એલેક્ઝાંડર કિનલોક ફોર્બ્સ (૧૮૨૧-૧૮૬૫) એ સવાયો ગુજરાતી એવો અંગ્રેજ અમલદાર હતો. ગુજરાતીઓ એ નામથી કદાચ એટલા માટે વાકેફ નથી કે તેનું નામ 'ફોર્બ્સ'ની યાદીમાં ચમક્યું નથી. 'ફાર્બસસાહેબ' તરીકે જાણીતા એ ગોરાએ કવિ દલપતરામ પાસે ગુજરાતી ભાષા શીખી હતી. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃિત અને કલા માટે તેણે ભેખ લીધો હોય એવું કામ કર્યું છે. મુંબઈમાં તેણે સ્થાપેલી 'ગુજરાતી સભા'એ ૧૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ વર્ષે ઓગસ્ટમાં તેમની ૧૫૦મી મૃત્યુિતથિ છે ત્યારે તેમણે કરેલાં કામ પ્રત્યે કૃતજ્ઞા થવાનો અવસર છે
ધારો કે, કોઇ ગુજરાતી વ્યક્તિ ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં હોટ સીટ પર બેઠી છે. લાખ રૂપિયા માટે બચ્ચનસાહેબ તેને સવાલ પૂછે છે. એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ જો કી ફાર્બસ કે નામ સે જાને જાતે થે વહ કૌન થે? એ – ફોર્બ્સ મેગેઝિન કે સંપાદક, બી- ફોર્ડ કાર કંપની કે સ્થાપક, સી – એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કે પિતાજી, ડી – ફાર્બસ ગુજરાતી સભા કે સ્થાપક. ઇન ચારોં વિકલ્પ મેં સે કિસી એક પર મોહર લગાઇયેં.
બચ્ચનના આ સવાલ પછી શક્યતા એવી ઊભી થઈ શકે કે એ ગુજરાતી કન્ટેસ્ટન્ટે ફોન – ઓ – ફ્રેન્ડ હેલ્પલાઈનની મદદ લેવી પડે. કે.બી.સી.માં તો સ્પર્ધકે તૈયારી કરીને જવાનું હોય છે તેથી જવાબ કદાચ આવડી જાય, પણ આ સવાલ અણધાર્યો કોઈ ગુજરાતીને પૂછવામાં આવે તો નેવું ટકા ગુજરાતીને એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કોણ છે એની ખબર ન હોય.
ગુજરાતી માધ્યમમાં ભણેલા કોઈ વિદ્યાર્થીને કદાચ એટલું ભળભાંખળ્યું હોય કે ફાર્બસ એ એક અંગ્રેજ હતા અને કવિ દલપતરામના દોસ્ત હતા. દલપતરામે તેમના પર કવિતા લખી હતી જે અમારે ભણવામાં આવતી હતી. બહુ લાંબી હતી અને બોરિંગ હતી.
કોઈ આવું કહે તો એ તેનો નિખાલસ અભિપ્રાય હોઈ શકે છે. એમાં એ વિદ્યાર્થી કે વ્યક્તિનો બિલકુલ વાંક નથી. વાંક તેને ભણાવનાર માસ્તરો અને માસ્તરાણીઓનો છે. ગોળામાં હોય તો ગ્લાસમાં આવે ને? એના જેવી આ વાત છે. મોટા ભાગના ટીચર્સ સ્ટુડન્ટ્સને કાવ્યનો રસાસ્વાદ કરાવતા જ નથી. એ સરકારી નોકર હોય અને સરકારી કામ પતાવતા હોય એમ જ કવિતા અને પાઠ ભણાવી દે છે. એમાં દલપતરામ પણ દૂર રહી જાય છે અને ફાર્બસના નામે ફારસ થઈ જાય છે. તેથી કોઈ ગુજરાતીની ફાર્બસ વિશેની જાણકારી અધકચરી હોય એ તેનો વાંક નથી. વાંક માસ્તરોનો અને માસ્તરાણીઓનો છે. એ માસ્તરોને ભરતી કરતી અને વળી, વિદ્યાસહાયકના રૂપાળા નામે તેમનું શોષણ કરતી સરકારી વ્યવસ્થાઓનો વાંક છે. આ વાંક નંબર એક.
શૈક્ષણિક સેક્ટર પરથી સામાજિક ક્ષેત્રે ઠેકડો મારીએ. આપણા સમાજમાં સાંસ્કૃિતક બાબતો પ્રત્યે ઝુકાવ ખરો. એ ઝુકાવ પણ એવી જ સાંસ્કૃિતક બાબતો પ્રત્યે છે જે ધર્મ તરફ ઝૂકેલી હોય. જ્ઞાાનપરંપરાને અનુસરતી સાંસ્કૃિતક બાબતો પ્રત્યે પ્રજા તરીકે આપણે થોડા ઉદાસીન છીએ. આપણે ત્યાં ફલાણા મહારાજનું મંદિર, અન્નક્ષેત્ર કે ભજનકેન્દ્ર કે સપ્તાહ શરૂ કરવાના હોય તો સખાવતી, સેવાકર્મીઓ અને ભક્તજનોની લાઈન લાગી જાય છે.
મધ્યકાલીન પરંપરામાં ગુજરાતમાં થઈ ગયેલા એજ્યુકેશન રિફોર્મર્સ કે અખા ભગતના છપ્પાના મોડર્ન મૂલ્યાંકન વિશે વર્કશોપ યોજવી હોય તો માણસના નામે કાગડા ઊડે.
જેમના પ્રદાન વિશે કોઈ નક્કર દસ્તાવેજી માહિતી મળતી નથી એવા પરચાવાળા રહસ્યવાદવાળા, પાળિયા તેમ જ પોઠિયા જ આપણે ત્યાં વધુ પૂજાય છે. જેણે કશુંક નક્કર કર્યું હોય એવા માણસોનાં નામ સુધ્ધાંની ખબર હોતી નથી. આ આપણો વાંક નંબર બે.
આટલી ભૂમિકા પછી હવે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ પર આવીએ. ફાર્બસસાહેબને યાદ કરવાનું કારણ એ કે 'ફાર્બસ ગુજરાતી સભા'એ ગયા અઠવાડિયે ૧૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ ખરેખર ગૌરવ કરવા જેવી વાત છે.
ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ૨૫ માર્ચ, ૧૮૬૫ના રોજ થઈ હતી. ગયા બુધવારે એને દોઢસો વર્ષ થયાં છે. સંસ્થા કાર્યરત છે અને તેનું મથક મુંબઈમાં છે. ગુજરાતી ભાષા કે સાહિત્ય કે સંશોધનમાં કાર્યરત આટલી જૂની સંસ્થા ખૂબ ઓછી છે. આ સંસ્થા સાથે વર્ષોથી આજ સુધી સંનિષ્ઠ નામો સંકળાયેલાં રહ્યાં છે. આ ઉંમરે પણ આ સંસ્થા ખંતપૂર્વક કામ કરે છે એ ગુજરાતી સાહિત્ય અને ભાષા માટે હર્ષમુદ્રા છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છાપ આપણા મનમાં ખૂબ નઠારી છે. જે સાચું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ તરીકે ૧૮૪૨માં સિવિલ સર્વિસ હેઠળ ફાર્બસની નિમણૂક થાય છે. ૧૫ નવેમ્બર, ૧૮૪૩માં મુંબઈના દરિયાકાંઠે ઊતરે છે. એનાં ત્રણ વર્ષ પછી ૧૮૪૬માં ૧૫ નવેમ્બરે ફાર્બસ અમદાવાદ આસિસ્ટન્ટ જજ તરીકે આવે છે.
