શબ્દકોશકાર, બાળસાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક રતિલાલ સાંકળચંદ નાયકનું ૨૮ જાન્યુઆરીના બુધવારે અમદાવાદના તેમના નિવાસસ્થાને બાણું વર્ષની વયે અવસાન થયું. કડીના વતની રતિલાલે ત્યાંની સર્વવિદ્યાલય શાળાના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી અમદાવાદની બી.ડી. આર્ટસ કૉલેજમાં ૧૯૬૫ સુધી પાંચ વર્ષ અને ભવન્સ કૉલેજમાં સત્તર વર્ષ ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન કર્યું.
રતિલાલભાઈને બાળસાહિત્ય માટે રાષ્ટ્રીય પારિતોષિકો સહિત દસથી વધુ સન્માન મળ્યાં હતાં. ‘સાક્ષરનો સાક્ષાત્કાર-૩’(૧૯૯૯)માં રાધેશ્યામ શર્મા નોંધે છે : ‘તે મૂળે રહ્યા બાળસાહિત્યકાર. સો જેટલાં પ્રકાશનોના લેખક-સંપાદક-સંયોજક રતિલાલને કીર્તિની ફરફરતી ધજા જોવા મળી ‘કૉમિક બુક્સ’ મલ્ટીકલર ચિત્રાદિથી વિભૂષિત બાળપુસ્તકોથી ! મૂળશંકર-નાનાભાઈ સમા સુ-ભટ્ટોના ચીલે બાળરામાયણ, બાળમહાભારત, દશાવતાર, પંચતંત્રની વાતો, વિજ્ઞાનવિષયક ચોપડીઓ તેમ જ ‘આપણો રાષ્ટ્રધ્વજ’ જેવાં પ્રકાશનો વડે લેખકે બાળઘડતરનું કામ કરી દેખાડ્યું છે.’ પાઠ્યપુસ્તક મંડળની બારમા ધોરણ સુધીની ગુજરાતી વાચનમાળામાં ‘નાયકે ઉત્તમ સહાયક તરીકે કામગીરી બજાવી હતી’ એમ પણ રાધેશ્યામ નોંધે છે.
‘અક્ષરયાત્રા’, ‘વિવેચનની વાટે’ અને ‘બાળસાહિત્ય : સ્વરૂપ અને સર્જન’ સમીક્ષા-સંચયો છે. વળી મધ્યકાલીન અને સુધારક યુગના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તેમ જ ‘વસંતવિલાસ’, ‘ઓખાહરણ’ અને ‘સુદામાચરિત’ જેવી કૃતિઓનાં સુવાંગ સંપાદનો તેમણે વિદ્યાર્થીઓ તેમ જ વિદ્વાનો બંનેને ઉપયોગી બને તે રીતે આપ્યાં છે. ‘વિજ્ઞાનકથા’ નામના મજાના પુસ્તકમાં તેમણે અક્ષરો, કાગળ, પેન્સિલથી લઈને અણુશક્તિ, કૃત્રિમ ઉપગ્રહો અને રૉકેટની શોધકથાઓ લખી છે. તેમાં વચ્ચે સિનેમા અને સરકસના સિંહની કથાઓ પણ આવી જાય છે.
રતિલાલ સાં. નાયકનો ‘મોટો કોશ’ ઘણા કિસ્સામાં ગુજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ કરતાં વધુ ઉપયોગી લાગે છે, એ તેનું મહત્ત્વ છે. તે ૧૯૯૭માં પ્રસિદ્ધ થયો ત્યારે સાર્થની ૧૯૯૫ની છઠ્ઠી આવૃત્તિ બહાર પડી ચૂકી હતી. તે રતિલાલભાઈના નિરીક્ષણ અનુસાર ૧૯૬૭ની આવૃત્તિનું ‘પુનર્મુદ્રણ માત્ર’ હતી. સાર્થમાંથી ઉપયોગી ઘટકો રતિલાલભાઈએ સ્વીકાર્યા.પણ સમય સાથે કદમ મિલાવવા માટેની અદ્યતનતા, અને કહો કે, તાજગી એમણે એમના મોટા કોશને આપી. સંદર્ભપુસ્તકોને રંજકતા વિના આ પાસ આપવો મુશ્કેલ કામ હોય છે. સાતસો જેટલાં પાનાંના આ કોશના એકસો સોળ પાનાંનાં રસપ્રદ પરિશિષ્ટોમાં કહેવતો, રૂઢિપ્રયોગો, વિશેષનામ, લોકસાહિત્યના શબ્દો, તત્ત્વજ્ઞાન શબ્દાવલી, પૌરાણિક પાત્રો અને સ્થળનામોનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં વપરાતા અંગ્રેજી શબ્દોની જોડણીનો વિભાગ કોશકારની દૃષ્ટિ બતાવે છે.
‘કહેવતકોશ’ (૨૦૦૮) મનોહર છે. તેમાં બાર હજાર કહેવતો, અર્થ અને કથાનક મળે છે. વળી એક અને બે પંક્તિની કવિતારૂપ કહેવત છે. હરિકૃષ્ણ પાઠકે રચેલા કહેવતોના વિનિયોગ સાથેના કે કહેવત જેવા દોહા છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને નવી કહેવતોની યાદી અહીં છે. ‘માહિતીદર્શક શબ્દાવલી’ અને ‘અટકો કેવી રીતે પડી’ આ કોશનાં બિલકુલ વિશિષ્ટ અંગો છે.
રતિલાલના કામનું ઓછું જાણીતું પાસું તેમના ભવાઈ પરના સંશોધનનું છે. વિવેચનની વાટેમાં બાવીસ વર્ષ પહેલાં તેમણે દીર્ઘલેખ ‘ભવાઈ : ગુજરાતનું લોકનાટ્ય’ લખ્યો છે. તે અંગે પ્રસ્તાવનામાં તે નોંધે છે : ‘ જે કોમમાંથી આવું છું એ કોમના વ્યવસાય – અને પિતાજીનો તો પરમ શોખ હતો – એ ‘ભવાઈ’ વિશે ઘણું સંશોધન કરીને કોમના એક ખાસ ઊજવણી અવસરે જે લખાણ તૈયાર થયું એ અહીં સામેલ કર્યું છે.’ ભવાઈ અભ્યાસની ફલશ્રુતિ તરીકે ચાર વર્ષ પહેલાં બારેક ભવાઈ વેશોના પાઠ, પરિભાષા, આ સ્વરૂપના ઇતિહાસ સાથેનું મહત્ત્વનું પુસ્તક મળે છે ‘ગુજરાતનું લોકનાટ્ય ભવાઈ’. તેમનું પુસ્તક ’રંગભૂમિના કસબીઓ’(૨૦૦૬)માં જૂની રંગભૂમિના એક્યાશી કલાકારોનો વાચનીય પરિચય મળે છે.
ભોળાભાઈ પટેલ ‘બોલે ઝીણા મોર’ સંગ્રહના ‘ગુરુસ્મૃિત’ લેખમાં સંભારે છે : ‘ અહીં ચકડી સર્વવિદ્યાલયમાં મારા વર્ગશિક્ષક અને સંસ્કૃતના શિક્ષક રતિલાલ નાયક – ગુજરાતી બાળસાહિત્યમાં જાણીતું નામ. ત્યારે તે ‘કવિતા’ પણ લખતા. મારી સંસ્કૃતપ્રીતિમાં તેમનું અને પછી રામભાઈ પટેલનું શિક્ષણ છે. … ગુજરાતી પણ નાયક સાહેબ શિખવાડતા. નવમા ધોરણમાં રૅપિડ રીડર તરીકે ભણાવાતું નાટક ‘રાઈનો પર્વત’ એવું શીખવેલું જે આજે બી.એ.ના વર્ગમાં પણ ભાગ્યે જ શીખવાડાતું હશે. શરૂના દિવસોમાં મેં સંકોચાતા એકવાર તેમને પૂછ્યું, ‘સાહેબ, મારે બહારનું વાંચવું છે. શું વાંચું ?’ એક ક્ષણ વિચારી, પછી કહે સ્વપ્નદૃષ્ટા – મુનશીનું સ્વપ્નદ્રષ્ટા વાંચો. આઠમા ધોરણના વિદ્યાર્થીના હાથમાં એમણે સ્વપ્નદૃષ્ટા પકડાવી એને પણ સપનાં જોતો કર્યો.’
૨૯ જાન્યુઆરી ૨૦૧૫
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 18