વિનોદ મહેતાની સ્કૂલ વધારે પ્રભાવી અને વધારે ટકાઉ સાબિત થઈ એનું મુખ્ય કારણ વિનોદ મહેતાની એકનિષ્ઠા હતી. તેમણે માત્ર અને માત્ર પત્રકારત્વ કર્યું હતું. બીજા પત્રકારોની માફક રાજકારણમાં નહોતા ગયા, રાજ્યસભામાં મનોનીત સભ્ય નહોતા બન્યા, કોઈ આયોગ કે સમિતિઓમાં નહોતા ગયા કે ઇલેક્ટ્રૉનિક જર્નલિઝમનો યુગ શરૂ થયા પછી એમાં પગપેસારો નહોતો કર્યો. સોનિયા ગાંધી માટે તેમને અને તેમને માટે સોનિયા ગાંધીને આદર હોવા છતાં એનો તેમણે કોઈ લાભ નહોતો લીધો
૧૯૮૦ પછી ભારતીય પત્રકારત્વમાં નવો યુગ શરૂ થયો હતો. પરિવર્તન અનેકમુખી હતું. એક જમાનામાં જ્યુટ પ્રેસ તરીકે ઓળખાતા અખબારી ઉદ્યોગમાં નવા લોકો દાખલ થયા હતા જેઓ જ્યુટ પ્રેસના મારવાડી માલિકોને હટાવી તો નહોતા શક્યા, પરંતુ તેમને કૂણા તો પાડ્યા હતા. બીજું, ચેલાપતી રાવ, ફ્રૅન્ક મોરાયસ અને એન.જે. નાનપોરિયા, શામ લાલ જેવા આઝાદી પહેલાં પત્રકારત્વમાં પ્રવેશેલા તંત્રીઓનો યુગ સમાપ્ત થયો હતો. તેમની રૂઢિચુસ્ત પત્રકારત્વની એક સ્કૂલ હતી જેના છેલ્લા પ્રતિનિધિ તંત્રી ગિરિલાલ જૈન હતા. એ ઉપરાંત પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીમાં પણ ક્રાન્તિ થઈ હતી જેણે છાપાં તેમ જ સામયિકોને સુંદર અને આકર્ષક બનાવવા માટેનો રસ્તો ખોલી આપ્યો હતો. ક્મ્પોઝિંગ અને છપાઈ આસાન થઈ ગઈ હતી જેને કારણે છાપાં-સામયિકોની પૃષ્ઠસંખ્યામાં વધારો થયો હતો. કાગળની આયાત પરના પ્રતિબંધ દૂર થયા હતા, ન્યુઝપ્રિન્ટના ક્વોટા ખતમ થયા હતા અને નેપાનો પીળો કાગળ છાપાંઓમાંથી ગાયબ થઈ ગયો હતો.
સૌથી મહત્ત્વનું પરિવર્તન પત્રકારત્વના બદલાયેલા મિજાજનું અને વલણનું હતું. ઇમર્જન્સી પહેલાં ઘટેલી ઘટનાના વૃત્તાંતને પત્રકારત્વ માનવામાં આવતું હતું. સમાચારનાં પાનાંઓમાં શુદ્ધ સમાચાર એટલે કે હાર્ડ ન્યુઝ એટલે કે ઘટેલી ઘટનાઓનો અહેવાલ છપાતો હતો અને અંદર તંત્રીના પાનામાં એનું વિવેચન છપાતું હતું. ઘટેલી ઘટના પહેલાં ઘટી રહેલી ઘટના, ઘટી શકતી ઘટના કે નહીં ઘટેલી ઘટના પણ ન્યુઝ હોઈ શકે છે એ ઇમર્જન્સી પહેલાં પત્રકારત્વ માટે અજાણી ચીજ હતી. ઇમર્જન્સી પછી સ્વાભાવિકપણે પત્રકારત્વે કરવટ બદલી હતી, કારણ કે ઇમર્જન્સી પોતે જ અનેક રહસ્યો અને ગોપિત પડળ ધરાવનારી ઘટના હતી. આ રીતે ઘટના પાછળની ઘટનાને શોધવાનો યુગ ઇમર્જન્સી પછી અને ઇમર્જન્સીને કારણે શરૂ થયો હતો.
આમાં ત્રણ તંત્રીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું. એક ગયા ડિસેમ્બર મહિનામાં અવસાન પામેલા બી.જી. વર્ગીસ, બીજા એમ.જે. અકબર અને ત્રીજા રવિવારે અવસાન પામેલા ‘આઉટલૂક’ મૅગેઝિનના તંત્રી વિનોદ મહેતા. હિન્દી ભાષામાં રાજેન્દ્ર માથુર, પ્રભાષ જોશી અને સુરેન્દ્ર પ્રતાપ સિંહનું નામ આપી શકાય. ગુજરાતીમાં હસમુખ ગાંધીએ નવો ચીલો પાડ્યો હતો. આમાં બી.જી. વર્ગીસે ઘટના હોવા છતાં નહીં નજરે પડતી ઘટના કે નહીં જોવામાં આવતી ઘટનાને અખબારોનો વિષય બનાવ્યો હતો. દાયકાઓ સુધી જામીનના અભાવે કે લુલા ન્યાયતંત્રને કારણે કાચા કેદીઓએ જેલમાં સબડતા રહેવું પડે એ શરમજનક ઘટના હોવા છતાં એને ઘટના તરીકે જોવામાં નહોતી આવતી. કેદી જેલ તોડે એ ઘટના કહેવાય, કેદી કેદમાં રહે એ ઘટના ન કહેવાય એવી જે જૂની સમજ હતી એને બી.જી. વર્ગીસે તોડી નાખી હતી. ટૂંકમાં, બધિર વ્યવસ્થાને કારણે જેને અન્યાય થઈ રહ્યો છે એ માણસ પહેલી વાર છાપાના પહેલા પાને આવ્યો હતો. બી.જી. વર્ગીસના પત્રકારત્વને ગ્રાસરૂટ જર્નલિઝમ તરીકે ઓળખવામાં આવતું હતું.
એમ.જે. અકબરે અને સુરેન્દ્ર પ્રતાપ સિંહે કલકત્તામાંથી અનુક્રમે અંગ્રેજીમાં ‘સન્ડે’ અને હિન્દીમાં ‘રવિવાર’ નામનાં સાપ્તાહિક શરૂ કર્યા હતાં જેની સાથે સામયિક પત્રકારત્વમાં નવો યુગ શરૂ થયો હતો. ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ અને ‘ધર્મયુગ’ કરતાં આ સામયિક વધારે સમકાલીન અને વધારે તાજાં લાગતાં હતાં. અકબરે એ પછી ‘ટેલિગ્રાફ’ દૈનિક કાઢીને પત્રકારત્વમાં અખબારી સૌંદર્યનો નવો યુગ શરૂ કર્યો હતો.
આ બધામાં વિનોદ મહેતાની સ્કૂલ વધારે પ્રભાવી અને વધારે ટકાઉ સાબિત થઈ હતી. આમાં મુખ્ય કારણ વિનોદ મહેતાની એકનિષ્ઠા હતી. તેમણે માત્ર અને માત્ર પત્રકારત્વ કર્યું હતું. બીજા પત્રકારોની માફક રાજકારણમાં નહોતા ગયા, રાજ્યસભામાં મનોનીત સભ્ય નહોતા બન્યા, કોઈ આયોગ કે સમિતિઓમાં નહોતા ગયા કે ઇલેક્ટ્રૉનિક જર્નલિઝમનો યુગ શરૂ થયા પછી એમાં પગપેસારો નહોતો કર્યો. સોનિયા ગાંધી માટે તેમને અને તેમને માટે સોનિયા ગાંધીને આદર હોવા છતાં એનો તેમણે કોઈ લાભ નહોતો લીધો. તેઓ ધારત તો મનમોહન સિંહના પ્રેસ-ઍડ્વાઇઝર બની શક્યા હોત કે નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલના સભ્ય થઈ શક્યા હોત કે રાજ્યસભામાં જઈ શક્યા હોય, પરંતુ તેમણે પત્રકારત્વને જ પોતાનો ધર્મ માન્યો હતો.
વિનોદ મહેતાએ અખબારોમાં સૌંદર્યકીય પરિવર્તન ઉપરાંત વિષયવસ્તુમાં અને એની રજૂઆત (પ્રેઝન્ટેશન)માં પરિવર્તન કર્યું હતું. સાધારણ વાચક સમાચાર વાંચે અને માત્ર મુઠ્ઠીભર પ્રગલ્ભ વાચક તંત્રીલેખ વાંચે એવા જે બે ધ્રુવ હતા એને વિનોદ મહેતાએ તોડી નાખ્યા હતા. હાર્ડ ન્યુઝ અને ગંભીર મલ્લીનાથી વચ્ચે અનેક પ્રકારનાં ફીચર્સ હોઈ શકે છે એ વિનોદ મહેતાએ બતાવી આપ્યું. તેમણે અખબારોમાં ઓપેડ પેજ દાખલ કરીને ન્યુઝ-મૅગેઝિનોને એના ઢાંચામાં પરિવર્તન કરવા મજબૂર કર્યા હતાં. અણધાર્યાપણું તેમના પત્રકારત્વનું વિશેષ અંગ હતું. કોઈ પણ વિષય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દૃષ્ટિકોણ તેમના દ્વારા સંપાદિત છાપાં અને સામયિકમાં જોવા મળી શકતાં હતાં.
વિનોદ મહેતાની હજી એક બીજી વિશેષતા એ હતી કે ખૂબ સારું લખી શકતા હોવા છતાં તેઓ બહુ ઓછું લખતા. પોતાના સર્જન કરતાં તેઓ જેનું સંપાદન કરતા હોય એના સર્જનમાં અને એની બારીકમાં બારીક પ્રક્રિયામાં વધારે રસ લેતા. આ રીતે ભારતીય પત્રકારત્વમાં પહેલી વાર વિનોદ મહેતાએ તંત્રીને કૅબિનમાંથી બહાર કાઢ્યો હતો. તંત્રી ન્યુઝ-રૂમમાં હોવો જોઈએ, પ્રોડક્શન-રૂમમાં હોવો જોઈએ. કૅબિનમાં તો ત્યારે જ હોવો જોઈએ જ્યારે કંઈક લખવું હોય કે કોઈક મુલાકાતી મળવા આવ્યો હોય.
સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક લેખકની કટાર : “ગુજરાતી મિડ-ડે”, 09 માર્ચ 2015
http://www.gujaratimidday.com/features/columns/vinod-mehta-editor