૧૯૪૨માં મહાદેવભાઈનું આગાખાન પૅલેસમાં ગાંધીજી સાથે કેદમાં હતા ત્યારે અવસાન થયું હતું. ૧૯૪૪માં ગાંધીજીને આગાખાન પૅલેસમાંથી છોડવામાં આવ્યા એ પછી ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરે એવા યાતનાના દિવસો શરૂ થયા હતા. મહાદેવભાઈના અવસાન પછી ગાંધીજીની પાંખમાં નારાયણભાઈ હતા અને યુવાન નારાયણભાઈ એ યાતનાના સાક્ષી હતા
ગાંધીજીની હત્યા આઘાતજનક ઘટના જરૂર હતી, નિરાશાજનક નહોતી. શરમજનક એ લોકો માટે હતી જેમણે ગાંધીજીની હત્યા કરી હતી અને હજી આજે પણ તેનો બચાવ કરે છે. નિરાશાજનક એટલા માટે નહોતી કે ગાંધીજીએ હજારો કાર્યકરોની ફોજ તૈયાર કરી હતી જેઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા અને તેમના મનમાં કોઈ પ્રકારની દુવિધા નહોતી. આ બધા જીવનદાની લોકો હતા. સમાજ એક અનસૂયાબહેન સારાભાઈને ઓળખે છે, કારણ કે એ અંબાલાલ સારાભાઈનાં પુત્રી હતાં. અનસૂયાબહેને પારિવારિક સાહેબી છોડીને સમાજ માટે જીવન સમર્પિત કરી દીધું હતું, પરંતુ એ સમયે શંકરલાલ બૅન્કર જેવા બીજા હજારો લોકો હતા જેમણે લોકસંગ્રહ માટે સ્વસંગ્રહ છોડી દીધો હતો. સમાજ એક હરિલાલને ઓળખે છે, કારણ કે તેઓ ગાંધીજીના પુત્ર હતા, પરંતુ એ યુગમાં ગાંધીને સમર્પિત કાર્યકરોના ઘરમાં અનેક હરિલાલો હતા જેમના મનમાં સ્વૈછિક ભૂખ સામે અસંતોષ હતો. જીવન ધારણ કરનાર બધા લોકો પોતાને માટે કે પોતાના પરિવાર માટે જીવે છે, પરંતુ થોડા લોકો એવા પણ હોય છે જેઓ પોતાને અને પોતાના પરિવારને સુધ્ધાં બાજુએ મૂકીને સમાજ માટે જીવન જીવે છે. કઠોપનિષદમાં આને અનુક્રમે પ્રેય અને શ્રેય તરીકે ઓળખાવવામાં આવ્યું છે.
કઠોપનિષદે જેને વ્યક્તિગત ગુણ કહ્યો છે એ શ્રેયને ગાંધીજીએ કદાચ ઇતિહાસમાં પહેલી વાર સામાજિક બનાવી દીધો હતો. ૧૯૪૮માં ગાંધીજી હજારોની સંખ્યામાં શ્રેયાર્થીઓને પાછળ મૂકતા ગયા હતા એટલે ગાંધીજીની હત્યાની ઘટના, આગળ કહ્યું એમ, આઘાતજનક ઘટના હતી, નિરાશાજનક નહોતી. આજે એક એક શ્રેયાર્થી આપણી વચ્ચેથી જાય છે ત્યારે હૃદયમાં ચીરા પડે છે. અંગત સ્વાર્થે જાણે દુશ્મનાવટ સાથે વળતું આક્રમણ કર્યું છે. આજે જે સ્વાર્થ જોવા મળે છે એ કઠોપનિષદે કહ્યું છે એવું પ્રેય નથી, પરંતુ કૃપણતા છે; જેને વિકૃતિ જ કહેવી પડે. કદાચ એવું હશે કે માનવી જ્યાં સુધી સેચ્યુરેશન લેવલે ન પહોંચે ત્યાં સુધી તેના મનમાં અભાવ પેદા થતો નથી. એ સમય જ્યારે આવશે ત્યારે સમાજને દિશાદર્શનની જરૂર પડશે એટલે ગાંધીજી જે અનેક દીવાદાંડીઓ આપતા ગયા હતા એમાં એક દીવાદાંડી નારાયણ દેસાઈ હતા. ચુનીભાઈ વૈદ્ય પછી ટૂંકા ગાળામાં આ બીજો આંચકો છે.
નારાયણભાઈ માટે મારા મનમાં વિલોભનીય આકર્ષણ હતું, કારણ કે તેમનો ગાંધીજી સાથેનો સંબંધ ગાંધીજીના બીજા સાથીઓ અને સમકાલીનો કરતાં જુદો હતો. મુદ્દલ કરતાં વ્યાજ વહાલું હોય એ ન્યાયે મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ ગાંધીજી માટે લાડકા હતા. નારાયણભાઈ ગાંધીજીનો બાબલો હતા એટલે ગાંધીજીના ખોળામાં બેસવાનો તેમને અધિકાર હતો. બાબલો સ્વતંત્ર મિજાજનો તરુણ હતો એટલે કોઈ પૂછવાની હિંમત ન કરે એવા સવાલો પૂછવાનો તેમને અધિકાર હતો. બાબુભાઈ (સર્વોદય પરિવાર માટે નારાયણભાઈ બાબુભાઈ હતા) ગાંધીજીના યુવાસાથી હતા અને તેમનું ઘડતર ગાંધીજીના હાથે થયું હતું. ૧૯૪૨માં મહાદેવભાઈનું આગાખાન પૅલેસમાં ગાંધીજી સાથે કેદમાં હતા ત્યારે અવસાન થયું હતું. ૧૯૪૪માં ગાંધીજીને આગાખાન પૅલેસમાંથી છોડવામાં આવ્યા એ પછી ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરે એવા યાતનાના દિવસો શરૂ થયા હતા. મહાદેવભાઈના અવસાન પછી ગાંધીજીની પાંખમાં નારાયણભાઈ હતા અને યુવાન નારાયણભાઈ એ યાતનાના સાક્ષી હતા. નારાયણભાઈને વાંચતી, સાંભળતી કે મળતી વખતે બાપુ-બાબલાના સંબંધોની એ પૃષ્ઠભૂમિ કાયમ મનમાં અંકાયેલી રહેતી.