અમદાવાદ સ્થાપત્યકળાથી ભરપૂર શહેર છે. અમદાવાદમાં મુઘલકાલીન, હિન્દુ તેમ જ જૈન સ્થાપત્યના બેજોડ નમૂના આજે પણ શહેરનું નાક ગણાય છે. ફાર્બસ મૂળે સ્થાપત્યના શોખીન જીવ. તેમના ગુરુ સર વિલિમ જોન્સ હતા. જે પણ ભારતના સ્થાપત્ય વારસાથી પ્રભાવિત હતા. ફાર્બસ ભારત આવ્યા એ અગાઉ શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કરતા હતા. તેમની નિમણૂક થઈ એટલે તેમણે શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ પડતો મૂક્યો હતો. અભ્યાસ પડતો મૂક્યો હતો, પણ એના પ્રત્યેની અભિરુચિ અકબંધ હતી. અમદાવાદ આવવું એ ફાર્બસ માટે ઈષ્ટ એન્ટ્રી સાબિત થયું. તેમને ઇતિહાસ, સંસ્કૃિત અને સ્થાપત્યમાં ઊંડા ઊતરવાની ઇચ્છા થઈ. તેમને થયું કે એના માટે ગુજરાતી શીખવું બહેતર રહેશે. તેમણે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ પાસેથી ગુજરાતી શીખવાની શરૂઆત કરી. ભોગીલાલ માસ્તર અમદાવાદમાં ૧૮૪૬માં સ્થપાયેલી પહેલી અંગ્રેજી શાળાના હેડ માસ્તર હતા. તેમની રુચિ વધારે ઊંડી ઊતરતી ગઈ. એ વખતે અમદાવાદની દીવાની અદાલતના તેમના સાથીદાર ભોળાનાથ સારાભાઈ(૧૮૨૨ – ૧૮૮૬)એ તેમને કવિ દલપતરામનું નામ સૂચવ્યું. દલપતરામ એ વખતે વઢવાણ રહેતા હતા. ભોળાનાથ સારાભાઈના આગ્રહથી તેમ જ આસિસ્ટન્ટ જજ એવા ખુદ ફાર્બસની વિનંતીથી દલપતરામ ૧૮૪૮માં અમદાવાદ આવ્યા હતા.
દલપતરામ ડાહ્યાભાઈ(૧૮૨૦ – ૧૮૯૮)ની અમદાવાદમાં પધરામણી એ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃિતનું નવું સોપાન લઈને આવી હતી. ફાર્બસ અને દલપતરામનો પ્રથમ મેળાપ ૧ નવેમ્બર, ૧૮૪૮ના રોજ થયો હતો. એ મિટિંગ રસપ્રદ હતી. ફાર્બસે કહ્યું કે તમે મને ગુજરાતી શીખવવાનો પગાર કેટલો લેશો? દલપતરામે શરૂઆતમાં તો જવાબ ટાળ્યો. વાત આગળ વધી એટલે દલપતરામે કહ્યું કે મારો પારિવારિક ખર્ચ ૧૨૫ રૂપિયા છે. ફાર્બસ તો ચોંકી ગયા? ફાર્બસે કહ્યું કે મારો પગાર ૮૦૦ રૂપિયા જેટલો છે ત્યાં તમને હું ૧૨૫ રૂપિયા કેમ ચૂકવું? હું તમને મહિને ૨૦ રૂપિયા ચૂકવી શકીશ. દલપતરામે કહ્યું કે અમારા દેશમાં પગારધોરણ માસિક નહીં વાર્ષિક ધોરણે બંધાય છે. મેં જે રકમ કહી છે એ વાર્ષિક છે. તમે મને મહિને ૨૦ રૂપિયા ચૂકવશો એ તો મેં જે પગાર કહ્યો છે એના કરતાં બમણો છે. આટલી વાત પછી બંને ખડખડાટ હસ્યા હતા. ફાર્બસે કહ્યું કે તમારો પગાર આજથી જ શરૂ થાય છે. આજે તમે મને ઘણું શીખવ્યું છે. દલપતરામના પુત્ર અને કવિ નાનાલાલ(૧૮૭૭ – ૧૯૪૬)ની નોંધપોથીમાંથી આ પ્રસંગ મળે છે.
ફાર્બસ સરકારી અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ દલપતરામ પાસે ગુજરાતી શીખતા હતા. જેમ જેમ ગુજરાતી શીખતા ગયા તેમ તેમ તેમનો રસ ઊઘડતો ગયો.
દલપતરામે કેટલાંક કાવ્યો વ્રજ અને પિંગળ બોલીમાં લખ્યાં હતાં. જે ભાટ અને ચારણોની બોલી હતી. ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ અને સંસ્કૃિત આ બોલીમાં જ વધારે સચવાયેલા હતા. ફાર્બસે દલપતરામને કહ્યું કે આ બંને બોલીમાં જે સચવાયું છે એને ગુજરાતીમાં ઉતારીએ. ત્યાર પછી દલપતરામ ગુજરાતભરમાં ફર્યા અને વ્રજ – પિંગળ બોલીમાં જે હસ્તપ્રતો હતી એ એકઠી કરી. ફાર્બસને થયું કે ગુજરાતનો જે વારસો વેરવિખેર અને ફેલાયેલો છે એને વ્યવસ્થિત કરીને એનો સંગ્રહ કરવો જોઈએ. એનાં પુસ્તકો છપાવવાં જોઈએ વગેરે વગેરે. ૨૬ ડિસેમ્બર, ૧૮૪૮ના દિવસે તેમણે અમદાવાદમાં એક બેઠક બોલાવી. જેમાં તેના જેવી રસરુચિ ધરાવતા બ્રિટિશર્સ ભેગા થયા હતા. એ બેઠકમાં નક્કી થયું કે 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવે. નોંધવાની વાત એ છે કે એ મિટિંગમાં કોઈ સ્થાનિક માણસ હાજર રહ્યો નહોતો. સોસાયટીનું શરૂઆતનું ભંડોળ અંગ્રેજોએ જ આપ્યું હતું. ફાર્બસે ૨૫ રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે દર વર્ષે તેઓ ૨૫ રૂપિયા આપતા રહેશે. ત્યારપછી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની વિધિવત્ જાહેરાત થઈ અને સ્થાનિક લોકોએ પણ રકમ આપી. પહેલી મિટિંગમાં ૨,૯૫૦ રૂપિયા એકઠા થયા હતા. જે માત્ર બ્રિટિશરોએ આપ્યા હતા. ત્યાર પછી જે ભંડોળ એકઠું થયું હતું એની રકમ ૬,૬૫૧ રૂપિયા હતા. પુસ્તકો તેમ જ સામયિકો બહાર પાડવા ઉપરાંત સંસ્થાનો ઉદ્દેશ અમદાવાદમાં પુસ્તકાલય શરૂ કરવાનો હતો. સોસાયટીના પ્રયાસથી જે લાઇબ્રેરી તૈયાર થઈ એ ગુજરાતનું પહેલું સાર્વજનિક પુસ્તકાલય હતું. એનું નામ 'નેટિવ લાઇબ્રેરી' હતું પણ એના પેટ્રન મોટા ભાગના અંગ્રેજો હતા.
'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'નો ઉદ્દેશ હસ્તપ્રતોનો સંગ્રહ, ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવો, શાળાનાં તેમ જ અન્ય પુસ્તકોનું પ્રકાશન વગેરે હતો. ઉપરાંત સામાજિક ઉત્થાન માટે સંસ્થા કાર્યરત હતી. આ સંસ્થા દ્વારા જ ફાર્બસે અમદાવાદમાં પહેલી કન્યા શાળા શરૂ કરી હતી. અમદાવાદમાં 'વરતમાન' નામનું સાપ્તાહિક અખબાર શરૂ કર્યું હતું જે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના ગુજરાતનું પ્રથમ અખબાર હતું.
ફાર્બસે અમદાવાદમાં જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી તે હાલ 'ગુજરાત વિદ્યાસભા' તરીકે કાર્યરત છે. એ ઉપરાંત ફાર્બસે સુરતમાં 'એન્ડ્રુઝ લાઇબ્રેરી' તેમ જ મુંબઈમાં 'ગુજરાતી સભા' શરૂ કરી જેનું નામ પછીથી 'ફાર્બસ ગુજરાતી સભા' થયું. જેને ૧૫૦ વર્ષ પૂરાં થયાં છે. ૧૮૬૫માં મુંબઈમાં સ્થપાયેલી 'ફાર્બસ ગુજરાતી સભા'ની વિગતમાં ઊંડા ઊતરીએ.
મુંબઈના અગ્રણી મનસુખરામ ત્રિપાઠી, રેવરંડ ધનજીભાઈ નવરોજી તેમ જ અન્ય કેટલાંકના મનમાં એક સંસ્થા સ્થાપવાનો વિચાર ક્યારનો ય રમતો હતો. તેમણે એ અંગે ડો. જોન વિલ્સનને વાત કરી. જોન વિલ્સન એટલે મુંબઈની પ્રખ્યાત વિલ્સન કોલેજના સ્થાપક. વિલ્સને તેમને ફાર્બસનું નામ આપ્યું. વિલ્સને ફાર્બસનું નામ એટલા માટે આપ્યું કે તેમના પ્રયાસોથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના થઈ હતી. ફાર્બસે મુંબઇમાં આવી સંસ્થા સ્થાપવાના વિચારને વધાવી લીધો.
૧૮૬૫ની ૨૫મી માર્ચે સાંજે મુંબઈના ટાઉનહોલમાં એટલે કે પ્રખ્યાત એશિયાટિક લાઇબ્રેરીમાં સભા બોલાવી. મુંબઈના ગુજરાતીઓ તો એશિયાટિક લાઇબ્રેરીથી વાકેફ જ છે, પણ ગુજરાતના ગુજરાતીઓ માટે એશિયાટિક લાઇબ્રેરીની ઓળખ આપી દઈએ. મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં જે સફેદ ઇમારત અને એનાં પગથિયાંને અદાલત તરીકે રજૂ કરવામાં આવે છે એ ઐતિહાસિક ઇમારત એટલે એશિયાટિક લાઇબ્રેરી.
સભામાં પ્રેમાભાઈ હિમાભાઈએ 'ગુજરાતી સભા' શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેને ટેકો મળ્યો અને 'ગુજરાતી સભા'નાં મંડાણ થયાં. ફાર્બસને આ સંસ્થાના પ્રથમ પ્રમુખ બનાવવા એ ઠરાવ સર્વાનુમતે પાસ થયો. સંસ્થા હજી માંડ શરૂ થઈ ત્યાં બે અણધારી આફતો મંડાઈ હતી. સંસ્થાના સ્થાપક અને પ્રથમ પ્રમુખ એલેક્ઝાન્ડર ફાર્બસનું ટૂંકી માંદગી બાદ પૂનામાં ૩૧ ઓગષ્ટ ૧૮૬૫ના રોજ ૪૪ વર્ષની વયે અચાનક અવસાન થયું હતું. દોઢ મહિના પછી સંસ્થાનું નામ બદલીને 'ફાર્બસ ગુજરાતી સભા' કરવામાં આવ્યું હતું.
બીજી આફત એ હતી કે અમેરિકન આંતરવિગ્રહનો અંત આવતાં મુંબઈના શેરબજાર અને રૂ બજારમાં મંદી છવાઈ ગઈ અને કેટલી ય ખાનગી બેન્કો ફડચામાં ગઈ હતી.
મુંબઈના ગુજરાતી અગ્રણીઓએ આ સંસ્થાને ૩૭,૫૦૦ રૂપિયા જેટલી રકમ આપવાનાં વચન આપ્યાં હતાં. મંદીને કારણે એમાંથી માત્ર ગોકુળદાસ તેજપાલ તરફથી જ ૫૦૦ રૂપિયા મળ્યા હતા. ગુજરાત – સૌરાષ્ટ્રનાાં દેશી રાજ્યો તરફથી ૨૬,૨૫૦ જેટલી રકમ મળી હતી.
આમ, શરૂઆતમાં જ આ બે મોટા ધક્કા લાગ્યા હતા છતાં એ સંસ્થા ટકી ગઈ અને આજે ય મુંબઈમાં કાર્યરત છે.
ગુજરાતમાં કેટલેક ઠેકાણે સ્કૂલો શરૂ કરવી, ગ્રંથનિર્માણ કરવા હસ્તપ્રત સંગ્રહ કરવી તેમ જ ભાષાના ઉત્કર્ષ માટે સંસ્થાઓ સ્થાપવાની અનેક પ્રવૃત્તિ ફાર્બસે કરી હતી. આ ગોરાએ સવાયા ગુજરાતીની જેમ કામ કર્યું હતું. ૧૪મી સદીમાં જૈન સંત મેરુતુંગાચાર્યે ગુજરાતના ઇતિહાસ વિશે સંસ્કૃતમાં 'પ્રબંધ ચિંતામણી' નામનો ગ્રંથ લખ્યો હતો. જેનો ફાર્બસે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. ઉપરાંત તેણે મધ્યકાલીન ગુજરાતી ગ્રંથ 'રત્ન માલા'ને પણ અંગ્રેજીમાં ઉતાર્યો હતો.
ગુજરાતની ભાષા, સાહિત્ય, કલા, હસ્તપ્રતો, સ્થાપત્ય, ઇતિહાસ સ્મારકો વગેરેનો તેણે કરેલો અભ્યાસ તેના 'રાસ માલા' પુસ્તકના બે વોલ્યૂમમાં મળે છે. ઉપરાંત, ફાર્બસે પ્રભાસ પાટણ પર ફિલ્ડ રિસર્ચ કરીને એક લાંબો લેખ અંગ્રેજીમાં તૈયાર કર્યો હતો. પ્રભાસ પાટણ એટલે સોમનાથ.
