાં સુધી પૂર્વે એટલે કે આપણા દેશે પણ તેમને પિછાણ્યા નહોતા એનો રંજ રવીન્દ્રનાથ ઠાકુરને હતો.

શ્રીધરાણી એક પ્રસંગ લખે છે, "એક સુંદર સવારે, લગભગ એકાએક રવીન્દ્રનાથ ઠાકુરનું નામ સમસ્ત હિંદની જીભે રમવા લાગ્યું, કેમ કે તે દિવસે જાહેર થયું કે ઇતિહાસમાં પહેલી જ વાર એક હિંદીને સાહિત્ય વિભાગનું નોબેલ પ્રાઇઝ મળ્યું. બંગાળના સાક્ષરોએ એક સ્પેિશયલ ટ્રેન કલકત્તાથી કરી અને તેઓ સૌ ગુરુદેવને અભિનંદન આપવા શાંતિનિકેતન આવ્યા. ગુરુદેવે તેમને દર્શન પણ ન આપ્યાં અને જણાવ્યું કે એક જ રાતમાં પોતામાં આટલો ફરક પડવો અશક્ય છે!"

ગમગીનીમાંથી પ્રગટેલી આધ્યાત્મિક ગીતાંજલિ

દુનિયા રવીન્દ્રનાથ ઠાકુરને તેમના નોબેલ નવાજિત કાવ્યસંગ્રહ ગીતાંજલિથી ઓળખતી થઈ. ઠાકુરે એક વખત કહ્યું હતું કે "મેં જીવનના કપરા સંજોગોની એકલતામાં એ કાવ્યો ઉતાર્યા હતા. એનું પુસ્તક કરવાનો ત્યારે મનમાં લગીરે ય ખ્યાલ નહતો.

'ગીતાંજલિ' હૈયાવલોવણ શોકપરંપરામાંથી જન્મેલા કાંચનશુદ્ધ જીવનઅર્ક સમો સંગ્રહ છે. ગીતાંજલિ સર્જાયું એ અગાઉ ઠાકુરે એવાં એવાં દુઃખો જોઈ લીધા હતા કે એ સંજોગોમાંથી પસાર થયેલો કોઈ સામાન્ય માનવી તો આપઘાત કરી બેસે કાં જીવનમાંથી એનો રસ ઊડી જાય અને ઇશ્વરમાં માનવાનો તે ઇન્કાર કરી બેસે. રવીન્દ્રનાથ ઠાકુર એવા ધગધગતા સંજોગોમાંથી પસાર થઈને સુવર્ણની જેમ બહાર આવ્યા અને ગીતાંજલિ લાવ્યા હતા.

રવીન્દ્રનાથના પત્નીનું મૃત્યુ થયું, ત્યાર પછી પુત્રીનું મૃત્યુ થયું. એ પછી કોલેરાને લીધે તેમના પુત્રનું મોત થયું. પુત્રમાં ઠાકુરે પોતાનો શિષ્ય નિહાળ્યો હતો. આટઆટલા શોકને લીધે તેમના હૈયામાં જે વિચારો વલોવાયા એ નવનીત એટલે કે માખણ થઈને ગીતાંજલિમાં પ્રગટયા છે. ગીતાંજલિ એ મૃત્યુની મહાનતા વર્ણવતું કાવ્ય છે. આધ્યાત્મિક સ્તરે રવિ ઠાકુર જે ઊંચા આસને પહોંચ્યા એ ગાથા એટલે ગીતાંજલી. તેમણે લખ્યું છે કે "લાઇફ હેઝ બીકમ રીચર બાય ધ લવ ધેટ હેઝ બીન લોસ્ટ." અત્યંત નિકટજનોના નિધનથી જીવન આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બને છે.

જીવનનો ખરો રાગ મૌન છે. તમારે ખરેખર જીવનની મજા માણવી હોય તો કોઈ ખલેલ ન પહોંચાડે એવી જગ્યાએ સેલફોન સ્વિચ ઓફ્ કરીને એકલા બેસી જજો. તમે જાતની વધારે નિકટ પહોંચશો. એ ક્ષણોમાં તમે જાતને આરપાર જોઈ શકશો. તમારા ગુણદોષ, ચડસાચડસી, ઇર્ષ્યા એ બધું તમારી સામે દીવાની જેમ ચોખ્ખું દેખાશે. તમે એના વિશે જેટલું વિચારશો એટલા તમારા દોષ કે મર્યાદામાંથી બહાર આવી શકશો. રવિ ઠાકુરે એ જ ચિરંતન મૌનનો મહિમા ગાયો છે.

રવીન્દ્રનાથ એવો દરિયો છે કે જેટલા ઊંડા ઉતરો એટલા રત્નો જડી આવે.

કાવ્યનો કુટિર ઉદ્યોગ અને ઠાકુર

રવીન્દ્રનાથે જાપાન તેમ જ યુરોપિય દેશોમાં પ્રવચનો આપ્યાં છે. તેમણે પશ્ચિમને ભારતીય સંસ્કૃિત પીરસી એ જ રીતે તેમણે પૂર્વને પશ્ચિમનું ગૌરવ સમજાવ્યું હતું. તેઓ એ વાત બખૂબી જાણતા હતા કે જ્યાં સુધી પૂર્વના તત્ત્વચિંતનનો પશ્ચિમના પદાર્થશાસ્ત્ર સાથે સંગમ નહીં થાય ત્યાં સુધી માનવજીવન ઊણું જ રહેવાનું છે. રવીન્દ્રનાથ ઠાકુર એવા કવિ હતા જે ભગવા રંગના મર્મને સમજતા હતા અને ભૌતિકવાદની જરૂરિયાતને પણ સારી રીતે સમજતા હતા. એ બે વચ્ચે સેતુ રચાય તો માનવજીવન કેટલું ઉજ્જ્વળ થઈ શકે છે એ તેણે પોતાનાં કેટલાં ય પ્રવચનોમાં કહ્યું છે. સામ્રાજ્યવાદ જગતને કેવા અંધારામાં લઈ જશે એના વિશે તેમનું વિશદ ચિંતન હતું.

આજે કેટલા કવિને ભૂમિ અધિગ્રહણ બિલ શું છે એ વિશે પૂરતી ખબર હશે? કોઈ કવિને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિશે બે મૌલિક ફકરા મંચ પર ચઢીને બોલવાના કીધા હોય તો કેટલા કવિ બોલી શકશે? દેશની સંરક્ષણ નીતિ અને ગૃહનીતિ કેવી હોવી જોઈએ એ વિશે બહોળું નહીં તો બેઝિક પ્રકારનું ચિંતન કેટલા નવલકથાકાર ધરાવે છે? રવીન્દ્રનાથ ઠાકુરની મહાનતા એ હતી કે વેદ અને વિજ્ઞાન વિશે તેમનું મૌલિક ચિંતન હતું. કોસ્મોપોલિટનિઝમ રચાય અને જગતભરની સરહદો ન રહે તો વિશ્વ બંધુત્વની ભાવના સાકાર થાય. એ રીતે જગતનો દરેક આદમી કેવી રીતે સુખરૂપ જીવી શકે એ વિશે જગતના તમામ દેશોને ઉદ્દેશીને રવીન્દ્રનાથ ઠાકુર કલાકો સુધી બોલી શકતા હતા.

કવિ માત્ર ફૂલ, પર્ણ, હીંચકા અને ટહુકાના ટુચકા જ વહાવ્યા કરે તો એ ઠાલો કવિ બનીને રહી જાય છે. કવિ હોવાની પાયાની શરત એ છે કે તેણે જગતભરના પ્રવાહોથી વાકેફ રહેવું જોઈએ. એનો નિચોડ તેના કાવ્યમાં ચિંતન અને કરૂણારૂપે ઝળકવો જોઈએ. કવિની રચનામાં સામાજિક પ્રતિનિધિત્વ દેખાવું જોઈએ. આજકાલ ઘણાય કવિ પોતાને સમાજના નિસબતી તો ગણાવે છે, પણ તેમના કાવ્ય-તત્ત્વચિંતનનું ઊંડાણ એવું હોય છે કે વેંત જેટલું ઊતરો ત્યાં જ તળિયું આવી જાય. ચલતા પૂર્જાની જેમ ચાલી નીકળેલા કવિઓ એ ખરેખર કવિઓ નથી, પણ કવિના નામે વગોવણું છે. ગુજરાત પાસે અદ્વિતીય પ્રતિભા ધરાવતા કવિ અગાઉ પણ હતા અને હાલ પણ છે જ. તે સારસ્વતોને આ વાત લાગુ પડતી નથી. આજકાલ કવિતા – ગઝલનો જે મશરૂમ અને કુટિરઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે તેના સંદર્ભે આ વાત કહી છે.

ઠાકુર પરિવારનું ગુજરાત કનેક્શન

દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના એક લેખ 'રવીન્દ્રનાથ અને ગુજરાત'માં વિગતે નોંધ દર્શાવાઈ છે. અમદાવાદમાં પ્રાર્થના સમાજની શરૂઆત થઈ ત્યારે રવીન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથ ઠાકુર ત્યાં આવ્યા હતા અને પ્રવચન કર્યું હતું. તદુપરાંત સત્યેન્દ્રનાથ ઠાકુર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તરીકે અમદાવાદમાં લાંબો સમય રહ્યા હતા અને ગુજરાતી સમાજમાં હળીભળી શકાય એટલું ગુજરાતી પણ શીખી ગયા હતા. કાળક્રમે તેમનું ગુજરાતીનું જ્ઞાન એટલું સારું બન્યું હતું કે તેઓ અનેક વાર પ્રાર્થના સમાજમાં ગુજરાતીમાં પ્રવચનો પણ કરતા હતા. રવીન્દ્રનાથ તેમના વડીલબંધુ સત્યેન્દ્રનાથને ત્યાં અવારનવાર રહેવા આવતા અને એ રીતે તેઓ ગુજરાતને સાવ અપરિચિત ન હતા.

૧૯૨૦ની એપ્રિલમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં હાજરી આપવા રવીન્દ્રનાથ ઠાકુર અમદાવાદ આવ્યા હતા. ગાંધીજીના આગ્રહથી તેઓ આવ્યા હતા. જેમાં તેમણે યાદગાર ભાષણ આપ્યું હતું. ઉપરાંત, તેમના સન્માનમાં એક ખુલ્લા મેદાનમાં સભા યોજાઈ હતી. અમદાવાદના શેઠ અંબાલાલ સારાભાઈ રવીન્દ્રનાથ ઠાકુરના યજમાન હતા. ઠાકુરના માનમાં તેમણે અમદાવાદના શાહીબાગમાં એક સંધ્યોત્સવ એટલે કે ઇવનિંગ પાર્ટી યોજી હતી. જેમાં મહેમાનોની લાગણીને માન આપીને કવિએ પોતે રચેલાં ગીતો ગાયાં હતાં.

શાંતિનિકેતનમાં ગરબા શરૂ થાય એવી રવીન્દ્રનાથની ઇચ્છા હતી

ઠાકુર અમદાવાદના મહેમાન બન્યા ત્યારે તેમના માનમાં કેટલાક કાર્યક્રમ યોજાયા હતા, એમાં એક ગરબાનો કાર્યક્રમ હતો. તેમની સામે ગરબા રજૂ થયા ત્યારે લોકનૃત્ય તરીકે ગરબાની વિશિષ્ટતા અને એની લયબદ્ધતાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. એટલા પ્રભાવિત થયા હતા કે શાંતિનિકેતનમાં ગરબા પ્રચલિત કરવા માટે ગરબા ગાનારી બાળાઓને પોતાની સાથે બંગાળ લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ પછી શું થયું એની કોઈ વિગત મળતી નથી.

લીમડી જેવા નાના રાજ્યે શાંતિનિકેતનને આર્થિક મદદ કરી હતી

શાંતિનિકેતન વિવિધ પ્રયોગો કરતી સંસ્થા હતી. એને પણ સમય પડયે આર્થિક ખેંચ પડતી હતી. તેમને મદદ કરવામાં ગુજરાત અને સૌરાષ્ટ્રે ઉદારતા દાખવી હતી. જ્યારે જ્યારે રવીન્દ્રનાથ ઠાકુર ફંડ ઉઘરાવવા અમદાવાદ અને વડોદરા આવતા હતા ત્યારે તેમને સારા પ્રમાણમાં આર્થિક સહાય મળતી હતી. વડોદરાના મહારાજાએ તેમને ઉમળકાભેર મદદ કરી હતી. લીમડી જેવા નાના રાજ્યે પણ ગુરુદેવને સારી એવી મદદ કરી હતી. આમ, ગુજરાતમાં રવીન્દ્રનાથ ઠાકુરના મિત્રો અને પરિચિતોનો સારો એવો સમુદાય હતો.