મેં એ નારાયણભાઈને પણ જોયા છે જેમને મળતાં ડર લાગે અને મેં એ નારાયણભાઈને પણ જોયા છે જેમને ક્યારે ય છોડવાનું મન ન થાય. જેમને સાક્ષાત્ ગાંધીજીની હૂંફ મળી હોય અને જેમણે ગાંધીજીના નિદ્વર્ન્દ્વ પ્રેમની સગી આંખે કસોટી થતી જોઈ હોય એ પોતે ઊંચાઈ ન પામે એવું બને ખરું? છેલ્લાં વર્ષોમાં નારાયણભાઈને પ્રેમથી છલકાતા મેં જોયા છે. ગયા વર્ષે નારાયણભાઈ તેમનાં નવા પ્રકાશિત થયેલા પુસ્તક ‘જિગરના ચીરા’ના લોકાર્પણ માટે મુંબઈ આવ્યા હતા. એ સમયે તેમણે મને કહ્યું હતું કે અત્યારે મારું ચિત્ત ગાંધીમય રહે છે અને ભાગ્યે જ બાપુ સિવાય બીજો કોઈ વિચાર આવે છે.
ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી. ગાંડી ગુજરાત વધારે પડતી ગાંડી થવા લાગી ત્યારે નારાયણભાઈની એ તડપ વધારે તીવ્ર થવા માંડી હતી. એ અરસામાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી ત્યારે તેમણે ગુજરાતીમાં ગાંધીજીનું બૃહદ્દ ચરિત્ર લખવાનો સંકલ્પ કર્યો હતો. આધુનિક આયુર્વિજ્ઞાન થકી મળેલાં વર્ષોનો ઉપયોગ તેમણે સાર્વજનિક કામો ઓછાં કરીને પલાંઠી મારવા માટે કર્યો હતો. ગાંધીજીએ જેટલી તીવ્રતા સાથે ‘હિન્દ સ્વરાજ’ લખ્યું હતું એટલી જ તીવ્રતા સાથે તેમણે ત્રણ ભાગમાં ગાંધીજીનું ચરિત્ર લખ્યું હતું. ગોધરા પછીનું ગુજરાત તેમને માટે મોટો આંચકો હતું એટલે ત્યારે તેમણે ગામેગામ જઈને ગાંધીકથા કરવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતમાં કથા-ર્કીતનની ઓરલ ટ્રેડિશન વધારે પ્રભાવી નીવડે છે તો તેમણે એનો પ્રયોગ કરી જોયો હતો. છેલ્લાં ૧૨-૧૩ વર્ષમાં ૧૫૦ જેટલી કથાઓ તેમણે કરી હતી જેમાં પાંચ દિવસ પાંચ-પાંચ કલાક તેઓ ગાંધીજીવન અને ગાંધીદર્શનનો શ્રોતાઓને સરળ ભાષામાં પરિચય કરાવતા હતા.
ગાંધીજીને પામવાની અને પમાડવાની તીવ્રતા એટલી હતી કે છેલ્લે-છેલ્લે તો તેઓ ગાંધીને શ્વસતા હતા. સાધારણ રીતે ગાંધીવાદીઓ કલાની બાબતમાં ઉદાસીન હોય છે અને કેટલાકને તો મેં રુક્ષ પણ જોયા છે. નારાયણભાઈ આમાં અપવાદ હતા. નારાયણભાઈ સારું ગાતા. તેમણે પોતે કેટલીક રચનાઓ સ્વરાંકિત પણ કરી છે. તેઓ ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ઉપરાંત ઉડિયા અને બંગાળી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ગુજરાતીમાં રેખાચિત્રો, જીવનચરિત્રો અને સંસ્મરણો લખ્યાં છે જે ભાષાલાલિત્યમાં કોઈ મૌલિક સાહિત્યકૃતિની બરાબરી કરે એવાં છે. જીવનચરિત્ર કેવું હોવું જોઈએ એનું જો કોઈ ઉદાહરણ આપવું હોય તો નારાયણભાઈએ તેમના પિતા મહાદેવભાઈ દેસાઈનું લખેલું ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવું જોઈએ. તેમને સાહિત્ય માટેના રણજિતરામ સુવર્ણચન્દ્રક, મધ્યસ્થ અકાદમી અવૉર્ડ વગેરે ઇલકાબો તો મળ્યા છે, પરંતુ ગુજરાતના સારસ્વતોએ સર્વાનુમતે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટયા હતા. બાય ધ વે મહાદેવભાઈ અને નારાયણભાઈ એવી એકમાત્ર પિતા-પુત્રની જોડી છે જેમને બન્નેને મધ્યસ્થ સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મળ્યો છે. મહાદેવભાઈને ૧૯૫૫માં ડાયરીઓ માટે મરણોત્તર ઇલકાબ આપવામાં આવ્યો હતો. ઉંમર જોતાં નારાયણભાઈ જવાનો અફસોસ નથી, પરંતુ ખપ જોતાં નારાયણભાઈ જવાનો અફસોસ મોટો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 માર્ચ 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-315