દલપતરામ અને ફાર્બસ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃિતની યાદગાર બેલડી હતા. ચલણી ભાષામાં કહીએ તો ફિલ્મ 'શોલે'ના જય અને વીરુ કરતાં ય તેમની દોસ્તી મજબૂત હતી અને આજીવન એવી રહી હતી. ફાર્બસના દરેક અભ્યાસકાર્યમાં દલપતરામે સાથ આપ્યો હતો. ફાર્બસના મૃત્યુ બાદ વિરહમાં દલપતરામે 'ફાર્બસ વિરહ' કાવ્યની રચના કરી હતી જે ગુજરાતીનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે.
મુંબઈના લેખક દીપક મહેતાએ ફાર્બસ વિશે અંગ્રેજીમાં 'ફાઉન્ડર્સ એન્ડ ગાર્ડીયન્સ ઓફ ધ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ – એલેક્ઝાંડર કિનલોક ફોર્બ્સ' નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. જે વાંચવા – વંચાવવા જેવું છે.
કોઈ ગોરો ગુજરાતમાં આવે છે. તેના બાપગોતરમાં કોઈ ગુજરાતી ભણ્યું નથી એવો માણસ અમદાવાદ, સુરત અને મુંબઈમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેના લગાવ ખાતર સંસ્થાઓ, શાળા, પુસ્તકાલય અને સંશોધન કાર્ય કરે એ નોંધનીય નહીં, વંદનીય ઘટના છે.
એકેડેમિક સંસ્થાઓ સ્થાપવી અને એ શિસ્તબદ્ધ રીતે કેમ કામ કરે એ ભારતીયોને અંગ્રેજોએ શીખવ્યું છે. ગાંધીજી, સરદાર અને નહેરુએ પણ શિસ્તબદ્ધતાના પાઠ ગળથૂથીમાં નહોતા પીધા. તેઓ વિલાયત ભણવા ગયા ત્યાંથી શીખીને આવ્યા હતા. રાજા-રજવાડાં દાન-સખાવત કરી જાણતા હતા પણ એકેડેમિક સૂઝ તેમનામાં એટલી નહોતી. જે રજવાડાઓએ એ સૂઝ કેળવી એ અંગ્રેજો આવ્યા પછી જ કેળવી હતી.
ગુજરાતની બહાર અને ખાસ કરીને વિદેશી લોકો ફાર્બસને 'રાસમાલા'ના લેખક તરીકે જ જાણે છે પણ ગુજરાતની પ્રજા તેમને ગુજરાતમાં મોડર્ન ટાઇમ્સ એટલે કે આધુનિક હવાનો વાયરો લહેરાવનાર, નવા વિચારોને આવકારનાર અને એને આકાર આપનાર, કલા – સંસ્કૃિતની સંસ્થાઓ શરૂ કરનાર કહો કે ગુજરાતના ભવ્ય ભૂતકાળને લોકો સમક્ષ લાવવામાં નક્કર પ્રયાસ કરનારા અંગ્રેજ અધિકારી તરીકે યાદ કરે છે. કમનસીબી એ છે કે ગુજરાતની નવી પેઢીને એ વાતની ખબર નથી.
ફાર્બસ ભારતમાં રાજ કરવા આવ્યો હતો અને ભારતની કલા, ભાષા, સાહિત્ય, સંસ્કૃિત પાસે અદબ પલાંઠી વાળીને શિષ્યભાવે બેસી ગયો. ચાણક્યે કહ્યું છે કે દુશ્મન પાસેથી પણ સારી વાત શીખી લેવી. અંગ્રેજોને આપણે ગાળો ખૂબ દીધી. હજી પણ દઇએ છીએ. મુદ્દાની વાત એ છે કે તેમની પાસેથી શીખવા જેવા કયા ગુણ આપણે શીખ્યા છીએ? ચતુર કરો વિચાર !
… અને છેલ્લે ગુજરાતમાં મોડર્ન આબોહવા ઊભી કરનારા, ભાષા, સાહિત્ય, સંસ્કૃિત માટે નોંધપાત્ર કામ કરનારા તેમ જ ગુજરાતમાં પ્રથમ પબ્લિક લાઇબ્રેરી અને અમદાવાદની પ્રથમ કન્યાશાળા શરૂ કરનારા ફાર્બસનું એક પણ સ્ટેચ્યુ કે સ્મારક અમદાવાદ કે ગુજરાતમાં નથી. જે ખેદજનક હકીકત છે.
e.mail : tejas.vd@gmail.com
સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કટાર, “સંદેશ”, 01 અૅપ્રિલ 2015
http://www.sandesh.com/article.aspx?newsid=3059276