 ચેાથો વાંદરો આજકાલ વિવિધ પક્ષીઓની સાથે વાર્તાલાપ કરવામાં મશગૂલ છે. ઉનાળાની મધુર અને મહેકતી કો’ક સવારે તેને બુલબુલ અને કાબરનો સંવાદ સંભળાય છે. કાબર બધાને હુકમના સ્વરે કહે છે, લેણમેં ખડે ર્યો – લેણમેં ખડે ર્યો અને બુલબુલ કહે, હાલ્યા જાવ, હાલ્યા જાવ. પેલો દરજીડો તો આખો વખત  આ બહુ મોટું છે અને આ બહુ લાંબું છે, તેની જ રટ લગાવી રહ્યો હોય છે. હોલા તો ‘પ્રભુ તું – પ્રભુ તું’ કરતાં હોલીની પાછળ પૂરા ઠાઠ સાથે ફરતા રહે છે. તેણે ગરમાળાના ઝાડ તરફ નજર દોડાવી. આ એક જ વૃક્ષ સ્વચ્છતા – અભિયાનમાં માનતું હોય તેમ જણાયું. ઉનાળો આવે અને નવી સીઝન શરૂ થાય તે પહેલાં બધાં જ જૂનાં પાંદડાં તે ખંખેરી નાંખે છે. બસ નવા નાકે જ દિવાળી કેમ કરાય તે તો કોઈ આ અમલતાસ પાસેથી શીખે. આજી ફેરા પેલા બિનમોસમ વરસાદ અને ઓલાવૃષ્ટિને કારણે ફૂલોનાં ઝુમ્મરો બેસવામાં મોડું તો થયું હતું. પરંતુ ભમરા અને લાવરીનાં જોડાં તેની આજુબાજુ આંટા મારતાં થઈ જ ગયેલાં. આ બધા જીવોનું આ જ સુખ : સરકારી રાહત આવે તેની રાહ જોવાની જરૂરત જ નહીં.
ચેાથો વાંદરો આજકાલ વિવિધ પક્ષીઓની સાથે વાર્તાલાપ કરવામાં મશગૂલ છે. ઉનાળાની મધુર અને મહેકતી કો’ક સવારે તેને બુલબુલ અને કાબરનો સંવાદ સંભળાય છે. કાબર બધાને હુકમના સ્વરે કહે છે, લેણમેં ખડે ર્યો – લેણમેં ખડે ર્યો અને બુલબુલ કહે, હાલ્યા જાવ, હાલ્યા જાવ. પેલો દરજીડો તો આખો વખત  આ બહુ મોટું છે અને આ બહુ લાંબું છે, તેની જ રટ લગાવી રહ્યો હોય છે. હોલા તો ‘પ્રભુ તું – પ્રભુ તું’ કરતાં હોલીની પાછળ પૂરા ઠાઠ સાથે ફરતા રહે છે. તેણે ગરમાળાના ઝાડ તરફ નજર દોડાવી. આ એક જ વૃક્ષ સ્વચ્છતા – અભિયાનમાં માનતું હોય તેમ જણાયું. ઉનાળો આવે અને નવી સીઝન શરૂ થાય તે પહેલાં બધાં જ જૂનાં પાંદડાં તે ખંખેરી નાંખે છે. બસ નવા નાકે જ દિવાળી કેમ કરાય તે તો કોઈ આ અમલતાસ પાસેથી શીખે. આજી ફેરા પેલા બિનમોસમ વરસાદ અને ઓલાવૃષ્ટિને કારણે ફૂલોનાં ઝુમ્મરો બેસવામાં મોડું તો થયું હતું. પરંતુ ભમરા અને લાવરીનાં જોડાં તેની આજુબાજુ આંટા મારતાં થઈ જ ગયેલાં. આ બધા જીવોનું આ જ સુખ : સરકારી રાહત આવે તેની રાહ જોવાની જરૂરત જ નહીં.
