દેશમાં આયોજનકાળના અવશેષરૂપ પંડિત નેહરુના સર્જન આયોજનપંચને બનતી ત્વરાએ વિખેરી નાખીને વડાપ્રધાન મોદીએ, ભારતનો કાયાકલ્પ કરવા માટે ‘નીતિ’-આયોગ નામે જ એક સંસ્થાનું નિર્માણ ૨૦૧૫ના આરંભે કર્યું. મોદી સરકાર એના દ્વારા શરૂ કરવામાં આવતી નવી યોજનાઓનાં નામો હિંદીમાં આપવાનું પસંદ કરે છે, પણ આ નવી રચવામાં આવેલી અને જેની પાસેથી દેશનો કાયાકલ્પ કરવા જેવી બહુ મોટી આકાંક્ષા રાખવામાં આવી છે, તે સંસ્થાનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (National Institute for Transforming India). આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. નવી રચાયેલી સંસ્થાને આયોગ(કમિશન)નો દરજ્જો આપવામાં આવ્યો હોવા છતાં એના નામમાં ‘ઇન્સ્ટિટ્યૂટ’ શબ્દનો કેમ ઉપયોગ કરવામાં આવ્યો છે, એવો પ્રશ્ન ઊભો થાય, પણ અહીં જે ચર્ચા કરવી છે, તેમાં એ ટેક્નિકલ પ્રશ્ન અપ્રસ્તુત છે.
એક પ્રજા તરીકે સંસ્થાઓ રચવાની બાબતમાં આપણી જે ખાસિયતો છે, તે આ ‘નીતિ’ની રચનામાં બરાબર જોઈ શકાય છે. સંસ્થા રચીએ, ત્યારે તેના ઉદ્દેશો નક્કી કરવામાં આપણે કોઈ મણા રાખતા નથી. ઉદ્દેશો જેટલા ઉદાત્ત ભાવનાઓથી ભરેલા અને મહત્ત્વાકાંક્ષી હશે, એટલી સંસ્થા સારી દેખાશે, એવી માનસિકતા આપણે ધરાવીએ છીએ. પેલા કવિની પંક્તિ એ બાબતમાં આપણી માર્ગદર્શક બને છે : ‘નિશાનચૂક માફ, નહિ નીચું નિશાન.’ પણ આ ઊંચાં નિશાન પ્રસ્તુત સંસ્થા કયા કાર્યક્રમો કે પગલાં દ્વારા પાર પાડશે, એ માટેની આવશ્યક ક્ષમતાઓ એ ધરાવે છે કે કેમ, એ વિશે આપણે ભાગ્યે જ કશી વિચારણા કરીએ છીએ. પોતાને સોંપવામાં આવેલ કયા ઉદ્દેશો કયા સ્વરૂપે અને કયા માર્ગોએ હાંસલ કરવા એની ગડમથલ કરવાનું સંસ્થામાં નીમવામાં આવેલા નિષ્ણાતો પર છોડવામાં આવે છે. તેથી સંસ્થા વાસ્તવમાં તેના સ્થાપકોની કલ્પનાથી જુદો જ આકાર ધારણ કરે છે. નીતિ આયોગ આપણી આ પરંપરાનું એક વધુ ઉદાહરણ બની રહેશે.
પ્રથમ, નીતિના ઉદ્દેશો તપાસીએ. આ ઉદ્દેશો આયોગની રચનાની જાહેરાત કરતી અખબારી યાદીમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે સારા શાસન માટે, ન્યાયી અને ટકાઉ વિકાસ માટે ઉત્તમ નીતિઓ આપશે, અમલ થઈ રહ્યો હોય એવા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરશે, લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડશે, વિકાસનો પૂરતો લાભ નહિ મેળવી શકનારાઓ પર ખાસ ધ્યાન આપશે. સરકારની ‘થિન્ક ટૅન્ક’ તરીકે કાર્ય કરશે. તે રાજ્યો અને કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર વ્યૂહાત્મક અને ટેક્નિકલ સલાહસૂચન કરશે.
ઉદ્દેશોની આ યાદીમાંથી આયોગના બે ઉદ્દેશો કે તેનાં બે કાર્યો ફલિત થાય છે. એક, તેણે સરકારના સલાહકાર તરીકે કાર્ય કરવાનું છે. તેમાં ટકાઉ અને લોકભાગીદારી ધરાવતા વિકાસ માટેની ટૂંકા અને લાંબા ગાળાની નીતિઓ તેમ જ કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે નીતિઓ દર્શાવવી, તે મુખ્ય કામગીરી છે. વિકાસ ટકાઉ, ન્યાયી એટલે સમાન વહેંચણી ધરાવતો (અથવા ઓછી અસમાનતા ધરાવતો) હોવો જોઈએ, એવો આદર્શ આયોગે નજર સમક્ષ રાખવાનો છે. બીજું, સરકાર દ્વારા જે વિવિધ વિકાસ-કાર્યક્રમો ચાલતા હોય, તેમનું તેણે મૂલ્યાંકન કરવાનું છે.
પણ વડાપ્રધાનશ્રીએ તેમના ટ્વીટર પર આ સંસ્થાના ઉદ્દેશોને થોડા વિસ્તાર્યા હતા અને થોડા વધુ મહત્ત્વાકાંક્ષી બનાવ્યા હતા ઃ
૧. વડાપ્રધાને તેમના ટ્વીટર પર લખ્યું હતું કે “મુખ્યમંત્રી તરીકે મેં કામગીરી બજાવી હોવાથી રાજ્યો સાથે સક્રિય પરામર્શનનું શું મહત્ત્વ છે, તે હું જાણું છું. નીતિઆયોગ બરાબર એ કરશે.”
૨. વડાપ્રધાને જેને નીતિઆયોગનો માર્ગદર્શક સિદ્ધાંત કહ્યો છે. તેમાં ‘આદર્શ વિકાસ’નાં બધાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે. વિકાસ લોકાભિમુખ, લોકોની સક્રિય ભાગીદારીવાળો, લોકોનું સશક્તીકરણ કરનારો અને ત્યાગપૂર્ણ હોવો જોઈએ.
૩. નીતિઆયોગની રચના સાથે બધાં રાજ્યો માટે ‘એક સમાન કાર્યક્રમો’(One size fits all)ના અભિગમને વિદાય આપવામાં આવી છે. આ આયોગમાં ભારતના વૈવિધ્ય અને તેની બહુવિધતા(pluality)નો પુરસ્કાર રહેલો છે.
૪. વડાપ્રધાન અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મળીને વિવિધ ક્ષેત્રો માટેના રાષ્ટ્રના અગ્રતાક્રમો અને તેમના વિકાસ માટેની વ્યૂહરચનાઓનો એક પરિપ્રેક્ષ્ય તૈયાર કરશે.
જે બદલાયેલા સંજોગોને કારણે આયોજનપંચને નાબૂદ કરવામાં આવ્યું છે, તે સંદર્ભને નીતિ આયોગની રચનામાં ધ્યાનમાં લેવામાં આવ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૧૯૯૧માં નવી આર્થિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે વર્ણવવામાં આવી છે. આ નીતિ પ્રમાણે રાજ્યે અંગસંકોચ કરીને ખાનગી ક્ષેત્રને વધુ ને વધુ અવકાશ આપવાનો છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિમાં બજારનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોને પૂરતી મોકળાશ આપવાની છે. ટૂંકમાં, વિકસિત મૂડીવાદી દેશોનાં અર્થતંત્રોની જેમ ભારતના અર્થતંત્રને સરકારના હસ્તક્ષેપ વિના કાર્ય કરવા દેવાનું છે. એને અનુલક્ષીને નીતિ-આયોગમાં બજારવાદી તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ભારતની આર્થિક નીતિનો દોર અમેરિકાની યુનિવર્સિટીઓ અને વિશ્વબૅંક જેવી સંસ્થાઓમાં બજારવાદની તાલીમ પામેલા અર્થશાસ્ત્રીઓના હાથમાં છે, એવી ડાબેરીઓની ટીકામાં ઘણું તથ્ય છે.
પણ અહીં ચર્ચાને નીતિઆયોગના ઉદ્દેશો પૂરતી મર્યાદિત રાખી છે. આયોગના ઉદ્દેશો જે વ્યાપક રીતે રજૂ કરવામાં આવ્યા છે, તે તેમને આયોગે કરવાનાં કાર્યોની બાબતમાં અસ્પષ્ટ બનાવી મૂકે છે. આયોગના એક સભ્ય બિબેક ડેબ્રોયે (Bibek Debroy) એક રાષ્ટ્રીય અખબારને મુલાકાત આપી હતી, તેમાં તેમણે આ મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંડળના ઠરાવમાં આયોગનું કાર્યક્ષેત્ર વ્યાપક રીતે આલેખાયું છે. એને ચોક્કસ મુદ્દાઓ પર કેન્દ્રિય (pin down) કરવાની જરૂર છે. ડેબ્રોએ બે કાર્યોનો ઉલ્લેખ હતો :
એક, તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો આયોજન કરવાનું નથી તો નીતિ શું કરશે ? જવાબમાં આ બજારવાદી અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે ‘સંસાધનો જ્યારે ખાનગી ક્ષેત્રમાં સર્જાતાં હોય, ત્યારે આયોજન હોઈ શકે નહિ.’ પણ જેને દીર્ઘદર્શી આયોજન (perspective planning) કહે છે, તેવી યોજના આયોગ તૈયાર કરશે. આ દીર્ઘદર્શી આયોજનનો ડેબ્રોયનો ખ્યાલ કંઈક આવો છે : એક દસકા પછી દેશનો આર્થિક, સામાજિક અને માનવવિકાસ કેવો અને કેટલો થવો જોઈએ, તેનો એક આદર્શ નકશો તૈયાર કરવામાં આવશે.
બીજું, નીતિઆયોગે તત્કાળ જે કાર્ય હાથ ધર્યું છે, તે રાજ્ય અને જિલ્લા સ્તરે ચાલતા સરકારી કાર્યક્રમોનાં મૂલ્યાંકનનું છે. તેમનો ઉદ્દેશ તો ગ્રામ અને તાલુકા સ્તરે ચાલતા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવાનો છે, પણ માહિતીના અભાવે તેમને જિલ્લા સ્તરેથી મૂલ્યાંકનનો આરંભ કરવો પડશે.
ડેબ્રોએ જે બે કાર્યોનો ઉલ્લેખ કર્યો છે, તેના સંદર્ભમાં બે હકીકતોની નોંધ લેવા જેવી છે. ડેબ્રોએ જે દીર્ઘદર્શી આયોજનનો ઉલ્લેખ કર્યો છે. તેવું આયોજન ૧૯૫૦થી ’૭૦ના બે દસકા દરમિયાન સારી રીતે કરવામાં આવ્યું હતું. પરંતુ અનુભવે એ વ્યાયામ ઉપયોગી ન જણાવાથી તેના પરત્વે દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. દેશના અર્થતંત્રમાં રાજ્ય મોટી ભૂમિકા ભજવતું હોવા છતાં અને ખાનગી ક્ષેત્ર પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવા છતાં દેશના આર્થિક પ્રવાહોને આયોજિત દિશામાં વાળી શકાતા નહોતા. દેશનું અર્થતંત્ર બજારનાં પરિબળો પ્રમાણે જ ચાલતું હતું, તેથી ૧૦-૧૫ વર્ષ પછી અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં કેટલો વિકાસ સધાયો હશે અથવા સાધવો જોઈએ, એ નક્કી કરવાથી કોઈ હેતુ પાર પડતો નહોતો. હવે આયોજનની વિદાય સાથે રાજ્યની ભૂમિકા સીમિત થઈ ગઈ છે અને ખાનગી સાહસને વધુ ને વધુ મોકળાશ આપવાની છે, તે જોતાં આયોગનાં દસ વર્ષ પછીના અર્થતંત્રના વિકાસના દર્શનથી કયો હેતુ પાર પડશે એ પ્રશ્ન છે.
બીજું, સરકારના કાર્યક્રમોનું મૂલ્યાંકન વિખેરી નાખવામાં આવેલા આયોજનપંચના એક વિભાગ દ્વારા કરવામાં આવતું હતું. એ વિભાગ દ્વારા મુખ્યત્વે કેન્દ્ર સરકારના અને તેના દ્વારા પુરસ્કૃત કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ અપવાદરૂપ બની જવાની છે અને દેશનાં ૩૦ રાજ્યો પોતાની રીતે પોતાના રાજ્ય માટેના વિકાસ કાર્યક્રમો તૈયાર કરવાનાં છે. નીતિ-આયોગ આ બધાં જ રાજ્યોના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરી શકશે ? પોતાના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરાવવાનો નિર્ણય કરવા માટે રાજ્યો મુક્ત હશે કે આયોગ પાસે મૂલ્યાંકન કરાવવાનું ફરજિયાત હશે ?
વડાપ્રધાને એમના ટ્વીટરમાં આયોગના જે ઉદ્દેશો દર્શાવ્યા હતા, તે પૈકી બે ઉદ્દેશોની ચર્ચા કરવાનું રસપ્રદ થશે. તેમણે આયોગ રાજ્યો સાથે સક્રિય પરામર્શ કરશે એ મુદ્દા પર ભાર મૂક્યો હતો અને નીતિ આયોગની રચના સાથે બધાં રાજ્યો માટે સમાન કાર્યક્રમોના અભિગમને વિદાય આપવામાં આવી છે. એવો દાવો કર્યો હતો. આમાં પ્રથમ એક હકીકત નોંધીએ.
બધાં રાજ્યો માટે એકસરખી યોજનાઓનો અભિગમ યોગ્ય નથી. એ મુદ્દો સ્વીકારીને ૧૪મા નાણાપંચે રાજ્યોની વિત્તીય સ્વાયત્તતામાં ગણનાપાત્ર વધારો કરી આપ્યો છે. ૧૩મા નાણાપંચે કેન્દ્ર સરકારની કરની કુલ આવકના ૩૨ ટકા રાજ્યો વચ્ચે વહેંચવાની ભલામણ કરી હતી. એ પ્રમાણ વધારીને ૧૪મા નાણાપંચે ૪૨ ટકાનું કર્યું છે. આ બદલાયેલી સ્થિતિમાં કેન્દ્ર સરકારે હવે રાજ્યોને યોજનાકીય સહાય આપવાની રહેતી નથી તેમ રાજ્યો માટેની કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ પણ અપવાદરૂપ બની જશે. મુદ્દો એ છે કે રાજ્યો માટે ‘એક-સમાન કાર્યક્રમો’ના અભિગમને વડાપ્રધાનશ્રીએ દાવો કર્યો છે, તેમ નીતિઆયોગની રચનાથી ત્યજી દેવામાં આવ્યો નથી, પણ ૧૪મા નાણાપંચની ભલામણોને કારણે એ નીતિનો આપમેળે અંત આવ્યો છે.
નવી નીતિ પ્રમાણે હવે કેન્દ્ર સરકારના પાસે રાજ્યોને યોજનાકીય સહાય મળવાની ન હોવાથી રાજ્યોએ પોતાની યોજનાઓની મંજૂરી માટે નીતિઆયોગ પાસે જવાનું રહેતું નથી. રાજ્યોમાં જેનો અમલ કરવાનો છે, એવી કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ અપવાદરૂપ બની જવાની છે. પોતાના રાજ્ય માટેના કાર્યક્રમો ઘડવા માટે રાજ્યો હવે સ્વાયત્ત બન્યાં છે. આ સ્થિતિમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચે પરામર્શન કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. ટૂંકમાં, ૧૪મા નાણાપંચની ભલામણોએ વડાપ્રધાને ભારપૂર્વક રજૂ કરેલાં નીતિઆયોગનાં ઉપર્યુક્ત બે કાર્યોનો છેદ ઉડાડી દીધો છે. રાજ્યોને આયોગ પાસે જવાનું કોઈ કારણ રહ્યું નથી.
અલબત્ત, વિવિધ ક્ષેત્રો માટેની બજારવાદી નીતિઓ આયોગ તૈયાર કર્યે જશે. આ નીતિઓનો પાયાનો ઉદ્દેશ જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર હશે. આયોગની રચનાના ઠરાવમાં આદર્શ વિકાસનાં જે વિવિધ પાસાં નોંધવામાં આવ્યાં છે, તે ગૌણ બની જશે, કેમ કે આ બજારવાદી અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે લાંબો સમય ટકી રહેતો ૮-૧૦ ટકાનો વૃદ્ધિદર આદર્શ વિકાસમાં અભિપ્રેત બધા ઉદ્દેશો પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. જો કે લાંબો સમય કેટલા દસકાનો હશે, તેનો ફોડ પાડવામાં આવતો નથી. છેલ્લા ત્રણેક દસકા દરમિયાન બજારવાદી નીતિના પ્રચલનથી ચીનમાં ઊંચા વૃદ્ધિદરની સાથે અસમાનતા વધી છે અને પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, એ હકીકતને આ અર્થશાસ્ત્રીઓ નજરઅંદાજ કરે છે. પણ આયોગ સમક્ષનો તત્કાલીન પ્રશ્ન મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને, તેમાં પણ તેના શ્રમપ્રચુર વિભાગોને ઝડપથી વિકસાવવાનો છે, જેથી ઝાઝી તાલીમ પામ્યા ન હોય એવા યુવાનોના વિશાળ વર્ગ માટે રોજગારીની તકો સર્જાય. હવે લોકોની દષ્ટિએ ઊંચો વૃદ્ધિદર આર્થિક સિદ્ધિનો માપદંડ નથી, પણ તેનાથી રોજગારી કેટલી સર્જાય છે, તે માપદંડ છે.
૨૦૨, ઘનશ્યામ ઍવન્યૂ, નવા શારદામંદિર સામે, પાલડી, અમદાવાદ – 380 007
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 03-04