જો હું એમ કહું કે મને આજે આ સન્માનથી આનંદ થતો નથી અથવા અભિમાન નથી થતું, તો હું માણસ ન કહેવાઉં. પણ તે સાથે મારે એમ કહેવું જોઈએ કે આજે જે અનેકવિધ વિચારનાં ભાઈઓ તથા બહેનોએ મળીને આ સમારંભ યોજ્યો છે, તે જોઈ મારું હૃદય સાચે જ છલકાય છે.
એક ભાઈએ સાચું કહ્યું છે કે મારો ષષ્ટિપૂર્તિ-સમારંભ ખરેખર તો ગુજરાતમાં છેલ્લાં પચાસ વર્ષના રાજકીય જીવનનું સરવૈયું કાઢવાનો પ્રસંગ છે. ૧૯૦૨ની સાલમાં હું દશ વર્ષનો હતો, ત્યારે સુરેન્દ્રનાથ બેનરજીના પ્રમુખપદે કૉંગ્રેસ મળી, ત્યારથી જાહેરજીવનના ભણકારા નડિયાદના મારા વતનમાં મેં ઝીલ્યા હતા.
આજે જ્યારે હું છેલ્લાં ૫૦ વર્ષના જીવનકાળ પર દૃષ્ટિપાત કરું છું ત્યારે મારે પણ ગુરુ દત્તાત્રેયની જેમ મારા ગુરુ ગણાવવા જોઈએ કે જેમના વડે હું આજે છું તે છું.
૧૯૦૫થી ૧૯૦૭નો સમય એટલે સ્વદેશી ચળવળનો જમાનો. બંગભંગની લડત શહેરે-શહેરે, ગામેગામ, શેરીએ-શેરીએ, ચોરેચૌટે, જ્યાં જુઓ ત્યાં સ્વદેશીની હાકલ. ફકીરી લેવાનો – જાન-કુરબાનીનો સૌપ્રથમ પેગામ તે વખતે અપાયો. અમારા નડિયાદના તે વખતના આગેવાન મગનભાઈ ચતુરભાઈ પટેલ. તેમની વક્તૃત્વશક્તિની તે વખતે મારા પર ઊંડી અસર પડેલી.
તે પછી મુંબઈમાં વસવાટનો સમય, ગાંધીજીના સંપર્કનો સમય. હું ગાંધીજીના ઘણા વિચારો તથા તેમની ઘણી ભાવનાનો ઉગ્ર ટીકાકાર રહ્યો હોવા છતાં મારે કબૂલ કરવું જોઈએ કે ગાંધીજીએ એવી ઘણી વસ્તુનો બોધ આપ્યો છે કે જે આજે પણ મારા અંતરમાં વણાયેલો છે.
તેમણે ત્રણ સૂત્રો આપ્યાં : ‘બીક ન રાખો – ધર્મગુરુની, નાતની અને પોલીસની. બીક રાખે તે બાયલો.’ તેમણે નવી જ વ્યાખ્યા આપી – બીક કાઢીશું, તો સહેજમાં સ્વરાજ. નવું જ માર્ગદર્શન.
તેમણે બીજું સૂત્ર કહ્યું : ‘ટનબંધી વાત કરતાં એક ઔંસ જેટલું પણ કાર્ય અણમોલ છે.’ ૧૯૧૭માં ગોધરામાં રાજકીય પરિષદ મળી. ‘વેઠનો વિરોધ જ નહિ, સક્રિય પ્રતિકાર કરો !’ ગાંધીજીએ આદેશ આપ્યો અને જાતે જ ‘હૅન્ડ-બિલ’ ઘડ્યું, બધાની સહી લઈ પ્રસિદ્ધ કર્યું. શરૂશરૂમાં વેઠ કરાવનાર લોકોએ વિરોધ કર્યો. બારેજામાં તો કેટલાકને મરણતોલ માર પડ્યો.
તે દિવસથી ગાંધીજીએ તાલીમ આપી અને ત્રીજું સૂત્ર આપ્યું : ‘ઠરાવોથી ગુલામીનાં બંધનો નહિ તૂટે, જુલમનો સક્રિય પ્રતિકાર કરો. જેલ નહિ – મૃત્યુને માટે, શહાદતને માટે તૈયાર રહો.’ મરીને જીવવાનો એ મહામંત્ર હતો.
૧૯૧૮માં એમણે અમને દરિદ્રનારાયણનું સાચું દર્શન કરાવ્યું. તેમણે બતાવ્યું : ‘શાહીબાગના મહેલોમાં ભારતની જનતા વસતી નથી. જનવિરાટ તો વસે છે ભારતનાં ગામડાંમાં.’ ખેડાના સત્યાગ્રહ વખતે તેમણે અમને સહુને આદેશ આપ્યો : ‘જાઓ, પંદર દિવસમાં ૫૦ ગામડાં ખૂંદી વળી શું જોયું તે મને કહો ! પગે ચાલતા જજો ! મીઠાઈ-મેવા ખાધાં તો ખબરદાર ! ખજૂર-ચણા ખિસ્સામાં રાખીને જજો !’
અમે ગામડાંનાં દર્શને ઊપડ્યા. ગામડાં જોયાં અને આંખ ફાટી. દરિદ્રનારાયણનાં, ભારતના જનવિરાટનાં અમને સહુ પ્રથમ દર્શન લાધ્યાં. અંતરમાં વાત વણાઈ ગઈ : ભારત ગામડાંમાં વસે છે, શહેરમાં નહિ.
પછી તો અછૂત, અંત્યજ, વણકર, ભીલ વગેરેની સેવા જેમ સ્ફુરી તેમ કરી. ઠક્કરબાપા સાથેનો મારે સંબંધ તો તેમના અંતકાળ સુધી એકસરખો તાજો અને મીઠો રહ્યો છે. એમને તો હું કેવી રીતે ભૂલી શકું ? હું એમનો દીકરો ખરો, પણ બંડખોર ! સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી છોડી નીકળ્યો, ત્યારે આંસુ-છલકતી આંખે તેમણે મને એક જ પ્રશ્ન પૂછ્યો :
‘ઇન્દુલાલ, હવે ક્યાં જઈશ ?’ મેં કહ્યું : ‘વનવગડે, ગમે ત્યાં જઈને પણ સેવાનું કાર્ય કરીશ.’
૧૯૧૯ના દુકાળમાં પંચમહાલના ભીલોના પ્રદેશમાં દુકાળ પડ્યો. ભીલસેવાનું કાર્ય ઉપાડ્યું. તેમને રાહત મળવી જોઈએ, તે દૃષ્ટિએ તેઓની કરુણ પરિસ્થિતિ વિશે અખબારોમાં લખી હૂબહૂ ચિતાર આપ્યો. તે વખતે ઠક્કરબાપા સાંતાલની આદિવાસી પ્રજામાં કામ કરતા હતા. અખબારોમાં અહેવાલો વાંચ્યા અને લાગલા જ દોડી આવ્યા દાહોદ, અને ભીલસેવાનું કાર્ય ઉપાડી લીધું.
પછીનો સમય તે વિદેશવાસનો. તે વખતના મારા ગુરુઓમાં સકલાતવાળા અને વિઠ્ઠલભાઈ પટેલ. સકલાતવાળાને સહુ સામ્યવાદી કહી વગોવે. તાતા કુટુંબનો એ નબીરો. તાતાની પેઢી તરફથી ત્યાં વેપારધંધા વધારવા મોકલાયેલો. એણે જોયું કે કરોડોની મિલકતો કોના પરસેવા પર રચાય છે ! અને એણે જે કરુણ દૃશ્ય જોયું તેથી તેણે લાખોની દોલત છોડી સામ્યવાદી ફકીરી લીધી. એનો ઉત્સાહ પણ અપ્રતિમ. વરસતા વરસાદમાં કે ગાઢ ધુમ્મસમાં પણ એ ખાંસી ખાતો, ગરમ ઓવરકોટ ઓઢી નીકળી પડે; કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતો જ હોય.
વિઠ્ઠલભાઈ તો બાહોશ મુત્સદ્દી ગાંધીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા આવેલા ત્યારે એમને ગંધ આવેલી કે અંગ્રેજોએ યોજેલી ગોળમેજી પરિષદ એ ગાંધીજીને ફસાવવાની રાજરમત છે. ગાંધીજીને ચેતાવવા એમણે ઘણા પ્રયત્નો કર્યા, પણ એ વખતે વિઠ્ઠલભાઈનું કોણ સાંભળે ?
આ બધી થઈ મારા ગુરુઓની વાત. એમાં હું મોતીભાઈ અમીનને પણ વીસરી શકું એમ નથી. મને ગામડાંમાં કાર્ય કરતો કરવામાં એ પણ હતા. એ ખૂબ જ ઠરેલ અને વ્યવહારુ ગ્રામસેવક. ગ્રામોદ્ધારની યોજના એવી ઘડે કે પાઈનો પણ ખર્ચ ન થાય.
મારા વિશે કેટલાકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત, તો ઊંચે ગયો હોત. આજે હનુમાનની માફક હૂપાહૂપ કરું છું, તેથી કંઈ મેળવી શકતો નથી. આજે હું દિલ તમારી સમક્ષ ખુલ્લું કરવા માગું છું. હું જે કાર્ય કરું છું, તે રાજકીય દૃષ્ટિથી નહિ પણ માનવતાની દૃષ્ટિથી કરું છું. ગાંધીજી, ઠક્કરબાપા તથા મોતીભાઈ અમીને જ્યારથી મને ગામડાં દેખાડ્યાં, ત્યારથી સળંગ રીતે મારા જીવનમાં ચાલતું આવતું એકમાત્ર તત્ત્વ તે ગામડાંની પ્રજાની વફાદારી અને સેવાનું છે. મારો એ ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતાં મેં સંસ્થાઓ અને હોદ્દાઓનો ત્યાગ કર્યો છે; કારણકે હું મૂર્તિપૂજક નથી. કૉંગ્રેસમાં રહીને ગામડાંની વફાદારીપૂર્વક સેવા મને શક્ય ન લાગી, ત્યારે મેં કપાતે જિગરે અને છલકતી આંખે કૉંગ્રેસની વિદાય લીધી છે. આમ છતાં પણ હું છાતી ઠોકીને એમ કહી શકું એમ છું કે મેં કદી રાજારજવાડાં, જમીનદાર કે શેઠ-શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી.
કૉંગ્રેસને છોડી હું ચાલી નીકળ્યો ત્યારે વલ્લભભાઈએ પૂછેલું : ‘હવે શું કરશો ?’ મેં કહ્યું : ‘હવે એકલે હાથે સેવા કરીશ.’ અને એ ચમત્કાર પણ બન્યો. ૧૯૧૯માં પંચમહાલના ભીલો પર દુષ્કાળની આફત ઊતરી પડતાં મેં અને ઠક્કરબાપાએ રાહતકાર્ય માટે જનતાને અપીલ કરી. જોતજોતામાં રૂપિયા ૩૩,૦૦૦ની રકમનો ફાળો ભરાયો.
આ રીતે લોકોનાં દયાદાનથી સેવા ઠીક લાગી ત્યાં સુધી તો કરી … પણ પછી વિચારક્રાંતિ થઈ. મારા મનમાં પ્રશ્ન ઊઠ્યા – આમ જનસમુદાય, પીડિત, દલિત કે શોષિતની સેવા, દયા કે સેવાના કામથી થાય કે તેઓના સંગઠનથી થઈ શકે ? તેઓને દયાની જરૂર છે કે ન્યાયની ? Charity or Justice ? મારા મનમાં મંથન શરૂ થયું.
મને ખાતરી થઈ કે દયાદાનથી આમજનતાનું શોષણ કદી પણ નિકાલ નહિ પામે. એમિલ ઝોલાએ આ આખો પ્રશ્ન ચર્ચતી નવલકથા લખી છે, તેમાં તેણે ચર્ચા કરી છે : પીડિત-દલિત સમાજને શેની જરૂર છે ?
દયાની કે ન્યાયની ?
દયાની ?
તો દયાદાન કોની, પાસે માગવાનાં ?
શ્રીમંતો પાસે !
શ્રીમંતો તેમનું ધન ક્યાંથી લાવ્યા ?
શોષણથી !
શોષણથી જે લોકો લક્ષ્મીનો સંચય કરે છે, તેમની પાસેથી ટુકડો માગવાનો અને તે ભીખનો ટુકડો ગરીબોને વહેંચવાનો ?
તે રીતે ગરીબી ટળશે ?
ગાંધીજીને પણ પ્રતીતિ થઈ હતી કે સત્તાધીશો કે શ્રીમંતો કે જમીનદારોનાં હૃદય-પરિવર્તન કરીને કોઈ દિવસ કિસાનોનું ભલું નહિ થઈ શકે; એ માટે તો કાયદા કરવા પડશે.
કાયદા કરવા પડશે ?
તો કાયદા થાય કેવી રીતે ?
પ્રજામત ખીલવીને, પ્રજામત જાગૃત કરીને !
પણ પ્રજા કઈ ?
જે શોષાઈ છે, જે ચુસાઈ છે તે પ્રજાને ?
મને ખાતરી થઈ કે વિરાટ જનતાની વિરાટ શક્તિ જાગૃત કરીને જ તેમની સ્થિતિ પલટી શકાશે. શોષણરહિત, વર્ગવિહીન સમાજરચનાનું ધ્યેય તો ગાંધીજીએ પણ સ્વીકાર્યું હતું અને આજે દેશના બધા પક્ષો લગભગ એ સ્વીકારે છે. ગાંધીજીએ આ માટે લોકજાગૃતિ અને સંગઠનનો રાહ સૂચવ્યો હતો. આજે હું એ કાર્ય કરી રહ્યો છું. તેમની સેવામાં હું ખુમારી અનુભવું છું.
મારી વાત કેમ કેટલાક મિત્રો સમજી શકતા નથી ? – મેં એ ઉપર વિચાર કર્યો છે. તેઓ દરિદ્રનારાયણની વાત કરે છે, પણ તેઓ મહેલમાંથી ઝૂંપડાં તરફ જુએ છે. ઝૂંપડામાંથી મહેલને જોવો અને મહેલમાંથી ઝૂંપડાંને જોવાં, એ બંનેમાં ભારે ફરક છે. હું તો ઝૂંપડીનો માનવી છું, પગથી પર જીવતો આદમી છું, ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબ-કિસાનોની વચ્ચે બેસવું, એમની ઝૂંપડીઓમાં જવું અને એમની વિચારધારા ઝીલવી, એ મારું કાર્ય છે. એ શ્રીમજીવીઓના શ્રમ અને આદર્શો તથા મારી સેવાનો સમન્વય સધાશે, તો હું જે ક્રાંતિ કરવા ધારું છું એ કરી શકીશ. મારા ટીકાકારો યાદ રાખો કે ઘનઘોર અંધકાર હોય, ત્યારે જ ઉષા પ્રકટ થાય છે અને કૂકડો નવપ્રભાતની આહલેક જગાવે છે. મારી એવી પ્રતીતિ છે કે આજે જો ઘનઘોર અંધકાર ફેલાયો છે, તો શ્રમજીવીઓના ભવિષ્યના મંગળ પ્રભાતનો દિવસ નજીક આવી રહ્યો છે. આમાં મારી સફળતા નહિ હોય, એ તો વિરાટ શ્રમજીવી સમાજની હશે. હું તો એ શ્રમજીવી વિરાટનો હાથ પકડીને આગળ વધીશ, એની સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તો પણ એ કાર્ય કરતાં જ.
(ષષ્ટિપૂર્તિ અભિવાદન પ્રસંગે બોલાયેલું, ફેબ્રુઆરી 1952)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૂ. 10 – 11