આ બધા બહુ વાચાળ જીવ તો ખરા જ. કાંક કો’ક મૂંગું પક્ષી મળે, તો તેની સાથે કાં’ક વાત કરીએ, તેણે સમ્યક્ભાવે વિચાર્યું. બાજુમાં બેઠેલા કાગડા પાસે ચતુરાઈભરી ઘણી વાતો હોય છે, એમ માની તેણે પૂછ્યું, હેં ભાઈ, આ જગતના સૌથી વિદ્વાન, પરાક્રમી, ચતુર, મહાન, છપ્પનલક્ષણા નરબંકાના આજકાલ શા હાલ છે ? આવા મહાન અને ચમત્કારી આત્માઓ વિષે પૂછવાનો પણ અધિકાર ચોથિયા જેવા સમાન્ય નાગરિકનો ન હોય તે ભાવે મહાન કાકમહારાજે ચોથિયા સામે નજર ફેંકી. ‘કાં કાં કાં કાં કગ’ તેણે કહ્યું. આવા મહાન પૂર્ણપુરુષોત્તમ વિષે પૂછનાર તું કોણ – એવો તેનો અર્થ થતો હતો. હાસ્તો ભાઈ, અમે રહ્યાં જરા હલકા, કારણ એ કે અમારામાંના એકે પાસે કોઈ ધમધમતી ફૅકટરી ના મળેને ! અમારે તો બાપ, આવતે જનમે આ દેશના ઉદ્યોગપતિ જ થવું છે .. ચોથિયાને થયું કે આવતા જનમે પોતે જે થવાનો છે, તેની વાત કરવાથી કદાચ આ જનમે પોતાને થોડોઘણો લાભ થાય પણ ખરો. પણ મહાન કાકપંડિત આવી બચકાની બાતોમાં આવી જાય તેમ ન હતા.
ઉત્તાનપાદ રાજાની સુનીતિ અને સુમતિ એવી બે રાણીઓ હતી અને જ્યારે ધ્રુવકુમારે રાજાના ખોળામાં બેસીને લાડકોડ પામવાનું મન કર્યું કે તરત જ પેલાં માનીતાં રાણીસાહેબાએ કહ્યું, જો રાજાના ખોળામાં બેસવું હોય તો આવતા જનમે મારા ખોળે જનમજે. અને ધ્રુવકુમારને તો ચાટી ગઈ. અને પછી તો જે તપ કર્યું, આહાહા … વાત જ મેલી દેજો. સાક્ષાત્ વિષ્ણુ ભગવાને પ્રગટ થઈને તેના ગાલે શંખ ઘસ્યો ત્યારે જે વાચા ફૂટી, શ્રીમદ્દ ભાગવતના સુંદર શ્લોકોમાં તેની ગણતરી થાય છે. ચોથિયાને પણ થયું કે પોતે આ જનમે જ ફૅક્ટરીવાળો થઈ શકે તે વાસ્તે થોડુંક તપ કરે તો સારું અને એણે તો ચોથેશ્વરીના એક પણ સંભવિત વિરોધની દરકાર રાખ્યા વગર પરબારું તપ ચાલુ કરી દીધું.
સૌથી પહેલો તો તે તામિળનાડુ નામના દેશમાં ગયો. આ તેનું જળતપ હતું. લોકો કહે સાહેબો મારા, અહીં પેલા ભસ્માસુરની પ્રસૂતિ ના કરાવશો. ભસ્માસુર પ્રગટશે, તો અમને કોઈને જીવવા જ નહીં દે. અમારાં હાડ ગાળી નાંખશે અને આવનારી પેઢીઓનો ઘાણ કાઢી નાંખશે. પણ પેલા કહે, હોય કાંઈ, અમારે તો વીજળી મેળવવી જ છે. દેશની પ્રગતિ માપવા માટે વીજળીનું અજવાળું તો જોઈએ જ ને. અને જે લોકો ખૂબ વીજળી વાપરે તે તો અમારા દૂધે ધોયેલા કહેવાય. પાંચેક જણના પરિવાર વાસ્તે દર મહિને પૂરા પંચોતેર લાખની વીજળી જોઈએ, અમે માંગ કરીએ અને તમે ગમે તે રીતે ઉત્પાદન કરો. આવનારી પેઢી અને નિકંદન અને રેડિયેશન એવી બધી વાતો તો માત્ર વેવલા લોક કરે. લોકો દિવસો સુધી પાણીમાં ઊભા રહ્યા પણ તેમનું કાંઈ જ ચાલ્યું નહીં.
ચોથિયો તો ત્યાંથી પેલા મધ્યપ્રદેશમાં ચાલતા જળસત્યાગ્રહમાં જોડાયો અને ભૂમિ અધિગ્રહણના કારનામામાં પણ ગોથાં મારી આવ્યો, ઠેર-ઠેર આપઘાત કરનારા ખેડૂતોને મળીને તેમને સમજાવવા-અટકાવવા તેણે પ્રયાસ પણ કરી જોયો. પણ આવા સાવ ગામડામાં રહેતા ખેડૂતોની એક પણ વાતનો તેની પાસે જવાબ ન હતો. ખેડૂત કહે, બસ તમે અમને લૂંટ્યા જ કરશો ? એક તરફ અમારી કાળી મજૂરીની પેદાશો તમારે મફતના ભાવે પડાવી જવી છે. બીજી તરફ અમે થોડુંક ઊછીનું-પાછીનું કરીએ, તો અમારી છાતી ઉપર હાથી ચડાવ્યો હોય તેવા ઊંચાં વ્યાજ ઉઘરાવી ખાવા છે. અમારી જમીનો વેચાઈ જાય, ઢોરઢાંખર તો ઠીક-અમે જાતે વેચાઈ જઈએ, તો ય તમારાં ચોપડાં ફોક થાય જ નહીં. આ વખતે આ મહાન આનર્ત દેશમાં જ કપાસના ભાવ એટએટલા ગગડાઈ મેલ્યા કે એક દૂધમલ દીકરો તો માર્કેટયાર્ડમાં જ ભડભડ બળી મર્યો. એની ચિંતા એ હતી કે હવે કૉલેજની ફી ભરાશે કેમ. એ ભણ્યો હોત તો ખેતી છોડીને શહેરમાં જઈને વસ્યો હોત. સરકારને ઉદ્યોગો માટે જમીન મળી હોત અને ખેડૂત પણ નવી પરિસ્થિતિમાં ગોઠવાઈ ગયો હોત. કોઈને આવા વખતે દેશનું યુવાધન અને ડેમોગ્રાફિક ડિવિડંડ યાદ જ ના આવ્યાં.
ચોથિયો તો પાછો હિકમતબાજ તો ખરો જને ! તેને થયું પોતાના જેવા મહાન તપસ્વીને માટે કદાચ આ ભૂમિ પૂરતી પવિત્ર નથી. મંત્રની સિદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે યંત્ર પણ સિદ્ધ થયેલું હોય, પેલા કાકમહારાજે પરિશ્રમપૂર્વક કહ્યું. ચોથિયો એમ સમજ્યો કે હવે પોતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુયોગ્ય સ્થાને બેસી જઈને તપ કરે, એટલે પોતે પણ ફૅક્ટરીવાળો બની જ જશે.
જો કે તેને પોતાની ભૂલ બહુ મોડી સમજાઈ. કાકમહારાજે જે યંત્રની કથા કરેલી તે કાંઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દોરેલા આકારો કે વિવિધ ખૂણાઓની ભૂગોળની વાત હતી નહીં. તો પછી યંત્ર એટલે શું ? અત્યંત દુઃખીભાવે તેણે કાકમહારાજને પૂછ્યું. કાકમહારાજે પોતાની દાનપેટીને બરાબર ખખડાવીને કહ્યું, યંત્ર એટલે જ અપાર અટપટી વાતો. તારે જો એક અતિ તુચ્છ અને વારે વારે આપઘાત કરનારી જાતિમાંથી બહાર નીકળવું હોય, તો આ યંત્રના આત્માને બરાબર સાધી લે.
ચોથિયાના ગજવા તરફ નજર નોંધી રાખી તેમણે આગળ ચલાવ્યું : જો ભાઈ, આમ તો અમે આવી અતિ ગૂઢ વાતો કોઈને ય કરીએ નહીં. તું સમજે છે ને જો દેશમાં બધા ય ફૅક્ટરીઓવાળા થઈ જાય તો દેવાં, લાચારી, અજ્ઞાન, પછાતપણું, આ બધાના વિવિધ ખાડાંઓમાં અમે નાંખીએ કોને ? અને ભાઈ, તું તો ભારે સમજુ છો. આખીયે દુનિયામાં ક્યાં ય પણ ખાડા કર્યા વગર ટેકરા થયા છે ? ખુદ ભગવાન જેવા ભગવાને પણ એવરેસ્ટ જેવા પર્વત માટે થઈને હિંદ મહાસાગર જેવો મોટો ખાડો રચવો પડ્યો છે કે નહીં.
અને અમે આ થોડા હજાર કે લાખ ખેડૂતો કે ખેતમજૂરોને હલાલ થવા દઈએ તેમાં તમારી આંતરડી શેની રોકકળ કરવા માંડે છે ? અમે તો સાક્ષાત્ કરાળકાળ જ ગણાઈએ. હોશિયારી અને ભગવતકૃપાની જરૂર અહીંથી જ શરૂ થાય છે. અમારી પાસે ઉદ્યોગપતિઓની આપેલી લખલૂટ સંપત્તિ છે. અને જાણે છે – આ પૃથ્વી તો વીરભોગ્યા જ ગણાય. કાકમહારાજે તો જન્મારો આખો ચકળવકળ ડોળા ઘુમાવતા-ઘુમાવતા માત્ર કા… કા… કા જ કરી ખાધેલું. છતાં તેમના મનમાં આટલી બધી વાતો ભરેલી પડી હશે તેની કલ્પના પણ ચોથિયાને હતી નહીં. લોકસભામાં માંડ-માંડ બે બેઠકો મેળવનારા પક્ષને અચાનક જ જંગી બહુમતી હાથમાં આવી જાય તેવું તેને લાગ્યું. પણ ચારે તરફ નજર ઘુમાવતા રહેવાની તેની આદતે કરીને ચોથિયાને આ કાકમહારાજને એમ રેઢા મેલી દેવાનું પરવડે તેમ ન હતું. વળી, પોતે કોઈ સ્થાન, માન, અકરામ કે છેવટે એકાદ સગરામનો પણ જોગ કરી શકેલો નહીં, તેથી એક પ્રકારની સ્વ તંત્રતા તેની પૂંઠે હંમેશાં લટકતી જ રહેતી. તેણે પોતાની પાસેનો બ્રેડનો એક ટુકડો કાકમહારાજની દાનપેટીમાં ઠાલવ્યો અને હળવેક રહીને હૂપકાર કર્યો : હાં તો મહારાજ, તમે પેલા યંત્રની વાત કરતા હતા, તે જરા વિગતે સમજાવોને ભાયા.
ચોથિયા તરફ ભારે કૃપા દાખવતા હોય તેમ કાકમહારાજે વાત માંડી : જો ભાઈ, આ યંત્ર ભારે અટપટું છે. જો તું માત્ર કાર્યકારણના સંબંધો અને તર્ક કે ન્યાય, સત્ય, વગેરે જેવા શબ્દોનો મોહ ત્યજીશ તો જ તે તને સમજાશે. ન્યાય, સત્ય, અહિંસા વગેરે શબ્દો લપટા પડી ગયેલા છે અને તેનો ઉપયોગ માત્ર લોકોને વિચારશૂન્ય કરવા વાસ્તે – એક પ્રકારના ઍનેસ્થેિશયા તરીકે જ કરવાનો છે. તારા શિક્ષણનું આ પ્રથમ સોપાન છે.
બીજું સોપાન એટલે બૅંકો. જો તું સત્વાદી રાજા હરિશ્ચંદ્ર થઈને ‘લીધેલું કરજ દૂધે’ ધોઈને પાછું આલવાવાળો હોય, તો યંત્રવાળો થઈ રહ્યો. બૅંકોના પૈસા કો દી’ પાછા ના વળાય હોંકે. આ ગરીબ ગણાતા દેશમાં બૅંકોની નોનપરફૉર્મિંગ એસેટ્સ લાખો કરોડો રૂપિયાની છે. કોઈ પણ પ્રકારની કે આકારની સરકાર આવે, આ વ્યવસ્થા અકબંધ ચાલતી જ રહેવાની છે. જો આ તારા ખેડૂતો હડી કાઢીને બૅંકોનાં ફદિયાં પાછાં દેવા જાય છે, તો જીવથી જવાનો વારો આવે છે. મને કે’તો આ મહાન દેશના એક પણ ઉદ્યોગપતિના ફરજંદે જીવ ટંૂકાવ્યો છે ખરો ? બૅંકોના કરોડો અને અબજો રૂપિયા ચાવી જતા આવડે તો જ તમે આ દેશમાં ફૅકટરીવાળા થઈ શકો. ભઈલા મારા, લખપતિ થાતા મોર તો લખ્ખણપતિ થાવું પડે, હોંકે બાપ. લે તને હોરાય એવો એક દાખલો દઉં. આ તારા અમદાવાદ શહેરને એક વખત તો ભારતનું માન્ચેસ્ટર કહેવાતું – ખરું કે નહીં. આજે તેની બધી મિલો બંધ થઈ ગઈ છે. હવે કે’તા’ એમાંના એકે મિલમાલિકનો વંશજ રિક્ષા ચલાવે છે ખરો ? એકેના કુળદીપકે પાણીપૂરીની લારી કરી હોય કે સમી સાંજે સાઇકલ લઈને બ્રેડબ્રેડના પોકારો કરતો જતો હોય, તેવી કલ્પના પણ તને આવે છે ?
યંત્રનું ત્રીજું પગથિયું એટલે સરકાર અને સત્તા. લોકો ખોટું ભણે છે અને ચોપડીઓમાં લખેલી વાતોને સાચી માની લે છે. તે બધા માને છે કે લોકશાહી લોકો માટેની સરકાર છે. પેલા જળસત્યાગ્રહવાળા અને જાતજાતનાં ધરણાં કે આંદોલનો કરનારાઓના મગજમાંથી આ ભૂસું નીકળતું જ નથી. આવી રીતે સરકાર ચલાવવા બેસીએ તો પછી નોટોનાં બંડલો અને વોટોના થોકડા ગણવાનો વખત કયાંથી કાઢવો ? સરકાર લોકો પાસે તો માત્ર વોટ માંગવા પૂરતી જ આવે. તેમાં જેમ સરકારનું તેમ લોકોનું પણ ગૌરવ છે. અમે માંગવા આવીએ તે તો તમારું ગૌરવ વધારવા અને તમે અમને ચૂંટી કાઢો, તેમાં તમારું પણ ગૌરવ.
આ યંત્રનું ચોથું અને આખરી પગથિયું એટલે વાક્ચાતુર્ય. અમે જે ‘નથી’ તે ‘છે’, એમ કહીએ અને જે ‘છે’ તે ‘નથી’, એમ કહીએ ત્યારે તમારે તેને સંપૂર્ણ ભગવત્કૃપા સમજીને સાચું જ માનવાનું હોય. અમારા ભક્તો તો આમ કરે જ છે. જો કે કેટલાક લોકોને હજુ પણ અક્કલ આવતી નથી. આ બધા વાસ્તે અમારી પાસે જાતભાતનાં વાજાં તૈયાર જ છે. રોજ સવારે કે સાંજે કે પછી મોડી રાત્રે પણ અમારાં આ વાજાં વાગતાં જ રહે છે અને તેમાંથી સતત બિરદાવલીઓ છેડાતી જ રહે છે. ભાઈ ચોથિયા, બસ તારે જો આ જનમે જ ફૅકટરીવાળા થવું હોય તો આ અતિગૂઢ જ્ઞાનનો મહિમા કરતો જા અને લાભ લેતો જા.
થોડીક વાર ઊંડા વિચારમાં ઊતરી પડીને ચોથિયો બહાર આવ્યો. કાક મહારાજે તેની તરફ ચારે તરફ ફરતા ડોળા વડે જોયું. ચોથિયાએ પેલાં ગરમાળાનાં ફૂલ, ભમરાં, લાવરી, બુલબુલ, તેતર, દૈયડ-દેવનાં ચકલી અને કાબર તરફ નજર ફેરવી. ખાડા પાડો તો જ ટેકરા થાય – તે મનમાં ગણગણ્યો. પછી અત્યંત ગંભીરભાવે બોલ્યો : અલ્યા, તારી ભલી થાય. તું તો માણહની વાત કરે છે કે રાખ્ખહની ? જો આ તારી ચારે તરફ. પેલાં ભમરાં કે પક્ષી – કોઈને અકરાંતિયા થવાનું મન થતું નથી, અને તારે તો બીજાને મારીને જીવવું છે, ખરું કે ? અને તું જ્યારે ખેતરો ભરખી જાય છે, ત્યારે કેટકેટલાં પક્ષીઓને મારી નાંખે છે, તે તો જો. ખેતરોને બદલે કારખાનાં જ હશે તો ઝાડ નહીં હોય અને ઝાડ નહીં હોય તો પશુ કે પક્ષી પણ નહીં જ હોય, તારે તો જે વાત કરવી છે તે ખાડા કે ટેકરાની નથી. તે તો સમજુ કે અબુધ – એવા સૌ કોઈનાં લોહી વહાવવાની વાત છે. ખેડૂત મરે, ખેતમજૂર મરે, ગ્રામ કારીગર મરે આ બધું તો દેશને કેમ પરવડે ? આ દેશની આ સંસ્કૃિત ય નથી અને ધરમ પણ નથી.
ચોથિયાને એમ કે આ આખી વાત માત્ર કાકમહારાજ સાથેની જ બની રહી હશે. પણ તે જેવો પાછો વળ્યો કે તેણે જોયું કે ચોથેશ્વરી અને શ્વેતકેશી તો તેની વાત અને ચર્ચાને સાંભળી રહ્યા હતા. બે ય જણાંએ તેની વાતને વધાવી લેતા કહ્યું, ‘આધિપત્ય અને ગુલામી હેઠળના લાંબા જીવન કરતાં ખુમારી અને ખુદ્દારી સાથેનું અલપ જીવન પણ મીઠું હોય છે, હોંકે !‘
e.mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 05-06
 

