હજારો વર્ષ જૂની વેદનાઓ, મરેલાનાં રુધિર અને જીવતાનાં આંસુડાની પરવા કરનારા ‘મૂકનાયક’
14મી એપ્રિલ 2015ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા, હજારો વરસો સુધી અમાનવીય જીવન જીવવાની વિવશતા ભોગવનારા કરોડો દલિતોના હામી અને પોતાનું સમગ્ર જીવન એમના માટે અર્પણ કરનાર બાબાસાહેબ આંબેડકરનો 125 જન્મદિન ઉજવાયો. શાસન પરની સરકારોએ દલિતોને અવનવી લલચાવનારી યોજનાઓ જાહેર કરી સાથોસાથ પોતાની તસવીરો છપાવી. રોજિન્દી સરકારીછાપ ઉજવણી કરી લીધી. સમાજના પ્રેરક આગેવાનો તરીકે દલિતો તરફના હિન્દુ સમાજના અમાનવીય વલણના પ્રાયશ્ચિતરૂપે અસ્પૃશ્યતા નાબૂદ કરવા સૌથી મોટો પ્રયાસ ગાંધીએ કર્યો અને એવો જ મોટો પણ, પોતે મહાર હતા એટલે જિંદગીમાં આ વેદના વેઠી અસ્પૃશ્યતા સામે જેહાદ આંબેડકરે જગાવી પ્રયાસ કર્યો. કોઈને ગમે કે ન ગમે; પણ ભારતના આ અમાનવીય વલણ સામે રાજકીયપક્ષ તરીકે અઠ્ઠાસી વરસ પૂર્વે, 1927માં કોંગ્રેસે સૌથી પહેલા, અસ્પૃશ્યતા નિવારણનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યારે એ સમયે પ્રવર્તતી, રૂઢિચૂસ્તતાની બોલબોલાના માહોલમાં, ન્યાય અને સદ્દભાવનાની દૃષ્ટિએ પ્રસ્તાવને સ્વીકારવા વિનંતી કરી હતી.
આના બીજ તો 1852માં વવાયા હતા. જ્યારે જ્યોતિબા ફૂલેએ પૂનાના નાનાપેઠના ભોકરવાડીમાં મહાર માંગ બાળકો માટેની શાળાનો પોતાના ઘરમાં પ્રારંભ કર્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલે પછી, શિવરામ કાંબળે; વિઠ્ઠલ રામજી શિન્દે, કોલ્હાપુરના શાહુ મહારાજ, વડોદરાના સયાજીરાવ ગાયકવાડ અને મોહનદાસ ગાંધીએ દોર મજબૂત બનાવ્યો. 1920માં બાબાસાહેબ અભ્યાસ પૂરો કરી િસડનહામ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા અને તા. 31-3-1920ના દિવસે અસ્પૃશ્યોના દુ:ખ અને વેદનાને વાંચા આપવા “મૂકનાયક’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. “મૂકનાયક’ સાપ્તાહિક શરૂ કરી આંબેડકરે કર્તવ્યપથ પર પ્રયાણ શરૂ કર્યું.
ત્રણ મહિનામાં, 21 માર્ચ 1920ના રોજ કોલ્હાપુર રાજ્યના માણગાંવમાં કોલ્હાપુરના રાજા છત્રપતિ શાહુ મહારાજના નેતૃત્વમાં અસ્પૃશ્યોની પરિષદ યોજાઈ. પરિષદના અધ્યક્ષપદેથી આંબેડકરે પોતાના પ્રવચન દ્વારા દલિતોના ઉદ્ધારનો નવો માર્ગ બતાવ્યો. બાબાસાહેબનું પ્રભાવી પ્રવચન સાંભળી શાહુ મહારાજને એટલો અાનંદ થયો કે, એમણે કહ્યું કે – “હવે અસ્પૃશ્ય સમાજને એનું દુ:ખ સમજનારા સાચા નેતા મળ્યા છે. હવે આ પછી અસ્પૃશ્ય સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે.’ બન્યું પણ એમ જ. આંબેડકરે રૂઢિચુસ્ત સમાજના ભાર નીચે દબાયેલા દલિત સમાજમાં સ્વાભિમાન અને મહત્ત્વકાંક્ષા જગાડવા અને પોતાના હક્ક માટે જાગૃત થવા હાકલ કરી. બ્રિટિશરોએ યોજેલી ગોળમેજી પરિષદ અને આગળ જતાં ગાંધી સાથેનો વિવાદ અને ગાંધીજીના 21 દિવસના ઉપવાસ જેવી કટોકટીઓ આવીને ગઈ પણ બાબાસાહેબ ક્યારે ય ન ઝૂક્યા. ઘણાએ એના વિવિધ અર્થઘટન કર્યાં છતાં મૂળ હકીકત એજ રહી કે, ગાંધી અને આંબેડકર દલિતોને ન્યાય આપવા ઝઝૂમનાર બે સર્વોચ્ચ નેતા બની ગયા.
આંબેડકરને સમજવા એમના ગુરુ અને તેમના વિચારોને સમજવા પડે. આંબેડકરના ત્રણ ગુરુ હતા. એક બુદ્ધ; બીજા જ્યોતિબા ફૂલે અને ત્રીજા કબીર. અસ્પૃશ્યતા માટે ગાંધી વારંવાર લડતા ત્યારે ખુદ કોંગ્રેસમાં એવો વર્ગ હતો કે, જે ગાંધીજીને આના કારણે સ્વરાજના આંદોલન નબળું પડી જશે એવો ડર બતાવતા, પણ ગાંધી તો પોતાના વિચારમાં સ્પષ્ટ હતા. એમને અસ્પૃશ્યતા પ્રવર્તતી હોય એવું સ્વરાજ મંજૂર નહોતું. 1945માં તો આંબેડકરે, ‘What Congress and Gandhi have done to the Untouchables?’ પ્રગટ કરી ગાંધી અને કોંગ્રેસ આંદોલન પર હુમલો કર્યો પણ છતાં ય ગાંધીએ કોઈ જવાબ ન વાળ્યો. એથી ઊલટું 1947 અને 1948માં ન ધારેલું બન્યું. ગાંધી, આંબેડકર, સરદાર અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વચ્ચે સંબંધ બંધાયો.
પરિણામે આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળના સભ્ય બન્યા અને એ પછી આંબેડકરના નેતૃત્વમાં ભારતનું બંધારણ ઘડાયું. ગાંધીના મનમાં આંબેડકરની અસ્પૃશ્યો તરફની લાગણી અને વેદનાઓમાંથી જન્મેલી ઉત્કૃષ્ટ સમાનતાની ભાવનાને બંધારણમાં વણી લેવાની ઈચ્છા હતી. ગાંધી, નેહરુ અને સરદારની ત્રિપુટીને ભારતના બંધારણના ઘડતરમાં સમાનતા, બંધુત્વ અને પ્રત્યેક ભારતવાસીને પોતાની સ્વતંત્રતા મળે એવી ઈચ્છા હતી. આંબેડકરે પણ ભારતની ભાષા, જાતિ, ધર્મ જેવી વિવિધતાને સંકોરી વિવિધતામાં એકતાને બંધારણમાં વણી લીધી.
કુદરતનો કરિશ્મા તો એ છે કે, 1946ના ડિસેમ્બરમાં મ્યુરીએલ લેસ્ટર જેઓ ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીની યજમાન હતા તેમણે બાબાસાહેબને સંકેત આપ્યો કે, કોંગ્રેસ આંબેડકરને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સામેલ કરી એમની વિદ્વતા અને નેતૃત્વનો ઉપયોગ કરે. સમય વીતે છે તેમ આંબેડકરની સ્મૃિત વધુને વધુ વ્યાપ્ત થતી જાય છે. છેલ્લે આંબેડકર હિન્દુ તરીકે મરવા નહોતા ઈચ્છતા એટલે બૌદ્ધ બની ગયા. જ્યોતિબા ફૂલેનો શિક્ષણ પ્રયાસ; બુદ્ધનો ધર્મ અને સંઘને જોડવાનો વિચાર અને કબીરની સમરસતા સ્થાપવા બાબાસાહેબ સદાય યાદ રહેશે.
સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
સોજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 અૅપ્રિલ 2015