Opinion Magazine
Number of visits: 9448278
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બીજા છેડાની રાજનીતિ

પ્રવીણ પંડ્યા|Profile|30 January 2015

૨૬-૧૦-૨૦૧૪ની દિવાળી પહેલાનો રવિવાર હતો. આગલી રાતે રાજુ સોલંકીએ ફોન કરીને કહેલું કે નયન સુરતમાં વૅન્ટિલેટર પર છે. નયન શાહ, નોખી માટીનો પત્રકાર. ચોરસ સાફ-સૂથરો ચહેરો, ચમકદાર આંખો, ભીનો વાન, કપડાં રિક્સા-ડ્રાઇવર કે મિલમજૂર જેવાં, ભાષા લાગ-લપેટ વિનાની, બુદ્ધિ, જ્ઞાન અને સમજણનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હોત, તો એ બહુ આગળ પહોંચત, પણ એ જ્યાં રહ્યો ત્યાં જ અંતિમ શ્વાસ સુધી અડીખમ ઊભો રહ્યો એ જ એની ઓળખાણ છે. અમે સવારે સુરત જવા નીકળ્યાં. સંગીતા અને રંજના સાથે થયાં. આ જ વરસની શરૂઆતમાં કર્દમ ભટ્ટે પણ વિદાય લીધેલી અને વરસના અંતે નયન … અશ્વનિ તો વહેલો નીકળી ગયો હતો.

૧૯૮૧ની આસપાસ આ બધાને હું પહેલીવાર મળ્યો હતો, વિદ્યાપીઠ સામે મૈસુર કાફેમાં. મારાથી જુદા લાગતા આ મિત્રો અચાનક જ મારા જેવા જ લાગવા માંડ્યા. એમના સ્વભાવમાં ઋજુતા નહોતી, એ સાફ-સૂથરી ભાષામાં બોલતા નહોતા, વ્યક્તિસ્વાતંત્ર્ય અને અસ્તિત્વવાદ કે અતિ વાસ્તવવાદ જેવા સાહિત્યમાં ચાલતા પ્રવાહો એમને ભીંજવતા નહોતા. રાજુએ તો હસતા-હસતા એક વખત મારું શર્ટ ફાડી નાખ્યું, જનોઈ છે કે નહીં એ જોવા ! બાકીના કોઈએ એને આવી અભદ્રતા બદલ રોક્યો નહીં, ઊલટા હસ્યા. હકીકત તો એ હતી કે આ મિત્રો માત્ર ભાવનાઓ નહીં પણ ભારતીય માર્ક્સવાદી વિચારધારા સાથે મારી ભીતર ઊતરી રહ્યા હતા. ‘ભારતીય’ શબ્દ મેં આગળ એટલે જોડ્યો છે કેમ કે માર્ક્સવાદનો જ્યાં ઉદય થયો છે, ત્યાં ન તો કબીર જેવા વણકર કવિ હતા કે ન તો હતી એવી વ્યવસ્થા, જ્યાં રાજુ સોલંકી અને પ્રવીણ પંડ્યા માટે તદ્દન અલગ-અલગ સમાજવ્યવસ્થા હોય.

હા, તો એ રવિવારે બપોરે અમે ય સુરત પહોંચ્યાં. એ કાયમની જેમ એના અવ્યવસ્થિત ઓરડામાં ચત્તોપાટ સૂતો હતો. અવ્યવસ્થા! સવારના સૂરજને તાણીતૂસીને સાંજ સુધી પહોંચાડતા સામાન્ય માણસના જીવન જેવી વેરવિખેર અવસ્થા સદા ય એના જીવનમાં રહી. પણ એના વિચારોમાં ગજબની સ્પષ્ટતા હતી. એના ઇરાદાઓ ક્યારેક અછાના નહોતા રહેતા. એ સ્થળ-કાળ-સ્થિતિ પ્રમાણે પોતાને બદલતો નહોતો,  એ બરાબર જાણતો હતો કે વંચિતોનું જીવન મુખ્ય રાજકીય પક્ષો, વિચારધારાઓ, પૂતળાઓ, માર્ગો, મુદ્દાઓ, રેલીઓ, ચૂંટણીઓ … આ બધાંમાં ગંઠાઈને રહી ગયું છે. દેશનું લોકતંત્ર તો સાંઇઠ પાર કરી ચૂકયું છે. લોકેતંત્ર જેમને ફળ્યું, એમનો તો બેડો પાર થઈ ગયો છે. પણ શોષિતોનું જીવન ડગભર પણ રાહતભર્યું નથી થયું. આ રાજનીતિમાં એ પહાડ પરથી ઊતરતા ધસમસતા પ્રવાહ જેવો નહોતો, પણ પહાડ ચઢવાનો પ્રયાસ કરતા તરણાં જેવો હતો … એટલે હું એને ‘બીજા છેડાની રાજનીતિનો માણસ’ કહું છું. મારા મનમાં ચાલતા વિચારો હવે એના સુધી પહોંચવાના નહોતા. મારા શબ્દો એ સાંભળવાનો નહોતો … જો સાંભળતો હોત તો ? કડવું હસીને સાહિલ પરમારની આ પંક્તિઓ મને સંભળાવત :

‘મને ચાંદલિયો આલોની રઢ મેલ રૉમલા,
આંઈ રોટલાની મંડઈ મોકાણ.’

એ સૂતો હતો અને અમે સહુ એના વિશે વિચારતા-વિચારતા એને જોતા હતા. ઓરડાનું ઝાંખું પીળું અજવાળું, વર્ષાનો સફેદ સાલ્લો, એના ચહેરા પરની પથરાળ એકલતા. એક પછી એક નાનાંમોટા સમૂહમાં લોકો આવતા હતા અને બહુ પ્રેમ અને અપેક્ષાભરી નજરે એને જોતા હતા. આથમતા અંધારામાં ગલીના નાકે આવીને ઊભેલું મુસ્લિમ બિરાદરોનું ટોળું એની સોસાયટીના લોકોમાં આશ્ચર્ય જન્માવતું હતું. હું મારી બાજુમાં બેઠેલા રાજુ સોલંકી સામે જોતો હતો. એની આંખોમાં આ આખી ઘટના પ્રત્યે એક અવિશ્વાસ હતો. મને પણ લાગતું હતું કે એ હમણાં ઊઠશે અને કહેશે : ‘વર્ષા, ચા મેલને; પવીણિયો આયો છે, લ્યા નવી કવિતા-બવિતા તો સંભળાવ.’

* * *

૧૯૫૬માં  ખેડાના હલધરવાસમાં નયન શાહનો જન્મ થયો. એણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. કરેલું. પણ ૧૯૮૫માં જ્યારે હું કામય માટે સુરેન્દ્રનગરથી અમદાવાદ આવ્યો, ત્યારે નયન શાહ રિક્સા ચલાવતો હતો, સહેજ પણ શરમસંકોચ વિના. રાજુ અને કર્દમ સાથે જાતિ-નિર્મૂલન સમિતિના કાર્યક્રમો કરે. ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં રેલીઓ કાઢે. ચાની કિટલી અને હોટલો પર દલિતો માટેનાં અલગ રખાતાં ચપ્પણિયાં (કપ-રકાબી) તોડે. દલિતોની વસ્તીમાં જઈને બામણવાદની બારાખડી નામનું શેરીનાટક ભજવે. ’૮૫ના ગોલાણા દલિત હત્યાકાંડ પછીના દિવસે, એટલે ૨૬ જાન્યુઆરીએ કલોલમાં રેલી કાઢવા બદલ દલિત કાર્યકરો સાથે નયને પણ ધરપકડ વહોરી. લોક-અધિકાર સંઘ હોય કે નર્મદા બચાવો આંદોલન, નયનની સક્રિયતા જોવા મળે.

ગૂજરાત વિદ્યાપીઠે પોતાના ઇતિહાસમાં આ ઘટના નોંધી છે કે નહીં, એની મને ખબર નથી, પણ ૧૯૮૬માં સાદરા-રાંધેજાના વિદ્યાર્થીઓએ નયન, કર્દમ અને રાજુના માર્ગદર્શન હેઠળ ત્રણ માસ લાંબું આંદોલન ચલાવ્યું. બી.આર.એસ.ના કોર્સની માન્યતાથી લઈને બીજા અનેક વાજબી પ્રશ્નો હતા. એક રાતે આ વિદ્યાર્થીઓએ સાદરા-રાંધેજાની હૉસ્ટેલના રાંધવાના સાધન-સરંજામ સાથે વિદ્યાપીઠના લાઇબ્રેરી પાસેના મેદાનમાં-જ્યાં અત્યારે અદ્યતન ગેસ્ટહાઉસ છે-ત્યાં ડેરા-તંબુ નાંખ્યાં. બીજે દિવસે તનુશ્રીએ આ સમાચાર ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ’માં ચમકાવ્યા. અમદાવાદના મોટા ભાગના પ્રગતિશીલોએ વિદ્યાર્થીઓના આ આંદોલનને ટેકો આપ્યો. ત્રણ મહિને સમાધાન થયું. પણ એ ત્રણ મહિના સુધી નયન રાત-દિવસ વિદ્યાર્થીઓના તંબુમાં જ જોવા મળ્યો.

૧૯૮૫થી ૧૯૯૨ સુધી અમે સાથે રહ્યાં. આ દરમિયાન સંગીતા શ્રોફ, તનુશ્રી બંદોપાધ્યાય અને બીજા મિત્રોએ મળી અમદાવાદ અને વડોદરા એમ બંને શહેરોમાં, કોમી તોફાનો વચ્ચે કોમી સંવાદિતા પર નેશનલ સ્ટ્રીટ પ્લે ફેસ્ટિવલ કર્યા. નયનમાં અપાર ઊર્જા હતી.

‘હર દિલ મેં બગાવત કે શોલોેં કો હવા દેંગે, હમ જંગે આવામ સે કોહરામ મચા દેંગે’ ગાતી વખતે અમને એવું લાગતું હતું કે બહેતર સમાજરચનાના દિવસો નજીકમાં છે! આ ગ્લોબલાઇઝેશન અને કન્ઝ્યુમરિઝમ પહેલાની દુનિયા હતી, અમારી ધારણા બહાર બધું બદલાયું. પહેલાં તો સ્થાપિત રાજનીતિ વંચિત સમાજને કચડી રહી હતી, પણ હવે તો એ રાજનીતિને બજારવાદનો મજબૂત ખંભો મળી ગયો હતો. વિચારધારાની વાત કયા ખૂણે જઈને કરવી, જ્યાં ‘હમામ યાની સચ્ચાઈ’ એવા પોસ્ટર ઠેર-ઠેર લાગ્યાં હોય?

૧૯૯૫થી એણે પત્રકારિતામાં પગ મૂક્યો. આ ભૂમિ તો ભલભલાને ધરમૂળથી બદલી કાઢે એવી છે. ‘નવગુજરાત ટાઇમ્સ’માં એ ભરૂચ ખાતે બ્યુરોચીફ થયો. પછી વર્ષો સુધી ‘દિવ્ય ભાસ્કર’માં કામ કર્યું. આ બધું કરતા, કરતા ય એના મનમાં તો પેલી બહેતર સમાજરચના માટેની તીવ્ર ઝંખના ડોકાયા જ કરે. સુરતમાં યુવાન નાટ્યકારો સાથે એની બેઠકઊઠક. નાટકની સ્પર્ધાઓમાં જ્યાં ‘હમામ યાની સચ્ચાઈ’ જેવાં નાટક જ ચાલતા હોય ત્યાં એ ‘હમ જંગે આવામ સે કોહરામ મચા દેંગે’ની ભાવનાવાળા નાટકો પણ તૈયાર કરાવે. ક્રાંતિમાં એની આવી શ્રદ્ધા જોઈ હું ધ્રૂજી ઊઠતો. મનમાં થતું નયન આ બદલાતી દુનિયાની સચ્ચાઈ કેમ સમજતો નથી? પણ એ બરાબર સમજતો હતો. એના એ મકસદ સાથે જ એણે અશ્વિન અને કર્દમની જેમ વિદાય લીધી … મારી ધીરજ ઠેઠ સુરતના સ્મશાનમાં જઈને તૂટી. આંખો ભરાઈ આવી. બપોરના તડકામાં સ્મશાનની ભઠ્ઠી ખૂલી. અંદર અગ્નિ ભડભડતો … ક્રાંતિકારી હૃદય જેવો. નયન એમાં સમાઈ ગયો … થયું, ગયો … પણ ૨-૧૧-૨૦૧૪નો રવિવારે પરિષદમાં એની શ્રદ્ધાંજલિસભા ભરાઈ અને એ ફૂલની જેમ વિખરાયો આ શબ્દોમાં :

‘હું અને તનુશ્રી અડધી રાતે પણ ગમે ત્યાં જઈએ અને નયન સાથે હોય, તો અમે અમને તદ્દન સેફ સમજીએ. એ અમારી સાથે અમારી સખી જેવો હતો.’ – સંગીતા શ્રોફ

‘હું હમણાં જ એક દિવસ હલધરવાસ એનું ઘર શોધતો ગયો. વર્ષાભાભીએ ફુલ ડીશ જમાડ્યા. ગામમાં જ્યારે નયન શાહ કોણ એમ પૂછ્યું તો ખબર પડી કે એ નગરશેઠનો દીકરો હતો.’ – નીરવ પટેલ

‘કોમી તોફાનોમાં હોમાયેલા ભરૂચમાં અમે પંદરેક પત્રકારો વી.એચ.પી.ના અસંખ્ય કાર્યકરોથી ઘેરાઈ ગયા. અમે બહુ સ્ફોટક રિપોર્ટિંગ કરેલું. થયું, આજે તો ગયા. પણ ત્યાં જ ટોળામાંથી કોઈ બોલ્યું : ઊભા રહો, આ તો ન.શા. છે. એટલે નયન શાહ.’ – નઇમ કાદરી

મનીષી જાની, હિરેન ગાંધી, સરૂપબહેન, આ બધાંને કૉટ કરું તો જગ્યા ઓછી પડે. પણ નયન શાહ છે … કેમ કે બીજા છેડાની રાજનીતિ હજુ છે … અને રહેવાની.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2015, પૃ. 16 – 17

Loading

30 January 2015 admin
← My Brother Mohan
ઓબામા આવ્યા અને ગયા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved