Opinion Magazine
Number of visits: 9567286
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંદોલનજીવી ચુનીભાઈ વૈદ્ય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|28 January 2015

સાબરમતી કાંઠે ગાંધી આશ્રમના પરિસરમાં ચુનીકાકાનો નશ્વરદેહ : 19 ડિસેમ્બર 2014 (છબિ – ડૉ. અિશ્વનકુમાર)

રવિવાર, તા. ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ની ઢળતી બપોરે અમદાવાદમાં સાબરતટે ગાંધીઆશ્રમ પરિસર ચુનીકાકા પરત્વે આદરાંજલિ પ્રગટ કરવાનો, અને એ રીતે અભાન-સભાન પણ નોટ્સ કમ્પેર કરવાની ગુજરાત વ્યાપી સંસ્થાઓ અને કાર્યકરોની હૃદયમથામણનો સાક્ષી બની રહ્યો. ગુજરાત લોકસમિતિના સ્થાપક પ્રકાશ ન. શાહના સંચાલનમાં યથાસંભવ ટૂંકાં ટૂંકાં વક્તવ્યોને અહીં એથી પણ ટૂંકમાં સમાવવાની કોશિશ કરી છે. રાધાબહેન ભટ્ટ (અધ્યક્ષ, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન), ડૉ. રામજીસિંહ (પૂર્વ સાંસદ), ગોપાલકૃષ્ણ ગાંધી (પૂર્વ રાજ્યપાલ, પશ્ચિમ બંગાળ), રાજમોહન ગાંધી (પૂર્વસાંસદ અને લેખક), મેઘા પાટકર (નર્મદા બચાવો આંદોલન), લક્ષ્મીદાસ (મંત્રી, હરિજન સેવક સંઘ) ફૈઝલખાન (ખુદાઈ ખિદમતગાર) અભય બંગ (ગઢચિરોલી) સહિત સંખ્યાબંધ શોકસંદેશા દેશભરમાંથી આવ્યા હતા. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિગતવાર સંદેશામાં એમને એક સ્વાતંત્ર્યસેનાની ઉપરાંત ખાસ વંચિતો અને પદદલિતોના ઝુઝારુ હામી તરીકે ઓળખવાની જાહેર જીવનમાં સાદગી અને સુચિતાના પ્રતીક તરીકે અંજલી આપી હતી. ફાધર સેડ્રિક પ્રકાશ જેવા સંસ્થા સાથી, સર્વોદય મંડળના રજની દવે, નઈ તાલીમસંઘના માલજીભાઈ દેસાઈ, સાગર રબારી જેવા તરુણ સાથી, નીતા મહાદેવ અને મુદિતા વિદ્રોહી વગેરે પરિવારનો તેમ જ પીયૂષભાઈ દેસાઈ જેવા સક્રિય શુભેચ્છક સહિત સંખ્યાબંધ મિત્રોને અભિવ્યક્તિનો સંયોગ થઈ શક્યો નહોતો પણ આશા અને ઉમેદ છે કે ‘લોકસ્વરાજ’ના સૂચિત વિશેષાંકમાં સૌને અવકાશ મળશે. સભા પર આવેલા સંદેશાઓમાં ચુનીકાકાના ગામ સંડેરની ગ્રામપંચાયત (સરકાર કરસનભાઈ) તેમ જ કેળવણીમંડળ (અધ્યક્ષ જયંતીભાઈ) તથા અસામલી પંચાયત અને તૈયબી જમીનદારનો પણ સમાવેશ થતો હતો, તો નારાયણ દેસાઈની ગાંધીકથામાં સંગીતમઢ્યા ગાંધીગીતોના ગાયક નરેન્દ્ર શાસ્ત્રી અને તેમના સાથીઓ દ્વારા પ્રાર્થનાથી શરૂ થયેલી શ્રદ્ધાંજલિસભાનું આલેખન …

ગોવિંદ રાવલ (પૂર્વ કુલનાયક – ગૂજરાત વિદ્યાપીઠ, વિશ્વમંગલમ્ – અનેરા) : ચુનીકાકાના જવાની સાથે ગાંધીયુગનો એક સિતારો આથમી ગયો. આપણી પાસે છેલ્લાં જે ગાંધીયન રહ્યા હતા એમાં નારાયણ દેસાઈ અને ચુનીકાકા. નારાયણભાઈ હાલમાં પથારીવશ છે અને કાકા ગયા, એટલે મોટી ખોટ ઊભી થઈ છે. આ ખોટ કેવી રીતે પૂરાય? કાકા જે કામ માટે સમર્પિત હતા, ‘જળ, જમીન, જંગલ બચાવો’ ‘ગામની જમીન ગામની, નહિ સરકારની …’ આ કામ હવે આપણી હવેની પેઢીએ ઉપાડવું પડશે. આપણે કાકાનો સ્મૃિતગ્રંથ ભલે તૈયાર કરીએ પણ એમને સાચી શ્રદ્ધાંજલી એમણે ઉપાડેલાં કામ આગળ ચલાવીએ તે છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં ગામોમાં તો કાકાએ ઘણા ખેડૂતોને પોતાની જમીન છોડાવી આપી, એ કામ હવે અટકી ન પડે તે આપણે જોવાનું છે.

મહાદેવ વિદ્રોહી ( સર્વસેવા સંઘ) : ચુનીકાકા અગ્નિપુરુષ હતા. મહેમાનો સાથે વિશાલા હોટલમાં જમવા ગયા અને થાળીનો ભાવ જાણીને જમ્યા વિના ઊભા થઈને ચાલી નીકળ્યા. છેલ્લી માંદગીમાં એમને માટે વપરાતાં ડાઇપરનો ચાળીસ રૂપિયા ભાવ જાણશે, તો વાપરવા નહીં દે, એમ ધારીને અમે એમને પાંચ રૂપિયા કહ્યો, જે પણ એમને વધારે જ લાગ્યા. ચીનના વડા આવ્યા ત્યારે તેમના ઘર પાસેની ફૂટપાથ નવી કરી અને હમણાં વાઇબ્રન્ટ  માટે પાછા ઉખાડીને બદલી રહ્યા છે એ તેમને બહુ કઠતું હતું. એ માટે એ લડવાના મૂડમાં હતા.

અર્જુન મોઢવાડિયા (કૉંગ્રેસ)  : પંચાણું વર્ષના સેનાપતિ એવા ચુનીકાકા પાસે અમે અનેક વખત માર્ગદર્શન લેવા ગયા છીએ. તેમણે અમને ટપાર્યા છે, અમારી પાસે કામ પણ લીધું છે. મારા વિસ્તારના દરિયાકાંઠે ખોદાણના પ્રશ્નો માટે લોકો મારી પાસે ન આવ્યા, ચુનીકાકા પાસે ગયા. અમે સરકારમાં જે ન કરાવી શક્યા. તે ચુનીકાકા લોકોને સાથે રાખીને ચલાવેલી લડત દ્વારા કરી શક્યા કૉંટ્રાક્ટ ફાર્મિંગનાં ભયસ્થાનો હું નહોતો જાણતો, ચુનીકાકા જાણતા હતા. તેમણે વિરોધ કર્યો. તેમનું શરીર નબળું પડતું જતું હતું, પણ મન મજબૂત હતું. છેવાડાના માણસ માટે માત્ર ચિંતા કરનારા જ નહીં, પણ લડનારા માણસ હતા. સોનિયા ગાંધીએ હૉસ્પિટલમાંથી સંદેશ પાઠવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

અમૃતભાઈ મોદી (ગાંધી સ્મારક સંગ્રહાલય) : ચુનીકાકા જોમ અને જુસ્સાથી અન્યાયનો સામનો કરનાર ઝુઝારુ વ્યક્તિ હતા. મારો અને એમનો સ્નેહ એ ભૂદાનનાં વર્ષોથી હતો. ‘ભૂમિપુત્ર’ના સંપાદન ઉપરાંત,  વિનોબાની વાણીને ગુજરાતી છાપાંને મોકલવાનું કામ એ કરતા. ગાંધીજીના અક્ષરદેહના કામ સાથે પણ એ જોડાયેલા હતા. હાથમાં લીધેલું કામ પાર પાડવું જ એવો એમનો નિર્ધાર હતો. દૃષ્ટિ અને વ્યૂહરચના સાથે આંદોલન ઊભું કરીને જાહેર પ્રશ્નનો ઉકેલ લાવવાની કુનેહ ધરાવતા આ અગેવાન મારા મિત્ર પણ હતા.

ગાંધી આશ્રમમાં મળી આ જાહેર ગુણાનુવાદ સભાના બે દૃશ્યો. (છબિ : દીપક ચુડાસમા)

કિસનભાઈ ગોરડિયા (દોસ્તી ટ્રસ્ટ, મુંબઈ) : ગયા રવિવારે (ચૌદ ડિસેમ્બરે) આસામના કેટલાક મિત્રો કાકાને મળવા આવ્યા, ત્યારે કાકાની આંખોમાં ચમક આવી ગઈ. કાકાએ વિનોબા-સાહિત્યનો આસામી ભાષામાં અનુવાદ કર્યો છે, એ આસામી બોલી પણ શકતા. મને છ્યાંશી થયાં, મારાથી મોટા ચુનીકાકા મારા માટે આઇડોલ હતા. ગુપ્ત બંધ માટે તેમણે આંદોલન ચલાવ્યું, તેના માટે તેમણે ડોનેશન પણ મેળવ્યાં. ગરીબો અને ખેડૂતો માટે તેમને ઊંડું સંવેદન હતું. શહેરના લોકોને તો કદાચ સંગઠિત કરી શકાય, ગામડાંના લોકોને સંગઠિત કરવાનું મુશ્કેલ કામ એમણે કર્યું હતું. એમનામાં ગજબનું જોમ હતું. દોઢ મહિના પહેલાં લાંબો પ્રવાસ કરીને ઉજ્જૈન ગયા હતા.

પ્રદીપસિંહ જાડેજા (ગુજરાત સરકાર) : ગરીબો માટેની વ્યથા સતત મનમાં રાખીને જીવતા ચુનીકાકાએ સરકારને લખેલા પત્રોમાં ક્રાન્તિની મશાલ જેવા શબ્દો છે.

હસમુખ પટેલ (સર્વોદય આશ્રમ, અમીરગઢ) : કાકાની સાથે સળંગ ચૌદ વર્ષ કામ કર્યું છે. બધાં એમનાં જળ-જંગલ-જમીન આંદોલનો વિશે જાણે છે. અમે એમને રતનપુર ગામના દારૂબંધી માટેનાં આંદોલન, આસામના કે ગૌરક્ષાનાં  આંદોલન માટે જાણીએ  છીએ. જેલમાં કાકાની સાથે મજા કરી છે. લડ નહીં તો લડનાર દે, એવો એમનો મિજાજ હતો. રાજ્યકર્તાઓ માટે કાકા ચાલે વાંકા એવું હતું. એ ભૂમિપુત્રોના સીમરખા હતા.

વિપુલ કલ્યાણી (ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિન્ગડમ્) આફ્રિકા, ભારત અને ઇંગ્લૅન્ડનાં મારાં વર્ષોમાં ‘ભૂમિપુત્ર’ થકી ચુનીકાકા સાથે ૧૯૫૫થી સંપર્ક હતો. તાજેતરના દિવસોમાં ધર્માંતરણનો મુદ્દો એમને સતાવતો હતો. તેમણે જળ-જંગલ-જમીનના પ્રશ્ને જે આંદોલનો કર્યાં છે, તે સરવાળે તો પર્યાવરણના પ્રશ્નો માટેની મથામણ હતી. એ અર્થમાં તેમનું કામ ઇંગ્લૅન્ડ, અમેરિકા, આફ્રિકા કે આખા જગત માટે એટલું જ સાચું છે. તેમના જવાથી એક યુગપુરુષ ચાલ્યો ગયો છે, એક યુગ પૂરો થયો છે.

રમીલાબહેન ગાંધી (યોગાંજલિ આશ્રમ, સિદ્ધપુર) : મને બધા આ ઉંમરે દોડધામ નહીં કરવાનું કહેતા હોય છે. એટલે હું એમને કહેતી કે ચુનીકાકા સામે જુઓ. એ અટકશે તો હું અટકીશ.  કાકાને હમણાં હું મળવા ગઈ. આમ તો કાકા હંમેશાં હાથ મિલાવે, પણ આ વખતે મેં કહ્યું – કાકા, મને આશીર્વાદ આપો. એટલે ક્યારે ય નહીં પણ ન જાણે કેમ એમણે હાથ ઊંચો કર્યો અને મેં માથું ધર્યું એટલે માથે મૂક્યો. એમણે આશિષ આપી : ‘લડતાં રહેજો, થાકતાં નહીં !’

સુમતિબહેન રાવલ ( વિશ્વમંગલ, અનેરા) : કાકા જેટલા લડવૈયા હતા એટલા જ પ્રેમાળ પણ હતા. મળીએ એટલે ચા તો પિવડાવે જ. ગ્રામસ્વરાજનું સતત રટણ કરતા. તેમણે ગ્રામસ્વરાજનાં ગીતોનું સંકલન પણ કર્યું હતું. તેમાંનું એક ગીત તમને સંભળાવું છું : ‘કરશું અમે, કરશું અમે ગણતંત્ર ગામડાં કરશું, ગાંધીનાં ગામડાં કરશું, અમે સ્વાવલંબી ગામડાં કરશું …’ મારા દીકરા અતુલે ઇ-મેઇલ પર સંદેશો મોકલ્યો છે કે ‘ચુનીકાકા એટલે અમારે મન ગાંધીજી’.

ઇન્દુકુમાર જાની (ગુજરાત ખેતવિકાસ પરિષદ) : ચુનીકાકા માટે કોઈ પણ આંદોલન ઓછું મહત્ત્વનું ન હતું, પછી એ દસ ઓરડી માટેની લડત હોય કે કારગીલ કંપની સામેનું કંડલાનું આંદોલન હોય. તેઓ હરહંમેશ પ્રેરણા આપતા રહેતા. કહેતા કે ‘લાકડાંભેગા થઈશું, ત્યારે અંત આવશે !’ મથ્યા કરવાનું કાકા પાસેથી શીખવાનું હતું.

મધુસૂદન મિસ્ત્રી (દિશા)  : લોકોની લડત સાથે જોડાયેલા અમારા માટે દાખલારૂપ વ્યક્તિ હતા ચુનીકાકા.   

આભાબહેન ટંડેલ (કિનારા બચાઓ સંઘર્ષ સમિતિ, ઉમરગામ) : દક્ષિણ ગુજરાતના કિનારે આવેલાં અમારા  ઉમરગામમાં થનાર સૂચિત મહાકાય બંદરના પ્રોજેક્ટના વિરોધ માટેનું આંદોલન સરકારે લગભગ કચડી નાખ્યું હતું. અમારા આગેવાન એવા નિવૃત્ત લશ્કરી અફસર પ્રતાપ સાવેને મારી નાખવામાં આવ્યા હતા. એ વખતે દાદા અમારી વહારે ધાયા. એમણે આવવામાં જરા પણ મોડું કર્યું હોત તો અમારો આખો વિસ્તાર ખલાસ થઈ ગયો હોત. અમારા ગામમાં દાદા જાણે ઈશ્વરનો અંશ બનીને આવ્યા. ઉમરગામના આંદોલન માટે સમિતિ કરી, તેને નામરૂપ આપ્યાં. ન આવ્યા હોય તે ગાળામાં પણ વારંવાર ફોન કરીને ખબર રાખે,  ‘સાબદા રહેજો’ એવી હાકલ કરે. સાત-આઠ વર્ષ સુધી એમની સાથે કામ કર્યું. હું થાકી જઉં,  હતાશ થઉં , હવે નહીં ચલાય એમ કહું, ત્યારે ‘નેતા દોડે તો લોકો ચાલશે’ એમ કહીને ચુનીકાકા મને પ્રેરણા આપતા. મારી સાથે હોય, ત્યારે એક મા સાથે હોય એમ લાગતું. આજે હૂંફ, નિરાંતની ઊંઘ જતી રહી છે. અમારા માટે એમનું દોડીને આવવું એકમાત્ર સ્મરણ છે.

જગદીશભાઈ શાહ (વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા) : ચુનીકાકા અને હું ૧૯૫૫થી ઘણાં આંદોલનોમાં સાથે રહ્યા છીએ. એમની સાથે રહેવું લોઢાના ચણા ચાવવા જેવું હતું. એમની ઝડપ બહુ હતી. ચુનીકાકાને સાથ નહીં આપનારા, એમણે જેમને અમાન્ય કર્યા હોય એવા માણસો આજે એમને અંજલિ આપી રહ્યા છે.

મલિયાબહેન (ચુનીકાકાનાં નાનાં બહેન) : ભાઈને અઢાર-વીસ વર્ષની ઉંમરથી લડવાની લત હતી. એ વખતથી તે જેલમાં જતા-આવતા. લડત લડવા માટેની તંદુરસ્તી પણ ભગવાને તેમને આપી હતી. તેમણે ગામનું અને આખા દેશનું નામ ઉજ્જ્વળ કર્યું.

સુખદેવ પટેલ (આમ આદમી પાર્ટી) : ચુનીકાકા સેનાપતિ હતા, અને હું નાનો સૈનિક. એમની લડત મુજબનું ઘણું બધું આપણે કરવાનું બાકી છે. લડનારાને એ સતત માર્ગદર્શન આપતા. નવી રાજકીય દિશાની એમને ચિંતા રહેતી અને એના માટે એ અનેક પ્રકારના લોકોને મળતા રહેતા. એમનું દિશાસંધાન સ્પષ્ટ હતું. એમની રાહ પર ગ્રામસ્વરાજ માટે લડ્યા કરવું એ જ સાચી અંજલિ હશે.

દ્વારિકાનાથ રથ (સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા) : ચુનીકાકાએ મીઠાખળી વિસ્તારની અમદાવાદ મ્યુિનસિપલ શાળા નંબર વીસ ગરીબ બાળકોનાં હાથમાંથી છિનવાઈ ન જાય તે માટે જે આંદોલન ચાલ્યું, તેમાં મોટો ફાળો આપ્યો હતો. તેમની સાથે અત્યારે યશવંત શુક્લ, દેવવ્રત પાઠક અને ઇલાબહેન પાઠકને પણ યાદ કરવાં પડે. ચુનીભાઈ સૈનિક હતા, માર્શલ હતા, કૅપ્ટન હતા. એ મૅન ઑફ માસેસ હતા. માસ સિવાય બીજું કશું એમના મનમાં ન રહેતું. લોકોનાં કામ વિના એમને ચેન પડતું ન હતું. માર્ક્સ અને ગાંધી બંને જે એક જગ્યાએ મળે છે તે લોકલડત છે. કાકા સતત કામ કરતા, કામ કરતાં કરતાં ગ્રો થતા, ઊર્ધ્વગતિ કરતા. એ લિવિંગ લિજન્ડ હતા. લોકોની વચ્ચે રહીને લડવાની પ્રેરણા કાકા પાસેથી લેવાની થાય. તેમને અપાયેલી અંજલિ એ લોકાંજલિ હોય.

ગૌતમ ઠાકર (પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ) : રાજકીય કટોકટીના વર્ષ ૧૯૭૫માં જ્યારે લગભગ બધાં સામયિકોએ સેન્સરશીપ સ્વીકારી લીધી હતી, ત્યારે કાકા ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરુની સહાયથી તેની સામે લડીને, તે કઢાવીને જ જંપ્યા. મેં એમને હમણાં એક વખત પૂછ્યું કે, કાકા તમે સો વર્ષ જીવવાનાને ? એટલે તેમણે કહ્યું કે તારા અને મારા સંબંધનાં વર્ષનો સરવાળો કર, એટલે સો વર્ષ  થઈ જશે. વૈચારિક રીતે ઘવાઈએ ત્યારે ઇલાજ માટે કાકા પાસે જતા. તેમના મનમાં છેલ્લે જે ધર્માંતરણ અને કપાસના ખેડૂતોના પ્રશ્નો હતા, તે માટે આપણે આવતા દિવસોમાં લડવું પડશે.

કનુભાઈ કલસરિયા (સદ્ભાવના ટ્રસ્ટ,મહુવા) : ઘણા સમયથી ‘માછીડા હોડી હંકાર …’ એવું ગીત મનમાં ગુંજ્યા કરતું હતું. ચુનીકાકા જોખમોની પરવા કર્યા વિના હોડી હંકારતા રહ્યા. બીજું ગીત હતું ‘જૂનું રે થયું દેવળ જૂનું રે થયું’. ચુનીકાકાનો દેહ સ્વાભવિક ક્રમમાં વૃદ્ધ થયો હતો. મને ગીતાના બીજા અધ્યાયનો ‘સદા ભરાતા અચલા પ્રતિષ્ઠા’ શ્લોક પણ યાદ આવે છે. કાકા નામે સમુદ્ર અમારા ડોળિયા ગામની નાનકડી નદીની નજીક આવ્યો. રાત-દિવસ જોયા વિના કાકા અમારી પાસે આવતા રહ્યા હતા. અમારે એમની સાથે એવો સ્નેહ થયો હતો કે કાકા જે ઓરડીમાં રોકાતા, તેનું નામ જ  ચુનીકાકાની ઓરડી પડી ગયું હતું. કાકાની પાસે શીખવા જેવું એ છે કે જીવનનું જે થવું હોય તે થાય, જીવ બચવા જોઈએ. જળ-જંગલ-જમીન-પશુ-પંખી આ બધું બચવું જોઈએ. કાકા રાજી થાય એવાં કામ કરતાં જવાં, એ તેમને આપેલી સાચી અંજલિ હશે.

કડવીબહેન (નિરમા વિરુદ્ધ આંદોલન, મહુવા) : નિરમા કંપનીના સિમેન્ટ પ્લાન્ટ સામેની અમારી ચળવળમાં ચુનીકાકા આવ્યા અને ચળવળમાં ખૂબ તાકાત આવી. ગાંધીનગર રેલી કાઢવાની હતી તે દિવસે હું અહીં ચાલીમાં રહું છું એમ કહીને પોલીસને ઝાંસો દઈને આવી. ચુનીકાકાને બહુ ચિંતા થઈ. એ કહે કે પોલીસ તને પકડી જશે, અહીં સંતાઈ જા. એમ કહીને નીતાબહેન સાથે અંદરની રૂમમાં મોકલી … (આંદોલનમાં પોલીસની લાઠી અડગ રહીને ઝીલનાર કડવીબહેનનું હૈયું આટલું બોલતાં-બોલતાં ભરાઈ ગયું અને તે પોતાની જગ્યાએ  પાછાં જતાં રહ્યાં).

મહેશ ભણસાળી (ભણસાળી ટ્રસ્ટ, રાધનપુર) : સત્તાણું વર્ષના યુવાન ગયા. રાધનપુર બાજુના ખેડૂતો માટે બહુ ઝઝૂમ્યા. જ્યારે જ્યારે ચુનીકાકા મળ્યા ત્યારે પ્રેરણા મળી છે.

અરજણભાઈ (વડોદરા-ઝાલા જમીન-આંદોલન) : અમારા ગામમાં જમીનસંપાદનની કાર્યવાહીમાં સરકારને મદદ કરવા પોલીસ આવી, બધા ડરી ગયા. કાકાને જાણ થઈ હતી, એટલે રાતોરાત પ્રવાસ કરી વહેલી સવારે અમારે ત્યાં આવી પહોંચ્યા. પહેલી ધરપકડ તેમણે વહોરી. એ દિવસે જો કાકા આવ્યા ન હોત તો ગામની જમીન ન રહી હોત, ખેડૂતો ન રહ્યા હોત, ઉદ્યોગો આવી ગયા હોત.

હરજીભાઈ મોહનભાઈ (સાયલાના ખેડૂત) : હું પાંચસો રૂપિયામાં મજૂરી કરતો હતો. ચુનીકાકાએ અમારા માટે મહેનત કરી, અમને જમીન અપાવી. ખેતમજૂરમાંથી જમીનમાલિક બન્યા તે પ્રતાપ ચુનીકાકાનો.

શક્તિસિંહ (મીઠી વીરડી આંદોલન) : મીઠી વીરડી ખાતે સૂચિત અણુવિદ્યુતમથક પ્રોજેક્ટ વિરુદ્ધ અમે ૨૦૦૭થી આંદોલન ચલાવી રહ્યા છીએ. ચુનીકાકા અને બીજાઓએ અમને સામેથી આવીને ટેકો આપ્યો. ચુનીકાકા અમારો પ્રેરણાસ્રોત બન્યા, અમને બળ અને હિમ્મત આપ્યાં. પંદર દિવસે ફોન કરીને હામ બંધાવતા. એક તબક્કે નાસીપાસ થઈ ગયા હતા. કાકાએ ટેકો આપ્યો. કાકાએ જે અનેક આંદોલનોમાં ટેકો આપ્યો છે, તે આંદોલનો ચાલતાં રહે એ જ કાકાને સાચી અંજલિ કહેવાય.

લાલજી દેસાઈ (માંડલ-બેચરાજી આંદોલન) : લડતમાં મંડ્યા રહેવું, કામ માટે દોડતા રહેવું, એવી પ્રેરણા કાકા પાસેથી મળતી. નવી પેઢીના લડનાર માટે બળ કાકા પાસેથી મળતું. કાકા રસ્તા રોકો, રેલ રોકો પણ કરે. તેમની લડતમાં યુ ટર્ન આવે જ નહીં. કાકા ચા-ગાંઠિયાના ઘરાક. એ બે મળી જાય પછી કાકાને ઝાઝી જરૂરિયાત રહેતી નહીં. પછી તે પોતાનું બધું સાચવી લેતા. કાર્યકર્તાઓએ કાકાનું ધ્યાન રાખવું ન પડતું. બે વર્ષ પહેલાં ત્રીસ મેએ ધોમધખતા તડકામાં હજારોની મેદની સાથે મારુતિ કંપનીનાં ડબલાં ઉખાડવામાં ય તે પાછીપાની ન કરે. જૂનાગઢ, મીઠી વીરડી જેવાં જે કોઈ આંદોલનો ચાલે છે. તેમાં જોડાઈએ તે જ કાકાને સાચી અંજલિ. કાકાની શ્રદ્ધાંજલિ સૂત્રોચ્ચાર વિના ન હોઈ શકે. એટલે બોલીએ – ‘ગામની જમીન ગામની, સરકારની નહીં’, ‘જાન દેંગે, જમીન નહીં’.

અતુલ શેખડા (જૂનાગઢ બાયપાસ આંદોલન) : જૂનાગઢ પાસેનાં ગામોમાં અઢારસો વીઘાં ફળદ્રુપ જમીન જશે, તો પાંચસો ખેડૂત કુટુંબો પર આફત આવશે. ગેરકાયદેસર સંપાદન માટે સરકાર અને ભરી બંદૂકે પોલીસ તૈયાર હતી. એ વખત કાકા વહારે ધાયા. મારે ત્યાં રોકાયા હતા. મને એ કુટુંબના જ છે એમ લાગ્યું. એ અમારા ઘરે જે ઝભ્ભો ભૂલી ગયા હતા. તેના કટકા કરીને ખેડૂતોએ કાકાનાં સંભારણાં તરીકે સાચવી રાખ્યા છે.

પ્રભાકર ખમાર ( સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક) : અમારી સંસ્થા પાછળ ચુનીકાકાનું મોટું યોગદાન છે. સ્મારકને સરકાર લઈ લેવા માગતી હતી, પણ એ ન થાય તે માટેની લડતમાં કાકાએ પહેલ કરી હતી અને સંસ્થા બચી ગઈ.

આશાબહેન બોથરા (રાજસ્થાન સર્વોદય મંડળ, જોધપુર) : ચુનીભાઈ દૈહિક નહીં પણ દૈવિક રૂપે આપણી વચ્ચે છે એમણે અને એમના પરિવારે ઘણી સેવા કરી છે. કાકા વિશાળમાંથી વ્યાપક બન્યા છે.

શેખ હુસેન  (સર્વસેવા સંઘ) : ગોધરાકાંડ પછી ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો વખતે ચુનીકાકા નજીકથી જોવા મળ્યા. ચુનીકાકાકાનું માતૃહૃદય સમજાયું. બધાને બધો વખત સંખ્યાની ચિંતા વિના તે સમજાવતા રહેતા. સંઘર્ષ અને રચનાનું સંતુલન તેમનામાં હતું.

ચંદ્રદરભરન્ ભરાલી (મૂળ આસામના ગુજરાત નિવાસી) : આસામમાં ૧૯૭૯માં આંદોલન થયું, સાડા છસો જેવા લોકો શહીદ થયા. એ વખતથી મહાત્મા ગાંધી અમને નજીક લાગતા. હું ૨૦૦૪માં  કાકાને મળ્યો, ત્યારે મને સાક્ષાત્ ગાંધીજીને મળતો હોઉં એમ લાગ્યું. એમણે ભૂદાન-પુસ્તિકાઓનો આસામીમાં અનુવાદ કર્યો હતો. આસામી લોકોને કાકા એમના લાગતા અને આસામી લોકો કાકાને પોતાના લાગતા. બે વર્ષ પહેલાં અમદાવાદના આસામી લોકો પણ જોખમમાં છે, એવી વાત ફેલાઈ હતી અને આસામના લોકોએ વતનમાં જવાની શરૂઆત કરી હતી. કાકાને આ ખબર પડતાં તે રાતોરાત સ્ટેશન પર આસામી લોકોને સમજાવવા આવ્યા હતા. અમદાવાદમાં રહેતા આસામના લોકો માટે કાકા લોકલ ગાર્ડિયન હતા.

અનિરુદ્ધ જાડેજા (આપ) : કાકાનો વિચાર કરીએ એટલે આપણને આપણી ઘણી કચાશો દેખાવા લાગે છે. આપણે લાભાર્થી બનતા જઈએ છીએ. કાકા પરમાર્થી હતા. સરકાર સામે શિંગડાં માંડ્યા વિના ચાલે તેમ નથી ત્યારે આપણું જોર ઘટી રહ્યું છે. કાકા બધાને સાથે લઈને ચાલી શકતા હતા, મતભેદવાળાને જોડી શકતા હતા.  આપણે ભીતરના ખૂણા ઘસવાના છે. બે દિવસ પહેલાં એક દીકરો સળગ્યો, ખેડૂતોને પોલીસે રંજાડ્યા. સરકારના લોકોએ કાકાને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દેશ આજે મોત અને તોપના મોઢા પર બેઠો છે, ત્યારે આપણે શિંગડાં માંડીએ એ જરૂરી છે. ઢોર વટકે ત્યારે નોંઝણું નંખાય, કાકા સરકાર વટકે એટલે નોંઝણું નાખતા. આ કડવીબહેન જમીન માટે સરકાર સામે છેડો પાથરતા રહે અને આપણે લાભાર્થી બનીને ફરીએ એ ન ચાલે. જાન દેંગે, જમીન નહીં માટે કાકાએ જાન દઈ દીધો. વધેલા વજન અને વધેલા અહંકાર ઘટાડીને આપણે કાકાના કામે લાગી જઈએ એ જ સાચી અંજલિ હશે. કાકા ખેડૂતનો હોકાંરો હતા. આપણે જમીન ન જવા દઈએ, ખેડૂતને ખુવાર ન થવા દઈએ.

સુદર્શન આયંગાર (ગૂજરાત વિદ્યાપીઠ) : ચુનીકાકાના જવા સાથે રાજ્ય અને દેશમાં સ્વૈચ્છિક સેવાની પરંપરા લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. આ પરંપરા લગભગ એંશી વર્ષ સુધી ચાલી. આજે ગણ્યાગાંઠ્યા સ્વૈચ્છિક કાર્યકરો છે. સંપૂર્ણ સમય સમાજના કામ માટે, ગાંધીના સમાજના નિર્માણ માટે જીવન આપવાના નિશ્ચયથી કાકા જીવ્યા. સેવાકાર્યમાંથી કોઈ લાભ લીધો નહીં. ગૃહસ્થજીવન સ્વીકાર્યું નહીં. આવા સ્વૈચ્છિક કાર્યકરોનો યુગ આથમ્યો છે. જો આ પરંપરા શરૂ ન થાય તો સામાજિક મૂલ્યનિષ્ઠાથી થતાં કામો બંધ થઈ જશે. પછી વ્યાવસાયિક પગારધોરણોથી સામાજિક સેવા કરવા-કરાવવાની પદ્ધતિ સ્વીકારવી પડશે. કાકાને ટકવા માટે સર્વોદય અને સમાજે મદદ કરી, જો કે એમનું જીવન અત્યંત સાદું હતું. આવી મદદ વધુ મજબૂત થાય તે જરૂરી છે. આ એવો કાકો હતો કે જે ખેડૂતોને, ગરીબોને મુશ્કેલી છે, એવી ખબર પડે એટલે કોણ જાણે ક્યાંથી પણ આવી જાય. એમનું ઉપરાણું લઈને સરકાર સાથે લડવા બેસે. લડાકુ મરઘો હતો એ. નારાયણ, નારાયણભાઈ દેસાઈ જોડે દલીલ કરે કે કથા કર્યે કંઈ ચાલતું હશે? આ તો લડવાનો સમય છે. ખેડૂતો જમીન માટે લડવા ભેગા થાય, પણ તેમના જ ભાઈભાંડુઓ અમદાવાદમાં જમીન રાખે. આપણા જ ભાઈભાંડુઓને મારુતિ જોઈએ છે અને તેના માટે સરકાર જમીન આપે છે. કાકાએ આ વાત સાફસાફ કહી. ગ્રામસ્વરાજની સાફ વાત કરનાર પણ કાકા જ હતા. આ દિશામાં બહુ મજબૂતીથી કામ કરવાની જરૂર છે. કાકાનું કામ શિક્ષણમાં એક કેસ સ્ટડી તરીકે અભ્યાસક્રમનો હિસ્સો બનવો જોઈએ. જાહેર લોકમુદ્દાઓ શિક્ષણનો વિષય બનવા જોઈએ. લડાયકો તૈયાર કરનાર શિક્ષણની જરૂર છે.

કાકાને માંદગીના દિવસોમાં હું મળવા ગયો હતો. એ ‘હોમ કમિંગ’ ‘હોમ કમિંગ’ એવું કંઈ બોલતા હતા. એટલે મારી જાતને થોડીઘણી ભણેલી માનતો હોવાથી હું ફિલોસૉફી કહેવા ગયો કે હવે તો આપણે છેલ્લા મુકામે જવાનું છે, પ્રભુનું ઘર ને એવું બધું. નીતાબહેન હાથની નિશાની કરીને સમજાવતાં હતાં કે કાકા બીજી એક વાત કહે છે. તે ઘરવાપસીની વાત કરે છે. એના પહેલાંના અઠવાડિયે એમણે કહ્યું હતું કે આ ઘરવાપસીના મામલે એમને વડાપ્રધાન મોદીને પત્ર લખવો હતો. એટલે આ ઇહલોકનો જીવ હતો. એને એમ સહેલાઈથી શાંતિ મળવાની નથી. એ આવશે, ધૂણશે ને આપણનેય લડવા માટે ધુણાવશે, અને એ જ સારું છે.

ગુણાનુવાદ સભા દરમિયાન ગુજરાત લોકસમિતિની પ્રવૃત્તિઓના મુખપત્ર ‘લોકસ્વરાજ’ના જાન્યુઆરીના અંકની પાંચસોએક નકલો ચુનીકાકાના સૈનિકો-ચાહકોને વહેંચવામાં આવી. ‘સ્વ.ચુનીભાઈ વૈદ્ય પરિચય વિશેષાંક’ નામનો આ અંક ચુનીકાકાના સાગર સમા જીવનકાર્યને આઠ સુનિયોજિત પાનાંની ગાગરમાં સમાવે છે. તેમાં ય નીતાબહેનનું લખાણ બહુ સર્વસ્પર્શી અને હૃદયસ્પર્શી છે. આ અતિશય નોંધપાત્ર અને સંગ્રાહ્ય અંક માંડ અડતાળીસ કલાકમાં તૈયાર થયો છે. તેમાં કાકાનાં પરિવારજનો અને પ્રેસના કર્મચારીઓના સહકાર ઉપરાંત સમૂહમાધ્યમકર્મી સંજય દવેની સૂઝ અને મહેનતનો મહત્ત્વનો ફાળો છે. ચુનીકાકાની હયાતીમાં તેમનો અભિવાદનગ્રંથ પ્રસિદ્ધ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેના સંકલન-સંપાદનનું કામ આ લખનાર પ્રમાદને કારણે પૂરું કરી શક્યો નથી, તેની આ ટાણે તીવ્ર અપરાધભાવથી કબૂલાત કરવાની થાય છે.                                        

૨૩ ડિસેમ્બર, ૨૦૧૪

શીર્ષક સૌજન્ય : ‘અિશ્વનિયત’, ડૉ. અિશ્વનકુમારનો બ્લોગ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2015, પૃ. 06 – 09

Loading

28 January 2015 admin
← અણતગ લેવા તાગ
My Brother Mohan →

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved