સુરત ઍરપોર્ટના રન-વે પર ‘ભેંસપ્રવેશ’ થયો એ આમ તો સામાન્ય ઘટના ગણાવી જોઈતી હતી … પણ એ ઐતિહાસિક બનાવ હોય એમ મીડિયાએ એની વિશેષ નોંધ લીધી, એથી જીવનનાં જ્ઞાન તથા સંશોધનનાં તમામ ક્ષેત્રોમાં ભેંસના પ્રવેશોત્સવ થવા માંડ્યા છે. રાજકારણમાં એને પ્રગતિ તથા વિકાસનું વાહન ગણાવીને, વેર વાળવાની ભાષામાં વ્યંગપર્વો યોજાયાં … ને એમ બળતાં પેટમાં ભેંસ-પ્રકરણે ટાઢક પ્રસરાવવાનું સેવાકાર્ય કર્યું છે. આ અર્થમાં કેટલાકે ભેંસને સામાજિક પ્રાણી પણ ગણાવી દીધી. જો કે અમે તો ભેંસને કશી અપેક્ષા વગર દૂધ તથા ‘પાડી’ આપતી હોવાથી – વર્ષોથી ‘કર્મશીલ’ માનીએ છીએ. ભેંસ પણ કર્મની વાતે ગીતાને અનુસરે છે. કાળી ભેંસની સેવાઓ દૂધ જેવી સફેદ છે.
જો કે, હવે અમે માનવા માંડ્યા છીએ કે ‘રન-વે પર ભેંસ’ એ બિના ઐતિહાસિક બનવા જઈ રહી છે. ના, હજી સુધી સુરતના ‘ફૅસબુક’ – રસિયા કવિઓએ, ગઝલ-ગીત-વાર્તા લખીને તરતાં-ફરતાં મૂક્યાં નથી. કેમ કે ભેંસો હજી સિરિયલોમાં લેવાઈ નથી. અમદાવાદ દૂરદર્શન પર મંગુબહેન અને એમની ભૂરી ભેંસની સિરિયલ જરૂર આવેલી, જેમાં ભેંસો વતી ભૂરી સરસ બોલતી હતી. એમાં સૌંદર્યદૃષ્ટિ નહિ પણ આર્થિક દૃષ્ટિ રહેલી. ‘રન-વે પર ભેંસ’ મરી ગઈ, એ વિશે ગઝલહઝલ લખતાં લખાશે પણ ભેંસ વિશે હવે સાહિત્યક્ષેત્રેય સંશોધકો સંશોધનો કરવા કમરે ભેંસચર્મના પટ્ટા બાંધી-કસી રહ્યા છે. રમેશ પારેખે સડક પર ‘કાગડો મરી ગયો’ એવી હઝલ-કમ-ગઝલ લખેલી. એના વિશે-એના સ્વરૂપ વિશે મૂર્ધન્ય વિવેચકોએ ચર્ચાપત્રો લખીને, ઠરવા આવેલી સાહિત્ય-તાપણીનું તાપમાન વધારી દીધેલું. આ કિસ્સામાં તો ‘ભેંસ મરી ગઈ’ એમ કહેવું ભેંસને અન્યાયકર્તા છે, ખરેખર તો ભેંસ શહીદ થઈ ગઈ હતી. હા, વિમાનના બધા પૅસેન્જર્સને બચાવવા ભેંસે મૃત્યુ વ્હોરી લીધું – એણે જાતના ત્રણ ટુકડા થવા દીધા … પણ વિમાનને તો બચાવી લીધું. ‘રન-વે પરની ભેંસ’ અમર રહો ! આ શહીદી ઐતિહાસિક છે, કેમ કે આ શહીદ ભેંસે ‘વિકાસ’-નું સર્વાંગીણ ચિત્ર રજૂ કર્યું છે. હવેથી ભેંસ વિશે મુક્તક કે વાર્તા લખવાથી નહિ ચાલે. હવે તો પૂરા કદનાં ખંડકાવ્યો તથા નવલકથાઓ લખાવાં જોઈએ. ભેંસ કાગડાથી તો હજાર ગણી મોટી હોય છે. ભેંસને એક ગઝલ કે સૉનેટમાં ખતવી દેવાથી નહિ ચાલે. છંદ ન જાણનારા પણ અછાંદસમાં ભલે લખે. બાબુ સુથારે એમની બોડી ભેંસ વિશે લખતાં છંદનાં ઝાંઝર ત્યજી દીધાં છે.
પન્નાલાલ પટેલે (‘મા’) અને પીતામ્બર પટેલે (‘અંજળપાણી’) ભેંસને વિશે એકાધિક વાર્તાઓ લખી છે. ભેંસ ભાવના તથા લાગણીનો વિષય હોવા સાથે કુટુંબની કમાનાર સભ્ય પણ છે.
ગુજરાતી કવિતા-કથાની ‘બોડી’ (ભેંસ) આ સંદર્ભે તપાસી શકાય. “ભેંસ અને કુટુંબ : પરસ્પરના સંબંધો, પરિણામો અને પ્રાપ્તિ” એવો વિષય લઈને સમાજવિદ્યાવાળા યુ.જી.સી.માં મેજર રિસર્ચ પ્રોજેક્ટ મૂકી શકે છે. રન-વે ઉપર ભેંસના આગમનથી ઘણી દિશાઓમાં પ્રકાશ ફેલાયો છે. હા, ભાઈ ! ભેંસ કાળી હોવા છતાં એનું શ્વેત દૂધ જો ક્રાંતિ લાવી શક્યું તો એ પ્રકાશ પણ ફેલાવશે જ એમાં બેમત નથી. ભેંસને ગુજરાતી લલિતનિબંધમાં અવતારવાના ‘ભગીરથ’ – પ્રયાસો પણ થયા છે. અમારા એક શિખાઉ ચરિત્ર-નિબંધકારે ‘ના-ગોરી ભેંસ’નું રેખાચિત્ર દોર્યું છે. શબ્દોમાં ! ‘ના-ગોરી’ એટલે કે જે ‘ગોરી’ – ચાંદની જેવી નથી તે – કાળી ભેંસ ! ગુજરાતી નિબંધ ક્ષેત્રે આવું લેખન બલકે અર્પણ વિરલ છે. ભેંસના એમના ચિત્રમાં એમણે ઘણા રંગો પૂર્યા છે, પણ ચિત્ર તો ‘બ્લૅક’ જ છે.
છેલ્લા દોઢ-બે દાયકામાં અનુઆધુનિક ભેંસોના તબેલાઓએ ગામડાંની સિકલ સાવ બદલી નાખી છે. અમારાં ફૂલીમા એક વખત બી.એડ્. થયેલા ભત્રીજા હર્ષદને કહેતાં હતાં કે, ‘આ તમારી સરકાર ! માસ્તરોને માંડ ચારપાંચ હજાર પગાર આલે છે ને એનાથી તો આ મારી ભૂરી(ભેંસ)નો પગાર (દૂધની આવક) ચાર ગણો છે, ભૈ ! મારી ભૂરી તો એમ.બી.એ. છે, હા !’ ને તમે નહિ માનો, અમારા હર્ષદે તબેલો કરી દીધો – આજે મહિને લાખ કમાય છે. ને પેલાં સરપંચનાં વહુ રમીલાબહેન તો વર્ષે પચાસ લાખનું દૂધ ભરાવે છે. ભેંસ તો હવે પ્રેરણા બનતી જાય છે. વિકાસના પ્રતીક જેવી ભેંસ પર હવે સંશોધનો ન થાય તો જ નવાઈ ! વિષય તો જુઓ ! એમ.ફિલ. / પી.એચડી.ની પ્રપોઝલ્સ જેવા ! હાસ્તો !
– ‘ગુજરાતના / દેશના આર્થિક વિકાસમાં ભેંસોનું પ્રદાન : એક અધ્યયન.’ (અર્થશાસ્ત્ર વિષયનો પ્રોજેક્ટ)
– ‘ગુજરાતી સાહિત્યમાં ભેંસ-નિરુપણઃ એક અભ્યાસ’ (ગુજરાતી સાહિત્ય)
– પટેલ સર્જકોના કથાસાહિત્યમાં ભેંસવર્ણનઃ સંવેદન અને અભિવ્યક્તિના વિશેષ સંદર્ભમાં અભ્યાસ. (ગુજરાતી સાહિત્ય)
આ ઉપરાંત શાસ્ત્રોમાં એમ.ફિલ. માટે પણ નવો અવકાશ રચાયો છે. ભેંસોના પ્રકારો અને દૂધપ્રાપ્તિ. ભેંસ-ઘાસ-દાણા અને દૂધની માત્રા. વગેરેનો અભ્યાસ. કદાચ, સરકાર ભેંસ માટે થઈને નવી વેટરનરી તથા ડેરી સાયન્સને લગતી યુનિવર્સિટી પણ શરૂ કરે તો નવાઈ નહીં. આથી ગુજરાતને વધુ એક કુલપતિ વિશે જ્ઞાન મળી શકે !
ભેંસો નમ્રતા જાણે છે. ગાયમાતાની જેમ એ બજારનો કચરો નથી ખાતી ને રખડવા પણ નથી જતી. આજકાલ તો પટલાણીઓની જેમ ભેંસો પણ સીમવગડે નથી જતી. ભલો એમનો તબેલો, ખાણદાણ, નહાવું ખાવુ ને દૂધ દેવું, બસ ! લીલાલહેર છે. ભેંસ થોડો વિદ્રોહ પણ કરે છે. જ્યારે માલિક, ‘પાડો’ જન્મે ત્યારે ભેંસની જાણ બહાર એ પાડાને મરાવી નાખે છે ત્યારે ભેંસ બૅંકના કર્મચારીઓની જેમ પ્રતીક હડતાળ પાડે છે. દૂધ નહી આપું ! પણ પછી ‘ક્લિયરન્સ’ વધુ વખત અટકાવી શકાતું નથી !’ અબલા તેરી યહી કહાની-આંચલમેં દૂધ, આંખોમેં પાની’ !
ભેંસની પાસે કાયમ ‘વાગોળવા’ જેવું ઘણું બાકી હોય છે. (ભેંસ ખાવામાં ભીમની બહેન છે.) એટલે એને ‘ભાગવત’ સાંભળવાનો કંટાળો આવે છે. ‘જેની લાઠી એની ભેંસ’ એવું હવે નથી રહ્યું. હવે તો ‘જેની પાસે ખાણદાણ ને રજકો એની સાથે ભેંસ’ – એ વાત બધે જ દેખાય છે. ભાગોળે પણ નહિ જનારી ને શીંગડાંનો ભાર નહિ ઉપાડનારી આજની ડાહી-શાણી ભેંસો હેલીપૅડ તથા રન-વે ઉપર કેમ ગઈ હશે ? અભ્યાસનો ખરો વિષય આ પણ છે. વિકાસ માટે કામ કરતી-દિવસરાતનું દૂધ કરતી ભેંસને શહીદીનો વિચાર આવે, એની પાછળ વિદેશી તાકાતોનો કે દેશના આંતરિક દુશ્મનોનો તો હાથ નથી ? એ વિશે સંસદમાં ચર્ચા થવી જોઈએ, એમ પ્રિન્ટ-મીડિયાવાળા માને છે.
આપણે ત્યાં ભેંસનો મહિમા કરવાનો રિવાજ નથી. એ લાભ આપણે માત્ર ગાયમાતાને ફાળવી આપેલો છે. આ પક્ષપાત માટે ઉદાર-શાંત ભેંસે કદી શીંગડાં માંડ્યાં નથી. ‘આપણા લેખકો અને ચિંતકોના ઘડતરમાં ભેંસની ભૂમિકા’ એવા વિષય પર સુદીર્ઘ સંશોધનલેખ થઈ શકે એમ છે. આજે તો અભ્યાસીઓ આવી વાતે એમફિલ તથા પીએચડી પણ થઈ શકે એટલો વિકાસ થયો છે. ભેંસ પર સવારી કરનારા, નદીતળાવમાં ડૂબતાં ભેંસનું પૂંછડું પકડી (વૈતરણી) તરી જનારા, ભેંસો ચરાવતાં-ચરાવતાં લેખક થઈ જનારા ને નોબેલ મેળવનારા (ચીનમાં) સર્જકોની, ચિંતકોની વાતો આપણે જાણી-માણી છે. હવે બહુધા ભેંસો વાડીમાં ને તબેલામાં માનપાનભર્યું સ્થાન પામી છે. એટલે ભેંસો ચરાવનારા નવા લેખકો આવવાની શક્યતા ઘટી છે. આમાં વાંક ડેરી-વિકાસનો પણ છે. જો કે ‘વિકાસનો વાંક’ કહેવામાં દેશદ્રોહ ગણાય છે.
પાણી અને નહાવાની બાબતે આપણી પરંપરામાં ભેંસને બ્રાહ્મણની સમકક્ષ ગણાવી છે. દા.ત., ‘ભેંસ, બ્રાહ્મણ અને ભાજી / પાણી જોયું એટલે રાજી-રાજી’. રોડ પર ચાલતી ભેંસની નીડરતા તથા ધીરજ જોઈને ઘણા ભેંસને આધુનિક ‘આર.ટી.ઓ.’ની સમકક્ષ મૂકે છે. નાથુકાકા કાદવમાં આળોટતી એમની ભેંસને ભ્રષ્ટાચારમાં આળોટતા નેતાનું નામ આપે છે. ભેંસની કમાણી પર ઘર ચલાવતાં મારાં ધનીફોઈ ભેંસને ‘ધનલક્ષ્મી’, ‘ઊજળી લક્ષ્મી’ પણ કહે છે. પતિસેવા કરવા કરતાં ભેંસસેવા કરવાથી વધુ લાભ મેળવીને સ્વાવલંબી બનેલી પત્નીઓ વધતી જાય છે.
ગ્રામોદ્ધારમાં અગ્રીમ ફાળો આપનાર ભેંસનાં ચરિયાણોમાં હવે ‘હેલીપૅડ’ બની રહ્યાં છે. ભેંસના ‘ચરણપ્રદેશ’માં ‘ઍરપોર્ટ’ દબાણ કરતું ચઢી આવે છે. ત્યારે વાંક ભેંસનો નથી, એ તો એના પ્રિય ચરણપ્રાંતમાં જ હતી … ‘રન-વે’ એનો ‘મરણ-વે’ બન્યો છે, એ યંત્રયુગની મર્યાદા છે. ‘જે પોષતું તેને જ મારતું’ – આ વિપરીત કલ્ચર નહીં ચલાવી લેવાય.
નાથુકાકા મને કહે છે : “મનુભાઈ, અમેરિકામાં ભેંસો નથી એમ સાંભળ્યું છે. ત્યાં તો માઈલોના માઈલો ખાલી વેરાન પડ્યાં છે ને ? જો અમેરિકા ખરેખર રંગભેદમાં ના માનતું હોય, તો ઓબામાએ ભેંસને ‘વિઝા’ આપવો જોઈએને ?! ને દૂધ તો બધાં પ્રાણીઓનું ધોળું જ હોય છે ! જેમ લોહીનો રંગ બધે જ લાલ હોય છે !” જોઈએ હવે ભેંસોનું નસીબ કેવું છે તે ! ઓબામા આવી જ રહ્યા છે …
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 19
![]()