રામાયણ – મહાભારત વિશે રવીન્દ્રનાથ

રામાયણ વિશે રવીન્દ્રનાથ ઠાકુર કહે છે કે સામાન્ય રીતે કાવ્યના બે વિભાગ પાડી શકાય છે. કોઈ કાવ્ય એકલા કવિની કથા હોય છે, જ્યારે કોઈ જનસમૂહની કથા હોય છે. રામાયણ અને મહાભારત તો જાહ્નવી અને હિમાચલની માફક સમસ્ત ભારતનાં જ છે. વ્યાસ અને વાલ્મીકિ તો નિમિત્ત માત્ર છે. આ બે કાવ્યો એવાં છે કે જે પોતાને રચનાર કવિનાં નામ જ ખોઈ બેઠાં છે. કવિ પોતાના જ કાવ્યના અંતરાલમાં બિલકુલ લુપ્ત થઈ ગયા છે. આપણા દેશમાં જેમ રામાયણ, મહાભારત હતાં તેમ પ્રાચીન ગ્રીસમાં ઇલિયડ હતું. તે સમસ્ત ગ્રીસના હૃદયકમળમાંથી ઉદ્દભવ પામ્યું હતું અને એમાં વાસ કરી રહ્યું હતું. કવિ હોમરે તો પોતાના દેશકાળને ભાષાદાન આપ્યું હતું. ફુવારાની માફક તે ભાષા દેશ પર રેલાઈ હતી. આધુનિક કોઈ કાવ્યમાં એવી વ્યાપકતા જણાતી નથી. મિલ્ટનના 'પેરેડાઇઝ લોસ્ટ'માં ભાષાનું સૌંદર્ય, છંદનું માહાત્મ્ય અને રસનું ગાંભીર્ય ગમે એટલાં હોય તો પણ તે દેશનું ધન નથી, પુસ્તકાલયનું માત્ર ભૂષણ છે.

ગ્રીસ પોતાનાં કાવ્યોમાં પોતાની સમસ્ત પ્રકૃતિને પોતાનાં બે કાવ્યમાં પ્રકટ કરી શક્યું છે કે નહીં એ હું વિદેશી હોવાના નાતે સનિશ્ચય કહી શકું નહીં પણ એટલું તો નક્કી કહી શકું કે ભારતવર્ષે રામાયણ અને મહાભારતમાં પોતાનું કાંઈ જ પ્રકટ કરવું બાકી રાખ્યું નથી. સદીઓ પર સદીઓ વહી જાય છે છતાં રામાયણ અને મહાભારતનો સ્રોત ભારતવર્ષમાં લેશમાત્ર પણ ક્ષીણ થતો નથી. દુકાનથી માંડીને રાજાના મહેલ સુધી તેને સરખું સન્માન મળે છે. ધન્ય છે એ કવિઓને જેમનાં નામ લુપ્ત થઈ ગયાં છતાં તેમની વાણી આજ પર્યંત અનેક નરનારીનાં દ્વારે દ્વારે શક્તિ અને શાંતિની અજસ્ત્ર ધારા વહેવડાવે છે અને ભારતવર્ષની ચિત્તભૂમિને ફળદ્રુપ કરે છે. એ જોતાં રામાયણ અને મહાભારતને કેવળ મહાકાવ્ય કહ્યે ચાલશે નહીં. તેઓ ઇતિહાસ પણ છે. ઘટનાઓનો ઇતિહાસ નહીં, કારણ તેવા ઇતિહાસ તો અમુક સમયને અવલંબીને હોય છે. રામાયણ-મહાભારત તો ભારતવર્ષનો ચિરકાલનો ઇતિહાસ છે.

હવે રામાયણ અને મહાભારતના ગુણગાન ગાતાં આ જ રવીન્દ્રનાથ વિજ્ઞાન અને વસ્તુજગતને કેવી તાર્કિક દ્રષ્ટિએ નિહાળે છે એ વાંચવા જેવું છે. મિલાનમાં આપેલા પ્રવચનમાં તેમણે યુરોપના વિજ્ઞાન કૌશલ્ય અને ભૌતિક સુખ-સગવડ એટલે કે સાયન્સ અને મટિરીયલીઝમને બિરદાવતાં કહ્યું હતું કે "યુરોપે વિજ્ઞાનની જે ભેટ આપી છે અને જે આજે ભાવિ પેઢીના વારસારૂપ બની ગઈ છે, તે વારસા માટે આપણે યુરોપને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અમારા ઋષિમુનિઓએ કહ્યું છે કે ભૂમાને જ જાણવો જોઈએ, કારણ કે માણસને ભૂમા એટલે કે વિશાળતા જ સુખરૂપ છે. યુરોપે વિસ્તૃતીના ક્ષેત્રમાં, બાહ્ય પ્રકૃતિના રાજ્યમાં ભૂમાનાં રૂબરૂ દર્શન કર્યાં છે. હું વસ્તુજગતને ઉતારી પાડવા માગતો નથી. એ જ આત્માની ધાત્રી અને પારણું છે એનું મને પૂરેપૂરું ભાન છે. વસ્તુજગતના હાર્દમાં ભૂમાનો સાક્ષાત્કાર કરીને તમે આ જગતને પહેલાં કદી નહોતું એટલું ઉદાર તમે બનાવી દીધું છે."

'નેશનલિઝમ ઇન જપાન' એ વિષય પર જપાનમાં આપેલા એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે "આપણે પૂરા દિલથી એ યુરોપ પર પ્રેમ કર્યા વગર તેમ જ પ્રસંશા વેર્યા વગર રહી શકતા નથી. જેણે પોતાના સાહિત્યમાં અને કલામાં સૌંદર્ય અને સત્યનો એક એવો અખૂટ ફુવારો છોડયો છે કે જે બધા દેશો અને બધા યુગોને ફળદ્રુપ બનાવતો રહેશે. જે યુરોપ પોતાના ચિત્તની રાક્ષસસમી અથાક શક્તિથી વિશ્વની વિશાળતા અને ગહનતાને આંબીને તેની અનંત વિરાટતા અને અનંત સૂક્ષ્મતામાંથી જ્ઞાનરૂપી ખંડણી ઉઘરાવી રહ્યું છે, જે પોતાની પ્રચંડ બુદ્ધિ અને દિલના બધા ભંડારો રોગીની પરિચર્યામાં અને જે દુઃખોને આપણે નિરાશાપૂર્વક સ્વીકારી લઇને સંતોષ માન્યો હતો તેને હળવા કરવામાં ખર્ચી રહ્યું છે. જે યુરોપે પ્રકૃતિના પ્રચંડ બળોને પટાવીને કે ડારીને માનવની સેવામાં યોજીને શક્ય લાગતું હતું એના કરતાં વધારે કામ પૃથ્વી પાસેથી લઈ રહ્યું છે." સાથે જ ગુરૂદેવ પાયાની વાત કહે છે કે શોધખોળોનો સાક્ષાત્કાર આખી માનવજાતે કરવાનો હોય છે. તેમના મતે જગતના કોઈ પણ ભાગમાં થયેલું ભલું કામ કે શોધના લાભના હકદાર જગતના તમામ લોકો હોય છે, નહીં કે માત્ર જે તે દેશ.        

રવીન્દ્રનાથના ચિત્રોનો નકારાત્મક ભાવ

રવીન્દ્રનાથ ઠાકુરને ચિત્રકલાનો શોખ શબ્દોની છેકાછેકીમાંથી લાગ્યો હતો. વાત એવી છે કે રવીન્દ્રનાથ કંઈક લખતા હોય અને કોઈ શબ્દ છેકવો પડે ત્યારે એ શબ્દ પર છેકો મારવાને બદલે 'ચિતરામણ' કરતા. એવું એક ચિતરામણ ચિત્રકાર અબનબાબુએ જોયું. તેમણે રવીન્દ્રનાથ ઠાકુરને આગ્રહ કર્યો કે તમે ચિત્રો પણ દોરો. ત્યાર પછી તેઓ ચિત્રો દોરતા થયા. રવીન્દ્રનાથ ઠાકુરને કોઈ કહેતું કે તમે ચિત્રો તરફ કઈ રીતે વળ્યા? તો તેઓ કહેતા કે આ પાગલ અબનબાબુએ મને ચિત્રો દોરતા કર્યો.

રવીન્દ્રનાથ ઠાકુરનાં ચિત્રોમાં સૌંદર્યબોધ નથી. એમાં તેમનાં કાવ્યોની જેમ સલીલ સુંદરતા ઝિલાયાં નથી. તેમનાં ચિત્રોમાં રૌદ્રરસ ઝળકે છે. તેમનાં ચિત્રો જોઈને એમ થાય કે આવાં બિહામણાં અને નોન-સુંદર ચિત્રો તેમણે કેમ દોર્યાં હશે! રવીન્દ્રનાથ ઠાકુરે નોંધ્યું કે ભયાનકતા પણ એક પ્રકારનો રસ છે. તેમની અન્ય રચનાઓમાં એ રસ ક્યાં ય ઝિલાયો નથી, તેથી તેમણે ચિત્રોમાં એ રસ સીંચ્યો છે.

વેકેશન બાળક માટે મજાનો સમય છે, પેરેન્ટ્સ માટે વિચારવાનો. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. તમને થશે કે આ રવીન્દ્રનાથ ઠાકુરમાંથી પેરેન્ટ્સ અને વેકેશન એવા પાટે ક્યાં ચઢી ગયા! તો વાંચો,

રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યું હતું કે, "પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે તેનું જ્ઞાન ઘણાંને આખીયે જિંદગીમાં કદી થતું નથી. બીજા કેટલાકને પોતાની બક્ષિસનું જ્ઞાન ઘણી મોટી ઉંમરે થાય છે. નાની વયે તેનું જ્ઞાન થવું તે મોટું અહોભાગ્ય છે. જેમાં આપણને બક્ષિસ હોય તેમાં આપણી બધી શક્તિ રેડી તેનો વિકાસ આપણે કરવો જોઈએ." તેથી તમારું બાળક ડોક્ટર બને કે ચિત્રકાર બને એ તમે નક્કી ન કરો. એ બાળકની ગતિવિધિ પોતે નક્કી કરશે. વાલી તરીકે તમે તેમાં તેને મદદરૂપ થાવ, પણ પિતા કે માતા તરીકે તમે જે સપનાં જોયાં હતાં એ સંતાન પર ન થોપો. સંતાનો એ તમારી થાપણ નથી. સમાજમાં વટ પાડવા માટે પણ એન્જિનિયર કે ડોક્ટર બનાવવાના ધખારાનો બોજ સંતાન પર ન ઝીંકો. એ સારી ડિગ્રી નહીં મેળવે તો એને નોકરીનાં ફાંફાં થશે એવો બાલિશ ડર પણ મનમાં ન રાખો. એનામાં કુદરતી આવડત શું છે એ નિહાળો અને એને વધુ નિખારવામાં મદદરૂપ થાવ. સંતાનમાં જે કૌશલ્ય હોય તે નિખરવા દેશો તો એ તે ક્ષેત્રમાં નામ કાઢશે અને સરવાળે તો તમારું જ નામ રોશન કરશે. એ ગમતા ક્ષેત્રમાં કદાચ નામ ન કાઢે તો પણ તેને એવો અફસોસ તો નહીં રહેને કે મારી ઇચ્છા તો ફાઇન આટ્ર્સમાં આગળ વધવાની હતી, પણ મને પેરેન્ટ્સે એમાં જવા જ ન દીધો. તેને કમ સે કમ એ વાતનો સંતોષ રહેશે કે મારે જે કરવું હતું એ કર્યું. સંતોષને ડિગ્રી અને ટકાવારી સાથે તોલવાનું રહેવા દઈએ. તમારા સંતાનને ચિત્રો સારાં દોરતા આવડતાં હોય અને તેને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં જવું હોય તો તેને મદદરૂપ થાવ. તેને ઇતિહાસ તેમ જ સ્થાપત્ય વાંચવામાં ખૂબ રસ પડતો હોય અને આગળ જઈને આર્ટ રિસ્ટોરેશનનો કોર્સ કરવો હોય તો તેને પરાણે એન્જિનિયર કે ડોક્ટર બનાવવાના ઉધામા ન રાખો. એ ક્યાંયનો નહીં રહે. આજકાલ તો વધુ અભ્યાસ માટે બાળકોના એટિટયૂડ ટેસ્ટ પણ થાય છે. જેમાં સાઇકોલોજી નિષ્ણાત તેના રસના ક્ષેત્ર જાણીને માતા-પિતાને કહે છે કે તમારા સંતાનને આ ક્ષેત્રમાં આગળ વધવા દો, તેથી એટિટયૂડ ટેસ્ટ પણ કરાવો. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન એ બાળકો માટે મોજમજાનો વખત છે અને વાલીઓ માટે વિચારવાનો, તેથી વિચારો. રવીન્દ્રનાથ ઠાકુરનું ઉપરનું વાક્ય ફરી વાંચીને વિચારો.

e.mail :  tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 06 મે 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3072322

Loading

6 May 2015 admin
← ખુદ્દારીનો ખાડો અને ધરમની સંસ્કૃિત
જન્મદિને / હે નિત્યનૂતન, →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved