Opinion Magazine
Number of visits: 9483190
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કદમોથી પણ વિશેષ થકાવટ હતી ‘મરીઝ’ મંઝિલ ઉપરથી પાછા ફરેલી નિગાહમાં

તેજસ વૈદ્ય|Opinion - Literature|19 February 2015

મરીઝ એવા શાયર હતા કે જેના વિશે નિઃશંકપણે કહી શકાય કે 'ભાગ્યે જ જન્મે'. તેના એક એક શેર જીવનના અર્કમાંથી નીકળેલું અત્તર છે. ધર્મગ્રંથો જે વાત થોથાં ભરીને કહે છે એ મરીઝ માત્ર બે લીટીમાં કહી દે છે. મરીઝે જેવું લખ્યું છે એવું જ જીવ્યું છે, તેથી આજે પણ તેઓ આપણી વચ્ચે તેમના લખાણરૂપે જીવે છે. રવિવારે જન્મજયંતી છે એ નિમિત્તે યાદ કરીએ મરીઝસાહેબને.

ગુજરાતી તરીકે ગૌરવ લેવાનું મન થાય એવાં ઘણાં વ્યક્તિત્વો ગુજરાતે આપ્યાં છે. કેટલાંક વ્યક્તિત્વોની તેમના સમયમાં ખૂબ બોલબાલા હોય છે. ચારે તરફ તેમનો જય જયકાર થતો હોય છે. પછી અચાનક એવા વ્યક્તિત્વના આભામંડળનાં આભલાં ઝાંખાં પડવા માંડે છે. ઓસરતાં પૂરની જેમ તેમની પ્રતિભાનાં પાણી ઓસરવા માંડે છે. તેને વ્યક્તિત્વ ન કહેવાય.

ખરું વ્યક્તિત્વ એ છે કે વ્યક્તિની બિનહયાતીમાં તેનું નામ તેની હયાતી કરતાં મોટું થતું જાય. તેનાં કામની નોંધ વધારે લેવાય. તેમની ખોટ વધુ સાલે. આવું વ્યક્તિત્વ એટલે શાયર અબ્બાસ અબ્દુલ અલી વાસી 'મરીઝ'. 

મહોબ્બતના દુઃખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

મરીઝના જીવન અને તેની રચનાઓને જોવામાં આવે તો માલૂમ થાય કે કોઈ ઈશ્વરી ફરિશ્તો ધરતી પર ચક્કર લગાવીને ગયો. ગયો પણ એવી માવજતપૂર્વક કે જીવતેજીવ તો તેણે પણ પોતાની પૂરતી નોંધ લેવા દીધી નહીં. કોઈ યોગભ્રષ્ટ આત્મા માત્ર હાજરી પુરાવવા પૂરતો પૃથ્વી પર અવતરે ને ચાલ્યો જાય એવી રીતે એ ગયો. જીવતરનું વસ્ત્ર કોઈ પણ દાગ વગર એમનું એમ રચયિતાને સોંપવાનું છે એમ કબીરે ગાયું છે. 'જ્યોં કી ત્યોં ધર દિન્હી ચદરિયાં'ની જેમ મરીઝે તનચાદર એકદમ ઊજળી જ ખુદાને દીધી હશે. તે ગયો ચૂપચાપ પણ જે વાંચે તેને અંતરથી રળિયાત કરી દે તેવી ગઝલો, નઝમો અને મુક્તકો મૂકતો ગયો. મરીઝનો રચનાસંગ્રહ 'આગમન' ગુજરાતી સાહિત્યની લગડી છે. જીવનના અર્કને ચૂંટી ચૂંટીને એને 'આગમન'ના દરેક શેરમાં કેદ કરવામાં આવ્યો છે. એમાં જે ફિલસૂફી અને જીવનસાફલ્ય છે એ તમને કદાચ ધર્મગ્રંથોનાં થોથાંમાં પણ નહીં મળે. જીવનને સમજવું હોય તો 'જીવનને જીવી નાખવાની જડીબુટ્ટી' કે 'સુખની સૂંઠનો ગાંગડો' કે 'પ્રેરણાની પડીકી' કે 'યુ મે વીન' ટાઇપના પોઝિટિવ થિંકિંગનાં પીપૂડાં વગાડતાં સેલ્ફહેલ્પ પુસ્તકો વાંચવાની જરૂર નથી. એ પુસ્તકો માનસિક રીતે પુખ્ત ન થઈ શકેલા નાદાન જીવો માટે છે. 'આગમન' વાંચો. તમારા જીવનના કપરા સમયમાં તમારો કોઈ જૂનો દોસ્ત મળવા આવ્યો હોય અને એકદમ ભેટીને હૂંફ પૂરી પાડતો હોય એવું અનુભવશો. 

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પૂરાવાઓ

મરીઝની મજા એ છે કે તેની રચનાનું પોત ખૂબ ઊંડું છે અને શબ્દો સરળ છે. તે ગંભીરમાં ગંભીર ફિલસૂફીને બે લીટીના શેરમાં કહી દે છે. ધર્મગ્રંથો જે વાત થોથાં ભરીને કહે છે એ મરીઝ એક શેરમાં ઝીલી શકે છે. મરીઝ એટલા માટે એવું લખી શક્યા કે એણે આજીવન સંજોગોના તંગ દોરડા પર જીવન વિતાવ્યું હતું. તંગ દોરડા પર તો ઘણાં લોકો જીવન વિતાવે છે, પણ મરીઝની મહાનતા એ હતી કે તેમણે ક્યારે ય પોતાની માસૂમિયત ગીરવે નહોતી મૂકી. સ્વ. કવિ વિપિન પરીખે મરીઝને આપેલી અંજલીરૂપ આ નઝમ વાંચો … 

કવિઓ હંમેશાં માટે બાળક રહે
એવું બનતું નથી.
અળોટાવું પડે છે, દાઝવું પડે છે.
લોકો શીખવે છે અવનવા, કડવા મીઠા પાઠ.
આંખો બનતી જાય છે ખંધી, રીઢી, શબ્દે વેપારી.
તમે નાની'સી વાતમાં ખડખડ હસી પડનારા,
શબ્દો તમારા શિશુ જેવા જ કાલાકાલા,
હસવું આવે પણ વ્હાલા લાગનારા,
ક્યારેક લથડતા, એકબીજા પર ગબડી પડનારા,
તમે સભાને હસતી જોઈ નિર્દોષ મૂંઝાનારા,
આમતેમ જોનારા,
જાણે કશું જ ન સમજનારા,
વળી પાછું શરૂ કરનારા, સાવ ભોળા, નિર્દોષ,
નાજુક ધ્રૂજતી હથેળીમાં આખું હૃદય મૂકી દેનારા,
તમે કહો : કવિઓની વચ્ચે … આ વીસમી સદીમાં, આ મુંબઈમાં,
તમે આંખોમાં શિશુને કેવી રીતે સાચવી શક્યા?

* * *

મુંબઈનો ભીંડીબજાર ઇલાકો જેટલો પેચીદો છે એટલો જ પચરંગો છે. ત્યાં કવિતા અને ક્રાઇમ સાથે સાથે ચાલે છે. મરીઝનું એ ઠેકાણું હતું. અમદાવાદમાં રહેતા જિજ્ઞોશ મેવાણી નામના યુવાન સાહિત્યપ્રેમી અને કર્મશીલે મરીઝ પર રિસર્ચ કર્યું છે. જિજ્ઞેશ નોંધે છે કે ભીંડીબજારની એક ગલીમાં હિન્દુસ્તાનના મહાન વાર્તાકાર સઆદત હસન મન્ટોની ઓરડી હોય તો બીજી કોઈ ખોલીમાં માફિયા કરીમલાલા અને દાઉદ ઇબ્રાહિમની ખોલી. કૈફી આઝમી જેવા શાયર 'કેફે અશરફી'માં બેઠક જમાવતા તો ડો કરીમલાલા પણ ત્યાં જ બેસતા. મુંબઈની ભીંડીબજાર અને મોહમ્મદ અલી રોડ પર મરીઝના શેર સાંભળવા લોકો ટોળે વળતા હતા. મહોલ્લામાંથી તે પસાર થતાં હોય ત્યારે તેમને રોકીને શેર સંભળાવવાની ગુઝારીશ કરનારા અનેક લોકો હતા. ચાની કેન્ટિનમાં તો ટેબલ પર મરીઝનો મુશાયરો જ જામતો હતો. એ રીતે મરીઝસાહેબ લાઇવ મહેફિલના માણસ હતા. ગલી અને ટેબલ મહેફિલો મરીઝથી રોશન થતી હતી. મરીઝના પરિચિત હોય એવા કેટલાક શાયરો, લેખકો અને મિત્રોને જિજ્ઞેશ રૂબરૂ મળ્યો છે. તેમની પાસેથી મરીઝ વિશેના રોચક અને અજાણ્યા પ્રસંગો તેણે નોંધ્યા છે. એમાંના કેટલાક પ્રસંગો જોઈએ.

આપણા જાણીતા કવિ સ્વ. હરીન્દ્ર દવે મરીઝના નજીકના દોસ્ત હતા. તેમણે નોંધ્યું હતું કે એક રિક્સા સાથે અકસ્માત થયા બાદ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ડોક્ટર મહેતાએ ઓપરેશન અગાઉ હૂંફ આપતાં કહ્યું કે, "ચિંતા કરતા નહીં, તમે તો ખૂબ લાંબું જીવવાના છો." ત્યારે મરીઝે તાબડતોબ સ્ફુરેલો શેર કહ્યો કે,

ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વાતવાતમાં મરીઝે કેવી મહાન વાત કહી દીધી. કપરા સંજોગોમાં પણ જીવન પ્રત્યેની તેમની નિર્લેપતા અકબંધ રહેતી હતી. મરીઝની વિચારવાની પેટર્ન પણ શાયરાના હતી. તેમણે કેટલાંક ચુનંદા શેર એ રીતે વાતવાતમાં લખી નાખ્યા છે કે તેમને કદાચ સપનાં પણ આવતાં હશે તો શાયરીની ઢબે જ રદિફ કાફિયા સાથે આવતાં હશે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે.

નવસારીના શાયર રાઝ નવસારવીનો એક પ્રસંગ જોઈએ. જુવાનીનાં કેટલાંક વર્ષ રાઝ નવસારવીએ મુંબઈમાં ગાળ્યાં હતાં. શાયર નૂરી સાથે તેઓ ઘણી વાર મરીઝને મળ્યા હતા. ૧૯૬૦ના દાયકાની વાત છે. રાઝ નવસારવી નોંધે છે, "ભીંડીબજારની ઝમઝમ રેસ્ટોરાંમાં અમારી બેઠક રહેતી હતી. મરીઝસાહેબ સફેદ પેન્ટ-શર્ટમાં આવે. ચાલ સહેજ લથડાતી હોય. ક્યાંકથી થોડું ઠપકારીને આવ્યા હોય. અમારી બેઠકની મહેફિલ શરૂ થાય. શરાબ અને શાયરી બંને સાથે ચાલે. નૂરીસાહેબ કાયમ મરીઝને સાંભળવાનો આગ્રહ રાખતા. મરીઝ જે શેર સંભળાવે તે ટપકાવી પણ લેતા. મરીઝ જે રદિફ કાફિયા પર ગઝલ લખે એના પર જ તેઓ શેર લખતા. જેમ કે, મરીઝનો એક શેર છે,

હું ખુદ અગર પીઉં તો ભયંકર ગુનો બને,
આ દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે.

એમાં સહેજ ફેરફાર કરી નૂરીસાહેબ લખે છે,

બસ એ નવાઈ છે કે મરણ આવતું નથી,
દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે.

મરીઝનો એક શેર છે,

રાતોના જાગરણનું ગજું ક્યાં હવે 'મરીઝ',
દિવસના વખતે પણ ઊંઘી જવાય છે.

નૂરીએ કોપી કરી

'નૂરી' એ ગાઢ ઊંઘના દિવસ વહી ગયા,
અડધી જ રાતથી હવે જાગી જવાય છે.

મરીઝે પછી નૂરી પર જ વ્યંગ કરતો શેર લખ્યો કે,

કર મારા હૃદયના ઊભરા એકઠા તું હરીફ,
દરિયાનું ફીણ પણ અહીં દરિયો ગણાય છે.

નૂરીસાહેબને આ શેરથી ખૂબ લાગી આવ્યું હતું. એ જોઈને મરીઝે કહ્યું કે હું તો મજાક કરું છું, ખોટું ન લગાડો. નૂરીસાહેબે કહ્યું કે, "જો મરીઝ દરિયો હોય તો ફીણ થવામાં મને સહેજે ય વાંધો નથી."

કોઈનું દિલ દુભાય એ મરીઝસાહેબને જરા ય ન પોસાય. કોઈ પોતાનો ઉપયોગ કરી જતું હોય અને મરીઝ એ જાણતા હોય એ છતાં ય તેમના પ્રત્યે મરીઝને અંશમાત્ર પણ દંશ નહીં. તેઓ બધાને એકસરખી નજરે જ નિહાળતા હતા. તેમનો શેર છેને,

કુતૂહલતા અને આનંદની દ્રષ્ટિ રાખ દુનિયા પર
પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર …

* * *

સિદ્ધપુરમાં રહેતા વયોવૃદ્ધ દાઉદભાઈ રાવત પાસેથી એક પ્રસંગ મળે છે. સિદ્ધપુરમાં જવાહર સિદ્ધપુરીને ત્યાં મુશાયરો યોજાયો હતો. જવાહરભાઈના ઘરમાં દરિયાની એક તસવીર હતી. મરીઝ એ તસવીર જોતા રહ્યા. પછી કહ્યું કે આ તસવીર જોઈને મને એક શેર સૂઝ્યો છે. એ શેર એટલે …

કહો દુશ્મનને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.

બીજા દિવસે બધા ઘરની બહાર જતા હતા ત્યારે ઘરના દાદરેથી ઊતરતા હતા એ વખતે કોઈની નનામી જઈ રહી હતી. ગણ્યાગાંઠયા ડાઘુઓ નનામી લઈ જતા હતા. એ જોઈને મરીઝે તરત ખિસ્સામાંથી ચબરખી કાઢીને ઓરડામાં જઈને શેર ટપકાવ્યો …

આ દુનિયાના લોક, આ દુનિયાની રીત,
કદી સાચા માણસને ફાવે નહીં,
જીવો તો કરે દાટવાની જ વાત,
મરો તો દફન કરવા આવે નહીં.

* * *

મરીઝને કદાચ બે ટંકનાં ભોજન વગર ચાલી જાત, પણ મદિરા વગર મરીઝની કલ્પના કરવી નામુમકિન છે. મરીઝે ક્યારે ય પોતાનાં દુઃખો દોસ્તોને પણ દેખાડયાં નથી. તેમના દોસ્તો કવિ હરીન્દ્ર દવે કે શાયર કાબિલ ડેડાણવી પાસે એકાદ બે પ્રસંગ માંડ મળે છે, જેમાં તેમણે પોતાની આપવીતી કહી હોય. કાબિલે એક જગ્યાએ કહ્યું છે કે "મરીઝને ચાહકો ફરતે વીંટળાઈને શેરોશાયરી કરતો અને વાહવાહી મેળવતો જોઈને એમ જ લાગે કે આના જેવો સુખી જીવ કોઈ હશે જ નહીં. પણ તેમને ક્યાંથી ખબર હોય કે રાત્રે બચ્ચાં ભૂખ્યાં ના સૂઈ જાય એટલા માટે આ માણસ બે રૂપિયામાં કોઈને ગઝલ વેચીને આવ્યો હશે. વર્ષોનાં વર્ષો સુધી અમે મરીઝને કપડાંની નવી જોડમાં જોયો નહીં હોય. આ છતાં પણ તેણે ક્યારે ય તકલીફોનાં રોદણાં રોતો જોયો નથી."

મરીઝે પોતાનું દર્દ પોતાની ગઝલોમાં ઠાલવ્યું અને મદિરામાં ઓગાળ્યું છે. તમામ સંજોગો વચ્ચે મરીઝ ખુમારીપૂર્વક ઊભા રહ્યા છે. તેઓ લાચાર જણાયા નથી. સહાનુભૂતિ મેળવવાનો વિચાર તેમને આવી શકે એવું તેમના વિશે કલ્પવું એ તેમના અપમાનસમું છે. બેસુમાર પડેલા સંજોગોને મરીઝે એ રીતે સાચવી લીધા જાણે ગણકાર્યા જ ન હોય. એક પ્રસંગ જુઓ. સફેદ પેન્ટ-શર્ટ મરીઝનો કાયમી પોશાક હતો. મુશાયરામાં પણ તેઓ એ પહેરીને જ આવતા હતા. શાયર અસીમ રાંદેરીએ તેમને એક શેરવાની લઈ આપી હતી. પૈસાની તાણને કારણે થોડા દિવસમાં એ શેરવાની તેમણે એક મારવાડીને વેચી દીધી હતી. કાબિલ ડેડાણવીએ એક મુશાયરામાં તેમને પૂછયું કે, "પેલી શેરવાની ક્યાં ગઈ?" તો કહે કે, "એ તો મારવાડીને ત્યાં ગીરવે મૂકવી પડી હતી. હવે પાછી લેવા કોણ જાય?" કાબિલ ડેડવાણીએ પૂછયું, "કેમ?" તો કહે કે, "એક વાર દીધું એટલે દીધું. આપણે એના જેવા મારવાડી થોડા છીએ." વેદનાને પણ તેઓ એવી રમૂજી રીતે રજૂ કરતા કે દુઃખ થાય એવા પ્રસંગોમાં પણ સામેવાળો હસી પડે. તેમણે શેર પણ એવા જ રચ્યા છે. એક શાયરની એ તાકાત હોય છે કે એ રુદનને પણ રમૂજના વાઘા પહેરાવી શકે છે. જાણીતા કવિ સિતાંશુ યશશ્ચંદ્રે મરીઝ વિશે કહ્યું છે કે, "કરુણ હાસ્ય એટલે કે વેદના વિલક્ષણ વિનોદ મરીઝની રચનાઓની વિશેષતા રહ્યો છે." 

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્રા દે.

સિકંદરો અને હિટલરો યુદ્ધો તો જીતી શકે છે, પણ દુઃખોને જીતી નથી શકતા. મરીઝ જેવા શાયરોની એ શાનદારિયત છે કે એને દુઃખની તમા પણ નથી હોતી. દુઃખને માણસ ગણકારે જ નહીં એ ફિતરત તેને ફકીરી અને ઓલિયા કક્ષાએ મૂકે છે. મરીઝે કોઈ લોબાનોની ધૂણી નહોતી જલાવી. દેખીતા કોઈ અર્થમાં તે ધાર્મિક નહોતો, પણ તેના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ કહેતી કે આ માણસ ખુદાઈ નૂર લઈને જન્મ્યો હતો.

હું 'મરીઝ'નો મોટો ફેન છું : પંકજ ઉધાસ

ગુજરાતના જાણીતા ગઝલગાયક મનહર ઉધાસે ગાયેલી મરીઝની કેટલીક રચનાઓ પોપ્યુલર થઈ છે. તેમના નાના ભાઈ પંકજ ઉધાસે ૮૦ના દાયકાના એન્ડમાં 'રજૂઆત' નામનું ગુજરાતી ગઝલ આલબમ આપ્યું હતું. જેમાં મરીઝની નઝમ ગાઈ હતી.

પંકજ ઉધાસ ટીનેજર હતા ત્યારે મરીઝના સંપર્કમાં આવ્યા હતા. મરીઝ વિશેની પોતાની કેફિયત જણાવતાં તેઓ કહે છે કે, "સોળેક વર્ષની ઉંમરે હું મુંબઈના બિરલા સભાગૃહમાં પહેલી વખત મરીઝને મળ્યો હતો. પરિચય મારા મિત્ર અને જાણીતા ગુજરાતી ગઝલકાર સ્વ. કૈલાસ પંડિતે કરાવ્યો હતો. એ વખતે મારા મોટા ભાઈ મનહર ઉધાસ પણ સાથે હતા. ત્યાં મુશાયરો યોજાયો હતો જેમાં મેં તેમને સાંભળ્યા હતા. મરીઝસાહેબ વોરા હતા એટલે ગઝલપઠનમાં તેમની એક વોરાસાઈ છાંટ હતી, જે સરસ હતી. પઠન વખતે તેમનાં ચશ્માં વારંવાર ઊતરી જતાં હતાં અને તે નાક પરથી ચશ્માં ચઢાવ્યા કરતા હતા. મરીઝનું મેં જોયેલું એ પહેલું ચિત્ર મને આટલાં વર્ષે પણ તંતોતંત યાદ છે. મુશાયરા પછી તેમણે કૈલાસ પંડિતને કહ્યું કે, "જો દોસ્ત, મેં એક નવો શેર લખ્યો છે, સાંભળ." પછી તેમણે ખિસ્સામાંથી બસની એક ટિકિટ કાઢી અને એની પાછળ લખેલો એ શેર સંભળાવ્યો. તેમણે જે રીતે બસની ટિકિટ કાઢી અને શેર સંભળાવ્યો એ દૃશ્ય મને કુતૂહલભર્યું લાગ્યું અને ખૂબ ગમ્યું. એ પછી વિવિધ બેઠક અને મુશાયરામાં પણ મેં તેમને ખૂબ માણ્યા હતા. દરમ્યાન પુરુષોત્તમ ઉપાધ્યાય તેમ જ કેટલાક કવિમિત્રોએ મરીઝનો સન્માન સમારંભ મુંબઈમાં યોજ્યો હતો. એમાં મેં મરીઝની એક ગઝલ ઠુમરીના અંદાજમાં બહેલાવીને રજૂ કરી હતી. ગુજરાતી સુગમ સંગીતમાં ગઝલ ઠુમરી શૈલીમાં એ વખતે નહોતી ગવાતી. મને આનંદ છે કે મેં મરીઝની ગઝલ એ રીતે રજૂ કરી.

મરીઝને ગુજરાતના ગાલિબ કહેવામાં આવે છે એ વિશે પંકજ ઉધાસ કહે છે કે, "હું માનું છું કે મરીઝસાહેબ મિર્ઝા ગાલિબથી એક તાંતણો ઓછા ઊતરે એવા શાયર નહોતા. મરીઝના કેટલાક શેરમાં વિઝ્યુલાઇઝેશનનું એટલું ઊંડાણ છે કે ગાલિબસાહેબના શેરોમાં પણ એ નથી જોવા મળતું.

તેમના શેરોમાં સાહજિકતા છે, પ્રયાસ નથી. મેં 'રજૂઆત' નામનું ગુજરાતી આલબમ ૧૯૮૮-૮૯માં રજૂ કર્યું હતું, જેમાં મેં મરીઝની નઝમ રેકોર્ડ કરી હતી.

ભવ્ય એક કલ્પનાસૃષ્ટિને ઉલેચી નાખી,
આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી.

માણસની લાચારી કઈ હદની હોય કે એ લક્ષ્મીની તસવીરને વેચી નાખે. એ નઝમમાં વેદનાની સાથે વ્યંગ છે. હું માનું છું કે એવી કલ્પના મરીઝ જ કરી શકે!

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : લેખકની ‘છપ્પનવખારી’ નામે કટાર, “સંદેશ”, 18 ફેબ્રુઆરી 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3043816

Loading

19 February 2015 admin
← યેસ ટીચર : નો ટીચર
ઇન્દુચાચાએ દીધો જાસો એક જનવાદી ! →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved